વખાન : અફઘાનિસ્તાનનો એ મુસ્લિમ પ્રદેશ જ્યાં નથી તાલિબાની હિંસા કે કટ્ટરતા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સાયમન અર્વિન
- પદ, બીબીસી ટ્રાવેલ
રાજધાની કાબુલ ફતેહ કરીને બે દાયકા બાદ ફરી અફઘાનિસ્તાન પર તાલિબાનની આણ પ્રવર્તી રહી છે. ચીન, ઈરાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથેની સરહદો એ સાબિત કરવા માટે પૂરતી છે કે એશિયામાં અફઘાનિસ્તાનનું એવું સ્થાન છે જેવું માનવ શરીરમાં હ્રદયનું હોય છે.
3.20 કરોડથી વધુની વસતી ધરાવતા આ દેશની લગભગ એક ચતુર્થાંશ વસતી મજાર-એ-શરીફ, કાબુલ જેવાં મોટાં શહેરોમાં વસે છે. મજાર-એ-શરીફ દેશની રાજધાની કાબુલથી દક્ષિણ-પૂર્વ દિશામાં 320 કિલોમીટર દૂર આવેલું છે.
દેશના આ ચોથા ક્રમના સૌથી મોટા શહેરનું કેન્દ્ર હઝરત અલીની મઝાર છે, જે સ્થાનિક માન્યતા અનુસાર પૈગંબર-એ-ઈસ્લામના જમાઈ અને ઈસ્લામના ચોથા ખલીફાનું અંતિમ વિશ્રામસ્થળ છે. એ મઝાર ઈસ્લામી સ્થાપત્યનો એક માસ્ટરપીસ છે. એ સફેદ કબૂતરો માટે પણ વિખ્યાત છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે અલગ રંગનું કોઈ પક્ષી મઝાર પરિસરમાં દાખલ થઈ જાય તો તેની પાંખ પારદર્શી અને સફેદ થઈ જાય છે.
વખાન કૉરિડોર મઝાર શરીફથી લગભગ 600 કિલોમીટર પૂર્વમાં આવેલો છે, જે સાંસ્કૃતિક તથા ભૌગોલિક રીતે દેશના બાકી હિસ્સાથી એકદમ અલગ છે. બદખ્શાં ક્ષેત્રમાં આવેલો 350 કિલોમીટર લાંબો આ પ્રદેશ વિશ્વની ત્રણ મોટી પર્વત શૃંખલાઓ - હિંદુ કુશ, કરાકોરમ અને પામીરનું સંગમસ્થાન છે.
આ ક્ષેત્રનો પ્રવાસ કરાવતી કેટલીક કંપનીઓ પૈકીની એક ઈંટેમડ બાર્ડઝ ડૉટ કૉમના જેમ્સ વિલકોક્સ કહે છે કે "તમે અફઘાનિસ્તાનમાં ટ્રાફિક, ઘોંઘાટ અને સલામતીના મુદ્દાના સંદર્ભમાં આનાથી વધારે દૂર જઈ શકતા નથી."
"અહીં વધુ વસતી નથી, પણ અહીં પહોંચવું મુશ્કેલ છે. આવી જગ્યા છે એવું બહુ ઓછા લોકો જાણે છે. આ વિશ્વના સૌથી દુર્ગમ અને સુંદર સ્થળો પૈકીનું એક છે."

ગ્રામીણ જિંદગી

ઇમેજ સ્રોત, SIMON URWIN
વખાન કૉરિડોરમાં ખાનદદ જેવા નાના-નાના કસબાઓ છે, જેમાં સફેદ પથ્થર, માટી અને લાકડાના બનેલાં ઘરો છે. એ પૈકીનાં કેટલાંક ગામ મોટાં છે અને એ કાચા રસ્તા મારફત એકમેકની સાથે જોડાયેલાં છે. પંજ નદીના પાણીને કારણે એ કાચો રસ્તો મોટેભાગે વાપરવા લાયક રહેતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કૉરિડોરના પશ્ચિમ ખૂણાથી 80 કિલોમીટર દૂર ઈશ્કાશિમ શહેરમાં રહેતા આઝમ ઝિયાઈ કહે છે કે "વખાન નામના આ સમગ્ર વિસ્તારમાં બહુ ઓછા લોકો પાસે પોતાનું વાહન છે, પરંતુ અમારી પાસે કમ્યુનિટી ટ્રાન્સપોર્ટ છે, ગધેડાઓ છે અને અમારા પગ તો છે જ."
તેમ છતાં વખાન અત્યારે પણ અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલું નથી. કેટલાંક ગામોથી અકાશિમ સુધી પહોંચવા માટે ચાર દિવસ સુધીનો પ્રવાસ કરવો પડે છે.
અહીંથી સૌથી નજીકનું મોટું શહેર દુશાંબે છે, જે તાઝિકિસ્તાનના રાજધાની છે. ત્યાં સુધી પહોંચવામાં પણ ત્રણ દિવસ લાગે છે. આટલું દૂર હોવાને કારણે આ ક્ષેત્ર એક ટાઈમ કેપ્સ્યૂલ જેવું બની ગયું છે. લોકો સીમા પારના તાઝિકિસ્તાનમાં રસ્તાઓ, ટેલિફોન અને વીજળી વગેરેની સુવિધા જુએ છે ત્યારે કહે છે કે એ તો ભવિષ્ય નિહાળવા જેવું છે.

વખાઈ સમુદાયના લોકોનાં ઘર

ઇમેજ સ્રોત, SIMON URWIN
વખાન કૉરિડોરમાં લગભગ 2,500 વર્ષથી વખાઈ સમુદાયના લોકોના ઘર છે. હાલ ત્યાં લગભગ 12,000 લોકોની વસતી છે. અહીંના મોટાભાગના અફઘાનીઓ રૂઢીચુસ્ત સુન્ની મુસલમાન હોય છે, પરંતુ વખાઈ લોકો ઈસ્માઈલી છે, જે ઈસ્લામના શિયા સમુદાયનો એક સંપ્રદાય છે.
અહીં મહિલાઓ બુરખા પહેરતી નથી અને અહીં કોઈ મસ્જિદ પણ નથી. અહીં વખાઈ જમાતખાના હોય છે, જે પ્રાર્થના સ્થળની સાથે-સાથે સામુદાયિક કેન્દ્ર સ્વરૂપે પણ કામ કરે છે.
વિલકોક્સ કહે છે કે "સુન્નીઓની સરખામણીએ ઈસ્માઈલીઓને વધારે ઉદાર ગણવામાં આવે છે."
"દાખલા તરીકે વખાનમાં કોઈ પશ્ચિમી પુરુષ પ્રવાસી પરવાનગી વિના વખાઈ મહિલાનો ફોટો ઝડપી શકે છે અને તેનાથી કોઈ નારાજ થતું નથી. અફઘાનીસ્તાનના અન્ય હિસ્સાઓમાં તમે આવું કરવાનું વિચારી સુદ્ધાં શકો નહીં."
"સુન્ની ચરમપંથીઓ નથી અને આ ક્ષેત્ર ઘણું દૂર આવેલું છે. આ બન્ને બાબતો એ સુનિશ્ચિત કરે છે કે ઈસ્લામિક સ્ટેટ અને તાલિબાન જેવાં સંગઠન પણ અહીં પહોંચી શક્યાં નથી. તેથી દેશના બાકીના હિસ્સામાં લડાઈ ચાલતી હોય તો પણ તેનો પ્રભાવ વખાનમાં પડતો નથી."

જીવનશૈલી

ઇમેજ સ્રોત, SIMON URWIN
વખાઈના ખેડૂતો આ અડધા ઉજ્જડ વિસ્તારમાં ઘઉં, જુવાર, વટાણા, બટાકા, સફરજન અને જરદાળુની ખેતી કરે છે. હિમશિલાઓનાં પીગળતાં પાણી વડે તેમના ખેતરમાં સિંચાઈ થતી હોય છે. શ્રીમંત પરિવારો પાસે ઘેટાં-બકરાં કે પછી ઉંટ, ઘોડા કે ગધેડા હોય છે.
આઝમ ઝિયાઈ કહે છે કે "દર વર્ષે જુન મહિનામાં વખાઈ લોકો તેમનાં પશુઓને લઈને હર્યાભર્યા પ્રદેશમાં ચાલ્યા જાય છે. એ પ્રદેશ સમુદ્રની સપાટીથી 4500 મીટર સુધીની ઉંચાઈ પર આવેલાં હોય છે."
"એ પ્રવાસને કછ કહેવામાં આવે છે. પાકની લણણીના સમયે એટલે કે ઑગસ્ટની શરૂઆતમાં અહીં ચનેરનો મેળો પણ યોજાય છે. અફઘાનિસ્તાનના બીજા વિસ્તારોમાં પાંચ નમાઝ તમારો દિવસ નક્કી કરે છે, પરંતુ અહીંની જમીન સાથે અમારો બહુ ગાઢ સંબંધ છે. તેથી જીવનશૈલી ખેતરો, ઋતુઓ અને પ્રકૃતિ પર વધારે નિર્ભર હોય છે."

સદીઓ પુરાણી પરંપરા

ઇમેજ સ્રોત, SIMON URWIN
વખાનની સૌથી વિશિષ્ટ પરંપરાઓમાં અહીંની સદીઓ પુરાણી બુઝકશીની રમતનો સમાવેશ થાય છે. આ રમત ઘોડાઓ પર સવાર થઈને રગ્બીની જેમ રમવામાં આવે છે. આ રમત બકરીના શરીરને દડો બનાવીને રમવામાં આવે છે.
પોલોની રમતની શરૂઆત બુઝકશીથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. બુઝકશીમાં કોઈ નિયમ કે ટીમ હોતી નથી. તેમાં ન્યાયોચિત રમતની પરવા પણ કરવામાં આવતી નથી, કારણ કે ખેલાડીઓ એકમેક લાતો તથા મુક્કાઓ મારીને પણ બકરીને મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.
આઝમ ઝિયાઈ કહે છે કે "આ રમતમાં કોઈના હાડકાં ભાંગે તે અસામાન્ય વાત નથી. વખાઈ ગામમાં ખાસ કરીને નવરોઝના પ્રસંગે આ રમત રમવામાં આવે છે."
"જોકે, અફઘાનિસ્તાનના બીજા વિસ્તારોમાં બુઝકશીની રમત વધારે રાજકીય છે અને તેનો ઉપયોગ ઉચ્ચ વર્ગના લોકો તેમની શક્તિના પ્રદર્શન માટે કરે છે, પરંતુ અહીં આ રમતનું ફોકસ પ્રતિસ્પર્ધા અને સમુદાય હોય છે. આ બાબત જ વખાનને આટલું અનોખું બનાવે છે."
સલામતીના દૃષ્ટિકોણથી અફઘાનિસ્તાન વિદેશી પ્રવાસીઓ માટે ઉપયુક્ત નથી, પરંતુ વખાન કૉરિડોર તેની શાંતિ, સુંદરતા, પર્વતો અને વખાઈ સંસ્કૃતિને કારણે પાછલાં કેટલાંક વર્ષોથી પ્રવાસીઓની પસંદ બની રહ્યું છે.
એડ સમર્સ એક ટૂરિસ્ટ ગાઈડ છે અને તેઓ નવ વખત વખાનનો પ્રવાસ કરી ચૂક્યા છે.
તેઓ કહે છે કે "અગાઉ અહીં બહુ ઓછા પ્રવાસીઓ આવતા હતા. પાછલા દસ વર્ષમાં એ સંખ્યા વધીને પ્રતિ વર્ષ 600 પ્રવાસીઓ સુધી પહોંચી ગઈ છે. પારંપરિક પર્યટન ગતિવિધિઓથી એકદમ દૂર હોય એવી જગ્યાએ જવાથી લોકોને સંતોષ મળે છે."
"અહીં તમારી મુલાકાત એવા લોકો સાથે થાય છે, જેઓ પોતાની પરંપરાગત જીવનશૈલી પસંદ કરે છે. તમે વખાનનો પ્રવાસ કરો છો ત્યારે એ માત્ર એક સુંદર જગ્યા જ નહીં, પણ અહીં પસાર થતી દરેક ક્ષણ ડગલેને પગલે દિલચસ્પ ઇતિહાસના પુસ્તકનાં પાનાં ફેરવવા જેવી હોય છે."

સિલ્ક રોડનો હિસ્સો

ઇમેજ સ્રોત, SIMON URWIN
ચીનને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડવા માટે પહેલી અને બીજી સદીમાં બનાવવામાં આવેલા સિલ્ક રોડનો, વખાન કોરિડોર ઘણાં વર્ષો સુધી એક મહત્વપૂર્ણ હિસ્સો હતો.
એડ સમર્સ કહે છે કે "અહીંથી વેપારીઓ ચીની રેશમ, રોમન સોનું અને આ ક્ષેત્રમાંથી ખોદી કાઢવામાં આવેલાં અફઘાન રત્નોને લઈ જતા હતા."
"માર્કો પોલો પણ તેરમી સદીમાં આ પ્રદેશમાંથી પ્રવાસ કરીને ચીન ગયા હોવાનું અને સિકંદરે પણ આ પ્રદેશમાંથી પ્રવાસ કર્યો હોવાનું કહેવાય છે. એ પ્રાચીન માર્ગના નિશાન, માર્ગમાંનાં વિરામનાં સ્થળો અને બુદ્ધની મૂર્તિઓના નિશાન અહીં જોવા મળે છે."

વ્યૂહાત્મક રીતે મહત્વનું સ્થાન

ઇમેજ સ્રોત, SIMON URWIN
ઓગણીસમી સદીમાં બ્રિટન અને રશિયા વચ્ચે થયેલી ગ્રેટ ગેમમાં વખાનની ભૂમિકા મહત્વની હતી.
વિલકોક્સ કહે છે કે "રશિયા અને બ્રિટન મધ્ય એશિયાની લડાઈ લડી રહ્યાં હતાં ત્યારે અફઘાનિસ્તાન બહુ મહત્વનું હતું. વખાનની વર્તમાન સીમાને એ સમયે એક બફર ઝોન બનાવવામાં આવી હતી, જેથી બન્ને પ્રતિસ્પર્ધી દેશોના સીમાડા એકમેકને મળી શકે નહીં."
"ભૂતકાળમાં શીતયુદ્ધ વખતે પણ વખાન મહત્વનું સાબિત થયું હતું, પરંતુ હવે ચીનની બેલ્ટ એન્ડ રોડ યોજનાને કારણે વખાન ફરી એકવાર લોકપ્રિય વ્યાપાર માર્ગ બની જાય એ શક્ય છે."

નવું નિર્માણ

ઇમેજ સ્રોત, SIMON URWIN
થોડા સમય પહેલાં સુધી ઈશ્કાશિમથી શરૂ થતો કાચો માર્ગ માત્ર બ્રિગેલ સરહદ સુધી જ પહોંચતો હતો. બ્રિગેલ સરહદ આ કોરિડોરની વચ્ચે આવેલી છે.
એ પછી પૂર્વની તરફ પ્રવાસ કરવા માટે પગપાળા કે પશુઓના સહારે આગળ વધવું પડતું હતું. હવે બેલ્ટ એન્ડ રોડના નિર્માણને કારણે એ માર્ગ વધુ 75 કિલોમીટર લંબાવવામાં આવ્યો છે અને એ માર્ગ બોજઈ ગમ્બાજ ગામ સુધી પહોંચી ગયો છે, જે વખાનની કૂલ લંબાઈનો ત્રણ-ચતુર્થાંશ હિસ્સો છે.
સમર્સ કહે છે કે "એ માર્ગ એક પુરાણા રસ્તા પર બનાવવામાં આવ્યો છે. તેનો ઉપયોગ અગાઉ કિર્ગિઝ ખાનાબદોશ કરતા હતા. હવે અહીં બુલડોઝર આવ્યાં છે અને તેમણે એક નાનકડો ટ્રેક બનાવ્યો છે, પરંતુ તેના પર એક મોટો માર્ગ બનાવવામાં આવે એવી શક્યતા છે."
ચીન અહીં એક માર્ગનું નિર્માણ કરશે અને એ માર્ગ તેની સરહદને બોજઈ ગમ્બાઝ સાથે જોડશે એવું કહેવામાં આવી રહ્યું છે. આખરે એ માર્ગ ચીનને મધ્ય એશિયાના માર્કેટ્સ સુધી પહોંચવામાં મદદરૂપ થશે.

ચીન પાસેથી અપેક્ષા

ઇમેજ સ્રોત, SIMON URWIN
આઝમ ઝિયાઈના જણાવ્યા મુજબ, ચીન દ્વારા બનાવવામાં આવેલા માર્ગ બાબતે વખાનના લોકો મિશ્ર વિચારો ધરાવે છે.
તેઓ કહે છે કે "કેટલીક બાબત અમારા માટે સારી હશે. અમે ચીન પાસેથી બકરીઓની ખરીદી કરી શકીશું, જે ઈશ્કાશિમની માર્કેટની સરખામણીએ સસ્તી હશે. અમને આરોગ્યની બહેતર વ્યવસ્થાની પણ આશા છે."
"હાલ અમારા સુવિધાઓ બહુ મર્યાદિત છે, પરંતુ અમને વખાઈ સંસ્કૃતિની ચિંતા વધારે છે. વખાઈ સંસ્કૃતિ હંમેશ માટે બદલાઈ જશે."
"અમે અહીંની નીરવ શાંતિ અને કુદરતી સૌંદર્યને પ્રેમ કરીએ છીએ. મને ટ્રાફિકના પ્રદૂષણથી ડર લાગે છે. પર્વતોમાં માર્ગ બનાવવામાં બહુ સમય લાગે છે, પરંતુ એ માર્ગ આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે એવું અમે માનીએ છીએ. ચીન અને અફઘાન બન્ને સરકારો એવું કરવા ઈચ્છે છે, પરંતુ અમારું ભવિષ્ય કેવું હશે એ તો સમય જ દર્શાવશે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














