કુવૈતનો કાયદો ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે ખતરાની ઘંટી તો નથી ને?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જય નારાયણ વ્યાસ
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

1991નું વર્ષ વરસ ભારતીય અર્થવ્યવસ્થાના ઇતિહાસમાં કેટલાંક ખોટાં સીમા ચિહ્નો માટે હંમેશાં યાદ રહેવાનું છે.

ભારતની વિદેશી મુદ્રાની અનામતોનું તળિયું દેખાઈ ગયું હતું. માંડ અઠવાડિયું ચાલે તેટલી વિદેશી મુદ્રાની પુરાંત ભારત પાસે હતી.

આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો છેવટે "ડૂબતો તરણું પકડે" તે રીતે જુલાઈ 1991માં ભારતીય રિઝર્વ બેંકે 40 કરોડ ડૉલર જેટલું વિદેશી હૂંડિયામણ ઉછીનું લેવા માટે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને બેન્ક ઑફ જાપાન પાસે 46.91 ટન સોનું પોતાના અનામત ભંડારમાંથી ગીરવે મૂક્યું. આજે આપણે જુલાઈ 2020માં છીએ. સમગ્ર દેશને નીચાજોણું થાય એવી આ ઘટનાને 30 વરસ થયાં.

આ ત્રીસ વર્ષના સમયમાં પાસું પલટાયું છે. આજે આપણે 505.57 અબજ ડૉલર જેટલી ગંજાવર વિદેશી મુદ્રાના પહાડ ઉપર નિરાંતે બેઠાં છીએ.

આ બધું શક્ય બન્યું તે માટેનો મજબૂત પાયો નાખનાર તત્કાલીન વડા પ્રધાન નરસિમ્હા રાવ હતા. જેમની ચાણક્ય બુદ્ધિ અને તે સમયે ઓછાં જાણીતા પણ વૈશ્વિક કક્ષાના અર્થશાસ્ત્રી ડૉ મનમોહન સિંહ દ્વારા લાગુ કરાયેલ ઉદારીકરણ અને આર્થિક નીતિ 1990થી 1995ના તેમના નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ દેશને એક મજબૂત પાયા પર પ્રસ્થાપિત કરી ગઈ.

કોરોનામાં ભારતની મેડિકલ ટીમ સાઉધી અરેબિયાની મદદે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનામાં ભારતની મેડિકલ ટીમ સાઉદી અરેબિયાની મદદે

આને પરિણામે ક્યારે પણ ભારતને વિદેશી મુદ્રા ભંડારની દૃષ્ટિએ સોનું ગીરવે મૂકવું પડે તેવા દેવાળિયાપણાનો સામનો કરવો પડ્યો નથી.

આ વ્યવસ્થાને પોષાતું એક મોટું પરિબળ અમેરિકા, યુએઈ, સાઉદી અરેબિયા, કતર, કુવૈત, ઓમાન, બ્રિટન, મલેશિયા, કૅનૅડા, હૉંગકૉંગ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં રહેતા બિનનિવાસી ભારતીયો દ્વારા દેશમાં વિદેશી મુદ્રા રૂપે મોકલવામાં આવતા પૈસા છે.

એક માહિતી મુજબ ભારતીય દુનિયામાં કોઈ પણ દેશના નાગરિકોની સરખામણીમાં સૌથી વધારે પૈસા પોતાને વતન મોકલે છે. છેલ્લી ઉપલબ્ધ માહિતી મુજબ અલગ-અલગ દેશોમાંથી ભારતમાં 2019ના વર્ષમાં મોકલવામાં આવેલ રેમિટન્સ એટલે કે વિદેશી મુદ્રાની રકમ નીચેના કોષ્ટકમાં દર્શાવી છે.

line

વિદેશથી થતી હૂંડિયામણની આવક

નોંધ: 10 લાખથી વધારે વસતિ ધરાવનારા દેશોનો સમાવેશ કર્યો છે અને રેમિટન્સની ટકાવારી અધિકૃત ડીલરોને આધારે છે. સ્રોત : RBI

આ વિગતો ઉપરથી જોઈ શકાશે કે 2019ના વર્ષમાં ભારતીયોએ 83 અબજ અમેરિકન ડૉલર જેટલાં નાણાં વિદેશી મુદ્રા સ્વરૂપમાં આપણા દેશમાં મોકલ્યાં છે. 2019ના વરસમાં આપણે ક્રૂડ ઑઇલની આયાત કરી તેનું આયાત બિલ 82 અબજ ડૉલર હતું.

આ ઉપરથી ભારતીયો વતનથી દૂર રહીને, ઘણી હાડમારીઓ વેઠીને વિદેશથી જે પૈસા આપણને મોકલે છે તેની અગત્યતાનો ખ્યાલ આવશે.

આ કોષ્ટક ઉપર નજર નાખીએ તો ખાડીના દેશો એટલે કે યુએઈ, સાઉદી અરેબિયા, કતર, કુવૈત અને ઓમાનમાંથી 65 અબજ અમેરિકન ડૉલર (કુલ રેમિટન્સના 78.31 ટકા) આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી કોવિડને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે મંદી આવી છે એને કારણે ક્રૂડની ખપત અને ભાવ જેના ઉપર આ દેશોની અર્થવ્યવસ્થા નભે છે એમાં ઘણો મોટો ઘટાડો થયો છે. આને પરિણામે આ દેશોમાં પણ હવે બેકારી અને આવક સામે જાવકનું પ્રમાણ વધી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ દેશોની અર્થવ્યવસ્થા પર અન્ય દેશોમાંથી આવી ત્યાં કામ કરતા ભારતીય તેમજ બીજા નાગરિકોનું પ્રદાન મોટું છે.

line

ખાડી દેશો સાથે ભારતનો જૂનો નાતો

ઓમાનના સુલતાન હૈતમ બિન તારિક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓમાનના સુલતાન હૈતમ બિન તારિક

એક અંદાજ મુજબ ખાડીના દેશોમાં 85 લાખ જેટલા ભારતીયો કામ કરે છે જેમાંથી બહુ ઓછા સરકારી નોકરીઓમાં અને બહુ વધારે પ્રમાણમાં લોકો લૉ- સ્કીલ કામોમાં જોતરાયેલા છે.

50 ડિગ્રી તાપમાનમાં ભારતીયો કામ કરે છે. મજૂર વસાહતમાં પુરતી સવલતો હોતી નથી, માલિકો તરફથી અત્યાચાર ગુજારવામાં આવે છે, વધારે કલાક કામ કરાવવામાં આવે છે અને શોષણ કરવામાં આવે છે તે બધું નફામાં.

આમ છતાં પેલી ઉક્તિ અનુસાર "પેટ કરાવે વેઠ, પેટ પરદેશ મોકલે" મુજબ અગવડો વેઠીને પણ આ લોકો કામ કરે છે, બે પૈસા બચાવે છે અને એ વતનમાં વિદેશી હૂંડિયામણ તરીકે મોકલે છે.

અત્યાર સુધી આ લોકો કમાઉ દીકરા હતા પણ ક્રૂડના ભાવ ઘટી જતાં અને કોરોના વાઇરસની મહામારીને કારણે પોતાના દેશમાં કામ કરતા આ પરદેશીઓ માટે સ્થાનિક પ્રજાની નફરત વધતી ચાલી છે.

આપણે એકલા યુએઈની વાત કરીએ તો લગભગ 36 લાખ ભારતીયો યુએઈમાં રહે છે જે તેની 27 ટકા વસતિ કરતાં વધારે છે. યુએઈ સમેત આરબ દેશો સાથેનાં આપણા સંબંધો સદીઓ પુરાણા છે.

ઓમાનના અંતરિયાળ વિસ્તારમાં તો એક સમયે ભારતીય ચલણ ચાલતું અને ગુજરાતી ભાષા પણ બોલાતી.

યુએઈમાં 36 લાખ ભારતીયોમાંથી 10 લાખ માત્ર કેરળના છે ત્યારબાદ 4.50 લાખ તમિલનાડુના છે. ગુજરાતીઓ સંખ્યાની દૃષ્ટિએ ઓછાં હશે પણ એમનાં આર્થિક હિતો બહુ મોટાં છે.

બહેરીન અને ઓમાન જેવા દેશોમાં તો કચ્છી ભાઈઓ પહેલા જઈને વસ્યા છે અને ત્યાંના શાસકો સાથે બહુ સારા સંબંધો ધરાવે છે. ચીનની હૉંગકૉંગ પર તવાઈ આવશે એટલે દુબઈનું મહત્વ વધે તેવી પૂરી શક્યતા છે.

આજે વાત કરવી છે બે મુદ્દાની એમાંનો પહેલો મુદ્દો કુવૈત કાયદો લાવી રહ્યું છે તેને સ્પર્શે છે. કુવૈતની તાજેતરની પરિસ્થિતિ નીચે પ્રમાણે છે.

આજે કુવૈતની કુલ વસતિ 43 લાખમાંથી લગભગ 35 ટકા ભારતીયો છે. ભારતીયોની સંખ્યા સ્થાનિક કુવૈતીઓ કરતાં વધુ છે અને કુલ બિનનિવાસી નાગરિકો છે તેની અડધોઅડધ વસતિ ભારતીયો છે.

કુવૈત હવે કાયદો લાવી રહ્યું છે તે મુજબ ભારતીય નાગરિક હોય તેની કુવૈતમાં નોકરી/રોજગારી કરતા વ્યક્તિઓની સંખ્યા 15 ટકાથી વધવી જોઇએ નહીં. 15 ટકા એટલે 6.45 લાખ આનો અર્થ એ થાય કે બાકી રહેલા 8 લાખ લોકોને કુવૈત છોડવું પડે.

આટલી મોટી સંખ્યા સ્થળાંતર થાય તો એના Evacuation (ઇવેક્યુએશન)થી માંડીને દેશમાં પુનર્વસન માટેની મોટી જવાબદારી ભારતના માથે આવી પડે. કુવૈતમાં રહેતા ભારતીયો વર્ષે 5 અબજ ડૉલર મોકલાવે છે. 5 અબજ ડોલર એટલે 36,000 કરોડ રૂપિયા થાય અને તે પણ વિદેશી હૂંડિયામણમાં.

બીજું ખાડીના બીજા દેશો પણ આનું અનુકરણ કરે અને ધીરે ધીરે ભારતીયોના વર્ક કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરવાનું માંડી વાળે તો વિદેશી હૂંડિયામણના આવરાને લગભગ 3 લાખ કરોડ જેટલો ફટકો પડે.

વત્તા 25થી 30 લાખ લોકો ઘર ભેગા થાય. બેરોજગારીની સમસ્યા દિવસે વકરતી જાય છે તે સંજોગોમાં તેમનાં રોજગારીના પ્રશ્નો પણ ઊભા થાય. આનું મૂળ કારણ માત્ર મંદી અથવા કોરોના જ છે એવું માનવા જેટલા ભોળા થવા જેવું નથી.

line

સોશિયલ મીડિયામાં બેજવાબદાર વિધાનો

2013માં કુવૈતના વડા પ્રધાનની ભારત મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2013માં કુવૈતના વડા પ્રધાનની ભારત મુલાકાત

ભારતમાં સોશિયલ મીડિયામાં જે બેજવાબદાર વિધાનો થાય છે તે પણ આ બાબતમાં બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. આપણી સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પાકિસ્તાન સાથેના સંબંધોને લગતી બાબત એક મલેશિયાને બાદ કરતાં ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રીઝ ક્યારેય ભારતના વિરુદ્ધ બોલ્યું નથી. ભારત સાથેના આ દેશોના સંબંધો જ બહુ સરસ રહ્યા છે.

આ સંબંધોમાં ખટાશ આવે તેવાં એંધાણ આપતાં યુએઈનાં રાજકુમારી અને ઓમાનનાં રાજકુમારીએ બહુ કડક શબ્દોમાં ભારતમાં સોશિયલ મીડિયામાં જે બેજવાબદાર ઉચ્ચારણો કોઈ ચોક્કસ કોમને ઉદ્દેશીને થાય છે તેને વખોડી કાઢ્યાં છે.

ઓમાનની રાજકુમારી સુશ્રી મોના બિન ફાહદ આલ સઇદે તારીખ 22 એપ્રિલ 2020ના રોજ ધમકીનાં સ્વરમાં લખ્યું છે કે જો ભારતમાં આવું જ ચાલુ રહેવાનું હોય તો ઓમાનમાં રહેતા 10 લાખ લોકોને કાઢી મૂકવા જોઈએ. હું આ બાબત સુલતાન ઑફ ઓમાન સાથે હાથ ધરીશ.

તમને જાણીને નવાઈ લાગશે પણ 21મી એપ્રિલ 2020ના રોજ પોતાના નાગરિકો તેમજ અન્ય નાગરિકો બધાને કોઈ પણ પ્રકારની "હૅટ સ્પીચ" સામે સખત વલણ યુએઈએ અપનાવ્યું છે. ત્યાંની સરકારે ઑગસ્ટ 2019થી અમલમાં કાયદામાં સુધારો કરી નફરત ફેલાવનાર વ્યક્તિ માટે 11 લાખ ડૉલરનો દંડ અને સજાની જોગવાઈ કરી છે.

આ પરિસ્થિતિમાં કેટલાક પ્રશ્નો સાહજિક રીતે મનમાં આવે છે. ઘરના શાંત ખૂણે, દીવાનખાનામાં, કોઈ કાફેમાં કે પોતાની હૉસ્ટેલ કે બગીચામાં બેસીને દેશભક્તિના પ્રતીકરૂપે આ પ્રકારનાં બેજવાબદાર ટ્વિટ અને વાણીવિલાસ કરનારાઓને પરિણામે 83 અબજ ડૉલર જેટલું હૂંડિયામણ રળી આપતા 85 લાખ ભારતીયો માટે કેવી મુશ્કેલી ઊભી થાય છે એનો ખ્યાલ નથી.

line

આ રાષ્ટ્રભક્તિ કહેવાય?

કોરોનામાં ખાડી દેશોમાંથી ભારતીયોનું સ્થળાંતર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનામાં ખાડી દેશોમાંથી ભારતીયોનું સ્થળાંતર

ક્યારેય વિચાર્યું છે ખરું કે આપણે તો લખીને છૂટી જઈએ પણ ત્યાં આપણા નાગરિકો ઉપર સ્થાનિક પ્રજા હુમલો કરે તો શું થાય ? એમના વર્ક કૉન્ટ્રૅક્ટ રિન્યૂ ન થાય તો શું થાય ?

કુવૈતની માફક ખાડીના દેશો પોતાને ત્યાં ભારતીયોની મહત્તમ ટકાવારી નક્કી કરી બાકીના ને ભારત પાછા ચાલ્યા જવાનું કહે તો શું થાય ?

યુએઈ એ ખૂબ ઉદારતાપૂર્વક અક્ષર સ્વામિનારાયણ સંપ્રદાયનું વૈશ્વિક કક્ષાનું સંકુલ બાંધવા માટે જમીન આપી છે અને કામ ચાલુ થયું છે. બહેરીનમાં સદીઓ પુરાણી વૈષ્ણવ હવેલી છે. એ જ રીતે ઓમાનમાં કનકસી ખીમજીને શેખનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ત્યાં મા અંબાનુ મંદિર છે જ્યાં રંગેચંગે નવરાત્રિ ઉજવાય છે.

પાકિસ્તાન સાથેના આપણા સંબંધો સારા નથી અને એની સાથે એ મુજબ જ વર્તવું જોઈએ એટલે આપણી સરકારે એ દિશામાં જે કાંઈ કરે છે તે દરેક ભારતીય નાગરિક માટે શિરોમાન્ય હોવું જોઈએ. પણ "પેટ ચોળીને પીડા ઊભી કરનાર" આપણા ટ્વીટર યુનિવર્સિટીના ભાઈઓને જેના સાથે આપણા સંબંધો સારા છે તે દેશોમાં આ મધપૂડો છંછેડવાથી તેનાં પરિણામો શું આવે તેની કોઈ ચિંતા જ નહીં હોય?

શું બેફામ લવરી કરવી અને ઉશ્કેરણીજનક લખાણો ફરતાં કરવાં એને જ રાષ્ટ્રભક્તિ કહેવાય?

હજુ પણ સમય છે. ભારતની કેન્દ્ર સરકારે ચોક્કસ પોતાની ડિપ્લોમેટિક ચેનલ થકી કુવૈતમાં ઊભો થઇ રહેલો પ્રશ્ન કઈ રીતે હલ કરી શકાય તે બાબતે તેના શાસકો સાથે સંવાદ હાથ ધર્યો હશે જ. સરકાર પોતાની ડિપ્લોમેટિક ચેનલ થકી શું કરે છે તેની વિગતો જાહેર કરવી ઇચ્છનીય નથી હોતી પરંતુ એમનાં પ્રયત્નોમાં બળ પુરાય તેટલો સંયમ તો દરેક ભારતીયે જાળવવો જોઈએ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો