ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 'સોને કી ચિડિયા' જેવા ભારતને ગુલામ કઈ રીતે બનાવ્યું હતું?

ઈસ્ટ ઇન્ડિયા કંપની

ઇમેજ સ્રોત, FRANCIS HAYMAN/NATIONAL PORTRAIT GALLERY, LONDON

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક, લાહોર

સોળમી સદીનું તે અંતિમ વર્ષ હતું. દુનિયાના કુલ ઉત્પાદનમાં એકલા ભારતનો એક ચતુર્થાંશ હિસ્સો હતો.

તેથી જ ભારતને 'સોનાની ચિડિયા' કહેવામાં આવતું હતું. તે સમયે દિલ્હીની ગાદી પર મોગલ બાદશાહ જલાલુદ્દીન મહમંદ અકબર બિરાજમાન હતા.

તેઓ દુનિયાના સૌથી ધનાઢ્ય બાદશાહો પૈકી એક હતા. બીજી તરફ તે સમયે બ્રિટન ગૃહયુદ્ધમાંથી બહાર નીકળી રહ્યું હતું.

તેનું અર્થતંત્ર ખેતી પર આધારિત હતું અને દુનિયાના કુલ ઉત્પાદનમાં બ્રિટનના માલનો હિસ્સો માત્ર ત્રણ ટકા હતો.

બ્રિટનમાં તે સમયે મહારાણી વિક્ટોરિયા પ્રથમનું શાસન હતું. બ્રિટનને પાછળ રાખીને યુરોપના સૌથી શક્તિશાળી દેશો પોર્ટુગલ અને સ્પૅન આગળ નીકળી ગયા હતા.

બ્રિટનના ચાંચિયાઓ વેપારીઓના સ્વાંગમાં પોર્ટુગલ અને સ્પૅનના વ્યાપારી જહાજોને લૂંટીને સંતોષ માનતા હતા.

તે સમયે પ્રવાસી બ્રિટિશ વેપારી રાલ્ફ ફિચને હિંદ મહાસાગર, મૅસોપોટેમિયા, ઈરાનની ખાડી અને દક્ષિણ પૂર્વ એશિયાના વ્યાપારીપ્રવાસ કરતી વખતે ભારતની સમૃદ્ધિ વિશે જાણવા મળ્યું.

રાલ્ફ ફિચનો પ્રવાસ એટલો લાંબો હતો કે તેઓ બ્રિટન પરત પહોંચ્યા તે પહેલાં તેમને મૃત માનીને તેમની વસિયત પણ લાગુ કરી દેવાઈ હતી.

પૂર્વમાંથી મરી-મસાલા મેળવવા માટે લૅવેન્ટ નામની કંપની બે વખત નિષ્ફળ પ્રયાસ કરી ચૂકી હતી.

ભારત વિશે રાલ્ફ ફિચે આપેલી માહિતીના આધારે અન્ય એક પ્રવાસી સર જૅમ્સ લૅકેસ્ટર સહિત બ્રિટનના 200થી વધુ પ્રભાવશાળી અને વ્યવસાયીઓને આ દિશામાં આગળ વધવાનો વિચાર આવ્યો.

31 ડિસેમ્બર 1600ના રોજ તેમણે એક નવી કંપની સ્થાપી અને પૂર્વ એશિયામાં વ્યાપાર કરવા મહારાણી પાસેથી મૉનોપોલી મેળવી.

આ કંપનીનાં ઘણાં નામ છે, પરંતુ તેને 'ઇસ્ટ ઇન્ડિયા કંપની'ના નામથી ઓળખવામાં આવે છે.

line

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આગમનની જાહેરાત

1850માં લીડનહૉલ સ્ટ્રીટ પર બનેલું 'ન્યૂ ઈસ્ટ ઇન્ડિયા હાઉસ'

ઇમેજ સ્રોત, HERITAGE IMAGE PARTNERSHIP LTD ALAMY

ઇમેજ કૅપ્શન, 1850માં લીડનહૉલ સ્ટ્રીટ પર બનેલું 'ન્યૂ ઈસ્ટ ઇન્ડિયા હાઉસ'

શરૂઆતનાં વર્ષોમાં જુદાજુદા દેશોની સફર ખેડ્યા પછી ઑગસ્ટ 1608માં કૅપ્ટન વિલિયમ હૉકિન્સે ભારતના સુરત બંદરે પોતાના જહાજ 'હૅક્ટર'નું લંગર નાખ્યું અને 'ઇસ્ટ ઇન્ડિયા' કંપનીના આગમનની જાહેરાત કરી.

હિંદ મહાસાગરમાં બ્રિટનના વ્યાપારી હરીફ તરીકે ડચ અને પોર્ટુગીઝ વેપારીઓ પહેલેથી હાજર હતા. તે સમયે કોઈને અંદાજ ન હતો કે આ કંપની પોતાના દેશ કરતાં વિસ્તારમાં વીસ ગણા મોટા અને વિશ્વના સૌથી ધનાઢ્ય દેશો પૈકી એક દેશ પર શાસન કરશે અને તેની લગભગ ચોથા ભાગની પ્રજા પર સીધું રાજ કરશે.

ત્યાં સુધીમાં બાદશાહ અકબરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે સમયે સંપત્તિના મામલે માત્ર ચીનના મિંગ રાજવંશના બાદશાહ જ અકબરની બરાબરી કરી શકે તેમ હતા.

