સાબરકાંઠા : દલિતના વરઘોડા પર સવર્ણોનો પથ્થરમારો, પછી ગામે બહિષ્કાર કરી દીધો

દલિતોની પોલીસ ફરિયાદને પગલે ગામના સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી

ઇમેજ સ્રોત, JULEE RUPALI

ઇમેજ કૅપ્શન, રવોલ ગામની પ્રાથમિક શાળા
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • 19 મેના રોજ સાબરકાંઠાના રવોલ ગામે દલિત રોહિત પરમારના પુત્રનો લગ્નનો વરઘોડો નિકળ્યો હતો
  • વરઘોડાનો વિરોધ અને પથ્થરમારો થયો. જે અંતર્ગત પોલીસે સાત લોકોની ધરપકડ કરી.
  • આ ઘટનાને પગલે ગામના સવર્ણ સમાજના લોકો દ્વારા દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો
લાઇન

સાબરકાંઠા જિલ્લાના રવોલ ગામમાં વરઘોડા મામલે દલિતો અને સવર્ણો વચ્ચે વિખવાદ થયો અને મતભેદ એવો વધ્યો કે સવર્ણોએ ગામના દલિતોનો બહિષ્કાર કરી દીધો. વરઘોડો કાઢવાના મામલે થયેલા ઝઘડા એ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે હવે દલિતોને દૂકાન માંથી અનાજ-કરિયાણું પણ મળતું નથી અને બહારગામ મજૂરીએ જવા માટે વાહન પણ મળતું નથી.

ઘટનાની પૂર્વભૂમિકા એવી છે કે રવોલ ગામમાં 19 મેના રોજ એક દલિત પરિવારનો વરઘોડો નીકળ્યો હતો અને તેના પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.

એ બાદ દલિતોની પોલીસ ફરિયાદને પગલે ગામના સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

હિંમતનગરથી થોડે દૂર આવેલા રવોલ ગામના સુરેશ પરમારે પથ્થરમારાની ઘટના અંગે વાત કરતાં કહ્યું, "19 મેના રોજ મારા ભાઈ રોહિતના દીકરાના લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. વરઘોડો રામદેવજી મંદિર પાસેથી નીકળ્યો ત્યારે સવર્ણોએ વરઘોડો નહીં કાઢવાનું કહ્યું અને પથ્થરમારો કર્યો હતો. "

"રોહિતની પોલીસ ફરિયાદને પગલે ગામના સાત લોકોની ધરપકડ થઈ હતી અને બાદમાં જામીન પર તેમનો છૂટકારો થયો."

line

ગામમાંથી કરિયાણું, શાકભાજી મળતાં નથી

દલિત સમસ્યા, સાબરકાંઠા

ઇમેજ સ્રોત, JULEE RUPALI

ઇમેજ કૅપ્શન, રમેશ પરમાર કહે છે, "અમે મજૂરીએ પણ જઈ શકતા નથી"

સુરેશ પરમાર વધુમાં કહે છે, "એ દિવસથી એ લોકો અમારી વેરભાવ રાખી રહ્યા છે. "

"આ પોલીસ ફરિયાદ અને કાનૂની કાર્યવાહીમાં હું આગળ હતો, એટલે એક જૂનની રાત્રે અચાનક ગામ બહાર અમારા તબેલામાં ખાતરના વાડામાં 10,000 રુપિયાનું છાણિયું ખાતર સળગાવી દેવાયું. તબેલાને પણ નુકશાન થયું હતું. "

"તબેલાને સળગાવનારા ઠાકોર સમાજની વ્યક્તિ સાથે અમે વાત કરવા ગયા તો તેણે જાનથી મારી નાખવાની ધમકી આપતાં કહ્યું કે હું રિટાયર્ડ આર્મીમૅન છું. મારી પાસે બંદૂક છે. ગામના લોકોને પોલીસ કેસ કરી પરેશાન કરો છો, ફરી આ તરફ આવ્યા તો જાનથી મારી નાખીશ."

આગળનો ઘટનાક્રમ જણાવતા સુરેશ પરમાર કહે છે કે "આ અંગે મેં મારા સગા ઍડવોકેટને જાણ કરી તો તેમણે મને પોલીસ ફરિયાદ કરવા કહ્યું. મેં જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પરંતુ પોલીસે મારી ફરિયાદ ન નોંધી અને ગામમાં આવીને સમાધાન કરાવ્યું. "

"સમાધાન થયાના બીજા દિવસથી ગામના લોકોએ અમારો બહિષ્કાર કર્યો. ગામમાં કોઈ કરિયાણું આપતું નથી, ગામની કોઈ દુકાનમાંથી શાકભાજી પણ મળતા નથી. ગામની બહારથી સામાન લેવા જવા માટે પણ ગામમાં કોઈ રિક્ષા કે છકડોમાં બેસાડતું નથી.

line

પોલીસ સમાધાન કરાવી આપ્યાની વાત કરે છે પણ...

સુરેશ પરમાર

ઇમેજ સ્રોત, JULEE RUPALI

ઇમેજ કૅપ્શન, સુરેશ પરમાર

સુરેશ પરમારે વધુમાં કહ્યું, "ગામમાં અમારા સમાજની કોઈ વ્યક્તિ બીમાર પડે તો જીપ, રિક્ષા જેવાં વાહનો પણ કોઈ ભાડે આપતું નથી. "

"આ અંગે અમે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને કલેક્ટર ને રજુઆત કર્યા બાદ પોલીસ ગામમાં આવી હતી અને કોઈ કાર્યવાહી કર્યા વગર જતી રહી. પોલીસ દલિત અને સવર્ણ વચ્ચે બેઠક કરાવીને સમાધાન કરાવી આપ્યાની વાત કરી છે, પણ સમાધાન થયું નથી."

દલિત સમાજને પડતી મજૂરીની અગવડ વિશે વાત કરતાં રમેશ પરમારે કહ્યું, "બસસ્ટૅન્ડ સુધી જવા માટે પણ ગામના લોકો અમને એમનાં વાહનોમાં બેસાડતા નથી. આ કારણે અમે મજૂરીએ પણ જઈ શકતા નથી."

900 લોકોની વસતિ ધરાવતા આ ગામમાં દલિતોનાં 210 ઘર છે.

દલિત સમાજના આક્ષેપોનો જવાબ મેળવવા બીબીસીએ ગામનાં સરપંચ ભાલુબહેન રબારી અને ઉપસરપંચ ભાગીબહેન ઠાકોરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો. પણ બન્ને સાથે સંપર્ક થઇ શક્યો નહોતો.

રવોલ ગામમાં 'સામાજિક ન્યાયસમિતિ'ના ચૅરમૅન શૈલેષ પરમાર આ મામલે વાત કરતાં કહે છે, "સામાજિક ન્યાયસમિતિ તરફથી મેં દલિતોના બહિષ્કાર અંગે ડીવાયએસપીને મળીને રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસ ગામમાં આવી હતી અને તેમણે બંને પક્ષોને સાંભળ્યા હતા.

"એ વખતે હવેથી દલિતોનો ગામમાં બહિષ્કાર નહીં થાય એવી ખાતરી આપી હતી. પણ ગામમાં આજે પણ દલિતોનો બહિષ્કાર ચાલુ છે. હું હવે કલેક્ટરને મળીને રજૂઆત કરવાનો છું."

આ સમગ્ર મામલા અંગે તાપસ કરી રહેલા જાદરા પોલીસ સ્ટેશનના અધિકારી એસ.વી. મોદીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું, "ગામમાં દલિતોનો કોઈ બહિષ્કાર થયો નથી, બંને વચ્ચે સમાધાન થઇ ગયું છે. આ અંગે મેં જાતતપાસ કરી છે, બંને સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન