સોમનાથ મંદિરને લૂંટવા જ્યારે ગઝનીથી મહમૂદ નીકળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
વાત એ વેળાની છે, જ્યારે ગુર્જરભૂમિનો સુવર્ણકાળ ગણાતા સોલંકીઓના યુગના હજુ મંડાણ જ થયા હતા.
અગિયારમી સદીનો આરંભ હતો અને સૌરાષ્ટ્રનો મધ્ય, પશ્ચિમ અને ઉત્તરનો ભાગ હજુ સોલંકીઓની સત્તા હેઠળ આવ્યો નહોતો પણ સૌરાષ્ટ્રના દક્ષિણકિનારે એમની આણ વર્તાવા લાગી હતી.
સૌરાષ્ટ્રનો દક્ષિણ કિનારો ખૂબ ફળદ્રુપ તથા સમૃદ્ધ હતો અને એ વખતની દુનિયા સાથેના વેપારનું ત્યાં કેન્દ્ર હતું. સોમનાથ-પાટણ જેવું તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું એવું જ વિશ્વમાં સમૃદ્ધ બંદર અને વેપારી મથક તરીકે પણ જાણીતું હતું.
સોમનાથની સમૃદ્ધિ જેટલી ધર્મસ્થાન તરીકે હતી એટલી જ વેપારથી પણ હતી અને રાજા-મહારાજાઓ સોમનાથમાં આવી વિસામો ખાવાનું પસંદ કરતા હતા.
એ વખતે સોમનાથમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીના અને છેક આસામ જેવાં દૂરદૂરનાં સ્થળોથી યાત્રાળુઓ આવતા અને ચીન તથા અરબસ્તાનનાં વહાણો લાંગરાતાં.
સોમનાથ મંદિરના પુનરુદ્ધાર વખતે આધારભૂત સંશોધન કરનારા ઇતિહાસવિદ્ રત્નમણિરાવ ભીમરાવે પોતાના પુસ્તક 'પ્રભાસ-સોમનાથ'માં સોમનાથની જાહોજલાલીનું વર્ણન કરતાં ઉપરોક્ત દાવો કર્યો છે.
લેખકના મતે 'કોઈ પણ વિધર્મી લૂંટારાને લલચાવા સોમનાથની સમૃદ્ધિ પૂરતી હતી' અને આ સમૃદ્ધિથી લલાચઈને ગઝનીથી મહમૂદ સોમનાથ ચડી આવે એ સ્વાભાવિક હતું.

સુલતાનનો જન્મ

ઇમેજ સ્રોત, Getty Images
શિયાળો હજુ શરૂ નહોતો થયો પણ હિમલાયમાંથી ઊઠતા પવન અફઘાન સરજમીનને ટાઢીબોળ કરાવા લાગ્યા હતા. દિવસે સૂકુંભટ રણ તપતું અને રાત પડે એટલે અફઘાન પર્વતો ઠંડાગાર થઈ જતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઠંડક વળી ગયેલી આવી જ એક રાતે સોમનાથથી 1400 કિલોમિટર દૂર મધ્ય અફઘાનિસ્તાનમાં આવેલા ગઝનીના બાદશાહ સુબકતાઇજીનને સપનામાં હૂંફ વળી ગઈ.
વાત એમ હતી કે બાદશાહે સપનામાં હૂંફાળી અંગીઠી જોઈ અને અંગીઠીમાંથી ઊગતું એવું ઝાડ પણ જોયું કે જે જોતજોતામાં વિશ્વઆખા પર છવાઈ ગયું.
ડૉ. મહમદ નઝીમે લખેલા અબુલ કાસીમ મહમૂદના જીવનચરિત્ર 'ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ સુલતાન મહમૂદ ઑફ ગઝના'માં કરાયેલા ઉલ્લેખ અનુસાર બાદશાહનું આ સપનું તેમના ઘરે ઈ.સ. 971માં પહેલી નવેબમ્બરની મધરાત્રે 'મૂર્તિભંજક સુલતાન'ના જન્મનો સંકેત આપતું હતું.
