મુઘલ બાદશાહ શાહજહાંનો પુત્રી જહાંઆરા સાથેનો સંબંધ વિવાદાસ્પદ કેમ હતો?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

મુઘલ બાદશાહ શાહજહાં તેમનાં સૌથી મોટી પુત્રી જહાંઆરા સાથે શતરંજ રમી રહ્યા હતા, ત્યારે જ મુમતાઝ મહલના ઓરડામાંથી એક ચાકર દોડીને આવ્યો અને કહ્યું કે મલ્લિકા મુમતાઝ બેગમની હાલત બહુ ખરાબ છે.

જહાંઆરા દોડીને પોતાનાં માતા પાસે પહોંચ્યાં અને થોડી જ વારમાં પિતા પાસે પરત ફર્યાં.

પુસ્તકનું કવર

ઇમેજ સ્રોત, IRA MUKHOTI

ખબર આપ્યા કે અમ્મી પ્રસવની અસહ્ય પીડા ભોગવી રહ્યાં છે અને શિશુનો જન્મ થઈ રહ્યો નથી.

શાહજહાંએ તેમના નિકટના દોસ્ત અને હકીમ આલિમ-અલ-દીન વજીર ખાંને તરત બોલાવ્યા. જોકે, તેઓ પણ મુમતાઝ મહલની પીડાને દૂર કરવામાં સફળ થયા નહીં.

પ્રખ્યાત ઇતિહાસકાર જદુનાથ સરકાર તેમના પુસ્તક 'સ્ટડીઝ ઇન મુઘલ ઇન્ડિયા'માં કવિ કાસિમ અલી આફ્રિદીની આત્મકથાને ટાંકીને લખે છે,

''માને મદદ કરવાના હેતુથી જહાંઆરાએ ગરીબોને રત્નો વહેંચવાનું શરૂ કર્યું, જેથી તેઓ દુઆ કરે અને દુઆથી તેમનાં માતા સાજાં થઈ જાય.''

"આ તરફ શાહજહાંની હાલત પણ રડીને ખરાબ થઈ ગઈ હતી. તેમની આંખોમાંથી જાણે પાણીની ધાર વહી રહી હતી. તે જ વખતે ગર્ભમાંથી જ બાળકનાં રડવાનો અવાજ આવ્યો.''

line

મુમતાઝની ઈચ્છા

મુમતાઝ મહલ

તેઓ લખે છે, ''એવી માન્યતા હતી કે બાળક પેટમાં જ રડવાં લાગે ત્યારે માતાનું બચવું મુશ્કેલ હોય છે. મુમતાઝે બાદશાહને પોતાની પાસે બોલાવ્યા અને કોઈ ભૂલ થઈ હોય તો માફી માગી. સાથે જ એક ઈચ્છા વ્યક્ત કરી."

"બાદશાહે પોતાની કસમ ખાઈને કહ્યું કે દરેક ઈચ્છા પૂરી કરાશે. મુમતાઝે કહ્યું કે તેમનાં મૃત્યુ બાદ એવો મકબરો બનાવાય કે જેવો દુનિયામાં કોઈએ ના બનાવ્યો હોય.''

જદુનાથ સરકારે લખ્યું છે, ''તે પછી તરત જ તેમણે ગૌહરઆરાને જન્મ આપ્યો અને હંમેશા માટે મુમતાઝની આંખો મીંચાઈ ગઈ.'

ઘણા ઇતિહાસકારોએ લખ્યું છે કે શાહજહાં આ આઘાતમાંથી કદી બહાર આવી શક્યા નહોતા.

ડબ્લ્યૂ. બેગલી અને ઝેડ. એ. દેસાઈના પુસ્તક 'શાહજહાંનામા ઑફ ઇનાયત ખાં'માં લખાયું છે,

''શાહજહાંએ સંગીત સાંભળવાનું બંધ કરી દીધું અને સફેદ વસ્ત્રો ધારણ કરી લીધા. સતત રડવાના કારણે તેમની આંખો નબળી પડી ગઈ હતી અને ચશ્મા પહેરવા લાગ્યા હતા.''

