મહારાષ્ટ્ર : 10મા ધોરણમાં ભણતો કિશોર ગાય લાવ્યો અને દૂધ વેચીને લાખોપતિ બની ગયો

- લેેખક, સરફરાઝ સનદી
- પદ, સાંગલીથી બીબીસી માટે

- દસમા ધોરણમાં ભણતા સંતોષ માણે ગાયનું દૂધ વેચીને લાખોપતિ બન્યા છે
- કોરોના લૉકડાઉન દરમિયાન સંતોષે તેમના પિતાને ગાય લાવી આપવા કહ્યુ હતું
- ગાયના પાલનથી ખર્ચને બાદ કરતાં તેમને મહિનાના 9 હજાર રૂપિયા મળતા હતા
- ત્યારબાદ બીજી 4 ગાય ખરીદી અને તેમાંથી ખર્ચ કાઢતા નફો આશરે 70-80 હજાર થાય છે
- સંતોષ કઈ રીતે નાની ઉંમરે આવી સફળતા મેળવી, વાંચો એની કહાણી

સંતોષ માણે દસમા ધોરણના વિદ્યાર્થી છે. સંતોષ 16 વર્ષની ઉંમરે એક ગાય લાવ્યા હતા અને તેનું દૂધ વેચીને લાખોપતિ બન્યા છે. તેઓ સાંગલીના જત તાલુકાસ્થિત કુલ્લાલવાડીમાં રહે છે. નાની વયે સંતોષે જે કરી બતાવ્યું છે તે અવિશ્વસનીય છે.
જત એવો વિસ્તાર છે જ્યાં હંમેશાં દુષ્કાળનો ખતરો રહે છે. જત તાલુકામાં રહેતા ઘણા પરિવારો દર વર્ષે શેરડીની લણણીની મજૂરી માટે સ્થળાંતર કરે છે. દશેરા બાદ એટલે કે ઑક્ટોબર આસપાસ શેરડીની લણણી શરૂ થાય છે. શેરડીની લણણી કરવા માટે કૉન્ટ્રેક્ટર્સ તેમને પસંદ કરીને લઈ જતા હોય છે. પેટ માટે લોકો પોતાનાં ઘરોને તાળાં મારીને બહારગામ મજૂરી કરવા જાય છે.
આવો જ એક પરિવાર સંતોષનો છે જેમાં તેમની સાથે તેમનાં માતા, પિતા, ભાઈ અને બે મોટી બહેનો છે.
કોરોનાની મહામારી દરમિયાન લૉકડાઉન શરૂ થયું હતું ત્યારે સંતોષ સાતમા ધોરણમાં ભણતા હતા. તેમનાં માતાપિતા શેરડીની લણણી કરવા મજૂરીઅર્થે જઈ રહ્યાં હતાં, એવામાં સંતોષે તેમના પિતાને કહ્યું કે તેઓ તેમને ગાય લાવી આપે જેનાથી તેઓ ઘર ચલાવવામાં મદદ કરી શકે.
પહેલા તેમના પિતાએ ના પાડી પણ પછી પૈસા આપ્યા. સંતોષે તેમાંથી એક ગાય ખરીદી.
સંતોષ કહે છે, "ગાયનું પાલનપોષણ ખૂબ સહેલું હતું. ગાય દિવસમાં ત્રણ વખત દૂધ આપે છે અને તેનું વેચાણ પણ સહેલું હતું. એટલે મેં મારા પપ્પાને કહ્યું કે ગાય લઈ આપો. "
"પહેલાં તેમણે ના પાડી. મેં તેમને આગ્રહપૂર્વક સમજાવ્યા તો તેમણે મને 65 હજાર રૂપિયા આપ્યા. તે પૈસા તેઓ શેરડીમાં મજૂરી કરીને કમાયા હતા. "
"એમાંથી મેં જર્સી ગાય ખરીદી. શરૂઆતમાં ગાય દિવસનું 24 લિટર દૂધ આપતી હતી. તે સમયે દૂધનો ભાવ ઓછો હતો અને આશરે 22 રૂપિયા જેવો હતો. એમ છતાં 5 હજાર રૂપિયાના ખર્ચને બાદ કરીને મને મહિનાના 9 હજાર રૂપિયા મળતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મહિનામાં 80 હજારનો નફો?

આખો પરિવાર હવે સંતોષ અને તેમના ડેરીના વ્યવસાયને સહકાર આપે છે.
એક ગાય બાદ તેમણે બીજી ચાર ગાયો ખરીદી છે. પાંચ ગાય મળીને દિવસનું સરેરાશ 105 લિટર દૂધ આપે છે. તેઓ 35 રૂપિયા પ્રતિલિટર દૂધ વેચે છે.
માણે પરિવાર દરરોજ આશરે 3,600 રૂપિયા કમાય છે. તેમાંથી 1 હજાર રૂપિયાનો ખર્ચ કાઢી નાખવામાં આવે તો તેમના હાથમાં 2500 રૂપિયા આવે છે.
સંતોષ કહે છે, "હું દરરોજ ડેરીમાં દૂધ આપું છું. દર મહિને આ દૂધનાં નાણાં મને મળે છે. હવે આવક એક લાખ આસપાસ થઈ ગઈ છે. તેમાંથી ખર્ચ કાઢી નાખીએ તો નફો આશરે 70-80 હજાર થાય છે."
દૂધના વ્યવસાયની સાથે સાથે જ સંતોષનું ભણતર પણ ચાલી રહ્યું છે. તેમણે વેપારની અસર શિક્ષણ પર થવા દીધી નથી.
તેમની એક નિર્ધારિત દિનચર્યા છે.
સંતોષ કહે છે, "દરરોજ અમે પાંચ વાગ્યે ઊઠીએ છીએ, તબેલો સાફ કરીએ છીએ અને ગાયોને નીરણ આપીએ છીએ. "
"એ પછી થોડું વાંચીને 11 વાગ્યે સ્કૂલે જઉં છું. બપોરે ઘરમાં જે કોઈ હાજર હોય તે ગાયને નિરણ આપી દે છે. સાંજે સ્કૂલેથી આવ્યા બાદ ફરી ગાયને ચારો આપું છું અને તબેલો સાફ કરું છું. દૂધ દોહું છું અને ડેરીએ પહોંચાડું છું. "
"આ મારી રોજની દિનચર્યા છે. મેં ક્યારેય સ્કૂલમાં ગેરહાજરી નોંધાવી નથી."

સારા દિવસો આવી ગયા....

ડેરીના વ્યવસાયની સફળતા બાદ હવે તેમનો પરિવાર ખેતી તરફ પણ વળ્યો છે.
સંતોષના પિતાએ ખેતરમાં બે કૂવા ખોદાવ્યા છે અને તેના પર બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
બંને કૂવામાં પાણી આવે છે. હવે તેઓ ખેતરમાં શેરડી, મકાઈ અને તુવેર જેવા પાકનું વાવેતર કરે છે.
ગયા વર્ષથી હવે સંતોષનાં માતા મંગલ માણેએ ગામડેગામડે જઈને શેરડીની ખેતીની લણણીની મજૂરી બંધ કરી દીધી છે. હવે તેઓ સંતોષ સાથે તેમના વેપારમાં જોડાયાં છે.
મંગલ માણેને ક્યારેય લાગતું ન હતું કે આવા સારા દિવસો પણ આવશે.
સંતોષના ચહેરા પર 'સંતોષ'ના ભાવ દેખાય છે અને તેઓ કહે છે, "માતાએ મજૂરી માટે જવાનું આ વર્ષે છોડી દીધું છે. આવતા વર્ષની સિઝનમાં મારા પિતા પણ નહીં જાય. છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં અમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે."
સંતોષના પિતા દાદાસો માણે કહે છે કે "બાળકોના ભણતર અને લગ્નનો ખર્ચ એટલો વધી રહ્યો છે કે છેલ્લાં 35 વર્ષથી અમારી પાસે શેરડીની લણણીની મજૂરી કરવા જવા સિવાય રસ્તો બચ્યો ન હતો."
તેઓ કહે છે, "અમે નાનપણથી શેરડીની લણણીના કામમાં મજૂરી કરીએ છીએ. અમારાં બાળકોનાં ભરણપોષણ માટે એ જરૂરી પણ હતું. અમે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રહીએ છીએ. મોટા દીકરાને આશ્રમશાળામાં મોકલ્યો હતો. નાનો દીકરો અને દીકરી ક્યારેક અમારી સાથે રહેતાં તો ક્યારેક ગામડે તેમનાં દાદી સાથે. ઘર પણ ઇંદિરા આવાસયોજનામાં બન્યું હતું. તે પહેલાં અમે એક ઝૂંપડીમાં રહેતા હતા."

'અમારા કરતાં પણ સંતોષની આવક વધારે'

ઇમેજ સ્રોત, PRAJAKTA DHULAP/BBC
"છેલ્લાં 35 વર્ષથી જે અમે શેરડીના ખેતરોમાં મજૂરી કરતા હતા તે બંધ થઈ જશે અને આ શક્ય બન્યું છે સંતોષના કારણે. એક મહિનો દૂધ વેચીને અમને જે રકમ મળે છે, તે છ મહિના સુધી શેરડીના ખેતરમાં મજૂરી કરીને મળતી ન હતી. સંતોષની આવક અમારા કરતાં વધારે છે. તે મહિનાના 50થી 70 હજાર રૂપિયા કમાય છે."
દાદાસો માને છે કે જો સંતોષને દૂધ વેચવાના વેપારનો વિચાર ન આવ્યો હોત, તો આજીવન શેરડીના ખેતરોમાં જ મજૂરી કરવી પડી હોત.
નાનપણથી જ સંતોષ તેમનાં માતાપિતા સાથે શેરડીના ખેતરોમાં જતા હતા.
પહેલાં તેઓ સ્કૂલે જતા નહોતા પરંતુ એક વખત જિલ્લાપરીષદના શિક્ષકોએ શાળાએ ન જનારાં બાળકોની ખોજ કરી અને એ રીતે સંતોષને સ્કૂલમાં દાખલો અપાવ્યો.
તેમને દાખલો અપાવનારા શિક્ષક હતા ભક્તરાજ ગરજે.
તેઓ સંતોષ વિશે કહે છે, "2015માં સંતોષ સ્કૂલની બહાર મળ્યો હતો. અમે તેમનાં માતાપિતા સાથે વાત કરી અને તેમને સમજાવ્યા. રાઇટ ટૂ ઍજ્યુકેશન અંતર્ગત તેમને બીજી સ્કૂલમાં ઍડમિશન મળ્યું હતું. પરંતુ તેમનું શિક્ષણ મુશ્કેલીમાં હતું કેમ કે તેમનો પરિવાર દર વર્ષે સ્થળાંતર કરતો હતો."

30 ગાયોનું સપનું

ગરજે કહે છે, "શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે વિદ્યાર્થીની છૂપાયેલી પ્રતિભાને ઓળખવી અને તેમને પ્રોત્સાહન આપવું. શિક્ષણની સાથે અમે સંતોષને બીજા પણ પાઠ ભણાવ્યા છે જે આજે તેને કામે લાગી રહ્યા છે. "
"ઉદાહરણ તરીકે ઓછા પાણીએ કેવી રીતે કેટલાક પાક ઉગાવવો. તેની મદદથી સંતોષ હવે ગાયો માટે જાતે જ ચારો ઉગાડે છે. હવે તે દૂધવ્યવસાય વિશે વધારે સમજવા માટે પશુપાલનનો અભ્યાસ કરવા માગે છે."
ગરજે ઉમેરે છે, "જો નાની ઉંમરે બાળકોના હાથમા પૈસા આવી જાય તો તેઓ ઊંધા રસ્તે ચાલવા લાગે છે. પરંતુ સંતોષ સાથે એવું નથી."
"સંતોષને જે પૈસા મળ્યા, તેનો તેણે યોગ્ય ઉપયોગ કરીને ધંધો આગળ વધાર્યો. સાથે તેણે પોતાના શિક્ષણ પર પણ ધ્યાન આપ્યું. આપણે પરીક્ષામાં સારા માર્ક્સ લઈ આવે તેમને સારા વિદ્યાર્થી માનીએ છીએ. પણ મને લાગે છે કે સંતોષ જેવાં બાળકો પણ મેરિટમાં આવે છે. તેમને મળેલી સફળતા પર અમને ગર્વ છે."
સંતોષ નાની ઉંમરે સફળ ઉદ્યોગસાહસિક બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે તેમનો ઉદ્દેશ છે કે ભવિષ્યમાં તેમની પાસે 30 ગાયો હોય.
સંતોષનું ટર્નઑવર લાખો રૂપિયાનું થયું છે છતાં તેમના ચહેરા પર અહંકાર જોવા મળતો નથી. સંતોષની આ પ્રેરણાદાયી કહાણી ન માત્ર તેમના ગ્રામજનોને પણ આસપાસનાં બીજાં ગામના લોકોને પણ પ્રેરણા આપે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













