બ્રિટન ભારત પાસેથી કેટલી સંપત્તિ લૂંટીને લઈ ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝફર સૈયદ
- પદ, ઇસ્લામાબાદથી, બીબીસી ઉર્દૂ
બાદશાહની વર્ષગાંઠ છે અને મોઘલ રિવાજ મુજબ તેમનું વજન કરવાનું છે. આ પ્રસંગે બ્રિટિશ રાજદૂત સર થૉમસ રો પણ દરબારમાં હાજર છે.
પાણીની વચ્ચે બનેલા એક ચોકમાં કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ચોકમાં સુવર્ણથી મઢેલું વિશાળ ત્રાજવું ગોઠવી દેવાયું છે.
ત્રાજવાના એક છાબડામાં રેશમી થેલીઓ મૂકવામાં આવી છે. બીજામાં સ્વંય ચોથા મોઘલ બાદશાહ નુરુદ્દીન મોહમ્મદ જહાંગીર બેઠા છે.
વજનદાર પોષાક, માથે તાજ અને અંગ પર ધારણ કરેલાં સોનાનાં ઘરેણાં સાથે શહેનશાહ જહાંગીરનું વજન 113 કિલોથી વધુંનું થયું.
શહેનશાહ એક તરફનાં છાબડામાં બેસી રહ્યા, ત્યારે બીજામાં એક પછી એક વસ્તુઓથી વજન થતું રહ્યું.
ચાંદીના સિક્કાથી તેમને તોળાયા બાદ તે સિક્કા ગરીબોમાં વહેંચી દેવાયા. તે પછી સોનાથી તોળવામાં આવ્યા.
ત્યારબાદ આભૂષણો, રેશમ અને એવી કિંમતી વસ્તુઓથી તેમનું વજન થતું રહ્યું.
આજથી લગભગ ચારસો વર્ષ પહેલાં જહાંગીરના દરબારમાં આ દૃશ્ય થૉમસ રોએ જોયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાની ડાયરીમાં આ પ્રસંગની નોંધ તેમણે કરી હતી. અચરજભર્યા આ પ્રસંગના સાક્ષી બન્યા પછીય થૉમસને શંકા હતી કે રેશમની થેલીઓમાં ખરેખર સોનું-ચાંદી હશે ખરાં? કે પછી તેમાં પથ્થરો ભરેલા હશે?
સવાલ એ પણ છે કે દૂરના ટાપુ દેશનો રાજદૂત એ સમયે ભારતમાં શું કરી રહ્યો હતો?

ઇંગ્લિસ્તાન સાથે સમજૂતી 'શાનથી વિપરીત'

હકીકતમાં થૉમસ રો ખાસ મિશન સાથે ભારત આવ્યા હતા. તેમની ઇચ્છા હતી કે વેપાર માટે સમજૂતીના દસ્તાવેજ પર સહી થઈ જાય, જેથી બ્રિટનની એક નાની કંપનીને ભારતમાં વેપાર કરવાનો પરવાનો મળે.
જોકે, રોની ડાયરીમાં નોંધાયું હતું તે પ્રમાણે આ કામ સહેલું નહોતું. આ મહેનતુ અંગ્રેજ રાજદૂતે તેના માટે બહુ જહેમત કરવી પડી હતી.
તેનું કારણ એ હતું કે મોઘલ બાદશાહ સમગ્ર દુનિયામાં માત્ર ઈરાનના સફવી બાદશાહ અને ઉસમાની ખલીફાને જ પોતાના હરીફ માનતા હતા.
તેમના માટે ઇંગ્લિસ્તાન બહુ નાનો એવો ટાપુ હતો.
આવા નાના દેશના મામૂલી રાજા સાથે બરાબરીની કોઈ સમજૂતી કરવી તે પોતાની શાનથી વિપરીત છે એમ તેમને લાગતું હતું.
જોકે, થૉમસ રોએ ધીરજ ગુમાવી નહીં અને ત્રણ વર્ષ સુધી જહેમત કરીને, રાજદ્વારી દાવપેચ લગાવીને અને કિંમતી ભેટસોગાદો આપીને આખરે વેપારનો પરવાનો મેળવ્યો હતો.
જોકે, જહાંગીર સાથે નહીં પણ શાહજહાં સાથે આજથી બરાબર 400 વર્ષ પહેલાં પહેલી ઑગસ્ટ 1618માં એક કરાર કરી લેવાયો હતો.
ગુજરાતમાં સુરત બંદર પર સ્વતંત્ર રીતે વેપાર કરવા માટેનો પરવાનો આખરે તેમને મળી ગયો.