''અત્યાર સુધી એક પણ સફેદ વાળ દેખાય તેને કઢાવી નખાવતા હતા, પણ હવે મુમતાઝનાં મોતના એક અઠવાડિયા બાદ તેમના વાળ અને દાઢી સફેદ થઈ ગયા હતા.''

line

જહાંઆરા અને દારા શિકોહનો સાથ

દારા શિકોહ

આ ઘટના બાદ શાહજહાં તેમનાં સૌથી મોટાં પુત્રી જહાંઆરા અને પુત્ર દારા શિકોહ પર નિર્ભર થઈ ગયા હતા.

જહાંઆરાનો જન્મ એપ્રિલ 1614માં થયો હતો. શાહજહાંના એક દરબારીનાં પત્ની હરી ખાનમ બેગમે તેમને શાહી રીતરિવાજો શીખવ્યાં હતાં.

જહાંઆરા બહુ જ ખૂબસુરત હતાં અને સાથે વિદૂષી પણ હતાં. તેમણે બે ફારસી ગ્રંથો પણ લખ્યા હતા.

1648માં નવું નગર શાહજહાંનાબાદ બનાવાયું, તેની 19માંથી પાંચ ઇમારત તેમની દેખરેખમાં તૈયાર થઈ હતી.

સૂરત બંદરમાંથી થતી બધી આવક જહાંઆરાને ફાળે જતી હતી. તેમનું પોતાનું સાહિબી નામનું જહાજ પણ હતું, જે ડચ અને અંગ્રેજો સાથે વેપાર કરવા માટે સાત સમુદ્રોમાં ફરતું રહેતું હતું.

મશહૂર ઇતિહાસકાર અને 'ડૉટર્સ ઑફ ધ સન'નાં લેખિકા ઇરા મુખૌટી કહે છે, ''મેં જ્યારે મુઘલ મહિલાઓ વિશે સંશોધન શરૂ કર્યું તો ખબર પડી કે શાહજહાંનાબાદ, જેને આજે આપણે પુરાની દિલ્હી કહીએ છીએ તેનો નકશો જહાંઆરાએ તૈયાર કરાવ્યો હતો.''

''તે વખતનો સૌથી સુંદર ચાંદની ચોક પણ તેમણે જ બનાવ્યો હતો. તે પોતાના જમાનામાં દિલ્હીનાં સૌથી પ્રસિદ્ધ નારી હતાં.''

''તેમનું બહુ માનપાન હતું. તે બહુ ચાલાક પણ હતાં. દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે દુશ્મની થઈ ત્યારે તેમણે દારાનો સાથ આપ્યો હતો.''

''જોકે, આખરે ઔરંગઝેબ બાદશાહ બન્યા, તો પણ જહાંઆરાને પાદશાહ બેગમનો હોદ્દો મળ્યો હતો.''

line

સૌથી સુસંસ્કૃત મહિલા

ઔરંગઝેબ

ઇમેજ સ્રોત, Getty Images

જહાંઆરાની ગણતરી મુઘલ સમયનાં સૌથી સુસંસ્કૃત મહિલાઓમાં થતી હતી.

તેની વાર્ષિક આવક તે જમાનામાં 30 લાખ રૂપિયા હતી. આજની ગણતરીએ તેનું મૂલ્ય દોઢસો કરોડ રૂપિયા થાય. મુઘલ પ્રજા પણ તેના પર ન્યોચ્છાવર હતી.

એક અન્ય ઇતિહાસકાર રાના સફવી જણાવે છે, ''આપણે એવું ના કહી શકીએ કે તેઓ ફક્ત શાહજાદી હતાં, શાહજહાંનાં પુત્રી હતાં કે ઔરંગઝેબનાં બહેન હતાં.''

''તેમની પોતાની આગવી ઓળખ હતી. તેમની ઉંમર માત્ર 17 વર્ષની હતી ત્યારે તેમનાં માતાનું અવસાન થયું હતું.''

''તે પછી તેમને પાદશાહ બેગમ બનાવાયાં હતાં. તે જમાનામાં નારીનું એ સર્વોચ્ચ પદ હતું. પાદશાહ બેગમ તરીકે મા વિનાના થયેલાં ભાઈ-બહેનોને તેમણે સંભાળ્યાં''

''ઉપરાંત તેઓ પોતાના પિતાનો પણ સહારો થઈને રહ્યાં હતાં.'' 1644માં જહાંઆરા સાથે મોટો અકસ્માત થયો હતો.

કિલ્લામાં તેઓ ફરી રહ્યાં હતાં. ત્યારે તેમના વસ્ત્રોમાં ગોખલામાં રખાયેલી મશાલમાંથી આગ લાગી ગઈ હતી.

11 મહિના સુધી તેણે પથારીવશ રહેવું પડ્યું હતું. મુઘલ સમયનો અભ્યાસ કરનારા આસિફ ખાં દહેવલી કહે છે, ''જહાંઆરાનો જન્મદિવસ હતો. તેમણે રેશમી વસ્ત્રો પહેર્યા હતાં.'

''તેઓ પોતાની બાંદીઓ સાથે બહાર આવ્યાં ત્યારે એક મીણબત્તીની જ્યોત જાણે તેમની ઈર્ષા કરવા લાગી અને તેણે તેમનાં જામાને ચુંબન કરી લીધું. આગ લાગી ગઈ."

line

જ્યારે જહાંઆરા ખરાબ રીતે દાઝી ગયાં

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દહેલવીએ લખ્યું છે, ''બાંદીઓએ તેમના પર ધાબળા નાખીને ગમે તેમ કરીને આગ તો ઠારી નાખી પણ, જહાંઆરા ગંભીર રીતે દાઝી ગયાં.''

''તેમની હાલત નાજુક થઈ ગઈ હતી. કોઈએ કહ્યું કે મથુરા વૃંદાવનમાં એક જોગી રહે છે. તેઓ ભભૂતી આપે તે લગાડવાથી સારું થઈ જશે. તેનાથી જહાંઆરાને થોડી રાહત મળી હતી, પણ થોડા દિવસ પછી ઘા ફરી વકર્યાં હતા.''

દહેલવી કહે છે, ''ત્યાર બાદ એક નજૂમીએ શાહજહાંને કહ્યું કે જહાંઆરા બેગમે કોઈકની માફી માગવી જરૂરી છે. તેમને કોઈની બદદુઆ લાગી છે.''

''બાંદીઓને પૂછાયું કે હાલમાં કોઈને સજા અપાઈ હતી કે કેમ? તો જાણવા મળ્યું કે એક સિપાહી એક બાંદીને પરેશાન કરતો હતો. તેથી તેને હાથીના પગ નીચે કચડાવી નખાયો હતો.''

''આખરે તે સિપાહીના પરિવારને બોલાવીને તેમની પાસેથી માફીનામું લખાવી લેવાયું અને ધન આપીને તેમને રાજી કરાયો. ત્યારબાદ જહાંઆરાની તબિયત કંઈક સારી થઈ હતી. એટલે શાહજહાંએ પોતાનો ખજાનો ખોલી નાખ્યો અને દિલ ખોલીને ધન લૂંટાવી દીધું.''

શાહજહાંના શાસનમાં જહાંઆરાનો એવો રુઆબ હતો કે તેની સલાહ પ્રમાણે જ દરેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવતા હતા.

તે વખતે ભારત આવેલા ઘણા પશ્ચિમના ઇતિહાસકારોએ તે વખતની 'ગુસપુસ' વિશે પણ લખ્યું છે કે શાહજહાં અને તેમનાં પુત્રી વચ્ચે અનૈતિક સંબંધોની વાતો ચાલતી હતી.

line

શક્તિશાળી મુઘલ બેગમો

રેહાન ફઝલ

ઇરા મુખૌટી કહે છે, ''પશ્ચિમના પ્રવાસીઓ ભારત આવતા ત્યારે તેમને બહુ નવાઈ લાગતી કે મુઘલ બેગમો આટલી શક્તિશાળી છે.''

