મોઘલ બાદશાહ ઔરંગઝેબ કેટલા અંધશ્રદ્ધાળુ હતા?

ઔરંગઝેબ

ઇમેજ સ્રોત, OXFORD

    • લેેખક, મિર્ઝા એબી બેગ
    • પદ, સંવાદદાતા, બીબીસી ઉર્દૂ

અમેરિકાના એક ઇતિહાસકાર ઑડી ટ્રશ્કી કહે છે કે તમામ મોઘલ બાદશાહ કરતાં ઔરંગઝેબ આલમગીરમાં તેમને ખાસ દિલચસ્પી હોવાનું કારણ વિશ્વભરમાં આ બાદશાહ વિશે ફેલાયેલી ગેરસમજ છે.

મોઘલ અને મરાઠા ઇતિહાસ પર કેટલાક ગ્રંથ લખનારા જાણીતા ઇતિહાસકાર સર જાદૂનાથ સરકારે ઔરંગઝેબને પોતાના દૃષ્ટિકોણથી વર્ણવ્યા, તો જવાહરલાલ નહેરુએ તેમના દૃષ્ટિકોણથી.

વળી, શાહિદ નઇમે પણ આ બાદશાહના ધર્મ પર જરૂર કરતાં વધુ ભાર મૂક્યો.

જોકે, 'ઔરંગઝેબ ધી મેન ઍન્ડ ધી મિથ' નામના પુસ્તકના લેખિકા ઑડ્રી ટ્રશ્કીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો સહિષ્ણુતાના મામલે વાત કરીએ, તો ઇતિહાસના તમામ શાસકો અસહિષ્ણુ જ રહ્યા છે.

તેમનું કહેવું છે કે, ઔરંગઝેબ વિશે ફેલાયેલી ગેરસમજ-ગેરમાન્યતાઓ વધુ હોવાથી વર્તમાન સમયમાં તેને વેગ આપીને મુસલમાનોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

ઑડી ટ્રશ્કી

ઇમેજ સ્રોત, MIRZA AB BAIG/BBC

ઇમેજ કૅપ્શન, ઑડી ટ્રશ્કી

લેખિકા અનુસાર, ભારતમાં હાલ અસહિષ્ણુતા વધી રહી છે. તેમનું માનવું છે કે, આ જ કારણસર કદાચ હૈદરાબાદમાં તેમના વક્તવ્યનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ 11મી ઑગસ્ટે થવાનો હતો.

તેમણે જણાવ્યું કે, બીજી તરફ પરિસ્થિતિ વિપરીત છે. કેમકે, ઔરંગઝેબ બાદશાહના શાસનકાળના બ્રાહ્મણો અને જૈન લેખકો તેમના વખાણ કરે છે.

તેમણે જ્યારે ફારસી ભાષામાં હિંદુઓના પવિત્ર પુસ્તક 'મહાભારત' અને 'રામાયણ' રજૂ કર્યા, તો તેને ઔરંગઝેબને સમર્પિત કર્યા.

ઑડી ટ્રશ્કીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે ઔરંગઝેબે હોળી પર કડકાઈ બતાવી, તો બીજી તરફ મોહરમ અને ઈદ મામલે પણ કડક વલણ અપનાવ્યું.

તેમણે એક-બે મંદિર તોડ્યા, તો કેટલાક મોટાં મંદિરોને દાન પણ આપ્યું હતું.

આપને આ પણ વાંચવું ગમશે

તેઓ કહે છે, "અલગ અલગ ઇતિહાસકારોએ બાદશાહ ઔરંગઝેબને જુદા જુદા દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ કરી."

"ઔરંગઝેબે ખુદને એક સારા મુસલમાન તરીકે રજૂ કર્યા અથવા હંમેશાં એક સારા મુસલમાન બનવાની કોશિશ કરી."

"તેમની ઇસ્લામ ધર્મની વ્યાખ્યા આજનો કટ્ટર ઇસ્લામ નહોતી. તેઓ ઘણી હદે સૂફી હતા અને કેટલીક હદ સુધી અંધવિશ્વાસુ પણ હતા."

line

દરબારમાં હિંદુ-મુસ્લિમ બન્ને ધર્મના જ્યોતિષી

ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, PENGUIN INDIA

ઔરંગઝેબની અંધશ્રદ્ધાનું ઉદાહરણ આપતા ઑડી ટ્રશ્કીએ જણાવ્યું કે, તમામ મોઘલ બાદશાહો પાસે જ્યોતિષશાત્રના નિષ્ણાતો (જ્યોતિષી) હતા.

ઔરંગઝેબના દરબારમાં હિંદુ-મુસ્લિમ બન્ને ધર્મના જ્યોતિષ હતા અને તેઓ બન્ને પાસેથી સલાહ લેતા હતા.

ઔરંગઝેબના એક સિપાઈ ભીમસેન સક્સેનાને ટાંકીને તેમણે કહ્યું કે, દક્ષિણ ભારતમાં એક વખત તેમના કૅમ્પ લગાવવામાં આવ્યા હતા.

કૅમ્પ હતા ત્યા એકાએક પૂર આવી ગયું અને આશંકાએ જોર પકડ્યું કે શાહી કૅમ્પને નુકસાન થઈ શકે છે.

આથી બાદશાહે કુરાનની આયાતો લખીને પૂરના પાણીમાં નાખી. બાદમાં પૂરનાં પાણી ઓસરી ગયાં અને જોખમ ટળી ગયું.

આવી જ એક ઘટના ઇસ્લામના બીજા ખલીફા હઝરત ઉમરના સમયમાં પણ થઈ હતી.

તેમણે કઈ રીતે ઇજિપ્તની નાઇલ નદીના નામે પત્ર લખ્યો હતો તે વાતનો ઉલ્લેખ ઘણાં પુસ્તકોમાં જોવા મળે છે.

ઔરંગઝેબ

ઇમેજ સ્રોત, PENGUIN INDIA

કહેવાય છે કે જ્યારે ઇજિપ્ત ઇસ્લામના આધીન આવ્યું, ત્યારે ત્યાંના તત્કાલીન ગર્વનર અમ્ર બિન-અલ-આસને જાણ થઈ કે ત્યાં એક યુવતીને દર વર્ષે નાઇલ નદીના નામ પર બલિ ચઢાવવામાં આવે છે.

આ બલિ પાછળ માન્યતા હતી કે નદી સતત તેના ધારાપ્રવાહ સાથે વહેતી રહે અને લોકોને લાભ આપતી રહે.

પરંતુ ઇસ્લામી સરકારે આ પ્રથા પર રોક લગાવી દીધી. ત્યારબાદ ખરેખર નદીનું પાણી સૂકાઈ ગયું.

લોકોને લાગ્યું કે તેમના પર નદીનો પ્રકોપ થયો છે. આ વાત જ્યારે ખલીફા ઉમર ફારુકને જણાવવમાં આવી, તો તેમણે નાઇલ નદીના નામે પત્ર લખ્યો, જેમાં તેમણે લખ્યું કે, 'નદી જો તું તારી મરજીથી વહે છે, તો ના વહેતી, પણ જો તું અલ્લાહના આદેશથી વહે છે, તો વહેવાનું શરૂ કરી દે.'

એવું કહેવામાં આવે છે કે, નાઇલ નદીમાં પહેલાં કરતાં વધુ પાણી આવ્યું અને ત્યાર પછી તેમાં ક્યારેય પાણી ઓસર્યાં નહીં.

line

ઔરંગઝેબ કેટલા ધાર્મિક હતા?

સ્મારક

ઇમેજ સ્રોત, Getty Images

ઑડીનું કહેવું છે કે કદાત ઔરંગઝેબને પણ આ કહાણી ખબર હોય અને તેમણે તેનું અનુકરણ કર્યું હોઈ શકે છે.

જોકે, તેમણે કહ્યું કે તેઓ એક આધુનિક ઇતિહાસકાર હોવાથી આ વાતો પર વિશ્વાસ નથી કરતા.

ઔરંગઝેબને આ વાતો પર વિશ્વાસ હતો કેમકે બાદશાહે લોકોની સામે આ વાત પર અમલ કર્યો અને એવું દર્શાવવાની કોશિશ કરી કે આ રીતે પૂરના પ્રકોપથી બચી શકાય છે.

અન્ય મોઘલ બાદશાહોની સરખામણીએ ઔરંગઝેબની શ્રેષ્ઠતાનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે ઔરંગઝેબ અન્ય કરતાં સૌથી વધુ ધાર્મિક હતા.

તેમને કુરાનની બધી જ આયાતો યાદ હતી. નમાઝ અને પ્રાર્થનાની નિયમિતતાના આગ્રહી હતા.

ઔરંગઝેબ વિશે કહેવાય છે કે તેમને કલા ખાસ કરીને સંગીતથી નફરત હતી પણ કેટલાક કિસ્સા આ વાત મામલે વિસંગગતા ઊભી કરે છે.

એક અન્ય ઇતિહાસકાર કેથરીન બ્રાઉને 'ડિડ ઔરંગઝેબ બૅન મ્યુઝિક' શીર્ષક હેઠળ લખેલા લેખમાં દાવો કર્યો છે કે ઔરંગઝેબ તેમના માસીને મળવા બુરહાનપુર ગયા હતા અને ત્યાં તેઓ હીરાબાઈ ઝૈનાબાદીને જોઈને મોહિત થઈ ગયા હતા. હીરાબાઈ એક નર્તકી અને ગાયિકા હતાં.

line

ઔરંગઝેબના આખરી દિવસો

ઑડ્રી પણ કહે છે કે ઔરંગઝેબને જેટલા પ્રમાણમાં કટ્ટર દર્શાવવામાં આવે છે પણ તેઓ ખરેખર કટ્ટર નહોતા.

તેમની ઘણી બેગમ હિંદુ હતી અને ઘણા મોઘલોની પત્નીઓ હિંદુઓ હતી.

તેમણે જણાવ્યું કે, "છેલ્લા દિવસોમાં ઔરંગઝેબ તેમના સૌથી નાના પુત્ર કામબખ્શની માતા ઉદયપુરી સાથે રહેતા હતા. તેઓ પણ એક ગાયિકા હતાં."

"તેમણે મૃત્યુશય્યા પરથી કામબખ્શને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે તેમની માતા ઉદયપુરી બીમારીની આ હાલતમાં તેમની સાથે છે અને છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે રહેશે."

કહેવાય છે કે ઔરંગઝેબના મૃત્યુના કેટલાક મહિનાઓ બાદ વર્ષ 1707ની ગરમીઓમાં ઉદયપુરીનું મૃત્યુ થઈ ગયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો