સોમનાથ મંદિર : મહમૂદ ગઝનવી કેટલો ખજાનો લૂંટી ગયો હતો?

મહમૂદ ગઝની અને સોમનાથ

ઇમેજ સ્રોત, puneet barnala/BBC

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

વાત એ વેળાની છે, જ્યારે ગુજરાતમાં સોલંકી રાજાઓની આણ વર્તાવા લાગી હતી. એ વેળાએ, એટલે કે એક હજાર વર્ષ પહેલાં સોમનાથ ગુર્જર દેશનું ધાર્મિક પાટનગર ગણાતું હતું.

ધાર્મિક પાટનગર ગણાવાનું કારણ હતું સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું સોમનાથનું મંદિર.

સૌરાષ્ટ્રના દરિયાકિનારે બનેલા એ મંદિરની દીવાલોને દરિયાનાં મોજાં પખાળતાં હતાં. પથ્થરની મોટી શીલાઓ પર બનેલા એ મંદિરની છત આફ્રિકાથી મગાવાયેલા સાગના 56 સ્તંભો પર ટકેલી હતી. મંદિરના શિખર પર ચૌદ સોનેરી ગોળા હતા. એ ગોળા સૂર્યના તેજથી ચમકતા હતા અને ઘણે દૂરથી દેખાતા હતા.

મંદિરમાં સ્થાપિત શિવલિંગ સાત હાથ ઊંચું હતું અને તેના પર વિવિધ પ્રાણીઓ અંકિત કરાયેલાં હતાં. હીરાથી મઢેલો મુગટ શિવલિંગ ઉપર લટકતો રહેતો હતો.

શિવલિંગના સેવકોના પ્રતીકરૂપે આસપાસ અને છત પર સોના અને ચાંદીની કેટલીય મૂર્તિઓ સ્થાપવામાં આવી હતી.

ગર્ભગૃહ રત્નજડિત ઝૂમરથી ઝળહળતું હતું અને તેની સામે 200 મણની સોનાની વિશાળ સાંકળ લટકતી હતી. ગૃહની બાજુમાં એક ભંડારિયું હતું, જે રત્નો અને સોના-ચાંદીની મૂર્તિઓથી ભરેલું હતું.

ગઝનીના સુલતાન મહમૂદના જીવનચરિત્ર 'ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ સુલતાન ઑફ મહમૂદ ઑફ ગઝના'માં ડૉ. મહમદ નઝીમ અલ-બરુની અને ઇબ્ન ઝાફીર જેવા ઇસ્લામિક વિદ્વાનોને ટાંકીને લૂંટ પહેલાંના સોમનાથના મંદિરનું ઉપરોક્ત વર્ણન કરે છે.

line

સોમનાથની જાહોજલાલી

મહમૂદ ગઝની અને સોમનાથ

ઇમેજ સ્રોત, Puneet Barnala/bbc

'પ્રભાસ અને સોમનાથ' પુસ્તકમાં શંભુપ્રસાદ દેસાઈ સોમનાથના મંદિરની ભવ્યતા વર્ણવતાં લખે છે:

'સોમનાથનું મંદિર સીસાંથી ઢંકાયેલા કાષ્ઠના છપ્પન સ્તંભો ઉપર બાંધેલું હતું અને અંદરની એક ઓરડીમાં મૂર્તિ હતી.'

'એ મૂર્તિની ઊંચાઈ પાંચ હાથ તથા ગોળાઈ ત્રણ હાથ હતી અને ભૂગર્ભમાં બે હાથ ઊંડી હતી. મૂર્તિના મંદિરમાં અંધકાર હતો પણ રત્નજડિત દીપકોથી તેને પ્રકાશિત કરવામાં આવ્યું હતું.'

'મૂર્તિ પાસે સુવર્ણશૃંખલા હતી અને તેમાં ઘંટ બાંધેલા હતા, જેનું વજન બસો મણ થતું હતું. રાત્રિના અમુક પહોરે આ સાંકળ હલાવીને ઘંટનાદ કરવામાં આવતો હતો.'

