અફઘાનિસ્તાનમાં તાલિબાન મામલે પાકિસ્તાન, તુર્કી, ઈરાન, કતાર, સાઉદી અરેબિયાની શું ભૂમિકા છે?

ઇમેજ સ્રોત, Paula Bronstein
તાલિબાને બે દાયકા બાદ ફરીથી અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો છે અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા છે.
અમેરિકન સહિત વિદેશી સેનાઓની પરત ફરવાની જાહેરાત સાથે જ તાલિબાને આક્રમક બન્યું અને ગણતરીના સમયમાં એક પછી એક શહેરો કબજે કરી રાજધાની સુધી પહોંચી ગયું.
તાલિબાને યુદ્ધ પૂર્ણ થયાની અને જલદી જ નવી સરકારની વાત કરી છે. આ સાથે જ તાલિબાને એમ પણ કહ્યું કે તે દુનિયાના દેશો સાથે શાંતિથી કામ કરશે.
આખી દુનિયા અફઘાનિસ્તાન પર નજર રાખી રહી છે પરંતુ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની આ ઘટનાક્રમ પર ખાસ નજર છે. કેટલાક દેશો આ સંકટમાં સક્રિય ભૂમિકામાં છે તો અમુક દેશોએ રણનીતિ હેઠળ ચુપકીદી અપનાવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરશન એટલે ઇસ્લામિક સહયોગ સંગઠને એક નિવેદન આપ્યું કે તેઓ અફઘાનિસ્તાનના સંકટથી ચિંતામાં છે.
ઓઆઈસીએ પોતાના નિવેદનમાં બધા પક્ષોને હિંસા રોકવા અને પૂર્ણ સંઘર્ષવિરામ લાગુ કરવાની માગ કરી છે.
ઓઆઈસીએ કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા માટે સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે. જોકે આઈઓસીએ આ નિવેદનથી આગળ કંઈ કર્યું નથી. સંસ્થા બંને પક્ષોથી એકસરખું અંતર રાખી રહી છે.

ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images
પાડોશી દેશ ઈરાન અફઘાનિસ્તાનની હાલતને લઈને ચિંતામાં છે. અફઘાનિસ્તાનના સૈનિકો ભાગીને ઈરાની વિસ્તારોમાં શરણ લઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાને કાબુલ કબજે કર્યું એ અગાઉ શુક્રવારે આપેલા નિવેદનમાં ઈરાને તાલિબાન પાસે કાબુલ અને હેરાતમાં હાજર પોતાના રાજદ્વારી અધિકારીઓ અને કર્મચારીઓની સુરક્ષાની ગૅરન્ટીની માગ કરી હતી. હેરાત કાબુલની અગાઉ જ તાલિબાનના નિયંત્રણમાં આવી ગયું હતું. શિયા મુસલમાનની બહુમતી ધરાવતું ઈરાન સુન્ની તાલિબાનને લઈને હંમેશાથી મૂંઝવણમાં રહ્યું છે.
1998માં ઉત્તરીય શહેર મઝાર-એ-શરીફમાં તાલિબાને એક ઈરાની પત્રકાર સહિત આઠ ઈરાની રાજદ્વારી અધિકારીઓની હત્યા કરી હતી. ત્યારે ઈરાન તાલિબાન પર હુમલો કરવાની તૈયારીમાં હતું.
જોકે, તાજેતરમાં તાલિબાને ઈરાન સાથે સંબંધ સારા કરવાના પ્રયત્ન કર્યા છે. જુલાઈમાં જ તાલિબાનું એક પ્રતિનિધિમંડળ તેહરાનમાં ઈરાનના વિદેશ મંત્રીની મુલાકાતે ગયું હતું.

ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને તાજિકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય એશિયાના આ ત્રણે પાડોશી દેશ અફઘાનિસ્તાનની હાલતથી પ્રભાવિત થઈ રહ્યા છે. અફધાનિસ્તાન સંકટને કારણે અહીં શરણાર્થીઓ સતત આવી રહ્યાં છે જોકે હાલના દિવસોમાં ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાને શરણાર્થીઓ સામે કડક વલણ દાખવ્યું છે.
જુલાઈમાં જ્યારે અફઘાન સૈનિકો ભાગીને ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા ત્યારે ઉઝબેકિસ્તાને સૈનિકોને પાછા મોકલી દીધા હતા અને સરહદ પર પહેરો વધારી દીધો હતો.
ત્યારે તાજિકિસ્તાને પણ અફઘાન સરહદે વીસ હજાર સૈનિકો તહેનાત કર્યા હતા.
અફઘાનિસ્તાનમાં સંકટ વધતા તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને પરસ્પર ગાઢ બનાવ્યો છે. બંને દેશોની સેનાઓ સંયુક્ત અભિયાન ચલાવી રહી છે.
ત્યારે તુર્કમેનિસ્તાને તાલિબાન સાથે સંબંધ મજબૂત કરવાની જાહેરાત કરી છે. સરહદ પર તાલિબાનનું નિયંત્રણ મજબૂત બનતાંની સાથે જ તુર્કમેનિસ્તાને તાલિબાનના પ્રતિનિધિમંડળને વાતચીત માટે બોલાવ્યું હતું.
જોકે તાલિબાન કહેતું રહ્યું છે કે તે પાડોશી દેશોની સુરક્ષા માટે ખતરો નહીં બને અને તેનો બીજા દેશોની જમીન પર કબજો કરવાનો કોઈ ઇરાદો નથી.
છતાં ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને તાજિકિસ્તાન અફધાનિસ્તાનની હાલતને લઈને ચિંતામાં છે.
અત્યારે મધ્ય એશિયાના આ દેશોએ તાલિબાનને લઈને કોઈ નિવેદન પણ નથી આપ્યું.
તુર્કી

ઇમેજ સ્રોત, Getty Images
તાલિબાનનું વર્ચસ્વ વધવા છતાં તુર્કીએ કાબુલના હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર સંચાલનનું મન બનાવી રાખ્યું હતું.
તુર્કીએ બે દિવસ પહેલાં એક નિવેદનમાં કહ્યું હતું કે કાબુલ ઍરપૉર્ટનો મુદ્દો આવનારા દિવસોમાં ચર્ચાશે અને આ ઍરપૉર્ટનું સંચાલિત રહે દરેકના ફાયદામાં છે.
તુર્કીએ અમેરિકન સૈન્યદળોના અફઘાનિસ્તાનથી પરત ફરે તે પછી કાબુલ ઍરપૉર્ટના સંચાલનનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. તુર્કીએ કહ્યું હતું કે આ ઍરપૉર્ટની સુરક્ષાની જવાબદારી તે ઉપાડશે.
જોકે તાલિબાન તુર્કીના આ પ્રસ્તાવથી ખુશ નથી. તાલિબાને તુર્કીને ધમકી આપી છે કે તે કાબુલ ઍરપૉર્ટ પર પોતાની સેના ન મોકલે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયબ અર્દોઆને હાલમાં એક નિવેદન આપ્યું હતું, "અમારી દૃષ્ટિએ તાલિબાનનું વલણ એવું નથી જેનું એક મુસ્લિમનું બીજા મુસ્લિમ સાથે હોવું જોઈએ."
તેમણે તાલિબાનને વિનંતી કરી હતી કે તે દુનિયાને જલદીમાં જલદી દેખાડે કે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું, તાલિબાનને પોતાના ભાઈઓની જમીન પરથી કબજો છોડી દેવો જોઈએ."
તાલિબાને તુર્કીના કાબુલ ઍરપૉર્ટના સંચાલનના ઇરાદાની ટીકા કરી હતી.
તાલિબાને કહ્યું હતું, "અમે પોતાના દેશમાં કોઈ પણ વિદેશી સેનાની કોઈ પણ સ્વરૂપમાં હાજરીને કબજો માનીએ છીએ."
ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિએ ઇસ્તાન્બુલમાં પત્રકારો સાથે આ વિશે વાત કરતા કહ્યું હતું કે તાલિબાનનું વલણ યોગ્ય નથી.
તુર્કી નાટોનું સભ્ય છે. જોકે તુર્કીના સૈનિકો અફઘાનિસ્તાનમાં હાજર નથી પરંતુ તુર્કીએ અફઘાનિસ્તાનમાં નાટો સેનાના અભિનયાનને ટેકો આપેલો છે.
તાલિબાનની વિરુદ્ધ લડનારા અને હવે પરાજિત થઈને ઉઝબેકિસ્તાન પહોંચેલા કમાન્ડર માર્શલ દોસ્તમ સાથે પણ તુર્કીના નજીકના સંબંધ રહ્યા છે.
તુર્કીના પાકિસ્તાન સાથે નજીકના સંબંધ છે અને પાકિસ્તાનના તાલિબાન સાથે, એવામાં તુર્કીની ભૂમિકા અફઘાનિસ્તાનમાં મહત્ત્વપૂર્ણ બની જાય છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તાલિબાન અને તુર્કીને નજીક લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના તાલિબાન સાથે નજીકના સંબંધ છે અને અમેરિકા સાથે ડીલ કરવામાં પાકિસ્તાન આ સંબંધોનો ઉપયોગ કરે છે. જોકે તાલિબાન પોતાની ઉપર પાકિસ્તાનના પ્રભાવની વાતને ફગાવતું આવ્યું છે અને તેને એક સારો પાડોશી દેશ માનતો આવ્યું છે.
પાકિસ્તાનમાં 30 લાખથી વધારે અફઘાન શરણાર્થીઓ પણ છે અને બંને દંશો વચ્ચે અઢી હજાર કિલોમિટર લાંબી સરહદ પણ છે. એવામાં પાકિસ્તાન તાલિબાનનો સૌથી મહત્ત્વનો સહયોગી દેશ માનવામાં આવે છે. જોકે ઇમરાન ખાને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં કોઈ એક પક્ષ તેમની પસંદગીનો હોય એવું નથી.
અફઘાનિસ્તાન સંકટમાં પાકિસ્તાનની સૌથી મોટી ભૂમિકા છે. રવિવારે ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાન સરકારના પ્રતિનિધિમંડળની પાકિસ્તાન સરકારના પ્રતિનિધિઓ સાથે મુલાકાત થઈ.
અફઘાનિસ્તાન સરકાર પાકિસ્તાન પર તાલિબાનની મદદ કરવાનો અને અફઘાનિસ્તાનમાં હસ્તક્ષેપનો આરોપ લગાવતી રહી છે.
હાલમાં જ રાષ્ટ્રપતિ અશરફ ગની અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે તાશકંદમાં ખુલ્લી દલીલો થઈ હતી.

સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાત

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાના મોટા સુન્ની દેશ સાઉદી અરેબિયાએ અફઘાનિસ્તાનને લઈને એક રણનીતિ હેઠળ ચુપકીદી અપનાવી છે.
સાઉદી અરેબિયાના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને સાથે ઐતિહાસિક સંબંધ છે. સાઉદી અરેબિયાએ તાલિબાન સાથે સંબંધ જાળવી રાખ્યો છે. જોકે 2018માં કતરમાં તાલિબાન અને અમેરિકા વચ્ચે વાર્તા શરૂ થયા પછી એ વાર્તાથી સાઉદી અરેબિયા અલગ થઈ ગયું હતું.
સાઉદી અરેબિયા પાકિસ્તાન મારફતે અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારવા માગે છે પરંતુ અફઘાન સંકટ પર મોકળા મને વાત નથી કરતું.
ઐતિહાસિક રીતે જોઈએ તો 1980-90ના દાયકામાં સાઉદી અરેબિયાએ રશિયાની વિરુદ્ધ અફઘાન મુજાહિદ્દીનનું સમર્થન કર્યું હતું પરંતુ વર્તમાન સંકટમાં સાઉદી અરેબિયાએ પોતાને અલગ રાખ્યું છે.
ત્યારે યુએઈએ પણ અફઘાનિસ્તાન સંકટથી અંતર જાળવી રાખ્યું છે.

કતાર

ઇમેજ સ્રોત, Getty Images
કતર મુસ્લિમ દુનિયાનો એક નાનકડો દેશ છે પરંતુ અફઘાનિસ્તાન સંકટમાં તેણે મોટી ભૂમિકા ભજવી છે. તાલિબાનની રાજકીય ઑફિસ કતારના દોહામાં જ છે.
અમેરિકાના સહયોગી દેશ કતરે પોતાની જમીન પર તાલિબાનને અમેરિકા સાથે વાતચીત માટે સ્થળ ઉપલબ્ધ કરાવ્યું અને બધી સુવિધાઓ આપી.
2020માં કતારમાં તાલિબાન સાથે થયેલી સમજૂતી હેઠળ જ અમેરિકા અફઘાનિસ્તાનથી બહાર નીકળી ગયું છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