''તેનાથી ઊલટ તે જમાનામાં અંગ્રેજ સ્ત્રીઓ પાસે કોઈ જ અધિકારો નહોતો. તેમને એ વાતની પણ નવાઈ લાગતી હતી કે બેગમો વેપાર પણ કરતી હતી.''

''બેગમો અંગ્રેજોને હુકમો કરતી કે કોણે કોની સાથે અને કેવો વેપાર કરવો. તેના કારણે તે લોકોને એવું લાગતું હતું કે શાહજહાં સાથે તેના અયોગ્ય સંબંધો હશે.''

''પ્રવાસીઓએ લખ્યું હતું કે શાહજહાંનાં પુત્રી બહુ સુંદર છે. જોકે, મને નથી લાગતું કે તે લોકોને ખરેખર જહાંઆરાને મળવાની તક ક્યારેય મળી હોય.''

'' તેઓ એવું માનતા હતા કે અનૈતિક સંબંધોન કારણે જ જહાંઆરાને આટલી બધી સત્તા મળેલી છે."

ફ્રેન્ચ ઇતિહાસકાર ફ્રાંસુઆ બર્નિયરે પોતાના પુસ્તક 'ટ્રાવેલ્સ ઇન ધ મુઘલ ઍમ્પાયર'માં લખ્યું છે,

''જહાંઆરા બહુ જ સુંદર હતાં અને શાહજહાં તેમને પાગલની જેમ પ્રેમ કરતા હતા.''

''જહાંઆરા પોતાના પિતાનું એટલું ધ્યાન રાખતાં હતાં કે તેમની દેખરેખમાં તૈયાર થયું હોય તે સિવાયનું કોઈ ભોજન શાહી ભોજનખંડમાં પીરસી પણ શકાતું નહોતું.''

બર્નિયરે લખ્યું છે, ''તે જમાનામાં ચારે બાજુ ચર્ચા હતી કે શાહજહાંના તેમની પુત્રી સાથે અનૈતિક સંબંધો છે. ઘણા દરબારી ખાનગીમાં એવું કહેતા હતા કે બાદશાહે જે વૃક્ષ વાવ્યું હોય તેનું ફળ ખાવાનો તેમને અધિકાર છે.''

અન્ય એક ઇતિહાસકાર નિકોલાઓ મનૂચી આ વાતનું બિલકુલ ખંડન કરે છે. તેઓ બર્નિયરની થિયરીને નર્યું ગપ્પું જ માને છે.

જોકે, તેમણે એવું લખ્યું છે કે જહાંઆરાના પ્રેમીઓ હતા અને તેઓ ખાનગીમાં તેમને મળવા આવતા હતા.

રાના સફવી મનૂચીની વાતનું સમર્થન કરતાં કહે છે, ''માત્ર બર્નિયરે જ શાહજહાં અને જહાંઆરાના અનૈતિક સંબંધોની વાત લખી છે. બર્નિયર ઔરંગઝેબ સાથે હતા અને દારા શિકોહ સાથે તેમને વાંધો હતો. તે વખતે પણ એવું કહેવાતું હતું કે આ ખોટી વાતો છે.''

''સત્તા માટેની લડાઈ થઈ ત્યારે બર્નિયર ઔરંગઝેબ સાથે રહ્યા હતા, જ્યારે જહાંઆરાએ દારા શિકોહનો સાથ આપ્યો હતો.''

''તેથી તેમણે આવી અફવાઓ ફેલાવી હતી. પહેલેથી જ આ રીત ચાલતી આવી છે કે કોઈ સ્ત્રીને નીચી દેખાડવી હોય તો તેમના ચરિત્ર પર કાદવ ઉછાળી દેવો.''

જહાંઆરાએ ક્યારેય લગ્ન નહોતું કર્યું. તેના માટે પણ ઘણા તર્ક આપવામાં આવે છે. જેમ કે તેમની હેસિયતનો કોઈ પુરુષ તેમને મળ્યો જ નહીં.

આસિફ ખાં દહેલવી કહે છે, ''બાદશાહ હુમાંયૂ સુધી મુઘલ શાહજાદીઓની શાદીનાં ઉલ્લેખ મળે છે.''

''બાદશાહ અકબરે પણ પોતાનાં ઓરમાન બહેનની શાદી અજમેર પાસેના એક સૂબા સાથે કરાવી હતી.''

''અકબરના આ બનેવીએ બાદમાં બળવો કર્યો હતો. શાહજાદા વારસા માટે લડતા જ હતા ત્યારે આ નવી મુશ્કેલી હતી.''

line

પુત્રીઓ માટે મૂંઝવણ

દહેલવી કહે છે, ''જો જમાઈઓ પણ વારસો માગે તો મુઘલ સલ્તનતનું શું થાય?''

''બીજું મુઘલ બાદશાહોનો દબદબો ભારે વધી ગયો હતો. તેમના માટે સમસ્યા એ હતી કે હવે પુત્રીઓની શાદી ક્યાં કરાવવી?''

''બાદશાહની બરોબરી કરનારું કોણ હોય? કોઈને પોતાની પુત્રી પરણાવે તો તેની હેસિયત બહુ જ વધી જાય.''

''જોકે, એવો પણ ડર રહેતો હતો કે જમાઈ ભવિષ્યમાં તે મુઘલ સામ્રાજ્યને પડકાર ફેંકે. જહાંઆરા બેગમનો દરજ્જો પણ બહુ ઊંચો હતો. તેથી તેમના લાયક કોઈ પતિ મળ્યો નહોતો.''

દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે વારસાની લડાઈમાં જહાંઆરાએ દારાનો સાથ આપ્યો હતો. દારાની હાર થઈ તે પછી જહાંઆરાએ ઔરંગઝેબ સામે એક દરખાસ્ત મૂકી હતી.

મુઘલ સલ્તનત શાહજહાંના ચાર પુત્રો અને ઔરંગઝેબના મોટા પુત્ર વચ્ચે વહેંચી દેવાની દરખાસ્ત હતી.

આ દરખાસ્ત પ્રમાણે પંજાબ દાબાને મળે, ગુજરાત મુરાદને, શાહશુજાને બંગાળ અને ઔરંગઝેબના સૌથી મોટા પુત્ર સુલ્તાન મોહમ્મદને દખ્ખણ મળે.

તે સિવાયના સમગ્ર હિન્દુસ્તાનના બાદશાહ તરીકે ઔરંગઝેબ રહે. જોકે, ઔરંગઝેબે તેનો સ્વીકાર કર્યો નહોતો.

ઔરંગઝેબે શાહજહાંને નજરકેદ કરીને આગ્રાના કિલ્લામાં મોકલી દીધા, ત્યારે જહાંઆરાએ પણ પિતાની સાથે જવાનું નક્કી કર્યું હતું.

દહેવલી જણાવે છે, ''એવું કહેવાય છે કે મુમતાઝનું અવસાન થયું ત્યારે તેમણે શાહજહાં સાથે જહાંઆરાને પણ બોલાવ્યાં હતાં. જહાંઆરાનો હાથ પકડીને મુમતાઝે વચન લીધું હતું કે ગમે તે થાય તેઓ પોતાના પિતાનો સાથ ક્યારેય નહીં છોડે.''

line

વચનથી બંધાયેલાં જહાંઆરા

રેહાન ફઝલ સાથે લેખિકા ઇરા મુખૌટી બીબીસી સ્ટૂડિયોમાં
ઇમેજ કૅપ્શન, રેહાન ફઝલ સાથે લેખિકા ઇરા મુખૌટી બીબીસી સ્ટૂડિયોમાં

દહેલવી કહે છે, ''ઇતિહાસની વાત છોડી પણ દઈએ અને આ કથાને તમે આજના સંદર્ભમાં જુઓ તો કહી શકાય કે જહાંઆરાએ મરતી માને આપેલું વચન પાળ્યું હતું.''

''દારા શિકોહ અને ઔરંગઝેબની લડાઈ વખતે જહાંઆરાએ શાહજહાંને પૂછ્યું હતું કે તમે દારાનો સાથ આપો છો, જો તે જીતી જશે તો શું તેને તખ્તની જીત સમજવામાં આવશે?''

દહેલવી કહે છે તે પ્રમાણે, ''શાહજહાંએ તેનો જવાબ હામાં આપ્યો હતો. જહાંઆરાએ પૂછ્યું કે જો દારા હારી જાય તો શું તે તખ્તની એટલે કે શાહજહાંની હાર ગણાશે, ત્યારે તેઓ ચૂપ થઈ ગયા હતા.''

''ઔરંગઝેબે આગ્રાનો કિલ્લો કબજે કરી લીધો હતો. તેનું વર્તન જોઈને જહાંઆરાને લાગ્યું હતું કે પિતાને એકલા છોડી શકાશે નહીં.''

''રસપ્રદ વાત એ છે કે આટલું થયા પછી પણ ઔરંગઝેબ મોટી બહેન જહાંઆરા માટે સન્માન ધરાવતા હતા.''

દારા શિકોહને સાથ આપ્યો હોવા છતાં શાહજહાંના મોત પછી જહાંઆરાને પાદશાહ બેગમનો ખિતાબ ઔરંગઝેબે આપ્યો હતો.

ઇરા મુખોટી કહે છે, ''વારસાની લડાઈમાં નાની બહેન રોશનારાએ ઔરંગઝેબને સાથ આપ્યો હતો, પણ તેમણે મોટી બહેનને જ પાદશાહ બેગમનો હોદ્દો આપ્યો હતો. રોશનારાને હંમેશા ભાઈ સામે આ બાબતે ફરિયાદ રહી હતી.''

ઇરા કહે છે, ''જહાંઆરાને પાદશાહ બેગમ બનાવાયાં ત્યાર પછી કિલ્લાની બહાર સુંદર હવેલી તેમને આપવામાં આવી હતી.''

''જ્યારે રોશનારાને કિલ્લાના હરમમાંથી બહાર નીકળવાની મનાઈ હતી. ઔરંગઝેબને કદાચ રોશનારા પર પૂરતો વિશ્વાસ નહોતો.''

''કદાચ રોશનારાના કેટલાક પ્રેમીઓ પણ હશે, જેનો ખ્યાલ ઔરંગઝેબને આવી ગયો હશે.''

સપ્ટેમ્બર 1681માં 67 વર્ષની ઉંમરે જહાંઆરાનું નિધન થયું હતું. જહાંઆરાના મોતની ખબર મળી ત્યારે ઔરંગઝેબ અજમેરથી દખ્ખણ તરફ જઈ રહ્યા હતા.

તેમણે ત્રણ દિવસ પોતાના શાહી કાફલાને શોક મનાવવા માટે રોકી રાખ્યો હતો. જહાંઆરાને તેમની ઇચ્છા પ્રમાણે દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયાની મજાર પાસે દફનાવાયાં હતાં.

રાના સફવી કહે છે, ''જહાંઆરાએ વસિયતમાં લખ્યું હતું કે પોતાની કબરને ખુલ્લી રાખવી. તેને પાકી બનાવવી નહીં.''

''મુઘલ ઇતિહાસમાં ફક્ત ઔરંગઝેબ અને જહાંઆરાની પાકી કબરો બનાવવામાં આવી નથી. તેમની કબરો સામાન્ય રખાઈ હતી. આજે પણ જહાંઆરાની કબર ત્યાં સચવાયેલી છે.''

(આ લેખ સૌપ્રથમ ઑક્ટોબર 2018માં પ્રકાશિત થયો હતો.)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