'ધનકોષ પણ સમીપ હતા. જેમા ઘણી સુવર્ણ અને રૂપક મૂર્તિઓ હતી. એના ઉપર મૂલ્યવાન રત્નો જડિત જવનિકા હતી.'

'સોમનાથની મૂર્તિ સમગ્ર હિંદની મૂર્તિઓમાં શ્રેષ્ઠ હતી. પુનર્જન્મના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવતા હિંદુઓ માનતા હતા કે દેહત્યાગ કર્યા બાદ આત્મા સોમનાથ આવતો અને ભરતી તથા ઓટ દ્વારા સોમનાથની પૂજા કરતો. શ્રદ્ધાળુઓ પોતાની અમૂલ્ય વસ્તુ અહીં ધરતા હતા.'

'મંદિરના નિર્વાહ માટે દસ હજાર ગામડાં આપવામાં આવ્યાં હતાં અને મંદિરમાં અતિ આકર્ષક અને અમૂલ્ય રત્નો એકત્ર કરવામાં આવ્યાં હતાં.'

'મૂર્તિની પૂજા કરવા અને યાત્રાળુઓને દર્શન કરાવવા એક હજાર બ્રાહ્મણો અને યાત્રાળુઓના શિર અને દાઢીના વાળ ઉતારવા માટે ત્રણસો વાણંદો અહીં રહેતા હતા.'

સોમનાથ મંદિરના પુનરુદ્ધાર વખતે આધારભૂત સંશોધન કરનારા ઇતિહાસવિદ્ રત્નમણિરાવ ભીમરાવ 'પ્રભાસ-સોમનાથ' પુસ્તકમાં લખે છે:

અગિયારમી સદીની શરૂઆતમાં 'સોમનાથ ભારતખંડમાં પ્રસિદ્ધિની ટોચે પહોંચ્યું હતું.

દેશભરમાં એમની કીર્તિ હતી અને તેની સમૃદ્ધિ પણ એવી ભારે હતી કે મહમૂદને સ્વાભાવિક રીતે જ એ કીર્તિ અને સમૃદ્ધિ, બન્નેનું ખંડન કરવાનું મન થયું.'

line

મહમૂદની ચઢાઈ

મહમૂદ ગઝની અને સોમનાથ

ઇમેજ સ્રોત, Puneet Barnala/bbc

અગિયારમી સદીનો સમો જગત પર દસ્તક આપું-આપું કરી રહ્યો હતો અને તલવારના જોરે જગના સિમાડા નક્કી થઈ રહ્યા હતા.

એવે વખતે ઈ.સ. 998ના માર્ચ મહિનામાં અફઘાન ધરતીમાં આવેલા ગઝનીના મેદાનમાં બે ભાઈઓ પોતપોતાનાં સૈન્ય સાથે બાખડ્યા.

દિવસભર ચાલેલી એ લડાઈ સાંજ પડતાં જ મહમૂદે જીતી લીધી અને એ સાથે ગઝનીની ગાદી પણ.

ગઝનીની ગાદી પર બેઠા બાદ મહમૂદે સુલતાનનો ઇલકાબ ધારણ કર્યો. મુસ્લિમ ખલિફાની સમકક્ષ ગણાતો આ ખિતાબ ધારણ કરનારો મહમૂદ વિશ્વનો પ્રથમ બાદશાહ હતો.

ગઝનીની ગાદી મેળવ્યા બાદ સુલતાને સલ્તનતના સીમાડા વિસ્તારવાનું નક્કી કર્યું. ઉત્તર તરફ મધ્ય એશિયાથી માંડીને દક્ષિણમાં હિંદ સુધી સુલતાની સમશેર ફરી વળી.

મહમૂદે હિંદના કેટલાય વિસ્તારો ફતેહ કર્યા અને ત્યાંનાં મંદિરો તોડ્યાં. હિંદની અઢળક સંપત્તિ લૂંટીને પોતાનું ગઝની સમૃદ્ધ કર્યું.

