તાલિબાન : અફઘાનિસ્તાનનાં આ મહિલાઓ હથિયાર કેમ ઉઠાવી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, RTADARI
- લેેખક, અઝીઝુલ્લાહ ખાન
- પદ, બીબીસી ઉર્દૂ ડૉટકોમ, પેશાવર
"અફઘાન મહિલાઓ તાલિબાન પાસે ભલાઈની કોઈ આશા રાખતી નથી, અમે ન તો અમારી યુનિવર્સિટીમાં જઈ શકીશું અને ન તો અમને કામ પર જવાની મંજૂરી મળશે. આથી હવે મહિલાઓ સામે આવી છે અને પોતાની અફઘાન નેશનલ આર્મીને સમર્થન કરી રહી છે, જેથી તાલિબાનની કાર્યવાહીને રોકી શકાય."
આ શબ્દો કાબુલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની અને સામાજિક કાર્યકર સઈદા ગઝનીવાલના છે, જેઓ હથિયાર ઉઠાવનારાં મહિલાઓનું સમર્થન કરે છે. તેમનું કહેવું છે કે "અમને તાલિબાનની નીતિઓ અને સરકાર અંગે અંદાજ છે."
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા તણાવ બાદ ડરનો માહોલ છે, તો કેટલાંક મહિલાઓ પ્રતીકાત્મક રીતે મેદાનમાં આવ્યાં છે.
થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એવી તસવીરો સામે આવી છે, જેમાં અફઘાન મહિલાઓ હથિયાર લઈને ઊભાં છે. તેમાં ઘણાંના હાથમાં કલાશ્નિકોવ રાઇફલો અને અફઘાનિસ્તાનના ઝંડા છે.
આ મહિલાઓ અફઘાન નેશનલ આર્મીના સમર્થનમાં આગળ આવ્યાં છે અને તેમનું કહેવું છે કે સરકાર એકલી તાલિબાન સાથે લડી ન શકે, આથી તેઓ સરકાર અને સેના સાથે છે.
સોશિયલ મીડિયામાં જે તસવીરો સામે આવી છે, તે જોઝજાન અને ગૌર વિસ્તારની છે. જોકે અફઘાનિસ્તાનમાં મહિલાઓનું આ પ્રદર્શન જોઝજાન અને ગૌર ઉપરાંત કાબુલ, ફારયાબ, હેરાત અને અન્ય શહેરોમાં પણ થયું છે.
સઈદા ગઝનીવાલ કાબુલનાં રહેવાસી છે. તેઓ પ્રદર્શનમાં તો સામેલ નથી, પણ મહિલાઓના પગલાને પૂરું સમર્થન કરે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે તાલિબાનની વિરુદ્ધ એકજૂથ થવું સમયની જરૂરિયાત છે અને આ બહુ હકારાત્મક પગલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું છે, "આ મહિલાઓ ઇચ્છે છે કે હર કોઈ પોતાની આઝાદી માટે તાલિબાનના અત્યાચાર અને હિંસા સામે ઊભાં હોય."

'અફઘાન મહિલાઓને તાલિબાન પર વિશ્વાસ નથી'

ઇમેજ સ્રોત, SAEEDA GHAZNIWAL AND DR. SHUKRIA
ડૉક્ટર શુક્રિયા નિઝામી પંજશીરનાં રહેવાસી છે, પરંતુ હાલમાં તેઓ કાબુલમાં રહે છે. તેઓ અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારો માટે સક્રિય છે.
તેમનું કહેવું છે કે સરકાર એકલા હાથે ચરમપંથીઓનો મુકાબલો કરી શકતી નથી, એટલે લોકોના સમર્થનની જરૂર છે.
ડૉક્ટર શુક્રિયા નિઝામીનું કહેવું છે કે આ સમયે લોકો એકજૂથ છે અને તેને તેઓ એક સારું શુકન માને છે અને હવે મહિલાઓ પણ અફઘાનિસ્તાનની સેના સાથે છે, આથી સેનાની તાકાત પણ વધશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમનું કહેવું હતું, "જ્યાં સુધી અફઘાનિસ્તાન સંપૂર્ણ સ્વતંત્ર ન થાય ત્યાં સુધી તેઓ આરામથી નહીં બેસે, કેમ કે 30 વર્ષ પહેલાં દેશ પર જે અંધારું છવાયું હતું, એને અમે બીજી વાર દેશ પર નહીં આવવા દઈએ."
'અફઘાન તાલિબાન' અને 'અફઘાન સેના' વચ્ચે દેશના મોટા ભાગના જિલ્લામાં સંઘર્ષ ચાલી રહ્યો છે, અને બંને તરફથી સફળતા અને યુદ્ધ રણનીતિઓના દાવા કરાઈ રહ્યા છે.
દેશના લોકોમાં ડર છે અને તાલિબાનની સફળતાના દાવાઓને કારણે મહિલાઓને એવું લાગી રહ્યું છે કે કદાચ 'અફઘાનિસ્તાનમાં એવો સમય પાછો આવશે, જ્યારે તાલિબાન સત્તામાં હતું અને સમયાંતરે મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓમાં વધારો થતો હતો.'
સઈદા ગઝનીવાલનું કહેવું છે કે કતારમાં આવેલા તાલિબાનના રાજકીય કાર્યાલય અને અફઘાનિસ્તાનમાં સશસ્ત્ર કાર્યવાહીઓમાં સામેલ તાલિબાનમાં કોઈ અંતર નથી, બંને એક જેવા છે.
તેમનું કહેવું હતું કે "અમને તાલિબાન પર વિશ્વાસ નથી, કેમ કે અમે તાલિબાનના ઇતિહાસ અને તેમના શાસનને સારી રીતે જાણીએ છીએ. આ યુદ્ધ ખતમ નહીં થાય અને દેશ બરબાદી તરફ જતો રહેશે."

તાલિબાન ફરીથી જબરજસ્તીવાળી નીતિઓ અપનાવશે?

ઇમેજ સ્રોત, Getty Images
કતારમાં આવેલા તાલિબાનના રાજકીય કાર્યાલયના પ્રવક્તા સુહૈલ શાહીનને જ્યારે મહિલાઓ માટે તેમની (તાલિબાનની) પૉલિસી અંગે પૂછવામાં આવ્યું, તો તેમનું કહેવું હતું કે મહિલાઓને શિક્ષણ અને કામ કરવાની પૂરી આઝાદી હશે, પરંતુ તેમણે ઇસ્લામિક રીતો અપનાવવી પડશે અને બુરખો પહેરવો પડશે.
તેમણે કહ્યું કે તાલિબાન તરફથી કોઈ પણ પ્રતિબંધ નહીં લાદવામાં આવે અને બધી સંસ્થાઓ ઇસ્લામી પરંપરા અને શૈલી અનુસાર કામ ચાલુ રાખી શકે છે.
ભૂતકાળમાં જે મહિલા બુરખો નહોતાં પહેરતાં તેમને સજા અપાઈ, તો શું હવે બુરખો નહીં પહેરનારાં મહિલા સાથે એવો જ વ્યવહાર કરાશે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેનો નિર્ણય સમય આવ્યે તેમની સરકાર કરશે, તેઓ આ અંગે કશું કહી ન શકે.

ઇમેજ સ્રોત, VERONIQUE DE VIGUERIE/GETTY IMAGES
અફઘાન તાલિબાને એક એવો પણ સંદેશ જાહેર કર્યો છે, જેમાં મીડિયા રિપોર્ટોને ખોટો અને નકારાત્મક પ્રચાર ગણાવ્યો છે.
કતારમાં રાજકીય કાર્યાલયના પ્રવક્તા સુહૈલ શાહીને એક નિવેદનમાં કહ્યું કે એ ધારણા ખોટી છે કે જે વિસ્તારોને તાલિબાને નિયંત્રણમાં લીધા છે, ત્યાં મીડિયાના લોકો અને મહિલાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નિવેદનમાં કહેવાયું કે "આ ક્ષેત્રોમાં નાગરિકોને પૂરી આઝાદી છે અને કોઈ પ્રતિબંધ નથી લાદવામાં આવ્યો."
નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે આ પ્રચાર છે, આ વિસ્તારોમાં રહેતા લોકો ઇસ્લામના દાયરામાં રહીને પોતાનું રોજિંદું જીવન વ્યતીત કરી રહ્યા છે.

મહિલાઓ કોને અને શું સંદેશ આપવા માગે છે?

ઇમેજ સ્રોત, JONAS GRATZER / GETTY
વર્તમાન સ્થિતિમાં પહેલી વાર આવું થયું છે કે અફઘાન મહિલાઓએ હથિયાર ઉઠાવ્યાં હોય. સ્થાનિક પત્રકારો અનુસાર, સ્વાભાવિક રીતે આ એક સાંકેતિક સંદેશ સમાન છે.
મહિલાઓનો હથિયાર ઉઠાવીને રસ્તા પર ઊતરવાનો ઉદ્દેશ વિરોધીઓ એટલે કે તાલિબાનની વિરુદ્ધ સખત પ્રતિક્રિયા આપવાનો છે.
કાબુલના એક પત્રકાર અસદ સમીમે બીબીસીને જણાવ્યું કે અફઘાન મહિલાઓનું હથિયાર ઉઠાવવાનું પગલું બે અલગ-અલગ સંદેશ આપે છે. એક સંદેશ પોતાની સરકાર અને સેના માટે છે કે મહિલાઓ તેમના સમર્થનમાં હાજર છે અને આ સમર્થન સેનાને મજબૂત અને તાકાતવર બનાવે છે.
બીજો સંદેશ આંતરરાષ્ટ્રીય સ્તરે પાડોશી દેશો માટે છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ તાલિબાની સરકાર ઇચ્છતી નથી અને એટલે તે સરકારનું સમર્થન કરે છે.
અફઘાન તાલિબાન તરફથી વારંવાર કહેવાયું છે કે તાલિબાન કોઈને કશું નહીં કહે અને જે કાર્ય જેમ ચાલી રહ્યું છે, જે એનજીઓ કે વિકાસકાર્યો ચાલી રહ્યાં છે, તેના પર કામ ચાલુ રાખવામાં આવે.
અફઘાન મહિલાઓ માટે વર્તમાન સ્થિતિ ફરી એક વાર મોટી પરીક્ષા હશે. ભૂતકાળમાં પણ મોટી સંખ્યામાં લોકોએ અફઘાનિસ્તાનમાંથી પલાયન કર્યું હતું, એ સમયે પણ મહિલાઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અને પાડોશી દેશોમાં પણ અફઘાન મહિલાઓને પરેશાની થઈ હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