ખાફી ખાન નિઝામુલ-મુલ્કના પુસ્તક 'મુંતખબુલ-બાબ' પ્રમાણે અકબર પોતાની પાછળ 5,000 હાથી, 12,000 ઘોડા, 1,000 ચિત્તા, દશ કરોડ રૂપિયા, સો તોલાથી લઈને પાંચસો તોલા સુધીના 2,000 મોટા સિક્કા, 272 મણ કાચું સોનું, 370 મણ ચાંદી, ત્રણ કરોડ રૂપિયાના મૂલ્યનું એક મણ ઝવેરાત છોડી ગયા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અકબરના શાહજાદા સલીમ, નુરુદ્દીન જહાંગીરનું બિરુદ ધારણ કરીને ગાદી પર આવી ગયા હતા. શાસનમાં સુધારા કરીને કાન, નાક અને હાથ કાપવાની સજા સમાપ્ત કરવામાં આવી હતી.

જનતા માટે શરાબ અને બીજા નશીલા પદાર્થોના સેવનની મનાઈ હતી. ખાસ દિવસોમાં પશુહત્યા પર પ્રતિબંધના આદેશ હતા. અનેક ગેરવાજબી કરવેરા પણ નાબૂદ કરવામાં આવ્યા હતા.

રસ્તા, કૂવા અને ધર્મશાળાઓ બાંધવામાં આવી રહી હતી. ઉત્તરાધિકારના કાયદાનું સખતાઈથી પાલન થવા લાગ્યું. દરેક શહેરના સરકારી દવાખાનામાં મફત સારવારના આદેશ અપાઈ ગયા હતા.

ફરિયાદીઓ ફરિયાદ કરી શકે તે માટે મહેલની દિવાલ પર ન્યાયનો ઘંટ લટકાવવામાં આવ્યો હતો.

line

મોલ બાદશાહને મનાવવાનો પ્રયાસ

મુઘલ બાદશાહ શાહ આલમ દ્વિતીય ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી લૉર્ડ ક્લાઇવને બંગાળનો દિવાની અધિકાર સોંપતા

ઇમેજ સ્રોત, BENJAMIN WEST/BRITISH LIBRARY

ઇમેજ કૅપ્શન, આ તસવીરમાં મોઘલ બાદશાહ શાહ આલમ દ્વિતીય ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી લૉર્ડ ક્લાઇવને બંગાળનો દિવાની અધિકાર સોંપી રહ્યા છે

વિશ્વવિખ્યાત ઇતિહાસકાર વિલિયમ ડૅલરિમ્પલે જણાવ્યા પ્રમાણે હૉકિન્સને થોડા જ સમયમાં સમજાઈ ગયું કે યુરોપમાં જે રીતે યુદ્ધ લડાય છે તેવું યુદ્ધ 40 લાખની મોઘલ સેના સામે લડી શકાય નહીં.

તેથી અહીં તેમને મોઘલ બાદશાહની મંજૂરીની સાથે સહયોગની પણ જરૂર હતી. હૉકિન્સ એક વર્ષની અંદર મોઘલોની રાજધાની આગ્રા પહોંચ્યા. ઓછું ભણતર ધરાવતા હૉકિન્સને જહાંગીરે વેપાર કરવાની મંજૂરી ન આપી.

ત્યાર પછી સંસદસભ્ય અને રાજદૂત સર થૉમસ રૉને શાહી દૂત તરીકે મોકલવામાં આવ્યા. તેમણે બાદશાહને કિંમતી ભેટસોગાદો આપી, જેમાં શિકારી કૂતરાં અને તેમનો મનપસંદ શરાબ પણ સામેલ હતો.

બ્રિટન સાથે સંબંધ સ્થાપવા એ જહાંગીરની પ્રાથમિકતાઓમાં નહોતું. થૉમસ રૉ અનુસાર જ્યારે પણ જહાંગીર સાથે વાતચીત થતી ત્યારે બાદશાહ તેમની સાથે વ્યાપારના બદલે ઘોડા, કળાકૃતિઓ અને શરાબ વિશે ચર્ચા કરવા લાગતા હતા.

ત્રણ વર્ષ સુધી સતત ચર્ચા અને વિનંતીઓ પછી સર થૉમસ રૉને તેમાં સફળતા મળી. જહાંગીરે ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે એક વ્યાપારી સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આ સમજૂતિ હેઠળ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટનના તમામ વેપારીઓને ઉપખંડના દરેક બંદર અને ખરીદ-વેચાણ માટે જગ્યાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેના બદલામાં ભારતને યુરોપીયન ઉત્પાદનો પૂરાં પાડવાનું વચન આપવામાં આવ્યું. પરંતુ ત્યારે યુરોપમાં બનતું જ શું હતું?

એવું નક્કી કરવામાં આવ્યું કે કંપનીના જહાજો રાજમહેલ માટે જે પ્રાચીન ચીજવસ્તુઓ અને ભેટ લાવશે તેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવશે.

કંપનીના વેપારીઓ મોઘલોની મંજૂરીથી ભારતમાંથી કપાસ, ગળી, પોટેશિયમ નાઇટ્રેટ અને ચા ખરીદતા હતા. વિદેશમાં તેને ઊંચા ભાવે વેચીને ભારે નફો કમાતા હતા.

