અયોધ્યા : રામમંદિરના ભૂમિપૂજન સમારોહનો ભારત માટે શો અર્થ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સીમા ચિસ્તી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં જીર્ણોદ્ધાર પામેલા સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ 1951માં હતો ત્યારે તે વખતના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ધર્મને સરકારી બાબતોથી દૂર રાખવા માગતા હતા.
તેથી તેમણે રાજેન્દ્ર પ્રસાદને પત્ર લખ્યો હતો કે, "બહેતર રહેશે જો તમે આ પ્રસંગમાં પ્રમુખસ્થાન ન સંભાળો." ઘણા મુસ્લિમ બાદશાહોએ સોમનાથને લૂંટ્યું હતું અને છેલ્લે મુઘલ બાદશાહ ઔરંગઝેબે તેને તોડી પાડ્યું હતું.
સરદાર પટેલે 1947માં તેની મુલાકાત લીધી હતી. ત્યારબાદ 250 વર્ષ પછી સોમનાથ મંદિરનું નવેસરથી નિર્માણ શરૂ થયું હતું.
નહેરુને ચિંતા હતી કે હાલમાં જ પડેલા ભાગલાના સંદર્ભમાં આ પ્રસંગમાં સરકારની સામેલગીરી વિભાજનની ભાવના વધારવાનું કામ કરશે.
"કમનસીબે, ઘણા બધા પ્રતિભાવો પડશે…" એમ નહેરુએ લખ્યું હતું અને એમ પણ લખ્યુ કે, "મને લાગે છે કે આ સમય સોમનાથમાં મોટા પાયે કામગીરી પર ભાર મૂકવા માટેનો નથી."
નહેરુની સલાહને અવગણીને રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ મંદિરના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
તેમણે ધાર્મિક સદભાવનાની ગાંધીની વિચારસરણી પર ખાસ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં સંવાદિતા સધાય તેને ધ્યાનમાં રાખીને તેમણે ધર્મની મૂળ ભાવનાને જ ધ્યાનમાં લેવાનો અનુરોધ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના સાથે સરખામણી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ પાંચમી ઑગસ્ટે સૂચિત રામ મંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે તે સોમનાથનું પુનરાવર્તન નથી.
પહેલી વાત એ કે ભારતના રાષ્ટ્રપતિ, આ સર્વોચ્ચ હોદ્દા પર પહોંચેલા દ્વિતિય દલિત સમુદાયમાંથી આવતા રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન નથી.
તેમની ગેરહાજરી ભારતના જ્ઞાતિવાદી વિભાજનને રેખાંકિત કરે છે.
ભારતમાં કોરોના મહામારી બહુ ઝડપથી ફેલાઈ રહી છે ત્યારે 'મોટા પાયે કામગીરી' સામે વડા પ્રધાનને કોઈ અકળામણ પણ નથી થઈ રહી.
ભારતના અર્થતંત્રની હાલત કથળેલી છે અને દેશની પૂર્વ સરહદે સલામતીની ગંભીર સ્થિતિ ઊભી થયેલી છે ત્યારે મોટા કાર્યક્રમો અંગે કોઈ ચિંતા જણાતી નથી. ઉલટાનું કાર્યક્રમને વધુ ભવ્ય રીતે આયોજન કરવા માટે દેશને તૈયાર કરવામાં આવી રહ્યો છે.
સરયુ નદીના કિનારે આવેલું અયોધ્યા ભારતનું બહુ સુંદર નગર છે અને સમૃદ્ધ ભૂતકાળનો વારસો ધરાવે છે.
બૌદ્ધો આ સ્થળને સાકેત તરીકે ઓળખે છે. છેક હમણાં 15 જુલાઈ સુધી આઝાદ બૌદ્ધ ધર્મ સેનાએ ધરણાનો કાર્યક્રમ કર્યો હતો અને બૌદ્ધ સાધુઓએ અયોધ્યામાં ઉપવાસ શરૂ કર્યા હતા.
તેમનો દાવો છે કે રામ જન્મભૂમિનું સ્થળ એક બૌદ્ધ મઠ હતો અને તેમણે માગણી કરી છે કે યુનેસ્કો દ્વારા આ જગ્યાએ ઉત્ખનન થવું જોઈએ.
જૈનો પણ આ સ્થળ પર દાવો કરે છે અને શીખોના તાર પણ તેની સાથે જોડાયેલા છે. બાબરી મસ્જિદ અહીં 400 વર્ષ સુધી ઊભી હતી અને આ જગ્યા પર ભગવાન રામના જન્મ થયાનો દાવો થયો તે બધાને સંયુક્ત રીતે ભારતના સમૃદ્ધ વારસાના સંમિશ્રણના કેન્દ્ર તરીકે જોઈ શકાય તેમ હતું.
તેના બદલે તેનો ઉપયોગ અલર પ્રકારના રાજકારણને તેજ કરવા માટે થયો અને ધર્મનો ઉપયોગ વિભાજન માટે થયો. ભારતની વ્યાકુળ યુવા જનતા વચ્ચે સમાનતા કેળવવા માટે તેનો ઉપયોગ ના થયો.

1992માં બાબરી મસ્જિદનો ધ્વંસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નજીકનો ભૂતકાળ બહુ ગમગીન છે. ભારતીયોને 'જાગૃત' કરવા માટે 1990માં એલ.કે. અડવાણીએ રથ યાત્રા કાઢી હતી તે 8 રાજ્યોમાં 6000 કિલોમીટરથી વધુ ફરી હતી.
તેની પાછળનો એક ઇરાદો વી.પી. સિંહે અમલમાં મૂકેલા અને ભારતમાં જ્ઞાતિઓ વચ્ચેની અસમાનતા તરફ ધ્યાન ખેંચનારા મંડલ અહેવાલથી ધ્યાન બીજે હઠાવવાનો પણ હતો.
રાજ્યશાસ્ત્રીઓ નોંધ્યું હતું કે 1990માં એકાદ મહિનાથી થોડી વધારે ચાલેલી આ યાત્રાને કારણે દેશમાં રમખાણો અને હિસા થયા અને તેમાં 300 જેટલાં લોકોનાં મૃત્યુ થયાં.
બિહારમાં એ વખતના મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવે સમસ્તીપુરમાં અડવાણીના રથને અટકાવ્યો હતો.
1992માં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી તેના અનુસંધાને પણ હિંસા અને સામાજિક અસંતોષ ભડક્યો જેણે ભારતીય પ્રજાતંત્રને હચમચાવી નાખ્યું.
સર્વોચ્ચે અદાલતે 2019માં અયોધ્યા વિવાદનો ચુકાદો આપતી વખતે સમગ્ર ભૂખંડ મંદિર માટે આપ્યો, પણ સાથે નોંધ પણ કરી હતી કે 6 ડિસેમ્બર 1992ના રોજ મસ્જિદ તોડી પાડવામાં આવી, "તે કાયદાના શાસનને તોડી પાડનારી ઘટના હતી" અને "કે જાહેર ધર્મસ્થાનને ઇરાદાપૂર્વક તોડી પાડવાનું કૃત્ય હતું".
સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે 450 વર્ષ પહેલાં ચણવામાં આવેલી મસ્જિદથી મુસ્લિમોને અયોગ્ય રીતે વંચિત કરવામાં આવ્યા છે.
ઘટનાની તપાસ કરવા માટે બેસાડેલા લિબરહાન પંચનાં તારણો અને જવાબદારોની નક્કી કરવા માટેની ટ્રાયલ વર્ષોથી ચાલી રહી છે, પણ હજી સુધી તે પૂર્ણ થઈ નથી.
આમ છતાં લોકપ્રિય વડા પ્રધાન અયોધ્યામાં મુખ્ય અતિથિ બનવાના છે, ત્યારે મંદિરના નિર્માણને નવભારતના નિર્માણ સાથે સાંકળવાની વાત થઈ રહી છે તેના રાષ્ટ્ર માટે ઘણા સૂચિતાર્થો રહેલા છે.
છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાએ ભારતના મૂળભૂત માળખાને હાનિ પહોંચાડી હતી, તો આ પ્રસંગ આપણે જેને ભારતીય પ્રજાતંત્ર કહીએ છીએ તેને કંઈક નવા સ્વરૂપમાં બદલી નાખે તેવું જોખમ રહેલું છે.

નવભારતમાં કેટલાક લોકો વધારે સમાન છે

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP
પ્રિન્સેટન ખાતેના વિદ્વાન 'ધ ઇમરજન્સી ક્રોનિકલ્સ' જેવું અવૉર્ડ મેળવનારું પુસ્તક લખનારા પ્રોફેસર જ્ઞાન પ્રકાશ કહે છેઃ
"સમાન નાગરિકતાના બંધારણના પાયાના સિદ્ધાંત પર ભૂમિપૂજનનો કાર્યક્રમ આઘાત કરનારો છે."
"સેક્યુલર પ્રજાતંત્રના વિચારની વાત જવા દો, ધર્મને ધ્યાનમાં લીધા વિના બધા જ નાગરિકો સમાન છે તે મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંત જ હવે સલામત રહ્યો નથી."
"ભાજપની સરકાર અને દબાણમાં આવી ગયેલું ન્યાયતંત્ર પદ્ધતિસર આપખુદ હિંદુ રાષ્ટ્રનો પાયો નાખી રહ્યા છે. આંબેડકર અને નહેરુના આત્મા અત્યારે અકળાતા હશે!"
અધિકારોમાં ભાગ આપવાના, પ્રતીકાત્મક વિકલ્પ માટે પણ અદાલતો અને કેન્દ્ર વિચારવા તૈયાર નથી અને સરકારના ચહેરાને, અને કેટલાક કહે છે તે પ્રમાણે સૌથી અગત્યના અને કદાચ એક માત્ર ચહેરાને પૂર્ણપણે ધાર્મિક કાર્યક્રમમાં જોતરી દેવા માગે છે.
અત્યાર સુધી ભારતીય રાષ્ટ્ર સર્વ ધર્મ સમભાવ સાથે જોડાયેલું હતું તે બાબતમાં પણ સંદેશ જઈ રહ્યો છે.
કેટલાક લોકો બીજા કરતાં વધારે સમાન છે. આ ખાનગીમાં થઈ રહેલું કાર્ય નથી, પણ ઇતિહાસ, સંદર્ભ અને આ સ્થળને કારણે જે વિભાજન ઊભું થયું હતું તેના કારણે ભારતીય રાષ્ટ્રની ઓળખને મરડવાનો ખુલ્લેઆમ પ્રયાસ છે.

ધર્મ અને રાજ્યનું જોડાણ - આ માત્ર શરૂઆત છે

ઇમેજ સ્રોત, Getty Images
આ મુદ્દે 'સમાધાન' માટેના અનેક પ્રયત્નો દરમિયાન 'મુસ્લિમ' પક્ષને ઘણી વાર કહેવાયું હતું કે આ જતું કરવાનું અને વાતનો તંત મૂકવાની વાત છે.
પરંતુ નોર્વેજિયન સ્કૂલ ઑફ થિયોલૉજી, રિલિજન એન્ડ સોસાયટીના વિદ્વાન અને ઓસ્લો યુનિવર્સિટીના સેન્ટર ફૉર રિસર્ચ ઑન એક્સ્ટ્રિમિઝમના એવિયન લીડિગ કહે છેઃ "ભારતીય પ્રજાતંત્રના નવા સ્વરૂપની અને નવા પ્રકારના જોરની શરૂઆત છે.
રામમંદિરના ભૂમિપૂજનનું કાર્ય વડા પ્રધાનના હસ્તે પાંચમી ઑગસ્ટે થશે તે 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે પછીની હિન્દુત્વ માટેની ઐતિહાસિક ઘડી હશે.
અગાઉ અમુક હિંદુ રાષ્ટ્રવાદી તત્ત્વોએ તોફાનો કર્યાં હતાં, જ્યારે આજે સરકાર સમર્થિત કાર્યક્રમ દ્વારા હિંસાને વાજબી ઠેરાવાઈ રહી છે.
રામમંદિરનું નિર્માણ બહુલવાદી રાષ્ટ્રવાદનું પ્રતીક છે, જેમાં બીજા બધા ધર્મો કરતાં હિંદુ ધર્મને વધુ મૂલ્યવાન ગણવામાં આવે છે.
ભારતના સમૃદ્ધ ધાર્મિક વૈવિધ્ય છતાં બીજા ધર્મોને "રાષ્ટ્રવિરોધી" ગણવામાં આવે છે."
તેઓ ભાર મૂકતા કહે છે, "મોદી સરકાર તરફથી હિંદુવાદી એજન્ડાનો આ છેલ્લો પ્રસંગ હોય તેવું નહીં હોય. કેમ કે હવે કેન્દ્રસ્થાને રામમંદિર જેવા સાંસ્કૃત્તિક સ્થળો છે, સ્થાનિક અને વિદેશ નીતિના મુદ્દાઓ નહીં."

હિંદુકરણ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ ભારતીય પ્રજાતંત્ર, 'નહેરુવાદી' યુગનો જો અંત આવી ગયો હોય અને આ દ્વિતિય ભારતીય પ્રજાતંત્રની સૌથી નક્કર નિશાની હોય એમ કેટલાક વિદ્વાનો માને છે કે.
એક એવો તબક્કો જેમાં ભારત ખુલ્લેઆમ રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવનારાની પંગતમાં બેસે છે અને જે રાષ્ટ્રોમાં નાગરિકતા ધર્મ કે વંશના આધારે નક્કી થતી હોય તેવા રાષ્ટ્રોની હરોળમાં આવે છે.
વિદ્વાન ક્રિસ્ટોફર જેફરલોટ કહે છે કે તારીખની પસંદગી કરવામાં આવી છે તે માત્ર મંદિરના ભૂમિપૂજનથી વિશેષ કંઈક રજૂ કરે છેઃ
"આ તારીખ પસંદ કરવામાં આવી તે દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરને કાગળ પર સ્વાયત્તતા મળેલી હતી તે રદ કરી દેવામાં આવી અને બાબરી મસ્જિદને જગ્યાએ રામમંદિર બનાવી દેવામાં આવ્યું તેની પાછળનો હેતુ એક જ છે: બંધારણના બહુલવાદી માળખાની જગ્યાએ ભારતને હિંદુ રાષ્ટ્રમાં બદલી નાખવું. ભારત ઇઝરાયલ, તુર્કી, પાકિસ્તાન એવા ઘણા દેશોના પગલે જ ચાલી રહ્યું છે."
મહાત્મા ગાંધીએ 9 ઑગસ્ટ, 1942માં હરિજનમાં લખ્યું હતું કેઃ
"હિંદુસ્તાન અહીં જન્મેલા અને ઉછરેલા, બીજા કોઈ દેશની આશા ના રાખવાના બધા લોકોનું છે. તે રીતે તે હિંદુઓ જેટલું જ પારસી, બેની ઇઝરાયલ, ભારતીય ખ્રિસ્તી, મુસ્લિમ અને બીજા બિન-હિંદુઓનું છે."
"આઝાદ ભારત હિંદુ રાજ નહીં હોય, પણ ભારતીય રાજ હશે જે કોઈ એક ધર્મની કે કોમની બહુમતીના આધારે ધર્મના ભેદ વિના બધા જ લોકોનું પ્રતિનિધિ હશે."

નિષ્કર્ષ
આ રીતે રામમંદિરનું ભૂમિપૂજન એ નવા અને વિશેષાધિકારના વિચાર સાથેના ભારતીય રાષ્ટ્રનો શિલાન્યાસ છે.
કરુણતા એ છે કે આ બધું સૌને પ્રિય એવા ભગવાન રામના નામે, જેમને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે તેમના નામે થઈ રહ્યું છે.
1990ની રામરથયાત્રાએ રામને સીયાપતિના પ્રેમાળ સંબોધનમાંથી મુક્ત કરી દીધા, સીયારામની જગ્યાએ શ્રીરામના નારા લગાવી દેવાયા.
હવે પ્રયાસ થઈ રહ્યો છે તેમનો ઉપયોગ કરીને સંકુચિતતાનું ચિત્ર ઊભું કરવામાં આવે.
તેને નવીન ભારત કદાચ કહેવામાં આવશે, પણ તે કદાચ આધુનિક ભારતીય પ્રજાતંત્રના અંત સમાન હશે.
(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












