કચ્છથી અડધું ઇઝરાયલ કેવી રીતે બન્યું 'સુપરપાવર'?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં પેલેસ્ટાઇન ઓટોમન સામ્રાજ્યનો એક જિલ્લો હતો. પહેલાં વિશ્વયુદ્ધમાં બ્રિટન તથા તેના સહયોગીઓએ ઓટોમન સામ્રાજ્યને હરાવ્યું હતું.
એ પછી પેલેસ્ટાઇન બ્રિટનના નિયંત્રણ હેઠળ આવ્યું હતું પણ ત્યાર બાદ સમસ્યા વધુ ગૂંચવાઈ હતી. એ વિસ્તારમાં આરબો રહેતા હતા અને યહૂદીઓ રહેવા ઇચ્છતા હતા.
આ પ્રદેશ સાથે યહૂદીઓને હજારો વર્ષ જૂનો ઐતિહાસિક તથા ધાર્મિક સંબંધ છે. પેલેસ્ટાઇનના આ પ્રદેશમાં રહેવાનો પોતાને ઈશ્વરીય હક છે એવું યહૂદીઓ માનતા રહ્યા છે. ઇઝરાયલ બન્યું એ પહેલાં વીસમી સદીની શરૂઆતથી જ હજારો યહૂદીઓ આ પ્રદેશમાં આવવા લાગ્યા હતા.
યહૂદીઓએ યુરોપ તથા રશિયામાં પારાવાર યાતના સહન કરવી પડી હતી. યહૂદીઓ પર આરબ વિશ્વમાં પણ અત્યાચાર થયા હતા. બીજા વિશ્વયુદ્ધમાં નાઝીઓએ યહૂદીઓ પર અત્યાચાર કર્યા પછી તેઓ મોટા પ્રમાણમાં આ પ્રદેશમાં આવ્યા હતા.

ઇઝરાયલકઈ રીતે બન્યું?
પેલેસ્ટાઇનના આ પ્રદેશનું શું કરવું તેનો ફેંસલો સંયુક્ત રાષ્ટ્રએ કરવો જોઈએ એવો નિર્ણય બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટને કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઇનને બે દેશમાં વહેંચી નાખવાનું સૂચન કર્યું હતું. એક દેશ આરબો માટે અને બીજો યહૂદીઓ માટે. આરબોએ સંયુક્ત રાષ્ટ્રના આ સૂચનનો અસ્વીકાર કર્યો પરંતુ યહૂદી નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રનું આ સૂચન સ્વીકારીને ઇઝરાયલની રચનાની જાહેરાત કરી દીધી.
અમેરિકાના તત્કાલીન પ્રમુખે એ સમયે જ ઇઝરાયલની રચનાને માન્યતા આપી દીધી હતી. ઇઝરાયલની જાહેરાત સાથે જ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. જે મહિનાઓ સુધી ચાલ્યું હતું. એ પછી ઇઝરાયલ અને તેના પાડોશી આરબ દેશ યુદ્ધ રોકવા સહમત થયા હતા. સમય જતાં ઇઝરાયલને એક સ્વતંત્ર દેશ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા મળવી શરૂ થઈ હતી.
ઇઝરાયલ ભૂમધ્ય સમુદ્રના છેડા પર આવેલું છે. તેનો દક્ષિણ છેડો રેડ સી સુધી ફેલાયેલો છે, જ્યારે પશ્ચિમમાં ગ્રીસ અને પૂર્વમાં જોર્ડન સુધી છે. લેબનોન તેની ઉત્તરમાં અને સીરિયા ઉત્તર-પૂર્વમાં આવેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેલેસ્ટાઇન હજુ સુધી કોઈ દેશ નથી, પણ વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટીને ભેળવીને પેલેસ્ટાઇનીઓ એક અલગ દેશ બનાવવા ઈચ્છે છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બન્ને જેરુસલેમને પોતાની રાજધાની બનાવવા ઇચ્છે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે તાજેતરમાં જ માન્યતા આપી હતી. જોકે, સંયુક્ત રાષ્ટ્રની જનરલ ઍસેમ્બ્લીમાં વિશ્વના મોટા ભાગના દેશોએ એ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

શક્તિશાળી ઇઝરાયલ
ઇઝરાયલ 1948માં અસ્તિત્વમાં આવ્યું હતું. ઈઝરાયલનું ક્ષેત્રફળ કચ્છ કરતાં અડધું છે, જ્યારે વસતી 85 લાખથી વધુ લોકોની છે. ખનીજ સંપત્તિના મામલામાં ભારત સાથે ઇઝરાયલની કોઈ સરખામણી જ ન થઈ શકે. તેમ છતાં ઇઝરાયલનો સમાવેશ અત્યાધુનિક ટેકનૉલૉજી અને સૈન્યક્ષમતામાં વિશ્વના અગ્રતમ દેશોમાં થાય છે.
'જેરુસલેમ પોસ્ટ' અખબારના ભૂતપૂર્વ તંત્રી યાકોવ કાત્ઝે 'ધ વેપન વિઝાર્ડઝ : હાઉ ઇઝરાયલ બિકૅમ અ હાઈ-ટેક મિલિટરી સુપરપાવર' નામનું પુસ્તક લખ્યું છે. તેઓ કાત્ઝે લખે છે, "ઇઝરાયલની રચનાનાં માત્ર બે વર્ષ બાદ 1950માં તેનું પહેલું વ્યાવસાયિક પ્રતિનિધિમંડળ દક્ષિણ અમેરિકા મોકલવામાં આવ્યું હતું. ઇઝરાયલ બિઝનેસ પાર્ટનર મેળવવા માટે ચિંતિત હતું. જેને આધારે અર્થતંત્રને આકાર આપી શકાય તેવી પ્રાકૃતિક સંપદા ઇઝરાયલ પાસે ન હતી. તેની પાસે ક્રૂડ પણ ન હતું કે ખનિજ સંપત્તિ પણ નહોતી. એ પ્રતિનિધિમંડળે સંખ્યાબંધ બેઠકો કરી હતી પણ બધાએ તેની મજાક ઉડાવી હતી. ઇઝરાયલીઓ સંતરાં, કેરોસીન સ્ટવ અને નકલી દાંત વેચવાના પ્રયાસ કરતા હતા."
"આર્જેન્ટિના જેવા દેશોમાં સંતરાનું ભરપુર ઉત્પાદન થતું હતું અને ત્યાં વીજળીની અછત ન હતી એટલે તેમને કેરોસીનની પણ જરૂર નહોતી. ઇઝરાયલ અગાઉ કઈ ચીજોની નિકાસ કરતું હતું તેની કલ્પના કરવાનું મુશ્કેલ છે. આજે ઇઝરાયલ હાઈ-ટેક સુપરપાવર છે અને આધુનિક શસ્ત્રો વેચવામાં દુનિયાભરમાં ઘણું આગળ છે. ઇઝરાયલ દર વર્ષે લગભગ 6.5 અબજ ડોલરનાં શસ્ત્રો દુનિયાને વેચે છે."
યાકોવ કાત્ઝ ઉમેરે છે, "ઇઝરાયલ 1985 સુધી વિશ્વમાં ડ્રોનની સૌથી વધુ નિકાસ કરતો દેશ હતો. વિશ્વની 60 ટકા ડ્રોનમાર્કેટ પર ઇઝરાયલનો કબજો હતો. દાખલા તરીકે, નાટોના પાંચ સભ્ય દેશો અફઘાનિસ્તાનમાં ઇઝરાયલી ડ્રોન જ ઉડાડતા હતા. જે દેશની વય 70 વર્ષની પણ નથી થઈ એ દેશે વિશ્વનું સૌથી આધુનિક સૈન્ય કઈ રીતે તૈયાર કરી લીધું? આ સવાલનો જવાબ ઇઝરાયલની રાષ્ટ્રીય સંરચનામાં સમાયેલો છે. પહેલી વાત એ છે કે નાનો દેશ હોવા છતાં ઇઝરાયલ તેની જીડીપીના 4.5 ટકા નાણાં સંશોધન પાછળ ખર્ચે છે. ઇઝરાયલ વિશે કહેવાય છે કે એ તેના દેશમાં નાગરિકો નહીં પણ સૈનિકો તૈયાર કરે છે. ઇઝરાયલમાં દરેક નાગરિક માટે સૈન્યમાં સેવા આપવી ફરજિયાત છે. "
મધ્ય-પૂર્વમાં પશ્ચિમી દેશો ઇઝરાયલને સૌથી સલામત દેશ ગણે છે.
યાકોવ કાત્ઝે લખે છે, "ઇઝરાયલી ઍરફૉર્સને પહેલી ઑપરેશનલ ઍરો મિસાઇલ બેટરી વર્ષ 2000માં મળી હતી. એ ઑપરેશનલ સિસ્ટમ સાથે ઇઝરાયલ દુશ્મન દેશની મિસાઇલને માર્ગમાં જ નષ્ટ કરવાની ક્ષમતા હાંસલ કરનારો વિશ્વનો પહેલો દેશ બન્યો હતો. ઇઝરાયલનો ઍરોનો આઇડિયા જ કમાલનો હતો. બૅલિસ્ટિક મિસાઇલની સરખામણીએ ઍરો ટૅકનૉલૉજી વધારે પ્રભાવશાળી છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ ઇઝરાયલ બહુ નાનો દેશ છે. તેની પાસે ખાલી જમીનનો અભાવ છે. ઇઝરાયલે 1989માં તેનો પહેલો જાસૂસી ઉપગ્રહ છોડ્યો હતો. એ સાથે ઇઝરાયલ ઉપગ્રહ છોડવાની સ્વતંત્ર ક્ષમતા ધરાવતા આઠ ખાસ દેશોમાં સામેલ થઈ ગયું હતું. શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે આઠ દેશોની એ ક્લબમાં ભાગ્યે જ સામેલ થઈ શકશે. "
ઉપગ્રહ-પ્રક્ષેપણના મામલામાં ઇઝરાયલ આજે ઘણું આગળ વધી ગયું છે. તેના આઠ જાસૂસી ઉપગ્રહ અત્યારે અંતરિક્ષમાં છે. ઇઝરાયલના ઉપગ્રહની તોલે કોઈ ન આવે એવું કહેવાય છે. ઇઝરાયલ તેની મર્કાવા ટૅન્ક માટે પણ દુનિયાભરમાં જાણીતું છે. ઇઝરાયલી સંરક્ષણદળમાં આ ટૅન્કને 1979માં સામેલ કરવામાં આવી હતી.
સંપૂર્ણપણે ઘરઆંગણે વિકસાવવામાં આવેલી 1,600 મર્કાવા ટૅન્ક્સ ઇઝરાયલી સંરક્ષણદળ પાસે છે. ઇઝરાયલી ઍરફૉર્સ પાસે F-15I થંડર વિમાનો પણ છે. મધ્ય-પૂર્વમાં F-15I થંડર વિમાનોને ઘણાં ઘાતક ગણવામાં આવે છે. હવામાંથી હવામાં માર કરવાની ક્ષમતા એ વિમાન ધરાવે છે. ઇઝરાયલ પાસે જૅરિકો-થ્રી પરમાણુ પ્રતિરોધક ક્ષમતા પણ છે. જેરિકો-વન બેલિસ્ટિક મિસાઇલનો સમાવેશ ઇઝરાયલી સૈન્યમાં 1970ના દાયકામાં કરવામાં આવ્યો હતો. જૅરિકો-વનના સ્થાને જૅરિકો-ટુ આવી હતી અને હવે તેનું સ્થાન જૅરિકો-થ્રીએ લીધું છે.

અણુક્ષમતા ધરાવે છે ઇઝરાયલ?
ઇઝરાયલ, હૉંગકૉંગ અને દક્ષિણ કોરિયાનાં અર્થતંત્રોને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સ્થિર ગણવામાં આવે છે. શૂન્ય ટકા મોંઘવારીદર અને ઘણી ઓછી બેરોજગારીને કારણે એવું માનવામાં આવે છે.
ઇઝરાયલનું કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) 318.7 અબજ ડૉલરનું છે અને તેના અર્થતંત્રનો વિકાસદર ચાર ટકાની આસપાસ છે. ઇઝરાયલ સત્તાવાર રીતે ખુદને અણુશક્તિ ધરાવતો દેશ ગણાવતો નથી પણ ઇઝરાયલે 70ના દાયકામાં જ અણુશસ્ત્રો મેળવી લીધાં હોવાનું કહેવાય છે. વૉશિંગ્ટનની 'આર્મ્સ કંટ્રોલ ઍસોસિયસન' નામની સંસ્થાના અહેવાલ અનુસાર ઇઝરાયલ પાસે કુલ 80 અણુશસ્ત્રો છે. હવે સવાલ એ છે કે ભારત ઇઝરાયલને તેની તાકાત કરતાં વધારે મહત્ત્વ આપી રહ્યું છે કે એમ કરવું ભારત માટે જરૂરી છે?
મધ્ય-પૂર્વના મામલાઓના જાણકાર કમર આગાના જણાવ્યા અનુસાર ઇઝરાયલ સાથેની ભારતની દોસ્તી પારસ્પરિક છે. બન્ને દેશોની પોતપોતાની જરૂરિયાત છે. કમર આગા કહે છે, "90ના દાયકામાં વિશ્વ બદલાઈ ગયું હતું ત્યારે ભારતે ઇઝરાયલ સાથે રાજકીય સંબંધ સ્થાપિત કર્યો હતો. વિચારધારાનું રાજકારણ પાછળ ધકેલાઈ ગયું હતું અને આર્થિક ગતિવિધિ પર આધારિત રાજનીતિને વધારે મહત્ત્વ અપાતું થયું હતું. કોઈ દેશ ઇઝરાયલની નજીક આવે છે ત્યારે પશ્ચિમી દેશો સાથેની તેની સોબત આસાન બની જાય છે. સોવિયેટ સંઘના પતન પછી ભારતે પણ અમેરિકા ભણી હાથ લંબાવ્યો હતો. એ વખતે એવું કહેવામાં આવતું હતું કે અમેરિકા તરફનો રસ્તો ઇઝરાયલમાંથી પસાર થાય છે અને ભારતે એ માર્ગ પસંદ કર્યો હતો."
"ભારત માટે ઇઝરાયલ બે કારણસર મહત્ત્વનું છે. એક કારણ છે-ઇઝરાયલની ટેકનૉલૉજી તથા આતંકવાદ સામે લડવાની ક્ષમતા અને બીજું કારણ છે- પશ્ચિમી દેશોમાં યહૂદીઓનું સજ્જડ લૉબિગ. ભારતને એ બન્નેની જરૂર છે એ દેખીતું છે."
કમર આગાના જણાવ્યા અનુસાર, ભારતે યહૂદી લૉબીનો લાભ પશ્ચિમમાં લીધો છે. કમર આગા કહે છે, "ભારતીય જનતા પાર્ટી(બીજેપી) જનસંઘના સમયથી ઇઝરાયલની પ્રશંસક રહી છે. 1977માં મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા ત્યારે અટલ બિહારી વાજપેયીને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા હતા. એ સમયે ઇઝરાયલના વિદેશમંત્રી ગુપચુપ ભારત પ્રવાસે આવ્યા હતા. અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન ઍરિયલ શૅરોન ભારતના પ્રવાસે આવ્યા હતા. હવે નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે ત્યારે પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ છે."
કમર આગા કહે છે, "ઇઝરાયલ પાસે ટેકનૉલૉજી છે, આપણી પાસે નથી. આપણને એની જરૂર છે. આપણી પાસે સસ્તી શ્રમશક્તિ છે, જેને કમ્પ્યુટર ઑપરેટ કરતા આવડે છે. તે અંગ્રેજી જાણે છે. ઇઝરાયલને આવા લોકોની જરૂર છે. બન્ને દેશો સાથે મળીને કંઈક બનાવે તો ઇઝરાયલને ભારત જેવું વિશાળ માર્કેટ મળશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














