જ્યારે મહારાણા પ્રતાપ સામે અકબરની ફજેતી થઈ

મહારાણા પ્રતાપની પ્રતિમા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એમ. રાજીવ લોચન
    • પદ, ઇતિહાસકાર, પંજાબ વિશ્વવિદ્યાલય, બીબીસી માટે

મહાન કોને કહેવા જોઈએ, અકબરને કે મહારાણા પ્રતાપને? આ સવાલ સદીઓથી પુછાતો રહ્યો છે.

બંને પોતપોતાની રીતે મહાન હતા. બંનેના કારણે ભારતને ફાયદો થયો છે.

બંને પાસેથી આજે પણ આપણે ઘણું શીખી શકીએ તેમ છીએ.

શરત એ છે કે શું થયું હતું તેની આપણને ખબર હોવી જોઈએ.

ભારતને એકસાથે જોડવાનું કામ કરનારાને તમે મહાન માનતા હો તો અકબરે તે માટે બહુ પ્રયત્નો કર્યા હતા.

તમે વીરતા સાથે આક્રમણકારીને પાછા હટાવી દેનારાને મહાન માનતા હો તો મહારાણા પ્રતાપ જેવો દાખલો બીજો ના મળે.

અકબર અને પ્રતાપની સાથે કેટલાય વફાદાર વીરપુરુષો જોડાયેલા હતા.

અકબરને રાજપૂત રાજાઓનું સમર્થન મળ્યું હતું, તો રાણા પ્રતાપ રાજ્યના લોકોના સમર્થનથી ગાદી પર બેઠા હતા.

અન્યથા વચન પ્રમાણે પ્રતાપના નાના ભાઈ જગમલને ગાદી મળવાની હતી.

અકબર હુમલાખોર હતા. મેવાડ પર હુમલો કરીને તેના પર કબજો કરવા માગતા હતા.

રાણા પ્રતાપ મેવાડના લોકોના દિલ પર રાજ કરતા હતા. તે વખતે અકબર ભારતભરમાં પોતાની આણ ફેલાવવા માગતા હતા.

તેઓ સમગ્ર ભારતને વિશાળ સામ્રાજ્ય બનાવીને શક્તિશાળી અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માગતા હતા.

પુંજા ભૂલની પ્રતિમાની તસવીર

ઇમેજ સ્રોત, RAJIV LOCHAN

ઇમેજ કૅપ્શન, મહારાણા પ્રતાપની મદદ કરવા વાળા પુંજા ભીલની પ્રતિમા

તે માટે કેટલાય ભારતીય રાજાઓનો સાથ પણ તેમને મળ્યો હતો.

તેમણે વડવાઓની પરંપરા તોડીને પોતાને બાદશાહ જાહેર કરી દીધા હતા.

બાબર અને હુમાયુ સુલતાન હતા, જ્યારે અકબર બાદશાહ બન્યા. બાદશાહ એટલે સર્વોપરી, જે કોઈ ખલીફાને આધીન ના હોય.

અકબરે ઇસ્લામને પણ કોરાણે રાખવાનું શરૂ કરી દીધું હતું. મુલ્લાઓ તેમની આ હરકતથી બહુ નારાજ થયા હતા.

અકબરને ભાંડવાનું તેઓ છોડતા નહોતા, પણ કોઈ તેમનું સાંભળતું નહોતું.

અકબરે પોતાના સામ્રાજ્યમાં નવા ધર્મ માટે વિચારવાનું પણ શરૂ કરી દીધું હતું. અકબર તેને દિન-એ-ઇલાહી એવું નામ આપ્યું હતું.

દિલ્હીના સુલતાનોના સમયથી ચાલ્યા આવતા જીતલ નામના સિક્કા પણ તેમણે બંધ કરાવી દીધા.

તેમણે ભારતના પ્રાચીન અને પ્રચલિત રૂપિયાના ચલણને પ્રોત્સાહન આપ્યું.

એક રીતે અકબરે પશ્ચિમ એશિયા સાથેના પોતાના સંબંધોને ખતમ કરી નાખીને પોતાના મૂળિયાં ભારતમાં જ ઊંડા કરવાનું શરૂ કરી દીધું હતું.

આ તરફ મેવાડના રાણા પ્રતાપસિંહને અકબરની આધીનતા સ્વીકાર્ય નહોતી.

પ્રતાપની અગાઉ થઈ ગયેલા મેવાડના રાજાઓએ પણ ક્યારેય કોઈનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું.

મેવાડનો મિજાજ પહેલેથી જ અલગ રહ્યો હતો. મેવાડનો કેટલોક વિસ્તાર ખેતી માટે બહુ ઉપજાઉ હતો.

અહીં ભરપુર પાક થતો હતો અને ફરતે પહાડીઓ હતી, જ્યાં દુશ્મનોને અટકાવીને તેમને ખતમ કરી શકાય.

હાકિમ ખાં સૂરીની પ્રતિમા

ઇમેજ સ્રોત, RAJIV LOCHAN

સિંઘથી માલવા અને ગુજરાતથી અજમેર-આગ્રા તરફ જતી વેપારીઓની પોઠ મેવાડમાંથી જ પસાર થતી હતી.

તેમને સુરક્ષા આપવાનું કામ પણ મેવાડના શાસકો અને તેમણે નીમેલા ઠેકેદારો કરતા હતા.

સમજી શકાય તેવી વાત છે કે રસ્તો જેટલો સલામત એટલો વેપાર વધારે થાય અને રાજ્યને પણ સીધો ફાયદો થાય.

તેના કારણે દિલ્હી, આગ્રા, માલવા, અજમેર, ગુજરાત, સિંધ વગેરે પ્રદેશોના શાસકો મેવાડના રાજાઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને જ ફાયદાકારક સમજતા હતા.

આ બધા જ પ્રદેશો પર કબજો થઈ ગયા પછી અકબરની નજર હવે મેવાડ પર પડી હતી.

અજમેરથી ગુજરાતના માર્ગમાં વચ્ચે મેવાડ જ આવતું હતું.

અકબરે વારંવાર દૂત મોકલીને મેવાડને પણ પોતાની સાથે જોડાઈ જવા માટે સમજાવવાની કોશિશ કરી હતી.

જોકે, જે દોસ્તીમાં અકબરને બાદશાહ માનવા પડે તે મેવાડના રાણા પ્રતાપને મંજૂર નહોતું. તેના કારણે દર વખતે મોગલોના દૂતને ધક્કો પડતો હતો.

આખરે અકબરે આમેરના રાજા માનસિંહની આગેવાનીમાં સેના મોકલીને મેવાડ પર કબજો કરવાનું નક્કી કર્યું.

પ્રતાપની સેનામાં 3000 ઘોડેસવાર હતા અને કેટલાક ભીલ તીરંદાજો હતા. તોપખાનાના વડા તરીકે હાકીમ ખાં હતા.

મહારાણા પ્રતાપની પ્રતિમા

ઇમેજ સ્રોત, RAJIV LOCHAN

મોગલ સેનામાં 10,000 ઘોડેસવાર હતા. કેટલાક હાથી અને તોપખાનાં પણ હતાં.

ચાર કલાક લડાઈ ચાલી હતી. એવું લાગતું હતું કે કોઈ જીતશે નહીં. તે જ વખતે રાણા પ્રતાપે સીધો માનસિંહ પર હુમલો કર્યો.

કમનસીબે એ જ વખતે પ્રતાપનો માનિતો અશ્વ ચેતક ઘાયલ થઈ ગયો. તેના કારણે પ્રતાપે યુદ્ધમેદાનમાંથી હટવું પડ્યું.

આ અંગેની પ્રચલિત કથા અનુસાર સેનાના નાયક પાછળ હટ્યા તેના કારણે લડાઈ પૂરી થઈ ગઈ.

મોગલ સેનાની જીત જાહેર થઈ. ઘાયલ ચેતક રાણા પ્રતાપને સલામત રીતે હલ્દીઘાટ પાર કરાવીને લઈ ગયો હતો.

સલામત સ્થળે પહોંચ્યા પછી પ્રતાપે ફરી ભીલોની મદદ લઈને સેના તૈયાર કરી.

આગળ જતા મેવાડનો ઘણો બધો પ્રદેશ ફરી પોતાના કબજામાં કરીને તેના પર શાસન સ્થાપી દીધું હતું.

બીજી બાજુ અકબરને પણ લાગ્યું કે મેવાડની લડાઈ પાછળ સમય બગાડવાના બદલે બંગાળ અને દક્ષિણ ભારત તરફ કૂચ કરવી વધારે સારી છે.

મોગલ બાદશાહને કદીય ના નમેલા રાણા પ્રતાપને લોકો હવે મહારાણા તરીકે ઓળખવા લાગ્યા હતા.

(અહેવાલમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ,યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો