મહિલા ખેલાડીઓ વિશે ભારતીયો શું માને છે? બીબીસી રિસર્ચ

ઇમેજ સ્રોત, ROBERTUS PUDYANTO/GETTY IMAGES
સ્પૉર્ટસ એટલે કે રમતગમતમાં મહિલાઓ પણ પુરુષો જેટલાં જ સારાં ખેલાડી હોય છે? બી.બી.સી.એ ભારતમાં હાથ ધરેલા સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીના મોટા ભાગનાએ આ સવાલનો જવાબ હકારમાં આપ્યો હતો.
સ્પૉર્ટ્સમાં મહિલા ખેલાડીઓ પ્રત્યેના દૃષ્ટિકોણ વિશેના આ રિસર્ચમાં બહુમતી લોકોએ મહિલા ઍથ્લેટ્સ માટે સમાન વેતનની તરફેણ કરી હતી.
અલબત્ત, સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીના 42 ટકા માને છે કે મહિલાઓની સ્પૉર્ટ્સ પુરુષોની સ્પૉર્ટ્સ જેટલી 'મનોરંજક' હોતી નથી.
મહિલા ખેલાડીઓના દેખાવ તથા બાળકોને જન્મ આપવાની તેમની ક્ષમતા બાબતે પણ નકારાત્મક ધારણા જોવા મળી હતી.
14 રાજ્યોમાં 10,181 પ્રતિસાદદાતાઓને આવરી લઈને કરવામાં આવેલા આ બીબીસી રિસર્ચમાં પુરુષો તથા મહિલાઓ માટે સ્પૉર્ટ્સનું કેટલું મહત્ત્વ છે, ક્યા ભારતીય રાજ્યોમાં વધુ સ્પૉર્ટ્સ રમાય છે અને ક્યા ઍથ્લેટ્સ દેશમાં વધારે જાણીતા છે એવા સવાલોના જવાબ પણ મેળવવામાં આવ્યા હતા.

સંશોધનનાં કેટલાંક મુખ્ય તારણ : ગીતા પાંડે, બીબીસી

ઇમેજ સ્રોત, FB
ભારતીય છોકરાઓ ક્રિકેટ, ફૂટબૉલ, વોલીબૉલ રમી શકે છે, દોડી શકે છે અને સાઇકલિંગ કરી શકે છે, પણ રમતની વાત આવે ત્યારે ભારતીય છોકરીઓ માટે આટલા બધા વિકલ્પ હોતા નથી.
તેને ભારતમાંના વ્યાપક જાતિગત ભેદભાવ અને લૈંગિક પક્ષપાત સાથે કમસે કમ થોડા ઘણા અંશે સંબંધ હોય એવું લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નહીં તો આ સર્વેક્ષણના પ્રતિસાદદાતાઓ પૈકીના 33 ટકા લોકો એકથી વધુ રમતોને મહિલાઓ માટે પ્રતિકૂળ શા માટે માને?
એવી રમતોની યાદીમાં કુસ્તી, મુક્કાબાજી કે કબડ્ડી અને વેઇટ લિફટિંગનો સમાવેશ થાય છે.
રિસર્ચનાં તારણ દર્શાવે છે કે મહિલાઓ માટે 'ઓછી અયોગ્ય' ગણાય તેવી પ્રવૃત્તિઓમાં ઍથ્લેટિક્સ અને ઇનડોર ગેમ્સનો સમાવેશ થાય છે.
જોકે, ભારતીય મહિલાઓ કઠણ માટીની બનેલી હોય તેવું લાગે છે. કુસ્તી, મુક્કાબાજી, કબડ્ડી અને વેઇટ લિફટિંગ જેવી 'પ્રતિકૂળ સ્પૉર્ટ્સમાં' ભારતીય મહિલાઓ પરંપરાગત જાતિગત માન્યતાઓને તોડીને વિશ્વ પર રાજ કરી રહી છે.
ઑલિમ્પિક્સ, કૉમનવૅલ્થ અને એશિયન ગેમ્સ સહિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અનેક ઇનામો જીતીને તેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે.

રમતગમતથી વિમુખ દેશ

ઇમેજ સ્રોત, MANASI NAYANA JOSHI/TWITTER
રિસર્ચનું તારણ દર્શાવે છે કે ભારતના પુખ્ત વયના 64 ટકા લોકો કોઈ પણ રમતમાં કે શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી.
આ આંકડાને પુરુષો તથા મહિલાઓમાં વિભાજિત કરીએ ત્યારે વધારે ચોંકાવનારું પરિણામ મળે છે.
લગભગ દોઢગણાથી વધારે (42 ટકા) પુરુષોએ જણાવ્યું હતું કે તેઓ મહિલાઓ (29 ટકા) કરતાં વધુ સ્પૉર્ટ રમ્યાં છે.
અલબત્ત, અન્ય વય કે જાતિજૂથની સરખામણીએ 15થી 24 વર્ષની વયના પુરુષો સ્પૉર્ટ્સમાં વધુ ભાગ લેતા હોવાથી રમતમાં ભાગીદારીનું આ પ્રમાણ વધુ છે.
વિવિધ ભારતીય રાજ્યો વચ્ચે પણ વ્યાપક વિસંગતતા જોવા મળી હતી.
દેશમાં સ્પૉર્ટ્સમાં ભાગ લેવાનું પ્રમાણ જે બે રાજ્યોમાં સૌથી વધારે છે તેમાં દક્ષિણના તામિલનાડુ (54 ટકા) અને પશ્ચિમના મહારાષ્ટ્ર (53 ટકા)નો સમાવેશ થાય છે.
પંજાબ અને હરિયાણા જેવા ઉત્તરનાં રાજ્યોમાં કુલ વસતી પૈકીના 15 ટકા લોકો જ સ્પૉર્ટ્સમાં ભાગ લેતા હોવાનું જાણવા મળ્યું હતું.

ભારતમાં સૌથી લોકપ્રિય ઍથ્લેટિક્સ

ઇમેજ સ્રોત, Getty Images
લોકોને સૌથી વધુ લોકપ્રિય ભારતીય ખેલાડીનું નામ પૂછવામાં આવ્યું ત્યારે મોટા ભાગનાએ ક્યારના નિવૃત્ત થઈ ગયેલા ક્રિકેટર સચીન તેંડુલકરનું નામ આપ્યું હતું.
અલબત્ત, આશ્ચર્યજનક વાત એ છે કે સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા પૈકીના 30 ટકા લોકો એક પણ સ્પૉર્ટ્સમૅનનું નામ આપી શક્યા ન હતા.
મહિલા ખેલાડીઓના સંદર્ભમાં આ પ્રમાણ વધુ ખરાબ હતું. બીબીસીએ જેમની સાથે વાત કરી એ પૈકીના 50 ટકા લોકો એક મહિલા ખેલાડીનું નામ આપી શક્યા ન હતા.
જોકે, 18 ટકા લોકોએ સંખ્યાબંધ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ્સ જીતેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનું નામ જરૂર આપ્યું હતું.
1970 અને 1980ના દાયકામાં ભારતીય ટ્રૅક અને ફિલ્ડ ક્ષેત્રે છવાયેલાં રહેલાં પી. ટી. ઉષાનું નામ આજે પણ કેટલાક ભારતીયોની સ્મૃતિમાં ટોચ પર છે.
સ્મૃતિના સંદર્ભમાં પી. ટી. ઉષા, હાલના બૅડ મિન્ટન સ્ટાર્સ પી. વી. સિંધુ અને સાઇના નેહવાલથી માત્ર એક જ પર્સન્ટેજ પૉઇન્ટ પાછળ રહ્યાં હતાં.
મહિલાઓ તથા પુરુષોની યાદીમાંથી કોઈ એક જ ઍથ્લીટની પસંદગી કરવાનું લોકોને કહેવામાં આવ્યું ત્યારે પરિણામ થોડું અલગ રહ્યું હતું.
83 ટકા પ્રતિસાદદાતાઓએ ઍથ્લિટ્સને ઓળખી શક્યા હતા, પણ એ વલણ પુરુષોની તરફેણમાં વધારે હતું.

તારણો પર વિહંગાવલોકન

42 ટકા પ્રતિસાદદાતાઓ માને છે કે મહિલાઓની સ્પૉર્ટ્સ પુરુષોની સ્પૉર્ટ્સ જેટલી 'મનોરંજક' હોતી નથી.
દેશના 33 ટકા લોકો હજુ પણ માને છે કે મહિલા ખેલાડીઓ 'સ્ત્રી જેવી લાગતી નથી.'
દેશના 64 ટકા લોકો કોઈ રમત રમતા નથી કે શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી.
લગભગ દોઢગણાથી વધારે (42 ટકા) પુરુષોએ જણાવ્યું હતું કે તેઓ મહિલાઓ (29 ટકા) કરતાં વધુ સ્પૉર્ટ રમ્યા છે.
રમત પુરુષની હોય કે મહિલાની, પણ સામાન્ય રીતે સ્પૉર્ટ્સમાં પુરુષો વધારે ભાગ લેતા હોવાની શક્યતા છે.
દેશમાં સ્પૉર્ટ્સમાં ભાગ લેવાનું પ્રમાણ જે બે રાજ્યોમાં સૌથી વધારે છે તેમાં દક્ષિણના તામિલનાડુ (54 ટકા) અને પશ્ચિમના મહારાષ્ટ્ર (53 ટકા)નો સમાવેશ થાય છે.
પંજાબ અને હરિયાણા જેવા ઉત્તરનાં રાજ્યોમાં કુલ વસતી પૈકીના 15 ટકા લોકો જ સ્પૉર્ટ્સમાં ભાગ લે છે.
સર્વેક્ષણના 30 ટકા પ્રતિસાદદાતાઓ એક મહિલા ખેલાડીનું નામ આપી શક્યા ન હતા.
કુસ્તી અને બૉક્સિંગ જેવી કૉન્ટેક્ટ સ્પૉર્ટ્સને મહિલાઓ માટે પ્રતિકૂળ ગણવામાં આવે છે.
અન્ય વય કે જાતિજૂથની સરખામણીએ 15થી 24 વર્ષની વયના છોકરાઓ સ્પૉર્ટ્સમાં વધુ ભાગ લે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













