દાદાભાઈ નવરોજી : બ્રિટિશ સંસદમાં ચૂંટાનારા પહેલા ભારતીય

દાદાભાઈ નવરોજી

ઇમેજ સ્રોત, Ranaml Sindhav

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

19મી સદીની શરૂઆતનો સમય ભારતના ઇતિહાસમાં ખૂબ જ અરાજકતાનો સમય હતો.

દેશમાં અનેક કુરિવાજો જેવા કે સતિપ્રથા અને બલીપ્રથા વ્યાપક હતા અને ભારતમાં બ્રિટિશ શાસન હતું

આવા સમયે દાદાભાઈનો જન્મ 4થી સપ્ટેમ્બર 1825ના રોજ નવસારી ખાતે થયો હતો. તેમના પિતા પારસી પાદરી હતા. ચાર વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી.

તેથી તેમનો ગરીબીમાં ઊછેર થયો. પારસીઓમાં વિધવાલગ્નની મંજૂરી હતી છતાં માતાએ બીજુ ઘર માંડ્યું નહીં અને પુત્રને મહેનત કરી સારી સ્કૂલમાં શિક્ષણ અપાવ્યું. સાથે જ તેમણે દાદાભાઈમાં સારા સંસ્કારોનું સિંચન પણ કર્યું.

દાદાભાઈ તેમના જીવનમાં જે કંઈ બની શક્યા તે માટે તેમનાં માતાની ભૂમિકા અને પ્રેરણા મહત્ત્વની બની રહી.

તેમણે એક સ્થળે કહ્યું હતું કે - "મારી માતા પ્રત્યેક ક્ષણે મારી સાથે છે. જો હું તેમને મારાં ધાત્રી, ગુરુ, મિત્ર અને ભાગ્યનિર્માતા કહું તો તેમાં કોઈ અતિશયોક્તિ નહીં થાય. મને હંમેશાં તેમની પ્રેરણા મળતી રહી. આજે મારા આચરણમાં હું જે પ્રકાશનાં દર્શન કરી રહ્યો છું તે મારી મમતામયી માતાએ જ ફેલાવેલો છે. પિતાના મૃત્યુ પછી એમણે મારા મામાની મદદથી પોતાના માટે કામ શોધ્યાં અને સતત મહેનત કરી જીવનનિર્વાહ કરતાં રહી મારા ભણતરની વ્યવસ્થા કરી. એમણે મને સ્કૂલમાં મોકલ્યો અને તેના ખર્ચ માટે સખત મહેનત કરી."

દાદાભાઈના શિક્ષણની શરૂઆત 'નૅટિવ ઍજ્યુકેશન સોસાયટી' દ્વારા સંચાલિત સ્કૂલથી થઈ જે મફત શિક્ષણ પૂરું પાડતી સંસ્થા હતી. આ સંસ્થાની સ્થાપના મુંબઈના ભૂતપૂર્વ ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ ઍલ્ફિન્સ્ટને કરી હતી.

દાદાભાઈની યોગ્યતાને કારણે ઍલ્ફિન્સ્ટન સંસ્થા દ્વારા સ્થપાયેલ કૉલેજ માટે તેમની પસંદગી થઈ.

દાદાભાઈ ભણવામાં તેજસ્વી હોવાથી હંમેશાં પ્રથમ ક્રમે જ પાસ થતા. શિક્ષણકાળમાં તેમણે શરૂથી અંત સુધી એટલાં બધાં પારિતોષિકો અને સ્કૉલરશિપ મેળવી હતી કે તેમના શિક્ષકો તેમને અદ્વિતિય અને મેઘાવી વિદ્યાર્થી માનતા. તે સમયના બ્રિટિશ પ્રોફેસરો પણ તેમને 'ભારતની આશા' કહેવા લાગ્યા હતા.

આગળનું શિક્ષણ તેમણે ઍલ્ફિસ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં લીધું. 1854માં તેઓ આ જ કૉલેજમાં ગણિતના પ્રોફેસર તરીકે જોડાયા.

પોતાના વ્યયસાય ઉપરાંત તેઓ સમાજસુધારણાનું કામ કરતા. તેમણે 'રહનુમા-ઇ-મઝદયરન' સભા નામની પારસી યુવકોની સંસ્થા સ્થાપી જે સમાજસુધારાનું કામ કરતી. આ સંસ્થા દ્વારા પ્રકાશિત થતા માસિક 'રાસ્ત ગોફ્તાર'ના તેઓ તંત્રીપદે હતા.

બ્રિટિશ સંસદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દાદાભાઈ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં ચૂંટાઈ આવનાર પ્રથમ અશ્વેત હતા

ધંધામાં કારકિર્દી શરૂ કરવા તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને 1855માં લંડન સ્થિત પારસી પેઢીમાં ભાગીદાર બન્યા હતા. તેમાંથી છૂટા થઈ તેમણે પોતાનો કૉટન ટ્રેડિંગનો વ્યવસાય 'દાદાભાઈ નવરોજી ઍન્ડ કંપની તરીકે કર્યો' અને ખૂબ મહેનત કરી પોતાનુ કૉમર્સિયલ હાઉસ ઊભું કર્યું.

તેમણે 31 ઑક્ટોબર 1861ના રોજ 'ધી લંડન અંજુમન' નામની સંસ્થાની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓ પારસીઓમાં કુરિવાજો અને અંધશ્રદ્ધા નાથવા માટે પ્રયત્નશીલ હતી.

1862માં તેમણે ઇંગ્લૅન્ડમાં હિંદના લોકોને થતા અન્યાય અને દેશની ગરીબીથી બ્રિટિશરોને વાકેફ કરવા 'ઇસ્ટ ઇન્ડિયન ઍસોસિયેશન'ની સ્થાપના કરી.

'ઇન્ડિયન સિવિલ સર્વિસ'માં ભરતી માટે થતા અન્યાય સામે દાદાભાઈએ આંદોલન છેડ્યું. ભારતીય બુદ્ધિજીવીઓને આગળ લાવવા પ્રયત્ન કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતી.

1869ના જુલાઈ માસમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા મુંબઈના શેરીફ પ્રેમજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં દાદાભાઈ નવરોજીનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં દાદાભાઈને રૂપિયા 25000 આપવામાં આવ્યા ત્યારે દાદાભાઈએ સન્માન પેટે મળેલી રકમ ઇસ્ટ ઇન્ડિયા ઍસોસિયેશનને દાનમાં આપી. તે વખતે ભાવનગર, કચ્છ અને વડોદરાના રાજાઓએ પણ દાદાભાઈનો સન્માનકાર્યક્રમ યોજ્યો હતો.

દાદાભાઈએ વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને બ્રિટિશ એજન્ટ સાથેના પ્રશ્નો હલ કરવામાં મદદ કરી જેનાથી ખુશ થઈને મહારાજાએ 1874માં તેમને વડોદરાના દીવાન નિમ્યા હતા.

પણ દાદાભાઈના દિલમાં તો લોકસેવા કરવાની ભાવના વસી હતી તેથી તેઓ વડોદરાનું મોભાદાર દીવાનપદ છોડી મુંબઈ ગયા અને 1885થી 1888 સુધીના સમયમાં 'બૉમ્બે લૅજિસ્લેટીવ કાઉન્સિલ'ના સભ્ય તરીકે પણ ચૂંટાયા.

1886માં તેઓ બ્રિટિશ પાર્લમેન્ટમાં ચૂંટાવાની ઇચ્છાથી ફરી ઇંગ્લૅન્ડ ગયા.

1892માં તેઓ લિબરલ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા. તેઓ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં ચૂંટાઈ આવનાર પ્રથમ અશ્વેત હતા. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં બાઇબલને સ્થાને જરથોસ્તી ધર્મગ્રંથ અવસ્તાના નામે તેઓ સોગંદ લેતા.

