કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મિશૅલ રૉબર્ટ્સ
    • પદ, હેલ્થ એડિટર, બીબીસી ન્યૂઝ ઑનલાઇન

ડૅક્સામૅથાસન નામની સસ્તી અને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ દવા કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર દરદીઓનો જીવ બચાવી શકે છે.

યુકેના નિષ્ણાતોનું કહેવું છે કે આ લૉ-ડોઝ સ્ટૅરોઇડ ટ્રીટમૅન્ટ વાઇરસ વિરુદ્ધની લડાઈમાં બહુ મોટી મહત્ત્વપૂર્ણ શોધ છે.

વૅન્ટિલેટર પર રહેલા દરદીના મૃત્યુનું જોખમ આ દવા ત્રણ ગણું ઘટાડી દે છે. જે દરદીને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હોય, તેમના મૃત્યુનું જોખમ આ દવા પાંચ ગણું ઘટાડી દે છે.

આ દવા કોરોના વાઇરસની સારવારમાં મદદરૂપ થનારી વિશ્વની સૌથી મોટી ટ્રાયલ ટેસ્ટિંગનો ભાગ છે.

સંશોધકોનો અંદાજ છે કે કોરોના વાઇરસની મહામારીની શરૂઆતથી જ જો આ દવા યુકેમાં ઉપલબ્ધ હોત તો 5 હજાર જેટલી જિંદગીઓ બચાવી શકાઈ હોત.

તેમનું માનવું છે કે આ દવા સસ્તી છે અને કોરોના વાઇરસ સામે ઝૂઝી રહેલાં ગરીબ રાષ્ટ્રો માટે તે બહુ લાભકારક બની શકે છે.

line

જીવનરક્ષક

કોરોના વાઇરસ

કોરોના વાઇરસના 20માંથી લગભગ 19 દરદીઓ હૉસ્પિટલમાં દાખલ થયા વગર જ સાજા થાય છે. જેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે, એમાંથી પણ મોટા ભાગના સાજા થઈ જાય પણ કેટલાકને ઓક્સિજનની કે વૅન્ટિલેટરની જરૂર પડે છે.

આવા ભારે જોખમ ધરાવતા દરદીઓની વ્હારે ડૅક્સામૅથાસન આવે છે.

આ દવા કેટલાક રોગોમાં દરદ ઘટાડવા માટે કામે લેવાઈ રહી છે અને એવું પણ જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસ વિરુદ્ધ લડતાં નબળી પડેલી ઇમ્યુન સિસ્ટમથી થતું નુકસાન રોકવામાં મદદ કરી શકે છે.

line

શરીરનું વધારે પડતો પ્રતિભાવ સાઇટોકાઇન સ્ટોર્મ તરીકે ઓળખાય છે અને તે વિશાનક બની શકે છે.

એક ટ્રાયલમાં, ઑક્સફૉર્ડ યુનિવર્સિટીની એક ટીમે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 હજાર જેટલા દરદીઓને ડૅક્સામૅથાસન આપી હતી. જ્યારે તેની સરખામણીમાં 4 હજાર કરતાં વધુ દરદીઓને આ દવા નહોતી અપાઈ.

આ ટ્રાયલમાં જે દરદીઓ વૅન્ટિલેટર પર હતા એમનું મૃત્યુ થવાનું જોખમ આ દવા થકી 40 ટકાથી ઘટીને 28 ટકા થઈ ગયું. જ્યારે જે દરદીઓને ઓક્સિજનની જરૂર પડી રહી હતી એમનું મૃત્યુ થવાનું જોખમ 25 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયું હતું.

ચીફ ઇન્વેસ્ટિગેટર પ્રોફેસર પીટર હૉર્બી જણાવે છે, "અત્યાર સુધીની આ એકમાત્ર એવી દવા છે કે જે મૃત્યુનો દર ઘટાડી રહી છે. અને એ પણ સૂચક રીતે ઘટાડી રહી છે. આ બહુ મહત્ત્વની શોધ છે."

વડા સંશોધક પ્રોફેસર માર્ટિન લૉન્ડ્રે જણાવે છે કે અભ્યાસનું તારણ જણાવે છે કે વૅન્ટિલેટર પર રહેલા દર આઠ દરદીઓમાંથી તમે એકનો જીવ બચાવી શકો છો. જે દરદીઓ ઓક્સિજન પર છે તેમાંથી લગભગ દર 20-25 દરદીએ એકનો જીવ બચાવી શકાય છે.

"ચોખો ફાયદો છે. દસ દિવસ સુધી ડૅક્સામૅથાસનની સારવાર ચાલે છે અને દરેક દરદી પાછળ લગભગ પાંચસો રૂપિયાનો ખર્ચ થાય છે. એનો અર્થ એવો થયો કે એક જીવ બચાવવા પાછળ 3500 રૂપિયાનો ખર્ચ થાય છે. વૈશ્વિક રીતે આ દવા ઉપલબ્ધ છે."

ડૅક્સામૅથાસન હળવાં લક્ષણો ધરાવતા દરદીઓ- જેમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી પડી રહી, તેમને આ દવા ખાસ મદદરૂપ નહીં નીવડે.

પ્રોફેસર લૉન્ડે જણાવે છે કે હૉસ્પિટલમાં દાખલ દરદીઓને મોડું કર્યા વગર આ દવા આપવી જોઈએ. જોકે, લોકોએ જાતે બહાર નીકળીને આ દવા ન ખરીદવી જોઈએ એવું પણ તેઓ ઉમેરે છે.

નોંધનીય છે કે કોરોના વાઇરસની સારવાર માટેની ટ્રાયલ છેક માર્ચ મહિનાથી ચાલી રહી છે. તેમાં મલેરિયાની દવા હાઇડ્રોક્સિક્લોરોક્વીન પણ સામેલ છે. જોકે, બાદમાં આ દવાથી મૃત્યુનો દર વધતો હોવાની અને હૃદયની બીમારીનું જોખમ સર્જાતું હોવાની ચિંતા બાદ તેને પડતી મુકાઈ હતી.

અન્ય એક દવા રૅમડેસિવિયર પણ છે, જે કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓને સાજા થવામાં મદદ કરી રહી છે.

કોરોના વાઇરસ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો