કોલકાતા : નવાબ સિરાજુદ્દોલાએ કાળકોટડીમાં '146 અંગ્રેજોના શ્વાસ રુંધી' નાખ્યા હતા એની હકીકત શું છે?

બ્રિટિશરો

ઇમેજ સ્રોત, ALEPH PUBLICATION

ઇમેજ કૅપ્શન, અંગ્રેજોના જવાબથી નવાબ સિરાજુદ્દોલાને સંતોષ થયો ન હતો. તેથી તેમણે 1756ની 16 જૂને કોલકાતા પર હુમલો કર્યો હતો.
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇંગ્લૅન્ડની સ્કૂલોનાં બાળકો ભારત વિશે ત્રણ બાબત જરૂર જાણતાં હોવાનું કહેવાય છે. એ ત્રણ એટલે કાળકોટડી, પ્લાસીનું યુદ્ધ અને 1857નો બળવો.

મુઘલ સામ્રાજ્યનું ઝડપી પતન વાસ્તવમાં 1707માં ઔરંગઝેબનાં મૃત્યુ પછી શરૂ થઈ ગયું હતું અને બંગાળ ટેક્નિકલી મુઘલ સામ્રાજ્યનો હિસ્સો હોવા છતાં એક રીતે આઝાદ પ્રાંત બની ગયું હતું.

અંગ્રેજો અને ફ્રાન્સના લોકોએ ત્યાં તેમના કારખાનાઓની કિલ્લેબંધી શરૂ કરી ત્યારે નવાબ સિરાજુદ્દોલાને એવું લાગ્યું હતું કે અંગ્રેજો તેમને આપવામાં આવેલા અધિકારોનો દુરુપયોગ કરી રહ્યા છે. તેથી નવાબે તેમની પાસેથી જવાબ માગ્યો હતો.

અંગ્રેજોના જવાબથી નવાબ સિરાજુદ્દોલાને સંતોષ થયો ન હતો. તેથી તેમણે 1756ની 16 જૂને કોલકાતા પર હુમલો કર્યો હતો.

અંગ્રેજોની હાર નિશ્ચિત છે એવા સંકેતો મળવા લાગ્યા ત્યારે ગવર્નર જૉન ડ્રેક હુગલી નદીમાં લાંગરવામાં આવેલા એક જહાજમાં તેમના કમાન્ડર, તેમની પરિષદના મોટાભાગના સભ્યો, મહિલાઓ અને બાળકો સાથે સવાર થઈને નાસી છૂટ્યા હતા.

line

અંગ્રેજોનું આત્મસમર્પણ

સિરાજુદોલ્લા

ઇમેજ સ્રોત, BLOOMSBURY PUBLICATION

ઇમેજ કૅપ્શન, એક પેઇન્ટિંગમાં સિરાજુદ્દોલા પોતાના સૈનિકો સાથે

કોલકાતાની ગૅરિસન એટલે કે ગઢરક્ષક સેનાને કો-કાઉન્સિલના એક જુનિયર સભ્ય જૉનાથન હૉલવેલના ભરોસે છોડી દેવામાં આવી હતી.

સિરાજુદ્દોલાએ તેમના સૈનિકો સાથે 1756ની 20 જૂને ફોર્ટ વિલિયમની દિવાલો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંગ્રેજોની આખી ગૅરિસને તેમની સામે આત્મસમર્પણ કર્યું હતું.

એસ સી હિલે તેમનાં પુસ્તક 'બંગાલ ઇન 1857-58'માં લખ્યું છે કે 'સિરાજુદ્દોલાએ ફોર્ટ વિલિયમની વચોવચ પોતાના દરબાર ભર્યો હતો અને જાહેરાત કરી હતી કે કોલકાતાનું નામ બદલીને અલીનગર રાખવામાં આવશે.'

એ પછી તેમણે રાજા માનિકચંદને કિલ્લાના રક્ષક બનાવવાની જાહેરાત કરી હતી.

અંગ્રેજોએ બનાવેલા ગવર્નમેન્ટ હાઉસને તોડી પાડવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો અને જણાવ્યું હતું કે એ ઇમારત રાજકુમારો કે વેપારીઓને રહેવા લાયક નથી. એ પછી પોતાની સફળતા માટે ખુદાનો આભાર માનીને નમાઝ પઢી હતી.

line

અંગ્રેજોએ કર્યો ગોળીબાર

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ ઘટનાનું વર્ણન કરતાં જે ઝેડ હૉલવેલે 'ઈન્ટરેસ્ટિંગ હિસ્ટૉરિકલ ઈવેન્ટ્સ રિલેટેડ ટૂ પ્રૉવિન્સ ઑફ બંગાલ' શીર્ષક હેઠળના લેખમાં લખ્યું હતું કે 'મારા હાથ બાંધીને મને નવાબ સામે રજૂ કરવામાં આવ્યો હતો. નવાબે મારા બાંધેલા હાથ છોડવાનો આદેશ આપ્યો હતો અને મને વચન આપ્યું હતું કે મારી સાથે કોઈ ગેરવર્તન કરવામાં આવશે નહીં. એ ઉપરાંત નવાબે અંગ્રેજો દ્વારા કરાયેલા વિરોધ અને ગવર્નર ડ્રેકના વ્યવહાર બાબતે નારાજગી પણ વ્યક્ત કરી હતી.'

થોડા સમય પછી સિરાજુદ્દોલા દરબારમાંથી ઊઠીને એક ઘરમાં આરામ કરવા ચાલ્યા ગયા હતા. એ ઘર વેડરબર્ન નામના એક અંગ્રેજનું હતું.

એસ સી હિલે લખ્યું હતું કે 'નવાબના કેટલાક સૈનિકોએ નિયંત્રિત કહેવાય એ રીતે લૂટફાટ શરૂ કરી દીધી હતી. તેમણે કેટલાક અંગ્રેજોને લૂટ્યા હતા, પણ કોઈની સાથે ગેરવર્તન કર્યું ન હતું.'

પોર્ટુગલ અને આર્મેનિયાના કેટલાક લોકોને તેમણે મુક્ત કર્યા હતા અને તેઓ ફોર્ટ વિલિયમની બહાર નીકળી ગયા હતા.

જોકે, થોડા કલાકમાં સાંજ થતાં સુધીમાં હૉલવેલ અને બીજા કેદીઓ પ્રત્યેનો નવાબના સૈનિકોનો વ્યવહાર બદલાઈ ગયો હતો. બન્યું એવું કે દારૂના નશામાં ચકચૂર એક અંગ્રેજ સૈનિકે પિસ્તોલ કાઢીને નવાબના એક સૈનિકને શૂટ કરી નાખ્યો હતો.

line

અંગ્રેજો પૂરાયા કાળકોટડીમાં

સિરાજુદોલ્લા

ઇમેજ સ્રોત, ALEPH

ઇમેજ કૅપ્શન, એસ સી હિલે તેમનાં પુસ્તક 'બંગાલ ઇન 1857-58'માં લખ્યું છે કે 'સિરાજુદ્દોલાએ ફોર્ટ વિલિયમની વચોવચ પોતાના દરબાર ભર્યો હતો અને જાહેરાત કરી હતી કે કોલકાતાનું નામ બદલીને અલીનગર રાખવામાં આવશે.

અંગ્રેજ સૈનિકનાં કૃત્ય વિશેની ફરિયાદ સિરાજુદ્દોલા પાસે પહોંચી ત્યારે તેમણે પૂછ્યું હતું કે દુર્વ્યવહાર કરતા અંગ્રેજ સૈનિકોને કઈ જગ્યાએ પૂરવામાં આવે છે? તેમને જણાવવામાં આવ્યું હતું કે કાળકોટડીમાં.

અધિકારીઓએ સિરાજુદ્દોલાને સલાહ આપી હતી કે આટલા બધા કેદીઓને આખી રાત મુક્ત રાખવાનું ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેમને કાળકોટડીમાં પૂરી દેવા જોઈએ.

સિરાજુદ્દોલાએ કેદીઓને કાળકોટડીમાં પૂરી દેવાનો આદેશ આપ્યો હતો.

કુલ 146 અંગ્રેજોને તેમના પદ કે જાતિને ધ્યાનમાં લીધા વિના 18 ફૂટ X 14 ફૂટની એક કોટડીમાં ઠાંસી દેવામાં આવ્યા હતા. એ કોટડીમાં માત્ર બે નાનકડી બારીઓ હતી અને એ કોટડી ત્રણ-ચાર કેદીઓને પૂરવા માટે બનાવવામાં આવી હતી.

હૉલવેલે લખ્યું હતું કે 'કદાચ એ વર્ષની સૌથી ગરમ અને ઉકળાટભરી રાત હતી. બધા કેદીઓ 21 જૂનની સવારના છ વાગ્યા સુધી કશું ખાધા-પીધા વિના એ કોટડીમાં પૂરાયેલા રહ્યા હતા.

અંગ્રેજોની આ તકલીફ આગલી સાંજે સાત વાગ્યે શરૂ થઈ હતી અને બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી ચાલુ રહી હતી.

એસ સી હિલના લખ્યા મુજબ, 'જે સૈનિકોને આ કેદીઓ પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેમનામાં, ઊંઘતા નવાબને જગાડીને કેદીઓની હાલત વિશે જણાવવાની હિંમત ન હતી. સિરાજુદ્દોલા જાગ્યા અને તેમને કેદીઓની ખરાબ હાલત વિશે જણાવવામાં આવ્યું ત્યારે તેમણે કોટડીનો દરવાજો ખોલવાનો આદેશ આપ્યો હતો.'

'દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે 146 કેદીઓ પૈકીના માત્ર 23 કેદીઓ મરણાસન્ન હાલતમાં જીવતા બહાર આવ્યા હતા.'

મૃત્યુ પામેલા કેદીઓના મૃતદેહોને નજીકની જગ્યામાં ખાડો ખોદીને અંતિમ સંસ્કારની કોઈ વિધિ કર્યા વિના દફનાવી દેવામાં આવ્યા હતા.

line

સલામતી રક્ષકોને લાંચ આપવાનો પ્રયાસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એસ સી હિલના પુસ્તક મુજબ 'દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે 146 કેદીઓ પૈકીના માત્ર 23 કેદીઓ મરણાસન્ન હાલતમાં જીવતા બહાર આવ્યા હતા.'

હૉલવેલના લખ્યા મુજબ, એક વૃદ્ધ સલામતી રક્ષકે મારા પ્રત્યે થોડી દયા દેખાડી હતી.

'મેં તેને વિનયપૂર્વક કહ્યું હતું કે કોટડીમાંના અડધા લોકોને બીજા ઓરડામાં પૂરી દઈને અમારી તકલીફમાં થોડો ઘટાડો કરો. આટલી દયા કરવા બદલ હું સવારે તમને 1,000 રૂપિયા આપીશ. સલામતી રક્ષકે પ્રયાસ કરવાનું વચન આપ્યું હતું, પણ થોડી વાર પછી પરત આવીને તેણે જણાવ્યું હતું કે અડધા લોકોને બીજા ઓરડામાં પૂરવાનું શક્ય નથી.'

'મેં તેને 2,000 રૂપિયા આપવાનું જણાવ્યું. એ ફરીવાર ગાયબ થઈ ગયો. તેણે પરત આવીને જણાવ્યું હતું કે નવાબના આદેશ સિવાય એકેય કેદીને બીજા ઓરડામાં પૂરી શકાશે નહીં અને તેનામાં નવાબને જગાડવાની હિંમત નથી.'

line

શ્વાસ રૂંધાવાને કારણે મોત

સિરાજુદોલ્લાની મૂર્તિ

ઇમેજ સ્રોત, Getty Images

કોટડીમાં પૂરવામાં આવેલા સૈનિકોને રાતે નવ વાગ્યે તરસ લાગવાની શરૂઆત થઈ ત્યારથી પરિસ્થિતિ વણસવા લાગી હતી.

એક વૃદ્ધ સૈનિકને કેદીઓ પર દયા આવી એટલે તે એક મશકમાં થોડું પાણી લઈ આવ્યો હતો અને બારીઓમાંથી તેણે પાણી અંદર પહોંચાડ્યું હતું.

હૉલવેલ આગળ લખે છે કે 'મારી હાલત કેટલી કફોડી હતી એ કેવી રીતે જણાવું? જે કેદીઓ એક બારી પાસે ઊભા હતા તેમણે પાણીની આશામાં બીજી બારી તરફ દોટ મૂકી હતી. તેઓ એટલા ઝડપથી પાણી તરફ ભાગ્યા હતા કે તેમણે અન્ય અનેક કેદીઓને કચડી નાખ્યા હતા.'

