આ સમાજ પોતાની મોટી દીકરીને કેમ સેક્સવર્કર બનાવે છે?

આજે પણ ઘણા બધા ભારતીય પરિવારો દીકરી સામે દીકરાને જ પસંદ કરે છે, પરંતુ હિનાનો જન્મ થયો ત્યારે તેમનાં માતાપિતાએ ઉજવણી કરી હતી.
કમનસીબે ઉજવણી ખોટા કારણસર હતી.
તેમનો જન્મ થયો હતો દેશના અંતરિયાળ વિસ્તારમાં રહેતી પછાત કોમ બછારામાં.
સદીઓથી આ કોમમાં ઘરની સૌથી મોટી દીકરી 10થી 12 વર્ષની થાય ત્યારે તેમને દેહવેપારમાં ધકેલી દેવાનો રિવાજ છે.
તેમની ઉંમર મોટી થાય ત્યાં સુધીમાં પરિવારની બીજી યુવતી તેમનું સ્થાન લે છે.
આ રિવાજને સ્વીકાર્ય રિવાજ તરીકે અનેક પેઢીઓથી ચલાવવામાં આવી રહ્યો છે. પરિવારના પુરુષ સભ્યો આ જુવાન દીકરીઓની આવક પર જ નભતા આવ્યા છે.
ઘણા બધા કેસમાં પિતા કે ભાઈ જ દલાલ તરીકેનું પણ કામ કરે છે.
આ કોમમાં લગ્નો પણ અનોખી રીતે થાય છે. અહીં દીકરીના ઘરવાળા દહેજમાં મોટી રકમ માગે છે, જેને સામાન્ય રીતે કન્યાવિક્રય કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'મારી પાસે બીજો શું વિકલ્પ છે?'

હિનાનો જન્મ થયો ત્યારથી તેમને વેશ્યાવૃત્તિ માટે તૈયાર કરવાનું શરૂ કરી દેવાયું હતું. તેઓ કિશોરી હતાં ત્યારે જ તેમને પરાણે આ કામમાં ધકેલી દેવાયાં હતાં.
બીબીસી સાથે વાત કરતાં હિનાએ જણાવ્યું હતું, "હું માત્ર 15 વર્ષની હતી ત્યારે જ મને આ કામમાં ધકેલી દેવામાં આવી હતી. મેં મારું ભણવાનું છોડી દીધું હતું. મારી માતાએ અને મારી નાનીએ જે કર્યું હતું, તે જ કામ મેં કર્યું."
રોજ તેઓ જુદાજુદા ગ્રાહકો સંભાળતાં હતાં. તેમાં ગામડાનો પૈસાવાળો પણ હોય અને ટ્રક ડ્રાઇવર પણ.
"18 વર્ષની થઈ ત્યાં સુધીમાં મને સમજાયું કે આ બહુ ખોટું છે. મને બહુ ગુસ્સો આવતો હતો, પણ હું શું કરું. મારી પાસે શું વિકલ્પ હતો?"
"હું કામ કરીને પૈસા ના લાવું તો મારો પરિવાર કેવી રીતે જીવશે?"
બછારા કોમ બહુ ગરીબ હોય છે અને સામાન્ય રીતે મહિલાઓ પર જ નિર્ભર રહેતી હોય છે.
સ્થાનિક એનજીઓના કૉ-ઑર્ડિનેટર આકાશ ચૌહાણના જણાવ્યા અનુસાર, "આ કામમાં રહેલી ત્રીજા ભાગની છોકરીઓ સગીરા છે."
એક સમયે ભટકતી આદિવાસી કોમ ગણાતા બછારા હાલમાં મધ્ય પ્રદેશના ત્રણ જિલ્લામાં ફેલાયેલા છે.
હાઈવે પર પડતાં ગ્રામીણ વિસ્તારોમાં જ તેઓ મોટા ભાગે રહે છે કે જ્યાં ટ્રક ડ્રાઇવરો આરામ કરવા રોકાતા હોય છે.

કામની રીત

સ્થાનિક રીતે 'ખીલાવડી' તરીકે જાણીતી આ કોમની યુવતીઓ દોરડાથી બનેલા ઝૂલા પર બેસીને એકલી કે જૂથમાં ગ્રાહકની રાહ જોતી હોય છે.
ઘણી વાર રસ્તા પર નાનકડી હાટડી જેવું પણ હોય. તેમાં પરિવારના જ કોઈ પુરુષો હોય, જેઓ સોદાબાજી કરવાનું કામ કરતા હોય છે.
તેઓ ટ્રક ડ્રાઇવરો સાથે સોદો કરતા હોય છે. સામાન્ય રીતે 100થી 200 રૂપિયા લેતા હોય છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કુંવારી છોકરી હોય તેના ભાવ વધારે હોય છે. ઘણી વાર 5000 રૂપિયા સુધીનો ભાવ બોલાતો હોય છે.
"દિવસ દરમિયાન ચારથી પાંચ ગ્રાહક આવતા હોય છે. રાત્રે અમે હોટેલમાં જઈએ છીએ કે નજીકની કોઈ જગ્યાએ.
હિના કહે છે, "રોગ લાગી જવાનો કાયમ ડર હોય છે."
તબીબી બેકાળજીને કારણે રોગો થવા વિશેનો એક અહેવાલ ધ હિન્દુ અખબારમાં વર્ષ 2000માં પ્રકાશિત થયો હતો.
અહેવાલ અનુસાર બછારા કોમના 5500 લોકોના લોહીના નમૂના લેવાયા, તેમાંથી 15%ને HIVનો ચેપ લાગેલો હતો.

ઘણી ખીલાવડીને સંતાનો પણ થતાં હોય છે. હિનાને પણ એક દીકરી થઈ હતી અને તેના કારણે તેના પર વધુ બોજ આવી પડ્યો હતો.
"ઘણી છોકરીઓ ગર્ભવતી થઈ જાય છે અને તે પછી પણ કામ કરવું પડે છે.
હિના કહે છે, "તેનાં સંતાનોની સંભાળ લેવા માટે પણ તેમના પર કમાણી કરવાનું દબાણ આવે છે."
છોકરી વેશ્યા તરીકે કામ કરવા લાગે તેના કારણે તેની જ કોમમાં તેનાં લગ્ન પણ થતાં નથી.
આખરે હિનાએ આવી સ્થિતિ સામે લડી લેવાનું નક્કી કર્યું હતું. તે માટે તેમણે સ્થાનિક એનજીઓનો સાથ લીધો હતો.
તેઓ કહે છે, "આ પ્રકારના દૂષણમાંથી પસાર થઈ હોય તે જ સમજી શકે કે છોકરીઓની હાલત શું હોય છે. મને ખબર છે કે કેવી હાલત હોય છે અને તેથી જ હું તેનો અંત લાવવા માગું છું."
આ કોમમાં આવા કામને કઈ રીતે માન્યતા મળી ગઈ તેના માટે ઘણી બધી થિયરી છે.
એક થિયરી અનુસાર ભટકતા આદિવાસી તરીકે તેમના માટે કમાણી કરવાનું મુશ્કેલ હતું. તેથી ગરીબીમાંથી બહાર નીકળવા માટે આવો માર્ગ અપનાવ્યો હશે.

કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં દીકરા માટેના મોહના કારણે પુરુષોની સામે સ્ત્રીની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે. પણ અહીં સમસ્યા ઊલટી થઈ ગઈ હતી.
આકાશ ચૌહાણ કહે છે , "આ કોમની વસતી 33,000 જેટલી છે. તેમાંથી 65 ટકા સ્ત્રીઓ છે."
સ્ત્રીઓની વધારે સંખ્યાનું એક કારણ આ વિસ્તારમાં છોકરીઓની ગેરકાયદે દાણચોરી પણ છે.
જિલ્લા પોલીસ વડા મનોજકુમાર સિંહે બીબીસીને જણાવ્યું હતું, "છેલ્લા કેટલાક મહિનામાં અમે આ વિસ્તારમાંથી 50 જેટલી સગીરાને છોડાવી છે."
"અમને એક બે વર્ષની બાળકી પણ મળી હતી, જેને અમે બાળગૃહમાં મોકલી આપી છે."
મનોજકુમાર કહે છે કે તેઓ અવારનવાર રેડ પાડે છે, પણ આ સમસ્યાના અંત માટે સામાજિક જાગૃતિ જ જરૂરી છે.
આ કોમ જ્યાં વસે છે તે મધ્ય પ્રદેશમાં સરકારે હાલમાં જ કાયદો પસાર કર્યો છે કે 12 વર્ષથી નાની બાળકી પર બળાત્કારના આરોપીને ફાંસી થશે.
18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધનારને કેદની સજામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
જોકે આવા કાયદાઓથી કોઈ ફરક પડ્યો નથી.

આગળ શું?

1993માં બછારા કોમમાંથી વેશ્યાવૃત્તિનો વ્યવસાય બંધ કરાવવા માટે યોજના લાગુ કરવામાં આવી હતી. એ યોજનાનો હજી સુધી પૂર્ણપણે અમલ થયો નથી.
મહિલા અને બાળકલ્યાણ વિભાગના અધિકારી રાજેન્દ્ર મહાજનના જણાવ્યા અનુસાર: "દર વર્ષે અમે આ યોજનાના અમલ માટે એનજીઓ આગળ આવે તે માટે જાહેરખબર આપીએ છીએ. જોકે હજી સુધી કોઈ એનજીઓ તે માટેની શરતો પૂરી કરી શકી નથી."
જબાલી નામથી ચાલતી યોજનામાં આ કોમની છોકરીઓને ભણાવીને, આરોગ્યની સુવિધા આપીને તથા જાગૃતિ ફેલાવીને થાળે પાડવા માટેની કોશિશ થાય છે.

જોકે આ બધા પ્રયાસોના થોડી થોડી અસર દેખાવા લાગી છે.
કોમની ઘણી યુવતીઓ વેશ્યાવૃત્તિનું કામ પડતું મૂકીને આગળ ભણવાનું તથા બીજા વ્યવસાય કરવાનું પસંદ કરવા લાગી છે.
સ્થાનિક રીતે પણ આવી છોકરીઓને મદદ કરવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે.
2016માં આ પ્રકારના પ્રયાસોના કારણે જ હિના આમાંથી બહાર આવી શક્યાં હતાં. હવે હિના આ પ્રકારનાં કાર્યોમાં મદદરૂપ થાય છે.
હિના કહે છે, "હું બીજી છોકરીઓને સમજાવું છું કે આ કામમાંથી બહાર આવવામાં તમને મદદ મળશે. હું તેમના માટે જે પણ થઈ શકે તે કરવા માગું છું."
એનજીઓ સ્થાનિક ધોરણે તાલીમ કેન્દ્ર ચલાવે છે, જેમાં કિશોરીઓને મફતમાં વ્યવસાયી તાલીમ આપવામાં આવે છે.
હિના કહે છે, "કમાણીનું બીજું કોઈ સાધન ના હોવાથી આ છોકરીઓને આ કામમાં રહેવાની મજબૂરી હતી. માત્ર શિક્ષણ જ તેમને આગળ વધવામાં મદદરૂપ થઈ શકે તેમ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