ઇમેજ સ્રોત, Getty Images
તે કંપનીનું નામ હતું ઇસ્ટ ઇન્ડિયા કંપની અને તેને મળેલો વેપારનો પરવાનો ઇતિહાસમાં મહત્ત્વનો વળાંક સાબિત થવાનો હતો.
પ્રથમવાર એવું બની રહ્યું હતું કે મોઘલ સલ્તનતે સીધી રીતે યુરોપિયન દેશ સાથે વેપારી સમજૂતી કરી. ઇંગ્લૅન્ડની કંપનીને વેપાર માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું.
પેલી જાણીતી ઊંટ અને બેદૂઇનની વાર્તા જેવું આ છે, જેમાં તંબુની અંદર ઊંટને મોઢું રાખવા દીધું તો ધીમે ધીમે તે તંબુની અંદર ઘૂસી ગયું.
જહાંગીરને કિંમતી વસ્તુઓથી તોળવામાં આવતા હતા તે જોઈને થૉમસ રોને અચરજ થયું હતું.
જોકે, બાદમાં વેપાર પરવાનાને કારણે અંગ્રેજો તે પછીનાં અઢીસો વર્ષ ભારતમાં રહ્યા તે દરમિયાન બેસૂમાર દોલત તેઓ લૂંટી ગયા.
કેટલી સંપત્તિ બ્રિટનમાં તણાઈ ગઈ તે જાણીને પણ અચરજ થાય તેમ છે.
અર્થશાસ્ત્રીઓએ ભારતમાંથી કેટલી સંપત્તિ તણાઈ ગઈ હશે તેની ગણતરીઓ માંડી પણ છે.
તેનું વર્ણન આગળ આવશે પણ પહેલાં એ જોઈએ કે ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ રાજને કારણે ભારતમાં શું થયું હતું.
સંપત્તિ લૂંટાવા સિવાય બીજાં કેવાં ભયાનક પરિણામો ભારતે ભોગવવાં પડ્યાં હતાં.

ઇતિહાસનો સૌથી મોટો ચોથો રક્તપાત

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન ઇતિહાસકાર મેથ્યૂ વ્હાઇટે 'ધ ગ્રેટ બૂક ઑફ હૉરિબલ થિંગ્સ' નામના પુસ્તકમાં દુનિયામાં થયેલા સૌથી ભયાનક રક્તપાતના કિસ્સાઓ ટાંક્યા છે.
મોટી સંખ્યામાં મનુષ્યોનો ભોગ લેનારી હોનારતો વિશેના આ પુસ્તકમાં બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં પડેલા દુકાળને ચોથી સૌથી મોટી દુર્ઘટના ગણાવાઈ છે.
વ્હાઇટના જણાવ્યા મુજબ દુકાળને કારણે બે કરોડ 66 લાખ લોકોનાં મોત થયાં હતાં.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બંગાળમાં દુકાળ પડ્યો ત્યારે પણ 30થી 50 લાખ લોકો માર્યા ગયા હતા. તેનો આંકડો વ્હાઇટે આ ઘટનામાં ઉમેર્યો નથી.
આ આંકડાને પણ સાથે ગણી લેવામાં આવે તો ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારના રાજમાં કુલ ત્રણ કરોડ ભારતીયોનો દુકાળમાં ભોગ લેવાઈ ગયો હતો.
દુનિયાના સૌથી ફળદ્રુપ વિસ્તારમાં ભારતની ભૂમિનો સમાવેશ થાય છે. તો પણ આટલા બધા લોકો કેવી રીતે ભૂખમરાનો ભોગ બન્યા?
વ્હાઇટે દુકાળમાં થયેલાં મોત માટે 'વેપારી શોષણ'ને જવાબદાર ગણાવ્યું હતું.
1769માં બંગાળમાં પડેલા ભયાનક દુકાળને કારણે આટલી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યાં હતાં.
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને પણ આ દુકાળને કારણે એક કરોડ લોકો મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું છે.
એક અંગ્રેજે તે વખતની સ્થિતિનું કેવું વર્ણન કર્યું હતું તે જોઈએ :
"લાખો લોકો આશા લઈને બેઠા હતા કે થોડા જ અઠવાડિયામાં પાક તૈયાર થઈ જશે પણ તે પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં."
"તેમની આંખો ઊભા પાકને જોતી જ રહી ગઈ. નવો પાક તૈયાર થાય તે પહેલાં જ લોકોના ટપોટપ મોત થવાં લાગ્યાં.'

પાક તૈયાર થયો, પણ લોકો ના બચ્યા

ઇમેજ સ્રોત, Getty Images
પાક તો સમય પર તૈયાર થઈ ગયો હતો પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
1769ની એ કહાણી પોણા બસ્સો વર્ષ પછી ફરી એકવાર પૂર્વ બંગાળમાં ભજવાઈ હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના 16 નવેમ્બર 1943ના સમાચારનું એક કટિંગ : 'પૂર્વ બંગાળમાં બહુ ભયાનક પણ ઠેર ઠેર જોવા મળતું આ દૃશ્ય છે, જેમાં બહુ સારો પાક ઊગ્યો હોવા છતાં તેની વચ્ચે સડી ગયેલા માનવકંકાલ મળી આવતાં હતાં.'
સાહિર લુધિયાણવીએ તે દુકાળની દારૂણતા પર એક નઝમ લખી હતી. તેની કેટલીક પંક્તિઓ આ પ્રમાણે હતીઃ
પચાસ લાખ ઉદાસ દિલ, સડી ગયેલા માનવકંકાલ
નિઝામ-એ-ઝર સામે કરે છે વિરોધ
ખામોશ હોઠથી, બૂઝાઈ રહેલી નજરોથી
માણસ સામે માણસ કરે છે વિરોધ
દુકાળને કુદરતી આપદા ગણવામાં આવે છે. દુકાળને કારણે લોકોનાં મોત થાય તેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો શું વાંક? જાણીતા ચિંતક વિલ ડ્યૂરાન્ટે આ વિશે લખ્યું હતું :
"ભારતમાં પડેલા ભયાનક દુકાળોનું મૂળ કારણ અમાનવીય શોષણ, સ્રોતોનો અસંતુલિત ઉપયોગ અને આકરા વેરા હતા."
"દુકાળ વખતે જ ક્રૂર રીતે આકરા વેરાની વસૂલાત કરવામાં આવી, જે ભૂખથી બેહાલ થઈ ગયેલા ખેડૂતો ભરી શકે તેમ નહોતા… મરી રહેલા લોકો પાસેથી પણ સરકાર વેરો વસૂલ કરી લેવા માગતી હતી.'
એક નાની કંપની એટલી શક્તિશાળી કેવી રીતે થઈ ગઈ કે હજારો કિલોમીટર દૂર કોઈ દેશના કરોડો લોકોની જિંદગી અને મોતનો ફેંસલો કરી શકે?
તે જાણવા માટે ઇતિહાસનાં કેટલાંક પાનાં ઉથલાવવાં પડશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
1498માં નવો વેપારી માર્ગ શોધવા માટે નીકળેલા વાસ્કો દિ ગામાને આફ્રિકાના દક્ષિણ છેડેથી ભારત સુધી પહોંચવાનો સમુદ્રી માર્ગ મળી ગયો હતો.
તેના કારણે આગામી દાયકાઓ દરમિયાન દાદાગીરી, ધાકધમકી દ્વારા હિન્દ મહાસાગરના બધા જ વેપારી દરિયાઈ માર્ગો પર કબજો કરી લેવાયો. જોતજોતામાં પોર્ટુગલની કિસ્મતનો સૂરજ મધ્યાહ્ને ચમકવા લાગ્યો હતો.
આ જોઈને ડચ લોકોની નૌકા સેના પણ તોપ સાથેના જહાજો લઈને હિન્દ મહાસાગરમાં આવી પહોંચી. આ બંને દેશો વચ્ચે હવે ઘર્ષણ વધવા લાગ્યું હતું.
પોર્ટુગીઝોને કારણે ભારતનો ઇતિહાસ બદલાયો
આ બે દેશો વચ્ચેની લડાઈ ઇંગ્લૅન્ડ બહુ ધ્યાનથી જોઈ રહ્યું હતું. ઇંગ્લૅન્ડ પણ આમાં પાછળ રહેવા માગતું નહોતું.
તેથી મહારાણી એલિઝાબેથે આ બંને દેશોની જેમ જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ડિસેમ્બર 1600માં કરાવી.
તેમને એશિયાના દેશોમાં વેપાર કરવા માટેનો પરવાનો આપી દેવાયો.
અંગ્રેજોએ એક એવું કામ કર્યું જે તેમની પહેલાં ભારત આવેલા બંને યુરોપિયન દેશોએ કર્યું નહોતું.
અંગ્રેજોએ માત્ર યુદ્ધ કરવા પર ધ્યાન ના આપ્યું, પણ દૂતાવાસ ખોલવાના કામ પર પણ ધ્યાન આપ્યું. તેથી જ થૉમસ રો જેવા રાજદૂતને ભારતમાં મોકલવામાં આવ્યા, જેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે દરવાજા ખુલી જાય.
મોઘલો તરફથી પરવાનો મળ્યા બાદ અંગ્રેજોએ ભારતનાં જુદા જુદા બંદરોનાં શહેરોમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપવાનું શરૂ કર્યું.
અંગ્રેજોની કોઠીઓમાં મસાલા, રેશમ અને બીજી વસ્તુઓનો વેપાર થવા લાગ્યો.
તેમાંથી બહુ મોટો નફો મળી રહ્યો હતો પણ થોડા જ વખતમાં મામલો વેપારથી પણ આગળ વધી ગયો હતો.

તડજોડની નીતિ

ઇમેજ સ્રોત, FRANCIS HAYMAN/NATIONAL PORTRAIT GALLERY, LONDON
ઇસ્ટ ઇન્ડિયા કંપની અને યુરોપના બીજા દેશો વચ્ચે લડાઈ થયા કરતી હતી.
તેના કારણે એકબીજાનો માલ લૂંટી લેવામાં કોઈ શરમ રાખવામાં આવતી નહોતી.
તેના કારણે અંગ્રેજોએ પોતાની કોઠીઓ પર મોટી સંખ્યામાં સ્થાનિક સૈનિકોને નોકરીએ રાખવાનું શરૂ કરી દીધું.
થોડા જ વખતમાં આ વેપારી કોઠીઓ કિલ્લા અને લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગઈ.
કંપની પાસે આર્થિક તાકાત સાથે લશ્કરી તાકાત પણ જોડાવા લાગી, તેના કારણે કંપનીના અધિકારીઓ હવે સ્થાનિક રજવાડાંની આંતરિક લડાઈમાં સામેલ થવા લાગ્યા.
કેટલાક રાજાની મદદે સિપાઈઓ મોકલી આપ્યા. અમુક નવાબોને તેમના દુશ્મનોને દબાવી દેવા માટે તોપો આપવામાં આવી.
કેટલાંક રજવાડાં આર્થિક ભીંસમાં હતાં ત્યારે નાણાં પણ ધિરવામાં આવ્યાં.
આ રીતે તડજોડની નીતિ દ્વારા ધીમે ધીમે ભારતના સમુદ્ર કિનારે કંપનીનો પંજો ફેલાવા લાગ્યો હતો.
સતત થઈ રહેલા આ વિસ્તાર વચ્ચે 1757માં થયેલા પ્લાસીના યુદ્ધમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ક્લર્ક રોબર્ટ ક્લાઇવના ત્રણ હજાર સૈનિકોએ બંગાળના નવાબ સિરાઝ-ઉદ-દૌલાની વિશાળ 50 હજારની સેનાને હરાવી દીધી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સિરાઝ-ઉદ-દૌલાને કેવી રીતે હરાવી દેવાયો તેની કથા 'મોતાલા-એ-પાકિસ્તાન' નામના પુસ્તકમાં લખાયેલી છે.
આપણે એટલું જ યાદ રાખવાનું છે કે નવાબ હાર્યો તે પછી સદીઓથી તેણે એકઠો કરેલો ખજાનો કેવી રીતે જહાજોમાં ભરીને લંડન ભેગો કરી દેવાયો.
18 વર્ષ પહેલાં જ દિલ્હીને લૂંટીને નાદિરશાહે ખજાનો ઈરાન ભેગો કર્યો હતો, તે રીતે ક્લાઇવે ખજાનો લંડન ભેગો કર્યો હતો.
ક્લાઇવે બધી જ સંપત્તિ શાહીખજાનામાં જમા કરાવી નહોતી. કેટલોક હિસ્સો પોતાના માટે પણ રાખી લીધો હતો.
આજના હિસાબે તેનું મૂલ્ય ત્રણ અબજ ડૉલર જેટલું થાય છે.
એ ધનમાંથી તેણે પોતાના માટે વિશાળ મહેલ બનાવ્યો હતો અને વિશાળ એસ્ટેટ ખરીદી હતી, જેનું નામ જ તેણે 'પ્લાસી' રાખ્યું હતું.
તેને ધન આપીને પોતાના માટે જ નહીં પણ પોતાના પિતા માટે સંસદમાં સભ્યપદ ખરીદી લીધું હતું. ત્યારબાદ તેને સરનો ખિતાબ પણ મળ્યો.

'મારા હાથ આટલા ખાલી કેમ રહ્યા'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આજ સમયગાળામાં બંગાળમાં આવેલા ભયાનક દુકાળની અને તેના કારણે પ્રાંતની ત્રીજા ભાગની વસતિ ખતમ થઈ ગઈ તેવા સમાચારો ઇંગ્લૅન્ડ પહોંચવા લાગ્યા હતા.
લૉર્ડ ક્વાઇવની નીતિઓને કારણે લોકોનાં મોત થયાં હતાં તેવી ફરિયાદો કરવામાં આવી હતી.
ક્લાઇવ માથે તવાઈ આવી અને સંસદમાં તેમની સામે કાર્યવાહી ચલાવવા સુધી વાત પહોંચી હતી.
જોકે, સંસદમાં તેની સામે કાર્યવાહી ના થઈ કેમ કે તે વખતે તે જમાનામાં સંસદના લગભગ ચોથા ભાગના સભ્યો ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જ હતા.
સંસદમાં થયેલી ચર્ચા દરમિયાન ક્લાઇવે વળી એવી વાત કરી હતી કે પોતે બહું ઓછું ધન લાવ્યો.
તેણે કહ્યું કે, "મને પોતાને નવાઈ લાગે છે મેં મારા હાથ આટલા ખાલી કેમ રાખ્યા. ધાર્યું હોત તો આનાથી પણ વધારે સોનું અને માલસામાન ત્યાંથી લાવી શકાયા હોત."
જોકે, ભારતમાં ભયાનક જાનહાનીની અસર ક્લાઇવ પર થવા લાગી હતી.
તેની શારીરિક અને માનસિક હાલત એવી થઈ હતી કે મોટા પ્રમાણમાં અફીણ લેવું પડતું હતું.
આખરે 1774માં તેના ઓરડામાં તે રહસ્યમય રીતે મૃત હાલમાં મળી આવ્યો હતો.
આજ સુધી એ રહસ્ય ઉકેલાયું નથી કે ક્લાઇવે આત્મહત્યા કરી હતી કે વધારે અફીણ લેવાથી તેનું મોત થયું હતું.
જોકે, એક વાત સ્પષ્ટ હતી કે તેણે ભારતમાં અપનાવેલી નીતિ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપની જે માર્ગે આગળ વધી જેના કારણે ભારત સામે ગુલામીનો ખતરો ઊભો થયો હતો.
આ દરમિયાન મોઘલોની પોતાની અયોગ્યતાને કારણે અને વિદેશી હુમલાઓને કારણે તેમનું સામ્રાજ્ય બહુ નબળું પડી ગયું હતું.
અંગ્રેજો પોતાનો પગેપેસારો ચારેબાજુ કરવા લાગ્યા તેની સામે જોઈ રહેવા સિવાય મોઘલો કશું કરી શકે તેમ નહોતા.
પ્લાસીના યુદ્ધ પછી 50 વર્ષોમાં જ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકોની સંખ્યા વધીને અઢી લાખ જેટલી થઈ ગઈ હતી.
બંગાળથી આગળ વધીને ભારતના મોટા વિસ્તારો પર તેણે કબજો જમાવી દીધો હતો.

મોઘલ બાદશાહ બન્યા કંપનીના આશ્રિત

ઇમેજ સ્રોત, AFP
એવી નોબત આવી કે 1803 સુધીમાં દિલ્હીની ગાદી પર બેઠેલા મોઘલ બાદશાહ શાહ આલમ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આશ્રિત થઈ ગયા હતા.
એક જમાનો હતો કે તેના વડવા જહાંગીર સામે બ્રિટિશ રાજદૂત થૉમસ રોએ ઘૂંટણભેર પડીને પરવાના માગ્યા હતા.
આજે હવે એ હાલત હતી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક ક્લર્ક સામે નમીને આખું બંગાળ સોંપી દેવાનું કુલમુખ્યતારનામું કરી આપવું પડ્યું હતું.
નવાઈની વાત લાગે છે કે આ કામ બ્રિટિશ સરકારે નહી પણ એક કંપનીએ કર્યું હતું.
કંપનીનો હેતુ એક જ હતો કે પોતાના શેરહોલ્ડરો માટે વધારેમાં વધારે નફો રળવો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
કમાણી માટે થાય તે બધા કાવાદાવા કરવા. લંડનમાં એક નાની ઇમારતમાં આ કંપની આવેલી હતી, જેમાં એક સદી પછી પણ કુલ કર્મચારીઓની સંખ્યા 35થી વધી નહોતી.
આમ છતાં દુનિયાના ઇતિહાસમાં આ કંપનીએ એવી તાકાત હાંસલ કરી હતી, જે આજ સુધી કોઈ કંપની મેળવી શકી નથી.
તમને લાગતું હશે કે આજની મલ્ટિનેશનલ કંપનીઓ બહુ શક્તિશાળી થઈ ગઈ છે.
આ કંપનીઓ ઘણા બધા દેશોની નીતિઓ પર અસર પાડે છે. કલ્પના કરો કે ગૂગલ, ફેસબૂક, એપલ, માઇક્રોસૉફ્ટ અને સેમસંગ ભેગા થઈને એક સંયુક્ત કંપની બનાવે.
આ કંપની પાસે આધુનિક શસ્ત્રો સાથેની પોતાની સેના પણ હોય. જે દેશ તેમના ઉત્પાદનો ખરીદવાની મનાઈ કરે તેના પર આ સેના હુમલો કરી દે તો શું થાય?

અફીણ ખરીદવા ફરજ પડાઈ

ઇમેજ સ્રોત, EDWARD DUNCAN
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આવું જ ચીન સાથે કર્યું હતું. કંપની ભારતમાં અફીણની ખેતી કરતી હતી પરંતુ તેનો ઉપયોગ પોતે ઓછો કરતી હતી.
તેનો મોટો હિસ્સો ચીનમાં મોંઘા ભાવે વેચવામાં આવતો હતો. ચીનીઓને લાગ્યું કે આમાં પોતે છેતરાઈ રહ્યા છે, ત્યારે તેમણે અફીણ ખરીદવાનું બંધ કરી દીધું હતું.
કંપની માટે નફામાં મોટું નુકસાન હતું એટલે ચલાવી લે તેમ નહોતી. 1839માં કેટલાક તોપવાહક જહાજોને ચીન મોકલી દેવાયાં.
ચીનની ખખડી ગયેલી નૌકાસેનાને હરાવી નમાવી દેવામાં આવી.
ચીનના સમ્રાટે પોતાની ભૂલ સ્વીકારી અને અફીણની આયાત પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો.
એટલું જ નહીં, કંપનીને થયેલા નુકસાનની ભરપાઈ કરી દેવા માટે આખું હોંગકોંગ બ્રિટનને આપી દેવું પડ્યું.
1997 સુધી તે બ્રિટનના કબજામાં રહ્યું અને તે પછી તેને ચીને પાછું લીધું હતું.
આ દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાની નાગચૂડ ફેલાવવાનું ચાલુ જ રાખ્યું હતું.
એક પછી એક રજવાડાંને તે ગળી જવા લાગી હતી. 1818માં મરાઠાઓને પરાસ્ત કરી દેવાયા.
તેનાં થોડાં વર્ષો પછી શીખોને હરાવી દેવાયા. શીખોને હરાવીને પશ્ચિમ ભારત એટલે કે આજના પાકિસ્તાન પર પણ કબજો કરી લેવાયો.
ખૈબરઘાટથી લઈને છેક બર્મા અને હિમાલયના બર્ફિલા પહાડોથી કન્યાકુમારી સુધી તેનું રાજ સ્થપાઈ ગયું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
હવે ઊંટે તંબુની અંદર ઘૂસીને બેદુઈનને જ બહાર કાઢી નાખ્યો હતો.
આ કથા આવી રીતે જ ચાલતી રહી હોત પણ કંપનીની કમનસીબી બેઠી હતી.
1857માં કંપનીના પગારદાર સિપાઈઓએ બળવો કરી દીધો, જેમાં મોટા પાયે ખૂનખરાબા થયા.
તે વખતે ઘણાં બધા અખબારો પ્રગટ થવાં લાગ્યાં હતાં. તેના કારણે કંપનીના કારનામાના સમાચાર ઇંગ્લૅન્ડમાં પહોંચવા લાગ્યા હતા.
ઇસ્ટ ઇન્ડિયા કંપની એટલી બદનામ થવા લાગી હતી કે જનતાના દબાણના કારણે બ્રિટનની સંસદને આ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવાની ફરજ પડી હતી.
ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતનો વહીવટ લઈને બ્રિટિશ સરકારે સંભાળી લીધો.
તે રીતે ભારત મહારાણી વિક્ટોરિયાના 'તાજનો સૌથી શાનદાર હીરો' બની ગયું.
તે પછીનાં થોડાં વર્ષો સુધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રગશિયું ગાડું ચાલતું રહ્યું હતું.
આખરે 1 જૂન, 1874માં ત્રણસો વર્ષની લાંબી અને શાનદાર મઝલ પછી કંપનીને તાળાં લાગી ગયાં.

ન નીકળ્યો જનાજો કે નથી કોઈ મઝાર

ઇમેજ સ્રોત, HERITAGE IMAGE PARTNERSHIP LTD/ALAMY
લંડનની લીડન હૉલ સ્ટ્રીટમાં કંપનીનું હેડક્વાર્ટર જ્યાં આવેલું હતું, ત્યાં આજે બૅન્કની ઇમારત ઊભી છે.
કંપનીની કોઈ નિશાની અહીં બચી નથી. કોઈ સ્મૃત્તિચિહ્ન નથી કે કોઈ મૂર્તિ કે પ્રતિમા નથી.
નાનકડી કોઈ તકતી પણ બચી નથી. ન નીકળ્યો કોઈ જનાજો કે ના બની કોઈ મઝાર.
કંપનીની કોઈ યાદગીરી આજે બચી નથી પણ કંપનીએ જે કામ કર્યું હતું તેની અસર આજે પણ દેખાઈ રહી છે.
એ વાત જાણીને ઘણા લોકોને નવાઈ લાગશે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ચસ્વ ભારતમાં છવાયું તે પહેલાં ઔરગઝેબના સમયમાં ભારત દુનિયાનો સૌથી અમીર દેશ હતો.
દુનિયાની કુલ જીડીપીમાં ચોથા ભાગનો હિસ્સો માત્ર ભારતનો હતો. તે વખતે ઇંગ્લૅન્ડનો હિસ્સો માત્ર બે ટકાનો જ હતો.
ભારતની જમીન ફળદ્રુપ હતી અને તેના કારણે કારણે ધનધાન્ય પાકતાં હતાં.
લોકો મહેનતુ અને કુશળ હતા. તેના કારણે ભારતમાં તૈયાર થતા સુતરાઉ કાપડની માંગ આખી દુનિયામાં હતી.
વહાણવટું અને લોખંડના ધંધામાં પણ ભારત દુનિયામાં સૌથી આગળ હતું.
આ બધી જ સ્થિતિ પ્લાસીના યુદ્ધ પછી બદલાઈ ગઈ.
1947માં અંગ્રેજોએ અહીંથી ઉચાળા ભર્યા ત્યારે સિકંદરની જેમ તેમણે ખાલી હાથે જવાનું નહોતું.
અંગ્રેજો કોથળા ભરીને નાણું ભારતમાંથી ઉલેચી લીધું હતું.

'દુનિયાનો સૌથી ગરીબ દેશ'

ઇમેજ સ્રોત, CONTRABAND COLLECTION/ALAMY
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહે આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું :
"બ્રિટન સરકાર સામે ફરિયાદ કરવા માટે આજે પણ આપણી પાસે નક્કર કારણો છે.
"1700ની સાલમાં ભારત એકલું દુનિયાની 22.6 ટકા સંપત્તિ પેદા કરતું હતું. સમગ્ર યુરોપના હિસ્સા જેટલો તે હિસ્સો હતો."
"જોકે, 1952 સુધીમાં તે હિસ્સો ઘટીને માત્ર 3.8 ટકાનો થઈ ગયો હતો."
"બ્રિટનના 'તાજનો સૌથી શાનદાર હિરો' ગણાતું ભારત વીસમી સદીમાં માથાદીઠ આવક પ્રમાણે દુનિયાનો સૌથી ગરીબ દેશ બની ગયો હતો.'
હવે એ સવાલ તરફ વળીએ કે અંગ્રેજોના 200 વર્ષના શોષણને કારણે ભારતને કેટલું નુકસાન થયું.
આ અંગે જુદા જુદા નિષ્ણાતોએ જુદા જુદા અંદાજો મૂક્યા છે.
તેમાં સૌથી પ્રસંશાપાત્ર અનુમાન અર્થશાસ્ત્રના જાણકાર અને પત્રકાર મહેનાઝ મર્ચન્ટનો છે.
તેમણે કરેલા અભ્યાસમાં 1757થી 1947 સુધીમાં અંગ્રેજોને કારણે ભારતને કેટલું આર્થિક નુકસાન થયું તેનો હિસાબ કરવામાં આવ્યો છે.
તેમના અંદાજ અનુસાર નુકસાનીની કુલ રકમ 2015ના વિદેશી હૂંડિયામણના દર પ્રમાણે 30 ટ્રિલિયન (એક પર 12 મીંડા, 30 હજાર અબજ) ડૉલર જેટલી થાય છે.
આ કેટલી મોટી લૂંટ હતી તેનો અંદાજ એ રીતે આવશે કે નાદિરશાહે દિલ્હીને લૂંટ્યું ત્યારે તેને ફક્ત 143 અબજ ડૉલરની સંપત્તિ મળી હોવાનો અંદાજ છે.
ચારસો વર્ષ પહેલાં જહાંગીરના દરબારમાં આવેલા અંગ્રેજ રાજદૂતને શંકા ગઈ હતી કે ભારત આટલો અમીર દેશ છે ખરો.
બાદશાહને સોના, ચાંદી અને હીરા ઝવેરાતથી તોળાવાની વાત તેને ગળે ઊતરતી નહોતી.
તેને લાગતું હતું કે રેશમની થેલીઓમાં કદાચ પથ્થરો ભર્યા હશે.
આજે કોઈક રીતે થૉમસ રોને પાછો લાવી શકાય અને આ આંકડો તેને જણાવી શકાય, તો કદાચ તેની શંકા કાયમ માટે દૂર થઈ જાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો



