'મેં જોયું કે થોડાક પાણીએ તેમને સંતોષ આપવાને બદલે તેમની તરસને તીવ્ર બનાવી દીધી હતી. એક તરફ હવા-હવાના પોકાર પણ થઈ રહ્યા હતા. પછી કેદ કરાયેલા લોકો સૈનિકોને ઉશ્કેરવા માટે તેમને આકરા શબ્દો કહેવા લાગ્યા હતા, જેથી સૈનિકો ગુસ્સે થઈને ગોળીબાર કરે અને તેમની તકલીફ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દે.'

'જોકે, રાતના સાડા અગિયાર થતા સુધીમાં તેમની તમામ શક્તિ ખૂટી પડી હતી. ગરમીને કારણે તેમનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો અને તેઓ એકમેક પર પડીને મૃત્યુ પામતા હતા.'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દાવો કરવામાં આવે છે કે મૃત્યુ પામેલા કેદીઓના મૃતદેહોને નજીકની જગ્યામાં ખાડો ખોદીને અંતિમ સંસ્કારની કોઈ વિધિ કર્યા વિના દફનાવી દેવામાં આવ્યા હતા.

હૉલવેલે બાદમાં, એ મૃતકોની સ્મૃતિમાં ત્યાં એક સ્મારક બનાવડાવ્યું હતું.

થોડા વર્ષો બાદ વીજળી પડવાને કારણે સ્મારકને બહુ નુકસાન થયું હતું. ઈંટ વડે બનાવવામાં આવેલું એ સ્મારક તોડી પાડવાનો આદેશ ફોર્ટ વિલિયમના તત્કાલીન ગવર્નર જનરલ ફ્રાન્સિસ હેસ્ટિંગ્ઝે 1821માં આપ્યો હતો.

વાઇસરૉય લૉર્ડ કર્ઝને મૃતકોની સ્મૃતિમાં 1902માં કાળકોટડીથી થોડે દૂર ડેલહાઉઝી સ્ક્વેરમાં (આજના બિનૉય, બાદલ, દિનેશ બાગમાં) આરસપહાણનું એક વધુ સ્મારક બનાવ્યું હતું.

લોકોની માગણીને માન આપીને તે સ્મારક 1940માં સેન્ટ જ્યોર્જ ચર્ચના પ્રાંગણમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં તે આજે પણ છે.

કેટલાક ઇતિહાસકારોએ હૉલવેલ દ્વારા કરવામાં આવેલા વર્ણન સામે સવાલ કર્યા છે. એસ સી હિલે લખ્યું હતું કે 'હૉલવેલે જે 123 લોકો મૃત્યુ પામ્યાનું લખ્યું છે એ પૈકીના માત્ર 56 લોકોના રેકર્ડ જ અમને મળ્યા છે.'

મરણાંકમાં અતિશયોક્તિનો આરોપ

સિરાજુદોલ્લા

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, કેટલાક ઇતિહાસકારોએ 123 બ્રિટિશ સૈનિકોનાં મૃત્યુના દાવા પર સવાલ કરે છે.

વિખ્યાત ભારતીય ઇતિહાસકાર જદુનાથ સરકારનું માનવું છે કે હૉલવેલે તેમના વિવરણમાં મૃતકોની સંખ્યા વધારીને રજૂ કરી હતી.

જદુનાથ સરકારે તેમના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ બંગાલ'માં લખ્યું છે કે 'લડાઈમાં અંગ્રેજો મોટી સંખ્યામાં માર્યા ગયા હતા. તેને ધ્યાનમાં લેતાં સિરાજુદ્દોલાના હાથમાં આટલા અંગ્રેજો આવ્યા હોય તેનો સવાલ જ નથી. બાદમાં ભોલાનાથ ચંદ્રા નામના એક જમીનદારે સચ્ચાઈની ચકાસણી માટે 18 ફૂટ X 15 ફૂટ વિસ્તારમાં વાંસનું વર્તુળ બનાવીને લોકોને એકઠા કર્યા હતા, પણ તેમાં 146 કરતાં ઘણા ઓછા લોકો સમાઈ શક્યા હતા.

પુસ્તક

ઇમેજ સ્રોત, Internet

ઇમેજ કૅપ્શન, તમામ બ્રિટિશ વર્તુળોમાં એવી લાગણી આકાર પામી હતી કે બ્રિટિશ સન્માન પાછું મળવું જોઈએ અને આ ઘટનાનો બદલો લેવો જોઈએ.

'હૉલવેલે જે લોકો કાળકોટડીમાં મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું એ લોકો વાસ્તવમાં અગાઉ અથવા લડાઈ દરમિયાન માર્યા ગયા હતા અથવા તેમના જીવંત હોવાનો કે બચી ગયાનો કોઈ રેકર્ડ ન હતો.'

વિખ્યાત ઇતિહાસકાર વિલિયમ ડેલરિમ્પલે તેમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક 'ધ એનાર્કી'માં લખ્યું છે કે 'તાજેતરના રિસર્ચના તારણ અનુસાર, કાળકોટડીમાં 64 લોકોને રાખવામાં આવ્યા હતા અને એ પૈકીના 21 લોકોનો જીવ બચી ગયો હતો.'

વિલિયમ ડેલરિમ્પલનું પુસ્તક

ઇમેજ સ્રોત, Bloomsberry

ઇમેજ કૅપ્શન, કાળકોટડીમાં બ્રિટિશ સૈનિકોનાં મૃત્યુને લઈને જે દાવાઓ કરવામાં આવ્યા છે તેને લઈને અલગઅલગ મત સામે આવ્યા છે.

'એ ઘટનાને 150 વર્ષ થઈ ગયા હોવા છતાં બ્રિટિશ સ્કૂલોમાં તેને ભારતીયોની નૃશંસતાના ઉદાહરણ સ્વરૂપે ભણાવવામાં આવે છે, પરંતુ ગુલામ હુસૈન ખાન સહિતના તત્કાલીન ઇતિહાસકારોના લેખનમાં આ ઘટનાનું કોઈ વિવરણ જોવા મળતું નથી.'

line

અંગ્રેજોમાં નારાજગી

એ તસવીર જેમાં કાળકોટડીમાં મૃત્યુ પામનાર સૈનિકોની યાદમાં બનાવેલું સ્મારક બતાવવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એ તસવીર જેમાં કાળકોટડીમાં મૃત્યુ પામનાર સૈનિકોની યાદમાં બનાવેલું સ્મારક બતાવવામાં આવ્યું છે.

આ ઘટનાને ઇતિહાસમાં ભલે અતિશયોક્તિપૂર્વક રજૂ કરવામાં આવી હોય, પણ બ્રિટિશ રાષ્ટ્રવાદ વધારવા માટે તેનો ભરપૂર લાભ લેવામાં આવ્યો છે.

રૉબર્ટ ક્લાઇવનું ચિત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇતિહાસકારોનું કહેવું છે કે 1757માં નવાબ સિરાજુદ્દોલા પર હુમલો કરવા માટે આ ઘટનાને બહાનું બનાવવામાં આવી હતી

રૉબર્ટ ક્લાઇવે સંસદસભ્ય વિલિયમ મૉબટને 1756ની સાત ઑક્ટોબરે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે 'આ ઘટનાની વિગત સાંભળીને દરેકનું હૈયું પીડા, દહેશત અને નારાજગીથી ભરાઈ ગયું છે. એ નારાજગી ખાસ કરીને સિરાજુદ્દોલા પ્રત્યેની છે, જેમણે આપણી પાસેથી કોલકાતા છીનવી લીધું છે અને જે આપણા દેશબાંધવોનો હત્યારો છે. કોલકાતા આસાનીથી કબ્જે કરવામાં આવ્યું હતું તેનાથી પણ આપણું ઘોર અપમાન થયું છે.'

રૉબર્ટ ક્લાઇવ

ઇમેજ સ્રોત, BLOOMSBURY PUBLICATION

ઇમેજ કૅપ્શન, આ ઘટનાનો બ્રિટિશ રાષ્ટ્રવાદને વેગ આપવામાં કરવામાં આવ્યો એવું ઇતિહાસકારોનું માનવું છે.

તમામ બ્રિટિશ વર્તુળોમાં એવી લાગણી આકાર પામી હતી કે બ્રિટિશ સન્માન પાછું મળવું જોઈએ અને આ ઘટનાનો બદલો લેવો જોઈએ.

નિકોલસ ડકર્સ તેમના પુસ્તક 'કાસ્ટ્સ ઍન્ડ માઇન્ડ કોલોનિયલિઝમ ઍન્ડ મેકિંગ ઑફ મૉર્ડન ઇન્ડિયા'માં લખ્યું છે કે 'બ્લૅક હોલ એટલે કે કાળકોટડી એક કિવદંતિ બની ગઈ છે અને તેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બહાદુર વેપારીઓ પરના ભારતમાં રહેતા લોકોના અત્યાચારના સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે.

'આ ઘટનાના એક વર્ષ બાદ તેના સમાચાર લંડન પહોંચ્યા ત્યારે હૉલવેલ પોતે પણ જહાજ મારફત લંડન પહોંચ્યા હતા. પછી 1757માં નવાબ સિરાજુદ્દોલા પર હુમલો કરવા માટે આ ઘટનાને બહાનું બનાવવામાં આવી હતી.'

line

હૉલવેલે કરેલા વર્ણન સામે સવાલ

કોલકાતામાં હૉલવેલ મ્યુઝિયમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલકાતામાં હૉલવેલ મ્યુઝિયમ

એ પછી એચ એચ ડૉડવેલે તેમના પુસ્તક 'ક્લાઇવ ઇન બંગાલ 1756-60માં લખ્યું હતું કે 'હૉલવેલ, કૂક અને બીજા જે લોકોએ આ ઘટના વિશે લખ્યું હતું તેમનું વર્ણન મનઘડંત હતું. એ પૈકીના મોટાભાગના લોકો ફોર્ટ વિલિયમ પરના હુમલામાં મૃત્યુ પામ્યા હતા.'

નિકોલસ ડકર્સે લખ્યું હતું કે 'બ્લૅક હોલ ઘટનાના કુલ 14 વિવરણ પૈકીના એકને બાદ કરતાં બાકીના બધાનો સ્રોત હૉલવેલનો લેખ છે અને 14મું વિવરણ ઘટનાના 16 વર્ષ બાદ લખવામાં આવ્યું હતું.'

ગંભીર ઇતિહાસકારોને કાળકોઠડીની આ ઘટના વિશે જ શંકા છે. તેઓ માને છે કે એ લોકો કાળકોઠડીમાં શ્વાસ રૂંધાવાને કારણે નહીં, પણ લડાઈમાં જ માર્યા ગયા હતા.

વિન્સેન્ટ એ સ્મિથ નામના એક ઇતિહાસકારે તેમના પુસ્તક 'ઑક્સફર્ડ હિસ્ટ્રી ઑફ ઈન્ડિયા ફ્રોમ અર્લિઅર ટાઇમ્સ ટૂ ધ ઍન્ડ ઑફ 1911'માં લખ્યું છે કે 'ઘટના જરૂર બની હતી, પણ તેના કેટલાક વિવરણમાં વિસંગતતા જોવા મળે છે. એ ક્રૂરતા માટે નવાબ સિરાજુદ્દોલા અંગત અને પ્રત્યક્ષ રીતે જવાબદાર ન હતા. કેદીઓ સાથે કેવું વર્તન કરવું તેની જવાબદારી તેમણે તેમના સહાયકોને સોંપી હતી. કેદીઓને નાનકડા ઓરડામાં રાખવાનો આદેશ તેમણે પોતે આપ્યો ન હતો, પરંતુ તેમણે એ નૃશંસતા માટે તેમના સહાયકોને સજા પણ કરી ન હતી અને ક્યારેય દુઃખ પણ વ્યક્ત કર્યું ન હતું એ હકીકત છે.'

line

બ્રિટિશ સામ્રાજ્યવાદને યોગ્ય ઠરાવવાનો પ્રયાસ

કાળકોટડીની એ ઘટનાને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદનું મુખ્ય કારણ ગણાવવામાં આવી હતી

ઇમેજ સ્રોત, ALEPH

ઇમેજ કૅપ્શન, કાળકોટડીની એ ઘટનાને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદનું મુખ્ય કારણ ગણાવવામાં આવી હતી

કાળકોટડીની એ ઘટનાને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદનું મુખ્ય કારણ ગણાવવામાં આવી હતી એટલું જ નહીં, પણ તેના આધારે ભારતમાં બ્રિટિશ શાસનને વાજબી ઠરાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા.

જોકે, બ્રિટિશ શાસનનો સૂર્ય અસ્ત થતો ગયો તેમ-તેમ એ ઘટના પણ ઇતિહાસના ગર્તમાં સમાતી ગઈ.

એ ઘટનાના એક વર્ષમાં રૉબર્ટ ક્લાઇવે કોલકાતા ફરી કબજે કર્યું હતું. એ ઉપરાંત પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દોલાને હરાવીને ભારતમાં અંગ્રેજ શાસનનો પાયો નાખ્યો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો