પ્રેમીને મુઘલ તખ્ત પર બેસાડનારી પોર્ટુગીઝ નારીની કહાણી

ઇમેજ સ્રોત, JULIANA NAMA
- લેેખક, નલિન ચૌહાણ
- પદ, બીબીસી ગુજરાતી માટે
મુઘલ બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ પછી તેમના દીકરાઓ વચ્ચે હિન્દુસ્તાનના તખ્ત પર કબજો કરવા ભારે આંતરિક લડાઈઓ થઈ હતી.
વારસા માટેના આ યુદ્ધમાં (12 જૂન 1707) એક બહાદુર નારી અને તેમનાં તોપચીઓએ નિર્ણાયક ભૂમિકા અદા કરી હતી.
આ પોર્ટુગીઝ મહિલાનું નામ હતું જુલિયાના. તેમનાં તોપખાનાના સૈનિકોએ યુદ્ધમાં બહાદુર શાહ (પ્રથમ)ની જીત નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
રઘુરાજસિંહ ચૌહાણ અને મધુકર તિવારીની લેખક બેલડીએ 37 વર્ષોની મહેતન પછી મૂળ પોર્ટુગીઝ પુરાતત્ત્વ સ્રોતોનો અભ્યાસ કર્યા બાદ 'જુલિયાના નામાઃ અ પોર્ટુગીઝ કેથલિક લેડી એટ ધ મુઘલ કોર્ટ (1645-1734)' નામનું પુસ્તક લખ્યું છે.

હાથી પર સવાર થઈ લડ્યું યુદ્ધ

ઇમેજ સ્રોત, BIBLIOTHÈQUE NATIONALE DE FRANCE PARIS
પુસ્તકમાં જણાવ્યા અનુસાર 20 જૂન 1707ના રોજ આગ્રાની નજીક દક્ષિણ જજાઉમાં લોહિયાળ લડાઈ થઈ હતી. બહાદુર શાહ (પ્રથમ)ની પ્રેમિકા જુલિયાનાએ તેમની સાથે હાથી પર સવાર થઈને યુદ્ધમાં ભાગ લીધો હતો.
એટલું જ નહીં તેમણે બાદશાહને ખાતરી આપી હતી કે તેમના બધા જ ખ્રિસ્તી સિપાહીઓએ તેમની જીત માટે પ્રાર્થના કરી છે.
જુલિયાનાનાં બનેવી અને પોર્ટુગીઝ તોપચી ટુકડીના વડા ડૉમ વેલ્હો ડી કાસ્ત્રોનો તેમાં પણ સમાવેશ થતો હતો. આ યુદ્ધમાં બહાદુર શાહ (પ્રથમ)ના બીજા ભાઈ આઝમ અને કામબક્ષનો પરાજય થયો હતો.
ઔરંગઝેબના બીજા પુત્ર બહાદુર શાહ (1707-12) સાતમા મુઘલ બાદશાહ બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુસ્તકમાં જણાવ્યા અનુસાર પોર્ટુગીઝ તોપચીઓએ જજાઉની લડાઈમાં ભયાનક તબાહી મચાવી હતી.
તોપમારાના કારણે યુદ્ધનાં મેદાનમાં દુશ્મન સૈનિકોના હજારો સૈનિકોની લાશો પડી હતી.
યુરોપિયન તોપચીઓના અચૂક નિશાનાને કારણે આ યુદ્ઘમાં તેમની ભૂમિકા અગત્યની સાબિત થઈ હતી. મહત્ત્વની વાત એ છે કે આ તોપચીઓની મુઘલ ફોજમાં ભરતીનું કામ જુલિયાનાએ કર્યું હતું.

કોણ હતાં જુલિયાના?

ઇમેજ સ્રોત, JULIANA NAMA
જુલિયાનાનું આખું નામ ડૉના જુલિયાના ડિયાસ ડી કૉસ્ટા હતું. તેમનું નામ શોધી કાઢવાનો શ્રેય પ્રોફેસર જોસ એન્ટોનિયો ઇસ્માઇલ ગ્રેશિયાને જાય છે.
બ્રાવેટે લખેલું પુસ્તક 'અલહવાલ-એ-બીબી-જુલિયાના' એ જુલિયાનાની પ્રારંભિક જીવનની માહિતી આપનારું એક માત્ર પુસ્તક છે.
જુલિયાનાનો જન્મ વર્ષ 1645માં આગ્રામાં થયો હતો. તે વખતે શાહજહાંના જનાનાખાનામાં રહેતી મહિલાઓમાં તેમની માતાનો પણ સમાવેશ થતો હતો.
તેમના પતિ ફ્રેન્કના અવસાન પછી તે યુવાન વિધવા તરીકે દિલ્હીમાં ફાધર એન્ટોનિયો ડી મેગલેન્સની પાસે રહેવા આવી ગયાં હતાં.
પોર્ટુગીઝ વાઇસરૉય કન્ડે ડી અલ્વોરના સમયગાળામાં ઔરંગઝેબના મુઘલ દરબારમાં જુલિયાનાનાં પતિ કે પિતાના નામનો ઉલ્લેખ મળતો નથી. તેથી જુલિયાનાની હાજરી એક રહસ્યમય વાત રહી છે.

બહાદુર શાહની સૌથી નાની ઉંમરની શિક્ષિકા

ઇમેજ સ્રોત, JULIANA NAMA
મુઘલ દરબારમાં જુલિયાનાની નિમણૂક ફાધર મેગલેન્સે કરાવી હતી. તેના કારણે જુલિયાના બહાદુર શાહ (પ્રથમ)ની સૌથી નાની ઉંમરનાં શિક્ષિકા તરીકે જોડાયાં હતાં.
ઔરંગઝેબે બહાદુર શાહને ભણાવવાનું કામ કરતા મુલ્લા સાલેહને હટાવીને તેમની જગ્યાએ જુલિયાનાની નિમણૂક કરી હતી.
આ નિયુક્તિ અગત્યની સાબિત થઈ હતી, કેમ કે તે વખતે બહાદુર શાહ (પ્રથમ) અને જુલિયાના બંને જુવાન હતાં. બહાદુર શાહની ઉંમર 18 વર્ષની, જ્યારે જુલિયાનાની ઉંમર 17 વર્ષ હતી.
વર્ષ 1714માં દિલ્હીમાં જુલિયાનાને મળેલા ફાધર દેસીદેરીના જણાવ્યા અનુસાર જુલિયાના મુઘલ શાહજાદા-શાહજાદીઓ સહિત શાહી ખાનદાનના બીજા બાળકોને પણ ભણાવતાં હતાં.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની દારા શિકોહની હવેલીમાં બહાદુર શાહ અને જુલિયાનાની પ્રથમ મુલાકાત થઈ હતી. તે વખતે આ હવેલી જ બહાદુર શાહનું નિવાસસ્થાન હતું.

'ભક્તિ, નિષ્ઠા અને વિશેષ સંબંધ'

ઇમેજ સ્રોત, JULIANA NAMA
1681-82ની આસપાસ જુલિયાના ગોવાથી મુઘલ દરબારમાં પહોંચ્યાં હતાં. તે પછી તરત જ ઔરંગઝેબની બેગમ અને બહાદુર શાહ (પ્રથમ)ની માતા નવાબ બાઈની સેવામાં જોડાઈ ગયાં.
1686માં બહાદુર શાહ અને તેમની માતા પર ઔરંગઝેબનો ખોફ ઊતર્યો અને તેમને કેદ કરી લેવામાં આવ્યાં.
તે વખતે જુલિયાનાએ તેમની તરફ પોતાની વફાદારી બતાવી હતી. બહાદુર શાહ (પ્રથમ) ગોલકોન્ડા શાસક અબ્દુલ હસન સાથે ઘરોબો કેળવી રહ્યાં હતાં તેથી ઔરંગઝેબે નારાજ થઈને તેમને કેદમાં નાખી દીધાં હતાં.
1693માં બહાદુર શાહ (પ્રથમ) માટે સ્થિતિ સાનુકૂળ થઈ, એટલું જ નહીં તેમને કેદમાંથી છોડાવવામાં પણ જુલિયાનાએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
જુલિયાના બહાદુર શાહની શિક્ષિકા હતાં અને બાદમાં તેમના જનાનામાં મુખ્ય પરિચારિકા બન્યાં જેથી એ વાતમાં કોઈ શંકા નથી કે કેદ વખતે પણ તે સતત મદદમાં રહ્યાં હતાં.
આ વાત જુલિયાનાની ભક્તિ, નિષ્ઠા બહાદુર શાહ (પ્રથમ) સાથે તેના વિશેષ સંબંધોનું પ્રતીક છે.

મોત સુધી બહાદુર શાહ સાથે

ઇમેજ સ્રોત, PADSHAHNAMA
પોર્ટુગીઝ દસ્તાવેજો અનુસાર જુલિયાના ડી કોસ્ટા અને ગોવાના વાઇસરૉય કૉન્ડે વિલા વેર્ડે વચ્ચે 1694માં રાજદ્વારી પત્રવ્યવહાર થયો હતો. તે વખતે જુલિયાના મુઘલોની દક્ષિણની છાવણીમાં હતાં.
જુલિયાનાનાં આ પત્રોથી સ્પષ્ટ થાય છે કે બહાદુર શાહ (પ્રથમ)ની જેલમાંથી મુક્તિ પછી જુલિયાનાનો દરજ્જો ખાસ્સો વધી ગયો હતો અને મુઘલ દરબારમાં તેને મહત્ત્વનું સ્થાન મળ્યું હતું.
1693માં બહાદુર શાહ (પ્રથમ)ને કેદમાંથી મુક્ત કરીને કાબુલમાં સૂબેદાર તરીકે મોકલી દેવાયા હતા.
તેઓ ઝંગ, પેશાવર, ખૈબર ઘાટ, જલાલાબાદ અને જગદલકના રસ્તે થઈને 4 જૂન 1699ના રોજ કાબુલ પહોંચ્યા હતા અને ત્યાંની હકુમતને ઉખાડીને ફેંકી દીધી હતી.
ત્યાર પછી આઠ વર્ષ બાદ જ્યારે ઔરંગઝેબનું મોત થયું, ત્યાં સુધી બહાદુર શાહ (પ્રથમ) કાબુલમાં જ મુઘલ સૂબેદાર તરીકે રહ્યા હતા.
તે વખતે પણ જુલિયાના તેમની સાથે હતાં અને તેમના મોત સુધી તે બહાદુર શાહ (પ્રથમ)ની સાથે જ રહ્યાં હતાં.
મજાની વાત એ છે કે તે વખતે જુલિયાનાએ ગોવામાંથી પોર્ટુગીઝ સૈનિકોને કાબુલ બોલાવીને તેમને બહાદુર શાહ (પ્રથમ)ની સેનામાં ભરતી કરાવ્યા હતા.
તે વખતે તેમને પણ અંદાજ નહીં હોય કે આ પોર્ટુગીઝ તોપચીઓ આગળ જતા તેમને હિન્દુસ્તાનનો તાજ જીતાડવામાં મદદ કરશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ















