લમ્પી : ગુજરાતમાં હજારો પશુઓનો ભોગ લેનારો આ વાઇરસ આટલો ઝડપી કઈ રીતે ફેલાયો?

ગાય
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • લમ્પી વાઇરસની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં જોવા મળી છે. એકલા કચ્છમાં 37,000 જેટલાં પશુઓ બીમાર પડ્યાં છે
  • રાજ્યના કૃષિમંત્રીએ કહ્યું છે કે રાજ્યભરમાં 1,935 ગામોમાં આ વાઇરસનો કેર જોવા મળ્યો છે
  • રાજ્ય સરકાર વાઇરસના લીધે 1400 પશુનાં મોત થયાં હોવાનું ગણાવે છે જ્યારે પશુપાલકોના મતે 25,000 કરતાં વધુ પશુ મૃત્યુ પામ્યાં છે
  • ખેડૂતોએ પોતાનાં પાલતુ પશુઓને આઇસોલેટ કરી લીધાં પણ રખડતાં ઢોરોનું શું?
લાઇન

ગુજરાત સરકાર જાણે સફાળે જાગી હોય તેમ અચાનક જ લમ્પી વાઇરસ પર રોક માટે તમામ જિલ્લાઓમાં આરોગ્યકર્મીઓની ટીમો ઉતારી દીધી છે. ગુજરાત સરકારના આંકડા મુજબ, રાજ્યમાં લમ્પી વાઇરસથી 1400થી વધુ પશુઓનાં મૃત્યુ થયા છે. જોકે બિનસરકારી અહેવાલો 25,000થી વધારે પશુઓનાં મૃત્યુનો અંદાજ લગાવી રહ્યા છે.

આ વાઇરસની ગુજરાતમાં છેલ્લાં બે વર્ષથી હાજરી હોવા છતાં સરકાર તેની સામે અસરકારક પગલાં ભરી શકી ન હોવાનું ઘણા ખેડૂતોનું માનવું છે.

મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કેર સૌથી વધુ જોવા મળ્યો છે. આ વાઇરસની અસર રાજ્યના 20 જિલ્લામાં જોવા મળી છે અને એના લીધે 54,000 જેટલાં પશુઓ બીમાર પડ્યાં છે.

લમ્પી વાઇરસની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં જોવા મળી છે. એકલા કચ્છમાં 37,000 જેટલાં પશુઓ બીમાર પડ્યાં છે.

આ પહેલાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે રાજ્યભરમાં 1,935 ગામોમાં આ વાઇરસનો કેર જોવા મળ્યો છે.

કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે હાલમાં વિવિધ ટીમ બનાવીને દરેક જિલ્લામાં કલેક્ટરની આગેવાનીમાં આ મામલે કામગીરી કરાઈ રહી છે.

આ માટે ગાંધીનગરની કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દેખરેખ રાખી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બીબીસીએ આ અંગે રાજ્યના પશુપાલકો, નિષ્ણાતો તેમજ પાંજરાપોળના સંચાલકો સાથે વાત કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે લમ્પી વાઇરસ રાજ્યમાં આટલો ઝડપી કેમ ફેલાઈ રહ્યો છે? મોટા પાયે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું હોવા છતાં સરકારી તંત્રને આ વાઇરસ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી કેમ નડી રહી છે?

line

સરકાર રખડતા ઢોરનું રસીકરણ કેમ નથી કરતી?

વીડિયો કૅપ્શન, લમ્પી વાઇરસ : ગુજરાતનું એ ગામ જ્યાં સેંકડો ગાયો ટપોટપ મરી ગઈ

સૌ પ્રથમ એ જાણી લઈએ કે લમ્પી વાઇરસ આવ્યો ક્યાંથી અને પશુધનમાં એ કેવી રીતે ફેલાય છે.

યુરોપિયન ફૂડ સેફ્ટી ઑથૉરિટી પ્રમાણે આ બીમારી પશુઓની ચામડી પર વાઇરસને કારણે થાય છે અને આ વાઇરસ એક ખાસ પ્રકારની માખી, મચ્છર કે જીવાણુ થકી એક પશુથી બીજા પશુમાં પ્રસરે છે.

આ વાઇરસથી બીમાર પશુને તાવ આવે છે અને મૃત્યુ પણ થઇ શકે છે. લમ્પી વાઇરસના રોગી પશુને મારી નાંખવું પડે છે, જેથી રોગ બીજા પશુઓમાં ન ફેલાય.

લમ્પી વાઇરસ ગુજરાતમાં પ્રથમ બે વર્ષ પહેલાં મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો હતો. ત્યારે આણંદ, ખેડા સહિતના જિલ્લામા સૌથી વધારે અસર થઇ હતી.

તે સમયે ડેરીઉદ્યોગો પશુપાલકોની મદદે આવ્યા હતા અને મોટા પાયે રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

હાલમાં આ વાઇરસ મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો પ્રમાણે ગુજરાતમાં લમ્પી વાઇરસના ફેલાવા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે.

પ્રથમ કારણ એ કે શહેરો અને ગામડાંમા રસ્તે રખડતા ઢોરને કારણે આ રોગ પર નિયંત્રણ મેળવી શકાતું નથી.

ગુજરાતના પશુપાલન વિભાગના નાયબ નિયામક ડૉ.અમીત કાનાણી બીબીસી સાથે વાત કરતાં કહે છે, "આ રોગ માખી-મચ્છરથી એક પશુથી બીજા પશુમાં ફેલાય છે. રખડતા ઢોરને લમ્પી વાયરસનું સંક્રમણ થાય તો તેને એક જગ્યાએ રાખવાં મુશ્કેલ થઈ જાય છે અને માટે તે જ્યાં જાય ત્યાં પશુઓમાં આ રોગ ફેલાય છે."

તેમણે વધુમાં કહ્યું કે, "સામાન્ય રીતે રસી આપ્યાના થોડા દિવસો બાદ પશુમાં રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે, પરંતુ તે માટે પણ થોડા દિવસ રાહ જોવી પડે છે, એટલે જ આ રોગ હાલમાં આટલો ઝડપથી ફેલાઇ રહ્યો છે તેવું લાગી રહ્યું છે."

line

પશુપાલકોને માહિતગાર કરવામાં વિલંબ

ગાય

હાલમાં લમ્પી વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગના ફેલાવાનું બીજું મુખ્ય કારણ ખેડૂતો અને પશુપાલકોમાં આ રોગ વિશેની માહિતીનો અભાવને પણ માનવામાં આવી રહ્યું છે.

જેતપુરની પાંજરાપોળના સંચાલક પ્રવીણ પાટોલિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "જેતપુર અને તેની આસપાસનાં ગામોમાં ઘણા ખેડૂતોને આ રોગ વિશે વધુ માહિતી નથી."

તેઓ ઉમેરે છે, "રાજકીય કાર્યક્રમમાં લોકોને ગામેગામથી બસો, ટ્રકો ભરીને સભા સ્થળે લઈ જવામાં આવે છે, તેવી જ રીતે જો આ રોગ અંગેની જાગૃતિ યોગ્ય સમયે ખેડૂતોમાં ફેલાવાઈ હોત તો આટલા બધા પશુઓ આ રોગને કારણે ન મર્યાં હોત."

પ્રવીણ પાટોલિયા સહિત ઘણા પશુપાલકોનું માનવું છે કે સરકાર પાસે જે આંકડા છે, તે માત્ર અમુક જ વિસ્તારના અમુક જ પશુઓના છે, ખરેખર તો મૃત પશુઓની સંખ્યા 30,000થી વધુ છે. રખડતાં પશુઓની નોંધ સરકારી ચોપડે થઈ નથી.

તેઓ માને છે કે ઘણા લાંબા સમય સુધી ખેડૂતો લમ્પી વાઇરસ વિશે અજાણ હતા, તેમને એ જાણ જ નહોતી કે આ રોગથી પોતાનાં પશુઓને બચાવવા માટે તેમણે પોતાના પશુઓની આસપાસના વિસ્તારમાં માખી, મચ્છર જેવાં જંતુઓનો નાશ કરવો પડે.

line

"કોરોનાની બીજી લહેર જેવી કામગીરી"

ગાય

ઇમેજ સ્રોત, Patcharamai Vutipapornkul

ઘણા ખેડૂતોએ પોતનાં પશુઓને ગામથી દૂર, વાડી વિસ્તારોમાં રાખ્યા છે.

જોકે આ પશુઓ પણ લમ્પી વાઇરસનો શિકાર થઈ રહ્યાં છે.

એક નિવૃત પશુચિકિત્સકે પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "કોરોનાની બીજી લહેર સમયે જે રીતે સરકાર કામ કરી રહી હતી, બિલકુલ એ જ રીતે આ વાઇરસની સામેની લડાઇમાં પણ સરકારે કામ કર્યું છે."

તેઓ જણાવે છે કે વૅક્સિનેશન ડ્રાઇવ ચલાવવાનો સરકાર પાસે પૂરતો સમય હતો પણ એણે રોગને ફેલાવવા પૂરતો સમય આપ્યો અને પરિણામે હજારો પશુઓ મરી ગયાં.

તેમના મતે જો આ કામગીરી બે મહિના પહેલાં કરાઈ હોત તો આ રોગ ઘણા અંશે કાબૂમાં આવી ગયો હોત.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન