'પાઈપાઈનો મોહતાઝ છું, ઓળખ છુપાવીને મજૂરી કરું છું', ગુજરાતમાં ફસાયેલા પાકિસ્તાનીની કહાણી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમેરિકામાં રહેતી મારી પત્નીએ મને ભારત જવાની ના પાડી હતી અને હું ભારત આવ્યો. પોલીસે મને નકલી નોટોની હેરાફેરીના કેસમાં પકડ્યો. કોર્ટોએ મને નિર્દોષ છોડ્યો, પણ સરકાર મને પાકિસ્તાન પરત જવા નથી દેતી. પાકિસ્તાનમાં દોમદોમ સાયબીમાં ઉછરેલો છું અને અહીં ભારતમાં ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે..."
આ વ્યથા છે કાયદાકીય ગૂંચમાં ભારતમાં અટવાઈ પડેલા પાકિસ્તાની યુવક સજ્જાદ બુરહાનીની.
29 વર્ષીય સજ્જાદ બુરહાનીનાં મૂળ ગુજરાત સાથે જોડાયેલાં છે. એમનાં માતા સુરતનાં છે અને એમના પિતા હુસેન બુરહાનીનાં લગ્ન સુરતમાં થયાં હતાં.
સજ્જાદના પિતા કરાચીમાં વેપારી હતા અને સજ્જાદે પાકિસ્તાનમાં એમ.એ. કરેલું છે.
25 વર્ષની ઉંમરે એમનાં લગ્ન અમેરિકામાં રહેતાં એમની જ્ઞાતિનાં યુવતી સાથે થયાં હતાં.

સજ્જાદનું ગુજરાત કનેક્શન

ઇમેજ સ્રોત, Bhargav Parikh
સજ્જાદે બીબીસી સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે "કરાચીમાં અમારું મોટું ઘર છે. મારી માતા ગુજરાતી છે. મારું મોસાળ સુરત છે. હું ભણવાની સાથે નાનપણથી ધર્મમાં બહુ માનું છું. મારી માતાનો હું ત્રીજો અને લાડકો દીકરો અને ઘરમાં સૌથી નાનો એટલે બધા મને લાડકોડથી રાખતા હતા."
તેઓ કહે છે, "મને ધર્મમાં ઘણો રસ છે. મારાં લગ્ન મારા પિતાના અવસાન પછી મારી માતાના આગ્રહને કારણે અમેરિકામાં રહેતી યુવતી સાથે થયાં. અમે હનીમૂન કરીને પરત આવ્યા પછી હું અમેરિકાથી પાકિસ્તાન આવ્યો. આ અરસામાં અમારા ધર્મગુરુ સુરત આવવાના હતા. મેં ભારત જવાનું નક્કી કર્યું. હું મારા મામાને ત્યાં વારંવાર આવતો એટલે મારી પાસે ભારતીય વિઝા અને પાસપોર્ટ હતા જ."
સજ્જાદના કહેવા પ્રમાણે તેઓ ડિસેમ્બર 2016માં પાકિસ્તાનથી તેમનાં સગાં માટે ભેટસોગાદ અને ખજૂર લઈને ભારત આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં કહે છે, "મારી પત્ની મને ભારત જવાની ના પાડતી હતી, પણ મારે ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવો હતો એટલે આવ્યો. 12 ડિસેમ્બર, 2016ના દિવસે ભારત આવ્યો ત્યારે અટારી બૉર્ડર પાર મારું ચેકિંગ થયું અને મારો સમાન તપાસવામાં આવ્યો. અને ત્યાંથી હું સુરત આવવા માટે ટ્રેનમાં નીકળ્યો."

નકલી નોટોની હેરાફેરીનો આરોપ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સજ્જાદ કહે છે કે તેમના પર નકલી નોટોની હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સુરતની વાત કરતાં તેઓ કહે છે, "સુરત આવ્યો અને હું સ્ટેશનની બહાર નીકળતો હતો ત્યાં પ્લૅટફોર્મ નંબર-3ના સબવે પાસે મને રોકવામાં આવ્યો અને મારા પર આરોપ મૂકવામાં આવ્યો કે હું ભારતીય બનાવટી નોટો લઈને આવ્યો છું."
"મેં મારો પાકિસ્તાનનો વિઝા અને પાસપૉર્ટ બતાવ્યા. મને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો અને હું 50,000ની નકલી નોટોની હેરાફેરી કરું છું એવો આરોપ મૂકી મારો સમાન, પાસપૉર્ટ, વિઝા જપ્ત કરીને જેલમાં નાખી દેવાયો."
તેઓ વધુમાં જણાવે છે કે "મારા સગાને ખબર પડતાં અને હું નિર્દોષ હોવાથી અમે કેસ કર્યો. ડિસેમ્બર મહિનાથી હું જેલમાં હતો. મારો કેસ ચાલ્યો અને સુરત સેશન્સ કોર્ટના જજ પ્રતાપદાન ગઢવીએ મને નિર્દોષ ઠેરવી 10મી ઑગસ્ટ, 2018ના દિવસે નિર્દોષ છોડી મૂક્યો."
શરત એવી હતી કે પોલીસ જો હાઈકોર્ટમાં જવા માગતી હોય તો તેઓ એ સમય સુધી સુરત ન છોડી શકું અને પોલીસ હાઈકોર્ટમાં ગઈ.
વિઝાની મુદત અંગે વાત કરતાં તેઓ કહે છે, "15 જુલાઈ, 2019ના દિવસે હાઈકોર્ટનાં બે જજ હર્ષ દેવાની અને વી. બી. માયાનીએ સમગ્ર કેસનાં તથ્યો તપાસી મને નિર્દોષ છોડી મૂક્યો. પાકિસ્તાન જવાની મંજૂરી આપી. પણ મારો વિઝા 22 નવેમ્બર, 2018માં પતી ગયો હતો. કાનૂની કાર્યવાહીને કારણે વિઝાની મુદત પુરી થઈ ગઈ છે."
સજ્જાદના કહેવા અનુસાર તેઓએ અનેક સરકારી કચેરીના ધક્કા ખાધા, પણ તેમને પાસપૉર્ટ કે પાકિસ્તાન પરત જવાનો વિઝા મળતો નથી.

'પાકિસ્તાની હોવાથી કામ મળતું નથી'

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
સજ્જાદ બીબીસી સાથેની વાતચીતમાં આગળ કહે છે કે "હાઈકોર્ટની મંજૂરી પછી પણ મને વિઝા મળતા નથી. હું ભારતમાં રહું છું, પણ પાકિસ્તાની હોવાને કારણે મને કોઈ કામ મળતું નથી. પાકિસ્તાન નૉર્થ કરાચીમાં મારુ મકાન છે."
"નાનપણથી પાણી માગું અને દૂધ મળે એવી રીતે ઉછર્યો છું. પણ અહીં છેલ્લાં ત્રણ વર્ષથી છું. પાઈપાઈ માટે મોહતાઝ છું. મારી ઓળખ છુપાવી મજૂરી કરું છું. બે ટંકનું ખાવાનું મળે છે અને એમાંથી બે પૈસા બચાવી મેં પાકિસ્તાન મારા ભાઈ અને અમેરિકા મારી પત્નીને ફોન કરીને મને ભારતથી પાકિસ્તાન પરત લાવવા માટે કંઈક કરવા કહ્યું છે."
તેઓ કહે છે કે પાકિસ્તાન ઍમ્બેસીમાં પણ આ અંગે વાત કરી અને તેની અરજીઓ પણ કરી છે.
તેઓ જણાવે છે કે "મારી અરજીમાં તથ્ય દેખ્યું એટલે પાકિસ્તાન ઍમ્બેસીએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ મારા ફોનમાં બૅલેન્સ ન હોવાથી સંપર્ક થઈ શક્યો નહીં. છેવટે મેં પાકિસ્તાન મારા સગાને વૉટ્સઍપ કર્યો ત્યારે ખબર પડી કે પાકિસ્તાન ઍમ્બેસીએ મને શોધી પાકિસ્તાન પરત લાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી કરી છે."
બીબીસીએ ગુજરાત હાઈકોર્ટમાં સજ્જાદને શોધીને પાકિસ્તાન પરત મોકલવાની માગણી કરતી હેબિયસ કૉર્પસ અરજી કરનાર મુનીર અખ્તર સતીરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો નહોતો.

કાયદાકીય ગૂંચ અને વાપસીમાં મુશ્કેલી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
જોકે અહીં ગુજરાત હાઈકોર્ટમાં સજ્જાદનો કેસ લડી રહેલા વકીલ જીત ભટ્ટનો સંપર્ક સાધતા એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સજ્જાદ બુરહાનીનો કેસ એક રીતે અલગ છે. ગુજરાત હાઈકોર્ટમાં કોઈ પાકિસ્તાની નાગરિક માટે પાકિસ્તાની ઍમ્બેસીએ કરેલો આ પહેલો કેસ છે. સુરતની કોર્ટે સજ્જાદને નિર્દોષ મુક્ત કર્યો છે. એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટે પણ એને નિર્દોષ જાહેર કર્યો છે.
તેઓ કહે છે, "એને પાકિસ્તાન જવું હોય તો જવાનો અધિકાર છે, પણ સુરત પોલીસ દ્વારા એને એન.ઓ.સી. અપાતું નથી જેના કારણે એ પાકિસ્તાન જઈ શકતો નથી. એટલું જ નહીં આ સંજોગમાં પોલીસ દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો સમય પૂરો થઈ ગયો છે ત્યારે સરકારે એને પરત પાકિસ્તાન જવા દેવો જોઈએ."
જીત ભટ્ટ કહે છે, "એના પાસપૉર્ટમાં એપ્રિલ 2016માં પણ ભારતપ્રવાસની વિગતો છે અને એનો વિઝાનો સમય કાનૂની ગૂંચમાં પૂરો થયો છે એટલે સરકારે એને પાકિસ્તાન પરત મોકલવો જોઈએ એવી અમે કોર્ટમાં માગણી કરી છે."
"અમને આશા છે કે ગુજરાત હાઈકોર્ટ આ અંગે ટૂંક સમયમાં એને પાકિસ્તાન જવાની મંજૂરી આપશે."
સજ્જાદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મને પાકિસ્તાન જવા મળશે એ સમયે હું અજમેર દરગાહ જઈ ચાદર ચઢાવીશ અને પછી પાકિસ્તાન જઈશ. પાકિસ્તાન ગયા પછી હું અમેરિકા મારી પત્ની પાસે જઈશ. અમે ત્રણ વર્ષથી એકબીજાને મળ્યા નથી. હું એ પછી હજ કરવા જઈશ. ત્યારબાદ અમે સેકન્ડ હનીમૂન પર જઈશું. મને લાગે છે કે કદાચ આ અમારું સાચું હનીમૂન હશે."

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