આ રીતે બીજા દેશની પાર્લમેન્ટમાં ચૂંટાઈ આવ્યા હોવા છતાં પોતાના ધર્મગ્રંથને જ મહત્ત્વ આપ્યું હોય તેવા તેઓ પ્રથમ સાંસદ હતા.

તેમણે બ્રિટિશ પાર્લમેન્ટમાં વૃદ્ધો માટે પેન્શન, સ્ત્રીઓના મતાધિકાર અને આયર્લૅન્ડમાં હોમરુલની હિમાયત કરી હતી. સાથોસાથ ત્યાં વસતા ભારતીય લોકોના હિતોની પણ તેમને ચિંતા હતી.

દાદાભાઈએ લખેલું 'પોવર્ટી ઍન્ડ અનબ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા' નામના પુસ્તકમાં તેમણે ભારતમાં ગરીબી, શોષણ અને અન્યાય વિષે વિસ્તૃત અભ્યાસપૂર્ણ રજૂઆત કરી.

કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસની એક બેઠક દરમિયાન મહાત્મા ગાંધી, મોતીલાલ નહેરુ અને અન્ય નેતા

પુસ્તકથી પ્રભાવિત થઈ ઇંગ્લૅન્ડમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ એક વર્ગ ઊભો થયો જેને પરિણામે બ્રિટિશ પાર્લમેન્ટે ભારતની પ્રજાને વધુ લાભ આપવા પડ્યા. સાથે જ ભારતને આર્થિક ન્યાય અપાવવા માટે જેની રચના કરવામાં આવી હતી તે શાહી કમિશનના તેઓ સભ્ય બન્યા.

દાદાભાઈ નવરોજી દેશની રાજનીતિનું કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા.

તેમણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકેનું સુકાન ત્રણ વાર સાંભાળ્યું. આમ દેશમાં સ્વરાજની માગણી કરનાર દાદાભાઈ નવરોજી પ્રથમ હતા.

તેમણે આ દેશને સ્વરાજનો મંત્ર આપ્યો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં અપમાનિત થતાં તેમણે દાદાભાઈ નવરોજીને પત્ર લખી સલાહ માગી હતી. દાદાભાઈ ગાંધીજીથી લગભગ 44 વરસ મોટા હતા. ગોપાલ કૃષ્ણ ગોખલે અને મોહનદાસ કરમચંદ ગાંધી જેવા યુવા રાષ્ટ્રીય નેતાઓ તેમની સલાહ લેતા અને આદર કરતા હતા.

દાદાભાઈ ગાંધીજી માટે એક પ્રેરકબળ હતા કારણ કે દાદાભાઈ નવરોજી પહેલાં કોઈ એવી વ્યક્તિ નહોતી કે જે સ્વાતંત્ર્યની લડતમાં રાહબર બની રહે.

દાદાભાઈ નવરોજી

ઇમેજ સ્રોત, Getty Images

1857નો પ્રથમ વિપ્લવ નિષ્ફળ ગયો અને સમગ્ર દેશમાં નિરાશાનું વાતાવરણ હતું ત્યારે દાદાભાઈ નવરોજીએ દેશ માટે એક ઉદ્દીપક બની સમગ્ર દેશમાં ચેતનાનું વાતાવરણ ઊભું કર્યું હતું. બ્રિટિશ પાર્લમેન્ટમાં ભારતને સ્વતંત્રતા મળે તેના તેઓ સૌ પ્રથમ હિમાયતી હતા.

દાદાભાઈએ પ્રચાર અને પ્રસાર થકી રાજકીય ચેતના જાગૃત કરવા માટે 'મુંબઈ ઍસોસિયેશન' નામની સંસ્થાની સ્થાપના કરી જેનો ઉદ્દેશ લોકોના હિતોનું રક્ષણ કરવાનો હતો.

દાદાભાઈ કન્યાકેળવણીના હિમાયતી હતા. તેઓ સાથીઓ સાથે ઘરેઘરે જઈને માતા-પિતાને દીકરીઓને ભણવા મોકલવા વિનંતી કરતા. તેમની મહેનતથી કન્યાશાળાઓ શરૂ થવા લાગી. જનતાએ માગ્યા વિના જ ધનની મદદ કરીને આ નવી ક્રાંતિનું સ્વાગત કર્યું.

મુંબઈના તે વખતના ગવર્નર લૉર્ડ ફૉક્લૅન્ડે તેમની સરકાર તરફથી તેમને અને તેમના સાથીદારોને અભિનંદન આપ્યાં એટલું જ નહીં, પરંતુ એમનાં કાર્યોને યુગપરિવર્તક પણ ગણાવ્યાં. આમ ભારતમાં મુંબઈથી કન્યાશિક્ષણનો દીપ પ્રગટી ઉઠ્યો જેનો પ્રકાશ સમગ્ર ભારતમાં ફેલાયો.

એ જ રીતે દાદભાઈએ પ્રૌઢશિક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા નેતૃત્વ લઈ 'જ્ઞાનપ્રસારક' કાર્યકર્તાઓની ટોળી ઊભી કરી હતી.

દાદાભાઈ કોઈ પણ જાતના ભેદભાવ રાખતા નહોતા. તેઓ બધાજ ભારતીયોને એક સમાન ગણતા. તેથી તેમણે દરેકનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. આથી તો તેઓ ભારતના રત્ન સમાન 'દાદા' તરીકે ઓળખાયા હતા.

કન્યાકેળવણીના પ્રખર હિમાયતી અને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર બધાને સરખા ગણતા 'હિંદના દાદા'નું 1917માં 91 વર્ષની જૈફ વયે અવસાન થયું.

ગરીબીથી આપબળે આગળ આવનાર મેઘાવી પ્રતિભા એવા દાદાભાઈ નવરોજીએ ભારતીયોને તેમના અધિકારો અને ફરજો અંગે જાગૃત કરવામાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો.

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના તેઓ ત્રણ-ત્રણ વખત પ્રમુખ તરીકે ચૂંટાયા એવા એક મુઠ્ઠી ઉંચેરા માનવી, સવાયા ભારતીય, રૂઢિચુસ્ત વિચારસરણીથી ઉપર ઊઠીને વિચારનાર દાદાભાઈ નવરોજીને આખો દેશ 'હિંદના દાદા'ના હુલામણા નામે આજે પણ યાદ કરે છે.

ભારતીય ટપાલ ખાતાએ દાદાભાઈ નવરોજીની પહેલી ટપાલટિકિટ 1963માં જ્યારે બીજી 1997માં અને ત્રીજી 2017માં બહાર પાડી.

સંદર્ભ :

૧. The Longest August: The Unflinching Rivalry Between India and Pakistan. Nation Books. 2015. p. ૯. ISBN 1568585039. Retrieved 9 ડિસેમ્બર 2015.

૨. Poverty and Un-British Rule in India by Dadabhai Naoroji (Author), Publisher: Ministry of Information and Broadcasting, First Published 1901 by Swan Sonnenschein & Co. Ltd., London, First Indian Edition July 1962

૩. સ્વાધીનતાના મંત્રદ્રષ્ટા દાદાભાઈ નવરોજી લેખક : પંડિત શ્રીરામ શર્મા આચાર્ય,. વર્લ્ડ ગાયત્રી પરિવાર

૪. દાદાભાઈ નવરોજી, લેખક : ધનવંત ઓઝા, પ્રકાશન : પ્રવીણ પ્રકાશન, વર્ષ 2014

૫. હિંદના દાદાઃ દાદાભાઈ નવરોજી લેખક : પ્રા. ચંદ્રકાંત પટેલ, ગુજરાત સમાચાર 25 જુલાઇ 2018

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો