ઈદી અમીન : એ તાનાશાહ જે દુશ્મનનાં ગળાં કાપીને ફ્રિજમાં રાખી મૂકતો
ચાર ઑગસ્ટ 1972ના રોજ બીબીસીના દિવસના બુલેટિનમાં અચાનક સમાચાર સાંભળવા મળ્યા કે યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીને યુગાન્ડામાં વર્ષોથી રહી રહેલા 60 હજાર એશિયનોને અચાનક દેશ છોડવાના આદેશ આપી દીધી છે.
એમણે એવું એલાન પણ કર્યું કે દેશ છોડવા માટે એમને માત્ર 90 દિવસનો સમય આપવામાં આવે છે. છ ફૂટ ચાર ઇંચ ઊંચા અને 135 કિલો વજન ધરાવતા ઈદી અમીનની તાજેતરના વિશ્વના ઇતિહાસના સૌથી ક્રૂર અને નિર્દયી સરમુખત્યારમાં ગણના થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
એક જમાનામાં યુગાન્ડામાં હૅવી વેટ બૉક્સિંગ ચૅમ્પિયન રહેલા ઈદી અમીન 1971માં ઓબોટેને હઠાવીને સત્તા પર આવ્યા હતા.
પોતાના 8 વર્ષના શાસનકાળમાં એમણે ક્રૂરતાનાં એટલાં બધાં બીભત્સ ઉદાહરણો રજૂ કર્યાં કે આધુનિક ઇતિહાસમાં એમના જેવું ઉદાહરણ ભાગ્યે જ મળે છે.
4 ઑગસ્ટ, 1972એ ઈદી અમીનને અચાનક એક સપનું આવ્યું અને એમણે યુગાન્ડાના એક નગર ટોરોરોમાં સૈન્ય અધિકારીઓને સંબોધિત કરતાં કહ્યું કે અલ્લાએ એમને કહ્યું છે કે તેઓ બધા એશિયનોને પોતાના દેશમાંથી તરત જ બહાર કાઢી મૂકે.
અમીને કહ્યું, "એશિયનોએ પોતાની જાતને યુગાન્ડાવાસીઓથી જુદા પાડી દીધા છે અને એમણે એમની સાથે હળવા-ભળવાના કોઈ પ્રયાસ નથી કર્યા. એમને સૌથી વધારે રસ યુગાન્ડાને લૂંટવામાં રહ્યો છે. એમણે ગાયને દોહી તો છે પરંતુ એને ઘાસ ખવડાવવાની તકલીફ મંજૂર રાખી નહીં."
શરૂઆતમાં અમીનની આ ઘોષણાને એશિયન લોકોએ ગંભીરતાથી ના લીધી.
એમને લાગ્યું કે પોતાની સનકી અવસ્થામાં આ એલાન કરી દીધું છે. પરંતુ થોડા દિવસોમાં એમને ખબર પડી ગઈ કે અમીન એમને પોતાના દેશમાંથી હાંકી કાઢી મૂકવા માટે મક્કમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમ તો પછીથી અમીને ઘણી વાર સ્વીકાર્યું કે એ નિર્ણય કરવાની સલાહ અલ્લાએ સપનામાં આવીને આપી હતી પરંતુ અમીનના શાસન પર બહુ ચર્ચાયેલું પુસ્તક 'ઘૉસ્ટ ઑફ કમ્પાલા' લખનારા જૉર્જ ઇવાન સ્મિથે લખ્યું છે, 'એની પ્રેરણા એમને લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફી દ્વારા મળી હતી'
'એમણે એમને સલાહ આપી હતી કે એમના દેશ પર એમની પકડ ત્યારે જ મજબૂત થઈ શકશે જ્યારે તેમની અર્થવ્યવસ્થા પર સંપૂર્ણ નિયંત્રણ કરી લે. એમણે એમને કહ્યું કે જે રીતે એમણે પોતાના દેશમાંથી ઇટાલિયનોનો પીછો છોડાવ્યો એ જ રીતે તેઓ પણ એશિયનોથી પોતાનો પીછો છોડાવી શકે છે."

માત્ર 55 પાઉન્ડ લઈ જવાની પરવાનગી

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે આ ઘોષણા થઈ ત્યારે બ્રિટને પોતાના એક મંત્રી જિયૉફ્રી રિપનને એવી અપેક્ષાથી કંમ્પાલા મોકલ્યા કે તેઓ અમીનને આ નિર્ણય બદલવા માટે સમજવી- મનાવી લે. પરંતુ જ્યારે રિપન ત્યાં પહોંચ્યા ત્યારે અમીને કહેવડાવ્યું કે તેઓ ખૂબ વ્યસ્ત હોવાના લીધે આગામી પાંચ દિવસ સુધી એમને નહીં મળી શકે.
રિપને પાછા જવાનો નિર્ણય કર્યો. જ્યારે એમના અધિકારીઓએ એમને સમજાવ્યા ત્યારે ચોથા દિવસે અમીન રિપનને મળવા તૈયાર થયા. પરંતુ એનો કશો ફાયદો ના થયો.
અમીન પોતાના નિર્ણય પર અડગ રહ્યા. ભારત સરકારે પણ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ભારતીય વિદેશ સેવાના એક અધિકારી નિરંજન દેસાઈને કમ્પાલા મોકલ્યા.
નિરંજન દેસાઈએ યાદ કરીને જણાવ્યું કે, "જ્યારે હું કમ્પાલા પહોંચ્યો ત્યારે ત્યાં હાહાકાર મચેલો હતો. એમાંના ઘણા બધા લોકો પોતાના સમગ્ર જીવન દરમિયાન યુગાન્ડાની બહાર નહોતા ગયા. દરેક વ્યક્તિને પોતાની સાથે માત્ર 55 પાઉન્ડ અને 250 કિલો સામન લઈ જવાની મંજૂરી હતી. કમ્પાલાની બહાર રહેતા એશિયનોને આ નિયમોની માહિતી નહોતી."
અમીનનો આ નિર્ણય એટલો અચાનક હતો કે યુગાન્ડાની સરકાર એને લાગુ કરવા માટે તૈયાર નહોતી. કેટલાક અમીર એશિયનોએ પોતાના ધનનો ખર્ચ કરવાની નવતર રીત શોધી કાઢી.
નિરંજન દેસાઈએ જણાવ્યું કે, "એ લોકો એવું વિચારવા લાગ્યા હતા કે જો તમે તમારા પૈસા બહાર નથી લઈ જઈ શકતા તો એને સ્ટાઇલથી ઉડાવી દો. કેટલાક બુદ્ધિશાળી લોકો પોતાના પૈસા બહાર લઈ જવામાં સફળ પણ થયા. સૌથી સરળ રીત હતી, વિશ્વપ્રવાસ માટે આખા પરિવાર માટે ફર્સ્ટ ક્લાસની ટિકિટ ખરીદવી. જેમાં એમસીઓ દ્વારા હોટલ બુકિંગ પહેલાંથી કરાવી દેવાયું હોય."
એમણે કહ્યું, "આ એમસીઓ (મિસેલેનિયસ ચાર્જ ઑર્ડર)ને પછીથી યુગાન્ડામાંથી બહાર નીકળ્યા પછી વટાવી શકાતા હતા. કેટલાક લોકોએ પોતાની ગાડીની કાર્પેટની નીચે ઘરેણાં રાખીને પાડોશી દેશ કેન્યા પહોંચ્યા. કેટલાક લોકોએ પાર્સલ દ્વારા પોતાનાં ઘરેણાં ઇંગ્લૅન્ડ મોકલી લીધાં. "
"રસપ્રદ વાત એ છે કે આ બધું પોતાના ગંતવ્યસ્થાને સુરક્ષિત પહોંચી પણ ગયું. કેટલાકને આશા હતી કે થોડા સમય પછી તેઓ યુગાન્ડા પાછા આવી જશે. તેથી એમણે પોતાનાં ઘરેણાં પોતાની લૉન કે બગીચામાં દાટી દીધાં. "
"હું કેટલાક એવા લોકોને પણ ઓળખું છું જેમણે પોતાનાં ઘરેણાં બૅન્ક ઑફ બરોડાની સ્થાનિક બ્રાન્ચના લૉકરમાં મૂકી દીધાં. એમાંના કેટલાક લોકો જ્યારે 15 વર્ષ પછી ત્યાં ગયા તો એમનાં ઘરેણાં લૉકરમાં સુરક્ષિત હતાં."

આંગળીમાંથી અંગૂઠી કાપીને ઉતરાવવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images
હાલના સમયે યુકેમાં રહેતાં ગીતા વૉટ્સને આ દિવસ આજે પણ યાદ છે જ્યારે તેઓ યુકે જવા માટે એનતેબે એરપૉર્ટ પહોંચ્યાં હતાં.
ગીતાએ જણાવ્યું, "અમને લોકોને અમારી સાથે લઈ જવા માટે માત્ર 55 પાઉન્ડ અપાયા હતા. જ્યારે અમે ઍરપૉર્ટ પહોંચ્યાં ત્યારે લોકોની સૂટકેસ ખોલીને જોવામાં આવતી હતી. એમની દરેક વસ્તુ બહાર કાઢીને ફેંકી દેવાતી હતી, જેથી તેઓ જોઈ શકે કે એમાં સોનું કે પૈસા સંતાડીને તો નથી રખાયાંને."
"ખબર નહીં કયા કારણે મારાં માતા-પિતાએ મારી આંગળીમાં સોનાની વીંટી પહેરાવી દીધી હતી. અમને કહેવામાં આવ્યું કે હું વીંટી ઉતારીને એમને આપી દઉં. વીંટી એટલી ફિટ હતી કે મારી આંગળીમાંથી નીકળતી નહોતી. છેવટે એમણે મારી આંગળી કાપીને એને કાઢી. "
"સૌથી ખતરનાક વસ્તુ એ હતી કે જ્યારે આંગળી કાપવામાં આવતી હતી ત્યારે ઑટોમેટિક હથિયારવાળા યુગાન્ડાના સૈનિકો અમને ઘેરીને ઊભા હતા."
ઘણા બધા એશિયનોએ પોતાની દુકાનો અને ઘર એમ જ ખુલ્લાં મૂકીને જવું પડ્યું.
એમને પોતાના ઘરનો સામાન વેચવાની પરવાનગી નહોતી. યુગાન્ડાના સૈનિકો એમનો તે સામાન પણ લૂંટવાની વેતરણમાં હતા, જેમને તેઓ પોતાની સાથે બહાર લઈ જવા માગતા હતા.
નિરંજન દેસાઈએ જણાવ્યું કે, "કમ્પાલા શહેરથી એનતેબે એરપૉર્ટનું અંતર 32 કિલોમીટર હતું. યુગાન્ડામાંથી બહાર જનારા દરેક એશિયને વચ્ચે બનેલા પાંચ રોડ બ્લૉક્સમાંથી પસાર થઈને જવું પડતું હતું. દરેક રોડ બ્લૉક પર એમની તલાશી લેવાતી હતી અને એમની પાસેથી કંઈક ને કંઈક સામાન પડાવી લેવાનો સૈનિકોનો પ્રયાસ રહેતો."
મેં નિરંજન દેસાઈને પૂછ્યું કે એશિયન લોકોએ છોડી દીધેલી અગણિત સંપત્તિનું શું થયું?

ઇમેજ સ્રોત, PA Media
દેસાઈનો જવાબ હતો, "મોટા ભાગનો સામાન અમીન સરકારના ભ્રષ્ટ મંત્રીઓ અને સૈનિક અધિકારીઓના હાથમાં ગયો. આમ લોકોને એનો બહુ થોડો ભાગ મળી શક્યો. એ લોકો આ રીતે પડાવી લીધેલી સંપત્તિને કોડ ભાષામાં 'બાંગ્લાદેશ' કહેતા હતા."
એમણે કહ્યું, "એ જમાનામાં બાંગ્લાદેશ નવું નવું આઝાદ થયું હતું. સૈનિક અધિકારીઓ ઘણી વાર એમ કહેતા સંભળાતા કે એમની પાસે આટલા 'બાંગ્લાદેશ' છે."
જૉર્જ ઇવાન સ્મિથે પોતાના પુસ્તક 'ઘૉસ્ટ ઑફ કમ્પાલા'માં લખ્યું છે, "અમીને એશિયનોની મોટા ભાગની દુકાનો અને હોટલો પોતાના સેનિકોને આપી દીધી. એવા વીડિયો પણ ઉપલબ્ધ છે જેમાં અમીન પોતાના સૈનિક અધિકારીઓની સાથે ચાલી રહ્યા છે. એમની સાથે હાથમાં એક નોટ લઈને એક અ-સૈનિક અધિકારી પણ ચાલી રહ્યા છે અને અમીન એને આદેશ આપી રહ્યા છે કે ફાલાણી દુકાનને ફલાણા બ્રગેડિયરને આપી દેવામાં આવે અને ફલાણી હોટલ ફલાણા બ્રિગેડિયરને સોંપી દેવામાં આવે."
તેમણે લખ્યું છે, "આ અધિકારીઓને પોતાનું ઘર સુધ્ધાં ચલાવવાની આવડત નહોતી. તેઓ મફતમાં મળેલી દુકાનોને શું ચલાવતા?"
"ઓ એક જનજાતીય પ્રથાનું પાલન કરીને પોતાના પરિવારના લોકોને બોલાવતા અને એમને કહેતા કે જે ઇચ્છો તે વસ્તુ અહીંથી લઈ જઈ શકો છો. એમને એ વાતનો કશો અંદાજ નહોતો કે ક્યાંથી નવી વસ્તુઓ ખરીદવી અને આ વસ્તુઓની શી કિંમત વસૂલવામાં આવે. પરિણામ એ આવ્યું કે થોડાક જ દિવસોમાં સંપૂર્ણ અર્થવ્યવસ્થા તળિયે બેસી ગઈ."

અમીનની ક્રૂરતા અને બર્બરતા

ઇમેજ સ્રોત, Getty Images
આ સમગ્ર ઘટનાના કારણે આખી દુનિયામાં એક આકરા તરંગી શાસક તરીકેની અમીનની છબી ઊભી થઈ. એમની ક્રૂરતાની વધારે કથાઓ પણ આખી દુનિયાને ખબર પડવા લાગી.
અમીનના સમયમાં સ્વાસ્થ્યમંત્રી રહેલા હેનરી કેયેંબાએ એક પુસ્તક લખ્યું છે, 'અ સ્ટેટ ઑફ બ્લડઃ ધ ઇનસાઇડ સ્ટોરી ઑફ ઈદી અમીન'. એમાં એમણે અમીનની ક્રૂરતાના એવા કિસ્સા જણાવ્યા કે આખી દુનિયા આશ્ચર્યથી દંગ થઈ ગઈ.
કેયેંબાએ લખ્યું, "અમીને પોતાના દુશ્મનોને માત્ર માર્યા એટલું જ નહીં, બલકે એમના મૃતદેહો સાથે પણ બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો."
"યુગાન્ડાના મેડિકલ સમુદાયમાં એવી વાત સામાન્ય હતી કે મડદાંઘરમાં રખાયેલા ઘણા બધા મૃતદેહોની સાથે છેડછાડ કરવામાં આવી હતી અને એમનાં લીવર, નાક, હોઠ અને ગુપ્તાંગ ગાયબ મળતાં હતાં. જૂન 1974માં જ્યારે વિદેશ સેવાના એક અધિકારી ગૉડફ્રી કિગાલાને ગોળી મારવામાં આવી ત્યારે એમની આંખો કાઢી લેવામાં આવી અને એમના મૃતદેહને કમ્પાલાની બહાર જંગલમાં ફેંકી દેવાયો."
કેયેંબાએ પછીથી એક નિવેદન આપ્યું કે અમીને ઘણી વાર ભાર મૂક્યો કે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની સાથે તેઓ થોડોક સમય એકલા રહેવા માગે છે. માર્ચ 1974માં જ્યારે કાર્યવાહક સેનાધ્યક્ષ બ્રિગેડિયર ચાર્લ્સ અરુબેની હત્યા થઈ ત્યારે અમીન એમના મૃતદેહને જોવા મુલાગો હૉસ્પિટલના મુડદાંઘરમાં ગયા હતા.
એમણે ઉપચિકિત્સા અધીક્ષક ક્યેવાવાબાએને કહ્યું કે એમને મૃતદેહ સાથે એકલા રહેવા દેવામાં આવે. કોઈએ એ ના જોયું કે અમીનને એકલા મૂક્યા પછી એમણે એ મૃતદેહ સાથે શું કર્યું, પરંતુ કેટલાક યુગાન્ડાવાસીઓનું માનવું છે કે એમણે પોતાના દુશ્મનનું લોહી પીધું. કાકવા જાતિમાં એવી પ્રથા છે. અમીન કાકવા જનજાતિના હતા.

માનવભક્ષણનો આરોપ

ઇમેજ સ્રોત, AFP
કેયેંબાએ લખ્યું છે, "ઘણી વાર રાષ્ટ્રપતિ અને અન્ય લોકોની સામે શેખી મારી હતી કે એમણે માનવમાંસ ખાધું છે. "
"મને યાદ છે, ઑગસ્ટ 1975માં જ્યારે અમીન કેટલાક વરિષ્ઠ અધિકારીઓને પોતાની જાહેર યાત્રા વિશે જણાવતા હતા ત્યારે એમણે કહ્યું કે ત્યાં એમને વાંદરાનું માંસ પીરસવામાં આવ્યું જે માનવમાંસ કરતાં સારું નહોતું. યુદ્ધ દરમિયાન ઘણી વાર એવું બનતું કે પોતાના સાથી સૈનિક ઘાયલ થઈ જાય છે. એવા વખતે એમને મારીને ખાઈ જવાથી તમે ભૂખમરાથી બચી શકો છો."
અન્ય એક પ્રસંગે અમીને યુગાન્ડાના એક ડૉક્ટરને જણાવેલું કે માનવમાંસ દીપડાના માંસ કરતાં વધારે સ્વાદિષ્ટ હોય છે.
અમીનના એક જૂના નોકર મોઝેજ અલોગાએ કેન્યામાં ભાગી આવ્યા પછી એક એવી કહાણી કહી સંભળાવી જેના પર આજના યુગમાં વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
અમીનના સમયમાં યુગાન્ડામાં ભારતના ઉચ્ચાયુક્ત રહેલા મદનજિતસિંહે પોતાના પુસ્તક 'કલ્ચર ઑફ સેપલ્કરે'માં લખ્યું છે, અલોગાએ કહ્યું, "અમીનના જૂના ઘર કમાન્ડ પોસ્ટમાં એક રૂમ હંમેશાં બંધ રહેતો હતો. માત્ર મને જ એમાં અંદર જવાની છૂટ હતી અને એ પણ એને સાફ કરવા માટે."
"અમીનની પાંચમી પત્ની સારા ક્યોબાલાને આ રૂમ વિશે જાણવાની ઘણી ઉત્સુકતા હતી. એમણે મને એ રૂમ ખોલવા કહ્યું. હું થોડો ખંચકાયો કેમ કે અમીને મને આદેશ આપેલો કે એ રૂમમાં કોઈને પણ ઘૂસવા દેવામાં ના આવે. પરંતુ જ્યારે સારાએ ઘણું દબાણ કર્યું અને મને થોડાક પૈસા પણ આપ્યા ત્યારે મેં એ રૂમની ચાવી એમને સોંપી દીધી."
"રૂમની અંદર બે રેફ્રિજરેટર રાખવામાં આવ્યાં હતાં. જ્યારે એમણે એક રેફ્રિજરેટર ખોલ્યું તો તેઓ ચીસ પાડીને બેભાન થઈ ગયાં. એમાં એમના એક પૂર્વ પ્રેમી જીઝ ગિટાનું કપાયેલું માથું રાખવામાં આવ્યું હતું."

અમીનનું હરમ

ઇમેજ સ્રોત, Getty Images
સારાના પ્રેમીની જેમ અમીને બીજી ઘણી મહિલાઓના પ્રેમીઓનાં માથાં કપાવ્યાં હતાં.
જ્યારે અમીનને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટના પ્રમુખ માઇકલ કબાલી કાગવાની પ્રેમિકા હેલેન ઓગવાંગમાં રસ પડ્યો ત્યારે અમીનના બૉડીગાર્ડ્ઝે એમને કમ્પાલા ઇન્ટરનૅશનલ હોટલના સ્વિમિંગ પુલમાંથી ઉઠાવીને ગોળી મારી દીધી. પછીથી હેલેનને પેરિસમાં યુગાન્ડાના દૂતાવાસમાં પોસ્ટ કરવામાં આવ્યાં, જ્યાંથી તેઓ ભાગી ગયાં.
અમીન મેકરેરે વિશ્વવિદ્યાલયના પ્રૉફેસર વિન્સેન્ટ એમીરૂ અને તોરોરોના રૉક હોટલના મૅનેજર શોકાનબોની પત્નીઓ સાથે પણ શયન કરવા માગતા હતા. આ બંનેને કાયદેસર યોજના ઘડીને મારી નાખવામાં આવ્યા.
અમીનના એટલા બધા પ્રેમસંબંધ હતા કે એની ગણતરી કરવી મુશ્કેલ છે. કહેવાય છે કે એક સમયે એમનો રાણીવાસ ઓછામાં ઓછી 30 મહિલાઓનો હતો, જે આખા યુગાન્ડામાં વિસ્તરેલો હતો.
આ મહિલાઓ મોટા ભાગે હોટલો, કચેરીઓ અને હૉસ્પિટલોમાં નર્સ તરીકે કામ કરતી હતી.
અમીનની ચોથી પત્ની મેદીના પણ એક વાર એમના હાથે મરતાં મરતાં બચી હતી.
એવું થયેલું કે ફેબ્રુઆરી 1975માં અમીનની કાર પર કમ્પાલાની નજીક ગોળીઓ છોડવામાં આવી. અમીનને શક થયો કે મેદીનાએ હત્યાની કોશિશ કરનારાઓને કાર વિશે માહિતી આપી હતી. અમીને મદીનાને એવી ખરાબ રીતે મારી તે એનું પોતાનું કાંડું ફ્રૅક્ચર થઈ ગયું.

મોટા ભાગના એશિયનોને બ્રિટને આપી શરણ

ઇમેજ સ્રોત, PA Media
જોકે, એશિયનોને કાઢી મૂક્યા પછી યુગાન્ડાની સમગ્ર અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી.
નિરંજન દેસાઈએ જણાવ્યું કે, "વસ્તુઓની એટલી અછત ઊભી થઈ કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. હોટલોમાં કોઈક દિવસ માખણ ના હોય તો કોઈક દિવસ બ્રેડ. કમ્પાલાનાં ઘણાં રેસ્ટોરાં પોતાના મેન્યુ કાર્ડનું એવી રીતે રક્ષણ કરવા લાગ્યાં જાણે તે કોઈ સોનાની વસ્તુ હોય. કારણ, શહેરના પ્રિન્ટિંગ ઉદ્યોગ પર એશિયનોનો એકાધિકાર હતો."
કાઢી મુકાયેલા 60 હજાર લોકોમાંથી 29 હજાર લોકોને બ્રિટને શરણ આપ્યું. 11 હજાર લોકો ભારત આવ્યા. 5 હજાર લોકો કૅનેડા ગયા અને બાકીના લોકોએ દુનિયાના અલગ અલગ દેશોમાં શરણ લીધું.
જમીનથી શરૂ કરીને આ લોકોએ બ્રિટનના રિટેલ ઉદ્યોગની સંપૂર્ણ સૂરત બદલી નાખી. બ્રિટનના દરેક શહેરના દરેક ચોક પર પટેલની દુકાન ખૂલી ગઈ અને તે લોકો અખબાર અને દૂધ વેચવા લાગ્યા.
આજે, યુગાન્ડામાંથી બ્રિટન જઈને વસેલો આખો સમુદાય ખૂબ સમૃદ્ધ છે.
બ્રિટનમાં એ વાતનું ઉદાહરણ આપવામાં આવે છે કે કઈ રીતે બહારથી આવેલા આખા સમુદાયે પોતાને બ્રિટનની સંસ્કૃતિમાં ઢાળ્યા, એટલું જ નહીં એમના આર્થિક ઉત્થાનમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ભારત સરકારના વલણ સામે પ્રશ્ન
આવી ત્રાસદાયક પરિસ્થિતિમાં સૌથી આશ્ચર્યજનક અને હળવું વલણ ભારત સરકારનું હતું.
એમણે આને યુગાન્ડાની આંતરિક બાબત તરીકે જ લીધું અને અમીન વહીવટી તંત્ર સામે વૈશ્વિક જનમત ઊભો કરવાના કશા પ્રયાસ ના કર્યા.
પરિણામ એ આવ્યું તે ઘણા લાંબા સમય સુધી પૂર્વ આફ્રિકામાં રહેલો ભારતીય સમુદાય ભારતથી દૂર જતો રહ્યો અને એવું સમજતો રહ્યો કે એમની મુશ્કેલીના સમયે એમના પોતાના દેશે એમને સાથ ના આપ્યો.
ઈદી અમીન 8 વર્ષ સુધી સત્તા પર રહ્યા પછી એવી જ રીતે સત્તા પરથી હઠાવાયા, જે રીતે એમણે સત્તા પર કબજો કર્યો હતો.
એમને પહેલાં લીબિયા પછી સાઉદી અરેબિયા શરણ આપ્યું, અને ત્યાં જ 2003માં 78 વર્ષની ઉંમરે એનું અવસાન થયું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