કંપનીનો મૂડી આધાર વ્યાપારી મૂડીનો હતો. કંપની જે વસ્તુ ખરીદતી તેના બદલામાં ચાંદી આપતી હતી. આ ચાંદી તેમણે 1621થી 1843 સુધી સ્પૅન અને યુએસએમાં ગુલામો વેચીને એકઠી કરી હતી.

line

મોલો સાથે કંપનીની ટક્કર

સમ્રાટ જહાંગીરના દરબારમાં સર થૉમસ રો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમ્રાટ જહાંગીરના દરબારમાં સર થૉમસ રો

વર્ષ 1670માં બ્રિટિશ સમ્રાટ ચાર્લ્સ દ્વિતિયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિદેશમાં યુદ્ધ લડવાની અને પોતાની કૉલોની (ઉપનિવેશ) સ્થાપવાની મંજૂરી આપી.

બ્રિટિશ સેનાએ ભારતમાં પોર્ટુગલ, ફ્રાન્સ અને ડચ હરીફોનો મુકાબલો કર્યો અને મોટા ભાગના યુદ્ધમાં જીત મેળવી. ધીમેધીમે તેમણે બંગાળના કિનારાવર્તી વિસ્તારોને પોતાના નિયંત્રણમાં લીધા.

પરંતુ 17મી સદીમાં મોઘલો સાથે માત્ર એક વખત તેમનો સામનો થયો હતો. વર્ષ 1681માં કંપનીના કર્મચારીઓએ કંપનીના વડા સર ચાઇલ્ડને ફરિયાદ કરી કે બંગાળમાં મોઘલ બાદશાહ ઔરંગઝેબ આલમગીરના ભાણેજ નવાબ શાઇસ્તાખાનના અધિકારીઓ તેમને કરવેરા અને બીજા મામલે પરેશાન કરે છે.

સર ચાઇલ્ડે સૈન્ય મદદ મોકલવા માટે પોતાના સમ્રાટને પત્ર લખ્યો. ત્યાર પછી 1686માં 19 યુદ્ધજહાજ, 200 તોપ અને 600 સૈનિકો સાથે એક નૌકાદળનું એકમ બંગાળની ખાડી તરફ રવાના થયું.

મોઘલ બાદશાહની સેના પણ તૈયાર હતી તેથી યુદ્ધમાં મોઘલોનો વિજય થયો.

1695માં બ્રિટનના ચાંચિયા હૅનરી ઍવરીએ ઔરંગઝેબના સમુદ્રી જહાજ 'ફતેહ મહંમદ' અને 'ગુલામ સવાઈ'ને લૂંટી લીધાં. આ ખજાનાની કિંમત લગભગ છથી સાત લાખ બ્રિટિશ પાઉન્ડ હતી.

line

મોલ સેના સામે બ્રિટિશ સેનાની કારમી હાર

મુઘલ દરબાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇતિહાસકાર વિલિયમ ડૅલરિમ્પલ લખે છે કે બ્રિટિશ સૈનિકોને મોઘલ સેનાએ માખીઓની જેમ માર્યા. બંગાળમાં કંપનીનાં પાંચ કારખાનાં નષ્ટ કરવામાં આવ્યાં અને તમામ અંગ્રેજોને બંગાળથી બહાર હાંકી કાઢવામાં આવ્યા.

સુરતનાં કારખાનાં બંધ કરવામાં આવ્યાં અને મુંબઈમાં પણ તેમના આવા જ હાલ થયા. કંપનીના કર્મચારીઓને સાંકળોમાં બાંધીને શહેરમાં ફેરવવામાં આવ્યા અને અપરાધીઓની જેમ તેમને અપમાનિત કરવામાં આવ્યા.

ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે માફી માગવા અને પોતાનાં કારખાનાં પરત મેળવવા માટે બાદશાહના દરબારમાં ભીખારીઓની જેમ ઉપસ્થિત થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

બ્રિટિશ સમ્રાટે સત્તાવાર રીતે હૅનરી ઍવરીની ટીકા કરી અને મોઘલ બાદશાહની માફી માગી. ઔરંગઝેબ આલમગીરે 1690માં કંપનીને માફ કરી દીધી.

સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ચીનમાં રેશમ અને ચિનાઈ માટીનાં વાસણો ખરીદતી હતી. સામાનની ચૂકવણી ચાંદી દ્વારા કરવી પડતી હતી કારણ કે કંપની પાસે એવું કોઈ ઉત્પાદન નહોતું જેની ચીનને જરૂર હોય.

તેનો એક ઉપાય શોધવામાં આવ્યો. બંગાળમાં ખસખસની ખેતી કરવામાં આવી અને બિહારમાં અફીણ બનાવવા માટે કારખાનાં સ્થાપવામાં આવ્યાં. આ અફીણને તસ્કરીથી ચીન પહોંચાડવામાં આવ્યું.

તે સમયે ચીનમાં અફીણનો બહુ ઓછો ઉપયોગ થતો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ચાઇનીઝ એજન્ટો મારફત લોકોમાં અફીણના સેવનને પ્રોત્સાહન આપ્યું. કંપનીએ અફીણના વેપાર દ્વારા રેશન અને ચિનાઈ માટીનાં વાસણો પણ ખરીદ્યાં અને નફો પણ કમાયો.

ઇતિહાસ

ચીન સરકારે જ્યારે અફીણના વેપારને અટકાવવાનો પ્રયાસ કર્યો અને ચીન આવેલા અફીણનો નાશ કર્યો ત્યારે ચીન અને બ્રિટન વચ્ચે અનેક યુદ્ધ થયાં. તેમાં ચીનનો પરાજય થયો અને બ્રિટને અપમાનજનક શરતો સાથે ચીન સાથે ઘણી સમજૂતિઓ કરી.

આ રીતે નષ્ટ કરવામાં આવેલા અફીણ સામે વળતર વસૂલવામાં આવ્યું. ચીનનાં બંદરો કબજે કરવામાં આવ્યાં. હૉંગકૉંગ પર બ્રિટનનું આધિપત્ય આવી વસૂલાતનો જ ભાગ હતું.

ચીનની સરકારે જ્યારે વિરોધ કર્યો અને મહારાણી વિક્ટોરિયાને પત્ર લખીને અફીણનો વેપાર રોકવા માટે મદદ માગી ત્યારે તે પત્રનો કોઈ જવાબ ન આવ્યો.

બ્રિટીશ જહાજ નેમેસિસ

ઇમેજ સ્રોત, EDWARD DUNCAN

1707માં બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ પછી વિવિધ પ્રદેશોમાં લોકો એકબીજાની વિરુદ્ધ થઈ ગયા.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ સ્થિતિનો લાભ લીધો અને લાખોની સંખ્યામાં સ્થાનિક લોકોને પોતાની સેનામાં ભરતી કર્યા.

યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના કારણે યુદ્ધની ટેકનૉલૉજીમાં અંગ્રેજો કુશળ થઈ ગયા. તેઓ પોતાની નાની પરંતુ આધુનિક સેના દ્વારા જૂની ટેકનૉલૉજી ધરાવતી મોઘલ, મરાઠા, શીખ અને સ્થાનિક નવાબોની મોટી સેનાઓને સતત હરાવવા લાગ્યા.

1756માં નવાબ સિરાઝ-ઉદ-દૌલા ભારતના સૌથી ધનાઢ્ય અને અર્ધસ્વાયત્ત રાજ્ય બંગાળના શાસક બન્યા. મોઘલ શાસનની મહેસૂલી આવકનો 50 ટકા હિસ્સો આ રાજ્યમાંથી આવતો હતો.

બંગાળ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કાપડ અને જહાજના નિર્માણક્ષેત્રે મુખ્ય કેન્દ્ર હતું.

આ પ્રદેશના લોકો રેશમ, સુતરનાં વસ્ત્રો, પોલાદ, પૉટેશિયમ નાઇટ્રેટ અને કૃષિ તથા ઔદ્યોગિક ચીજવસ્તુઓની નિકાસ કરીને સારી એવી કમાણી કરતા હતા.

કંપનીએ કલકત્તામાં પોતાના કિલ્લા વિસ્તારવાની શરૂઆત કરી અને પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી.

નવાબે કંપનીને સંદેશ મોકલીને પોતાના ક્ષેત્રને ન વિસ્તારવા માટે જણાવ્યું. પરંતુ તેમનો આદેશ માનવામાં ન આવતા નવાબે કલકત્તા પર હુમલો કર્યો અને બ્રિટિશ કિલ્લાને કબજે કર્યો. બ્રિટિશ કેદીઓને ફૉર્ટ વિલિયમની અંધારી કોટડીમાં કેદ કરવામાં આવ્યા હતા.

line

મીર જાફરની દગાખોરી અને પ્લાસીનું યુદ્ધ

ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં અફીણનું ગોદામ

ઇમેજ સ્રોત, CONTRABAND COLLECTION/ALAMY

ઇમેજ કૅપ્શન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં અફીણનું ગોદામ

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની સેનાના સેનાપતી મીર જાફરને પોતાની સાથે કરી લીધા. મીર જાફરના મનમાં શાસક બનવાની ઇચ્છા હતી. 23 જૂન 1757ના રોજ પ્લાસીના મેદાનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નવાબની સેના વચ્ચે લડાઈ થઈ.

તોપની મોટી સંખ્યા અને મીર જાફરની દગાખોરીના કારણે અંગ્રેજો વિજયી થયા અને મીર જાફરને બંગાળની ગાદી પર બેસાડવામાં આવ્યા. અંગ્રેજો હવે મીરજાફર પાસેથી વેરો વસૂલવા લાગ્યા અને આ રીતે ભારતમાં લૂંટફાટના યુગની શરૂઆત થઈ.

વીડિયો કૅપ્શન, એ મહિલા જેને અંગ્રેજોનો સામનો કર્યો અને હરાવ્યાં

મીર જાફરનો ખજાનો ખાલી થવા લાગ્યો ત્યારે તેમણે કંપનીથી પીછો છોડાવવા માટે ડચ સેનાની મદદ લીધી. 1759માં અને ત્યાર પછી 1764માં વિજય થવાની સાથે કંપનીએ બંગાળનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો.

તેમણે નવાનવા કરબોજ નાખ્યા, બંગાળનો સામાન સસ્તામાં ખરીદીને બીજા દેશોમાં મોંઘા ભાવે વેચવા લાગ્યા. સ્કૉલર વજાહત મસૂદ લખે છે કે અઢારમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશ વેપારીઓ ચાંદીના સિક્કા આપીને ભારતીયો પાસેથી કપાસ અને ચોખા ખરીદતા હતા.

પ્લાસીના યુદ્ધ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નાણાકીય અને મહેસૂલી વ્યવસ્થાનો ફાયદો ઉઠાવીને ભારત સાથેના વેપારમાં એકાધિકાર અથવા મૉનોપોલી મેળવી.

એવી વ્યવસ્થા કરવામાં આવી કે ભારતીયો પાસેથી મળતી આવકનો લગભગ ત્રીજો ભાગ ભારતીય ઉત્પાદનો ખરીદવા માટે ખર્ચ કરવામાં આવશે.

આ રીતે ભારતના લોકો જે મહેસૂલ આપતા હતા તેમાંથી એક તૃતિયાંશ ભાગના બદલામાં તેમને પોતાનું ઉત્પાદન વેચવા માટે ફરજ પાડવામાં આવતી હતી.

line

ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અને એક ખરાબ યુગ

અંગ્રેજો

ઇમેજ સ્રોત, Getty Images

ઇતિહાસકાર, વિવેચક અને પત્રકાર બારી અલીગે પોતાના પુસ્તક 'કંપની કી હકુમત'માં લખ્યું છે, "દુનિયાના તમામ દેશોના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા માગતા હતા. ભદ્ર વર્ગના લોકોમાં ઢાકા અને મુર્શિદાબાદના મલમલનો ઉપયોગ એ તેમની મહાનતા અને શ્રેષ્ઠતાનો પૂરાવો ગણવામાં આવતું હતું. યુરોપના તમામ દેશોમાં આ બે શહેરનાં મલમલ અને ચિકન બહું લોકપ્રિય હતાં."

ભારતના અન્ય ઉદ્યોગોની સરખામણીમાં કાપડઉદ્યોગ ઘણી સારી સ્થિતિમાં હતો. ભારતમાંથી સુતર અને ઊનનાં કપડાં, શાલ, મલમલ અને ભરતકામની પણ નિકાસ કરવામાં આવતી હતી.

રેશમ અને રેશમ પર કરવામાં આવતાં સોના-ચાંદીના કામ માટે અમદાવાદ આખી દુનિયામાં વિખ્યાત હતું. અઢારમી સદીમાં ઇંગ્લૅન્ડમાં આ કાપડની એટલી માગ હતી કે સરકારે તેને રોકવા માટે ભારે વેરો ઝીંકવો પડ્યો હતો.

કાપડના વણાટકામ ઉપરાંત લોખંડને લગતા કામમાં પણ ભારતે ઘણી પ્રગતિ કરી હતી. લોખંડમાંથી બનેલો સામાન વિદેશ મોકલવામાં આવતો હતો.

મોઘલ બાદશાહ ઔરંગઝેબના શાસનકાળમાં મુલ્તાનમાં જહાજો માટે લોખંડનાં લંગર બનાવવામાં આવતાં હતાં. બંગાળ જહાજનિર્માણમાં ઘણું આગળ હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

એક અંગ્રેજના શબ્દોમાં કહીએ તો, "આપણા શાસન પહેલાં ભારતીયો બહુ સુખી જીવન જીવતા હતા તે સમજવું એક સામાન્ય અંગ્રેજ માટે મુશ્કેલ છે."

"વ્યાપારી અને સાહસી લોકો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી. મને પૂરો વિશ્વાસ છે કે અંગ્રેજોના આગમન અગાઉ ભારતીય વેપારીઓ અત્યંત આરામદાયક જીવન જીવતા હતા."

"ઔરંગઝેબના શાસનકાળમાં સુરત અને અમદાવાદથી જે માલની નિકાસ કરવામાં આવતી હતી તેનાથી ક્રમશઃ તેર લાખ એકસોથી લઈને ત્રણ લાખ રૂપિયાની વાર્ષિક મહેસુલી આવક થતી હતી."

ઇસ્ટ ઇન્ડિયા કંપની એક વ્યાપારી કંપની હતી પરંતુ તેની પાસે અઢી લાખ સૈનિકોની એક સેના હતી. જ્યાં વેપારથી ફાયદો થવાની શક્યતા ન હોય ત્યાં તેઓ સેના દ્વારા લાભ મેળવતા હતા.

કંપનીની સેનાએ ત્યાર પછીનાં 50 વર્ષમાં ભારતના મોટા ભાગના વિસ્તાર પર કબજો મેળવ્યો હતો.

આ પ્રદેશોમાં કંપનીને કર ચૂકવતા રહે તેવા સ્થાનિક શાસકો ગોઠવવામાં આવ્યા. પ્રત્યક્ષ રીતે સ્થાનિક શાસકો સત્તા સંભાળતા હતા, પરંતુ હકીકતમાં રાજ્યની મોટાભાગની મહેસૂલી આવક અંગ્રેજોની તિજોરીમાં જતી હતી. પ્રજા લાચાર હતી.

ઑગસ્ટ 1765માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મોઘલ બાદશાહ શાહઆલમને હરાવ્યા. લૉર્ડ ક્લાઇવે વાર્ષિક 26 લાખ રૂપિયાના બદલામાં પૂર્વના પ્રાંતો બંગાળ, બિહાર અને ઓરિસ્સાના 'દીવાની' એટલે કે મહેસૂલી આવક મેળવવાના અને જનતાને નિયંત્રિત કરવાના હક્ક મેળવી લીધા. ત્યાર પછી ભારત કંપનીના શાસન હેઠળ આવી ગયું.

ઇતિહાસકાર સૈયદ હસન રિયાઝ જણાવે છે કે તે સમયમાં પ્રજામાં એક ધારણા પ્રચલિત હતી, "દુનિયા ખુદાની, મુલ્ક બાદશાહનો અને હુકમ કંપની બહાદુરનો."

line

શાહી પરિવારનો ભોગવિલાસ

એક કારખાનું

ઇમેજ સ્રોત, FINE ART IMAGES/HERITAGE IMAGES/GETTY IMAGES

મોઘલ શાસનના અંતિમ સમયમાં જનતાનું લોહી ચૂસીને જે નાણાં એકઠા કરવામાં આવતાં હતાં તેનો ઉપયોગ શાહી પરિવારના ભોગવિલાસ પાછળ થતો હતો.

મોઘલ શાહજાદા, જેને સુલ્તાન કહેવામાં આવતા હતા, તેઓ પોતાની આળસ, નિષ્ક્રિયતા, કાયરતા અને ભોગવિલાસ માટે જાણીતા હતા.

ઇતિહાસકાર ડૉક્ટર મુબારક અલી પોતાના પુસ્તક 'આખરી યુગ કા મોઘલ હિંદુસ્તાન'માં લખે છે કે "નૃત્ય અને સંગીતની મહેફીલોમાં સર્વસ્વ લૂંટાવીને દાદ દેનારા નકામા સુલ્તાનોની સંખ્યા 2104 સુધી પહોંચી ગઈ હતી. શાહઆલમનો પુત્ર અકબર પણ કામુકતામાં પોતાના બાપ કરતાં ઓછો ન હતો. અઢાર વર્ષની ઉંમરે તે અઢાર બેગમો ધરાવતો હતો."

અઢારમી સદીમાં 1769થી 1773 સુધી બિહારથી લઈને બંગાળ સુધીનો દક્ષિણનો પ્રદેશ દુષ્કાળગ્રસ્ત હતો. એક અંદાજ પ્રમાણે દુષ્કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ગવર્નર-જનરલ વૉરેન હૅસ્ટિંગ્સના એક રિપોર્ટ પ્રમાણે એક તૃતિયાંશ લોકો ભૂખમરાથી માર્યા ગયા હતા.

પ્રતિકૂળ હવામાન ઉપરાંત ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ લાદેલા ઊંચા કરવેરાએ ગામડાંના લોકોની કમર તોડી નાખી હતી. નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન અનુસાર બંગાળનો દુષ્કાળ માનવનિર્મિત હતો.

કોઈ પણ વિવાદ થાય તો ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાનિક શાસકોને પોતાની સેના ભાડેથી આપતી હતી. પરંતુ આ સૈન્ય ખર્ચના બોજના કારણે તેઓ તરત કંગાળ થઈ જતા અને પછી પોતાનું શાસન ગુમાવવું પડતું હતું.

line

માનવીય આફતોનો ફાયદો ઉઠાવ્યો

મુઘલ દરબાર

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES

આ રીતે કંપની સતત પોતાનો ક્ષેત્ર વિસ્તારતી જતી હતી. કંપનીએ માનવઆપત્તિઓનો પણ ફાયદો ઉઠાવ્યો. જે ચોખા એક રૂપિયામાં 120 શેર મળતા હતા તે બંગાળના દુષ્કાળ દરમિયાન એક રૂપિયામાં માત્ર ત્રણ શેર મળવા લાગ્યા.

એક જુનિયર અધિકારીએ આ રીતે 60,000 પાઉન્ડનો નફો મેળવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 120 વર્ષના શાસનકાળ દરમિયાન 34 વખત દુષ્કાળ પડ્યો હતો.

મોઘલ શાસન દરમિયાન દુષ્કાળ પડતો ત્યારે લોકો પર વેરો ઘટાડી દેવામાં આવતો. પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દુષ્કાળ દરમિયાન કરવેરો વધારી દીધો. લોકો અનાજ માટે પોતાનાં બાળકો પણ વેચવા લાગ્યા.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક કર્મચારી શેખ દીન મોહમ્મદે પોતાના પ્રવાસવર્ણનમાં લખ્યું છે કે "વર્ષ 1780ની આસપાસ અમારી સેના જ્યારે આગળ વધી રહી હતી ત્યારે અમે ઘણા હિંદુ યાત્રાળુઓને જોયા જેઓ સીતાકુંડ જઈ રહ્યા હતા. 15 દિવસમાં અમે મુંગેરથી ભાગલપુર પહોંચી ગયા."

"અમે શહેરની બહાર તંબૂ તાણ્યા. આ શહેર ઔદ્યોગિક રીતે મહત્ત્વપૂર્ણ હતું અને વેપારના રક્ષણ માટે તેની પાસે પોતાનું એક સૈન્ય પણ હતું."

"અમે ચાર-પાંચ દિવસ ત્યાં રોકાયા. અમને જાણવા મળ્યું કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કૅપ્ટન બ્રૂક, જેઓ સૈનિકોની પાંચ કંપનીઓના વડા હતા, તેઓ પણ નજીકમાં જ રોકાયા હતા. તેમને ક્યારેક પહાડી આદિવાસીઓનો સામનો કરવો પડતો હતો."

"આ પહાડી લોકો ભાગલપુર અને રાજમહેલ વચ્ચેની ટેકરીઓ પર રહેતા હતા અને ત્યાંથી પસાર થતા યાત્રાળુઓને પરેશાન કરતા હતા. કૅપ્ટન બ્રૂકે તેમાંના ઘણા બધા લોકોને પકડ્યા અને તેમને એક દૃષ્ટાંતરૂપ બનાવી દેવાયા."

"કેટલાકને જાહેરમાં કોરડા ફટકારવામાં આવ્યા અને અમુકને એવી રીતે ફાંસીએ લટકાવવામાં આવ્યા કે પહાડ પરથી તેમને સ્પષ્ટ રીતે જોઈ શકાય જેથી તેમના સાથીદારોના મનમાં ભય બેસી જાય."

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

"ત્યાંથી અમે આગળ વધ્યા અને અમે જોયું કે પહાડ પર દરેક મહત્ત્વની જગ્યાએ દર અડધા માઇલના અંતરે તેમના મૃતદેહ લટકતા હતા."

"અમે સુકલી ગઢી અને તલિયા ગઢીના માર્ગથી રાજમહેલ પહોંચ્યા. ત્યાં થોડા દિવસ રોકાયા. અમારી સેના ભારે મોટી હતી, પરંતુ પાછળથી વેપારીઓ પર કેટલાક પહાડી આદિવાસીઓએ હુમલો કર્યો. અમારા સિપાહીઓએ તેમનો પીછો કર્યો."

"ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા. લગભગ ત્રીસ કે ચાલીસ લોકોને પકડી લેવાયા. બીજા દિવસે સવારે જ્યારે શહેરના લોકો હંમેશાંની જેમ હાથી, ઘોડા અને બળદ માટે ઘાસચારો ખરીદવા અને બળતણ માટે લાકડાં ખરીદવા પહાડીઓ પાસે ગયા ત્યારે પહાડી લોકોએ તેમના પર હુમલો કરી દીધો."

"સાત કે આઠ લોકો માર્યા ગયા. પહાડી લોકો પોતાની સાથે ત્રણ હાથી, કેટલાક ઘોડા, ઊંટ અને બળદ પણ લઈ ગયા."

"અમારા સશસ્ત્ર સૈનિકોએ વળતી કાર્યવાહીમાં ઘણા પહાડી લોકોને મારી નાખ્યા જેઓ તીરકમાન અને તલવારોથી લડતા હતા."

"200 પહાડીઓને બંદી બનાવવામાં આવ્યા. તેમની તલવારનું વજન 15 પાઉન્ડ હતું જે હવે અમારી જીતની ટ્રૉફી બની ચૂકી હતી. કર્નલ ગ્રાન્ટના હુકમ પ્રમાણે તે પહાડીઓ પર ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો. અનેકનાં નાક-કાન કાપી નાખવામાં આવ્યાં. કેટલાકને ફાંસી આપવામાં આવી. ત્યાર પછી અમે કલકત્તા તરફ પોતાની કૂચ ચાલુ રાખી."

line

ટીપુ સુલતાને લડત આપી

ટીપુ સુલ્તાન

માત્ર મૈસુરના શાસક ટીપુ સુલતાને ફ્રાન્સના તકનીકી સહયોગ દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વાસ્તવિક મુકાબલો કર્યો અને કંપનીને બે યુદ્ધમાં પરાજય આપ્યો.

પરંતુ ભારતના અન્ય શાસકોને પોતાની સાથે ભેળવીને ટીપુ સુલતાન પર પણ કાબૂ મેળવી લેવાયો.

જ્યારે કંપનીના ગવર્નર જનરલ લૉર્ડ વૅલેસ્લીને 1799માં ટીપુ સુલતાનના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનો ગ્લાસ હવામાં ઉછાળીને કહ્યું કે "આજે હું ભારતની લાશ પર ઉજવણી કરી રહ્યો છું."

લૉર્ડ વૅલેસ્લીના કાર્યકાળમાં જ કંપનીને પોતાના સૈન્યવિજય છતાં નાણાકીય સંકટનો સામનો કરવો પડ્યો હતો. કંપની પરનું દેવું ત્રણ કરોડ પાઉન્ડને પાર કરી ગયું હતું.

કંપનીના નિર્દેશકે વૅલેસ્લીના નકામા ખર્ચ વિશે સરકારને પત્ર લખ્યો અને તેમને બ્રિટન પાછા બોલાવી લેવાયા.

વર્ષ 1813માં બ્રિટિશ સંસદે ભારતમાં વેપાર પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મૉનોપોલી ખતમ કરી અને બીજી બ્રિટિશ કંપનીઓને વ્યાપાર કરવા તથા થાણાં સ્થાપવાની મંજૂરી આપી.

line

ભારત ઔદ્યોગિક દેશમાંથી કૃષિપ્રધાન દેશ બન્યો

મહિલાઓ

ઇમેજ સ્રોત, AFP

બ્રિટનની સંસદે 1813માં થૉમસ મૂનરોને પૂછ્યું કે ઔદ્યોગિક ક્રાંતિ થવા છતાં બ્રિટનમાં બનેલું કાપડ ભારતમાં કેમ નથી વેચાતું? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ભારતના કપડાની ગુણવત્તા અનેકગણી વધારે છે. થૉમસ મૂનરોને 1820માં મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા.

પરંતુ ત્યાર પછી બ્રિટનમાં બનેલા કાપડને લોકપ્રિય બનાવવા માટે ભારતના સદીઓ જૂના કાપડઉદ્યોગને નષ્ટ કરી દેવાયો. આ રીતે બ્રિટનમાંથી કાપડની નિકાસ 1815માં 25 લાખ પાઉન્ડ હતી તે 1822માં વધીને 48 લાખ પાઉન્ડ થઈ ગઈ.

કાપડનિર્માણનું કેન્દ્ર ગણાતા ઢાકાની વસતી દોઢ લાખથી ઘટીને માત્ર વીસ હજાર થઈ ગઈ. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે પોતાના 1834ના અહેવાલમાં લખ્યું છે કે અર્થશાસ્ત્રના ઇતિહાસમાં આવી વિકટ પરિસ્થિતિનાં કોઈ ઉદાહરણ જોવા નથી મળતાં. ભારતીય વણકરોનાં હાકડાંથી ભારતની ધરતી સફેદ થઈ ગઈ છે.

ખેડૂતોની આવક પર 66 ટકા વેરો લાદવામાં આવ્યો જે મોઘલયુગમાં 40 ટકા હતો.

નમક સહિતની દૈનિક વપરાશની ચીજવસ્તુઓ પર પર વેરો નાખવામાં આવ્યો. તેનાથી નમકનો ઉપયોગ અડધો થઈ ગયો. નમકનો ઉપયોગ ઘટવાથી ગરીબોના આરોગ્ય પર માઠી અસર પડી અને કૉલેરા તથા લૂ લાગવાથી થતાં મૃત્યુમાં ભારે વધારો થયો.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક નિર્દેશક હૅનરી જ્યૉર્જ ટકરે 1823માં લખ્યું હતું કે ભારતને એક ઔદ્યોગિક દેશના બદલે કૃષિ આધારિત દેશમાં રૂપાંતરિત કરવામાં આવે જેથી બ્રિટનમાં ઉત્પાદિત સામાન ભારતમાં વેચી શકાય.

1833માં બ્રિટિશ સંસદ દ્વારા એક કાયદો પસાર કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વેપાર કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો અને તેને એક સરકારી નિગમમાં રૂપાંતરિત કરી દેવાઈ.

line

1874માં ઇસ્ટ ઇન્ડિયા કંપની ભંગ કરાઈ

સૈનિકો

વિલિયમ ડેલરિમ્પલે પોતાના પુસ્તક 'ધ ઍનાર્કી, ધ રિલેન્ટલેસ રાઇઝ ઑફ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની'માં લખ્યું છે કે ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ઉદાહરણ છે જેમાં અઢારમી સદીના મધ્યમાં એક ખાનગી કંપનીએ પોતાની સેના અને નૌકાદળની મદદથી 20 કરોડની વસતી ધરાવતા આખા દેશને ગુલામ બનાવી દીધો હતો.

કંપનીએ ભારતમાં રસ્તા બનાવ્યા, પૂલ બનાવ્યા, આશ્રયસ્થળ બનાવ્યાં, રેલવે દોડાવી, પરંતુ ટીકાકારોનું કહેવું છે કે આ બધાથી લોકોને પરિવહનની સગવડ તો મળી, પરંતુ તેનો મૂળ હેતુ કપાસ, રેશમ, અફીણ, ખાંડ અને મસાલાના વેપારને ઉત્તેજન આપવાનો હતો.

1835ના અધિનિયમ હેઠળ અંગ્રેજી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે નાણાં ફાળવવામાં આવ્યાં હતાં. 1857ના સ્વતંત્રતા સંગ્રામ(કંપનીની નજરે બળવો) વખતે કંપનીએ હજારો લોકોને બજારોમાં અને રસ્તા પર ફાંસીએ લટકાવીને મારી નાખ્યા અને કેટલાય લોકોને કચડી નાખ્યા હતા.

બ્રિટિશ કૉલોની કે સંસ્થાનવાદના ઇતિહાસનો આ સૌથી મોટો નરસંહાર હતો. સ્વતંત્રતા સંગ્રામ પછીના વર્ષે બ્રિટનના મહારાણી વિક્ટોરિયાએ કંપનીના અધિકારોને સમાપ્ત કરીને સત્તાનો દોર સીધો પોતાના હાથમાં લઈ લીધો.

કંપનીની સેનાને બ્રિટિશ સેનામાં ભેળવી દેવામાં આવી. કંપનીના નૌકાદળને વિખેરી નાખવામાં આવ્યું. લૉર્ડ મૅકોલે મુજબ કંપની પહેલેથી જ વ્યાપાર ઉપરાંત રાજનીતિમાં પણ ભાગીદાર હતી તેથી 1874 સુધી કંપનીના છેલ્લા શ્વાસ ચાલુ રહ્યા.

તે જ વર્ષે બ્રિટિશ અખબાર 'ધ ટાઇમ્સ'એ બીજી જાન્યુઆરીના અંકમાં લખ્યું કે, "તેણે (કંપનીએ) માનવજાતના ઇતિહાસમાં એવું કામ કર્યું છે જે બીજી કોઈ કંપનીએ નથી કર્યું અને આવનારાં વર્ષોમાં કોઈ આવું કરે તેવી સંભાવના પણ નથી."

ભારત હવે બ્રિટનના મહારાણીના શાસન હેઠળ હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો