Independence Day : એ મૂલ્યવાન હાર જેના ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે બે ભાગ કરી દેવાયા

ઇમેજ સ્રોત, ARCHAEOLOGICAL SURVEY OF INDIA AND GETTY IMAGES
- લેેખક, કનિષ્ક થરૂર અને મરિયમ મારૂફ
- પદ, મ્યુઝિયમ ઑફ લૉસ્ટ ઑબજેક્ટ્સ, બીબીસી
ભારત અને પાકિસ્તાન હંમેશાં અલગ-અલગ દેશ ન હતા. તેઓ એક દેશ હતા. તેમનો ઇતિહાસ એક હતો. તેમની સંસ્કૃતિ એક હતી. તેમનો વારસો એક હતો.
દેશનું વિભાજન થયું ત્યારે માત્ર જમીનના ભાગલા પડ્યા ન હતા, માત્ર પ્રાંતો વચ્ચે સીમાની આંકણી થઈ ન હતી. વિભાજન સહિયારા વારસાનું અને સહિયારા ઇતિહાસનું પણ થયું હતું.
બન્ને દેશના નાગરિકો વિભાજનના સમયે સોય, પેન્સિલ, ખુરશીઓ અને પાળેલાં સરકારી પ્રાણીઓ માટે પણ લડવા લાગ્યા હતા.

વિભાજનના કિસ્સા

ઇમેજ સ્રોત, Getty Images
એ વિભાજન એક ઐતિહાસિક વારસાનું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિના કેન્દ્ર સ્વરૂપ મોહે-જો-દડોમાં ઉત્ખનન દરમિયાન મળેલા એક હાર બાબતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરી ખેંચતાણ થઈ હતી.
1920ના દાયકામાં હિંદુસ્તાન આઝાદ થયું ન હતું અને ભારત-પાકિસ્તાન એક જ દેશ હતા ત્યારે સિંધ પ્રાંતમાં ઉત્ખનન દરમિયાન લગભગ 5,000 વર્ષ પુરાણા એક શહેરના અવશેષો મળ્યા હતા.
તેને સિંધુ ખીણની સંસ્કૃતિ એવું નામ આપવામાં આવ્યું હતું. ઉત્ખનનમાં જે બહાર આવ્યું એ માણસની પ્રગતિની ઉદાહરણ હતું.

ખોદકામમાં મળ્યો હતો હાર

ઇમેજ સ્રોત, Getty Images
સિંધુ ખીણની સંસ્કૃતિની શોધે અંગ્રેજોના ગુલામ હિંદુસ્તાનને તેના ઇતિહાસ માટે ગૌરવાન્વિત થવાનું કારણ ઉપલબ્ધ કરાવ્યું હતું.
એ પછી ભારતના લોકો એવું કહી શકે તેમ હતા કે તેમનો ઇતિહાસ પણ ઇજિપ્ત, ગ્રીસ અને ચીનની સંસ્કૃતિ જેટલો જ, હજારો વર્ષ પુરાણો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌપ્રથમ ભારતીય વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના પુસ્તક 'ડિસ્કવરી ઑફ ઇન્ડિયા'માં મોહેં-જો-દડો બાબતે લખ્યું છે.
તેમના જણાવ્યા મુજબ, મોહેં-જો-દડોના ટીંબા પર ઊભા રહીને તેમને એવી અનુભૂતિ થઈ હતી કે તેઓ 5,000થી વધારે વર્ષ પુરાણી સંસ્કૃતિનું ફરજંદ છે. એક એવી સંસ્કૃતિ જે સતત પરિવર્તનશીલ રહી છે.

ઇમેજ સ્રોત, Alamy
ઉત્ખનન દરમિયાન સોનાનો એક હાર પણ મળ્યો હતો. તેમાં મૂલ્યવાન પથ્થરોને સોનાના તારમાં પરોવવામાં આવ્યા હતા. મોહેં-જો-દડોમાંથી મળેલો એ હાર એવો હતો, જે હજારો વર્ષ વીતવા છતાં અખંડ હતો.
ભારતીય ઇતિહાસવિદ્ અને પુરાતત્ત્વવિદ્ સુદેશના ગુહા કહે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના ઉત્ખનન દરમિયાન બહુ ઓછાં ઘરેણાં મળ્યાં હતાં, પણ સોનાનો એ હાર બહુ જ મૂલ્યવાન હતો.
તે એક સનસનાટીભરી ખોજ હતી. એ હાર ત્રાંબાના વાસણમાંથી મળ્યો હતો. જે ઘરમાંથી એ હાર મળ્યો તે કોઈ સોનીનું હશે એવું માનવામાં આવે છે.
સુદેશના ગુહાના જણાવ્યા મુજબ, સિંધુ ખીણ સંસ્કૃતિની શોધ ભારત માટે બહુ મોટી બાબત હતી. કાંસ્યયુગની એ સંસ્કૃતિ મળી આવવાથી હિંદુસ્તાન પણ, લાંબો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતા દેશોની પંગતમાં સામેલ થઈ ગયું હતું. મોહેં-જો-દડોમાં ઉત્ખનન દરમિયાન, નાચતી મહિલાની એક મૂર્તિ, ધ્યાનસ્થ પૂજારીની પ્રતિમા અને બીજી 1,000થી વધુ ચીજો મળી આવી હતી, પણ એ પૈકીની એકેય ચીજ અખંડ ન હતી.

હાથીના પણ ભાગલા પડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં પુરાણી કળાકૃતિઓનાં ઇતિહાસકાર વઝીરા ફઝીલા જમીનદાર કહે છે કે સિંધુ ખીણ સંસ્કૃતિની શોધ ભારતના ઇતિહાસની સૌથી મોટી શોધ છે.
સિંધુ ખીણ સંસ્કૃતિ ભારત અને પાકિસ્તાનનો સહિયારો વારસો છે, કારણ કે 1947 પહેલાં બન્ને દેશ એક જ હતા.
અલબત્ત, જૂન-1947માં દેશના વિભાજનની જાહેરાત કરવામાં આવી ત્યારે સદીઓથી સાથે રહેતા અહીંના લોકો નાની-નાની ચીજો માટે લડવા લાગ્યા હતા.
કેટલાક મહિના પહેલાં ઇંગ્લૅન્ડથી મગાવવામાં આવેલાં 60 બતક સુધ્ધાંની વહેંચણી બન્ને દેશો વચ્ચે કરવામાં આવી હતી.
વન વિભાગની સંપત્તિ ગણાતો જોયમુની નામનો એક હાથી પૂર્વ બંગાળને આપી દેવામાં આવ્યો ત્યારે ભારતના લોકોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. હાથીના મહાવતે હિંદુસ્તાનમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દેશના વિભાજન વખતે બહુ નાની-નાની ચીજોના બે ભાગ પાડવામાં આવ્યા હતા.
દાખલા તરીકે, વિદેશ મંત્રાલયમાંથી 21 ટાઇપ રાઇટર, 31 પેન સ્ટેન્ડ, 16 આરામ ખુરશી, 125 પેપર કૅબિનેટ અને અધિકારીઓને બેસવા માટે 31 ખુરશી પાકિસ્તાન મોકલવામાં આવી હતી.
આ તો એક નાનકડું ઉદાહરણ છે. વાસ્તવમાં દેશના વિભાજન પછી બ્રિટિશ ભારતની રાજધાની દિલ્હી, આઝાદ ભારતની રાજધાની બની ગયું.
બીજી તરફ પાકિસ્તાને કરાચીને તેની રાજધાની બનાવ્યું હતું. કરાચી એક પ્રાંતની રાજધાની હતું. કરાચીમાં દેશની જરૂરિયાત જેટલી ઑફિસો ન હતી, જરૂરી જગ્યા ન હતી અને સરકારી કામકાજ ચલાવવા માટે જરૂરી સામાન પણ ન હતો.
પાકિસ્તાનની નવી સરકારે કાગળ, ફાઇલો, પેન અને પીન જેવી ચીજોની અછતનો સામનો કરવો પડ્યો હતો.
તમે વિચારી શકો કે બે દેશ વચ્ચે પેન-પેન્સિલ અને પીન જેવી ચીજોના ભાગલા પડતા હતા ત્યારે તેમણે અત્યંત મૂલ્યવાન અને ઐતિહાસિક ચીજોના ભાગલા કેવી રીતે પાડ્યા હશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
દરેક દેશના અસ્તિત્વ માટે તેનો એક ઇતિહાસ હોવો જરૂરી છે, પણ ભારત અને પાકિસ્તાનનો ઇતિહાસ તો અલગ હતો નહીં. તેઓ તેના ભાગલા કઈ રીતે પાડી શકે?
સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે મોહેં-જો-દડો, દેશના વિભાજનને કારણે પાકિસ્તાનમાં જ રહી ગયું.
પાકિસ્તાનનો પોતાનો કોઈ અલગ ઇતિહાસ ન હતો. તેથી તેઓ સિંધુ ખીણ સંસ્કૃતિને ભારતના બાકીના ઇતિહાસથી અલગ કરીને દર્શાવે એ જરૂરી હતું. એવું કરવા માટે પાકિસ્તાન પાસે મોહેં-જો-દડોમાંથી મળેલી ચીજોનું હોવું જરૂરી હતું.
ઇતિહાસકાર વઝીરા જમીનદારના કહેવા મુજબ વિભાજન પછી સિંધુ ખીણ સંસ્કૃતિને નવેસરથી પરિભાષિત કરવાની અને પાકિસ્તાનનું ગૌરવ ગણાવવાના પ્રયાસ શરૂ થયા હતા.
તેનો હેતુ એ સાબિત કરવાનો હતો કે પાકિસ્તાનનો પોતાનો, ભારતથી બિલકુલ અલગ એક ભવ્ય ઇતિહાસ હતો. એ હિંદુ ભારતનો નહીં, પાકિસ્તાનનો ઇતિહાસ હતો.
તેથી વિભાજન બાદ પાકિસ્તાનનો 5,000 વર્ષ પુરાણો ઇતિહાસ જેવાં પુસ્તકો લખીને એક એવા ઇતિહાસનું નિર્માણ કરવાના પ્રયાસ થયા હતા જેનું ક્યારેય અસ્તિત્વ જ ન હતું.

કોને શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકાર સુદેશના ગુહાના જણાવ્યા મુજબ, દેશનું વિભાજન થઈ રહ્યું હતું ત્યારે સિંધુ ખીણ સંસ્કૃતિના ઉત્ખનન દરમિયાન મળેલી 1,000થી વધુ ચીજો દાવ પર હતી.
સામાનની વહેંચણી માટે જે ફૉર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી એ મુજબ 60 ટકા ચીજો ભારતને, જ્યારે 40 ટકા ચીજો પાકિસ્તાનને મળવાની હતી.
તેમાં મોહેં-જો-દડોમાંથી મળેલી નાચતી છોકરીની મૂર્તિ તથા ધ્યાનસ્થ યોગીની પ્રતિમા પણ સામેલ હતી. એ ઉપરાંત સોનાનો એક અત્યંત મૂલ્યવાન હાર પણ તેમાં સામેલ હતો.
નાચતી છોકરીની મૂર્તિ ભારતના હિસ્સામાં આવી, જ્યારે ધ્યાનસ્થ યોગીની પ્રતિમા પાકિસ્તાનને મળી હતી. વાત અટકી હતી સોનાના એ અત્યંત મૂલ્યવાન હાર પર.
હારની વહેંચણી માટે કોઈ સહમતી સાધી ન શકાઈ ત્યારે અધિકારીઓએ તેનો તોડ કાઢ્યો હતો અને એ હારને હિંદુસ્તાનની માફક બે હિસ્સામાં વહેંચી નાખવામાં આવ્યો હતો.
તેનો એક હિસ્સો ભારતને અને બીજો પાકિસ્તાનને આપી દેવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના હિસ્સામાં આવેલો હારનો એ ટુકડો આજે પણ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં રાખવામાં આવેલો છે.
ઇતિહાસકાર સુદેશના ગુહા તેને વિભાજનની કરુણાંતિકા ગણાવતાં કહે છે કે ઇતિહાસને ચીરી-ફાડીને તેના બે હિસ્સા કરી નાખવામાં આવ્યા હતા. અફસોસની વાત એ છે કે એ બાબતે કોઈએ શરમ અનુભવી નહીં.
બન્ને હારના ટુકડા જોડીને તેને અમેરિકામાં પ્રદર્શિત કરવાની દરખાસ્ત એક વખત મૂકવામાં આવી હતી, પરંતુ ભારતે પોતાના હિસ્સામાંનો હારનો ટુકડો આપવાનો ઇનકાર કર્યો હતો.
એ હારના બે ટુકડા ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઇતિહાસના વિભાજનના સૌથી મોટા સાક્ષી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












