એક ભારતીયને જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન બનવાની ઑફર મળી

    • લેેખક, ફારૂક આદિલ
    • પદ, કટારલેખક

1956નો જુલાઈ મહિનો પાકિસ્તાનના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 'પાકિસ્તાન ક્રૉનિકલ' (સંપાદનઃ અકીલ અબ્બાસ જાફરી)માં 31 જુલાઈ વિશે લખાયું છે કે આ દિવસે વડા પ્રધાન ચૌધરી મહંમદ અલીને હઠાવવા માટેની રાજકીય હલચલ તેજ થઈ ગઈ હતી અને તેઓ રાજનીતિમાં એકલા પડી ગયા હતા.

ઇસ્કંદર મિર્ઝાને ચૌધરી મોહમ્મદ અલીની જગ્યાએ આવેલા હુસૈન શહીદ સહરવર્દીને ઘરભેગા કરી દેવામાં સફળતા મળી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

વડા પ્રધાન ચૌધરી જે સમસ્યાઓમાં ઘેરાઈ ગયા હતા તે કંઈ રાતોરાત ઊભી થઈ નહોતી. હકીકતમાં 13 જુલાઈએ એક એવી ઘટના બની હતી કે જેના કારણે તંત્ર પરનો સરકારનો કાબૂ સરકી ગયો હતો.

કરાચીમાં કમિશનર અને ગૃહસચિવે છૂપી પોલીસના કાર્યાલય પર દરોડો પાડ્યો અને ત્યાં રાખવામાં આવેલા ટેલિફોન ટેપિંગનાં સાધનોને કબજે કરી લીધાં. છૂપી પોલીસ પ્રધાનો અને ઉચ્ચ સરકારી અમલદારોના ફોનનું ટેપિંગ કરવાનું કામ કરી રહી હતી.

આ ઘટનાને કારણે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ. સાથે જ દેશમાં રાજકીય નેતાગીરી અને અમલદારશાહીના ખભા પર ચડીને સત્તા પર કાબૂ જમાવવા માગતા સ્થાપિત હિતો વચ્ચે આના કારણે મોટી તિરાડ પડી ગઈ.

સત્તામાં ટકી રહેવા માટે જાતભાતના પેંતરા લગાવવાનું શરૂ થયું. તેમાં એક પેંતરો હતો ચૂંટણીઓને સ્થગિત કરી દેવાનો.

ભૂતપૂર્વ ગૃહમંત્રી અને તે વખતના પ્રમુખ મેજર જનરલ (નિવૃત્ત) ઇસ્કંદર મિર્ઝા ચૂંટણી અટકાવી રાખવા માગતા હતા.

વન યુનિટને કારણે ઊભી થયેલી સમસ્યાનો લાભ પોતાના સ્વાર્થ માટે કરી લેવાનું ઇસ્કંદર મિર્ઝાએ નક્કી કરી નાખ્યું હતું.

ઇસ્કંદર મિર્ઝાને થોડા સમયમાં જ ચૌધરી મહંમદ અલીની જગ્યાએ આવેલા હુસૈન શહીદ સુહરાવર્દીને ઘરભેગા કરી દેવામાં સફળતા મળી હતી.

તેમણે હવે એ જ વિચારવાનું હતું કે ચૂંટણીમાં વડા પ્રધાન ફિરોઝ ખાનનો સામનો કરવાનું કેવી રીતે ટાળી દેવામાં આવે. આ માટે તેમણે સૌપ્રથમ ભૂતપૂર્વ રિયાસત કલાતના શાસક મીર અહમદયાર ખાનને વિશ્વાસમાં લીધા.

"મેં ભોપાલના નવાબને બોલાવી લીધા છે. તેમને વડા પ્રધાન બનાવી દઈશું અને હું રાષ્ટ્રપ્રમુખ તો છું જ. પછી બધું બરાબર થઈ રહેશે."

મેજર જનરલ (નિવૃત્ત) ઇસ્કંદર મિર્ઝાએ કલાતના ખાન મીર અહમદયાર ખાનને આ વાત ધીમેથી કાનમાં જણાવી.

"બસ, તમે કોઈ એવો રસ્તો શોધી કાઢો કે આ બધાં કામ કોઈ અવરોધ વિના પૂરાં થઈ જાય."

બીજા જ દિવસે ભોપાલના નવાબ સર હમીદુલ્લા ખાન પાકિસ્તાનની રાજધાની કરાચીમાં હતા.

આ રીતે પોતાના ઇરાદાને પાર પાડવામાં બસ હવે થોડો સમય જ બાકી રહ્યો હતો. ગાલિબે કહ્યું હતું તે પ્રમાણે - "દો ચાર હાથ જબકિ લબ એ બામ રહ ગયા."

line

ઇસ્કંદર મિર્ઝાની યોજનાનો આરંભ

ઝીણા અને કલાતના ખાન

ઇમેજ સ્રોત, KHAN OF KALAT FAMILY ARCHIVE

કલાતના ખાનના પુસ્તક 'ઇનસાઇડ બલૂચિસ્તાન'માં જણાવ્યા અનુસાર તે વખતે પાકિસ્તાનના સ્થાપક મહમદ અલી ઝીણાનાં બહેન ફાતિમા ઝીણા, મુસ્લિમ લીગના અધ્યક્ષ અબ્દુલ કય્યૂમ ખાન અને એક વર્ષ પહેલાં સુધી દેશના વડા પ્રધાન તરીકે રહેલા અને પૂર્વ પાકિસ્તાનના સશક્ત નેતા હુસૈન શહીદ સુહરાવર્દી વિપક્ષોની આગેવાની કરી રહ્યાં હતાં.

પાકિસ્તાનની જનતા આગામી ચૂંટણીની રાહ જોઈ રહી હતી. સામી બાજુ રાષ્ટ્રપ્રમુખ ઇસ્કંદર મિર્ઝાને જોખમ લાગતું હતું કે આ મોટા નેતાઓની સામે તેમનું ખાસ ઉપજવાનું નથી.

આ જોખમને જોઈને જ ઇસ્કંદર મિર્ઝાએ એક નવી યોજના બનાવી. તેમાં એક અગત્યની ભૂમિકા ભોપાલના નવાબ અને કલાતના ખાને ભજવવાની હતી.

1957ના ઉનાળાની આ વાત છે. બલૂચિસ્તાનનું રણ તાંબાની જેમ તપી રહ્યું છે. બલૂચિસ્તાનની પૂર્વ રિયાસત કલાતની પ્રજા, આગેવાનો અને વડીલોનાં દિલોમાં પણ બેચેની છવાયેલી છે.

સૌને જોખમ દેખાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં કલાતની પ્રાદેશિક પરંપરા અને બલોચ સંસ્કૃતિ માત્ર સ્મરણમાં જ રહી જશે. પરંપરાની સુરક્ષા માટેનું વચન કાયદે આઝમે આ ક્ષેત્રની જનતાને આપ્યું હતું.

બીજા શબ્દોમાં આ જોખમની વાત કરીએ તો તેનો આધાર વન યુનિટની એ રીતનો હતો, જેને ખતમ કરી દેવા માટે સરકારી અમલદારો તત્પર હતા. અમલદારો તેને ખતમ કરી દેવા એવી રીતો અપનાવતા હતા કે સ્થાનિક લોકો ચિંતામાં પડી જતા હતા.

થોડા સમય બાદ શિયાળો આવ્યો અને તેની એક ઉદાસ સાંજે કલાતના ખાને કાયદે આઝમના એક જુનિયર સાથી મિર્ઝા જવાદ બેગ સાથે મુલાકાત કરી. તે જમાનામાં કરાચીમાં ભારે ઠંડી પડતી હતી અને લોકોએ ઓવરકૉટ પહેરવો પડતો હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તે સાંજે કલાતના ખાન પણ ઓવરકૉટમાં હતા. માથા પરની ઊનની ટોપીને ઉતારીને તેમણે દુખી સ્વરોમાં કહ્યું કે "જોઈ લેજે મિર્ઝા, ચોરદરવાજાથી આવનારી સત્તામાં આપણે ક્યાંયનાય નહીં રહીએ."

મિર્ઝા જવાદ બેગે એ દિવસોને યાદ કર્યા કે જ્યારે કલાત અને બલૂચિસ્તાનમાં શહેરોમાં સ્થાનિક વડીલો અને કબિલાના મુખીઓ વચ્ચે સલાહસૂચનોથી કામ ચાલતું હતું.

કલાતના ખાનને લાગ્યું કે બલૂચિસ્તાનના લોકોની લાગણીને રાહત થાય તેવાં પગલાં લેવામાં નહીં આવો તો થોડા જ સમયમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

દિવસો વીતવા લાગ્યા અને બલૂચિસ્તાનના રણમાં અકળાવનારી ગરમી થોડી ઓછી થઈ.

બરાબર તે જ દિવસોમાં કબિલાના મુખીઓનું એક પ્રતિનિધિમંડળ કલાતના ખાનની મુલાકાતે પહોંચ્યું. પોતાની સુરક્ષા અને ફરિયાદોના છ મુદ્દાનું આવેદનપત્ર તેમને આપવામાં આવ્યું.

આવેદનપત્રમાં યાદ કરાવાયું કે 1948માં કલાત રિસાયતને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવી ત્યારે કાયદે આઝમે તમને ખાતરી આપી હતી કે સ્થાનિક રીતરિવાજો અને પરંપરાનું સન્માન કરવામાં આવશે.

પરંપરાની સાચવણી કરવાનું વચન અપાયું હતું, પણ કમનસીબે આજે સ્થિતિ વિપરીત જણાઈ રહી છે.

આવી મુલાકાતોનો સિલસિલો આગામી દિવસોમાં પણ ચાલતો રહેવાનો હતા. એટલે સુધી કે 8 ઑક્ટોબર, 1957ના રોજ બલૂચિસ્તાનના 44 કબિલાના મુખીઓનું એક પ્રતિનિધિમંડળ ઇસ્કંદર મિર્ઝાને પણ મળ્યું.

કલાતના ખાનની આગેવાનીમાં પ્રતિનિધિઓએ તેમને પણ એ આવેદન સોંપ્યું જે ઘણા મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યું હતું.

ઇસ્કંદર મિર્ઝાએ ખાતરી આપી કે તમારી માગણીઓ પર સહાનુભૂતિ સાથે વિચાર કરવામાં આવશે. સાથે જ કલાતના ખાનને સલાહ આપી કે તમારે કાનૂની રીતે પણ કેટલાંક પગલાંની સલાહ લેવી જોઈએ.

line

કલાતના ખાન અને ઇસ્કંદર મિર્ઝાની એ મુલાકાત

હુસૈન શહીદ સુહરાવર્દી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુસૈન શહીદ સુહરાવર્દી

પ્રતિનિધિમંડળ પરત જવા લાગ્યું ત્યારે રાષ્ટ્રપ્રમુખ ઇસ્કંદર મિર્ઝાએ કલાતના ખાનને કહ્યું કે તમે મારા મહેમાન તરીકે આજે રોકાઈ જાવ. એ રીતે કલાતના ખાન આગામી 15 દિવસો સુધી પ્રમુખ નિવાસસ્થાનમાં મહેમાન તરીકે રહ્યા. 20 ઑક્ટોબર, 1957 સુધી તેઓ મહેમાનગતિ માણતા રહ્યા.

આ જ 15 દિવસોમાં ઇસ્કંદર મિર્ઝાને લાગ્યું કે પોતાના મગજમાં ચાલી રહેલી યોજનાઓને પાર પાડવા માટેનો સંકેતો મળી રહ્યા છે.

ઇસ્કંદર મિર્ઝાએ પોતાની વાતની શરૂઆત જ કલાતના ખાનની દુખતી રગ દબાવીને કરી. તેમણે ભૂતપૂર્વ રિસાયત અને વન યુનિટ સાથે તેના સંબંધોની વાત કાઢી.

ઇસ્કંદર મિર્ઝાએ કલાતના ખાનને કહ્યું કે બ્રિટનના એક મોટા જાણકાર ધારાશાસ્ત્રી મૅક નાયર છે. તેમણે સલાહ આપી કે ધારાશાસ્ત્રીને મળવું જોઈએ અને તેમની પાસેથી એ કાનૂની રીત જાણવી જોઈએ કે ભૂતપૂર્વ રિયાસતને વન યુનિટથી અલગ કરવાનો કોઈ માર્ગ છે ખરો.

કલાતના ખાનને આ સલાહ ગળે ઊતરી ગઈ. તેઓ લંડન જવાની તૈયારી કરવા લાગ્યા. (વિદેશયાત્રા માટે ઇસ્કંદર મિર્ઝાએ તેમને સારા એવા વિદેશી હૂંડિયામણની વ્યવસ્થા કરી આપેલી.)

ઇસ્કંદર મિર્ઝાને ખાતરી થઈ કે કલાતના ખાન હવે પૂરી રીતે તેમની જાળમાં આવી ગયા છે ત્યારે તેમણે આગળની યોજના અમલમાં મૂકી.

કલાતના ખાનના પુસ્તક 'ઇનસાઇડ બલૂચિસ્તાન'માં જણાવ્યા અનુસાર ઇસ્કંદર મિર્ઝાએ તેમને કહ્યું કે, "ચૂંટણી માથે આવીને ઊભી છે અને તમે જાણો છો તે રીતે હું વધુ એક મુદત માટે રાષ્ટ્રપ્રમુખ બનવા માગું છું. પરંતુ ચૂંટણીપ્રચાર માટે મોટી મૂડીની જરૂર પડે તેમ છે. મારી પાસે એટલું ભંડોળ નથી. તેના માટે જો તમે 50 લાખ રૂપિયાનો ફાળો આપો તો કામ આસાન થઈ જશે."

આવી દરખાસ્ત સામે કલાતના ખાન કોઈ જવાબ આપે તે પહેલાં જ ઇસ્કંદર મિર્ઝાએ પોતાના દિલની વાતો તેમની સામે રાખી દીધી.

તેમણે કહ્યું કે આપ બહાવલપુર અને ખૈરપુરની ભૂતપૂર્વ રિયાસતના શાસકો પર દબાણ કરીને તેમની પાસેથી અનુક્રમે 40 અને 10 લાખ રૂપિયા અપાવી દો પણ ચાલે.

જો આવી રીતે ચૂંટણીભંડોળ મળતું હોય તો પોતે રાષ્ટ્રપ્રમુખ બને તે પછી કલાતની સાથે બહાવલપુર અને ખૈરપુરની રિયાસતને પણ વન યુનિટથી અલગ કરવા તૈયાર થઈ જશે.

આ વાતચીત દરમિયાન આગામી દિવસોમાં રિયાસતોની કાનૂની લડત અને આગામી ચૂંટણીમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે છે તેની ચર્ચા પણ થઈ છે એવી કલ્પના કરી શકાય છે.

કલાતના ખાને લખ્યું છે કે તેમણે એવું વિચાર્યું હતું કે ઇસ્કંદર મિર્ઝા આગામી મુદતમાં પણ રાષ્ટ્રપ્રમુખ બની રહેવા માગતા હોય તો તેમણે દેશના રાજકારણીઓ સાથેના પોતાના સંબંધોને દોસ્તીમાં બદલી નાખવા પડે.

જોકે ઇસ્કંદર મિર્ઝાને દોસ્તી કરવાની વાત પસંદ ના પડી, કેમ કે તેમણે નક્કી કરી નાખ્યું હતું કે પોતાની ધારણા પ્રમાણે ચૂંટણીનાં પરિણામો આવવાના ના હોય તો પછી તેઓ માર્શલ લૉ લાગુ કરતા અચકાશે નહીં.

સલાહસૂચનોનો આ સિલસિલો લાંબો ચાલ્યો અને આ બાબતમાં એકાંતમાં થયેલી વાતચીતમાં ઇસ્કંદર મિર્ઝાએ જણાવ્યું કે તેમણે ભોપાલના નવાબને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે અને તેમને વડા પ્રધાન તરીકેનું પદ સંભાળી લેવા અનુરોધ કર્યો છે.

આ રીતે પોતે રાષ્ટ્રપ્રમુખ બની જાય અને દેશમાં માર્શલ લૉ લાગુ કરી શકે. પોતાની મરજી પ્રમાણે પરિણામો આવવાની શક્યતા ના હોય ત્યાં સુધી માર્શલ લૉ તેઓ ચાલુ રાખી શકે.

line

કલાતના ખાનની અસહમતી

બલૂચિસ્તાન

ઇમેજ સ્રોત, Amazo.com

કલાતના ખાને લખ્યું છે કે આ વાત સાંભળીને તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા.

તેમણે ઇસ્કંદર મિર્ઝાને પૂછ્યું કે શું તમે આ બાબતમાં કમાન્ડર ઇન ચીફને વિશ્વાસમાં લીધા છે? (તે વખતે લશ્કરના વડાને ચીફ ઑફ આર્મી સ્ટાફ કહેવામાં આવતા નહોતા.) સેના પર તેમનું જ નિયંત્રણ હોય ત્યારે તેમને વિશ્વાસમાં લીધા સિવાય ચાલે તેમ નહોતું.

ઇસ્કંદર મિર્ઝાએ જવાબ આપ્યો તે અગાઉ કરતાંય વધારે ચોંકાવનારો હતો. તેમણે કહ્યું, "જો અય્યૂબ ખાન આડા આવવાની કોશિશ કરશે તો સમય બગાડ્યા વિના તેમને ખતમ કરી દેવાશે."

તે સાંજે કોઈ પાર્ટીમાં કલાતના ખાનની મુલાકાત અય્યૂબ ખાન સાથે થઈ. બંનેએ પશ્તો ભાષામાં વાતચીત કરી હતી અને તેમણે ઇસ્કંદર મિર્ઝાના ઇરાદા વિશે ઈશારો કરી દીધો.

ખાનના જણાવ્યા અનુસાર આ સાંભળીને અય્યૂબ ખાન લાલચોળ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે દેશના રાષ્ટ્રપ્રમુખને આવું પગલું લેવાની સલાહ તેઓ ક્યારેય નહીં આપે.

બીજા જ દિવસે ભોપાલના નવાબ સર હમીદુલ્લા ખાન કરાચી પહોંચ્યા. અહીં સવાલ એ થતો હતો કે એવા કયા ભરોસાના કારણે ઇસ્કંદર મિર્ઝાએ કલાતના ખાનને ખાનગી યોજનાઓ જણાવી દીધી. અને શા માટે તેમણે ભોપાલના નવાબને દેશનું સૌથી મહત્ત્વનું પદ સોંપવાનું નક્કી કર્યું?

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને નવાબના સગા શહરયાર એમ. ખાનનાં પત્નીના જણાવ્યા અનુસાર તેમના બંનેના પરિવારોના ઘણા જૂના સંબંધો હતા.

ભોપાલના નવાબ જ્યારે પણ પાકિસ્તાન આવતા ત્યારે ઇસ્કંદર મિર્ઝાને ત્યાં જ ઉતારો કરતા હતા. એ જ રીતે ઇસ્કંદર મિર્ઝા પણ આરામ માટે કરાચીના મલેર વિસ્તારમાં આવેલા નવાબના ફાર્મહાઉસ પર આવતા હતા.

પાકિસ્તાનની સ્થાપના વખતે નવાબે ફાર્મહાઉસ ખરીદ્યું હતું.

આ સંબંધ ભારત અને પાકિસ્તાનની ભૂતપૂર્વ રિયાસતોના (ભોપાલના નવા હમીદુલ્લા ખાન અને મુર્શિદાબાદના શાસકોના વારસ ઇસ્કંદર મિર્ઝાના) શાસક વચ્ચેના પારિવારિક સંબંધો પણ હતા.

એ જ રીતે કલાતના ખાનનો દાવો હતો કે ભોપાલના નવાબ સાથે તેમની જૂની દોસ્તી જ નહીં, ભાઈચારાનો સંબંધ હતો.

મુર્શિદાબાદના ભૂતપૂર્વ શાસકોના પરિવાર સાથે સંબંધ ધરાવતા ઇસ્કંદર મિર્ઝાને ભોપાલના નવાબ સાથે કલાતના ખાનના સંબંધો કેવા હોય તેનો અંદાજ હોય જ. તેથી જ તેમણે પોતાના રાજકીય ભવિષ્યની યોજના માટે તેમને વિશ્વાસમાં લીધા હતા.

line

ભોપાલના નવાબ કરાચીમાં

ભોપાલના નવાબ હમીદુલ્લાહ ખાન (જમણે)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભોપાલના નવાબ હમીદુલ્લાહ ખાન (જમણે)

આ જ કારણસર ભોપાલના નવાબ કરાચી પહોંચ્યા કે તરત જ કલાતના ખાનને મળ્યા હતા.

તેમને ઇસ્કંદર મિર્ઝાએ આપેલી ઑફર વિશે તેમની સાથે ચર્ચાવિચારણા કરી હતી. કલાતના ખાન અને ભોપાલના નવાબ વચ્ચે આ મુલાકાતમાં શું વાતચીત થઈ તે વિશે પણ 'ઇનસાઇડ બલૂચિસ્તાન' પુસ્તકમાં વિગતવાર લખવામાં આવ્યું છે.

પુસ્તકમાં જણાવ્યા અનુસાર કલાતના ખાને સમય બગાડ્યા વિના મૂળ મુદ્દાની જ વાત કાઢી અને મહેમાનને પૂછ્યું કે શા માટે તેઓ પાકિસ્તાનની મુલાકાતે આવ્યા છે.

ભોપાલના નવાબઃ "મારી અહીંની મુલાકાતનું કારણ એ યોજના છે, જેમાં મારું નામ સામેલ કરવામાં આવ્યું છે. મેં ઇસ્કંદર મિર્ઝાની ઑફર સ્વીકારી લીધી છે અને હવે મારી ઇચ્છા છે કે હું તેની વિગતો જાણી લઉં."

કલાતના ખાન: "સ્થિતિ અલગ પણ ઊભી થઈ શકે છે, કેમ કે મારા માનવા મુજબ તમારું નામ આ યોજનામાં એટલા માટે સામેલ કરવામાં આવ્યું છે કે તેઓ (ઇસ્કંદર મિર્ઝા) પોતાનો ફાયદો મેળવી લે." (આ સાંભળીને નવાબ મૂંઝવણમાં પડી ગયા).

ભોપાલના નવાબ: "રાષ્ટ્રપ્રમુખના દિમાગમાં જે ચાલી રહ્યું હોય, પણ આવું હોય તો મારો આ યોજના સાથે કોઈ સંબંધ નથી."

કલાતના ખાને લખ્યું છે કે આ વાતચીત પછી સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. તેમણે નવાબને વિશ્વાસમાં લઈને જણાવ્યું કે ઇસ્કંદર મિર્ઝા સત્તા જતી રહેવાની વાતથી ગભરાયા છે અને તેના કારણે આવા વહીવટી ઉપાયો અને કાવતરાં કરી રહ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કલાતના ખાને રાજકીય પક્ષોની જૂથબંધી વિશે વિગતે માહિતી આપી અને તેમને જણાવ્યું કે સત્તા પર હવે ઇસ્કંદર મિર્ઝાના દહાડા પૂરા થવામાં છે.

તેમને બહુ જલદીથી પ્રમુખના હોદ્દા પરથી હઠાવી દેવામાં આવશે. તે પોતે આમાંથી બચી જવા માટે આપણને બંનેને બલિના બકરા બનાવવા માગે છે.

આ બધું જાણ્યા પછી ભોપાલના નવાબે કલાતના ખાનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, "અલ્લાની મહેરબાની કે તમારી સાથે મારી મુલાકાત પહેલાં જ થઈ ગઈ. મને આ યોજના વિશે વિચારવાની તક મળી ગઈ."

બે પૂર્વ રિયાસતના આ બે શાસકો વચ્ચે ઇસ્કંદર મિર્ઝાની યોજના વિશે ચર્ચા દરમિયાન ભોપાલના નવાબે એ પણ જણાવ્યું કે તેમને ભારત સરકાર તરફથી વર્ષે 20 લાખ રૂપિયાનું સાલિયાણું મળે છે, સન્માન અને પુરસ્કાર તથા વિશેષાધિકારો મળેલા છે. સાથે જ બ્રિટનમાં તેમનો મોટો બિઝનેસ પણ ચાલી રહ્યો છે.

બંને વચ્ચે એવી પણ ચર્ચા થઈ કે તેઓ ઇસ્કંદર મિર્ઝાની આ ઑફરને સ્વીકારી લે તો આ બધાનો ત્યાગ કરવો પડે.

બીજી બાજુ ઇસ્કંદર મિર્ઝાની યોજના સફળ થાય તેવી કોઈ શક્યતા પણ દેખાતી નહોતી.

બીજા જ દિવસે ભોપાલના નવાબ ઇસ્કંદર મિર્ઝાને મળ્યા. જોકે તેમણે કલાતના ખાન સાથે થયેલી વાતચીતનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.

પોતાની સત્તા બચાવી રાખવા માટે મિર્ઝાએ કરેલી આવી બાલિશ યોજનામાં સામેલ થવાની સ્પષ્ટ ના તેમણે ન પાડી, પરંતુ ઇસ્કંદર મિર્ઝાને એવું કહ્યું કે બ્રિટનમાંથી પોતાના બિઝનેસને સમેટવામાં અને ભારતમાં પોતાની સંપત્તિઓના નિકાલ માટે તેમને થોડા સમયની જરૂર પડશે.

ભોપાલના નવાબ ભારત પરત જતા રહ્યા તે પછી બીજા દિવસે કલાતના ખાન અને ઇસ્કંદર મિર્ઝા વચ્ચે મુલાકાત થઈ. આ મુલાકાત ત્રણ કલાક ચાલી. આ વખતે ઇસ્કંદર મિર્ઝાએ ખાનને જણાવ્યું કે એપ્રિલ 1958માં પરત આવવાનું વચન આપીને નવાબ ગયા છે.

જોકે ઇસ્કંદર મિર્ઝાએ શંકા પણ વ્યક્ત કરી કે નવાબ પરત આવશે કે નહીં, ત્યારે કલાતના ખાને તેમને હૈયાધારણ આપવાની કોશિશ કરી હતી.

line

પુસ્તકમાં રહસ્ય ખૂલ્યું

પાકિસ્તાનના પૂર્વ સૈન્યપ્રમુખ અય્યૂબ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના પૂર્વ સૈન્યપ્રમુખ અય્યૂબ ખાન

પાકિસ્તાનના રાજકારણની આ સનસનાટીભરી અને નાટકીય ઘટનાની જાણકારી કલાતના ખાને પોતાના પુસ્તકમાં આપી છે.

1975માં પુસ્તક પ્રકાશિત થયું હતું અને રહસ્ય ખૂલ્યું હતું. આખી યોજના માત્ર તેઓ ત્રણ જણ જ જાણતા હતા એટલે આટલાં વર્ષો સુધી આખી યોજના પર પડદો પડેલો રહ્યો હતો.

ભોપાલના નવાબે પોતાને ઇસ્કંદર મિર્ઝાની યોજનાથી અળગા કરી લીધા, પરંતુ ઇસ્કંદર મિર્ઝા પોતાની ઇચ્છાઓને રોકી શક્યા નહોતા. તેમણે પોતાની યોજના અનુસાર માર્શલ લૉ લાગુ કરવાની જાહેરાત પણ કરી દીધી, પણ તેમાં તે જાતે જ પાથરેલી જાળમાં ફસાઈ ગયા.

તે પછી તો દુનિયા બદલી ગઈ અને ભોપાલના નવાબના પરિવારે પાકિસ્તાનમાં ઘણા મોટા હોદ્દાઓ હાંસલ કર્યા હતા.

તેમાં એક શહરયાર એમ. ખાન પણ હતા. તેઓ પાકિસ્તાનના વિદેશસચિવ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ બન્યા હતા.

બીબીસીએ આ રસપ્રદ ઐતિહાસિક ઘટનાઓ વિશે તેમની સાથે વાચતીત કરી ત્યારે તેમના ચહેરા પર ફિક્કું હાસ્ય પ્રગટ થયું હતું.

તેમણે આ વાતને અનુમોદન આપતા કહ્યું કે "હા, નવાબસાહેબને આવી ઑફર કરવામાં આવી હતી."

આગળની વાત એવી છે કે પોતાની યોજના સફળ ના રહી તેનો ગુસ્સો ઇસ્કંદર મિર્ઝાએ કલાતના ખાન પર ઉતાર્યો હતો. તેમને પકડીને લાહોરની જેલમાં પૂરી દેવાયા હતા.

કલાતના ખાન પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાના કાવતરામાં સામેલ હતા.

ડૉક્ટર મોહમ્મદ વસીમે પોતાના પુસ્તક 'પૉલિટિક્સ ઍન્ડ ધ સ્ટેટ ઇન પાકિસ્તાન'માં ઇસ્કંદર મિર્ઝાએ મૂકેલા આવા આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે આવા આક્ષેપોને બહાનાં બનાવીને તેઓ માર્શલ લૉ લાગુ કરવા માગતા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3