મહમૂદના જીવનચરિત્રમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર યામીન-ઉદ-દવ્લાહ(મહમૂદનું એક નામ) એક બાદ એક વિજય મેળવી રહ્યો હતો અને મંદિરો ધ્વંસ કરી રહ્યો હતો ત્યારે હિંદુઓમાં એવી વાતો વહેતી થઈ હતી કે સોમનાથ તેમના પર કોપાયમાન થયા છે. જો સોમનાથ પ્રસન્ન હોત તો મંદિર તોડવું તો દૂરની વાત, કોઈ હિંદુને ઈજા પણ કોઈ પહોંચાડી શક્યું ન હોત.

મહમૂદના કાને આ વાત પડી એટલે એણે એ વાયકાની વાસ્તવિક્તા ચકાસવા સોમનાથ ભણી કૂચ કરવાનું નક્કી કર્યું.

મહમૂદના જીવનચરિત્ર અનુસાર 18 ઑક્ટોબર, 1025ના સોમવારની સવારે ગઝનીના સુલતાન મહમૂદે 30 હજાર ઘોડેસવારો સાથે સોમનાથ તરફ કૂચ આદરી. આ કૂચમાં હજારોની સંખ્યામાં બીજા લડવૈયાઓ પણ જોડાયા હતા.

જોકે, રત્નમણિરાવના મતે સૈનિકોનો આ આંકડો જુદો હતો. 'પ્રભાસ-સોમનાથ'માં જણાવ્યા પ્રમાણે ચોપન હજારનું પગારદાર લશ્કર અને ત્રીસ હજાર મઝહબી સૈનિકો સાથે મહમૂદે સોમનાથ તરફ કૂચનો આરંભ કર્યો હતો.

આરબ ઇતિહાસકાર અલી ઇબ્ન અલ-અથિરની નોંધ પ્રમાણે ગઝનીથી સૌરાષ્ટ્રના દરિયાકિનારાનું 1,420 કિલોમિટર અંતર કાપીને મહમૂદ 6 જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ પહોંચ્યો હતો.

line

સોમનાથનો પ્રતિકાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગઝનીથી સોમનાથ સુધીનો માર્ગ મહમૂદે ખાસ અવરોધ વિના પાર કરી લીધો. 'પ્રભાસ અને સોમનાથ' પુસ્તકમાં શંભુપ્રસાદ દેસાઈ લખે છે:

'અણહિલવાડ પાટણમાં એ વખતે ભીમદેવ પહેલાનું રાજ હતું. માલવપતિ મુંજ અને ભોજ પરમાર, ચેદીરાજા કર્ણ અને સિંધના રાજાઓ સામે યુદ્ધે ચડેલો એ રાજા તેના પાદરે પડેલી વિરાટ સેનાને જોઈને નાહિંમત થઈ ગયો.'

ભીમદેવના કચ્છ ભાગી જવાથી મહમૂદનો માર્ગ મોકળો થયો અને એનો સમય અને શક્તિ બચી ગયાં એટલે સોમનાથના માર્ગમાં તેની સામે કોઈ વિશેષ અંતરાય ન રહ્યો.

અહીંથી મહમૂદ મોઢેરા પહોંચ્યો અને ત્યાં તેને પહેલી વાર મોટો પડકાર નડ્યો.

ડૉ. નઝીમ લખે છે, 'મોઢેરામાં 20 હજાર યોદ્ધાઓ સુલતાન સામે પડ્યા પણ એ હાર્યા અને વધેરાઈ ગયા.' આરબ ઇતિહાસકાર અલ ઇબ્ન અલ-અથિરને ટાંકીને શંભુપ્રસાદ દેસાઈ લખે છે કે એ યોદ્ધાઓ સેનાપતિ વિના જ મહમૂદ સામે લડ્યા હતા.

મોઢેરાની લડાઈ ખતમ થઈ એટલે મહમૂદ માટે સોમનાથ સુધીનો રસ્ત સાવ સરળ થઈ ગયો.

'પ્રભાસ-સોમનાથ' અનુસાર 'વિધર્મીઓની સોમનાથ પર આ પહેલી ચઢાઈ હતી અને સોમનાથનું મહાત્મ્ય બહું મોટું હતું. તેથી લોકોને ખાતરી જ હતી કે સોમનાથ તેમનું રક્ષણ કરશે અને શત્રુઓનો નાશ કરશે.'

ડૉ. નઝીમના ઉલ્લેખ અનુસાર દરિયાકિનારે એક વિશાળ કિલ્લો બંધાયેલો હતો અને કોટની દીવાલ પર બ્રાહ્મણોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.

ભીડ મહમૂદની મજાક કરી રહી હતી અને માની રહી હતી કે હિંદના ભગવાનોનું અપમાન કરનારા સુલતાનનો નાશ કરવા માટે જ 'સોમેશ્વર' તેને સોમનાથ ખેંચી લાવ્યા છે.

લોકોની આ માન્યતાને શરૂઆતમાં બળ પણ મળ્યું.

રત્નમણિરાવના જણાવ્યા અનુસાર પહેલા દિવસની લડાઈમાં મહમૂદના કેટલાય સૈનિકો માર્યા ગયા અને બીજા દિવસે પણ કોટ પર ચઢવાના પ્રયાસમાં તેઓ ન ફાવ્યા.

ડૉ. નઝીમ લખે છે, '7મી જાન્યુઆરીની સવારે મહમૂદના સૈનિકોએ કરેલી બાણવર્ષા સામે સ્થાનિકો ટકી ન શક્યા અને પાછી પાની કરવા મજબૂર થઈ ગયા. એ બાદ બપોર થતાં-થતાં મહમૂદના સૈનિકોએ કોટની દીવાલો સર કરી લીધી.'

'કોટ પર સૈન્યનો કબજો થઈ ગયો એટલે સોમનાથના રહેવાસીઓ મંદિરમાં દોડી ગયા અને સોમનાથની મૂર્તિને આજીજી કરવા લાગ્યા.'

'એ બાદ હિંદુઓએ વળતો હુમલો કર્યો. આ હુમલાએ સાંજ સુધીમાં મહમૂદના સૈનિકોને વેરવીખેર કરી નાખ્યા અને કબજે કરાયેલી જગ્યાઓ પરથી તેમને તગેડી મુકાયા.'

line

કેટલો ખજાનો લૂંટ્યો?

મહમૂદ ગઝની અને સોમનાથ

ઇમેજ સ્રોત, Puneet Barnala/bbc

'ઘેરાના ત્રીજા દિવસે મહમૂદના સૈન્યએ બેવડા જોરથી હુમલો કર્યો અને કિલ્લા પર કબજો કરી લીધો.

ઇબ્ન અલ-અથીરની નોંધ પ્રમાણે કિલ્લા પર કબજો થયો એટલે સ્થાનિકોનાં ધાડાં સોમનાથ મંદિરમાં ધસી ગયાં અને સોમનાથના દર્શન કરીને મહમૂદના સૈનિકો પર મરણયાં બનીને ત્રાટકવાં લાગ્યાં. જોકે, મહમૂદના સૈનિકો સામે એ ટકી ન શક્યાં.

રત્નમણિરાવ 'પ્રભાસ-સોમનાથ'માં લખે છે, 'મહમૂદને ખબર હતી કે એને અહીં કોઈ મદદ નહીં મળે. સામી તરફ સોમનાથના લડવૈયાઓને ચારે બાજુથી મદદ આવી મળવાની પૂરેપૂરી આશા હતી. વળી, ભીમદેવ પણ શાંત નહોતો બેઠો. પોતાના રાજ્યનું અને ઇષ્ટદેવનું મોડુંમોડું પણ રક્ષણ કરવાની તૈયારીઓ કરવામાં એ પડ્યો હતો. એનો બનેવી જયપાળ જે માંગરોળનો હાકેમ હતો, એની મદદ આવવાની પણ એ રાહ જોઈ રહ્યો હતો.'

મહમૂદને આ લડાઈ જેમ બને તેમ વહેતી ખતમ કરવી હતી અને પરત ગઝની જતું રહેવું હતું એવું રત્નમણિરાવનું માનવું છે.

'પ્રભાસ-સોમનાથ'માં કરાયેલા ઉલ્લેખાનુસાર મહમૂદે પોતાના સૈન્યની નાનીનાની ટુકડી બનાવી. આમાંથી એક ટુકડીને કિલ્લા આગળ યુદ્ધમાં જોતરવામાં આવી અને બીજી ટુકડીઓને આજુબાજુથી આવી રહેલી મદદ રોકવા માટે મોકલી.