સબુકતાઇજીનના ઘરે અબુલ કાસીમ મહમૂદનો જન્મ થયો હતો અને વાયકા તો એવી પણ હતી કે એના જન્મની સાથે જ વાઇહંદમાં આવેલું એક મંદિર આપમેળે જ તૂટી પડ્યું હતું.
અલબત્ત, એ વાત અલગ છે કે 'પૅરેલલ લાઇવ્સ' નામે પ્રખ્યાત ગ્રીક અને રોમન હસ્તીઓની આત્મકથા લખનારા પ્લુટાર્કે 'બાદશાહને આવેલા સપના' જેવી જ વાત મહાન સિકંદર માટે પણ લખી હતી.
મહમૂદ સૈન્યકળામાં માહેર, ઉત્તમ તલવારબાજ અને નિશાનેબાજ તેમજ ભાલાયુદ્ધમાં કુશળ યોદ્ધા હોવાનું મહમદ નઝીમનું માનવું છે.
'પ્રભાસ અને સોમનાથ' નામના પુસ્તકમાં શંભુપ્રસાદ દેસાઈ લખે છે, "કુમારાવસ્થામાં જ મહમૂદે તેનાં શક્તિશૌર્ય અને વિચક્ષણતાનો પરિચય આપી દીધો હતો. તેના પિતાના શત્રુઓએ તેની તલવારનું પાણી જોયું અને મિત્રોએ તેની બુદ્ધિની કસોટી કાઢી."
'સુબકતાઇજીનના સૈન્યના સરદાર તરીકે મહમૂદે વીરતા, રાજનીતિ, યુદ્ધકૌશલ તેમજ નેતૃત્વશક્તિનું પ્રદર્શન કર્યું હતું. એણે સાહસ, શૌર્ય અને નીડરતાથી ગઝનીના દરબારમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું.'
પિતા સુબકતાઇજીની આગેવાનીમાં મહમૂદે યુદ્ધકળા શીખી હોવાનું ડૉ. મહમદ નઝીમ લખે છે. પોતાના પિતા સાથે કુમારાવસ્થામાં જ તેણે ઘોરમાં લડાયેલા યુદ્ધમાં ભાગ લીધો હતો અને એની બહાદુરી વખણાઈ હતી.
મહમૂદ પંદર વર્ષનો થયો ત્યારે તેણે પિતા અને હિંદુ રાજા જયપાલ વચ્ચે લડાયેલી લડાઈમાં પણ ભાગ લીધો હતો.
ઈ.સ. 994માં સુબકતાઇજીન અને ફાઇક તથા અબુ અલી સિમુજીરી નામના સરદારો વચ્ચે આવું જ યુદ્ધ લડાયું અને તેમાં મહમૂદ બહાદુરીપૂર્વક લડ્યો.
તેના યુદ્ધકૌશલ્યથી પ્રભાવિત થઈને સુબકતાઇજીને તેને 'સૈફ-ઉદ-દવ્લાહ' (વંશની તલવાર)નો ખિતાબ આપ્યો અને ખુરાસાન રાજ્યનો સેનાપતિ પણ બનાવ્યો. એ વખતે મહમૂદની ઉંમર માત્ર 23 વર્ષની હતી.

મહમૂદનું રૂપ

ઇમેજ સ્રોત, BBC/Punit Barnala
ગઝનવી સામ્રાજ્યનો શાસક મહમૂદ વિશ્વનો પ્રથમ એવો બાદશાહ હતો કે જેણે 'સુલતાન'નો ઇલકાબ ધારણ કર્યો હતો. આ ઇલકાબ મુસ્લિમ ખલિફાની સમકક્ષ ગણાતો હતો.
'હિસ્ટરી ઑફ ઇન્ડિયા ઍસ ટૉલ્ડ બાય ઇટ્સ ઑન હિસ્ટૉરિયન' નામના ગ્રંથમાં સર એચ.એમ. ઇલિયટે કરેલા ઉલ્લેખ અનુસાર 'મહમૂદનું શરીર સુદૃઢ હતું અને બાળપણમાં શીતળાના પ્રકોપને કારણે તેના ચહેરા પર ઊંડા ડાઘ પડી ગયા હતા.'
આવા ડાઘને કારણે મહમૂદ પોતાને કદરૂપો ગણતો હતો. મહમૂદે કરેલી સોમનાથની ચઢાઈ પર લખાયેલા પુસ્તક 'પ્રભાસ અને સોમનાથ'માં શુંભુપ્રસાદ દેસાઈ 'ત્વારીખ-એ-ગુઝીદા'ને ટાંકીને લખે છે:
"એક વાર દર્પણમાં પોતાનું મુખ નીરખી મહમૂદ શોકમગ્ન થઈ ગયો. તેના ચહેરા પર શોક જોઈ તેના વજીરે કારણ પૂછ્યું."
"મહમૂદે જવાબ આપ્યો કે 'સુલતાનના દર્શન માત્રથી લોકોની આંખોનાં તેજ વધી જતાં હોવાનું માનવામાં આવે છે પણ મારું રૂપ તો જોનારને અંધ બનાવી દે એવું છે."
"જેના જવાબમાં વજીરે કહ્યું, 'આંતરિક શક્તિઓ સૌને આકર્ષે છે, એટલે આપ આપના ચારિત્ર્યને નિષ્કલંક કરવા પ્રયાસ કરો. જેથી આપ સૌનાં હૃદયમાં પ્રતિપાત્ર બની શકો."
જોકે, 'ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ સુલતાન મહમૂદ ઑફ ગઝના'માં આનાથી સદંતર જુદો જ મત વ્યક્ત કરવામાં આવ્યો છે.
ડૉ. નઝીમે કરેલા ઉલ્લેખ અનુસાર 'સુલતાન મહમૂદ મધ્યમ કદ અને મજબૂત કાઠું ધરાવતો આકર્ષક પુરુષ હતો. એનો વાન ઊજળો હતો, આંખો ઝીણી હતી. મહમૂદ નાની દાઢી પણ રાખતો હતો.'

ગુલામ માતાનો પુત્ર?

ઇમેજ સ્રોત, Getty Images
14મી સદીમાં લખાયેલા 'જમિયત તવારીખ' નામના ગ્રંથના લેખક રશીદુદ્દીન ફઝલુલ્લાહ બાદશાહ સુબકતાઇજીનના પૂર્વજો બિનમુસ્લિમ હોવાનો દાવો કરે છે.
લેખકના કથન પ્રમાણે ઈરાનની અગ્નિદિશામાં આવેલા મર્વ નામના શહેરમાં તેમનું રાજ હતું.
અહીં હિજરી સંવતના આરંભે તુઘરીલ નામે રાજા રાજ્ય કરતો હતો. આ રાજાના વંશમાં સુબકતાઇજીન થયો હોવાનું રશીદુદ્દીનનું માનવું છે.
આ રાજકુલ યાવાધુઈના નામે ઓળખાતું હતું. 'પ્રભાસ અને સોમનાથ' પુસ્તકમાં કરાયેલા દાવા અનુસાર યાવાઘુઈ એ યાદવનો તુર્કી ભાષામાં થયેલો અપભ્રંશ છે.
'હિસ્ટરી ઑફ ઇન્ડિયા ઍસ ટૉલ્ડ બાય ઇટ્સ ઑન હિસ્ટૉરિયન'માં સર ઇલિયટ લખે છે, "આદિમોંગલોનાં નામોનાં મૂળ શોધવાં લગભગ અશક્ય છે કારણ કે પ્રત્યેક પ્રતમાં જુદી-જુદી જોડણીઓ આપવામાં આવી છે."
"તુર્કોની ભાષામાં એક જ શબ્દને અનેક રીતે લખવામાં આવે છે. જોકે, યાવાઘુઈ શબ્દ ઘણા લેખકોએ સ્વીકાર્યો છે."
આઠમી સદી સુધી ઈરાનની પૂર્વ અને દક્ષિણનો વિસ્તારમાં આર્ય કે બૌદ્ધ ધર્મ અનુસરાતો હતો અને અહીંના રાજાઓ પણ આ જ ધર્મો પાળતા હોવાનું શંભુપ્રસાદ દેસાઈનું માનવું છે.
દેસાઈના મતે મર્વ શહેર પર યુદ્ધની આફત આવી ચડી અને સુબકતાઇજીનને ગુલામ તરીકે પકડાવું પડ્યું.
બુખારાના નાસર હાજી નામના વેપારીએ ગુલામોના બજારમાં સુબકતાઇજીનને ખરીદ્યો હતો અને તેનું રૂપ, બુદ્ધિચાતુર્ય તેમજ શક્તિ જોઈને પોતાની પાસે દાસ તરીકે રાખી લીધો.
નાસર પાસે રહ્યા બાદ તેણે ઇસ્લામ અંગીકાર કર્યો હોવોનો દેસાઈનો મત છે.
ગઝનીનું રાજ સ્થાપનારા અલ્પતીજીને નાસર પાસેથી તેને ખરીધી લીધો હતો અને તેની કાર્યદક્ષતાથી પ્રભાવિત થઈ પોતાના સેનાપતિના પદે નિયુક્ત કર્યો.
એણે બાદમાં અનુપ નામના રાજાને ચર્ખના યુદ્ધમાં હરાવીને ગઝનીનું રાજ મેળવ્યું હતું.
જોકે, 'ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ સુલતાન મહમૂદ ઑફ ગઝના' અનુસાર અબુ મંસૂર સુબકતાઇજીન તુર્કિસ્તાનના એક નાનકડા રજવાડાના રાજકુમાર હતા.
પડોશી કબીલાએ તેના રાજ પર હુમલો કરીને તેને પકડી લીધો હતો અને બાદમાં ગુલામ તરીકે વેચી દીધો હતો. નાસરે અહીંથી જ તેને ખરીદ્યો હતો. મહમૂદ સુબકતાઇજીનો જ પુત્ર હતો.

ગઝનીનો સુલતાન

ઇમેજ સ્રોત, Getty Images
ઈ.સ. 997ના ઑગસ્ટ મહિનામાં સુબકતાઇજીનનું મૃત્યુ થયું. પોતાના અંતિમકાળે તેણે નાના પુત્ર ઇસ્માઇલને પોતાનો ગાદીવારસ જાહેર કર્યો.
ભાઈઓમાં મોટો હોવા ઉપરાંત યુદ્ધકળામાં નિપૂણ અને વધુ લાયક હોવા છતાં મહમૂદને ગાદીનો વારસ જાહેર ન કરવા પાછળનું કારણ તે ગુલામ માતાનું સતાન હોવાનું શંભુપ્રસાદ દેસાઈનું માનવું છે.
જોકે, ડૉ. નઝીમના માનવા અનુસાર મહમૂદનાં માતા ઝબૂલિસ્તાનના ઉમરાવનાં પુત્રી હતાં. ઇસ્માઇલને ગઝની અને બલ્ખની ગાદી સોંપવા પાછળનું કારણ પણ ઇસ્માઇલનાં માતા હતાં.
ઇસ્માઇલનાં માતા ગઝનીના અમીર અલ્પતીજીનનાં પુત્રી હતાં અને અલ્પતીજીન થકી જ સુબકતાઇજીનને ગઝનીની બાદશાહત મળી હતી. અલ્પતીજીને જ ગઝનીમાં હકૂમત સ્થાપી હતી.
ઇસ્માઇલને ગાદી તો મળી પણ સુબકતાઇજીનનો આ નિર્ણય તેનાં સંતાનોમાં સૌથી લાયક ગણતા મહમૂદને પસંદ ન આવ્યો અને તેણે લડી લેવાનું નક્કી કર્યું.
મહમૂદે પોતાના ભાઈને ગઝની પર પોતાની આણ સ્વીકારવા કહેણ મોકલાવ્યું. નઝીમના લખ્યા અનુસાર એ કહેણમાં ગઝનીના બદલામાં બલ્ખ અને ખુરાસાન ઇસ્માઇલને આપવા સહમતી પણ દર્શાવાઈ.
પણ ઇસ્માઇલ મહમૂદની આણ સ્વીકારવા તૈયાર નહોતો એટલે આખરે કહેણના બદલે સમશેરથી બાદશાહત હાંસલ કરવાનું મહમૂદે મન બનાવ્યું.
ઈ.સ. 998ના માર્ચ મહિનામાં બન્ને ભાઈઓ વચ્ચે ગઝનીના મેદાનમાં ધીંગાણું થયું. દિવસભર યુદ્ધ ચાલ્યું અને સાંજ પડતાં જ મહમૂદે લડાઈ જીતી લીધી અને એ સાથે ગઝનીની ગાદી પણ.
મહમૂદે બાદમાં ઇસ્માઇલને મારી નાખ્યો હોવાનું કેટલાય ઇતિહાસકારો માને છે. જોકે, ડૉ. નઝીમના મતે મહમૂદે ઇસ્માઇલને જુઝજનાન મોકલી દીધો હતો અને ત્યાં જ તેણે અંતિમશ્વાસ લીધા હતા.

વાયકાની વાસ્તવિકતા

ઇમેજ સ્રોત, Getty Images
ગઝનીની ગાદી મેળવ્યા બાદ મહમૂદે સલ્તનતના સીમાડા વિસ્તારવાનું નક્કી કર્યું. ઉત્તર તરફ મધ્ય એશિયાથી માંડીને દક્ષિણમાં હિંદ સુધી સુલતાની સમશેર ફરી વળી.
મહમૂદે હિંદના કેટલાય વિસ્તારો ફતેહ કર્યા અને ત્યાંના મંદિરો તોડ્યાં. હિંદની અઢળક સંપત્તિ લૂંટીને પોતાનું ગઝની સમૃદ્ધ કર્યું.
મહમૂદના જીવનચરિત્રમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર યામીન-ઉદ-દવ્લાહ(મહમૂદનું એક નામ) એક બાદ એક વિજય મેળવી રહ્યો હતો અને મંદિરો ધ્વંસ કરી રહ્યો હતો ત્યારે હિંદુઓમાં એવી વાતો વહેતી થઈ હતી કે સોમનાથ તેમના પર કોપાયમાન થયા છે.
જો સોમનાથ પ્રસન્ન હોત તો મંદિર તોડવું તો દૂરની વાત, કોઈ હિંદુને ઈજા પણ કોઈ પહોંચાડી શક્યું ન હોત.
મહમૂદના કાને આ વાત પડી એટલે એણે એ વાયકાની વાસ્તવિકતા ચકાસવા સોમનાથ ભણી કૂચ કરવાનું નક્કી કર્યું.
મહમૂદ અત્યાર સુધી હિંદ પર પંદર ચઢાઈ કરી ચૂક્યો હતો. 'પ્રભાસ-સોમનાથ'માં રત્નમણિરાવ લખે છે કે સોમનાથની ચઢાઈ અને તેમાં મળેલો વિજય હિંદ પર તેણે મેળવેલી અન્ય જીતો પર કળશ ચઢાવે એવી બિના હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પહેલાંની ચઢાઈઓમાં મહમૂદે હિંદુસ્તાનની ભૂમિનું, લોકોનું અને એમની ટેવોનું, લશ્કરોનું અને તેમની લડવાની રીતોનું સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું હતું.
છતાં, સોમનાથની ચઢાઈ એ કોઈ સામાન્ય ચઢાઈ નહોતી. મહમૂદ સારી રીતે જાણતો હતો કે પંજાબ કે ઉત્તર હિંદમાં ધીંગાણું કરીને ગઝની પરત જઈ શકાય એટલું સોમનાથ પરનું સાહસ સરળ નહોતું.
એણે અફઘાનિસ્તાનથી હજાર માઇલનો પંથ કાપવાનો હતો. અનેક હિંદુ રાજ્યો વટાવવાનાં હતાં અને વચ્ચે વિશાળ રેગિસ્તાન પણ પાર કરવાનું હતું.
આ બધુ જ એક વિશાળ અને શક્તિશાળી લશ્કર વગર શક્ય બને એમ નહોતું. વળી, જેટલું મોટું લશ્કર એટલા વધુ પ્રમાણમાં પુરવઠાની પણ જરૂર પડે.
આ બધું પાર ઊતર્યાં બાદ સફળતા મેળવવા માટે વીજળીની ઝડપથી કૂચ કરવી અને કોઈ પણ કારણે, કોઈ પણ જાતનો વિલંબ ન કરવાની વાત ધ્યાને રાખવી.
સોમનાથ પરની ચઢાઈમાં મહમૂદને મળેલા વિજયનું આ એક મુખ્ય કારણ હોવાનું રત્નમણિરાવનું માનવું છે.

સોમનાથ ભણી કૂચ

ઇમેજ સ્રોત, BBC/Punit Barnala
ડૉ. નઝીમે લખેલા મહમૂદના જીવનચરિત્ર અનુસાર 18 ઑક્ટોબર 1025ના સોમવારની સવારે મહમૂદે 30 હજાર ઘોડેસવારો સાથે સોમનાથ તરફ કૂચ આદરી. આ કૂચમાં હજારોની સંખ્યામાં બીજા લડવૈયાઓ પણ જોડાયા.
જોકે, રત્નમણિરાવના મતે સૈનિકોનો આ આંકડો જુદો હતો. 'પ્રભાસ-સોમનાથ'માં જણાવ્યા પ્રમાણે ચોપન હજારનું પગારદાર લશ્કર અને ત્રીસ હજાર મઝહબી સૈનિકો સાથે મહમૂદે સોમનાથ તરફ કૂચનો આરંભ કર્યો હતો.
9મી નવેમ્બરે આ કટક મુલતાન પહોંચ્યું. મુલતાન પર એણે પહેલાંથી જ વર્તાવેલા કાળા કેરના પડઘા હજુ પણ ગૂંજતા હતા અને ત્યાં જ તેણે વિસામો ખાધો.
મુલતાનથી આગળના રસ્તે વિશાળ રણ હતું અને પાણી વગર રણને પાર કરવું અશક્ય હતું. આથી પ્રત્યેક સૈનિકોને બે ઊંટ અપાયાં, જેનાં પર પાણીની મશકો લદાઈ. સુલતાનનો અંગત સરસામાન વીસ હજાર ઊંટો પર લાદવામાં આવ્યો.
લશ્કરને થોડા દહાડા ચાલે એટલું ભાથું અને હાથ-મશકનું પાણી અપાયું. એ ખતમ થાય ત્યારે જ ઊંટ ઉપરનો પુરવઠો વાપરવો એવો હુકમ કરાયો.
રત્નમણિરાવ નોંધે છે એમ એ પાણી ખૂટ્યું ત્યારે ઊંટ ઉપરનું પાણી સૈનિકોને અપાયું અને ઊંટ મારીને એમનાં પેટનું પાણી ઘોડાને અપાયું. એ ઊંટનું માસ સૈનિકોએ ખાધુ અને કૂચ ચાલું રાખી.
રણને પાર કરવાની તમામ તૈયારીઓ કર્યા બાદ સુલતાને 26મી નવેમ્બરે મુલતાન છોડ્યું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રણમાં મહમૂદ સામે પ્રથમ જે સ્થળ પડ્યું એ લોદરવા હતું. લોદરવા ભાંગીને મહમૂદનું સૈન્ય આગળ વધ્યું.
મુલતાનથી ત્રણસો માઇલનું રણ વટાવી મહમૂદ બિકાનેર અને જેસલમેરના રસ્તેથી અજમેર પહોંચ્યો. અજમેરથી બીજો પુરવઠો મેળવવાની મહમૂદે ગોઠવણ કરી.
રત્નમણિરાવ 'પ્રભાસ-સોમનથા'માં લખે છે કે અજમેરના રાજાએ મહમૂદ સામે બીજા રાજાની મદદ માગી હતી પણ એ મળી નહીં એટલે મહમૂદ અજમેરમાં પેઠો ત્યારે તેણે શહેર ખાલી ભાસ્યું.
કટકે અજમેરમાંથી નવો સરંજામ ભેગો કર્યો અને ત્યાંથી આબુ પહોચ્યું. અરજમેરથી આબુ વચ્ચેના નાના રાજાઓએ મહમૂદને નજરાણાં આપ્યાં અને એ રીતે પોતાનો બચાવ કર્યો.
આબુની તળેટીમાં આવેલા ચિકલોદરાથી મહમૂદે અણહિલવાડ પાટણ તરફ પ્રયાણ કર્યું.
મહમૂદનું લશ્કર પાટણમાં પહોંચ્યું ત્યારે પાટણમાં ઠંડી બેસી ગઈ હતી. ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હતો.
'પ્રભાસ અને સોમનાથ' પુસ્તકમાં શંભુપ્રસાદ દેસાઈ લખે છે:
"અણહિલવાડ પાટણમાં એ વખતે ભીમદેવ પહેલાનું રાજ હતું. માલવપતિ મુંજ અને ભોજ પરમાર, ચેદીરાજા કર્ણ અને સિંધના રાજાઓ સામે યુદ્ધે ચડેલો એ રાજા તેના પાદરે પડેલી વિરાટ સેનાને જોઈને નાહિમત થઈ ગયો."
"કાં તો વિનાશ વહોરી લેવો કાં તો શરણે થવું, એમ એની સામે બે જ વિકલ્પો હતા. એટલે 'જીવતો નર ભદ્રા પામે' એ ન્યાય વિચારી પાટણને ઉઘાડું મૂકી, ગુપ્ત માર્ગે પોતાનું પાટનગર પરદેશી સૈન્યની દયા પર છોડી તેણે પલાયન થઈ જવાનું યોગ્ય ધાર્યું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ભીમદેવના કચ્છ ભાગી જવાથી મહમૂદનો માર્ગ મોકળો થયો અને એનો સમય અને શક્તિ બચી ગયાં એટલે સોમનાથના માર્ગમાં તેની સામે કોઈ વિશેષ અંતરાય ન રહ્યો.
અહીંથી મહમૂદ મોઢેરા પહોંચ્યો અને ત્યાં તેને પહેલી વાર મોટો પડકાર નડ્યો.
ડૉ. નઝીમ લખે છે, 'મોઢેરામાં 20 હજાર યૌદ્ધાઓ સુલતાન સામે પડ્યા પણ એ હાર્યા અને વધેરાઈ ગયા.' આરબ ઇતિહાસકાર અલ ઇબ્ન અલ-અથિરને ટાંકીને શંભુપ્રસાદ દેસાઈ લખે છે કે એ યૌદ્ધાઓ સેનાપતિ વિના જ મહમૂદ સામે લડ્યા હતા.
મોઢેરા સર કરીને મહમૂદ ઉના નજીક આવેલા દેલવાડા પહોંચ્યો.
ગઝનીના ફારસી રાજકવિ ફાર્રુખી સિસ્તાની અને અલ ઇબ્ન અલ-અથિરની નોંધ પ્રમાણે એ વખતે ઉના-દેલવાડાની આસપાસ ગાઢ ધૂમ્મસ જામી ગયું હતું અને સૂર્ય દેખાતો બંધ થઈ ગયો હતો. હિંદુઓ માની રહ્યા હતા કે યવનોનો નરસંહાર કરવા માટે સોમનાથે આ કળા કરી હતી.
એ રીતે પડકારને પ્રારબ્ધ પર છોડી દેવાયો એટલે ત્યાં તેણે કોઈ પણ પ્રકારના પ્રતિકારનો સામનો કરવો ન પડ્યો અને 6 જાન્યુઆરી 1026ના રોજ મહમૂદે સોમનાથ ભાળ્યું.
'પ્રભાસ અને સોમનાથ' પુસ્તકમાં કરાયેલા વર્ણન અનુસાર મહમૂદને સોમનાથનું ગગનચૂંબી શિખર, તેની પાછળ સમુદ્રની નીલરંગી આકાશકક્ષાની પાર નીકળી ગયેલું દેખાયું.
તેનો સભામંડપ, રંગમંડપ અને શંકુઆકારનો ઘૂમ્મટ તથા તેનું પ્રાંગણ અને સ્થંભાવલી તથા ગ્રહની આસપાસ ફરતા ઉપગ્રહો હોય તેવાં નાનાંનાનાં અગણિત દહેરાં દેખાયાં. કદી ન કલ્પેલું દૃશ્ય જોઈને મહમૂદ ક્ષણવાર થંભી થયો.
ડૉ. નઝીમના ઉલ્લેખ અનુસાર દરિયાકિનારે એક વિશાળ કિલ્લો બંધાયેલો હતો અને કોટની દીવાલ પર બ્રાહ્મણોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ભીડ મહમૂદની મજાક કરી રહી હતી અને માની રહી હતી કે હિંદના ભગવાનોનું અપમાન કરનારા સુલતાનનો નાશ કરવા માટે જ સોમેશ્વર તેને સોમનાથ ખેંચી લાવ્યા છે.
જોકે, ફારસી ઇતિહાસકાર અબુ સઇદ ગારદેઝીને ટાંકીને ડૉ. નઝીમ લખે છે કે કિલ્લાના સરદારને સોમનાથ અને પોતાની ક્ષમતા પર શંકા હતી અને એટલે જ એ કિલ્લો છોડીને એક ટાપુ પર ભાગી છૂટ્યો હતો. મહમૂદ ગઝની પાછો ન ગયો ત્યાં સુધી તે સરદાર સોમનાથ પરત ફર્યો નહોતો.
રત્નમણિરાવ ભીમરાવની નોંધ અનુસાર મહમૂદને પૂરી ખાતરી હતી કે સોમનાથમાં એને કોઈ મદદ નહીં મળે. વળી તેમને ભીમદેવ હુમલો કરી શકે એવો પણ ડર હતો. તો સોમનાથનો હાકેમ કુમારપાળ પોતાના બનેવી અને માંગરોળના હાકેમની મદદની રાહ જોઈ રહ્યા હતા.
આ વાત જાણતા મહમૂદે પોતાના લશ્કરને જુદી-જુદી ટુકડીઓમાં વહેંચી દીધું અને સોમનાથ સુધી કોઈ મદદ પહોંચવા ન દીધી તથા આ રણનીતિ બાદ એણે કિલ્લા પર હુમલો કર્યો અને સોમનાથ ભાંગ્યું.
મહમૂદ સોમનાથ પહોંચ્યો એ બાદ શું થયું? વાંચો, સોમનાથના મંદિરમાંથી મહમૂદ ગઝનવી કેટલો ખજાનો લૂંટી ગયો હતો?

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















