જાતીય સતામણી : 'એ મને લૅપટૉપમાં પોર્ન જોવાનું કહેતો અને...'

બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરનાર પતિનું ગુપ્તાંગ પત્નીએ કાપી નાખ્યાની ઘટના મધ્ય પ્રદેશના તિકમગઢમાં પોલીસના ચોપડે નોંધાઈ છે.

"આવું કામ કરતી વખતે સ્ત્રીએ કેટલી વેદના સહન કરવી પડી હશે?" એવો મત નારીવાદીઓ આ ઘટનાના સંદર્ભમાં કરે છે ત્યારે એવો સવાલ થાય છે કે "સ્ત્રીને, તેનો કાયદેસરનો સાથી કે પતિ શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડી શકે ખરો?"

"કમનસીબે, અદાલત વૈવાહિક બળાત્કારને માન્ય ગણતી નથી."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાયદેસર વિવાહિત મહિલા વૈવાહિક બળાત્કારની ફરિયાદ ન કરી શકતી હોય તો આ પરંપરાગત માળખામાં, લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી સ્ત્રીને શું અધિકાર છે?

દિલ્હીસ્થિત વકીલ સોનાલી કહે છે કે "કમનસીબે, અદાલત વૈવાહિક બળાત્કારને માન્ય ગણતી નથી."

કાયદેસર વિવાહિત મહિલા વૈવાહિક બળાત્કારની ફરિયાદ ન કરી શકતી હોય તો આ પરંપરાગત માળખામાં લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી સ્ત્રીને શું અધિકાર છે?

પોતાના સાથીદાર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ હૈદરાબાદ પોલીસમાં નોંધાવી ચૂકેલાં એક મહિલા સાથે બીબીસી તેલુગુએ વાત કરી હતી.

ઓળખ ગુપ્ત રાખવાના હેતુસર પીડિતાનું નામ બદલવામાં આવ્યું છે.

line

'એ સારવાર માટે આવ્યો હતો'

હૈદરાબાદનાં સાયકોલૉજિસ્ટ જ્યોતિ તેમના દર્દીના પ્રેમમાં પડ્યાં હતાં
ઇમેજ કૅપ્શન, હૈદરાબાદનાં સાયકોલૉજિસ્ટ જ્યોતિ તેમના દર્દીના પ્રેમમાં પડ્યાં હતાં

હૈદરાબાદનાં સાયકોલૉજિસ્ટ જ્યોતિ તેમના દર્દીના પ્રેમમાં પડ્યાં હતાં. એ દર્દી તેમની પાસે કાઉન્સેલિંગ થૅરપી માટે આવ્યો હતો.

બીબીસી સાથે વાત કરતાં જ્યોતિ કહે છે કે "હું બ્રિટનથી પાછો આવ્યો છું અને હવે કરિયરમાં બદલાવની ઇચ્છા છે એવું કહીને તેણે પોતાની ઓળખ આપી હતી. તે મારાં માતા-પિતાને મળ્યો હતો અને તેનાં માતા-પિતા સાથે મારી ઓળખ કરાવવા મને તેના ઘરે લઈ ગયો હતો. તેના એ કૃત્ય અને શબ્દોને કારણે એક પ્રકારના વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું."

દર્દી અને કાઉન્સેલરનો આ સંબંધ થોડા સમયમાં લિવ-ઇન-રિલેશનશિપમાં પરિવર્તિત થઈ ગયો હતો.

જ્યોતિ કહે છે કે "મને બિલકુલ શંકા નહોતી થઈ."

જ્યોતિના જણાવ્યા અનુસાર, પાર્ટનર સાથેના સંબંધમાં શરૂઆતથી જ સમસ્યાઓ સર્જાવા લાગી હતી, કારણ કે તેમનો પાર્ટનર ઘરની આર્થિક તથા સામાજિક જવાબદારીનું સહિયારું વહન કરતો નહોતો.

જ્યોતિ કહે છે કે "તેણે મારી સાથે સહજ કહેવાય તેવો સેક્સ સંબંધ ક્યારેય બાંધ્યો જ ન હતો."

"તે મને લેપટૉપમાં પોર્ન જોવાની ફરજ પાડતો હતો. પોર્ન વીડિયોમાં જોવા મળતી મહિલાઓનાં અંગોપાંગોનાં વખાણ કરીને તેને ઉત્તેજિત કરવાની ફરજ મને પાડતો હતો. એ પ્રક્રિયા કલાકો સુધી ચાલતી અને હું થાકી જતી હતી."

"તેનું આ સેક્સ્યુઅલ વર્તન ઘરની ચાર દીવાલો પૂરતું જ મર્યાદિત ન હતું. તે મને કાર અને સ્વિમિંગ-પૂલમાં પણ એવું બધું કરવાની ફરજ પાડતો હતો."

વીડિયો કૅપ્શન, એસેક્સ્યુઅલ લોકો માટે પ્લૅટફૉર્મ શરૂ કરનાર પાકિસ્તાની મૂળનાં મહિલા સના કરદરની કહાણી

જ્યોતિના જણાવ્યા મુજબ, તેમણે તેમના પાર્ટનરની વિકૃત જાતીય માગણીનો વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે પાર્ટનરે તેની જાતીય ભૂખ સંતોષવા માટે બહારથી બીજી કોઈ સ્ત્રીની વ્યવસ્થા કરી આપવા જ્યોતિને જણાવ્યું હતું.

જ્યોતિ કહે છે કે "એ બહુ અસાધારણ હતો. તેથી મેં તેની સાથે સંબંધ બાંધ્યો હતો."

સમય જતાં જ્યોતિને ખબર પડી હતી કે લગ્નની એક વેબસાઈટ મારફત તેણે જ્યોતિનો સંપર્ક સાધ્યો હતો અને વાસ્તવમાં તે કાઉન્સેલિંગ માટે જ્યોતિ પાસે આવ્યો નહોતો.

ઘરમાં વારંવાર થતી દલીલ અને ઝઘડાઓથી કંટાળીને જ્યોતિએ આખરે એક દિવસ પોલીસ ફરિયાદ નોંધાવાનો નિર્ણય કર્યો હતો.

જ્યોતિ તેમની સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતાં હોવાથી તેમના પ્રત્યે નકારાત્મક દૃષ્ટિકોણ દાખવવામાં આવ્યો હતો અને ફરિયાદ નોંધવામાં પણ જ્યોતિએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

એ ઉપરાંત પોલીસે તેમની સમસ્યાનું નિરાકરણ વ્યક્તિગત રીતે કરવાની સલાહ આપી હતી.

પોલીસના આવા અભિગમ છતાં જ્યોતિએ તેમના વકીલની મદદ વડે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં સિકંદરાબાદ તુકારામ ગેટ પોલીસ થાણામાં ભારતીય દંડસંહિતાની કલમક્રમાંક S.376 (2) હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જ્યોતિની ફરિયાદ નોંધવા સામેના વિરોધનાં કારણો જાણવા માટે બીબીસીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

હૈદરાબાદ પૂર્વ વિભાગના નાયબ પોલીસવડા એમ રમેશે કહ્યું હતું કે "બન્ને વ્યક્તિ વચ્ચે ભલે ગમે તે પ્રકારનો સંબંધ હોય, ફરિયાદ કાયદા અનુસાર જ નોંધવામાં આવે છે. સંબંધિત પક્ષોને પારસ્પરિક સમજૂતી વડે સમસ્યાના નિરાકરણની સલાહ અમે બહુ જૂજ કિસ્સામાં આપીએ છીએ."

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્ઝ બ્યૂરોના આંકડા મુજબ, ડૉમેસ્ટિક વાયોલન્સ ઍક્ટ હેઠળ 2020માં ઘરેલુ હિંસાના કુલ 446 કેસ નોંધાયા હતા.

line

લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતાં મહિલાઓને કેટલા અધિકાર?

ડૉમેસ્ટિક વાયોલન્સ ઍક્ટની બધી જોગવાઈઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતાં મહિલાઓને પણ લાગુ પડે છે
ઇમેજ કૅપ્શન, ડૉમેસ્ટિક વાયોલન્સ ઍક્ટની બધી જોગવાઈઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતાં મહિલાઓને પણ લાગુ પડે છે

વકીલ સોનાલી કહે છે કે "લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી મહિલાને પણ વિવાહિત મહિલા જેટલા જ અધિકાર છે. ડૉમેસ્ટિક વાયોલન્સ ઍક્ટની બધી જોગવાઈઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી મહિલાઓને પણ લાગુ પડે છે."

હૈદરાબાદસ્થિત વકીલ શ્રીકાંત ચિંતલાના જણાવ્યા મુજબ, "મહિલાનું શારીરિક શોષણ કરવાનો કે પોતાની ઇચ્છા અનુસાર અયોગ્ય રીતે જાતીય સંબંધ બાંધવાની ફરજ સ્ત્રીને પાડવાનો અધિકાર કોઈ પુરુષને નથી."

શ્રીકાંત ચિંતલાએ જણાવ્યું હતું કે સેક્સ દરમિયાન કશું અકુદરતી લાગે તો પોતાના પતિને ના કહેવાનો સંપૂર્ણ અધિકાર પણ સ્ત્રીને છે.

line

લિવ-ઇન-રિલેશનશિપ કાયદેસરની વ્યવસ્થા છે?

પાયલ શર્મા વિરુદ્ધ નારી નિકેતન કેસમાં ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે લિવ-ઇન-રિલેશનશિપ ગુનો નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાયલ શર્મા વિરુદ્ધ નારી નિકેતન કેસમાં ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે લિવ-ઇન-રિલેશનશિપ ગુનો નથી

પાયલ શર્મા વિરુદ્ધ નારી નિકેતન કેસમાં ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે લિવ-ઇન-રિલેશનશિપ ગુનો નથી.

ઇન્દ્ર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ડૉમેસ્ટિક વાયોલન્સ ઍક્ટ -2005ની તમામ જોગવાઈઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતાં મહિલાઓને પણ લાગુ પડે છે.

લિવ-ઈન-રિલેશનશિપના સંબંધને સ્વીકારવા માટે સમાજે હજુ લાંબો પંથ કાપવાનો છે, એમ જણાવતાં નારીવાદી લેખિકા કુપ્પિલી પદ્મા કહે છે કે "સ્વીકૃતિનો અભાવ જ અનેક સમસ્યાનું મૂળ છે."

પોલીસમાં ફરિયાદ નોંધાવવાની સાથે જ્યોતિના કેસનો અંત આવ્યો નથી. ફરિયાદ દાખલ કરતાંની સાથે જ જ્યોતિને તેમના પાર્ટનર તરફથી ધમકી મળવા લાગી હતી.

જ્યોતિએ તેમના પાર્ટનરનાં પ્રથમ પત્ની સુધાને મળીને તેમની વાત સમજવાનો પ્રયાસ કર્યો હતો. જ્યોતિએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ મારફત સુધાને શોધી કાઢ્યાં હતાં અને પાર્ટનરનાં પ્રથમ પત્નીએ તેમના પતિ વિશે વધુ આઘાતજનક ઘટસ્ફોટ કર્યા હતા.

વીડિયો કૅપ્શન, સેક્સ દરમિયાન આ ભૂલ થાય તો રેપનો ગુનો, સ્ટેલ્થિંગ શું છે?

બીબીસીએ પણ સુધાનો સંપર્ક સાધ્યો હતો અને સુધાનો પક્ષ જાણ્યો હતો.

સુધાએ કહ્યું હતું કે "તેના પરિવારને દહેજમાં અનેક ચીજો આપીને મેં તે માણસ સાથે લગ્ન કર્યાં હતાં. તેના પરિવારે દહેજમાં મોટરકાર, રોકડ, સોનું અને પલંગ સુધ્ધાંની માગણી કરી હતી."

સુધાના પિતાએ નવો પલંગ ન મોકલ્યો ત્યાં સુધી તેમના સાસરીવાળા લગ્ન પછી પતિના ઘરે થતી વિધિ કરવા તૈયાર ન હતા, એવું સુધાએ બીબીસીને જણાવ્યું હતું.

સુધાનાં લગ્ન 2017માં થયાં હતાં અને તેમનાં લગ્ન માત્ર પાંચ મહિના જ ટક્યાં હતાં.

સુધાએ કહ્યું હતું કે "લગ્નજીવનનો પ્રત્યેક દિવસ મારા માટે દુઃસ્વપ્ન સમાન હતો, કારણ કે અમારી વચ્ચે ઘનિષ્ઠ પારસ્પરિક સંબંધ નહોતો."

જ્યોતિ જેવી જ તકલીફોનો સામનો સુધાએ પણ કર્યો હતો.

line

વિકૃત વર્તન

સુધાએ કહ્યું હતું કે "મારા પતિને અકુદરતી સેક્સ પ્રવૃત્તિની યાદ અપાવવા માટે મારે દર ચાર કલાકે એલારામ મૂકવું પડતું હતું"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુધાએ કહ્યું હતું કે "મારા પતિને અકુદરતી સેક્સ પ્રવૃત્તિની યાદ અપાવવા માટે મારે દર ચાર કલાકે એલારામ મૂકવું પડતું હતું"

સુધાએ કહ્યું હતું કે "મારા પતિને અકુદરતી સેક્સ પ્રવૃત્તિની યાદ અપાવવા માટે મારે દર ચાર કલાકે એલારામ મૂકવું પડતું હતું. જો હું એવું ન કરું તો મારો પતિ મને કલાકો સુધી ઊભી રાખવાની શિક્ષા કરતો. એ કારણે મારા પગ સૂજી જતા અને હું બેભાન થઈને પડી જતી હતી."

"એ પછી તે રડતો અને તેણે રડવું પડ્યું એ બદલ તેને સોરી કહેવાની માગણી પણ કરતો હતો. તેનું આવું વર્તન મને સમજાતું ન હતું."

"એ દરમિયાન મને સર્વાઈકલ સ્પોન્ડિલાઇટિસ થયું હતું. મેં મારાં સાસુને મારા પતિની અસામાન્ય વર્તણૂકની ફરિયાદ કરી ત્યારે તેમણે મારી તકલીફના નિવારણને બદલે તેમના પુત્રની ઇચ્છાને તાબે થવાની સલાહ મને આપી હતી."

વીડિયો કૅપ્શન, કોરોનાકાળ અને લૉકડાઉન વચ્ચે સેક્સવર્કર્સ કેવી રીતે જિંદગી ગુજારી રહી છે?

"એક રાતે મારી સહનશક્તિનો અંત આવ્યો હતો અને હું નાઇટ ગાઉન પહેરીને મારા પિતાના ઘરે જવા નીકળી પડી. મારા પાસપોર્ટ સહિતની તમામ મૂલ્યવાન વસ્તુઓ આજે પણ મારા પતિના ઘરમાં પડી છે," એવું સુધાએ કહ્યું હતું.

પોતાના પતિની સારવાર, નિષ્ફળ પ્રયાસ અને એક વર્ષ રાહ જોયા પછી સુધાએ તેમના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. છૂટાછેડાનો કેસ હાલ ચાલી રહ્યો છે.

સુધાના પતિ હાલ જામીન પર છૂટેલા છે. પોલીસે તેમની ધરપકડનો પ્રયાસ સુધ્ધાં ન કર્યો હોવાનો આક્ષેપ છે.

વકીલ સોનાલીના મતાનુસાર, "પીડિતાના નિવેદનના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે, પરંતુ શકમંદના અધિકારો પણ સંપૂર્ણપણે પાછા ખેંચી શકાતા નથી એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે."

જૂન-2021માં બળાત્કારના એક કેસમાં પત્રકાર વરુણ હિરેમઠને અટકાયત પૂર્વે જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો.

હવે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે જ્યોતિ અને સુધા ન્યાય મળવાની રાહ જોઈ રહ્યાં છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો