રાજેશ ખન્ના : તેમને પોતાનો જ ચહેરો જોવો ગમતો નહોતો?

- લેેખક, રેખા ખાન
- પદ, મુંબઈથી, બીબીસી માટે
રાજેશ ખન્ના પોતાના પ્રશંસકોમાં 'કાકા'ના નામની જાણીતા હતા. રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર (1942) અને મૃત્યુ 18 જુલાઈ (2012)ના રોજ થયું હતું.
રાજેશ ખન્નાએ જ વર્ષ 1960 અને 1970ના દાયકામાં પડદા પર રોમાન્સને નવી ઓળખ આપી હતી.
બીબીસીએ રાજેશ ખન્નાના કેટલાક નજીકના મિત્રો અને સહ-અભિનેતાઓ સાથે વાત કરી હતી. જેમણે રાજેશ ખન્ના સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શૅર કરી હતી.

અનીતા અડવાણી, નજીકનાં મિત્ર (તેમના જ શબ્દોમાં)

ઇમેજ સ્રોત, ANITA ADVANI
હું તેમને પહેલી વખત મળી ત્યારે મારી ઉંમર ખૂબ નાની હતી. મારા એક પરિચિત મને ફિલ્મનું શૂટિંગ જોવા લઈ ગયા હતા.
તેઓ સેટ પર એક ખુરશી પર ટુવાલ લપેટીને બેઠા હતા. હું તેમને જોતી જ રહી ગઈ.
ત્યારથી માંડીને અત્યાર સુધી મને તેમના સિવાય બીજું કોઈ સારું લાગ્યું નથી. હું તેમને ફરી વખત મહેબૂબ સ્ટુડિયોમાં મળી હતી. ત્યારે મારી ઉંમર 13 વર્ષ હશે.
ત્યારબાદ આઠ-દસ મહિના સુધી સતત તેમને મળતી રહી હતી. તેઓ મને જોઈને ખુશ થઈ જતા હતા. હું સમજી શકતી નહોતી કે આટલા મોટા સુપરસ્ટાર મને કેમ આટલી પસંદ કરે છે.
હું મારા વતન જયપુર જતી રહી અને અમારી વચ્ચે સંપર્ક તૂટી ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ફરી મુલાકાત

ઇમેજ સ્રોત, PR
પછી ઘણાં વર્ષો બાદ 1990-91માં ફરી હું તેમને એક પાર્ટીમાં મળી હતી. તેઓ મારી નજીક આવ્યા અને મળવાનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો.
વર્ષ 2000 બાદ હું મુંબઈ સ્થિત તેમના ઘર 'આશીર્વાદ' પણ આવવા લાગી.
કાકાજી એકલતાથી ખૂબ ડરતા હતા. તેઓ રાત્રે ટીવીનો અવાજ ઊંચો રાખીને તેમજ ઘરની લાઇટ ચાલુ રાખીને ઊંઘતા હતા.
મને એક વાત આશ્ચર્યજનક લાગતી હતી કે તેઓ પોતાની જ ફિલ્મો જોતા નહોતા. ટીવી પર જ્યારે તેમની કોઈ ફિલ્મ આવતી તો હું કહેતી કે કાકાજી, ચાલો આ ફિલ્મ જોઈએ.
તો તેઓ મને કહેતા કે મારે નથી જોવી, તમે જ જુઓ. કદાચ પોતાને સ્ક્રીન પર જોવું તેમને પસંદ નહોતું.

ખૂબ ગુસ્સો કરતા

તેઓ દરેક કામ વ્યવસ્થિત રીતે થયેલું જ પસંદ કરતા હતા. કોઈ વાત તેમને પસંદ ન આવી હોય અથવા તો કોઈ સામાન તેની જગ્યાએ ન હોય તો તેઓ ખૂબ ગુસ્સો કરતા હતા.
તેમનો સ્ટાફ તેમનાથી ખૂબ ડરતો હતો. ઘણી વખત તેઓ ગુસ્સામાં જમવાની થાળી પણ ફેંકી દેતા હતા.
પરંતુ સાંજ થતાં સુધી તેઓ એક બાળક જેવા બની જતા હતા. જીદ કરવા લાગતા કે મારે આઇસક્રીમ ખાવો છે. મને છોલે ભટૂરે ખવડાવો, વગેરે વગેરે.
તેઓ ખૂબ રોમૅન્ટિક હતા. ઘણી વખત પોતાના ગીત 'મેરે સપનોં કી રાની' સાંભળતા સાંભળતા નાચવા લાગતા હતા.
તેઓ ધાર્મિક પણ હતા. ઘરમાં પૂજા-પાઠ પણ કરતા હતા.

અંતિમ સમય

ઇમેજ સ્રોત, ASHVIN THAKKAR
દારૂ તેમના માટે ખૂબ નુકસાનકારક સાબિત થયો. અંતિમ દિવસોમાં તેઓ ખૂબ નબળા પડી ગયા હતા. વારંવાર જમીન પર પડી જતા હતા.
જેના કારણે તેમને ઘણી જગ્યાએ ફ્રૅક્ચર પણ થઈ ગયાં હતાં. અંતિમ દિવસો દરમિયાન તેઓ ખૂબ ઉદાસ રહેતા હતા. ઊંઘતા નહોતા. કહેતા હતા કે કોઈ બીજા ગ્રહ પરથી આવશે અને મને લઈ જશે.
તેમને મૃત્યુનો ડર લાગતો હતો. વારંવાર તેઓ કહેતા હતા કે હું 70 વર્ષ કરતાં વધારે નહીં જીવી શકું. તેઓ તેની પહેલાં જ જતા રહ્યા.

જુનિયર મહેમૂદ, સહ-અભિનેતા (તેમના જ શબ્દોમાં)

ઇમેજ સ્રોત, PREM CHOPRA
"મેં 'દો રાસ્તે', 'કટી પતંગ' અને 'આન મિલો સજના' સહિત કાકાજી સાથે દસ કરતાં વધારે ફિલ્મો કરી હતી.
તેમની સુપર સ્ટારડમનો જે જમાનો મેં જોયો છે, તેવી લોકપ્રિયતા મને નથી લાગતું કે બીજા કોઈને મળી હશે.
એક વખત તેમનું શૂટિંગ જોવા કૉલેજથી કેટલીક છોકરીઓ આવી હતી.
કાકાજી સેટ પર પહોંચ્યા અને છોકરીઓએ તેમને ઘેરી લીધા હતા. કાકાજી માટે છોકરીઓ અંદરોઅંદર ઝઘડવા લાગી હતી. તે દરમિયાન કાકાનાં કપડાં પણ ફાટી ગયાં હતાં.

સેટ પર શાંત રહેતા હતા

ઇમેજ સ્રોત, AFP
સેટ પર કાકા ખૂબ શાંત રહેતા હતા. સહ-કલાકારો સાથે પણ ખૂબ ઓછી વાતો કરતા હતા.
ક્યારેક ક્યારેક મારા હાલચાલ પૂછી લેતા, પણ વધુ વાત કરતા નહોતા. સ્પૉટબૉય અથવા તો સેટ પર હાજર આસિસ્ટન્ટ તરફ તો તેઓ ધ્યાન પણ ન આપતા.
ધીરેધીરે અમારી વચ્ચે સંપર્ક ઓછો થતો ગયો. ઘણાં વર્ષો પહેલાં અમે ઍરપૉર્ટ પર મળ્યા હતા. તેમણે પ્રેમથી મારા હાલચાલ પૂછ્યા અને પછી અમે બન્નેએ અમારા અલગઅલગ રસ્તા પકડ્યા.
એ મારી તેમની સાથેની છેલ્લી મુલાકાત હતી.

પ્રેમ ચોપડા, સહ-અભિનેતા (તેમના શબ્દોમાં)

ઇમેજ સ્રોત, PREM CHOPRA
મેં તેમની સાથે બે-ત્રણ નહીં પણ 25-26 ફિલ્મો કરી હતી. અમે મિત્રોની જેમ રહેતા હતા. મજાકમસ્તી કરતા. હું તેમના ઘરે જમવા જતો હતો. તેમને દાળ બનાવવાનો ખૂબ શોખ હતો.
તેમના વિશે એવું કહેવાતું છે કે તેઓ ખૂબ ઘમંડી હતા, પરંતુ મને એવું જરા પણ લાગતું નહોતું.
ઘણી વખત તેઓ પોતાના સહયોગીઓની મદદ પણ કરતા હતા, પરંતુ કોઈને ખબર પડવા ન દેતા.
તેમના જમાનામાં તેઓ ખૂબ પ્રખ્યાત હતા. હંમેશાં છોકરીઓનું ટોળું તેમની આસપાસ જોવા મળતું હતું.

અચાનક લોકોથી દૂર થઈ ગયા

ઇમેજ સ્રોત, PREM CHOPRA
તેમની સમસ્યા એ હતી કે તેઓ નિષ્ફળતાના દુઃખમાંથી બહાર ન નીકળી શક્યા.
બદલાતા સમયની સાથે તેઓ પોતાને બદલી ન શક્યા. અમિતાભ બચ્ચને જે રીતે સફળતાપૂર્વક સમય સાથે પોતાને બદલ્યા, તેવું કાકા ન કરી શક્યા.
પોતાના અંતિમ દિવસો દરમિયાન તેમનો દુનિયાના લોકો સાથેનો સંપર્ક જ તૂટી ગયો હતો.
એક વખત હું તેમને એક પાર્ટીમાં મળ્યો હતો. જૂના સાથી હોવાના સંબંધે હું તેમને ગળે મળ્યો, પરંતુ તેમની પ્રતિક્રિયા ખૂબ ઠંડી હતી.
એ જોઈને મને ખૂબ અફસોસ થયો. દુઃખ એ વાતનું ન હતું કે તેમણે મને ઉપેક્ષિત કરી નાખ્યો. દુઃખ એ વાતનું હતું કે તેઓ પોતાની જાતથી જ દુઃખી હતા.
(આ લેખ 2017માં સૌપ્રથમ વાર પ્રકાશિત કરવામાં આવ્યો હતો)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












