યોગ, સેક્સ અને જાતીય સતામણી : એક યોગસંસ્થાની કહાણી

ઇશલિન કૌર
    • લેેખક, ઇશલીન કૌર
    • પદ, બીબીસી સંવાદદાતા, લંડન

(ચેતવણી: આ લેખમાં યૌનશોષણનું વિગતવાર વર્ણન કરાયેલું છે)

હું દુનિયાની સૌથી મોટી યોગ સંસ્થામાંની એક "શિવાનંદ" સાથે યોગ શિક્ષિકા તરીકે લાંબો સમય સુધી કામ કરતી રહી હતી.

પરંતુ તે પછી એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હું પરેશાન થઈ ગઈ. આ પોસ્ટમાં આરોપ લગાવાયો હતો કે સંસ્થામાં દાયકા સુધી જાતીય સતામણી ચાલી રહી હતી.

હું મારી ઉંમરના બીજા દાયકાના મધ્યમાં હતી ત્યારે મેં યોગ વિશે જાણ્યું અને ત્યારથી યોગ મારા જીવનનું અભિન્ન અંગ બની ગયો.

સમર્પિત યોગીઓની જેમ મારા માટે યોગ માત્ર કસરતો નહોતી, પરંતુ જીવનશૈલી હતી.

હું અમારા વિસ્તારમાં આવેલા શિવાનંદ સેન્ટરમાં યોગ શીખવતી હતી. સાથે જ સેન્ટરમાં ભોજન બનાવવાનું અને સાફસફાઈનું કામ પણ કરી લેતી હતી. શિવાનંદના ઉપદેશને કારણે મારા જીવનની દરેક બાબત પર પ્રભાવ પડ્યો હતો.

પરંતુ 2019ના ડિસેમ્બર મહિનામાં મારા ફોન પર મને એક નોટિફિકેશન આવ્યું. શિવાનંદ ફેસબુક ગ્રુપમાં આ મેસેજ હતો, જેમાં સંસ્થાપક સ્વ. સ્વામી વિષ્ણુદેવાનંદ વિશે ચોંકાવનારી વાતો હતી.

જૂલી સાલ્ટર નામનાં મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે વિષ્ણુદેવાનંદ દ્વારા કૅનેડામાં શિવાનંદ મુખ્યાલયમાં ત્રણ વર્ષ સુધી તેમની સાથે જાતીય સતામણી કરવામાં આવી હતી

જૂલીએ લખ્યું હતું કે દાયકાઓ પછી હવે તેમનામાં હિંમત પ્રગટી અને તેમણે પોતાની વાત શિવાનંદ વ્યવસ્થાપક બોર્ડ સમક્ષ મૂકી. જોકે બોર્ડ તરફથી "પ્રતિક્રિયામાં મૌન અને મૌન કરી દેવા સુધીના પ્રયાસો જ જોવા મળ્યા."

મેં અત્યાર સુધીમાં 14 સ્ત્રીઓના ઇન્ટરવ્યૂ કર્યા છે, જેમણે શિવાનંદના સિનિયર શિક્ષકો પર દુર્વ્યવહારના આક્ષેપો કર્યા હોય.

તેમાંનાં ઘણાં મહિલાઓ એવાં હતાં, જેમણે આ વાત પોતાના પરિવાર કે મિત્રોને પણ જણાવી નહોતી. તેમાંથી આખરે એક જ મહિલાએ વાતને જાહેર કરી. મેં સ્ટાફમાં કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ કર્મચારી સાથે પણ વાતચીત કરી હતી.

તેનું કહેવું હતું શિવાનંદ બોર્ડે ફરિયાદોને ધ્યાને લીધી નહોતી.

મેં આ બાબતમાં તપાસ કરી ત્યારે સંસ્થાની અંદર ચાલતી સત્તાની સાઠમારી અને અધિકારોના દુરુપયોગના કિસ્સાઓ બહાર આવ્યા.

line

શિવાનંદ યોગ શું છે?

યોગ કરતાં મહિલા

ઇમેજ સ્રોત, Anton Petrus/Getty

ઇમેજ કૅપ્શન, શિવાનંદ શાસ્ત્રીય યોગનું એક સ્વરૂપ છે, જે શારીરિક અને આધ્યાત્મિક બંને સ્વાસ્થ્ય પર ભાર મૂકે છે.

શિવાનંદ શાસ્ત્રીય યોગનું એક સ્વરૂપ છે, જે શારીરિક અને આધ્યાત્મિક બંને સ્વાસ્થ્ય પર ભાર મૂકે છે.

સ્વામી વિષ્ણુદેવાનંદે 1959માં કૅનેડાના મૉન્ટ્રિયલમાં આશ્રમની સ્થાપના કરી હતી અને સંસ્થાનું નામ પોતાના ગુરુ સ્વામી શિવાનંદના નામ પરથી રાખ્યું હતું.

દુનિયામાં 35 દેશોમાં લગભગ 60 શિવાનંદ આશ્રમ અને કેન્દ્રો આવેલાં છે, અહીં તાલીમ લેનારા શિવાનંદ યોગ શિક્ષકોની સંખ્યા લગભગ 50,000 છે.

મને આજે પણ કેરળમાં આવેલા શિવાનંદ આશ્રમમાં વિતાવેલો પ્રથમ દિવસ યાદ છે. 2014માં મેં ત્યાં યોગ શિક્ષિકા તરીકે તાલીમ લીધી હતી.

દીવાલ પર શિવાનંદના સંસ્થાપક સ્વ. સ્વામી વિષ્ણુદેવાનંદની વિશાળ તસવીર હતી.

આ એ જ માણસ છે જેનાં કરતૂતોનો પર્દાફાશ જૂલીએ કર્યો.

સ્વામીની વાણી એટલી પ્રભાવશાળી હતી કે કેટલાય યોગીઓએ સંસારનો ત્યાગ કરીને પોતાનું જીવન સંગઠન માટે સમર્પિત કરી દીધું હતું.

શા માટે એવું કર્યું હશે? તે વખતે હું જીવનમાં બહુ મોટા પડકારોમાંથી પસાર થઈ રહી હતી.

શિવાનંદ આશ્રમમાં મને શાંતિ મળી. યોગાસનોને કારણે મને શારીરિક શક્તિ મળી અને શિવાનંદના કર્મ, સકારાત્મક અભિગમ અને ધ્યાનના સિદ્ધાંતોને કારણે મારા આત્માને સંતોષ મળ્યો હતો.

ઇશલિન કૌર

ઇમેજ સ્રોત, ISHLEEN KAUR

ઇમેજ કૅપ્શન, કેરળના શિવાનંદ આશ્રમમાં ઇશલિન કૌર

2015માં મેં લંડનમાં રહેતી એક વ્યક્તિ સાથે લગ્ન કર્યાં. તેમની સાથે રહેવા જવાની બાબતથી મને ચિંતા હતી. જોકે મને જાણ થઈ કે અમારા નવા ઘરથી થોડે જ દૂર પુટનેમાં એક શિવાનંદ સેન્ટર હતું.

મારા પતિ ઘણી વાર મજાક કરતાં કે તારો પ્રથમ પ્રેમ હું નહીં, પરંતુ શિવાનંદ સેન્ટર છે.

જૂલી સાલ્ટરે ફેસબુક પોસ્ટ લખી તેના બે મહિના પછી શિવાનંદ બોર્ડના બે સભ્યો યુરોપ આવ્યા હતા અને પુટને સેન્ટરમાં કામ કરતાં કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

મને તે વખતે આશા જાગી હતી કે મારા મનમાં જાગેલા સવાલોના જવાબો મળશે. પરંતુ તેમના જવાબો અસ્પષ્ટ હતા અને બચાવની કોશિશ કરી રહ્યા હોય તેવું લાગ્યું.

મને લાગ્યું કે મારે હવે જાતે જ જૂલી સાથે સીધી વાત કરવી પડશે.

મૂળ ન્યૂઝીલૅન્ડમાં રહેતાં જૂલી તે વખતે માત્ર 20 વર્ષનાં હતાં. તેઓ ઇઝરાયલ ગયાં હતાં અને ત્યાં પ્રથમ વાર તેને શિવાનંદ આશ્રમ વિશે જાણકારી મળી હતી.

થોડા જ વખતમાં તે આ સંસ્થા સાથે જોડાઈ ગયાં હતાં અને 1978માં કૅનેડામાં શિવાનંદના મુખ્યાલયમાં આવ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Anton Petrus/Getty

ઇમેજ કૅપ્શન, દુનિયામાં 35 દેશોમાં લગભગ 60 શિવાનંદ આશ્રમ અને કેન્દ્રો આવેલા છે, અહીં તાલીમ લેનારા શિવાનંદ યોગ શિક્ષકોની સંખ્યા લગભગ 50,000 છે.

વિષ્ણુદેવાનંદ ત્યાં જ રહેતા હતા અને જૂલીને તેમની અંગત સહાયિકા તરીકે સેવા આપવા જણાવાયું. પહેલાં તો જૂલીને લાગ્યું કે તેને આ વિશેષાધિકાર અપાયો છે.

જૂલી કહે છે કે દિનચર્યા બહુ મુશ્કેલ હતી. જૂલી વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી જતાં અને મધરાત સુધી કામ કરતાં રહેતાં હતાં. કોઈ વેતન નહીં અને અઠવાડિયાના સાતેસાત દિવસ કામ કરતાં રહેવાનું.

જૂલી કહે છે કે સ્વામી વિષ્ણુદેવાનંદનો સ્વભાવ એવો થઈ ગયો હતો કે કશું કહી શકાય નહીં. તેઓ ઘણી વાર પોતાના પર બરાડા પાડતા હતા.

જૂલીએ મને જણાવ્યું કે, "દેખીતી રીતે જ હવે મારી ધીરજ ખૂટવા લાગી હતી."

તે પછી બહુ કમનસીબ બનાવો બનવા લાગ્યા.

એક દિવસ જૂલી વિષ્ણુદેવાનંદના ઘરે કામ કરી રહ્યાં હતાં ત્યારે જોયું તો વિષ્ણુદેવાનંદ સૂતા સૂતા ભક્તિ સંગીત સાંભળી રહ્યા હતા.

વિષ્ણુદેવાનંદે જૂલીને કહ્યું કે મારી બાજુમાં આવીને સૂઈ જા. જૂલીએ કહ્યું કે આવું શા માટે કરવાનું છે ત્યારે વિષ્ણુદેવાનંદે કહ્યું કે આ એક "તંત્ર યોગ" છે. એક એવો યોગ જે આધ્યાત્મિક સેક્સ સાથે જોડાયેલો છે. ગાઢ આરામ સાથે આધ્યાત્મિક જ્ઞાન સુધી પહોંચવું.

જૂલીએ કહ્યું કે વિષ્ણુદેવાનંદે પ્રવચન વખતે તેનો માત્ર સિદ્ધાંત તરીકે જ ઉલ્લેખ કર્યો હતો.

"મેં કહ્યું કે 'મને સમજાતું નથી', અને મારું શરીર અને મન માનતું નહોતું છતાં હું ત્યાં સૂઈ ગઈ. તે પછી યૌન સંબંધ સ્થાપિત થયો. તે પછી હું ફરી નીચે કામ કરવા જતી રહી. મને બહુ શરમ, સંકોચ, પીડા, આત્મગ્લાનિ અને અપરાધબોધનો અનુભવ થઈ રહ્યો હતો."

જૂલીનું કહેવું છે કે ત્રણ વર્ષથી વધુ સુધી તેમની સાથે આ રીતે કેટલાય પ્રકારે જાતીય સંસર્ગની વિધિઓ થતી રહી. તેમાં સેક્સનો પણ સમાવેશ થતો હતો.

ઇશલિન કૌર

ઇમેજ સ્રોત, Ishleen Kaur

ઇમેજ કૅપ્શન, સ્વામી વિષ્ણુદેવાનંદે 1959માં કેનેડાના મોન્ટ્રિયલમાં આશ્રમની સ્થાપના કરી હતી અને સંસ્થાનું નામ પોતાના ગુરુ સ્વામી શિવાનંદના નામ પરથી રાખ્યું હતું.

ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધને યોગમાં ગુરુ-શિષ્ય પરંપરા એવી રીતે ઓળખવામાં આવે છે.

આ વણકહ્યો કરાર છે, જેમાં શિષ્યે ગુરુની ઇચ્છા પ્રત્યે સમર્પિત થઈને રહેવાનું હોય છે.

વિષ્ણુદેવાનંદે પોતાની સાથે જે કર્યું તેને જૂલી હવે તો 'બળાત્કાર' માને છે, કેમ કે વિષ્ણુદેવાનંદની સત્તા અને આભા સામે તેની સહમતી કે અસહમતીનો કોઈ અર્થ જ નહોતો.

"હું સાવ એકાકી હતી. મારા પરિવારથી દૂર દુનિયાના બીજા છેડે હતી. આર્થિક રીતે હું સંગઠન પર નિર્ભર હતી."

line

બીજી સ્ત્રીઓએ પણ કરી ફરિયાદ

જૂલી

ઇમેજ સ્રોત, JULIE SALTER

જુલીએ ફેસબુક પોસ્ટ લખી તે પછી તેના પર કૉમેન્ટ કરનારાં કેટલાંક અન્ય મહિલાઓ સાથે પણ મેં વાતચીત કરી. આ સ્ત્રીઓએ પણ આક્ષેપ કર્યો કે વિષ્ણુદેવાનંદે તેમનું પણ શોષણ કર્યું હતું.

આવાંજ એક મહિલા પામેલાએ મને કહ્યું કે વિષ્ણુદેવાનંદ 1978માં લંડનમાં વિન્ડસર કેસલમાં હતા ત્યારે પોતાની પર બળાત્કાર કર્યો હતો.

તે વખતે તેઓ શવાસન આસાનમાં ખૂબ ઊંડી ઊતરી ગયેલાં હતાં.

લ્યૂસીલનું કહેવું છે કે વિષ્ણુદેવાનંદે 70ના દાયકાના મધ્યમાં કેનેડામાં આશ્રમમાં તેના પર ત્રણ વાર બળાત્કાર કર્યો હતો. પ્રથમ બે વાર તંત્ર યોગના નામે પોતે સહમત થઈ પરંતુ ત્રીજી વાર તેમણે પૈસા આપ્યા ત્યારે પોતાને "વેશ્યા જેવો" અહેસાસ થયો એમ તે કહે છે.

વિષ્ણુદેવાનંદનું મૃત્યુ 1993માં થયું. તેના છ વર્ષ પછી છેક જૂલી આશ્રમ છોડવાની હિંમત કરી શક્યાં હતાં.

તેમને માત્ર એટલી જ આશા છે કે પોતાની આપવીતી જાહેર કરીને તે બીજા લોકોને આવા અત્યાચારમાંથી બચાવી શકશે. મને જાણ થઈ છે તે રીતે ભલે વિષ્ણુદેવાનંદનું મોત થઈ ગયું હોય, પરંતુ શિવાનંદની શિષ્યાઓનું શોષણ થઈ રહ્યું છે તે હજીય બંધ થયું નથી. જુલીની ફેસબુકની પોસ્ટને કારણે મધપૂડો છંછેડાયો છે.

line

11 સ્ત્રીઓએ વ્યક્ત કરી આપવીતી

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

મેં એવાં 11 મહિલાઓ સાથે વાતચીત કરી છે, જેમણે શિવાનંદ આશ્રમના બીજા શિક્ષકો સામે આક્ષેપો મૂક્યા છે. બીબીસી માને છે કે તેમાંથી એક વ્યક્તિ હજીય સંગઠનમાં સક્રિય છે.

મૅરી (નામ બદલ્યું છે) નામની શિષ્યાએ એક ચોંકાવનારો આક્ષેપ મૂક્યો છે. મૅરીનું કહેવું છે કે એક શિક્ષકે વર્ષો સુધી તેને પ્રોત્સાહન આપ્યું હતું, પણ તેમનો સંબંધ યૌનનો સંબંધ બની ગયો હતો.

કાયદાકીય કારણોસર આ વ્યક્તિનું નામ આપી શકાય તેમ નથી. મૅરીનું કહેવું છે કે યૌન સંબંધો થઈ ગયા હતા તેના કારણે તેઓ મૂંઝાવા લાગ્યાં હતાં, પણ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

એક વર્ષથી વધુ સુધી બંને વચ્ચે યૌન સંબંધો બંધાયા નહોતા. પરંતુ મૅરીને યાદ છે કે એક વર્ષ પછી તે માણસ ચુપચાપ તેમના રૂમમાં આવ્યો તેણે સેક્સ કર્યું અને કશું બોલ્યા વિના જતો રહ્યો.

બીજી પાંચ સ્ત્રીઓએ પણ મને જણાવ્યું કે આ જ માણસે તેમનું પણ યૌન શોષણ કર્યું હતું. આ મહિલાઓ એક બીજાને ઓળખતાં નથી, પરંતુ બધાની વાત લગભગ એક સમાન છે. એક જ રીતે તે કામ કરતો હતો. પ્રથમ સ્ત્રીઓને પ્રોત્સાહન આપતો, ગ્રૂમ કરતો અને પછી યૌન શોષણ કરતો હતો.

line

17 વર્ષની કિશોરીની સતામણી

વિષ્ણુદેવાનંદ સાથે જૂલી સાલ્ટર

ઇમેજ સ્રોત, JULIE SALTER

ઇમેજ કૅપ્શન, વિષ્ણુદેવાનંદ સાથે જૂલી સાલ્ટર

કૅથરીન (નામ બદલ્યું છે) 80ના દાયકામાં શિવાનંદ આશ્રમમાં બાળકોની શિબિરમાં ભાગ લેવા માટે ગયાં હતાં. તે વખતે તેઓ 12 વર્ષનાં જ હતાં, પણ એક શિક્ષક તેમને અડપલા કરતો હતો. માલિશ કરતો હતો અને તેમનાં હિપ્સને અડકતો હતો.

તેઓ 15 વર્ષનાં થયાં તે પછી તેઓ વધારે છૂટ લેવા લાગ્યો. તે વધારે અડલપા કરતો હતો અને બે પગ વચ્ચે પણ હાથ નાખતો હતો. બ્રૅસ્ટને પકડી લેતો હતો.

કૅથરીન કહે છે કે છેલ્લે તે 17 વર્ષનાં હતાં ત્યારે તેણે યૌન શોષણ કર્યું હતું. તેઓ નીંદરમાં હતાં અને જાગી ગયાં તો જોયું કે તે તેમની માથે હતો. આ ઘટના પછી કૅથરીને આશ્રમ છોડી દીધો હતો.

ફરિયાદ કરનારી સ્ત્રીઓમાંથી એકે કહ્યું કે એ માણસે જ 2019માં તેમનું પણ યૌન શોષણ કર્યું હતું.

અમે તે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને તેને ખુલાસો કરવા માટેની તક આપી હતી. પરંતુ તેણે આ આક્ષેપોના જવાબો આપ્યા નહોતો.

બીબીસી માને છે કે આ વ્યક્તિ હજી પણ ભારતમાં શિવાનંદ આશ્રમમાં સક્રિય છે. જોકે સંગઠને તે વાતનો ઇનકાર કર્યો છે.

અન્ય એક શિક્ષક પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો તેનું અસલી નામ મોરિજિયો ફિનોછી છે. તેને સ્વામી મહાદેવાનંદ તરીકે ઓળખવામાં આવે છે. મેં વાત કરી તેમાંથી આઠ સ્ત્રીઓએ તેના પર આક્ષેપો કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, RamonCarretero/Getty

ઇમેજ કૅપ્શન, 17 વર્ષની કિશોરીની સતામણી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

તેમાંનાં એક છે વૅન્ડી. 2006માં વૅન્ડી કૅનેડાના મુખ્યાલયમાં મહાદેવાનંદનાં અંગત સહાયિકા હતાં.

ઇમેલ આવે તેની પ્રિન્ટ કાઢીને તેમની કૅબિનમાં લઈ જવાનું કામ પણ તેમણે કરવાનું રહેતું. એક દિવસ મહાદેવાનંદે ઇમેલ અને નાસ્તો લાવવા કહ્યું અને વૅન્ડીને પોતાના બેડરૂમમાં બોલાવ્યાં. તેઓ પથારીમાં સૂતા હતા.

વૅન્ડી કહે છે તેમણે ટ્રે નીચે રાખી કે તરત મહાદેવાનંદે તેમની બાંય પકડી લીધી. તેણે માથે ઓઢેલી ચાદર હઠાવી તો તેની અંદર તે હસ્તમૈથુન કરી રહ્યો હતો. મહાદેવાનંદે પોતાના હાથ પર વીર્યનું સ્ખલન કર્યું એમ વૅન્ડી કહે છે.

"મને લાગ્યું કે તેના માટે જાણે હું કોઈ માણસ હતી જ નહીં. આ ઘટના પછી શિવાનંદ સાથેના મારા સંબંધોના અંતની શરૂઆત થઈ ગઈ."

વૅન્ડી કહે છે કે સ્ત્રીઓ જો આવી કોઈ ફરિયાદ સિનિયર સ્ટાફને કરે તો તેમને કહેવાતું કે આ તો આધ્યાત્મિક તાલીમ છે અને તેને "ગુરુની કૃપા" કહેવાય.

"કોઈ સમસ્યા હોય કે ભ્રમની સ્થિતિ હોય, અહીં હું વહિવટી બાબતોની પણ વાત કરી રહું છું... પરંતુ સ્પષ્ટપણે યૌન સંબંધો અને શંકાસ્પદ બાબતો અંગે તમને સમજાવી દેવામાં આવે કે તમારી સમસ્યા હકીકતમાં 'ગુરુની કૃપા' છે."

"તમને અમૂલ્ય જ્ઞાન આપવામાં આવી રહ્યું છે," એવું કહી દેવાતું.

અમે મહાદેવાનંદનો સંપર્ક કર્યો હતો, જેથી તેમની સામેના આક્ષેપોના જવાબો મેળવી શકાય. પરંતુ અમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આશ્રમના એક યોગગુરુ પર અનેક મહિલાઓએ શોષણનો આરોપ મૂક્યો હતો.

જોકે બીબીસીએ એક વકીલને મોકલવામાં આવેલા ઇમેલની નકલ જોઈ છે, જેમાં તેમણે પોતાના "કુકર્મો"ની માફી માગી છે અને વાયદો કર્યો છે કે "ફરી આવી ભૂલ નહીં કરે".

પ્રોજેક્ટ 'સત્ય'ને શિવાનંદના અનુયાયીઓના ફેસબુક ગ્રુપે ક્રાઉડફંડથી મદદ કરી છે અને હું પણ તેમાં એક સભ્ય છું.

હું બીજી એક વાત સમજવા માગતી હતી કે યૌન શોષણ વિશે શિવાનંદના સંચાલકોને કેટલા સમયથી જાણકારી હતી?

જૂલીએ જણાવ્યું કે 2003માં તેનામાં હિંમત આવી હતી અને તેમણે પોતાની સાથેના યૌન શોષણની ફરિયાદ કરી હતી. જૂલીએ સંસ્થાની કારોબારી સમિતિ (ઈબીએમ)ના એક સભ્યની મુલાકાત લીધી હતી.

ઈબીએમની રચના વિષ્ણુદેવાનંદે કરી હતી, જેથી પોતાના મૃત્યુ બાદ શિવાનંદનું કામકાજ સંભાળી શકે. જૂલીએ જણાવ્યું કે તેમણે કારોબારી સભ્ય સ્વામી મહાદેવાનંદનો સંપર્ક કર્યો હતો.

"અમારા વચ્ચે થોડી વાર જ વાતચીત થઈ, પરંતુ તેમણે મૂળભૂત રીતે એટલું સ્વીકાર્યું કે તેમને વર્ષોથી આ બાબતની જાણ છે."

સ્વામી મહાદેવાનંદ પોતે પણ એવા શિક્ષકોમાંના એક જ છે, જેમના પર યૌન શોષણના આક્ષેપો થયા છે. તે વખતે જૂલીને આ આક્ષેપોની જાણ નહોતી.

જૂલીએ જણાવ્યું કે થોડાં અઠવાડિયાં દરમિયાન તેમણે કારોબારીના બીજા ચાર સભ્યોને પણ મળીને પોતાના આરોપો મૂક્યા હતા.

જોકે જૂલી સાથે 2003માં વાતચીત થઈ હોવાની વાત ટ્રસ્ટીઓ નકારે છે.

બીબીસીએ જોકે એક એવો ઇમેલ જોયો છે, જેમાં મહાદેવાનંદે કબૂલાત કરી છે તેમણે જૂલી સાથે મુલાકાત કરી હતી. મહાદેવાનંદે તેને ઔપચારિક મુલાકાત ગણાવી હતી અને કહ્યું કે બાદમાં આ બધા આરોપો "સૌની સામે" આવી ગયા હતા.

2006માં જૂલીએ એક મધ્યસ્થીની મદદથી ઈબીએમ સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં જૂલીને કોઈક રીતે આર્થિક સહાય કરવા માટેની ચર્ચા થઈ હતી. બેઠકમાં શોષણના આરોપોની પણ ચર્ચા થઈ હતી.

બોર્ડના ટ્રસ્ટીઓએ બીબીસીને માહિતી આપી કે બંને પક્ષે તે વખતે ચર્ચાના નિષ્કર્ષથી ખુશ હતા. જોકે જૂલીનું કહેવું છે કે કશું નક્કી થયું નહોતું.

તેથી બીજા વર્ષે જૂલીના વકીલે બોર્ડને પત્ર લખીને વળતર માટેની માગણી કરી હતી અને નહીં તો નુકસાની માટેનો દાવો માંડવાની ધમકી આપી હતી.

તેની સામે ઈબીએમ વતી એક વકીલે જવાબ મોકલ્યો હતો અને તેમાં સવાલ ઉઠાવાયો હતો કે જૂલી કથિત શોષણનો મામલો આટલાં વર્ષો પછી કેમ ઉઠાવી રહ્યાં છે.

શિવાનંદ આશ્રમનું કહેવું છે કે જૂલી સાથે થયેલી બેઠક બાદ સભ્યો અને મહેમાનો માટે એક પ્રોટોકોલ તૈયાર કરાયો હતો, જેથી આવા આરોપો મૂકવા માટે સુરક્ષિત માહોલ મળી શકે.

અમે સવાલ કર્યો હતો કે જે વ્યક્તિએ યૌન શોષણ કર્યું હોય તે વ્યક્તિને હજી પણ સન્માન આપવાનું કેવી રીતે ચાલુ રાખવામાં આવે. તેનો જવાબમાં જણાવાયું કે, "શિવાનંદ સંસ્થા પોતાના વારસા અને ઉપદેશનું સન્માન કરે છે."

અમારી તપાસમાં એટલો ખ્યાલ આવ્યો છે કે મહાદેવાનંદ સામેની કથિત યૌન શોષણની ફરિયાદો બોર્ડને 1999માં મળી હતી. કેમ કે તે વખતે તેમણે પોતે જ તેની કબૂલાત કરી હતી.

તે વખતે ઈબીએમમાં સભ્ય તરીકે રહેલા એક અમેરિકી સ્વામી શારદાનંદે બીબીસીને જણાવ્યું કે 1998/99માં તેમને દિલ્હી આશ્રણના સંચાલકનો રડતા રડતા ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે મહાદેવાનંદ ધોતી વિના ફરી રહ્યા છે. શારદાનંદ એવું સમજ્યા હતા કે તેઓ અંડરવિયરમાં ફરી રહ્યા હતા.

શારદાનંદે આ વિશે મહાદેવાનંદને ફોન કર્યો તો તેમણે કહ્યું કે ના એવી કોઈ વાત નથી, પોતે અંડરવિયરમાં નહીં પણ બિલકુલ નિર્વસ્ત્ર હતા.

"તેમણે મને કહ્યું કે કમરની નીચે મેં કશું પહેર્યું નથી... એ (દિલ્હી આશ્રમની સંચાલિકાના) રૂમમાં પહોંચી ગયા હતા અને ત્યાં જઈને હસ્તમૈથુન કર્યું હતું."

સ્વામી શારદાનંદ આ કિસ્સાથી બહુ નારાજ થયા હતા અને તેમણે ઈબીએની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું કે બેઠક વખતે રેકર્ડિંગ માટેના બધા સાધનો બંધ કરી દેવાયા હતા અને મંત્રીઓને પણ રૂમની બહાર મોકલી દેવાયા હતા.

મહાદેવાનંદ પણ ત્યાં હાજર હતા અને તેમણે કબૂલાત કરી કે હા એવું બન્યું હતું.

"તે પછી મહાદેનાનંદે કહ્યું કે: 'પરંતુ તેની ઇચ્છા ના હોય કે હું આવું ના કરું, તો ઠીક છે, હું હવે ફરી વાર આવું નહીં કરું."

આ રીતે મહાદેવાનંદે કબૂલાત કરી લીધી ત્યારે શારદાનંદ સૌ સભ્યોને સવાલ કર્યો કે હવે તેમણે સ્વીકાર કર્યો છે ત્યારે તેમની સાથે કેવી રીતે કાર્યવાહી કરીશું. તે વખતે બોર્ડના એક સભ્યે કહ્યું કે: "ઠીક છે, તેમણે કબૂલી લીધું અને ફરીથી એવું નહીં કરે. તમે શું ઇચ્છો છો? તેનું લોહી?"

થોડા મહિના પછી શારદાનંદને એક ફેક્સ મળ્યો, જેના દ્વારા તેમને જાણ કરી દેવાઈ કે બોર્ડમાંથી તેમને હટાવી દેવાયા છે. આ વિશે અમે ઈબીએમ પર આરોપ મૂક્યો, પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહીં.

વિષ્ણુદેવાનંદ અભિનેતા પીટર સેલર્સની સાથે, તેઓ સંઘર્ષમાંથી પસાર થતા હોય એવી જગ્યાઓ પર 'શાંતિની ઉડાન' લઈ જતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિષ્ણુદેવાનંદ અભિનેતા પીટર સેલર્સની સાથે, તેઓ સંઘર્ષમાંથી પસાર થતા હોય એવી જગ્યાઓ પર 'શાંતિની ઉડાન' લઈ જતા હતા.

શારદાનંદે રહસ્ય ખોલી નાખ્યું તે કદાચ એટલું આઘાતજનત નહીં હોય, જેટલું વૅન્ડીએ 2006માં જોયું હતું. તેમણે કૅનેડાના મુખ્યાલયમાં એક વરિષ્ઠ કર્મચારીને ફરિયાદ કરી હતી કે મહાદેવાનંદે તેમની પર જ સ્ખલન કર્યું હતું.

તો તેમણે એટલું જ કહ્યું, "ઓહ, ફરી પાછું."

સ્ટાફના એક સભ્યે કહ્યું કે ચિંતા ના કરો, સંસ્થાએ મહાદેવાનંદના કાઉન્સેલિંગ માટેની વ્યવસ્થા કરી છે.

વૅન્ડીએ મને જણાવ્યું કે, "મને ખ્યાલ નહોતો કે કૅનેડામાં તેને યૌન શોષણ ગણવામાં આવશે કે કેમ. મને ત્યારે ખબર નહોતી કે આની ફરિયાદ પોલીસમાં થઈ શકે."

13 વર્ષ પછી ઈબીએમે આખરે મહાદેવાનંદ સામે તપાસ કરી કરી હતી અને બાદમાં આશ્રમની માસિક પત્રિકામાં તેમને નિવૃત્ત કરી દેવાયાની જાહેરાત કરી હતી.

જોકે એવી નિવૃત્તિ જેમાં મહાદેવાનંદ માટેના ખર્ચ ઉપાડી લેવાની વાત હતી. નોટિસમાં જણાવાયું હતું કે કારોબારીએ તેમનો "સમર્પિત અને પ્રેરણાદાયી સેવા માટે" આભાર માન્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોજેક્ટ સત્ય માટે કામ કરનારા વકીલ કેરલ મર્ચેસિનનું કહેવું છે કે તેમણે શિવાનંદના કર્મચારીઓ સામે યૌન અત્યાચારની ફરિયાદ કરનારી 25થી 30 સ્ત્રીઓ સાથે વાતચીત કરી છે.

આ બધી સ્ત્રીઓએ લગાવેલા આરોપો વિશ્વસનીય લાગે છે એમ તેઓ માને છે.

કૅથરીન વિશે વાત કરતાં તેઓ સવાલ કરે છે કે બોર્ડના ટ્રસ્ટીઓને આ મામલાની જાણ થઈ ત્યારે તેમણે કેમ પોલીસને જાણ ના કરે. વર્ષો પછી આ ઘટનાની જાણ થયા પછી તેના માતાપિતા બોર્ડની સામે થયા હતા. જોકે તેમને જણાવાયું કે પુરાવા વિના કશું થઈ શકે નહીં એમ કેરલ કહે છે.

ઈબીએમે અમને જણાવ્યું કે જે શિક્ષક પર કૅથરીન અને અન્યોએ શોષણની ફરિયાદ કરી છે તેને ફરજમાંથી હઠાવી દેવાયો છે. જોકે બીબીસીને ઘણા સ્ત્રોતોમાંથી જાણવા મળ્યું છે કે તે માણસ હજીય ભારતમાં શિવાનંદ આશ્રમોમાં કામ કરે છે. મેં પોતે આશ્રમમાં ફોન કરીને જાણ્યું હતું ત્યારે ખબર પડેલી કે એ જ વર્ષે તેણે એક અભ્યાસક્રમ ત્યાં સંભાળ્યો હતો.

line

આશ્રમનું નિવેદન

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇશલીન કહે છે કે, 'આ આશ્રમમાં થયેલી જાતીય સતામણીમાં ભારતીય નારીઓ પણ પીડિત છે. મેં એવી મહિલાઓના ઈમેલ જોયા છે, જેમાં જણાવાયું હોય કે તેમની સાથે શું થયું હતું. પરંતુ મારી સાથે વાત કરવામાં તેઓ બહુ ગભરાયેલી હતી.'

ઈબીએમે અમને ઇન્ટરવ્યૂ આપવા ઇનકાર કર્યો હતો. પરંતુ બાદમાં અમને એક નિવેદન મોકલી આપ્યું હતું તે અમે સંપૂર્ણ રજૂ કરીએ છીએ.

"બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ આગળ આવનારા બધા લોકો સાથે સહાનુભૂતિ ધરાવે છે. કોઈને લાગતું હોય કે કાર્યક્રમમાં જે આચરણની વાત કરવામાં આવી હતી, તેવા આચરણથી પોતાના પર પણ અસર થઈ છે એમ કોઈને લાગતું હોય તો, તેમને ખાતરી આપવામાં આવે છે કે શોષણને ચલાવી લેવામાં આવશે નહીં. તેમ જ અયોગ્ય વ્યવહારને નજરઅંદાજ કરવામાં આવશે નહીં. કાર્યક્રમમાં જે આરોપોની જાણકારી આપવામાં આવી છે, તે અંગે ભૂતકાળમાં કરવામાં આવેલી કોઈ પણ પ્રકારની ભૂલ અંગે બોર્ડ સ્પષ્ટપણે ખેદ વ્યક્ત કરે છે."

"આ આરોપોને કારણે શિવાનંદ ઑર્ગેનાઇઝેશને સ્વતંત્ર તપાસ બેસાડી છે અને કાનૂની નિષ્ણાતોને નિયુક્ત કરાયા છે. તેઓ સુરક્ષા અંગેની બધી નીતિની સમીક્ષા કરી છે અને તેને લાગુ કરવા માટે યોગ્ય મદદ અને ટ્રેનિંગ આપી છે. કોઈને પણ શોષણ અંગે કોઈ પણ મુશ્કેલી હોય, તો તે માટે શિવાનંદ ઑર્ગેનાઇઝેશને ખાનગીમાં ફરિયાદ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરી છે. શિવાનંદ ઑર્ગેનાઇઝેશનની પ્રાથમિકતા એ છે કે કોઈ પણ આના માટે સંપર્ક કરશે તો શોષણ કે મુશ્કેલીમાં તેની સુરક્ષા કરવામાં આવે. શિવાનંદ ઑર્ગેનાઇઝેશન એવો મઠ છે, જે ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે સમર્પિત છે અને પોતાના બધા સભ્યોની સુરક્ષા માટે કટિબદ્ધ છે."

જે શિક્ષકનું નામ અમે અહીં લખી શકીએ તેમ નથી, તેના વિશેના ચારથી પાંચ તપાસ અહેવાલો મેં જોયા છે. તે બધામાં એવું તારણ કઢાયું છે કે શક્યતાઓને તટસ્થતા સાથે જોવામાં આવે તો બધાં પીડિત વિશ્વસનીય છે, તેમનાં નિવેદનો સાચા છે અને તેમાંથી બે જણે ઈબીએમને પોતાની સાથે થયેલા યૌન શોષણ વિશે જણાવ્યું હતું.

પાંચ વર્ષ સુધી હું જે પુટને આશ્રમમાં શિક્ષિકા અને ભક્ત તરીકે રહેતી હતી ત્યાં ફરીથી હું એપ્રિલમાં ગઈ હતી. જોકે આ વખતે હું આશ્રમની અંદર નહોતી ગઈ.

શિવાનંદની સૌને આત્મસાત કરનારી પ્રવૃત્તિઓથી હું પણ આકર્ષાઈ હતી. પણ તે આટલું ખતરનાક પણ સાબિત થઈ શકે તેવો વિચાર મને આવ્યો નહોતો. મેં જેટલી પણ મહિલાઓ સાથે વાતચીત કરી તે સૌએ જણાવ્યું કે શું થઈ રહ્યું છે તેવો સવાલ કરવાનું જ ભૂલાઈ જાય તેવી આ વાસ્તવિકતા હતી.

મને ખ્યાલ છે કે અમારી તપાસમાં જેટલાં પણ મહિલાઓએ ફરિયાદ કરી તે બધી જ પશ્ચિમના દેશોની છે, પણ એવું લાગે છે કે ભારતીય નારીઓ પણ પીડિત છે. મેં એવી મહિલાઓના ઈમેલ જોયા છે, જેમાં જણાવાયું હોય કે તેમની સાથે શું થયું હતું. પરંતુ મારી સાથે વાત કરવામાં તેઓ બહુ ગભરાયેલી હતી.

મારી વાત કરું તો મારા માટે શિવાનંદ સાથેના મારા સંબંધોનો અંત આવી ગયો છે.

બીબીસીની આ વિશેષ રજૂઆતના પ્રોડ્યૂસર છે લૂઈસ અદામો.

આ લેખમાં પીડિતો દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો તેમના અંગત છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો