લઠ્ઠાકાંડ: કોઈ ગટર કામદાર તો કોઈ ખેતમજૂર, ઝેરી દારૂનો ભોગ ગરીબ શ્રમજીવીઓ જ કેમ બને છે?

રોજિદ ગામના મૃતક વશરામ વાઘેલાના સંબંધીઓ

ઇમેજ સ્રોત, Pawan Jayswal

ઇમેજ કૅપ્શન, રોજિદ ગામના મૃતક વશરામ વાઘેલાના સંબંધીઓ
    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

આશરે 35 વર્ષની ઉંમર ધરાવતા શિલ્પાબહેન પોતાનાં પતિ બળદેવભાઈ નાયકના મૃત્યુની વાત કરતાં-કરતાં એ વાતનું ધ્યાન રાખી રહ્યા છે કે તેમની આંખોમાંથી આંસુ ન નીકળી જાય. બળદેવભાઈનું બોટાદના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયું હતું.

શિલ્પાબહેનનાં માતા-પિતા ન હોવાથી લગભગ 15 વર્ષની ઉંમરે બળદેવભાઈ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમની પાસે ન તો પોતાનું ઘર છે, ન તો કોઈ જમીન કે મૂડી. તેમની પાસે બચેલી એકમાત્ર વસ્તુ છે બે બાળકોને ભણાવવાની જવાબદારી.

તેમનાં ઘરેથી થોડે જ દૂર સોના અને કાજલનું ઘર છે. આ બંને બહેનો છેલ્લાં કેટલાક દિવસોથી સતત રડી રહી છે. તેમની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યાં. તેમનાં પિતા હિંમતભાઈ અને કાકા રમેશભાઈ વડેદરિયાનું પણ લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયું હતું.

બંને બહેનો રડતાં-રડતાં માત્ર એક જ વાત કહી રહી છે કે હવે આ સંસારમાં તેમનું કોઈ નથી.

ઉપરોક્ત બંને પરિવારો ધંધુકાના અણિયારી ગામના રહેવાસી છે. ત્યાંથી આશરે 30 કિલોમીટર દૂર રોજિદ ગામ આવેલું છે. જે બોટાદ જિલ્લામાં આવે છે.

આ ગામ તાજેતરમાં થયેલા 'લઠ્ઠાકાંડ'નું ઍપિસેન્ટર હતું. અહીં 11 લોકો ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યાં.

અહીં રહેતા વશરામભાઈ વાઘેલા પણ આ 11 લોકો પૈકી એક છે. તેઓ પાછળ ત્રણ બાળક અને પત્નીને વિલાપ કરતાં છોડી ગયા છે. વશરામભાઈ ગામમાં સફાઈનું કામ કરતા હતા અને ગામ આખામાં ગટર સાફ કરવા તેમાં ઊતરતા પણ હતાં.

વશરામભાઈના ઘર પાસે જ દિલીપ વાઘેલાનું ઘર છે. જેમની બે પુત્રીઓ આ 'લઠ્ઠાકાંડ'માં પિતા ગુમાવી ચૂકી છે. હવે તેઓ માત્ર માતાનાં સહારે છે. દિલીપભાઈ પણ વશરામભાઈની જેમ રોજિદ ગામમાં સાફસફાઈનું કામ કરતા હતા અને રોજ 200 રૂપિયા જેટલુ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ઉપરોક્ત ચારેય પરિવારોની પરિસ્થિતિ પરથી ખ્યાલ આવે છે કે આ 'લઠ્ઠાકાંડ'માં પરિવારો કેવી રીતે બરબાદ થયાં છે. આ પરિવારો મુખ્યત્વે દલિત, વાલ્મિકી, ઠાકોર, નાયક તેમજ અન્ય પછાત વર્ગના છે.

ઉલ્લેખનીય છે ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત છે અને તેમ છતાં અનેક વાર દેશી-વિદેશી દારૂ ઝડપાતો હોય છે. અનેક લોકો પ્રતિબંધ છતાં દારૂ સરળતાથી મળી રહે છે તેની પાછળ પોલીસ, રાજકારણીઓ અને બૂટલેગરોની સાંઠગાંઠને કારણ ગણાવે છે.

line

'એવું કોઈ હશે જેને ગંદકીથી ભરપૂર ગટરમાં ઉતરવાનું મન થાય?'

અણીયારી ગામના મૃતક હિમ્મતભાઈના દીકરી કાજલબહેન

ઇમેજ સ્રોત, Pawan Jayswal

ઇમેજ કૅપ્શન, અણીયારી ગામના મૃતક હિમ્મતભાઈના દીકરી કાજલબહેન

બીબીસીએ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલાં લોકો કોણ હતા અને તેઓ કેવી રીતે આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા.

રોજિદ ગામનાં વશરામભાઈ વાઘેલાની વાત કરીએ તો તેમનો મોટાભાગનો સમય ગટર અને ગંદકીમાં વીતતો હતો. તેમના બહેન કમુબહેન બીબીસી સાથે વાત કરતાં કહે છે, "ગંદકીમાં કામ કરવું હોય તો નશાની જરૂર પડે. એવો કોઈ માણસ હશે જેને ગટરની ગંદકીમાં ઊતરવાનું ગમે?"

તેમણે આગળ કહ્યું, "મારા ભાઈ સહિત સાફસફાઈનું કામ કરનારા મોટાભાગના સફાઈકર્મીઓ પોતાનો થાક ઉતારવા માટે ઘણા સમયથી દેશી દારૂ પીતા હતા.

વશરામભાઇના પરિવારમાં હવે કમાનારું કોઈ નથી, અને આ માટે તેમનો પરિવાર તેમની ગરીબીને જ દોષ દે છે. કમુબહેન કહે છે કે, "પૈસા ન હતા, એટલા માટે જ તો તે સસ્તો દારુ પીતો હતો, જો પૈસા હોત તો આ રીતે ઝેર પીને ન મરી જાત."

વીડિયો કૅપ્શન, એક દીકરાની અંતિમવિધિ કરી ત્યાં બીજાનું મૃત્યુ

વશરામભાઈના ખાસ મિત્ર એટલે કે દીપક વાઘેલાનું માનવું છે કે આ બંનેએ એક જ સાથે દારૂ પીધો હતો. દીપકભાઈના પરિવારના અનેક લોકો નગરપાલિકા અને કૉર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. દીપકભાઈ પોતે પણ ગામમાં સફાઈનું જ કામ કરતા હતા.

જો અણિયારી ગામનાં લોકોની વાત કરીએ તો અહીં કુલ ચાર લોકો મૃત્યુ પામ્યા છે અને આ લખાય છે ત્યાર સુધી અન્ય ચાર લોકો સારવાર હેઠળ છે. આ તમામ લોકો ઠાકોર અને નાયક સમુદાયમાંથી આવે છે.

line

મૃતદેહને અગ્નિદાહ આપવા પણ કોઈ ન મળ્યું

અણીયારી ગામના મૃતક હિમ્મતભાઈ અને રમેશભાઈની તસ્વીરો

ઇમેજ સ્રોત, Pawan Jayswal

ઇમેજ કૅપ્શન, અણીયારી ગામના મૃતક હિમ્મતભાઈ અને રમેશભાઈની તસ્વીરો

બળદેવભાઈના પત્ની શિલ્પાબહેન કહે છે, "હું ખૂબ નાની હતી ત્યારે મારા લગ્ન થઈ ગયાં હતાં. જીવનમાં ક્યારેય માતાપિતાનો સહારો ન હતો. અહીં આવી તો મારા પતિ સાથે થોડો સમય સારું ચાલ્યું પણ પછી તેમને દારૂ પીવાની લત લાગી ગઈ"

તેમણે આગળ કહ્યું,"મેં તેમને ખૂબ સમજાવ્યા પણ ન માન્યા અને છેલ્લે અમારે આ દિવસો જોવાના આવ્યા."

શિલ્પાબહેનનાં બે સંતાનો પૈકી એક હાલ ધોરણ 10માં અને અન્ય એક બારમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તેમનાં કહેવા પ્રમાણે, તેમનામાં એટલી હિંમત નથી કે તેઓ આ બાળકોને આગળ ભણાવી શકે. જેથી તેઓ બંનેને મજૂરી કરવા માટે મોકલી દેશે.

તેમની પાડોશમાં જ રહેતાં સુરેશ નાયકનું લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયું છે. સુરેશના પરિવારમાં કોઈ જ નથી. તેમની અંતિમક્રિયા પણ સરકારી રીતે કરવામાં આવી હતી. બે મહિના પહેલાં જ તેમની વૃદ્ધ માતાનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદથી તેઓ દારૂના રવાડે ચઢી ગયા હતા.

લઠ્ઠાકાંડ

ઇમેજ સ્રોત, Pawan Jayswal

માતાનાં મૃત્યુ બાદ તેઓ ઘરમાં એકલા રહેતા હતા. હવે તેમનું ઘર પણ એકદમ વેરાન થઈ ગયું છે.

સોના અને કાજલની કહાણી પણ આ લોકોની જેમ ઘણી દર્દનાક છે. બીબીસી સાથે વાત કરતી વખતે તેઓ પોતાનાં આંસુ રોકી શક્યાં નહીં. થોડા વર્ષો પહેલાં બંનેનાં માતાનું મૃત્યુ થયા બાદ હવે આ 'લઠ્ઠાકાંડ'માં તેમના પિતા અને કાકાનું મૃત્યુ થયું છે.

બંનેના પિતા હિંમતભાઈ અને કાકા રમેશભાઈ ખેતમજૂરી કરતા હતા. જોકે, ખેતમજૂરીનું કામ રોજેરોજ ન મળતું હોવાથી તેઓ મહિને ત્રણેક હજાર રૂપિયા કમાઈ શકતા હતા.

line

'હવે ક્યારેય પોતાનું ઘર નહીં બનાવી શકીએ'

મૃતક બળદેવભાઈના પિતા

ઇમેજ સ્રોત, Pawan Jayswal

ઇમેજ કૅપ્શન, મૃતક બળદેવભાઈના પિતા

આવી જ રીતે વેજલકા ગામમાં પણ આ લઠ્ઠાકાંડનો ભોગ બનનારા લોકો છે. તે પૈકી એક છે રવજીભાઈ ચાવડા. રવજીભાઈ ચાવડાના ત્રણ પુત્રો છે. જે પૈકી બે ખેતમજૂરી કરે છે અને રવજીભાઈ માનસિક રીતે અસ્વસ્થ એવા તેમના મોટા પુત્રનું ધ્યાન રાખવાનું કામ કરતા હતા.

રવજીભાઈના પુત્ર રણછોડભાઈ ચાવડા કહે છે, "ત્રણ વર્ષ પહેલાં ઘર વરસાદમાં પડી ગયું હતું. હજી સુધી તેઓ આ મકાનને ઊભું કરી શક્યાં નથી. હવે જ્યારે પપ્પા રહ્યા નથી તો અમારા બંનેમાંથી જ કોઈએ ઘરે રહીને ભાઈની સંભાળ રાખવી પડશે. ગમે એટલી મહેનત કરી લઈએ પણ હવે અમારું ઘર ક્યારેય નહીં બનાવી શકીએ."

વીડિયો કૅપ્શન, ત્રણ દીકરી અને એક દીકરો, ઝેરી દારૂના કારણે આખો પરિવાર નિરાધાર બન્યો

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે એક ટેલિવિઝન ચૅનલમાં કહ્યું હતું કે આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર મોટાભાગનાં લોકો ખુબ જ ગરીબ અને નબળા વર્ગોમાંથી આવતા લોકો છે અને તેમની પ્રત્યે સરકારે સંવેદના રાખવી જોઈએ.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે આ લઠ્ઠાકાંડમાં માત્ર ગરીબોનો જ મરો થયો છે. જે લોકો દરરોજ મજૂરી કરીને પોતાનું પેટિયું રળતાં હતા તેવા લોકો જ મર્યા છે.

line

લઠ્ઠાકાંડનો ભોગ ગરીબ શ્રમજીવીઓ જ કેમ બને છે?

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ થયેલા લઠ્ઠાકાંડમાં પણ સૌથી વધારે મૃત્યુ ગરીબ શ્રમજીવીઓનાં જ થયાં હતા.

બીબીસી ગુજરાતીના જ એક અહેવાલમાં સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ કહ્યું હતું કે, "રાજયમાં દારૂબંધીનો અમલ અસરકારક નથી અને તેનાથી સીધી રીતે એવા સમાજોની સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું છે કે જેમના માટે દારૂ એ લકઝરી નહીં, પણ સામાજિક જીવનનો એક ભાગ હતો."

તેમણે કહ્યું હતું કે, "ગેરકાયદેસર દારૂના વેચાણની બદીને દૂર કરવા માટે, તાડી, રાઇસ-બિયર, મહુડો જેવા દારૂ કે જેમાં આલ્કોહોલની માત્રા પાંચ ટકાથી વધારે ન હોય તેને બનાવવાની પરવાનગી અમુક સમાજને આપવી જોઈએ. આનાથી ગુજરાત રાજ્યમાં થતી લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ અને ખરાબ ગુણવત્તાના દારૂનું વેચાણ ઓછું થઈ જશે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન