પાક. જનરલને ગળે મળ્યા સિદ્ધુ, વિવાદ કોંગ્રેસના દ્વારે

ઇમેજ સ્રોત, PTI
કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ તેમના પાકિસ્તાન પ્રવાસને લઈને પહેલાંથી વિવાદમાં છે. જોકે, હવે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાને ગળે મળ્યા બાદ તેઓ ભાજપના સીધા નિશાન પર છે.
નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઇમરાખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે પાકિસ્તાન ગયા હતા.
ઇમરાન ખાને તેમને સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું.
તેમના સિવાય ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન કપિલ દેવ અને પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, તે બન્નેએ સમારોહમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો.
સિદ્ધુ ઇસ્લામાબાદ ગયા અને ઇમરાન ખાનને અભિનંદન આપ્યાં. જોકે, જેવા જ તેઓ જનરલ બાજવાને ગળે મળ્યા કે વિવાદોમાં આવી ગયા. પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દર સિંઘે પણ સિદ્ધુના આ પગલાની ટીકા કરી છે.

ભાજપે સીધી જ તક ઝડપી લીધી

ઇમેજ સ્રોત, AFP
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ કરીને બાજવાને ગળે લગાવવા પર સવાલો ઉઠાવ્યા.
તેમણે કહ્યું કે જનરલ બાજવાને ગળે મળવું કોઈ સાધારણ વાત નથી પરંતુ એક ગુનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પણ સવાલો કર્યા કે સિદ્ધુ તેમની રજા લઈને પાકિસ્તાન ગયા છે?
ભાજપે તો નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસમાંથી કાઢી મૂકવા સુધીની વાત કરી નાખી.
તમે આ વાંચ્યું કે નહીં?
સંબિત પાત્રાએ સિદ્ધુને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના પ્રમુખની સાથે બેસવા મામલે પણ સવાલો કર્યા.
પાકિસ્તાનને લઈને ભાજપની નીતિ સામે કોંગ્રેસ પણ સવાલો ઊભા કરી ચૂકી છે.
કોંગ્રેસ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ગળે મળવાનો મામલો ઉઠાવી રહી છે.
તો શું હવે સિદ્ધુના ગળે મળવાને લઈને કોંગ્રેસ સામે મુશ્કેલી ઊભી થઈ શકે છે? શું કોંગ્રેસ વિરુદ્ધ ભાજપને એક નવું હથિયાર મળી ગયું છે.
આ મામલે બીબીસી સંવાદદાતા કમલેશ મઠેનીએ વરિષ્ઠ પત્રકાર અપર્ણા દ્વિવેદી સાથે વાત કરી. વાંચો તેમના જ શબ્દોમાં :

કોંગ્રેસ ખરેખર ફસાઈ?

ઇમેજ સ્રોત, EPA
નવજોત સિંહ સિદ્ધુ ઇમરાન ખાનના મિત્ર બનીને ભલે ગયા હોય પરંતુ તેમનો મોભો એક કોંગ્રેસ નેતાનો છે.
એવું બની શકે કે સિદ્ધુ વિચારતા હોય કે તેઓ વ્યક્તિગત રીતે ગયા છે પરંતુ તેઓ છે તો એક કોંગ્રેસી નેતા જ.
એ સમયે કોંગ્રેસના એક નેતા પાકિસ્તાન જઈને તેમના સેના પ્રમુખને ગળે મળી રહ્યા છે, જ્યારે બંને દેશની સેના વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે.
આ મામલામાં સિદ્ધુ હાથ મિલાવીને પણ સાઇડમાં જઈ શકતા હતા પરંતુ તેઓ ગળે મળ્યા.
ભલે તેમને લાગતું હોય કે તેઓ મોહમ્મદનો પેગામ લઈને ગયા હતા પરંતુ તેમનો રાજકીય મોભો કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરશે.
ભાજપ પહેલાં જ આને મુદ્દો બનાવી ચૂકી છે અને કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
હવે સવાલ એ ઊઠે છે કે શું ગળે મળીને સિદ્ધુ કોઈ સંદેશ આપવા માગતા હતા કે બસ એમ જ જોશમાં તેઓ ગળે મળ્યા.
આ ગળે મળવાની બાબતે ક્યાંયને ક્યાંય કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી છે.

કેટલો મોટો મુદ્દો બનશે

ઇમેજ સ્રોત, Reuters
ભારત અને પાકિસ્તાનના સંબંધો હંમેશાં આપણા દેશમાં રાજકીય મુદ્દો બનતા રહ્યા છે.
આ મુદ્દો અત્યારે શાંત નહીં થાય. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવશે, જ્યારે પણ દેશની સુરક્ષા અને પાકિસ્તાનના હુમલાનો મામલો ઉઠશે તો આ ઘટનાને વારંવાર દર્શાવવામાં આવશે કે કોંગ્રેસના એક નેતા જનરલ બાજવાને ગળે મળ્યા હતા.
જોકે, તેઓ માત્ર ઇમરાન ખાનને અભિનંદન આપી અને ગળે મળીને પરત આવતા તો એક મિત્રને ગળે મળ્યા એવું બનત પરંતુ જનરલ બાજવાને ગળે મળવું કોંગ્રેસ માટે તકલીફદાયક બની શકે છે.
હવે આગળ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પણ આવવાની છે. જેમાં ભાજપ આ મુદ્દાનો ફાયદો ઉઠાવી શકે છે.
એટલા માટે જ ભાજપે તાત્કાલિક પત્રકાર પરિષદ કરીને આ મામલે સવાલો ઊભા કરી દીધા.

શું પક્ષની મંજૂરી લેવી જરૂરી હોય છે?

ઇમેજ સ્રોત, PTI
સામાન્ય રીતે પરંપરા એવી રહી છે કે જો કોઈ નેતા આવા સમારોહમાં સામેલ થવા જાય તો તેમના વરિષ્ઠ નેતાઓને જણાવીને જાય છે કારણ કે આ એક આંતરરાષ્ટ્રીય મામલો છે.
જોકે, આ આમંત્રણ નવજોત સિંહ સિદ્ધુને આવ્યું હતું ના કે એક કોંગ્રેસી નેતાને, એટલા માટે આ મામલે મંજૂરી લેવી જરૂરી ન હતી.

શું સિદ્ધુ ભવિષ્યનું વિચારી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
સિદ્ધુના મગજમાં શું ચાલી રહ્યું છે તે તેઓ જ સારી રીતે જણાવી શકે છે, પરંતુ બની શકે કે તેમના મગજમાં આવ્યું હોય કે તેમના મિત્ર વડા પ્રધાન બન્યા છે તો તેમની વાતનું મહત્ત્વ પણ હોઈ શકે છે.
જોકે, વ્યક્તિગત રીતે બોલાવાયેલા નેતા શું ભવિષ્યમાં બે દેશોની આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં મદદ કરી શકશે. આ તો ભવિષ્યમાં જ ખબર પડશે.
બીજી તરફ એ પણ જોવું જરૂરી છે કે ઇમરાન ખાન શું તેમને આવું મહત્ત્વ આપી રહ્યા છે કે નહીં.
હવે જોવાનું એ છે કે તેઓ સિદ્ધુને એક ક્રિકેટર, એક મિત્રના રૂપમાં બોલાવશે કે આવનારા સમયમાં એક રાજકીય દ્રષ્ટિએ આવેલા નેતાના રૂપમાં બોલાવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












