શાહ ફૈસલ : અમેરિકા સામે કરડી નજર કરનાર સાઉદી અરેબિયાના 'પ્રગતિશીલ' શાહની હત્યાની કહાણી

શાહ ફૈસલ

ઇમેજ સ્રોત, HULTON DEUTSCH

ઇમેજ કૅપ્શન, શાહ ફૈસલ
    • લેેખક, આરિફ શમીમ
    • પદ, બીબીસી ઉર્દૂ, લંડન

એ વર્ષે રબી-ઉલ-અવ્વલ એટલે કે ઈસ્લામિક વર્ષના ત્રીજા મહિનાની 12 તારીખે, ઈસ્લામના અંતિમ પયગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસે, સાઉદી અરેબિયાના શાહ ફૈસલ લોકોને મળી રહ્યા હતા. કુવૈતનું એક પ્રતિનિધિમંડળ તેમને મળવા માટે વેઈટિંગ હૉલમાં રાહ જોઈ રહ્યું હતું.

શાહ ફૈસલના ભત્રીજા મુસાઈદ કુવૈતના એ પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી રહ્યા હતા. એ પ્રતિનિધિમંડળની શાહ ફૈસલને મળવાની ઘડી આવી ત્યારે શાહ ફૈસલ તેમના ભત્રીજાને મળવા માટે આગળ વધ્યા.

એ જ સમયે ભત્રીજાએ તેના લાંબા ઝબ્બામાંથી રિવૉલ્વર કાઢી અને શાહ ફૈસલને બે ગોળી મારી હતી. હુમલાખોરે પહેલી ગોળી શાહ ફૈસલના ગાલ પર અને બીજી તેમના કાન પર મારી હતી.

ત્રીજી ગોળી પણ છોડવામાં આવી હોવાનું કહેવાય છે, પણ એ ગોળી શાહ ફૈસલને વાગી ન હતી. શાહ ફૈસલના એક બૉડીગાર્ડે ફૈસલ બિન મુસાઈદ પર મ્યાનમાં રહેલી તલવાર વડે વાર કર્યો હતો.

એ વખતે ત્યાં ઉપસ્થિત દેશના પેટ્રોલિયમ પ્રધાને ગાર્ડ્ઝને બરાડીને કહ્યું હતું કે શાહઝાદાને મારી નાખશો નહીં. ફૈસલ બિન મુસાઈદ ત્યાં આરામથી ઊભા રહ્યા હતા અને ગાર્ડેઝે તેમની ધરપકડ કરી હતી.

શાહ ફૈસલને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ગોળીબારના ઝખમ સામે ઝીંક ઝીલી શક્યા ન હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

બે દાયકાથી વધુ સમય સુધી સાઉદી અરેબિયામાં પત્રકારત્વ કરી ચૂકેલા વિશ્લેષક રાશિદ હુસૈન એક એવા સજ્જનને સારી રીતે ઓળખતા હતા, જેઓ ઘટના બની એ વખતે શાહ ફૈસલની બહુ નજીક ઊભા હતા. એ હતા તત્કાલીન પેટ્રોલિયમ પ્રધાન અહમદ ઝકી યમાની. તેઓ ઓપૅકના પ્રતિનિધિમંડળની મુલાકાત શાહ ફૈસલ સાથે કરાવી રહ્યા હતા. એ પ્રતિનિધિમંડળમાં કુવૈતના પ્રધાન પણ સામેલ હતા.

રાશિદ હુસૈનનું કહેવું છે કે "સલામતી સંબંધી સ્ક્રીનિંગ થતું હોય છે એ ન થયું હોય તે શક્ય છે. ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે લોકો એવું સમજ્યા હતા કે ગોળી અહમદ ઝકી યમાનીને પણ વાગી છે, કારણ કે સૌથી પહેલાં તેમણે જ ધસી જઈને ફૈસલ બિન મુસાઈદને પકડ્યા હતા."

શાહ ફૈસલ બિન અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ રહેમાન અલ સઉદના હત્યારા ફૈસલ બિન મુસાઈદનું માથું એ જ વર્ષની 18 જૂને સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના સૌથી મોટા ચોકમાં જાહેરમાં કાપી નાખવામાં આવ્યું હતું.

line

ફૈસલ બિન મુસાઇદ કોણ હતો?

પ્રિન્સ ફૈસલ અને પ્રિન્સ ખાલિદ

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રિન્સ ફૈસલ અને પ્રિન્સ ખાલિદ

ફૈસલ બિન મુસાઈદ, શાહ ફૈસલના સાવકા ભાઈ મુસાઈદ બિન અબ્દુલ અઝીઝના પુત્ર હતા.

ફૈસલ બિન મુસાઈદનો જન્મ 1944ની ચોથી એપ્રિલે થયો હતો અને શાહ ફૈસલની હત્યા બદલ તેમને 1975ની 18 જૂને મોતની સજા ફરમાવવામાં આવી હતી. સજાની જાહેરાતના થોડા કલાકોમાં જ રિયાધના મુખ્ય ચોકમાં, લોકોની હાજરીમાં તેમનું માથું કાપી નાખવામાં આવ્યું હતું.

ફૈસલ બિન મુસાઈદની જીવન બાબતે જાજું લખવામાં આવ્યું નથી. ફૈસલ બિન મુસાઈદ ભણવા માટે અમેરિકા ગયા હતા અને તેમણે સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ કોલેજમાં એડમિશન લીધું હતું. તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટી અને કોલોરાડો યુનિવર્સિટીમાં પણ અધ્યયન કર્યું હતું.

શાહ ફૈસલની હત્યા પછી શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ "માનસિક અસંતુલન"થી પીડાતા હતા. હત્યા પછી શાહી પ્રધાનમંડળે એક નિવેદનમાં તેમને ઔપચારિક રીતે "પાગલ" જાહેર કર્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમની તપાસ બાદ એવું સર્ટિફિકેટ આપ્યું હતું કે ફૈસલ બિન મુસાઈદ માનસિક રીતે એકદમ સ્વસ્થ છે.

તેમની સાથે માદક દ્રવ્યોના મામલાઓને પણ જોડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે એક વખત તેઓ સાઉદી અરેબિયા પરત આવ્યા ત્યારે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો, કારણ કે તેઓ વિદેશ સાઉદી અરેબિયાને બદનામ કરતા હતા.

line

શાહ ફૈસલની હત્યા શા માટે કરવામાં આવી?

ડેઇલી ન્યૂઝ અખબારનું કટિંગ

ઇમેજ સ્રોત, DAILY NEWS

ઇમેજ કૅપ્શન, ફૈસલ બિન મુસાઈદનું નામ માદક દ્રવ્યોના મામલાઓમાં સાંકળવામાં આવે છે અને એવું કહેવાય છે કે એક વખત તેઓ સાઉદી અરેબિયા પરત આવ્યા ત્યારે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો, કારણ કે તેઓ પરદેશમાં સાઉદી અરેબિયાને બદનામ કરતા હતા.

સાઉદી અરેબિયામાં તપાસનો અહેવાલ જાહેર કરવામાં આવતો નથી અને શાહી પરિવારની વાત હોય તો મામલો વધારે સંવેદનશીલ બની જતો હોય છે. હત્યા વખતે જાતજાતની અફવાઓ ફેલાઈ હતી, પરંતુ તપાસ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હત્યારો એકલો હતો અને હત્યાની પ્રક્રિયામાં તેની સાથે બીજું કોઈ સામેલ ન હતું.

વિશ્લેષક રાશિદ હુસૈનના જણાવ્યા મુજબ, 1975ની 25 માર્ચે જે થયું તેને સમગ્ર સંદર્ભમાં સમજવાની જરૂર છે.

ફૈસલ બિન મુસાઈદના ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું હતું , એ કહાણીની વાત કરીએ તો શરૂઆતમાં એવું ધારવામાં આવ્યું હતું કે ફૈસલ બિન મુસાઈદે તેમના ભાઈની હત્યાનો બદલો લેવા માટે શાહ ફૈસલ પર ગોળીબાર કર્યો હતો.

શાહ ફૈસલે દેશમાં ટેલીવિઝન પ્રસારણ શરૂ કરાવ્યું ત્યારે તેમના સાવકા ભાઈ અને ફૈસલ બિન મુસાઈદના પિતા મુસાઈદ બિન અબ્દુલ અઝીઝે અન્ય ધાર્મિક નેતાઓ સાથે શાહના નિર્ણયની ખુલ્લેઆમ ટીકા કરવા લાગ્યા હતા અને તેમણ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

વિરોધ પ્રદર્શનના એક કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શનકર્તાઓ એક ટીવી સ્ટેશન પર હુમલો કરતા હતા ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો. તેમાં મુસાઈદ બિન અબ્દુલ અઝીઝના મોટા પુત્ર ખાલિદ મુસાઈદનું ગોળી વાગવાને કારણે મૃત્યુ થયું હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રાશિદ હુસૈન કહે છે, "સાઉદી અરેબિયામાં શાસકોએ ધાર્મિક વિદ્વાનોને વ્યાપક રીતે અંકુશમાં રાખ્યા હતા અને તે અંકુશ આજના દિવસ સુધી યથાવત છે. શાસકોએ કોઈ નિર્ણય લેવો હોય ત્યારે તેઓ મૌલવીઓ મારફત તેઓ બળજબરીથી જાહેર કરાવતા હતા. કદાચ 1965-66ની વાત છે. એ સમયે ત્યાં રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ શરૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. એ વખતે ત્યાંના ઉલેમાઓએ એવા પ્રયાસ કર્યા હતા કે તેમની મરજી વિના કશું જ ન થાય અને દરેક બાબત એમના કન્ટ્રોલમાં રહે, કારણ કે એ બિન-ઈસ્લામી છે."

"શાહ ફૈસલ તેમના સમયના સંદર્ભમાં થોડા પ્રગતિશીલ હતા. તેમણે મહિલાઓને શિક્ષિત કરવાનું કામ પણ શરૂ કર્યું હતું અને એ રીતે તેમણે રેડિયો તથા ટીવીનું પ્રસારણ પણ શરૂ કરાવ્યું હતું. તેના કારણે રિયાધમાં વિરોધ પ્રદર્શન થયું, જેનું નેતૃત્વ ફૈસલ બિન મુસાઈદના પિતા મુસાઈદ બિન અબ્દુલ અઝીઝે કર્યું હતું અને તેઓ શાહી પરિવારના સભ્ય હતા."

"રસપ્રદ વાત એ છે કે તેઓ સફળ થઈ ગયા હોત તો શાહ ફૈસલની સરકારને બરતરફ કરાવી શક્યા હોત. આ પ્રકારના એક અન્ય વિરોધ પ્રદર્શન વખતે પ્રદર્શનકર્તાઓએ રિયાધના એક ટીવી સેન્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં ફૈસલ બિન મુસાઈદના ભાઈનું પોલીસની ગોળી લાગવાને કારણે મોત થયું હતું."

જોકે, ટીવી પ્રસારણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે એવો કોઈ નિર્ણય શાહે એ ઘટના પછી પણ કર્યો ન હતો.

line

શાહ ફૈસલનું શાસન અને પારિવારિક મતભેદ

શાહ ફૈસલ મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે 1967માં હાઇડ પાર્કની મુલાકાતે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1967ની મુલાકાત દરમિયાન હાઈડ પાર્કનો પ્રવાસ કરી રહેલા શાહ ફૈસલ અને મહારાણી ઍલિઝાબેથ દ્વિતીય.

રાશિદ હુસૈનના જણાવ્યા મુજબ, શાહી પરિવારમાં હંમેશા દુશ્મનાવટ અને મતભેદ હોય છે અને શાહ ફૈસલ પ્રત્યેની દુશ્મનાવટનું મુખ્ય કારણ એ હતું કે શાહ ફૈસલ પોતે શાહ સઉદને હઠાવીને બાદશાહ બન્યા હતા.

રાશિદ હુસૈન કહે છે, "શાહ સઉદ કે જેઓ શાહ અબ્દુલ અઝીઝના સૌથી મોટા પુત્ર અને ક્રાઉન પ્રિન્સ પણ હતા. તેઓ શાહ ફૈસલ પહેલાં બાદશાહ બન્યા હતા, પરંતુ શાહ ફૈસલે એવું આંદોલન ચલાવ્યું હતું કે શાહ સઉદ દેશનું સંચાલન કરી શકતા નથી. તેમણે આ રીતે શાહ સઉદને ગાદી છોડવા મજબૂર કર્યા હતા."

"શાહી પરિવારમાં પારાવાર મતભેદ તો હતા જ. મુસાઈદ સાહેબે એ મતભેદોનો ઉપયોગ કરીને શાહ ફૈસલ વિરુદ્ધ આંદોલન ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને શાહ ફૈસલે બહુ કડક હાથે ડામી દીધું હતું. મુસાઈદે ત્યાંની ધાર્મિક શક્તિઓ અને મૌલવીઓ સાથે સાંઠગાંઠ કરી હતી. તેઓ માનતા હતા કે એ લોકો તેમની સાથે રહેશે તો તેઓ એ લડાઈ જીતી શકશે. એ સમયે તો તેઓ ખાસ કશું કરી શક્યા ન હતા, પણ તેમના દિલમાં એ પીડા કાયમી બની રહી હતી."

line

શાહ ફૈસલના શાસનની સ્થાપના કેવી રીતે થઈ?

શાહ ફૈસલ મક્કામાં પોતાના ગૃહમંત્રી શાહ ફહદ અને અન્ય કૅબિનેટ મંત્રીઓ સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહ ફૈસલ મક્કામાં તેમના ગૃહ પ્રધાન શાહ ફહદ અને પ્રધાનમંડળના અન્ય સભ્યો સાથે.

ફૈસલ બિન અબ્દુલ અઝીઝ વિશે ઉપલબ્ધ માહિતી મુજબ, તેમનો જન્મ 1906ની 14 એપ્રિલે રિયાધમાં થયો હતો. તેઓ શાહ અબ્દુલ અઝીઝના ત્રીજા પુત્ર હતા. તેમનાં માતા તરફાહ બિન્તે અબ્દુલ્લાહનો સંબંધ અબ્દુલ વહાબના ધાર્મિક પરિવાર સાથે હતો અને તેમનાં લગ્ન શાહ અબ્દુલ અઝીઝે રિયાધ જીતી લીધું પછી થયાં હતાં.

ફૈસલ માત્ર છ મહિનાના હતા ત્યારે તેમનાં માતાનું મૃત્યુ થયું હતું. તેમનું પાલન-પોષણ તેમના નાના તથા નાનીએ કર્યું હતું અને તેમના પ્રારંભિક શિક્ષણની જવાબદારી પણ નાના અને નાનીની જ હતી.

1919માં બ્રિટિશ સરકારે શાહ અબ્દુલ અઝીઝને લંડનની મુલાકાતે આવવાનું નિમંત્રણ આપ્યું હતું, પણ અંગત વ્યસ્તતાને કારણે તેઓ જઈ શક્યા ન હતા. એ પછી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમના બદલે તેમના પુત્ર પ્રિન્સ તુર્કી જશે, પરંતુ પ્રિન્સ તુર્કી સ્પેનિશ ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા હતા. તેથી ચિઠ્ઠી નાખીને ફેંસલો કરવામાં આવ્યો હતો.

ચિઠ્ઠીમાં પ્રિન્સ ફૈસલનું નામ નીકળ્યું હતું અને તેઓ ઈંગ્લૅન્ડનો પ્રવાસ કરનાર, સાઉદી પરિવારના પહેલા સભ્ય બન્યા હતા. તેમનો પ્રવાસ પાંચ મહિના સુધી ચાલ્યો હતો. એ દરમિયાન તેમણે ફ્રાન્સની મુલાકાત પણ લીધી હતી.

તેમના પિતા તેમના વારંવાર મહત્વની જવાબદારીઓ સાંપતા હતા. તેઓ માનતા હતા કે ફૈસલ એવી જવાબદારી સંભાળવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. 1922માં બંદી બનાવવામાં આવેલા પ્રાન્તને અંકુશમાં લેવા માટે તેમને સશસ્ત્રદળો સાથે મોકલવામાં આવ્યા હતા. એ વ્યૂહરચના સફળ સાબિત થઈ હતી. 1926માં તેમને હિજાઝના વાઈસરૉય બનાવવામાં આવ્યા હતા. એ ઉપરાંત તેમણે ગૃહ પ્રધાન તરીકે પણ ફરજ બજાવી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

1953માં શાહ અબ્દુલ અઝીઝના મૃત્યુ પછી તેમના સૌથી મોટા દીકરા સઉદને બાદશાહ બનાવવામાં આવ્યા હતા અને ફૈસલ ક્રાઉન પ્રિન્સ બન્યા હતા.

શાસકીય બાબતોમાં શાહ સઉદની પકડ તેમના પિતા જેટલી ન હતી. તેમને ઘરેલુ કે વિદેશ નીતિનો કોઈ ખાસ અનુભવ પણ ન હતો. તે શાહી પરિવારને થોડા સમયમાં જ સમજાઈ ગયું હતું અને તેથી શાહ સઉદ પર, ક્રાઉન પ્રિન્સ ફૈસલને વડાપ્રધાન બનાવવા અને તેમને વધારે અધિકાર આપવાનું દબાણ લાવવામાં આવ્યું હતું.

એ સમયે પાડોશી દેશ ઈજિપ્તમાં જમાલ નાસિર બાદશાહ તખ્તો પલટીને સત્તા પર આવી ચૂક્યા હતા અને સાઉદી અરેબિયામાં પણ એવું ન થાય તેનો ડર હતો.

જોકે, શાહ સઉદ અને શાહ ફૈસલ વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલુ હતો. ડિસેમ્બર 1960માં પ્રિન્સ ફૈસલે વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેઓ ક્રાઉન પ્રિન્સ તો હતા જ. થોડા સમય પછી તેમને ફરીથી પરિવારનો ટેકો મળ્યો હતો અને તેઓ બીજી વખત વડાપ્રધાન બન્યા હતા.

આખરે તેમણે શાહ સઉદ પાસે સત્તા પોતાને સોંપી દેવાની માગણી કરી હતી. ઉલેમાઓએ તેમની તરફેણમાં એક નહીં, પણ બબ્બે ફતવા બહાર પાડ્યા હતા અને જણાવ્યું હતું કે શાહ સઉદે દેશની ભલાઈ માટે સત્તાથી અલગ થઈ જવું જોઈએ. શાહી પરિવારે એ ફતવાને ટેકો આપ્યો હતો અને 1964ની બીજી નવેમ્બરે ફૈસલને સાઉદી અરેબિયાના શાસક બનાવી દેવામાં આવ્યા હતા.

તેમને શાહ બનાવવામાં સુદૈરી બ્રધર્સનો હાથ હતો. અલબત, શાહ ફૈસલ પોતે સુદૈરી પરિવારના સભ્ય ન હતા.

line

સુદૈરી બ્રધર્સ કોણ હતા?

શાહ ફૈસલ પોતાના પ્રિતિનિધિમંડળ સાથે બ્રિટનની મુલાકાતે

ઇમેજ સ્રોત, FOX PHOTOS/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બ્રિટનની મુલાકાત દરમિયાન શાહ ફૈસલ અને તેમનું પ્રતિનિધિમંડળ

એવું કહેવાય છે કે શાહ અબ્દુલ અઝીઝનાં સૌથી પ્રિય પત્ની સુદૈરી કુળનાં હસ્સા બિન્તે અહમદ અલ-સુદૈરી હતાં અને તેમનાથી શાહ અબ્દુલ અઝીઝને સૌથી વધારે પુત્રો પૈદા થયા હતા. એ બધા ઉચ્ચ પદો પર હતા.

પ્રભાવશાળી સુદૈરી બંધુઓના એ સમૂહને 'સુદૈરી સિયૂન' પણ કહેવામાં આવતો હતો.

જોકે, શાહ ફૈસલ પોતે સુદૈરી માતાના પુત્ર ન હતા, પરંતુ સત્તા પર આવવા માટે તેમને સુદૈરી ભાઈઓએ ટેકો આપ્યો હતો અને શાહ સઉદને સત્તા પરથી હઠાવવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. શાહ ફૈસલે સત્તા પર આવતાંની સાથે જ સુદૈરી ભાઈઓને મહત્વનાં મોટાં-મોટાં પદ આપ્યાં હતા.

ફૈસલ બિન મુસાઈદના પિતા, મુસાઈદ બિન અબ્દુલ અઝીઝને એ સમયના શક્તિશાળી અને પ્રભાવશાળી સુદૈરી કુળ સાથે હતો, જેણે શાહ ફૈસલને સત્તા પર આવવામાં બહુ મદદ કરી હતી. અલબત, મુસાઈદ બિન અબ્દુલ અઝીઝ, શાહ ફૈસલની આધુનિકીકરણની નીતિ સાથે સહમત ન હતા.

શાહ ફૈસલના મૃત્યુ પછી તેમના સાવકા ભાઈ શાહ ખાલિદ સાઉદી અરેબિયાના શાસક બન્યા હતા અને 1982માં તેમના મૃત્યુ પછી સાઉદી અરેબિયાની સત્તા બે વખત સુદૈરી પરિવારના હાથમાં રહી છે. પહેલાં શાહ ખાલિદ અને પછી શાહ ફહદ બાદશાહ બન્યા હતા. તેમનું શાસન 2005 સુધી ચાલુ રહ્યું હતું.

એ પછી શાહ અબ્દુલ્લાહ બાદશાહ બન્યા હતા, પરંતુ તેઓ સુદૈરી ન હતા અને 2015માં તેમના મૃત્યુ પછી ફરી એક વખત સુદૈરી વંશના શાહ સલમાન બાદશાહ બન્યા છે. જોકે, તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાને કારણે આજે પણ સુદૈરી કુળના એક વંશજ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જ સરકારનો વહીવટ સંભાળે છે.

line

શાહ ફૈસલ એક 'પ્રગતિશીલ' શાસક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સન સાથે હાથ મિલાવી રહેલા શાહ ફૈસલ

શાહ ફૈસલે બાદશાહ બનતાની સાથે જ સૌપ્રથમ પરિવારના લોકો સાથે મળીને ભાવિ બાદશાહની પસંદગી માટે એક પરિષદની રચના કરી હતી, જેથી આગામી બાદશાહ કોણે બનવાનું છે એ સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ જાય. એ પછી તેમણે તેમાં શાહી પરિવારના મુખ્ય લોકોની મહત્વનાં પદો પર નિમણૂક કરી હતી. તેમાં તેમના તમામ સગા અને સાવકા ભાઈઓ પણ સામેલ હતા.

તેમણે અનેક લોકરંજક નિર્ણયો કર્યા હતા. તેને કારણે તેઓ જનતામાં લોકપ્રિય બની ગયા. તેમણે લીધેલા નિર્ણયો પૈકીનો એક નિર્ણય એ હતો કે સાઉદી શાહઝાદાઓએ તેમનાં સંતાનોને ભણવા માટે પરદેશ મોકલવાને બદલે દેશની સ્કૂલોમાં જ ભણાવવાં જોઈએ.

એવી જ રીતે તેમણે છોકરીઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. દેશના સૌપ્રથમ ન્યાય મંત્રાલયની સ્થાપના કરી હતી અને દેશની સૌપ્રથમ પંચવર્ષીય યોજનાનો પાયો નાખ્યો હતો.

1962માં તેમણે એક આદેશ બહાર પાડીને ગુલામીની પ્રથા કે ગુલામ રાખવાના રિવાજને ખતમ કરી નાખ્યો હતો. તેમણે આ કામ એવા વખતે કર્યું હતું, જ્યારે ગુલામી કોઈનેકોઈ સ્વરૂપે ચાલી રહી હતી.

શાહ ફૈસલે આર્થિક વિકાસ તથા ધાર્મિક વિચારધારા સમાન મહત્વ આપ્યું હતું. ધાર્મિક ઉલેમાઓનું સમર્થન ન હોય તેવો એકેય નિર્ણય તેઓ કરતા ન હતા, પરંતુ જે વિરોધ વિકાસ કે તેમની સત્તા માટે સમસ્યા સર્જી શકે એવી જરાક શંકા હોય તો પણ તેને કડક હાથે દબાવી દેતા હતા.

તેમણે કટ્ટરપંથી ઉલેમાઓને અંકુશમાં રાખ્યા હતા અને મહિલા શિક્ષણ જેવા ક્રાંતિકારી નિર્ણયથી તેમના વિરુદ્ધ ધાર્મિક સમુદાયની નફરત વધવાની શક્યતા છે એવી સલાહ તેમને તેમના સલાહકારોએ આપી ત્યારે તેમણે એ સલાહને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

તેનાથી વિપરીત, દેશનું બંધારણ બનાવવું જોઈએ, એવું તેમને કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે કુરાન (મુસલમાનોનો ધાર્મિક ગ્રંથ) જ આપણું બંધારણ છે.

તેઓ કમ્યુનિસ્ટોના સખત વિરોધી હતા અને તેમની વિદેશ નીતિનો મોટો હિસ્સો ઈસ્લામ પર જ આધારિત હતો. તેઓ માનતા હતા કે ઇસ્લામ અને કમ્યુનિઝમ એકમેકનાં વિરોધાભાસી છે. એ બન્ને ક્યારેય સાથે હોઈ શકે જ નહીં.

કદાચ એ કારણસર જ તેઓ રશિયાથી દૂર અને અમેરિકાની નજીક હતા.

લેખક ક્રેગ ઈંગરે તેમના પુસ્તક 'હાઉસ ઑફ બુશ, હાઉસ ઑફ સઉદ'માં લખ્યું છે કે પ્રિન્સ બંદર બિન સુલ્તાન અલ સઉદે એકવાર ન્યૂ યૉર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે શાહ ઈરાને તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા એ પહેલાં શાહ ફૈસલને એક પત્ર મોકલ્યો હતો. એ પત્રમાં તેમણે લખ્યું હતું કે "મારા ભાઈ, મહેરબાની કરીને દેશનું આધુનિકીકરણ કરો. આપણે દેશમાં સ્કૂલો શરૂ કરાવો, સ્કૂલોમાં સહ-શિક્ષણ શરૂ કરાવો, છોકરા-છોકરીઓને સાથે ભણાવો. મહિલાઓને મિની સ્કર્ટ પહેરવાની છૂટ આપો."

"ડિસ્કો ક્લબ્ઝ બનાવો, આધુનિક બનો. નહિંતર તમે લાંબા સમય સુધી સત્તાના સિંહાસન પર બિરાજમાન રહેશો એવી ગૅરન્ટી હું આપી શકીશ નહીં."

એ પત્રના જવાબમાં શાહ ફૈસલે જણાવ્યું હતું કે "જહાંપનાહ, હું તમારી સલાહની કદર કરું છું. હું આપને વાત યાદ અપાવી શકું કે આપ ફ્રાન્સના રાજા નથી? આપ એલિસીમાં નથી, આપ ઈરાનમાં છો. તમારી 90 ટકા વસતી મુસ્લિમ છે. કૃપા કરીને આ વાત ક્યારેય ભૂલશો નહીં."

શાહઝાદા બંદરે કહ્યું હતું કે ઈતિહાસે શાહ ફૈસલને સાચા સાબિત કર્યા. "ક્યાંકથી આયાત કરવામાં આવેલી સામાજિક અને રાજકીય સંસ્થાઓ ખતરનાક સાબિત થઈ શકે છે...શાહ ઈરાનને જ પૂછી લો...અમારા માટે ઈસ્લામ એક ધર્મ જ નથી, પણ જીવન જીવવાની એક રીત છે."

"અમે સાઉદી લોકો આધુનિક જીવનશૈલી અપનાવવા ઈચ્છીએ છીએ, પણ તે પશ્ચિમી જીવનશૈલી હોય એ જરૂરી નથી."

line

શાહ ફૈસલ અને ક્રૂડનો ભાવ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

શાહ ફૈસલની હત્યા પછી ફાટી નીકળેલી અફવાઓમાં એક અફવા અમેરિકા વિશેની હતી. અમેરિકાથી પરત આવ્યા બાદ શાહ ફૈસલ બિન મુસાઈદે શાહ ફૈસલની હત્યા કરી હતી. કેટલાંક આરબ અખબારોએ ઈશારો કર્યો હતો કે 1973ના કથિત ક્રૂડ પ્રતિબંધને કારણે પશ્ચિમના દેશોને બહુ નુકસાન થયું હતું અને સાઉદીના ક્રૂડના ભાવમાં જોરદાર વધારો થયો હતો. શાહ ફૈસલની હત્યા એ ઘટનાનો બદલો પણ હોઈ શકે છે.

1967ના છ દિવસના યુદ્ધમાં ઈઝરાયલે ઈજિપ્ત, જૉર્ડન તથા સીરિયાના મોટાભાગનો હિસ્સો કબજે કર્યો હતો અને વૅસ્ટ બૅન્ક જૉર્ડનને બદલે સંપૂર્ણપણે ઇઝરાયલના કબજામાં આવી ગયું હતું.

એ યુદ્ધમાં આરબોને બહુ નુકસાન થયું હતું અને પશ્ચિમી રાષ્ટ્રોની મદદ વડે ઇઝરાયલ મધ્ય-પૂર્વમાં એક પ્રમુખ શક્તિ તરીકે ઊભર્યું હતું, પરંતુ પેલેસ્ટાઈનીઓએ એ પછીનાં ઘણાં વર્ષો સુધી ગેરીલા યુદ્ધ સ્વરૂપે ચાલુ રાખ્યું હતું, જે આજે પણ કોઈને કોઈ સ્વરૂપે ચાલી જ રહ્યું છે.

જોકે, 1973ના આરબ-ઈઝરાયલ યુદ્ધમાં શાહ ફૈસલની ભૂમિકા પ્રમુખ રીતે બહાર આવી હતી.

અમેરિકા અને પશ્ચિમના દેશોએ ઇઝરાયલને સાથે આપ્યો અને આરબો સામે લડવા માટે તેને ખુલ્લેઆમ શસ્ત્રો ઉપલબ્ધ કરાવ્યાં, સહાય આપી ત્યારે શાહ ફૈસલે તેના વિરોધમાં વિશ્વને ક્રૂડ વેચવા પર પ્રતિબંધ લાદ્યો હતો.

તેમના નિર્ણયને કારણે વિશ્વમાં ક્રૂડના વપરાશમાં જોરદાર ઘટાડો થયો હતો અને ભાવમાં ઝડપભેર વધારો થયો હતો.

રાશિદ હુસૈનના જમાવ્યા મુજબ, શાહ ફૈસલે લાદેલા 1973ના ક્રૂડ વેચાણ પ્રતિબંધે બધું એકદમ બદલી નાખ્યું હતું. ક્રૂડનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવાના નિર્ણયથી પશ્ચિમના દેશોમાં હાહાકાર મચી ગચો હતો.

શાહ ફૈસલ કેવા પ્રકારના માણસ છે અને શું-શું કરી શકે છે એવી વાતો પણ થવા લાગી હતી.

શું એવું કહી શકાય કે શાહ ફૈસલ તેમના દેશને ધાર્મિક રૂઢિવાદમાંથી બહાર કાઢીને ક્રૂડના પૈસા વડે એક એવો દેશ બનાવવા ઈચ્છતા હતા, જે વિકસિત હોય અને આધુનિકતાના પાયા પર નિર્માણ પામ્યો હોય?

હાલ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ સલમાન પણ આ પ્રકારનાં પગલાં જ લઈ રહ્યા છે. બન્નેના શાસનકાળ વચ્ચેનો 50થી વધુ વર્ષનો સમય કાઢી નાખીને વિચારીએ તો એવું કહી શકાય કે બન્નેની વિચારધારા મહદઅંશે સમાન છે?

1973ના આરબ-ઇઝરાયલ સંકટ વખતે શાહ ફૈસલ અને અમેરિકાના વિદેશ પ્રધાન કિસિંજર વચ્ચેની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં રાશિદ હુસૈન જણાવે છે કે શાહ ફૈસલે કિસિંજરને કહ્યું હતું કે "અમને બહુ હેરાન ન કરો. તમે અમને વધુ હેરાન કરશો તો અમે અમારા ક્રૂડ ઑઈલના કુવાઓમાં આગ ચાંપી દઈશું અને છાવણીઓમાં પાછા ચાલ્યા જઈશું."

રાશિદ હુસૈન માને છે કે અમે છાવણીઓમાં પરત ચાલ્યા જઈશું એવું કહેવાની હિંમત માત્ર શાહ ફૈસલમાં જ હતી. આવું કહેવાનો વિચાર સુદ્ધાં હવે કોઈ કરી શકે નહીં.

રાશિદ હુસૈનના જણાવ્યા મુજબ, બન્નેનું વ્યક્તિત્વ અલગ-અલગ છે અને તેમની સરખામણી થઈ શકે નહીં. શાહ ફૈસલમાં પશ્ચિમ સામે હુંકાર કરવાની હિંમત હતી, જે મોહમ્મદ બિન સલમાનમાં નથી.

તેમણે મુલ્લાઓને ઘણા દાબમાં રાખ્યા છે અને તેઓ સાઉદી સમાજમાં મોકળાશ લાવવાની વાતો કરી રહ્યા છે એ સાચું, પણ તેમનો દૃષ્ટિકોણ શાહ ફૈસલ કરતાં એકદમ અલગ છે.

ક્રાઉન પ્રિન્સ બધું દબાણ હેઠળ કરી રહ્યા છે, જ્યારે શાહ ફૈસલ દબાણ ઉભું કરવા માટે એવું કરતા હતા.આ વાત સાથે રાશિદ હુસૈન સહમત નથી.

તેમનું કહેવું છે કે શાહ ફૈસલ આધુનિકીકરણ કરવા ઈચ્છતા હતા એ સાચું, તેઓ કન્યા શિક્ષણને સમર્થક હતા અને તેમણે દેશમાં રેડિયો તથા ટીવી પ્રસારણની શરૂઆત કરી હતી એ પણ સાચું. તેમ છતાં તેમના વિચારધારા બહુ અલગ હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો