ઇલાબહેન પોપટ : એ ગુજરાતી મહિલા જેમને ભારત સહિત કોઈ દેશ પોતાનાં નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર નથી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મેરીલ સેબેસ્ટિયન દ્વારા
- પદ, બીબીસી ન્યૂઝ, કોચીન

- ઇલા પોપટ પાંચ દાયકા કરતાં વધુ સમયથી ભારતમાં રહે છે
- 66 વર્ષીય ઇલા પોપટ 1955માં યુગાન્ડામાં જન્મ્યાં અને 10 વર્ષની વયે માતાના પાસપોર્ટ પર ભારત આવ્યાં હતાં
- પાસપોર્ટ મેળવવાનાં તેમના દાયકાઓના પ્રયાસ બાદ ત્રણ અલગ-અલગ દેશો દ્વારા તેમને "સ્ટેટલેસ" જાહેર કરવામાં આવ્યાં છે
- પાસપોર્ટ માટે તેણે બૉમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે

ઇલા પોપટ પાંચ દાયકા કરતાં વધુ સમયથી ભારતમાં રહે છે.
તેમણે અહીં જ લગ્ન કર્યું, માતા બન્યાં , ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ અને મતદારકાર્ડ પણ મેળવ્યાં.
એમ છતાં તેઓ હજુ પણ ભારતીય તરીકે વિદેશ પ્રવાસ કરી શકતાં નથી કારણ કે તેમની પાસે પાસપોર્ટ નથી. એ રીતે તેઓ સ્ટેટલેસ (કોઈ પણ દેશની નાગરિક ના હોય એવી વ્યક્તિ)
તેઓ હવે બૉમ્બે હાઈકોર્ટમાં ગયાં છે જેથી ભારતીય અધિકારીઓને તેમને પાસપોર્ટ જારી કરવાનો નિર્દેશ આપે.
66 વર્ષીય ઇલા પોપટ 1955માં યુગાન્ડામાં જન્મ્યાં હતાં અને 10 વર્ષની વયે તેમનાં માતાનાં પાસપોર્ટ પર ભારત આવ્યાં હતાં. ઇલાબહેન ત્યારથી ભારતમાં રહે છે અને તેમણે પોતાની "ભારતીયતા"ને સાબિત કરવા માટે ઘણા દસ્તાવેજો સાથે ભારતને પોતાનું ઘર બનાવ્યું છે.
તેઓ વિચિત્ર પરિસ્થિતિમાં ફસાયેલા છે કારણ કે પાસપોર્ટ મેળવવા માટેના દાયકાના પ્રયાસો બાદ ત્રણ અલગ-અલગ દેશોએ તેમને "સ્ટેટલેસ" જાહેર કર્યાં છે.
તેઓ કહે છે, "દર વખતે, તેઓ મારી નાગરિકતાના પ્રશ્નમાં અટવાઈ જતા હતા."
ઇલા પોપટના પિતાનો જન્મ અને ઉછેર પોરબંદરમાં થયો હતો. વર્ષ 1952માં, તેઓ યુગાન્ડામાં કામ કરવા ગયા અને થોડાં વર્ષો પછી તેમણે બ્રિટિશ પાસપૉર્ટ મેળવી લીધો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આફ્રિકામાં જન્મ, ભારતમાં જીવન

ઇમેજ સ્રોત, Getty Images
જન્મ યુગાન્ડાને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી એનાં સાત વર્ષ પહેલાં એટલે કે 1955માં ઇલા પોપટનો કમુલી શહેરમાં થયો હતો.
1966માં, ઇલા માતા અને નાના ભાઈ સાથે ભારત આવ્યાં. ભારત આવવાનું કારણ હતું યુગાન્ડામાં ઊભી થયેલી રાજકીય ઊથલપાથલ.
દેશ કટોકટી તરફ આગળ વધી રહ્યો હતો અને એટલે તેમણે ભારત આવી જવાનું નક્કી કર્યું હતું.
ઇલા પોપટ કહે છે, "હું સગીર તરીકે ભારત આવી હતી, મારી માતાના પાસપોર્ટમાં મારું નામ હતું. એના પાસપોર્ટમાં જણાવાયું હતું કે એ બ્રિટિશ પ્રૉટેક્ટેડ પર્સન છે."
બ્રિટિશ પ્રૉટેક્ટેડ પર્સન એ યુકની સરકાર દ્વારા આપવામાં આવેલી રાષ્ટ્રીયતાનો એક વર્ગ હતો.
ઇલા પોપટ એ વખતે પાસપોર્ટ વગર ભારતમાં કેવી રીતે પ્રવેશ્યાં હતાં એ અંગે તેમના વકીલ આદિત્ય ચિતાલે જણાવે છે.
તેઓ કહે છે, "મોટા ભાગે એ સમયના નિયમ પ્રમાણે, બાળક તેનાં માતાપિતાના પાસપોર્ટ પર દેશમાં પ્રવેશી શકતું હશે, નહીંતર તેઓ ક્યારેય દેશમાં પ્રવેશી શક્યાં ન હોત."
ભારતમાં ઇલા પોપટનો પરિવાર પહેલાં પોરબંદરમાં રહેતો હતો પરંતુ વર્ષ 1972માં મુંબઈ આવીને વસ્યો હતો. વર્ષ 1977માં મુંબઈમાં જ ઇલા પોપટનાં લગ્ન થયાં અને અહીં જ તેમણે લીલી વાડી પણ જોઈ.
વર્ષ 1997માં, ઇલા પોપટે ભારતના 1955ના સિટીઝનશીપ ઍક્ટ હેઠળની શરતોને પરિપૂર્ણ કરીને ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી.
આ કાયદા પ્રમાણે તેમના ભારતીય નાગરિક સાથે લગ્ન અને સાત વર્ષના વસવાટનો સમાવેશ થાય છે. પરંતુ તેમની અરજીને 'યોગ્ય ગણવામાં ન આવી' અને નકારી કાઢવામાં આવી.
એ બાદ તેમણે મુંબઈમાં બ્રિટિશ હાઈકમિશનનો સંપર્ક કર્યો કારણ કે તેમનાં માતાપિતા બંને પાસે બ્રિટિશ પાસપોર્ટ હતા. તેમનાં માતાનો પરિવાર હજુ પણ યુકેમાં રહે છે.
જોકે, હાઈકમિશને જણાવ્યું હતું કે તેઓ બ્રિટિશ પાસપોર્ટ માટે અરજી કરવા માટે લાયક નથી કારણ કે તેમના પિતા કે તેમના દાદા વર્ષ 1962 પછી દેશમાં અથવા તેની વસાહતોમાં 'જન્મ, નોંધણી' ધરાવતા નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે ઇલા પોપટ યુગાન્ડાનાં નાગરિક હોઈ શકે છે ' પરંતુ જો યુગાન્ડાના સત્તાવાળાઓ પાસપોર્ટ આપવાનો ઇનકાર કરે તો તેઓ સ્ટેટલેસ (રાજ્યવિહીન) વ્યક્તિ તરીકે ઓળખાશે.'
એમણે ત્યારે પ્રથમ વખત 'સ્ટેટલેસ' શબ્દ સાંભળ્યો અને એ બાદ અનેક વખત આવું સંબોધન સાંભળવું પડ્યું.
એ પછી પણ ઇલાબહેને બે વાર ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી હતી અને બંને વખત સત્તાવાળાઓ દ્વારા એને નકારી કાઢવામાં આવી હતી.
ઇલા પોપટ કહે છે, "મેં પૂછ્યું હતું કે શું હું યુકેમાં મારા દાદાની મુલાકાત લેવા પૂરતો મુસાફર પાસપોર્ટ મેળવી શકું? પરંતુ એ પણ મને મળી શક્યો નહીં."
અહીં એ પણ નોંધવું ઘટે કે વડોદરામાં રહેતા તેમના નાના ભાઈ પાસે તેમનાં માતાપિતાની જેમ જ બ્રિટિશ પાસપોર્ટ હતો.

ઇલાબહેનને બ્રિટિશ પાસપોર્ટ કેમ ન મળ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
તેમનાં માતાપિતાએ તેમના માટે બ્રિટિશ પાસપોર્ટ કેમ ન મેળવ્યો?
આ અંગે વાત કરતાં ઇલાબહેન કહે છે, "અમે સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં. અમને બહુ ખબર નહોતી અને વડીલોના કહેવા પ્રમાણે ચાલ્યા હતા. વધુ પૂછપરછ કરવાનો કોઈ અર્થ નહોતો. તેથી અમને ખબર ન પડી કે ભૂલો ક્યાં થઈ હતી."
વર્ષ 2015માં જ્યારે તેમની ત્રીજી અરજી ફગાવી દેવામાં આવી ત્યારે જ ભારતીય સત્તાવાળાઓએ તેમને કહ્યું કે તેમણે પહેલા દેશના નાગરિક તરીકે નોંધણી કરાવવી પડશે.
આદિત્ય ચિતાલે આ વાત સાથે સંમત થતાં કહે છે, "તેમણે પહેલા નાગરિકતા માટે અરજી કરવી જોઈતી હતી. તેના વિના તે પાસપોર્ટ મેળવી શકાતો નથી."
ઇલા પોપટ કહે છે કે તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું ન હતું.
તેઓ કહે છે, "અમને બહુ ખબર નહોતી અને કોઈએ અમને કહ્યું પણ નહોતું કે શું કરવું જોઈએ. અમે તો સરકારી કચેરીઓમાં આંટા મારતાં રહ્યાં. દરેક જગ્યાએ, લોકો મને 'સ્ટેટલેસ' કહે છે અને મારા કેસને અર્થ વગરનો ગણે છે."
વર્ષ 2018માં, તેમની પુત્રીએ દિલ્હીમાં યુગાન્ડાના હાઈકમિશનને નાગરિકતા અથવા પાસપોર્ટ માટે પત્ર લખ્યો હતો, જેના આધારે ઇલા પોપટ ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી શકે એમ હતાં.
જોકે, દૂતાવાસે પુષ્ટિ કરી હતી કે તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો પરંતુ કહ્યું કે તેઓ 'ક્યારેય યુગાન્ડાવાસી નહોતાં.'
એ વખતે તેમને ફરી એકવાર "સ્ટેટલેસ વ્યક્તિ તરીકે" ભારતમાં નાગરિકત્વ માટે અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું.
વર્ષ 2019માં, ઇલા પોપટે ફરી એક વખત ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી, પરંતુ તેમની આ અરજી નકારી કાઢવામાં આવી હતી.
એ વખતના આદેશમાં કહેવામાં આવ્યું છે કે 'તેઓ યોગ્ય વિઝા અથવા પાસપોર્ટ વિના દેશમાં રહેતાં હતાં અને તેથી વર્ષ 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળની શરતોને પૂર્ણ કરતાં નથી.'
આ જવાબથી ઇલાબહેન હતાશ થઈ ગયાં છે.
બૉમ્બે હાઈકોર્ટમાં તેમની 2022ની અરજીનાં સંદર્ભમાં તેઓ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "હું ભારતીય નથી, પરંતુ મારા પતિ ભારતીય છે. મારાં બાળકો અને પૌત્રો ભારતીય છે. મારી પાસે આધારકાર્ડ સહિતના તમામ અન્ય સરકારી દસ્તાવેજ છે અને છતાં તેમને તેમાંથી એક પણ પૂરતું નથી લાગતું."
યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીને તમામ એશિયનોને દેશ છોડી જવાનું કહ્યું તે પછી ઘણા ભારતીયોએ વર્ષ 1972માં યુગાન્ડા છોડી દીધું હતું. જોકે તેમનામાંથી મોટા ભાગનાઓને યુકે, કૅનેડા કે ભારતમાં નાગરિકતા મળી ગઈ હતી.
બૉમ્બે હાઈકોર્ટ ઑગસ્ટમાં ઇલા પોપટના કેસની સુનાવણી કરવાની છે.
ઇલાબહેન કહે છે કે તેઓ યુકેમાં રહેતા તેમના બે ભત્રીજાઓનાં લગ્નમાં જઈ નહોતાં શક્યાં અને ઉમેરે છે, "હું દુબઈમાં ત્રીજા ભત્રીજાનાં લગ્નમાં પણ નહીં જઈ શકું, કેમ કે લગ્ન કોર્ટની તારીખના અઠવાડિયા પહેલાં નક્કી કરાયાં છે."
તેમને પોતાનું મોટા ભાગનું જીવન જ્યાં જીવ્યું એ પૈતૃક દેશનાં નાગરિક તરીકે ઓળખાવાની હવે ઝંખના છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