એ દરમિયાન મહમૂદને જાણ થઈ કે સૈન્યસરંજામ એકઠું કરીને ભીમદેવ તેના પર ત્રાટકવા આવી રહ્યો છે, એટલે એને પહોંચી વળવા એ પોતે એ તરફ ગયો. ભીમદેવ અને મહમૂદ વચ્ચે ખૂનખાર લડાઈ થઈ અને ભીમદેવ ફરીથી નાસી ગયો.

એ લડાઈ બાદ મહમૂદ સોમનાથ પરત ફર્યો અને ભીષણ લડાઈ બાદ એણે કિલ્લો ભાંગ્યો.

ઇબ્ન ઝાફિરની નોંધ પ્રમાણે સોમનાથના બચાવવાના પ્રયાસમાં ઓછામાં ઓછા 50 હજાર શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા.

સોમનાથના મંદિરનો ખજાનો લૂંટ્યા બાદ મહમૂદે બાકીનું બધું સળગાવી નાખવાનો આદેશ આપ્યો. અલી ઇબ્ન અલ-અથિરના મતે સૂલતાનને લૂંટમાં મંદિરમાંથી 2 કરોડ દીનાર મળ્યા.

'ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ સુલતાન મહમૂદ ઑફ ગઝના'માં નઝિમ મહમદે ટાંકેલા સંદર્ભ અનુસાર મહમૂદને મળેલા દીનાર કુલ લૂંટનો પાંચમો ભાગ માત્ર હતા.

આ દીનારોનું સરેરાશ વજન 64.8 ગ્રેન(વજનનો એકમ કે જવ-ભાર જેટલું) જેટલું હતું. એ હિસાબે તેનું વર્તમાન મૂલ્ય આંકવામાં આવે તો કુલ કિંમત અંદાજે 1,05,00,000 પાઉન્ડ થાય.

અહીં એ વાતનો ખાસ ખ્યાલ રહે કે જે પુસ્તકમાં લૂંટના ખજાનાનું મૂલ્ય આંકવામાં આવ્યું છે, તે વર્ષ 1931માં લખાયું હતું.

line

સિંધના રસ્તે પરત

સોમનાથથી ગઝની સુધીનો મહમૂદ ગઝની રૂટ

ઇમેજ સ્રોત, Puneet Barnala/bbc

'મહમૂદ સામે બાથ ભીડે તેવો બીજો કોઈ રાજા સોમનાથ કે સૌરાષ્ટ્રમાં નહોતો. પાટણપતિ નાસી છૂટ્યો હતો. મોઢેરામાં વીસ હજાર યૌદ્ધાઓએ મૃત્યુનું પછેડી ઓઢી હતી. એમ છતાં સોમનાથનો ખજાનો મેળવી લીધા બાદ મહમૂદ હવે અહીં સમય બગાડવા માગતો નહોતો.

'હિસ્ટરી ઑફ કાઠિયાવાડ ફ્રૉમ ધી અર્લિઍસ્ટ ટાઇમ્સ'માં સર હૅરૉલ્ડ વિલ્બરફૉર્સ-બૅલ લખે છે, 'ખજાનો મળતાની સાથે જ જેટલું બને એટલા જલદી મહમૂદે સૌરાષ્ટ્રમાંથી પોબારા ગણવાનું નક્કી કર્યું અને આ દરમિયાન કંથકોટમાં ભીમદેવ પર હુમલો કરવા કચ્છનો માર્ગ પસંદ કર્યો.'

જોકે, હુમલો સફળ રહ્યો કે કેમ એ સ્પષ્ટ નથી પણ એટલી વાત ચોક્કસ છે કે ખજાનો મળી ગયા બાદ મહમૂદને સોમનાથ કે સૌરાષ્ટ્રમાં રોકાવાનું મુનાસબ ન લાગ્યું.

'પ્રભાસ અને સોમનાથ' પુસ્તકમાં શભુપ્રસાદ દેસાઈ જણાવે છે:

'નિર્વિઘ્ને સોમનાથ પહોંચીને મહમૂદે હિંદુ રાજાઓને મોટો આંચકો આપ્યો હતો અને તેમની વીરતા, શક્તિ અને શ્રીને શરમાવું પડ્યું હતું.'

'જેને પગલે માળવાના રાજા ભોજ પરમાર, સાંભરવાના વિશળદેવ ચૌહાણ અને પાટણના ભીમ સોલંકીએ મહમૂદને આંતરીને યુદ્ધ કરવાનો વ્યૂહ કર્યો હતો.'

'એ વખતે મહમૂદને ગઝની પાછા ફરવાના ત્રણ માર્ગ હતા.'

'માળવાના માર્ગે વળે તો રાજા ભોજની મુકાબલો કરવાની તત્પરતા હતી, આબુને માર્ગે જાય તો વિશળદેવ ચૌહાણ તૈયાર હતો અને કચ્છને માર્ગે જાય તો રાજા ભીમે ગાંધવીના કિલ્લામાં રાખેલાં સૈન્યો મહમૂદની આડે પડીને તેનો માર્ગ અવરોધવાં સુસજ્જ હતાં.'

'પણ મહમૂદ એ ત્રણેય કરતાં વિશેષ કુનેહબાજ હતો. તેનું યુદ્ધકૌશલ ખરેખર ભારતીય રાજાઓ કરતાં ચઢિયાતું હતું.'

'ગઝનીની નીકળેલા મહમૂદનું લક્ષ્ય સોમનાથ હતું. માર્ગ આવતાં બળવાન હિંદુ રાજ્યો તેના સરળ પ્રવાસમાં યુદ્ધ આપી અંતરાય ન કરે અને પરિણામે તેની શક્તિ ન વેડફાય એ માટે તેણે રણમાર્ગ પસંદ કર્યો હતો.'

'લાખો માણસોનાં સૈન્યનું નેતૃત્વ લઈને અજાણી ભૂમિમાં તેમને દોરી લાવવાનું સાહસ કરનાર મહમૂદની બુદ્ધિ, ચાતુર્ય, ચપળતા અને રાજનીતિનું જ્ઞાન કોઈ પણ પ્રકારે ઊતરતું નહોતું. તેને તેના બાતમીદારો તરફથી હિંદના રાજાઓની હિલચાલની રજેરજની બાતમી મળતી હતી.જ્યારે આ રાજા પાસે આ પ્રકારની કોઈ વ્યવસ્થા નહોતી.'

'તેઓ મહમૂદની કોઈ પ્રવૃતિ જાણી શકતા નહોતા. આ ત્રણે રાજાઓમાં સહુથી ઓછા બળવાળો ભીમ હતો અને તેથી મહમૂદે ભીમ જે માર્ગે આડો પડે એમ હતું એ જ માર્ગે જવાનો નિર્ણય કર્યો.'

'ભીમદેવ અને તેના સૈનિકો મરણિયા બનીને પરાજયનો બદલો લેવા તત્પર હતા અને મહમૂદ આ વાત જાણતો હતો.'

'એ પણ જાણતો હતો કે ભીમદેવ સામે તેની હાર થાય તો સોમનાથમાંથી લૂંટેલું અઢળક ધન, તેના પુત્રો, અમીરો અને બચેલા સૈનિકોને લઈને પાછું ગઝની પહોંચવું અશક્ય થઈ પડે. એટલે રાહ જોયા વગરજ તેણે ગાંધવીના કિલ્લા પર હુમલો કરી દીધો હતો.'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'પ્રભાસ-સોમનાથ'માં રત્નમણિરાવ લખે છે:

'મહમૂદ આવ્યો હતો એ જ રસ્તે પાછો ન જતા કચ્છના રણમાં થઈને સિંધના રસ્તે પાછો ગયો.'

'ભીમદેવ કંથકોટમાં ભરાયો હતો એવી એને ખબર મળી હતી. તે કારણથી તેણે ત્યાં જઈને કિલ્લો લીધો પણ મહમૂદના હાથમાં ભીમે આવ્યો નહીં. ભીમદેવ હજી પણ મહમૂદ સામે લડવાની મોટી તૈયારી કરવામાં ગુંચાયો હતો એટલે મહમૂદને હવે તેની પૂઠ પકડવા કરતાં સ્વદેશ પાછા ફરવાનું જ ઠીક લાગ્યું એટલે એ રણને રસ્તે સિંધ જવા ઊપડ્યો.'

'ધ લાઇફ ઍન્ટ ટાઇમ ઑફ સુલતાન મહમૂદ ઑફ ગઝના'માં ડૉ. નઝીમ લખે છે:

ભીમદેવને નાઠો એટલે સોમનાથ કચ્છથી પાંસરો સિંધ તરફ નીકળ્યો અને આ માટે એણે સ્થાનિક ભોમિયાની મદદ કરી.

પણ ભોમિયો સોમનાથનો ભક્ત હતો અને મહમૂદે કરેલા સોમનાથના અપમાનનો બદલો લેવા એણે સુલતાનના સૈન્યને રણમાં ભટકાવી દીધું. કટક એવી જગ્યાએ પહોંચી ગયું કે જ્યાં પાણી સાવ દોહ્યલું હતું.

ગઝનીના ફારસી રાજકવિ ફાર્રુખી સિસ્તાનીની નોંધ પ્રમાણે દિવસોની રઝળપાટ બાદ સુલતાને આખરે સિંધ પહોંચવામાં સફળતા મળી જ.

જોકે, ભોમિયાથી મહમૂદે ભૂલથાપ ખાધી હોવાની બીના વજૂદ વિનાની હોવાનું 'પ્રભાસ અને સોમનાથ'ના લેખક શંભુપ્રસાદ દેસાઈનું માનવું છે.

અહીંથી સુલતાન સીધો જ મન્સુરા પહોંચ્યો હતો.

શંભુપ્રસાદ દેસાઈ લખે છે, 'મન્સુરામાં તેને આશ્રય અને આરામ મળ્યા નહીં પણ યુદ્ધ મળ્યું. ત્યાંના કારમાતી ખફીફે મહમૂદે લૂંટેલી લક્ષ્મી પડાવી લેવા એને આંતર્યો. મહમૂદ પાસે હવે પૂરતા સૈનિકો નહોતા અને જે હતા એ શ્રમિત હતા. છતાં ઇશ્વરે તેને પ્રદાન કરેલી અખૂટ હિંમત અને આત્મવિશ્વાસથી તેણે ખફીફનો સામનો કરી તેને શિકસ્ત આપી અને મુલતાનના માર્ગે આગળ વધ્યો.'

ડૉ. નઝીમ લખે છે, 'સિંધુ નદીને સથવારે મહમૂદે એની કૂચ ચાલુ રાખી. જોકે, વેરાન વિસ્તાર અને આસપાસ વસેલા જાટો મહમૂદને સામે પડ્યા. જેને પગલે એણે કેટલાય સૈનિકો ગુમાવી દેવા પડ્યા.'

શંભુપ્રસાદ દેસાઈની નોંધ પ્રમાણે 'પંજાબના જાટોએ મહમૂદની આગેકૂચ અટકાવી. મહમૂદે ઘણા સૈનિકો કપાવી નાખી મુસીબતે તેના ખજાનાને સાચવ્યો, પણ જાટોએ તેનાં ઊંટો, ઘોડાઓ અને અન્ય પ્રાણીઓ પડાવી લીધાં.'

વળતી સફરમાં આ રીતે મહમૂદ હેરાન-પરેશાન થતો મહામુસીબતે ગઝની પહોંચ્યો. ડૉ. નઝીમના જણાવ્યા અનુસાર આખરે 2જી એપ્રેલિ 1026એ મહમૂદ ગઝની પહોંચ્યો.

મહમૂદ ગઝની પહોંચ્યો ત્યારે અફઘાનિસ્તાનમાં વસંત બેઠી હતી.

લાઇન

સોમનાથ પર મહમૂદે કરેલી ચઢાઈ પરની વિશેષ શ્રેણીની પ્રથમ કહાણી: ગુજરાતના સોમનાથ મંદિરને લૂંટવા જ્યારે ગઝનીથી મહમૂદ નીકળ્યો

લાઇન
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો