શું પ્રાચીન ભારતના હિંદુ ખરેખર સહિષ્ણુ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય ઇતિહાસના નિષ્ણાત દ્વિજેન્દ્ર નારાયણ ઝા, એ ભારતીય ઇતિહાસકાર છે જેમણે 'મિથ ઑફ હૉલી કાઉ' જેવું પુસ્તક લખ્યું છે. તે પુસ્તકમાં તેઓ સાબિત કરે છે કે પ્રાચીન ભારતમાં ગૌમાંસ ખાવામાં આવતું હતું. આવા વિષય પર વિવાદ થશે એ તો દેખીતું જ છે.
ડી એન ઝાના હાલમાં પ્રકાશિત પુસ્તક 'અગેઇન્સ્ટ ધ ગ્રેન : નોટ્સ ઑન આઇડેન્ટિટી, ઇન્ટોલરન્સ ઍન્ડ હિસ્ટ્રી'માં પ્રાચીન ભારતમાં અસહિષ્ણુતા સહિતના એ વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, જેનો સામનો આજનું ભારત રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે કરી રહ્યું છે.
બીબીસીનાં ભારતીય ભાષાઓનાં તંત્રી રૂપા ઝાએ આ પુસ્તક અને દેશની વર્તમાન સ્થિતિ સાથે જોડાયેલા અનેક સવાલ પ્રોફેસર ડી એન ઝાને પૂછ્યા હતા. પ્રોફેસર ઝાએ તેના જવાબ ઈ-મેઇલ મારફત મોકલ્યા હતા.

ભારતનો સુવર્ણ યુગ

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ હિંદુત્વના વિચારકો પ્રાચીન ભારતને સુવર્ણ યુગ ગણાવે છે, જેમાં સામાજિક સદભાવ હતો. બીજી તરફ મધ્યકાલીન ભારતને તેઓ આતંકનો દોર ગણાવે છે, જેમાં મુસ્લિમ શાસકોએ હિંદુઓ પર બહુ જુલમ કર્યા હતા. ઐતિહાસિક પુરાવા આ વિશે શું કહે છે?
પ્રોફેસર ડી એન ઝા: ઐતિહાસિક પુરાવાઓ જણાવે છે કે ભારતીય ઇતિહાસમાં કોઈ સુવર્ણ યુગ ન હતો. પ્રાચીન કાળને આપણે સામાજિક સદભાવ અને સંપન્નતાનો દૌર ગણી ન શકીએ. પ્રાચીન ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા બહુ ચુસ્ત હોવાના પૂરતા પુરાવા છે.
બિન-બ્રાહ્મણો પર તેમને સામાજિક, કાયદાકીય તથા આર્થિક રીતે પંગુ બનાવતા અનેક નિયંત્રણો લાદવામાં આવતાં હતાં.
ખાસ કરીને શુદ્ર કે અછૂત લોકો તેના શિકાર હતા. એ કારણે પ્રાચીન ભારતીય સમાજમાં ઘણી તંગદિલી રહેતી હતી.
આજે અંબાણી અને અદાણી છે તેમ એ સમયમાં પણ ઊંચી જ્ઞાતિના લોકો, સામંતો અને જમીનદારો સંપન્ન તથા ખુશ હતા, પણ જોતા આવ્યા છીએ કે આવા લોકો માટે તો હંમેશા સુવર્ણ યુગ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રાચીન ભારતમાં સુવર્ણ યુગ હોવાનો વિચાર ઓગણીસમી સદીના અંતિમ ભાગમાં ઉપજ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
વીસમી સદીની શરૂઆતમાં ઇતિહાસકારો એવું કહેવા લાગ્યા હતા કે ગુપ્ત રાજવંશે રાષ્ટ્રવાદને પુનર્જીવિત કર્યો હતો. ગુપ્ત શાસકોના કાળને સુવર્ણ યુગ કહેવામાં આવે છે.
અલબત, ડી ડી કોસાંબીના શબ્દોમાં કહીએ તો ગુપ્ત રાજવંશે રાષ્ટ્રવાદને પુનર્જીવિત કર્યો ન હતો પરંતુ રાષ્ટ્રવાદે ગુપ્ત રાજવંશને ફરી શક્તિ આપી હતી.
હકીકત એ છે કે સામાજિક સદભાવ અને સંપન્નતાવાળા સુવર્ણ યુગની કલ્પનાનો ઇતિહાસકારોએ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં દુરુપયોગ કર્યો છે.
મધ્યકાલીન મુસ્લિમ શાસકોના આતંક અને જુલમી શાસનની વાત કરીએ તો મુસ્લિમ શાસકોને દાનવોના સ્વરૂપમાં પ્રસ્તુત કરવાનો દોર પણ ઓગણીસમી સદીની આખરથી જ શરૂ થયો હતો.
એ સમયના કેટલાક સામાજિક સુધારકો અને બીજા મહત્ત્વના લોકોએ મુસલમાનોની ઇમેજને ખરડીને પ્રસ્તુત કરવાના કામને પોતાની વિશિષ્ટતા બનાવી લીધું હતું.
જેમકે, દયાનંદ સરસ્વતી (1824-1883). તેમણે તેમના પુસ્તક 'સત્યાર્થ પ્રકાશ'માં બે અધ્યાય ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાંની ખરાબીને સમર્પિત કર્યા હતા.
એવી રીતે સ્વામી વિવેકાનંદે (1863-1902) કહ્યું હતું, "પ્રશાંત મહાસાગરથી માંડીને એટલાન્ટિક સુધી સમગ્ર દુનિયામાં પાંચસો વર્ષ સુધી લોહી વહેતું રહ્યું છે. આ છે ઇસ્લામ ધર્મ."
મુસ્લિમ શાસકોને ખરાબ ગણાવવાનું, તેમની ઇમેજ ખરડવાનું અને તેમને જુલમી ગણાવવાનું ત્યારથી શરૂ થયું હતું, જે આજ સુધી ચાલુ છે.
હિંદુત્વના વિચારકો અને અનુયાયીઓ મુસ્લિમ શાસકોને કાવતરાખોર તથા હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાવનારા ગણાવે છે.
તેમને એવા લોકો ગણાવે છે, જેમણે હિંદુઓનાં મંદિરો તોડી પાડ્યાં હતાં અને હિંદુ સ્ત્રીઓ પર બળાત્કાર કર્યા હતા.
જોકે, મધ્યકાલીન ભારત અને મુસ્લિમ શાસકો વિશેની આવી ધારણાને તારાચંદ, મોહમ્મદ હબીબ, ઇરફાન હબીબ, શીરીન મૂસવી, હસબંસ મુખિયા, ઓડ્રે ટ્રશ્ક અને અન્ય ઇતિહાસકારોએ સતત પડકારી છે.
આ ઇતિહાસકારોએ સંશોધન વડે સાબિત કર્યું છે કે મુસ્લિમ શાસકોના અત્યાચારને અતિશયોક્તિ સાથે રજૂ કરવામાં આવ્યા છે.
આ ઇતિહાસકારોએ જણાવ્યું છે કે મુસ્લિમ શાસકોએ તેમના સમયમાં જે જુલમ કર્યા એ તેમની રાજકીય જરૂરિયાત હતા.
સામ્રાજ્યવાદ પહેલાના દોરમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તંગદિલીના વધારે પુરાવા મળતા નથી. હકીકત એ છે કે મોગલોના સમયમાં સંસ્કૃતવાળી સંસ્કૃતિ બહુ ફૂલીફાલી હતી.

બ્રાહ્મણવાદીઓ અને બૌદ્ધ ધર્મ

સવાલઃ તમે તમારા નવા પુસ્તક 'અગેઇન્સ્ટ ધ ગ્રેનઃ નોટ્સ ઑન આઇડેન્ટિટી, ઇન્ટોલરન્સ ઍન્ડ હિસ્ટ્રી'માં એવો ઉલ્લેખ કર્યો છે કે બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર ક્યારેય કર્યો ન હતો. તેનો શું અર્થ છે? હાલ દલિતોએ જે રીતે આક્રમકતાનો સામનો કરી રહ્યો છે એ વિશે આપ શું માનો છો?
પ્રોફેસર ડી એન ઝા: હિંદુત્વવાદી અસહિષ્ણુતાનો ઉલ્લેખ મેં અગાઉ પણ કર્યો છે. તેના સંદર્ભમાં એ સ્પષ્ટ છે કે બ્રાહ્મણો હંમેશાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓના જોરદાર વિરોધી રહ્યા છે.
વર્તમાન સમયમાં દલિતો, ખાસ કરીને બૌદ્ધ ધર્મના અનુયાયી દલિતો સાથે જે દુશ્મનાવટ ચાલી રહી છે, તેનાં મૂળ હિંદુ ધર્મની જ્ઞાતિ વ્યવસ્થામાં છે.
વિવિધ વર્ગોમાં વહેંચાયેલા હિંદુ ધર્મમાં દલિતો સૌથી નીચલા સ્થાને છે. તેનું એક કારણ એ પણ છે કે તેઓ ગૌમાંસ ખાતા હતા, જે ઉચ્ચ દરજ્જાના હિંદુઓની માન્યતા વિરુદ્ધનું છે.
એ કારણે જ આજે બીફ ખાતા લોકો કે જાનવરોનો વેપાર કરતા લોકો સાથે મૉબ લિંચિંગની જેટલી ઘટનાઓ બની રહી છે, તેની પાછળ મોટેભાગે ઉગ્ર હિંદુત્વવાદીઓનો હાથ હોવાનું માનવામાં આવે છે.

હિંદુ ધર્મ સહિષ્ણુ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ હિંદુ ધર્મ સહિષ્ણુ હોવાનાં ઘણાં ઉદાહરણ આપવામાં આવે છે પણ તમે તેને એક સહિષ્ણુ ધર્મ માનો છો?
પ્રોફેસર ડી એન ઝા:હું માનું છું કે તમામ ધર્મો ભાગલા પાડવાનું કામ કરે છે. આ સંબંધે હિંદુ ધર્મ પણ અલગ નથી.
તેનો અર્થ એ કે બ્રાહ્મણવાદી અને શ્રમણવાદી (જૈન તથા બૌદ્ધ) ધર્મો વચ્ચે પ્રાચીન કાળથી મધ્ય કાળ સુધી લાંબો સમય શત્રુતા રહી છે.
પ્રાચીન કાળના ગ્રંથોમાં પણ આ બન્ને વચ્ચેની ખેંચતાણના સ્પષ્ટ પુરાવા મળે છે.
પતંજલિએ તેમના ગ્રંથ મહાભાષ્યમાં લખ્યું હતું કે બ્રાહ્મણ અને શ્રમણ સાપ તથા નોળિયાની માફક હંમેશાં એકમેકના દુશ્મન રહ્યા છે.
બ્રાહ્મણવાદ અને બૌદ્ધ ધર્મ વચ્ચેની સ્થાયી દુશ્મનીની ઝલક આપણને બન્ને ધર્મોના ગ્રંથોમાં જોવા મળે છે.
એ ઉપરાંત અનેક પુરાતાત્વિક પુરાવાઓ પણ આ દુશ્મની તરફ ઇશારો કરે છે.
તે આપણને જણાવે છે કે બૌદ્ધ ધર્મની ઇમારતોને કઈ રીતે તોડી પાડવામાં આવી હતી અને તેને કબજે કરવામાં આવી હતી.
હકીકત એ છે કે ભારતમાંથી બૌદ્ધ ધર્મ ગાયબ થવાનું મોટું કારણ, બ્રાહ્મણવાદીઓ દ્વારા તેને પોતાનો દુશ્મન ગણવાનું અને તેના પ્રત્યેનું આક્રમક વલણ હતું.
બ્રાહ્મણ ધર્મ બોદ્ધ ધર્મની સચ્ચાઈનો ક્યારેય સ્વીકાર કરી શક્યો ન હતો એ સ્પષ્ટ છે. તેથી હિંદુ ધર્મ બહુ સહિષ્ણુ છે એવું કહેવું ખોટું છે.

ભારતની અવધારણા

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ ભારતની અવધારણા ક્યારે અને કેવી રીતે ઊભરી?
પ્રોફેસર ડી એન ઝા: હિંદુત્વના વિચારકો એવો પ્રચાર સતત કરતા રહ્યા છે કે ભારત અનંત કાળથી છે પણ ભૌગૌલિક ભારતનો ઉલ્લેખ તો ભારતની સૌથી પુરાણી સાહિત્ય કૃતિઓ ગણાતા વૈદિક ગ્રંથોમાં પણ નથી મળતો.
જોકે, વેદોમાં ઘણી જગ્યાએ ભારત કબીલાનો ઉલ્લેખ જરૂર મળે છે.
ભારતવર્ષનો પહેલો પુરાવો આપણને ઈસવીપૂર્વની પહેલી સદીમાં રાજા ખારવેલાના દોરના એક શિલાલેખમાં મળે છે.
એ ભારતવર્ષનો અર્થ આજનું ઉત્તર ભારત હશે એવું આપણે કહી શકીએ. જોકે, તેમાં મગધ સામેલ ન હતું.
મહાભારતમાં જે ભારતનો ઉલ્લેખ છે તે બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલું હતું પરંતુ તેમાં પણ દક્ષિણ અને સુદૂર દક્ષિણ ભારતનો ઉલ્લેખ મળતો નથી.
પુરાણોમાં ભારતવર્ષનો ઉલ્લેખ અનેકવાર કરવામાં આવ્યો છે પણ દરેક વખતે તેનો દાયરો અલગ-અલગ દર્શાવવામાં આવ્યો છે.
અનેક પુરાણોમાં તેનો આકાર ચંદ્રમા જેવો દર્શાવવામાં આવ્યો છે તો કેટલાક ઠેકાણે તે ત્રિકોણાકાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઘણી જગાએ તેને મેળ વિનાના ચતુર્કોણ આકારનું ગણાવવામાં આવ્યું છે અને કેટલાંક પુરાણોમાં તેને ધનુષ્ય જેવું જણાવવામાં આવ્યું છે.
નોંધપાત્ર બાબત એ છે કે પ્રાચીન કાળના કોઈ પણ ભારતીય ગ્રંથમાં ભારતને માતૃભૂમિ કે ભારતમાતા કહેવામાં આવ્યું નથી.
ભારતના સ્ત્રીસ્વરૂપ એટલે કે ભારતમાતાનો પહેલો ઉલ્લેખ બંગાળી લેખક દ્વિજેન્દ્ર રોયની એક કવિતામાં મળે છે.
એ પછી બંકિમ ચેટરજીની આનંદમઠમાં ભારતમાતાનો ઉલ્લેખ જોવા મળે છે.
ભારતનું માનવીય સ્વરૂપ અવનીન્દ્રનાથ ટાગોરે 1905માં બનાવેલા પેન્ટિંગમાં જોવા મળે છે, જેમાં ભારતમાતાને હિંદુ વૈષ્ણવ મહિલા સન્યાસીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યાં છે.
ભારતમાતાનો પહેલો નકશો 1936માં વારાણસીમાં બનેલા ભારતમાતા મંદિરમાં જોવા મળે છે.

વર્તમાન સમયમાં હિંદુત્વની ઓળખ

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ વર્તમાન સમયમાં હિંદુત્વની ઓળખને આપ કઈ રીતે જુઓ છો?
પ્રોફેસર ડી એન ઝા: હિંદુત્વ આ દેશની દીર્ઘકાલીન તમામ માન્યતાઓ, પરંપરાઓ અને આસ્થા-કર્મકાંડોનો સરવાળો છે.
જોકે, નવા દોરના હિંદુત્વવાદીઓ તેને એક પ્રકારની માન્યતાઓ, આસ્થાઓ અને કર્મકાંડોને અનુસરતા લોકોનો ધર્મ બનાવવા કૃતનિશ્ચય છે.
આ ધર્મના વૈવિધ્યને નકારીને તેને સમાન લોકોના ઉગ્ર ધર્મ તરીકે પ્રસ્તુત કરવાના પ્રયાસ ચાલુ છે.
આ નવા હિંદુત્વમાં ગાયના ઉપાસનાને સર્વોપરી ગણાવવામાં આવી રહી છે.
ભગવાન રામને તમામ દેવી-દેવતાઓ કરતાં વધારે પૂજ્ય અને રામાયણને તમામ શાસ્ત્રોમાં ઉત્તમ ગણાવવામાં આવી રહ્યાં છે.
થોડા સમય પહેલાં મેં એવું પણ સાંભળ્યું હતું કે હિંદુત્વવાદી સંગઠનો 'મનુસ્મૃતિ'ને આજના સમયના હિસાબે ફરીથી લખવાના પ્રયાસ કરી રહ્યા છે.
આ બધાથી સ્પષ્ટ થાય છે કે આજે હિંદુત્વની એક બનાવટી ઓળખ ઘડવામાં આવી રહી છે, જે પહેલાં ન હતી.
તેનું પરિણામ એ આવ્યું છે કે ભારતને આજે અંધાર યુગ તરફ ધકેલવામાં આવી રહ્યું છે, જ્યાં ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિચર્ચા અત્યંત ઝેરીલી બની ગઈ છે.

ગાય ક્યારે બની ભાવનાત્મક સાંસ્કૃતિક ઓળખ?

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ તમારા મંતવ્ય અનુસાર ગાય ક્યા દોરમાં ભાવનાત્મક સાંસ્કૃતિક ઓળખ તરીકે ઊભરી? આજે એ ઓળખનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે?
પ્રોફેસર ડી એન ઝા:ગૌહત્યા વિરુદ્ધના ભાવનાત્મક માહોલનું વાતાવરણ પ્રાચીન તથા મધ્યકાળથી જ તૈયાર થવા લાગ્યું હતું પણ ભારતમાં ઇસ્લામ ધર્મના આગમન પછી તેના વિરુદ્ધનો માહોલ વધુ આક્રમક થઈ ગયો હતો.
મજાની વાત એ છે કે જે બ્રાહ્મણો વૈદિક કાળમાં ગૌમાંસ ખાતા હતા, તેમણે જ મુસલમાનો ગૌમાંસ ખાતા હોવાની ઇમેજ ઘડી કાઢી હતી.
મધ્યકાલીન ભારતમાં ગાય એક ભાવનાત્મક સાંસ્કૃતિક પ્રતિકના સ્વરૂપમાં ઊભરી હતી તેમાં કોઈ શંકા નથી.
ગાયની આ ઇમેજ મરાઠાઓ સત્તા પર આવ્યા પછી વધુ મજબૂત બની હતી.
મરાઠા રાજા શિવાજી વિશે તો એવું માનવામાં આવતું હતું કે તેઓ ભગવાનના અવતાર હતા અને તેમનો જન્મ બ્રાહ્મણો તથા ગાયોની સેવા માટે જ થયો છે.
જોકે, ગાયના નામે રાજકારણનો પહેલો મોટો પ્રયાસ પંજાબમાં થયો હતો.
1870ના દાયકામાં શીખોના કૂકા આંદોલન દરમિયાન ગાયનો ઉપયોગ રાજકીય હેતુસર કરવામાં આવ્યો હતો.
દયાનંદ સરસ્વતીએ 1882માં પહેલી ગૌરક્ષિણી સભાનું ગઠન કર્યું હતું.
ગૌરક્ષા માટે ચલાવવામાં આવતાં આંદોલનો વેગવાન બનવાની સાથે જ ગાય ગૌમાતા બની ગઈ હતી.
આ બધું એ જ સમયમાં થઈ રહ્યું હતું જ્યારે ભારતને ભારતમાતા બનાવવામાં આવી રહ્યું હતું. હાલમાં એક નવો શબ્દ 'રાષ્ટ્રમાતા' સાંભળવા મળ્યો છે.
એ નામ મલિક મોહમ્મદ જાયસીના ગ્રંથ 'પદ્માવત'ના એક પાત્ર પદ્મિનીને આપવામાં આવ્યું છે.
આ બધી બાબતો ભારતના મૂળભૂત રાજકીય પોતને નુકસાન પહોંચાડી રહી છે.

રામ મંદિરનું રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ 2019ની ચૂંટણી પહેલાં રામ મંદિરનું રાજકારણ ફરીથી તેજ બનશે. તમે તમારા પુસ્તકમાં લખ્યું છે કે સત્તરમી-અઢારમી સદી સુધી ભારતમાં ભાગ્યે જ ક્યાંય રામ મંદિર હતાં.
પ્રોફેસર ડી એન ઝા: હિંદુત્વ બ્રિગેડ ભલે ગમે તે કહે પણ હકીકત એ છે કે સત્તરમી-અઢારમી સદી સુધી ઉત્તર ભારતમાં કોઈ રામ મંદિર હોવાના પુરાવા મળતા નથી.
હા. મધ્ય પ્રદેશમાં બારમી સદીમાં બનેલા એક-બે રામ મંદિર જરૂર મળ્યાં છે.
સાચું કહીએ તો અયોધ્યા જૈન તથા બૌદ્ધ ધર્મનું એક મોટું કેન્દ્ર હતું. 1528માં મીર બાકીએ ત્યાં મસ્જિદ બનાવી ત્યારે પણ ત્યાં કોઈ રામ મંદિર ન હતું.

ઇતિહાસકારની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ તમારા મત મુજબ, ભારતને સૌથી ઉત્તમ દેશ બનાવવામાં ઇતિહાસ કેટલી મોટી ભૂમિકા ભજવી શકે?
પ્રોફેસર ડી એન ઝા: ભારતને સૌથી ઉત્તમ દેશ બનાવવામાં ઇતિહાસકાર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે.
અત્યાર સુધી ઇતિહાસકારોએ ભારેખમ શબ્દો ધરાવતાં પુસ્તકો વધારે લખ્યાં છે.
ટેક્નિકલ શબ્દો પર વધારે ભાર આપવામાં આવે છે. એવાં પુસ્તકો સામાન્ય લોકોને સમજાતાં નથી.
ઇતિહાસકાર અંગ્રેજી સાથે પ્રાદેશિક ભાષાઓમાં પણ પુસ્તકો લખે તો સામાન્ય લોકોની ઇતિહાસ વિશેની સમજને બહેતર બનાવવામાં મદદ મળશે.
લોકો ઐતિહાસિક ઘટનાઓને વધારે તાર્કિક રીતે સમજી શકશે. ધર્મ પ્રત્યેની તર્કસભર સમજથી સામાજિક પ્રીતિ વધશે. વાહિયાત વિચારસરણીથી સમાજમાં દુર્ભાવના જ વધતી હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













