ચીન : તાનાશાહે આપેલી એ સલાહ જેણે ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં ફૂટ પાડી

તસવીરમાં સૌથી ડાબે છે ભૂપેશ ગુપ્ત અને સૌથી જમણી બાજુ છે પ્રખ્યાત વામપંથી નેતા અજય ઘોષ

ઇમેજ સ્રોત, CPI

ઇમેજ કૅપ્શન, તસવીરમાં સૌથી ડાબે છે ભૂપેશ ગુપ્ત અને સૌથી જમણી બાજુ છે પ્રખ્યાત વામપંથી નેતા અજય ઘોષ
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય સામ્યવાદી પક્ષનું પહેલું રાષ્ટ્રીય સંમેલન 26 ડિસેમ્બર, 1925ના રોજ કાનપુરમાં મળ્યું હતું, પણ પક્ષની સ્થાપનાના બીજ 17 ઑક્ટોબર, 1920ના રોજ ઉઝબેકિસ્તાનના તાશ્કંદ શહેરમાં રોપાઈ ગયા હતા.

તે વખતે ઉઝબેકિસ્તાન સોવિયેત સંઘમાં જ હતું.

આ પક્ષના ઉદયમાં બહુ મોટી ભૂમિકા સામ્યવાદી ઇન્ટરનેશનલની હતી. કદાચ તેના કારણે જ ભારતની આઝાદીની લડાઈમાં સામ્યવાદીઓની ભૂમિકા સામે સવાલો ઊઠતાં રહ્યાં હતાં.

સન 1942માં મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું, પરંતુ સોવિયેત સંઘે અપીલ કરી હતી કે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતના સામ્યવાદીઓએ બ્રિટીશ સરકારને મદદ કરવી જોઈએ. આ બે વિકલ્પોમાંથી સામ્યવાદીઓએ બીજો વિકલ્પ પસંદ કર્યો હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પરિણામે ભારતના સ્વતંત્રતા સંગ્રામથી સામ્યવાદીઓ દૂર જ રહ્યા. 50 અને 60ના દાયકામાં દુનિયાભરમાં સામ્યવાદી વિચારધારાનો પ્રભાવ વધવા લાગ્યો હતો, પરંતુ એ જ સમયગાળામાં અચાનક સોવિયેત અને ચીનના સંબંધો બગડી ગયા.

સોવિયેત સંઘે ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો અને ભારતીય સામ્યવાદી પક્ષને અપીલ કરી હતી કે નહેરુની વિદેશ નીતિનું સમર્થન કરે. પરંતુ પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસની નીતિઓની વિરુદ્ધમાં હતા.

સોવિયેત સંઘની અપીલ પસંદ ના પડી તે લોકો અને નહેરુના ઘોર વિરોધીઓએ માર્ગદર્શન માટે હવે ચીનના સામ્યવાદી પક્ષ તરફ નજર દોડાવી હતી.

line

મોહિત સેનને ચીન મોકલાયા

મોહિત સેનની આત્મકથા

ઇમેજ સ્રોત, RUPA PUBLICATION

ઇમેજ કૅપ્શન, મોહિત સેનની આત્મકથા

જોકે બહુ વખત પહેલાં જ 1950માં જ ભારતીય સામ્યવાદી પક્ષે પોતાના નેતા મોહિત સેનને ચીનમાં રહેવા માટે મોકલ્યા હતા.

મોહિત સેને બાદમાં પોતાની આત્મકથા 'અ ટ્રાવેલર ઍન્ડ ધ રોડ'માં લખ્યું હતું કે, "પીએલએના એક સંમેલનમાં મેં પ્રથમવાર ચૅરમૅન માઓને જોયા. તેમણે પોતે કોઈ ભાષણ આપ્યું નહોતું, પરંતુ એકેય ભાષણ એવું નહોતું કે જેમાં તેમનું નામ વારંવાર ના લેવાયું હોય. તેમનું નામ લેવાય ત્યારે લોકો તાળીઓને ગડગડાટ કરી દેતા હતા."

"ચીન સામ્યવાદી પક્ષના સ્વાગત સમારોહમાં મેં તેમને ફરી જોયા. દરેક પ્રતિનિધિમંડળ સાથે તેમની મુલાકાત કરાવાઈ. મારો વારો આવ્યો ત્યારે તેમણે હસીને હાથ મેળવ્યા અને ચીની ભાષામાં કહ્યું, 'ઇંદૂ રેનમિન હંગ હાઓ' એટલે કે 'ભારતીય લોકો બહુ સારા' હોય છે."

"એ સંમેલનમાં ચીનના નેતાઓ લિઉ શાઓ કી અને ચૂ એન લાઈને મળવાની તક મળી. ડેંગ જિયાઓ પિંગ પણ ત્યાં હશે, પણ ત્યારે તેમનું એટલું મહત્ત્વ નહોતું એટલે અમારી સાથે મુલાકાત કરાવાઈ નહોતી."

line

નકશાના કારણે વિવાદથી થઈ શરૂઆત

ચીનમાં ભારતીય રાજદૂત પન્નીકર માઓની સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં ભારતીય રાજદૂત પન્નીકર માઓની સાથે

મોહિત સેન ચીનમાં ત્રણ વર્ષ રહ્યા. ભારત ચીન વચ્ચે યુદ્ધ થયું તેના ચાર વર્ષ પહેલાંથી બંને દેશોના સંબંધોમાં કડવાશ આવવા લાગી હતી.

ચીને પોતાના નકશામાં વાયવ્ય અને ઈશાન ભારતના ભારતીય વિસ્તારોને પોતાનામાં બતાવાનું શરૂ કરી દીધું હતું.

ભારતના સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનને સામ્યવાદી પક્ષના નેતાઓનો સંપર્ક કર્યો અને તેમને વિનંતી કરી કે ચીન સામ્યવાદી પક્ષના ઉચ્ચ નેતાઓને સમજાવો કે આનાથી બંને દેશોના સંબંધો ખરાબ થઈ રહ્યા છે.

મેનને આ બાબતમાં સામ્યવાદીઓ સાથે સારા સંબંધો ધરાવતા ફિરોઝ ગાંધી અને પ્રોફેસર કે.એન. રાજ સાથે પણ વાત કરી હતી.

બિદ્યુત ચક્રવર્તીએ પોતાના પુસ્તક 'કમ્યુનિઝમ ઇન ઇન્ડિયા'માં લખ્યું છે, "સામ્યવાદી નેતાઓએ નકશાના વિવાદ અંગે ચીની સામ્યવાદી પક્ષના નેતાઓને વાત કરી. પરંતુ તેની ખાસ કોઈ અસર થઈ નહીં.

"થોડા દિવસ પછી ચીન સરકારે ભારત સરકારને જાણ કરી કે નકશામાં દર્શાવાયેલા સ્થળો હંમેશા ચીનના જ રહ્યા છે અને બ્રિટિશ સામ્રાજ્યે તેને હડપી લીધા હતા."

"ચીને 1914માં દોરાયેલી મૅકમોહન લાઇનને ક્યારેય માની નથી કે માનવાનું નથી. ચીનના આવા નિર્ણયને કારણે ભારતના સામ્યવાદીઓ ઉપરાંત ચીનના શુભેચ્છકોને પણ બહુ આઘાત લાગ્યો. આમ છતાં ચીને જીદ છોડી નહીં."

line

નહેરુની નીતિઓની ટીકા

ભારતીય સંસદ

ઇમેજ સ્રોત, EPARLIB.NIC.IN

નહેરુએ આ મામલાને બહુ મહત્ત્વ ન આપવાનું નક્કી કર્યું હતું. તેમનું વલણ એવું હતું કે ભારત અને ચીન વચ્ચે કેટલીક ગેરસમજ થઈ છે, જેને ઝડપથી દૂર કરી દેવાશે.

આ બાબતે સામ્યવાદીઓ સિવાયના વિપક્ષના નેતાઓએ નહેરુની આકરી ટીકાઓ કરી હતી.

સન 1959માં ચીનના નેતાઓએ બીજું આઘાતજનક પગલું લીધું અને નહેરુની જાહેરમાં ટીકા કરી.

ચીની અખબાર 'પીપલ્સ ડેઇલી'માં નહેરુની નીતિઓની ટીકા કરતા તંત્રીલેખો લખાયા. ભારતના સામ્યવાદી નેતાઓને જણાવાયું કે ચૅરમૅન માઓની મંજૂરીથી આ તંત્રી લેખો લખાયા છે.

તેમાં લખાયું હતું કે "નહેરુ પ્રતિક્રિયાવાદી બુર્ઝવા લોકો અને જમીનદારોનું પ્રતિનિધિત્વ કરે છે અને સામ્રાજ્યવાદી શક્તિઓ સાથે તડજોડ કરી રહ્યા છે."

આ રીતે ચીનનું વલણ તદ્દન બદલાઈ ગયેલું લાગ્યું. જ્યારે 1957માં ચીની સામ્યવાદી પક્ષે એક પત્ર ભારતીય સામ્યવાદી પક્ષને લખ્યો હતો અને તેમાં જણાવાયું હતું કે "અમે એ નથી સમજી શકતા કે તમે કૉંગ્રેસ સરકારની સામે વિપક્ષમાં કેમ છો, કેમ કે આ સરકાર તમામ પ્રગતિવાદી નીતિઓ અપનાવી રહી છે."

તે પહેલાં 1956માં આઠમું અધિવેશન યોજાયું તેમાં ચીન સામ્યવાદી પક્ષે વિશ્વ શાંતિ અને સામ્રાજ્યવાદના વિરોધ માટે ભારત સાથે સમજૂતી કરવાનો નિર્ણય કર્યો હતો. આ અધિવેશનમાં ભારતીય સામ્યવાદી પક્ષ તરફથી ઈએમએસ નામ્બુદિરીપાદ અને પી. સુંદરૈયા ભાગ લેવા ગયા હતા.

line

ભૂપેશ ગુપ્ત અને અજય ઘોષ રશિયા અને ચીનની મુલાકાતે

ભૂપેશ ગુપ્ત

ઇમેજ સ્રોત, CPI

ઇમેજ કૅપ્શન, ભૂપેશ ગુપ્ત

એ. જી. નૂરાનીએ ફ્રન્ટલાઇન મૅગેઝિનમાં 16 ડિસેમ્બર, 2011માં કમ્યુનિસ્ટ મેમરીઝ એવા શીર્ષક સાથેના લેખમાં જણાવ્યું હતું કે, "ચીની સામ્યવાદી પક્ષની નીતિઓમાં બદલાવ જોઈને ચિંતામાં પડી ગયેલા ભારતીય સામ્યવાદી પક્ષે પોતાના બે મોટા નેતાઓ ભૂપેશ ગુપ્ત અને અજય ઘોષને મૉસ્કો મોકલ્યા હતા. તેઓ આ વિષયમાં ખ્રૂશ્ચેવ, સુસલોવ અને બીજા નેતાઓ સાથે વાત કરવા માગતા હતા.

રશિયન નેતાઓએ સલાહ આપી કે આ બાબતમાં ચીનના નેતાઓ સાથે જ સીધી વાત કરી લેવી જોઈએ. તેથી ભૂપેશ ગુપ્ત અને અજય ઘોષ ચીન ગયા, પરંતુ તેઓ ચીની નેતાઓને વલણ બદલવા સમજાવી શક્યા નહોતા.

ચીની નેતાઓનું કહેવું હતું કે, "અમે ભારતના કબજાની જમીનમાં રહેલા અમારા વડવાઓની પ્રાચીન કબરોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા વડવાઓના અસ્થિ ભારત અને તેમના લોકો સાથેની દોસ્તી કરતા વધારે કિંમતી છે."

બાદમાં બંને નેતાઓની મુલાકાત ચૅરમૅન માઓ સાથે થઈ હતી. ત્યારે તેમને લાગ્યું કે સ્થિતિ હજી સાવ બગડી નથી.

line

19 ભારતીય સૈનિકોનાં મૃત્યુ

ભારતીય અને ચીની સૈનિક દળો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય અને ચીની સૈનિક દળો

ચીનથી પરત આવ્યા બાદ અજય ઘોષે 'ન્યૂ એજ' અખબારને ઇન્ટરવ્યૂ આપ્યો, તેમાં જણાવ્યું હતું કે "ચૅરમૅન માઓએ અમારી વાતોને શાંતિથી સાંભળી હતી અને એ વાત સાથે સહમત થયા હતા કે ભારત ચીન વચ્ચેના સંબંધો વિશે ચિંતા થવી સ્વાભાવિક છે."

"પરંતુ આ મતભેદોને પરસ્પરની સમજદારીથી ઉકેલી નાખવા જોઈએ. યોંગસીકિયાંગ અને ગંગામાં પાણી વહેતું રહેશે ત્યાં સુધી ભારત ચીનની દોસ્તી ચાલતી રહેશે."

જોકે શુક્રવારે ઇન્ટરવ્યૂ પ્રગટ થયો હતો તે દિવસે જ સમાચાર આવ્યા હતા કે કોંગકા પાસે ચીની સૈનિકોએ આક્રમણ કર્યું છે અને તેમાં ભારતના 19 સૈનિકો માર્યા ગયા છે.

મોહિત સેન લખે છે, "ભારતીય સામ્યવાદી પક્ષના નેતાઓએ પોતાના ચીની સમકક્ષ નેતાઓ પાસે ખુલાસા માગ્યા, પણ ત્યાંથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહીં. સીપીઆઈની નેતાગીરીએ અપીલ કરી કે આ હિંસા બદલ ચીને દુખ વ્યક્ત કરવું જોઈએ.

પરંતુ ભારત ખાતેના ચીની દૂતાવાસના અધિકારીઓએ તેમને જણાવ્યું કે આક્રમક અને પ્રતિક્રિયાવાદી સેનાના સૈનિકોનાં મૃત્યુ પર કોઈ દુખ પ્રગટ કરવામાં આવશે નહીં."

line

પક્ષમાં ચીનના મુદ્દે ઊંડા મતભેદો

ભૂપેશ ગુપ્ત ભાષણ આપતા જોઈ શકાય છે.

ઇમેજ સ્રોત, CPI

ઇમેજ કૅપ્શન, ભૂપેશ ગુપ્ત ભાષણ આપતા જોઈ શકાય છે.

આ તરફ ભારતીય સામ્યવાદી પક્ષની નેતાગીરીમાં ભારત ચીન વચ્ચેના સંબંધો બાબતમાં ઊંડા મતભેદો જાગવા લાગ્યા.

શ્રીપદ અમૃત ડાંગે અને એસ.જી. સરદેસાઈ જેવા સામ્યવાદી નેતાઓએ ચીનની જાહેરમાં નિંદા ન કરવાના વલણ સામે વાંધો ઉઠાવ્યો.

જોકે સુંદરૈયાની આગેવાની હેઠળના પક્ષના એક પ્રભાવશાળી વર્ગનું એવું માનવું હતું કે આ બાબતમાં ચીને કશું ખોટું કર્યું નથી.

બિદ્યુત ચક્રવર્તીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સુંદરૈયાએ નકશા અને જૂના દસ્તાવેજોને આધારે એવું સાબિત કરવાની કોશિશ કરી કે ચીનના દાવામાં સચ્ચાઈ છે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે ચીનના સામ્યવાદીઓ ક્યારેય આક્રમક બનશે નહીં, પરંતુ ભારતની બુર્ઝવા સરકાર સામ્રાજ્યવાદીઓનું સમર્થન લેવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. અમે નહેરુની પ્રતિક્રિયાવાદી સરકાર પાછળ પડી ગયા હોઈએ તેવી કોઈ વાત નથી. સીપીઆઈએ હંમેશા સરકારનો વિરોધ કર્યો છે અને તેને સત્તાથી હટાવવાનો પ્રયાસ કર્યો છે.

આ બાબતમાં તેમને બીટી રણદીવે, એમ બાસવપુનૈયા, પ્રમોદ દાસગુપ્તા અને હરકિશન સિંહ સુરજીત વગેરેનું સમર્થન મળ્યું હતું. અજય ઘોષે સુંદરૈયાની દલીલોનો વિરોધ કર્યો હતો અને રાજેશ્વર રાવ, ભૂપેશ ગુપ્ત, એમએન ગોવિંદન નાયર અને અચ્યુત મેનને તેમને સમર્થન આપ્યું હતું.

line

અમૃત ડાંગે ચીનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો

કૉમરેડ શ્રીપદ અમૃત ડાંગે

ઇમેજ સ્રોત, EPARLIB.NIC.IN

ઇમેજ કૅપ્શન, કૉમરેડ શ્રીપદ અમૃત ડાંગે

ભારત પર ચીનનો હુમલો થયો તે પછી તરત જ ઈએમએસ નામ્બુદિરીપાદે પત્રકાર પરિષદ બોલાવી હતી. આ વિશે દિલ્હીમાં જ રહેલા શ્રીપદ અમૃત ડાંગેને કોઈ જાણ કરવામાં આવી નહોતી.

ડેંગ જિયાઓ પિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડેંગ જિયાઓ પિંગ

મોહિત સેને પોતાની આત્મકથા 'અ ટ્રાવેલર ઍન્ડ ધ રોડ'માં લખ્યું છે, "પત્રકારોએ ઈએમએસને પૂછ્યું કે ચીનના આક્રમણ વિશે તમે શું માનો છો?

તેમણે કહ્યું કે "ચીન એ વિસ્તારમાં જ ઘૂસ્યું છે, જેને તે પોતાનો માને છે. ભારતીયો પણ એ જમીનની સુરક્ષા કરી રહ્યા છે જેને તે પોતાની માને છે."

"નામ્બુદિરીપાદ જવાબો આપી રહ્યા હતા ત્યારે જ ડાંગે ત્યાં પહોંચ્યા અને કટાક્ષમાં ઈએમએસને પૂછ્યું કે આ જમીન વિશે તમારો પોતાનો અભિપ્રાય શું છે?

ઈએમએસ જવાબ આપે તે પહેલાં જ ડાંગેએ કહ્યું કે 'ચીનીઓએ માત્ર ભારત પર હુમલો કર્યો છે એટલું જ નહીં, પણ તેની જમીન પર કબજો કર્યો છે. સામ્યવાદીઓ દેશની સુરક્ષા માટે નહેરુની અપીલ અને ચીનને યોગ્ય જવાબ આપવાની વાતને સમર્થન આપે છે. તેમના આવા નિવેદનથી સામ્યવાદીઓમાં હલચલ મચી ગઈ હતી."

line

સોવિયેત સામ્યવાદી પક્ષ ચીનના વિરોધમાં

નિકિતા ખ્રૂશ્ચેવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિકિતા ખ્રૂશ્ચેવ

ડાંગે નિવેદન આપીને અટકવાને બદલે મૉસ્કો અને દુનિયાભરમાં જઈને ચીની નેતાગીરીની ટીકા કરી. સોવિયેત સામ્યવાદી પક્ષ અને બીજા દેશોના સામ્યવાદી પક્ષો સાથે વાત કરી અને તેમને ભારતનું સમર્થન કરવા માટે અનુરોધ કર્યો.

ચીને આના જવાબમાં સૌ 'સાચા સામ્યવાદીઓ'ને કહ્યું કે તેઓ નહેરુની સરકારનો વિરોધ કરે અને તેને હઠાવવાના કામમાં લાગી જાય. આ પછી સામ્યવાદી પક્ષની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી તેમાં ડાંગેના પગલાંને ટેકો આપવામાં આવ્યો હતો.

પરંતુ સુંદરૈયા, પ્રમોદ દાસગુપ્તા અને રણદિવે સહિતના કેટલાક નેતાઓએ આ ઠરાવનો વિરોધ કર્યો. એક જૂથ એવું પણ હતું કે જેમનું કહેવું હતું કે ચીની સામ્યવાદીઓનું સમર્થન પણ ન કરવું અને વિરોધ પણ ન કરવો. આ વિચારને ભૂપેશ ગુપ્ત અને નામ્બુદિરીપાદનું સમર્થન હતું.

ગોપાલ બેનરજીએ ડાંગેની જીવનકથા લખી છે, તેમાં જણાવ્યું છે કે, "ડાંગેની સ્થિતિ મજબૂત થઈ હતી, કેમ કે સોવિયેત સમાચાર સંસ્થા તાસે તંત્રીલેખમાં ચીની નેતાઓની આકરી ટીકાઓ કરી હતી. સાથે જ નહેરુના વખાણ કરાયા હતા અને ભારતીય પ્રદેશોમાંથી ચીની સેના હઠાવી દેવાની માગણી કરાઈ હતી."

"ખ્રુશ્ચેવે ચીનના નેતાઓ માઓ અને ચૂ એન લાઈનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે ચીની સૈનિકો ભારતીય પ્રદેશો ખાલી નહીં કરે તો ક્રૂડ આપવામાં આવશે નહીં. સોવિયેતની ધમકીને કારણે ચીને એકપક્ષી રીતે યુદ્ધવિરામની ઘોષણા કરવી પડી હતી."

line

ચીનની સલાહને કારણ પક્ષમાં વિભાજન

મુખ્ય મંત્રી તરીકે શપથ લેતા નમ્બૂદરીપાદ

ઇમેજ સ્રોત, GAD.KERALA.GOV.IN

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી તરીકે શપથ લેતા નમ્બૂદરીપાદ

ડાંગેના વિચારોથી અસહમત થયેલા કેટલાક નેતાઓએ બાદમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ (સીપીએમ)ની સ્થાપના કરી. તેઓ એવું માનતા રહ્યા હતા કે ચીને ભારત પર હુમલો કરીને કશું ખોટું કહ્યું નહોતું.

એ.જી. નૂરાની લખે છે, "ચીનના હુમલાને કારણે એવું થયું કે સામ્યવાદી પક્ષનો એક વર્ગ કટ્ટરપણું છોડીને રાષ્ટ્રવાદ તરફ ઢળ્યો. બીજો વર્ગ કટ્ટર વિધારધારાને વળગી રહ્યો અને પક્ષમાં રહેલા 'બુર્ઝવા રાષ્ટ્રવાદીઓ'નો સખત વિરોધ કર્યો.

સામ્યવાદી પક્ષના એક મોટા નેતા હરેકૃષ્ણ કોનાર ચીની સામ્યવાદી પક્ષના નેતાઓને મળવા ચીન ગયા. તેમને સલાહ આપવામાં આવી કે પક્ષમાં વિભાજન થવા દો. તેમણે માઓને ટાંકીને જણાવ્યું કે, 'એકે હંમેશાં બે થવું જોઈએ, બે ક્યારેય એક થઈ શકે નહીં.'

સન 1964માં પક્ષમાં વિભાજન થયું અને માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ બન્યો. પશ્ચિમ બંગાળ અને કેરળમાં મોટા ભાગના નેતાઓ નવા પક્ષમાં જોડાઈ ગયા. આંધ્ર પ્રદેશમાં અડધોઅડધ લોકો સીપીએમમાં જોડાઈ ગયા.

ભૂપેશ ગુપ્ત અને નામ્બુદિરીપાદ જેવા કેટલાક નેતાઓ એવા પણ હતા, જે પક્ષનું વિભાજન ઇચ્છતા નહોતા. જોકે ડાંગે સાથેની દુશ્મનાવટને કારણે નામ્બુદિરીપાદ સામેના પક્ષમાં જતા રહ્યા.

એ.કે. ગોપાલની વિચારધારા પણ રાષ્ટ્રવાદી હતી, પણ તેમણેય પોતાના નેતા નામ્બુદિરીપાદના પગલે ચાલવાનું નક્કી કર્યું.

આ બાજુ ડેંગ જિયાઓ પિંગની નેતાગીરીમાં ચીની સામ્યવાદી પક્ષમાં માઓએ લીધેલા ઘણા નિર્ણયોને પલટાવાનું શરૂ કરી દીધું હતું.

જોકે ભારત સાથેના સંબંધોમાં માઓ વખતે જે વલણ હતું તેમાં કોઈ ફેરફાર ના થયો. સત્તાવાર રીતે 'ભારતને ભાન કરાવવાની જરૂર હતી', એવું માઓવાદી વલણ ચાલતું રહ્યું હતું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો