ચીન: માઓત્સે તુંગથી શી જિનપિંગ સુધીના નેતાઓના એ અગિયાર નારા જેણે ચીનને બદલી નાખ્યું

ઇમેજ સ્રોત, GREG BAKER/AFP via Getty Images
- લેેખક, જો બૉયલ
- પદ, બીબીસી ન્યૂઝ
ચીનનો શાસક સામ્યવાદી પક્ષ પોતાની સ્થાપનાની શતાબ્દી ઉજવી રહ્યો છે અને ચીને સાધેલી અસાધારણ પ્રગતિની દેશની અંદર અને બહાર વાત થઈ રહી છે.
પક્ષના સૌથી મોટા નેતા અને ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના કરનારા માઓત્સે તુંગે રાજકીય નારા, સૂત્રોને એક કલામાં બદલી નાખ્યા હતા.
આમ તો માઓના ગયા બાદ ચીનના નેતાઓએ તેમના ઘણા કટ્ટર સિદ્ધાંતોને બદલી નાખ્યા હતા.
આમ છતાં આજે પણ કેટલાક નારા છે, જેને માઓના રાજકીય વારસદારો વારંવાર પોકારે છે. આવા જ 11 નારા વિશે તમને જણાવીશું, જેણે ચીનને બદલી નાખ્યું.
1. 100 ફૂલ ખીલવા દો (1956)

ઇમેજ સ્રોત, AFP
ચીનમાં જુમલાબાજી રોજબરોજની વાતચીતનો અતૂટ હિસ્સો છે. ચીનમાં એવું મનાય છે કે કોઈ પણ વાત તુકબંધી કરીને કે જોડકણામાં કહેવામાં આવે તો જોરદાર કહેવાય.
ચીનની ભાષામાં ચાર ચાર શબ્દોમાં આવું સૂત્ર બનાવાય છે. છેલ્લા બે હજાર વર્ષોમાંથી ચીનમાં અગ્રણીઓ આવા જોડકણા અને સૂત્રોનો ઉપયોગ કરતા આવ્યા છે.
માઓત્સે તુંગ મોટા ભાગે ચીનની જૂની ઉક્તિઓમાં ફેરફાર કરીને પોતાની વાતો જનતાને સમજાવતા હતા.
'સો ફૂલ ખીલવા દો, સો વિચારોમાં સ્પર્ધા થવા દો.' આ નારો માઓએ ઈસવીસન પૂર્વે 221માં ચીનમાં ખતમ થઈ ગયેલા 'સૂબાઓ વચ્ચેના સંઘર્ષ'ના યુગમાંથી લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નારાથી માઓએ એવો સંકેત આપ્યો હતો કે સામ્યવાદી પક્ષની ટીકા કરી શકાશે, પરંતુ જ્યારે ખરેખર લોકોએ નિંદા કરવાની શરૂઆત કરી તો વાત વણસી ગઈ અને ઝેરીલી સ્પર્ધા જામી. અધિકારીઓની ટીકા કરતાં વિશાળ પોસ્ટરો લગાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પક્ષની નીતિને વખોડી કાઢવાનું શરૂ કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ રીતે ચીનમાં સૌ ફૂલ ખીલવાનો, ટીકાનો પ્રવાહ શરૂ થયો અને નારો આપ્યાના એક વર્ષમાં માઓએ તેને અટકાવી દીધો.
એક ભાષણમાં માઓએ કહ્યું કે, 'બિન માર્ક્સવાદી વિચારો સામે આપણી શી નીતિ હોવી જોઈએ? ક્રાંતિ અને સમાજવાદના વિરોધીઓની વાત હોય તો જવાબ આસાન છે. આપણે તેમની બોલવાની આઝાદી છીનવી લઈશું.'
અધિકારોની માગણી કરનારા લોકો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું. બુદ્ધિજીવીઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. તેમને જેલમાં કેદ કરી દેવામાં આવ્યાં અને પછી ગામડાંમાં કામ કરવા મોકલી દેવાયા.
વિશ્લેષકો આજે પણ આ અભિયાન વિશે તર્ક વિતર્ક કરતા રહે છે. શું આ ખુલ્લાપણું લાવવાની ઈમાનદાર કોશિશ હતી? કે પછી ચાલાક રણનીતિ હતી, જેનાથી ક્રાંતિના વિરોધીઓ હોય તે મુખવટો ફેંકીને સામે આવી જાય?
માઓ 1943થી 1976 સુધી ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના વડા હતા અને તેમને ચીનના રાષ્ટ્રનિર્માતા કહેવાય છે.

2. વિચારવાની હિંમત કરો, કદમ ઉઠાવવાની તાકાત દેખાડો 1958

ઇમેજ સ્રોત, IISH/STEFAN R LANDSBERGER COLLECTIONS
માઓનું આ મહત્ત્વનું સૂત્ર હતું, જે તેમણે 'ગ્રેટ લીપ ફૉરવર્ડ' અભિયાન હેઠળ આપ્યું હતું. ઝડપી આગે કૂચ સાથેનું આ અભિયાન બે વર્ષ માટેનું હતું, જેમાં માઓએ ખેડૂતોને સામુહિક ખેતી માટે એક થવા માટે આહ્વાન કર્યું હતું.
'વિચારવાની હિંમત કરો, બોલવાની હિંમત દાખવો, કદમ ઉઠાવવાની તાકાત દેખાડો,' એવો નારો આપીને માઓ ખેડૂતોને પોતાના દેખાડેલા માર્ગે આગળ વધવા માટે કહી રહ્યા હતા.
પરંતુ સામુહિક ખેતીની ઝુંબેશને કારણે ચીનની કૃષિ બરબાદ થઈ ગઈ. કુદરતી આપત્તિઓ અને માઓની નીતિઓને કારણે ચીનમાં લગભગ 3 કરોડો લોકો મૃત્યુ પામ્યાં.
'ગ્રેટ લીપ ફૉરવર્ડ'ના નારાને કારણે તબાહી થઈ તેમ છતાં માઓના સમર્થકો વર્ષો સુધી તેનો ઉપયોગ કરતા રહ્યા હતા.

3. ચાર વર્ષ જૂની રૂઢિને તોડો 1966

ઇમેજ સ્રોત, Getty Images
સાંસ્કૃતિક ક્રાંતિના નામે માઓએ કરેલા અત્યાચારને સચોટ રીતે દર્શાવનારો કોઈ એક જુમલો હોય તો તે આ છે. આ સૂત્ર આપીને માઓત્સે તુંગે પક્ષના યુવા કાર્યકરોને બધી જ જૂની રીતોને તોડીફોડી નાખવાના ઉશ્કેર્યા હતા. પુરાણી રીતો એટલે જૂના વિચારો, રિવાજો, આદતો અને સંસ્કૃતિ હતી.
લંડનની કિંગ્સ કૉલેજના જેનિફર આલ્ટેહેંગર કહે છે, પશ્ચિમની જનતા માઓનું આ સૂત્ર યાદ કરે એટલે તેમની સામે મંદિરો તોડી રહેલા યુવાનોની છબિ આવી જાય. બાદમાં રૂઢિઓ તોડવાની આ રીત આગળ વધી હતી અને તેમાં વડીલો અને બુદ્ધિજીવીઓની મારપીટ પણ કરવામાં આવી. તેના કારણે અનેક લોકોનાં મોત થયા.
ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ પછી જાણે કે નારાઓની વણઝાર શરૂ થઈ. તેમાં આ સૂત્ર પણ જોડાયું કે, 'બળવાખોર થવું વાજબી છે'. આ નારો 'પ્રાચીન પરંપરાઓ નષ્ટ કરો' નારાનો સાચો સાથી ગણાયો હતો.
આ ક્રાંતિના નામે માઓએ દેશની લગભગ બધી જ સંસ્થાઓ અને વ્યવસ્થાઓને તોડીફોડી નાખી હતી. 'ગ્રેટ લીપ ફૉરવર્ડ'ને કારણે ખેતી બરબાદ થઈ અને છાપ ખરાબ થઈ તેને સુધારવા માટે માઓએ સાંસ્કૃતિક ક્રાંતિનો નારો લગાવ્યો હતો.

4. ચાર ગદ્દારોની ટોળકી નષ્ટ કરો 1976

ઇમેજ સ્રોત, IISH
માઓના મોત પછી ચીનના સામ્યવાદી પક્ષમાં નેતાગીરી માટે ખેંચતાણ ચાલી હતી.
માઓએ નક્કી કરેલા ઉત્તરાધિકારી ગુઓપેંગે સત્તાના સૂત્રો હાથમાં લઈ લીધા હતા, પરંતુ માઓની પત્ની જિયાંગ ક્વિંગ અને તેના ત્રણ ટેકેદારોએ ગુઓપેંગનો જોરદાર વિરોધ કર્યો હતો.
આ બધાનો સંબંધ સાંસ્કૃતિક ક્રાંતિ વખતે કરવામાં આવેલા અત્યાચારો સાથે હતો. તે બહાને ગુઓપેંગની ધરપકડ કરી લેવામાં આવી અને તેમને બધા હોદ્દા પરથી હઠાવી દેવાયા.
તે વખતે સામ્યવાદી પક્ષના પ્રચાર પોસ્ટરોમાં ચાર ગદ્દારોને દેખાડવામાં આવતા હતા. તેમાં સૌથી ચર્ચાસ્પદ કાર્ટૂન એ હતું, જેમાં આ લોકોનાં ચહેરા પર ચોકડી મારવામાં આવેલી હતી. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, 'વેંગ-ઝેંગ-જિયાંગ-યાઓની પક્ષવિરોધી ટોળકીને કાયમ માટે કાઢી મૂકો!'
બાદમાં હુઆ ગુઓપેંગની ખુરશી આ ડેંગ જિયાઓપિંગે જ કબજે કરી લીધી હતી. જિયાઓપિંગે ચીનમાં આર્થિક સુધારાની શરૂઆત કરી. ગદ્દાર ગણાયેલા આ ચારેય નેતાઓ સામે મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. આધુનિક ચીનના ઇતિહાસનો આ સૌથી ખૂની સત્તાસંઘર્ષ ગણવામાં આવે છે.
મુકદ્દમાની કાર્યવાહી ટીવી પર પ્રસારિત કરાતી હતી. લોકોને સૌથી વધુ મજા પડતી હતી માઓની પત્ની જિયાંગ ક્વિંગ અને તેમના વકીલો વચ્ચે થતી દલીલોમાં. જિયાંગ છેક સુધી બળવાખોરીના મિજાજમાં હતા. તેમના સાથીઓએ પણ સાથ છોડી દીધો હતો. ચારેય નેતાઓને જનમટીપ થઈ હતી. 1991માં જિયાંગ ક્વિંગનું મોત થયું હતું. એવું મનાય છે કે તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

5. સુધારા અને દુનિયા માટે દરવાજા ખોલો 1978

ઇમેજ સ્રોત, Getty Images
ડેંગ શ્યાઓપિંગે ચીનને આર્થિક સુધારાના પાટા પર દોડતું કરી દીધું. સૌ પ્રથમ તેમણે વર્ગો વચ્ચે ઘર્ષણની વાતને કોરાણે મૂકી દીધી. ડેંગ શ્યાઓપિંગેના કાર્યકાળના પ્રથમ 12 વર્ષ દરમિયાન 'વર્ગ સંઘર્ષ'ના મોટા મોટા બેનરો લાગતા હતા અને અખબારોમાં પણ પ્રગટ થતા હતા.
તેની જગ્યાએ હવે અખબારો અને બેનરોમાં 'ચાર આધુનિકીકરણ'ના સૂત્રો આવી ગયા. આ એક મોટું નીતિ પરિવર્તન હતું અને તેના માટે 1960ના દાયકામાં ઠરાવ તૈયાર થયો હતો. પરંતુ માઓના કાર્યકાળમાં તેનો અમલ થઈ શક્યો નહોતો.
ડેંગ શ્યાઓપિંગે 'ચીનની વિશેષતા સાથે સમાજવાદ'નો વિચાર આપ્યો. તેના કારણે ચીનના નેતાઓને માઓના સિદ્ધાંતોને કોરાણે કરવામાં ઘણી સરળતા મળી હતી.
સમગ્ર રીતે ડેંગ શ્યાઓપિંગેની યોજનાનું સૂત્ર 'સુધારા અને દુનિયા માટે દરવાજા ખોલો' એવું થઈ ગયું હતું.
આખરે ચીનના બંધારણના આમુખમાં પણ આ શબ્દોને સામેલ કરી દેવામાં આવ્યા:
'કોઈ પણ રાષ્ટ્રીયતા ધરાવનારા ચીની લોકો જનવાદી લોકતાંત્રિક તાનાશાહી અને અને સમાજવાદના રસ્તે ચાલતા રહેશે. તેઓ સુધારા અને દુનિયા માટે દરવાજા ખોલવા માટે પણ પ્રતિબદ્ધ રહેશે.'

6. તથ્યોથી વાસ્તવિકતા શોધો 1978

ઇમેજ સ્રોત, IISH
ચીનના નેતાઓ વ્યવહારુ અને તર્ક સાથે કામ કરી શકાય તે માટે આ નારો લાવ્યા હતા. જોકે આ સૂત્ર અસ્પષ્ટ હતું અને સમજાતું નહોતું તેથી બહુ ચીડ પણ જગાવનારું હતું.
ડૉક્ટર જેનિફર કહે છે કે, 'આ ચીનનો પ્રાચીન દર્શન સિદ્ધાંત છે. પરંતુ 1970ના દાયકાના છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલા આર્થિક સુધારા સાથે જોડીને આ નારાનો વધારે ઉપયોગ કરાયો હતો.'
આ સૂત્રોના જૂના સ્વરૂપો ચીનમાં ઈસવીસન પૂર્વે બીજી સદીમાં વાદવિવાદ વખતે જોવા મળતા હતા. તે વખતે કાયદાના નિષ્ણાતો વાર્તાઓ જણાવીને તેમાં કહેવતોને વણી લેતા હતા કે, 'કુદરતની સ્થિરતાનું પાલન કરો' અથવા તો 'ચારેય ઋતુ અનુસાર સાથે સાનુકૂળ થાવ'.
હકીકતમાં ચીનમાં આવા 'નારા' એ ચેંગ્યૂ નામની ચીની બોલીની વિશેષતા છે. તેમાં ચાર ચાર શબ્દોમાં કહેવત તૈયાર કરીને ગહન સાંસ્કૃતિક વિચારને વણી લેવામાં આવતા હતા. તેને સંવાદનું અસરકારક રૂપ ગણવામાં આવતું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
'તથ્યોથી વાસ્તવિકતા શોધો' આવા જ ચિંતનનો નમૂનો છે. માઓએ કદાચ 1930ના દાયકામાં આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો. નવું નેતૃત્ત્વ પોતાને વાજબી ઠરાવી શકે તે માટે તે સૂત્રનો ઉપયોગ કરાયો હતો.
1978માં પોતાના એક ભાષણમાં ડેંગ શ્યાઓપિંગે કહ્યું હતું કે, 'આપણે જો મગજને મુક્ત કરી દઈએ, તથ્યોમાં સત્ય શોધીએ, દરેક વાતમાં વાસ્તવિકતાને અને પરિકલ્પનાને અપનાવીએ, તો આપણે સમાજવાદી આધુનિકીકરણના કાર્યક્રમને સફળતાથી ચલાવી શકીશું.'
ડૉક્ટર જેનિફર કહે છે આની પાછળનો વિચાર એ છે કે એક નિષ્પક્ષ સત્ય હોય છે. વાસ્તવિકતા એ છે કે જેમના હાથમાં સત્તા હોય તે અર્થોને પોતાની રીતે મરોડી શકતા હોય છે.

7. બાળકો ઓછાં પેદા કરો, ભૂંડ વધારે પાળો 1979

ઇમેજ સ્રોત, IISH
ચીનની એક જ બાળકની નીતિ માટે અજબ ગજબના નારા તૈયાર થયા હતા અને તેની સાથે રાજકીય જુમલા જોડાઈ ગયા હતા. આ બધા સૂત્રો સામ્યવાદી પક્ષે કે કેન્દ્રીય નેતૃત્ત્વે મંજૂર કર્યા હોય તેવું પણ નહોતું, પરંતુ સ્થાનિક ઉત્સાહી અધિકારીઓ પોતાની રીતે આવા નારા દીવાલો પર ચિતરાવતા હતા.
એવા પણ નારા લાગ્યા હતા કે 'પ્રસૂતિને પીડાને ટાળો, ગર્ભપાત કરાવો! કંઈ પણ કરો, પણ વધારે બાળકો પેદા ન કરો', 'એક પરિવારમાં પણ એકથી વધારે બાળક પેદા થયું, તો આખા ગામની નસબંધી થઈ સમજો.' અને 'વધારે એક બાળકનો અર્થ વધારે એક કબર છે' એવા સૂત્રો ચાલ્યા હતા.
ચીનમાં જન્મદર ઘટવા લાગ્યો તે સાથે વસતીનિયંત્રણની નીતિઓ પણ બદલાતી રહી. 2016માં ચીને બે બાળકો માટેની મંજૂરી આપી અને હાલના સમયે ત્રણ સુધી બાળકોની મંજૂરી આપવામાં આવી છે.
2007માં તૈયાર થયેલી સૂચના અને 2011માં ચલાવાયેલી ઝુંબેશ અનુસાર ચીનમાં ઓછાં બાળકો પેદા કરવા માટે સૂત્રોને બદલે પ્રોત્સાહક પગલાં લેવામાં આવે તેવું જણાવાયું છે.
નવા દૃષ્ટિકાણ સાથે નવા સૂત્રો પણ તૈયાર થયા: ધરતી માતા થાકી ગઈ છે, વધારે બાળકોનો બોજ સહન કરી શકે તેમ નથી.

8. ત્રણ મુસદ્દા 2000

ઇમેજ સ્રોત, IISH
જિયાંગ જેમિન 10 વર્ષ ચીનમાં સત્તા પર રહ્યા તે દરમિયાન 'ત્રણ મુસદ્દાનો મહત્ત્વનો વિચાર' આપ્યો હતો. તેને ચીનના બંધારણના આમુખમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા.
જિયાંગ જેમિને 2000ની સાલમાં આપેલા એક ભાષણમાં ત્રણેય મુસદ્દા સામે મૂક્યા હતા. 2002માં સામ્યવાદી પક્ષની 80મી જયંતી વખતે તેને વિગતવાર રજૂ કરાયા હતા.
જિયાંગ જેમિને કહ્યું હતું, 'સામ્યવાદી પક્ષે હંમેશા ચીનની ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાનો વિકાસ કરવો, ચીનની ઉન્નત સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવી અને ચીનની જનતાના પાયાના હિતોને આગળ વધારવા માટે કામ કરવું.'
જોકે માઓના જૂના નારા પાછળ ઊંડા વિચારો રહેતા હતા તે આમાં દેખાતો નહોતો.
આ નારામાં જિયાંગ જેમિન એન્જિનિયર હતા તે વાત જણાઈ આવતી હતી. જિયાંગ જેમિન, માઓ જેવા પ્રેરણાદાયી કવિ કે યોદ્ધા નહોતા, પણ એક ટેક્નોક્રેટ વધારે હતા.

9. સમાજમાં માધુર્ય 2005

ઇમેજ સ્રોત, Getty Images
ચીનનો કોઈ નારો સફળ થયો કે કેમ તેનું માપ એ રીતે નીકળે કે તેને ચીનના બંધારણના આમુલમાં સામેલ કરી દેવામાં આવ્યો કે નહીં. આ દૃષ્ટિએ હૂ જિંતાઓના નારાને બંધારણમાં સ્થાન મળે તે માટેની રાહ જોવાઈ રહી છે. ચીનની સંસદમાં પ્રથમ વાર જિંતાઓએ સૌહાદપૂર્ણ સમાજનો વિચાર બંધારણમાં સામેલ કરવા માટેની દરખાસ્ત કરી હતી, પણ હજી સુધી તેમ થયું નથી.
જોકે સૂત્ર કેટલું સફળ થયું તેનું પ્રમાણ બીજી બાબતોથી પણ મળતું હોય છે. કોઈ નારાના આધારે ડઝનબંધ નીતિઓ, નિયમો અને સુધારા થયા હોય તેને સફળતા ગણી શકાય.
જેમ કે ક્વિંધાઈ અને ઉરુમચી જેવા શહેરોમાં જોરદાર વિકાસ કરાયો છે. નારાના આધારે તેનો વિકાસ થયો છે. પરંતુ વાણી સ્વાતંત્ર્યનો અભાવ અને તિબેટ તથા શિનજિયાંગ પ્રાંતમાં અત્યાચારો આ નારાને કારણે જ આવ્યા હોવાનું મનાય છે.
હૂ જિંતાઓએ ઇરાદાપૂર્વક અસમાનતાને દૂર કરવા માટેની વાત પોતાના મંચ પરથી રજૂ કરી હતી. 1980 અને1990ના દાયકામાં ઝડપી આર્થિક વિકાસને કારણે અસમાનતા ઊભી થઈ હતી. તેમણે 2005માં એક ભાષણમાં કહ્યું હતું કે, 'સમરસતા સાથેના સમાજમાં લોકતંત્ર, કાયદાનું શાસન, સમાનતા, ન્યાય, પ્રામાણિકતા, ઊર્જા અને સહયોગ હોવા જોઈએ.'
જોકે એવી રીતે પણ આ નારો સફળ થયો કે સૌહાર્દપૂર્ણ સમાજના નારાની ચીનમાં સોશ્યલ મીડિયામાં બહુ મજાક ચાલતી રહે છે. તેના માટે 'નદીનો કરચલો' એવો શબ્દ વપરાતો હતા. તેમાં સમરસતાની વાત લાગે, પણ તેના દ્વારા ચીનની સરકારના સેન્સરથી બચીને ટીકા કરી શકાતી હતી.
10. સર્વોચ્ચ ત્રણ 2007
આ કોઈ મ્યુઝિક આલ્બમનું નામ હોય તેવું લાગતું હતું. હૂ જિંતાઓ જોકે તેના દ્વારા સુધારાવાદી ન્યાયતંત્ર પર કાબૂ રાખવા માગતા હતા.
તેમણે કહ્યું હતું કે, 'મહાન જજ અને વકીલો હંમેશા યાદ રાખે કે પક્ષનું કામ, લોકોનું હિત અને બંધારણ તથા કાનૂન સૌથી ઉપર છે'.
હૂ જિંતાઓએ સામ્યવાદી પક્ષના નેતા વેંગ શેંગજુનને સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ તરીકે મૂકીને કાનૂની સુધારાની વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.
વેંગ શેંગજુનને કાયદાની બાબતોનો કોઈ અનુભવ નહોતો. પરંતુ તેમણે પાકી વ્યવસ્થા કરી કે દેશની અદાલતો આ ત્રણ સિદ્ધાંતોનું હંમેશાં પાલન કરે. તેમાં હકીકતમાં પક્ષનું કામ એ બાકીના બે કરતાં વધારે મહત્ત્વનું ગણાતું રહ્યું.

11. ચીની સ્વપ્ન 2013

ઇમેજ સ્રોત, WANG ZHAO/AFP VIA GETTY IMAGES
આ શી જિનપિંગનો સૌથી ગમતો નારો છે. 2013માં શી જિનપિંગ ચીનના સર્વોચ્ચ નેતા બન્યા હતા. આ નારાનો અર્થ શું તે વિશે હજીય એકમત નથી. પક્ષના કટ્ટર સમર્થકોને પણ સૂત્રનો અર્થ સ્પષ્ટ થયો નથી.
વૉશિંગ્ટનની ઓપન સોસાયટી ફાઉન્ડેશનના ચીનની બાબતોના વિશેષજ્ઞ ટૉમ કેલૉગ કહે છે, 'ચીનની સરકાર અને સામ્યવાદી પક્ષની એક સમસ્યા એ છે કે નારો આમ જનતા વચ્ચે કે રાજકીય વર્ગમાં પણ બહુ પ્રચલિત થયો નથી.'
ટૉમ કહે છે, 'શી જિનપિંગ ચીની સ્વપ્નના નારા સાથે સ્થિતિ બદલવાની કોશિશ કરે છે. પરંતુ સમસ્યા એ છે કે આ નારો બીજા લોકો પણ સ્વીકારી લે તેવો ભય છે. તે પછી બંધારણવાદનો ચીનના સ્વપ્નનો વિચાર જાગી શકે છે અથવા સામાજિક સમસરતાને ચીનનું સ્વપ્ન બનાવવાની માગણી પણ થઈ શકે છે.'
બ્રિટનની લેબર પાર્ટીએ 2005માં ચૂંટણી નારો આપ્યો હતો કે 'આગળ વધો, પાછળ નહીં' અથવા 2012માં ઓબામાએ પણ 'આગેકૂચ' એવો નારો આપ્યો હતો, તેની નબળી નકલ જેવો આ ચીની નારો લાગે છે.
જનતા માટે ચીની સ્વપ્ન એટલે શું તેનો કંઈ પણ અર્થ થઈ શકે છે. જોકે એ નારા પછી શી જિનપિંગ ઘણા આગળ નીકળી ગયા છે. તેમણે બીજા પણ જુમલા આપ્યા છે અને પોતાને દેશના સૌથી શક્તિશાળી નેતા તરીકે સ્થાપિત કરી દીધા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













