હોલીવૂડ ફિલ્મોમાં સેક્સ સીનના શૂટિંગ વખતે શું ધ્યાન રાખવામાં આવે છે?

ઇમેજ સ્રોત, HBO
- લેેખક, વેલેરિયો પેરેસો
- પદ, બીબીસી સંવાદદાતા
મનોરંજનની દુનિયામાં નવા પ્રકારની નોકરીની તક ઝડપથી વધી રહી છે. એ નોકરી છે ઇન્ટિમસી કો-ઑર્ડિનેટરની, જે દરેક પ્રોડક્શન હાઉસના સેટ પર ઉપસ્થિત હોય છે.
#MeToo અભિયાન બાદ જ્યાં સેક્સ સીન કે અંતરંગ દૃશ્યોનું શૂટિંગ કરવાની જરૂર હોય છે ત્યાં આ કો-ઑર્ડિનેટર હાજર હોય છે.
એલિસિયા રોડિસ ન્યૂયૉર્કમાં એક સેટ પર કામગીરીના ભાગરૂપે ટહેલી રહ્યાં છે. ત્યાં ચાલતાં એક સીનના શૂટિંગ પર તેો ચાંપતી નજર રાખી રહ્યાં છે.
એ દૃશ્યોને તમે કૉમ્પ્લેક્સ કે ડેરિંગ બન્ને પ્રકારના કહી શકો. એક અગ્રણી અમેરિકન નેટવર્કની ટીવી સિરિયલના ગ્રૂપ સેક્સ સીનનું ફિલ્માંકન કરવામાં આવી રહ્યું છે.
આ શૂટિંગમાં ભાગ લઈ રહેલા તમામ 30 કલાકારો તેમની મર્યાદામાં રહીને શૂટિંગ કરે એ વાતનો ખ્યાલ દિગ્દર્શક રાખે એ નક્કી કરવાનું કામ એલિસિયાનું છે.
એલિસિયા પાસેના એક કાગળમાં આ કલાકારોની લેખિત સહમતી છે અને કૅમેરા ચાલુ થાય ત્યાકે કલાકારો સહજ રીતે શૂટિંગમાં ભાગ લે એ એલિસિયા જોઈ રહ્યાં છે.
ન્યૂયૉર્કના એક અન્ય ખૂણામાંના એક થિયેટરમાં ચેલ્સિયા પેસ એક કપલ વચ્ચેના ઇન્ટિમેટ સીન્સની કોરિયોગ્રાફી કરી રહ્યાં છે.
ચેલ્સિયા સેક્સ્યુઅલ શબ્દાવલિના ઉપયોગ વિના કપલને જણાવે છે, "તમે બન્ને એકમેકને સ્પર્શ કર્યા વિના તમારા પાર્ટનર સાથે મસલ્સના સ્તરે સંપર્ક સ્થાપિત કરો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સૂચના અનુસાર બન્ને કલાકાર ફરી એ સ્ટેપ્સ પર કામ કરે છે.

ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર

ઇમેજ સ્રોત, DAHLIA KATZ
એલિસિયા અને ચેલ્સિયા જે કામ કરી રહ્યાં છે તેને ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર કહે છે.
જૂજ વર્ષો પહેલાં આવા કામની તક જ ન હતી, પણ એલિસિયા અને ચેલ્સિયા જેવા પ્રોફેશનલોની માગ મનોરંજન જગતમાં ઝડપથી વધી રહી છે.
તાલીમ પામેલા હોવાને કારણે આ લોકો કલાકારો તથા પ્રોડક્શન હાઉસની મદદ કરે છે, જેથી શારીરિક સંપર્ક, ભેટવું, ચુંબન, ન્યૂડિટી અને સેક્સનાં સંવેદનશીલ દૃશ્યોનું યોગ્ય રીતે ફિલ્માંકન કરી શકાય.
અમેરિકન કલાકારોને શક્તિશાળી સંગઠન એસએજી-આફ્ટરાએ થોડા સપ્તાહ પહેલાં એક અત્યંત મહત્ત્વનો દસ્તાવેજ બહાર પાડ્યો હતો.
તેમાં જણાવ્યા મુજબ, સેક્સ સીન્સના ફિલ્માંકન માટે ઇન્ટિમસી નિષ્ણાતની નિમણૂકને ફરજિયાત બનાવી દેવામાં આવી છે, જે એક રીતે મનોરંજન જગતમાં જાતીય દુર્વ્યવહાર રોકવાના મોટા પ્રયાસોનો એક હિસ્સો છે.
એસએજી-આફ્ટરાનાં અધ્યક્ષ અને અમેરિકન અભિનેત્રી ગ્રેબિયલ કાર્ટેરિસ કહે છે, "અમારાં સભ્યોની સલામતી ચિંતા સંબંધે આ પગલું લેવામાં આવ્યું છે."
"ખાસ કરીને મહિલા કલાકારોએ તેમની મુશ્કેલીની વાત અમને કરી હતી. એ માત્ર વાઇનસ્ટીનનો કિસ્સો ન હતો. બીજા ઘણા લોકો પણ હતા."

ઇન્ટિમસી અને ન્યૂડિટી

ઇમેજ સ્રોત, EPA
હોલીવૂડમાં મૂવી મોગલ તરીકે વિખ્યાત 67 વર્ષના હાર્વી વાઈનસ્ટીન ન્યૂયૉર્કમાં ચાલતા બે કેસમાં ગયા મહિને દોષી પુરવાર થયા હતા.
તેમના વિરુદ્ધના આરોપોને પગલે જ વિશ્વમાં #MeToo અને ટાઇમ્સ અપ આંદોલનની શરૂઆત થઈ હતી.
એ પછીનાં ગત બે વર્ષમાં હોલીવૂડમાં ઇન્ટિમસી કો-ઑર્ડિનેટરોની માગમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.
ફાઇટ કોરિયોગ્રાફર તરીકે તાલીમ પામેલાં એલિસિયા રોડિસ કહે છે, "અમારી પાસે ફાઇટ સીન માટે સ્ટંટ કો-ઑર્ડિનેટર, ફાઇટ કોરિયોગ્રાફર હોય છે."
"એ લોકો શારીરિક હિંસાનાં દૃશ્યો દરમિયાન કલાકારોનું ઘણું ધ્યાન રાખે છે. જોકે, ઇન્ટિમસી અને ન્યૂડિટીનાં દૃશ્યોનું ફિલ્માંકન જોખમી સ્થિતિમાં થતું હોવા છતાં લોકો તેને મહત્ત્વ આપતા નથી, જે નિરાશાજનક છે."
રોડિસ હવે ફુલટાઇમ કો-ઑર્ડિનેટર છે અને ઇન્ટિમસી ડાયરેક્ટર્સ ઇન્ટરનેશનલનાં સહસંસ્થાપક પણ છે.
મનોરંજન જગતના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, હાલ અમેરિકા અને બ્રિટનમાં 50 ઇન્ટિમસી સ્પેશિયાલિસ્ટ્સ પ્રોડક્શન હાઉસિસને સલાહ આપી રહ્યા છે.
આવા લોકોની સંખ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષમાં દસ ગણાથી વધુ પ્રમાણમાં વધારો થયો છે.

શક્તિનો પ્રભાવ

ઇમેજ સ્રોત, Getty Images
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે નિર્દેશકોના આદેશ પછી જ કલાકારો ઇન્ટિમસીનાં દૃશ્યોને વધારે સારી રીતે શૂટ કરે છે. આવા કલાકારો મર્યાદામાં રહીને કામ કરે તેવી આશા રાખવામાં આવે છે.
2017માં સ્થપાયેલા થિયેટ્રિકલ ઇન્ટિમસી એજ્યુકેશન રિસર્ચ ગ્રૂપના સહસંસ્થાપક અને અભિનેત્રી ચેલ્સિયા પેસ કહે છે, "અમારે અભિનેતાઓ પર આધાર રાખવો પડતો હતો. અમે એવી આશા રાખતાં હતાં કે અભિનેતાના આઇડિયા અનુસાર કરવામાં આવેલું શૂટ દિગ્દર્શકની કલ્પના અનુસારનું હશે."
મનોરંજનમાં સત્તા-શક્તિના દબદબાનાં સમીકરણોને કારણે કલાકારો અને ખાસ કરીને મહિલા કલાકારો માટે પોતાનું મોં ખોલવાનું આસાન ન હતું. પોતે ખુશ નથી એવું મહિલા કલાકારો મોકળાશથી કહી શકતાં નહોતાં.
પેરી કહે છે, "આત્મરક્ષાનો પહેલો નિયમ એ જ છે કે તમને જે કહેવામાં આવે તેનું અનુસરણ કરો. આ નિયમ કલાકારોની ટ્રેનિંગનો હિસ્સો પણ હોવો જોઈએ."
ઑક્ટોબર-2017માં હાર્વી વાઈનસ્ટીનનું કૌભાંડ બહાર આવ્યું એ પહેલાં ઘણા સમયથી આ મુદ્દો જોર પકડી રહ્યો હતો.

'લિટલ રેપ'નો શિકાર

ઇમેજ સ્રોત, HBO
બર્નાડો બર્તુલુકી સાથે 1972માં પેરિસમાં લાસ્ટ ટેન્ગો નામની ફિલ્મમાં કામ કર્યાના દાયકાઓ પછી અભિનેત્રી મારિયા સ્કેનાઈડરે કહ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓને અત્યંત અપમાનિત કરવામાં આવ્યાં હતાં અને તેઓ 'લિટલ રેપ'ના શિકાર થયાં હતાં, કારણ કે દિગ્દર્શકે અસલામત જાતીય સંપર્કથી તેમના માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જી હતી. એ વખતે મારિયા માત્ર 19 વર્ષનાં હતાં.
ગેમ ઑફ થ્રૉન્સ ફિલ્મનાં કેટલાંક અશ્લીલ દૃશ્યોના ફિલ્માંકનને અભિનેત્રી ઇમિલિયા ક્લાર્કે તાજેતરમાં જ ડરામણું ગણાવ્યું હતું.
ઇમિલિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "હું ફિલ્મ સેટ પર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં હતી. આજુબાજુ અનેક લોકો હતા. મને ખબર નહોતી કે મારે શું કરવાનું છે. મારી પાસેથી શું અપેક્ષા હતી એ પણ ખબર ન હતી. મને એ ખબર ન હતી કે તમે શું ઇચ્છો છો. હું એ પણ જાણતી ન હતી કે હું શું ઇચ્છું છું."
#MeToo પછી હોલીવૂડમાં પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.
આવું જ એક પરિવર્તન એચબીઓની સિરીઝ ધ ડ્યૂસના સેટ પર જોવા મળ્યું છે. આ શ્રેણી ન્યૂયૉર્કમાં 1970માં વધી રહેલી પૉર્ન ઇન્ડસ્ટ્રી વિશેની છે.
તેમાં સેક્સવર્કર તથા પૉર્નસ્ટારની ભૂમિકા ભજવતાં ઇમિલી મેયાડે અધિકારીઓને જણાવ્યું હતું કે તેમનાં કેટલાંક નગ્ન દૃશ્યો છુપાવવામાં આવી રહ્યાં છે.

સેક્સનાં દૃશ્યોનું ફિલ્માંકન

ઇમેજ સ્રોત, ARI SHAPIRO
ઇમિલી મેયાડે એચબીઓના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "હું એક એવી કલાકાર છું, જેણે તેની આખી કારકિર્દીમાં સેક્સ્યુઅલ પાત્રો જ ભજવ્યાં છે. મેં મારો પહેલો સેક્સ સીન 16 વર્ષની વયે કર્યો હતો. એ મને ઘણી વાર અસહજ લાગ્યું હતું. પાછું ક્યારે ખસવાનું છે એ હું પળ વારમાં પામી જતી હતી."
આ રીતે, કોઈ અગ્રણી ટેલિવિઝન નેટવર્કના પ્રોડક્શનમાં સેક્સદૃશ્યોના ફિલ્માંકનમાં મદદ માટે એલિસિયા રોડિસને સામેલ કરવામાં આવ્યાં છે.
એલિસિયા કહે છે, "જે સ્ક્રિપ્ટમાં છે અને જે નથી તેના વિશે ચર્ચા કરી લો એવું હું હંમેશાં કહું છું. તેથી સેટ પર કોઈ પણ પ્રકારના આશ્ચર્યની આશંકા રહેતી નથી. હું દિગ્દર્શકના દૃષ્ટિકોણને સમજવાની સાથે કલાકારોની સીમાનો ખ્યાલ પણ રાખું છું."
એચબીઓએ બાદમાં જાહેરાત કરી હતી કે તેના ન્યૂડિટીવાળા ટેલિવિઝન શો માટે હવેથી ઇન્ટિમસી કો-ઑર્ડિનેટરોને કરારબદ્ધ કરવામાં આવશે. આ નિયમ નેટફ્લિક્સ, એમેઝોન અને એપલ પ્લસે પણ અપનાવ્યો છે.
હવે મોટાં થિયેટર્સ અને પ્રોડક્શન હાઉસિસમાં પણ ઇન્ટિમસી ડાયેરક્ટર દેખાવાં લાગ્યાં છે.
લંડનના વેસ્ટ ઍન્ડનાં પહેલા ઇન્ટિમસી ડાયરેક્ટર યારિત ડોર કહે છે, "ઇન્ટિમસી ડાયરેક્ટર મદદ કરવાની સાથે ક્રિયેટિવ પ્રોસેસનો હિસ્સો પણ હોય છે. કથા દર્શાવવામાં ઇન્ટિમસી કેટલી મહત્ત્વની છે એ અમારે જોવાનું હોય છે."
"થિયેટરમાં આ પ્રક્રિયા ચાર સપ્તાહની હોય છે. ટીવી અને ફિલ્મોમાં એ ઝડપથી કરવું પડે છે, કારણ કે તેમાં સેટ પર જતાં પહેલાં કલાકારો સાથે ઘણું કામ કરવાનું હોય છે."

નવી ભાષાશૈલી

ઇમેજ સ્રોત, ANDY DIFEE
લૉસ ઍન્જલસસ્થિત ઇન્ટિમસી ઍડવાઇઝર અમાનદા બેલુમેન્થલ કામુકતાથી ભરપૂર ટીવી સિરિયલ ધ અફેરમાં સલાહકાર તરીકે કામ કરે છે.
તેમના જણાવ્યા મુજબ, તેમનું કામ થોડુંક મધ્યસ્થીકર્તા જેવું, થોડું સલાહકાર જેવું અને થોડું કોરિયોગ્રાફર જેવું હોય છે.
ઇન્ટિમસી પ્રોફેશનલ્શ ઍસોસિએયેશનનાં સંચાલક બેલુમેન્થલ કહે છે, "કલાકારે અગાઉ પણ આવું કર્યું હતું. તેથી તેના માટે એ સહજ હશે એવું માની લેવામાં આવે છે, પણ હંમેશાં એવું હોતું નથી. ઘણી વાર અત્યંત મુશ્કેલ પણ હોય છે. હું સેટ પર કલાકારોને મર્યાદામાં રહેવામાં મદદ કરું છું."
ઇન્ટિમસી એક્સપર્ટ્સે પોતાના કામ માટેની ટેકનિક અને નિયમો પણ છેલ્લા એક વર્ષમાં વિકસાવ્યાં છે.
તેઓ સ્ક્રિપ્ટ વાંચે છે, લેખકો સાથે ચર્ચા-વિચારણા કરે છે અને સેક્સ સંબંધી દૃશ્યોના ફિલ્માંકનની ટેકનિકલ બાબતો વિશે પણ ચર્ચા કરે છે.
એસએજી-આફ્ટરાની ગાઇડલાઇન્સમાં પ્રોડક્શનનો તબક્કો પણ સામેલ છે. તેમાં ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર કલાકારો સાથે વન-ટુ-વન મુલાકાત કરતા હોય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રિહર્સલ પહેલાં કૉસ્ચ્યૂમ વિભાગ સાથે મળીને એ નક્કી કરે છે કે કલાકારોને યોગ્ય કપડાં મળી જાય. તેમાં પ્રોસ્થેટિક તથા જનનાંગોને ઢાંકવાં માટેના સિલિકોન પેડ તથા જાડાં કપડાંનો સમાવેશ થાય છે.
ઇન્ટિમેટ સીનના ફિલ્માંકન દરમિયાન ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર એ નક્કી કરે છે કે સેટ બંધ હોય અને યુનિટના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી હોય.
કો-ઑર્ડિનેટર ઘણી વાર કલાકારોની કોરિયોગ્રાફીમાં પણ મદદ કરતા હોય છે.
બેલુમેન્થલ કહે છે, "ફિલ્માંકનના સમગ્ર સમય દરમિયાન કલાકારોની સહમતીની સ્થિતિ જળવાયેલી રહે એ નક્કી કરવાનું પણ અમારા કામનો મોટો હિસ્સો હોય છે."
બ્રિટનમાં ડાયરેક્ટર્સ યુકે સંગઠન ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર્સની સેવા લેવાની દિશામાં કામ કરી રહ્યું છે. ઈતા ઓબ્રાયન બીબીસીનાં પહેલાં ઇન્ટિમસી ડાયરેક્ટર છે.
એ ઉપરાંત તેઓ નેટફ્લિક્સની 'સેક્સ એજ્યુકેશન' શ્રેણીનાં સલાહકાર પણ છે.

કલાકારોની દેખરેખની જવાબદારી

ઇમેજ સ્રોત, AMANDA BLUMENTHAL
ઓબ્રાયનના જણાવ્યા મુજબ, મર્યાદા નક્કી કરવાની જરૂરિયાત ઉપરાંત જરૂર પડ્યે શૂટિંગ અટકાવી દેવાની સહમતી પણ હોવી જોઈએ.
વિશ્લેષકો માને છે કે કાર ચેઝના અથવા બીજા કોઈ સ્ટન્ટ સીન્સ માટે જેટલી ચર્ચા-વિચારણા કરવામાં આવે છે એટલી ચર્ચા-વિચારણા ઉત્કટ આવેગનાં દૃશ્યો માટે પણ થવી જોઈએ.
એલિસિયા રોડિસ કહે છે, "ચુંબનનું દૃશ્ય હોય તો તેમાં ઉત્તેજના હોઈ શકે છે, પણ ત્યારે સ્તનને સ્પર્શ કરવાનું યોગ્ય છે? કે પછી ખભાને, પીઠને કે નિતંબને સ્પર્શ કરી શકાય? જનનાંગોનો સંપર્ક ન થાય એ અમે નક્કી કરીએ છીએ. દૃશ્ય ખાતર કલાકારો જનનાંગોના સંપર્ક માટે સહમત હોય તો પણ વચ્ચે એક આડશ હોવી જોઈએ."
આ અગાઉ કલાકારો માટે આવું બધું ધ્યાન રાખવાની જવાબદારી કૉસ્ચ્યૂમ તથા મેકઅપ આર્ટિસ્ટોની હતી. એ લોકો હાથમાં ગાઉન લઈને ઊભા રહેતા હતા અને બે શૉટ્સની વચ્ચે કલાકારોનું શરીર ઢાંકવાનું કામ કરતા હતા.
કૅમેરામાં વધુ ચીજો ન દેખાય. જેટલાની સહમતી છે એટલું જ દેખાય એ બાબતનો ખ્યાલ પણ તેઓ રાખતા હતા. હવે ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર્સ સેટ પર એક નવી ભાષાશૈલી લઈને આવ્યા છે. તેમાં સેક્સની વાત થતી નથી.
પેસ કહે છે, "કલાકારો એકમેકના શરીર સ્પર્શ કરતા હોય છે ત્યારે તેઓ કોઈ પાત્ર ભજવતા હોય છે, પણ કલાકારોમાં સ્નાયુઓના સ્તરે સંપર્ક થતો હોય છે. પોતાના પાર્ટનરને સહયોગ આપવા માટે હું કલાકારોને એવું કહીશ કે તમે તમારા પાર્ટનરના ચહેરા તરફ થોડો સ્કિન કૉન્ટેક્ટ કરો."

વ્યવસ્થાગત પરિવર્તન

ઇમેજ સ્રોત, MARLAYNA DEMOND
અલબત્ત, ઇન્ટિમસી સુપરવાઇઝરની નવી ભૂમિકા અપનાવવા સંબંધે ફિલ્મ ઉદ્યોગનું વલણ થોડું ઉદાસીન હોય એવું લાગે છે. દિગ્દર્શકો તથા નિર્માતાઓને શૂટિંગની ઝડપ ઘટવાનો ભય હોય એવું લાગે છે.
એ ઉપરાંત ખર્ચાની ચિંતા પણ છે, કારણ કે સ્પેશિયાલિસ્ટને કરારબદ્ધ કરવાથી ખર્ચો વધશે અને નાના પ્રોડક્શન હાઉસિસ માટે મુશ્કેલીઓ વધશે.
પેસ કહે છે, "અમે લોકો કંઈ સેક્સ પોલીસ નથી. ઘણી વાર દિગ્દર્શકોને લાગે છે કે તેઓ જેવી ન્યૂડિટી ઇચ્છે છે તેને રોકવાનું કામ અમે કરવાના છીએ. એ અમારું કામ નથી."
યારિત ડોર કહે છે, "કોઈ પણ ઇન્ટિમસી એક્સપર્ટ સાથે કામ કર્યા બાદ કેટલાક દિગ્દર્શકોને લાગે છે કે વધારાની આ વ્યક્તિને કારણે તેમનું ભારણ ઘટી ગયું છે. એ ઉપરાંત આ સલામત ઉપાય પણ છે."
જોકે, પરિવર્તન માટે હંમેશાં ખચકાતા મનોરંજન ઉદ્યોગ માટે આ પરિવર્તન જરૂરી છે.
કલાકારો, ખાસ કરીને મહિલા કલાકારોને તેમના અધિકારની વાત કરતાં રોકતા 'યસ કલ્ચર'માં આ એક પરિવર્તન જ છે.
પેસ કહે છે, "આ કામ એક રીતે ફિલ્મ સેટ પર સત્તાની વહેંચણીનું પણ છે. અમને એવા ડિરેક્ટર્સ જોઈએ, જે કલાકારોની વાત સાંભળી શકે અને એવા ઍક્ટર્સ જોઈએ, જે ડિરેક્ટર્સની જરૂરિયાત અનુસાર અભિનય કરી શકે."

સુરક્ષિત સમૂહ

ઇમેજ સ્રોત, FOREVER TONIGHT / SWETHA REGUNATHAN
ઇન્ટિમસી કોરિયોગ્રાફીની ટ્રેનિંગ લેતા પ્રોફેશનલ્સની સંખ્યા વધવાની સાથે ઇન્ટિમસી બાબતે જાગૃત કલાકારોની સંખ્યા પણ વધી રહી છે. તેનાથી ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવવામાં મદદ મળશે.
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ, ઇન્ટિમસી ડાયરેક્ટર્સ ઇન્ટરનેશનલના સર્ટિફિકેશન કોર્સની 10 જગ્યા માટે 70 લોકોએ અરજી કરી હતી.
ગેબ્રિયલ કાર્ટિરિસ કહે છે, "ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર્સની સંખ્યા ઓછી છે અને તેની માગ વધવી શરૂ થઈ છે એ હકીકત છે."
કલાકારોના જણાવ્યા મુજબ, આવા કો-ઑર્ડિનેટર્સમાં વિવિધતા પણ હોવી જરૂરી છે અને વધુ લોકો તેમાં આવશે પછી જ વિવિધતા આવશે.
રોડિસ કહે છે, "અત્યારે તો મહત્તમ મહિલાઓ જ છે. અહીં વિવિધ પશ્ચાદભૂવાળા એવા લોકો હોવા જોઈએ, જેઓ ઘટનાઓને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં નિહાળતા હોય."
રોડિસ ઉમેરે છે, "સમાન વર્ણના લોકોનો સમૂહ કેવી રીતે બનાવી શકાય એ ન જાણતા શ્વેત ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર ઘણી વાર યોગ્ય નથી હોતા. આપણે આવી જાગૃતિની પણ જરૂર છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












