બ્લોગ : હિંદુ-મુસ્લિમ વિવાદોના આવિષ્કારનો રાજકીય ફૉર્મ્યુલા

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
અયોધ્યામાં રામ મંદિર બને કે ના બને બન્ને પરિસ્થિતિમાં જો કોઈને ફાયદો થઈ શકે, તો તે ભાજપને જ થઈ શકે છે.
જો મંદિર બનશે તો હિંદુત્વનો વિજય થશે અને જો નહીં બને તો પરાજિત બહુમતી હિંદુઓ સમક્ષ ભાજપના સમર્થનમાં વધારે મજબૂતીથી એકઠા થવાનું આહ્વાન કરવામાં આવશે.
એટલે કે બન્ને સ્થિતિમાં ફાયદો એક જ પક્ષને. આ એક સફળ ફૉર્મ્યુલા છે.
જીતે તો જય જય અને હારી જાય તો હાય-હાય. એનો અર્થ કે હિંદુઓની ધાર્મિક ભાવના હંમેશાં સળગતી જ રહેશે.
આ જ ફૉર્મ્યુલા હેઠળ લખનૌમાં ભાજપના કેટલાક નેતાઓએ એક ઐતિહાસીક મસ્જિદ સામે લક્ષ્મણની મૂર્તિ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
પરંતુ આ મસ્જિદના ઇમામે તેનો વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે ઈદ-બકરી ઈદની નમાઝ થાય છે અહીં મુસ્લિમો કોઈ મૂર્તિની સામે નમાઝ ન પઢી શકે.
આમ આ રીતે એક શાનદાર અને ફાયદાકારક વિવાદનો જન્મ થઈ ગયો છે. આ વિવાદ જેટલો વધશે હિંદુત્વવાદી કથાનક દરેક સંજોગોમાં વધુ મજબૂત થશે.
સાથે જ આ સમગ્ર વિવાદમાં લઘુમતી મુસ્લિમોને વારંવાર એવું લાગતું રહેશે કે તેમને સમાન નાગરિકનો અધિકાર નથી મળી રહ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ટીલાની મસ્જિદના ઇમામનું કહેવું છે તેમને મૂર્તિથી કોઈ વાંધો નથી, પરંતુ તે મસ્જિદની બરાબર સામે ન મૂકવી જોઈએ.
શું તમે આ વાંચ્યું?
બીજી તરફ ભાજપ સાથે જોડાયેલા નેતાઓનું કહેવું છે કે મૂર્તિ ત્યાં જ લગાવવામાં આવશે. જો મૂર્તિ કોઈ અન્ય સ્થળે લગાવવામાં આવે તો વિવાદ કઈ રીતે થાય. અને જો વિવાદ ન થાય તો પછી આ બધું કરવાનો ફાયદો શું?

હિંદુ વિરોધી લેબલ મોટું રાજકીય જોખમ

ઇમેજ સ્રોત, AFP
આ તેમના રાજકીય માસ્ટર સ્ટ્રોકમાંનો એક છે કેમ કે કોંગ્રેસ, સપા અને બસપા પણ જો આ નવા વિવાદમાં ઝંપલાવે તો ભાજપ તેના પર હિંદુ વિરોધી હોવાનું લેબલ ચોંટાડી દે જે એક મોટું રાજકીય જોખમ છે.
આથી ભાજપના વિરોધીઓ ચૂપ જ રહેશે. એમ પણ હિંદુ ભાવનાની રાજનીતિ કોઈ વિપક્ષ પાસે નથી તેઓ ક્યાં તો ચૂપ રહે છે અથવા ભાજપના નેતાઓ સાથે મંદિરો-મઠોમાં માથું નમાવવાની સ્પર્ધા કરે છે.
વિપક્ષ માત્ર અંક-ગણિતના ભરોસે વિચારોનો સંઘર્ષ જીતી લેવા માગે છે તે શક્ય નથી. યુવા ભારત વિકાસની દરેક સીડી ભવિષ્ય તરફ નહીં પણ ગૌરવશાળી હિંદુ અતીત તરફ જઈ રહી છે.
દેશના યુવાઓનું કામ લક્ષ્મણની મૂર્તિથી ચાલી જશે. લખનૌ વિશ્વવિદ્યાલયની હાલત વિશે વાત વિવાદથી ફુરસદ મળતા પછી ક્યારે કરીશું.

હિંદુ આસ્થા સામે ઇતિહાસનો તર્ક

ઇમેજ સ્રોત, AFP
લખનૌ ખરેખર લખનપુરી છે એટલે ત્યાં લક્ષ્મણની ભવ્ય પ્રતિમા બનવી જોઈએ.
મસ્જિદ સામે એટલે બનવી જોઈએ કેમ કે ટેકરીની મસ્જિદ ખરેખર લક્ષ્મણ ટેકરી ઉપર બનાવવામાં આવી છે આથી મૂર્તિ ત્યાં જ બનશે વાત ખતમ.
આ વિવાદ પાછળ લખનૌના જૂના રહેવાસી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલજી ટંડનના પુસ્તક 'અનકહા લખનૌ' છે. તેમાં તેમણે મિશ્ર સંસ્કૃતિવાળા શહેર પર હિંદુઓના પૌરાણિક દાવાઓની પુષ્ટિ કરવાની કોશિશ કરી છે.
લાલજી ટંડનનો દાવો છે કે શ્રીરામના ભાઈ લક્ષ્મણ શેષનાગનો અવતાર હતા તેમણે જ આ શહેરનો પાયો નાખ્યો હતો. તેમનું કહેવું છે કે તેમની પાસે સંપૂર્ણ ઇતિહાસ છે.
લખનૌ શહેરના નામકરણ સાથે જોડાયેલી કેટલીક કહાણીઓ છે. કેટલાક લોકોની ટંડનની જેમ તેનો સંબંધ લક્ષ્મણ સાથે જોડે છે, જ્યારે 11મી સદીના દલિત રાજા લાખન પાસીના લખનપુરીની પણ ચર્ચા થાય છે.
કેટલાક તેને દેવી લક્ષ્મીના નામ પરથી ગણે છે અને કેટલાક લોકો કહે છે કે તે સુલક્ષણાપુરી હતી એટલે કે સૌભાગ્યશાળી શહેર.

ઇમેજ સ્રોત, AFP
રસપ્રદ વાત એ છે કે ઉત્તરપ્રદેશના હાલના ઉપ-મુખ્યમંત્રી દિનેશ શર્મા બે વર્ષ પૂર્વે લખનૌના મેયર હતા અને તેમણે પાસી સમુદાયની એક સભામાં મહારાજ લાખન પાસીની મૂર્તિ લગાવવાનું વચન આપ્યું હતું.
હવે તે જ દિનેશ શર્મા લક્ષ્મણની મૂર્તિ લગાવવાનું વચન આપી રહ્યા છે.
જો તમે સમજવા ઇચ્છો તો સમજી શકો છો કે મૂર્તિઓ લગાવવાની વાતો પ્રતીકો અને તેમની સાથે જોડાયેલી ભાવનાઓના રાજકારણ સિવાય બીજું કંઈ નથી.
પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડવાનો પરંતુ ભાજપ માટે એજન્ડા એ છે કે મુસલમાનોને લક્ષ્મણની મૂર્તિ લગાવવા સામે વાંધો છે.
આથી હિંદુઓને તેમના વિરુદ્ધ સંગઠિત થવું જોઈએ કેમ કે આ એક આસ્થાનો સવાલ છે.
આસ્થાની રાજનીતિની સુવિધા આ જ છે કે તેને તથ્યો અને તર્ક તથા નિયમ-કાનૂનની પરવાહ કરવાની જરૂર નથી હોતી.
આ હિંદુઓનો દેશ છે જેવું હિંદુઓ ઇચ્છશે એવું જ થશે. જો આવું થયું તો હિંદુઓ ખુશ થશે. નહીં તો નારાજ થઈ જશે.
બન્ને સ્થિતિમાં મત હિંદુ તરીકે જ આપશે એક નાગરિક તરીકે નહીં. બીજું જોઈએ પણ શું?

ટેકરીની મસ્જિદ અને લક્ષ્મણની મૂર્તિ

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીરામના અનુજ લક્ષ્મણનો આ ટેકરી સાથે શું સંબંધ હતો જેના પર મસ્જિદ બનાવાઈ હતી. શું તેને ખરેખર લક્ષ્મણની ટેકરી કહેવામાં આવતી હતી.
આ વાતોના ઐતિહાસિક, પુરાતત્વ અને પૌરાણિક તથા સાંસ્કૃતિક અને દસ્તાવેજી પ્રમાણ આપવામાં આવી રહ્યા નથી. પણ ભાવનાઓ તો ભાવના જ છે.
કેટલાક જાણકારો અલાહાબાદ હાઈ કોર્ટના 2005ના ચુકાદાને આગળ ધરી રહ્યા છે.
તેમાં કહેવામાં આવ્યું હતું કે માર્ગો પર એવી કોઈ જગ્યાએ કોઈ મૂર્તિ કે હૉર્ડિંગ કે જાહેરાત વગેરે ન લગાવી શકાય જેનાથી ટ્રાફિકને ખલેલ થાય અથવા વાહનચાલકો સામે ધ્યાન ભટકાવતી કોઈ વસ્તુ આવી જાય.
ભાવનાઓ નિયમ-કાનૂનથી નથી ચાલતી અને જો ભાવનાઓ ધાર્મિક હોય તો પછી કહેવું જ શું?
ભાજપના નેતા પૂછી રહ્યા છે કે જો લખનૌમાં લક્ષ્મણની મૂર્તિ નહીં લાગશે તો ક્યાં લાગશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય કેટલાય હિંદુ એવું પૂછી શકે છે કે લક્ષ્મણ રામની સાથે જ પૂજવામાં આવે છે.
રામ-લખન-જાનકી અને હનુમાનની મૂર્તિ દરેક શહેરના મંદિરમાં મળી જશે. દરેક ગલીમાં હનુમાન મંદિર મળી આવે છે. પણ લક્ષ્મણ ક્યાં પૂજવામાં આવે છે?
ચાર રસ્તા પર માત્ર લક્ષ્મણની મૂર્તિ લગાવવાનો તર્ક શું છે? જો માત્ર તે જ મૂર્તિની પૂજા થશે તો તેનું પૂજન વિધાન શું હશે? એટલે કે કયા મંત્રનું ઉચ્ચારણ થશે?
જો લક્ષ્મણની મૂર્તિ સરદાર પટેલની મૂર્તિની જેમ છે જેની પૂજા નહીં થાય તો પછી આ એક આસ્થાનો વિષય કેવી રીતે હોઈ શકે?
જોકે સરદાર પટેલની મૂર્તિ જે ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’થી પણ મોટી છે તે ક્યારે બનશે?
વાત સ્વાભાવિક છે કે આ માત્ર એક વિવાદ છે અને તે ગમે તેવો નહીં પણ હિંદુ-મુસ્લિમ વચ્ચેનો વિવાદ છે. મતલબ કે ભાજપના કામનો વિવાદ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના જ કેટલા નેતાઓને વંદે માતરમ યાદ હશે તે ખબર નહીં. પરંતુ તેને દેશભક્તિ માપવાનું સાધન બનાવી દેવું એક ફાયદાનો સોદો રહ્યો.
કેટલાક કટ્ટર મુસ્લિમ ધાર્મિક નેતાઓએ વંદે માતરમમાં વંદે શબ્દને પ્રાર્થના માની હતી અને કહ્યું હતું કે ઇસ્લામમાં અલ્લાહ સિવાય કોઈ પણ અન્યની પ્રાર્થના (ઇબાદત)ની મંજૂરી નથી આથી તેને ન ગાવું જોઈએ.
ત્યારબાદ કરોડો મુસ્લિમોને દેશદ્રોહી સાબિત કરવા 'તેઓ વંદે માતરમ ગાવાનો ઇન્કાર કરે છે' એવો તર્ક રજૂ કરવામાં આવ્યો અને હજુ પણ કરવામાં આવી રહ્યો છે.
આનાથી હિંદુઓની દેશભક્તિ પાક્કી થાય છે અને મુસલમાનો દેશદ્રોહ. લક્ષ્મણની મૂર્તિ મામલે પણ આવું જ થશે.

હિંદુ રાષ્ટ્ર, મુસલમાન અને જનહિત
આ પ્રકારના વિચારો સાવરકર અને ઝીણા ના આ વિચારને મજબૂત બનાવે છે કે હિંદુ અને મુસલમાન બે અલગ અલગ રાષ્ટ્ર છે, તેઓ શાંતિથી સાથે ન રહી શકે.
હિંદુ રાષ્ટ્રના વિચારને એ દિવસે એક નક્કર તાર્કિક આધાર મળી ગયો જે દિવસે પાકિસ્તાન બન્યું. પરંતુ ગાંધી, નહેરુ, પટેલ અને મૌલાના આઝાદ જેવા નેતાઓને લાગ્યું કે આ બદલાથી ભરેલા તર્ક કરતા સમતા, સ્વતંત્રતા અને બંધુત્વના આદર્શ વધુ મોટા છે, જેની ઉપર લોકશાહી ટકશે.
સમતા, સ્વતંત્રતા અને બંધુત્વ માટે જરૂરી દેશની વ્યવસ્થા એવી હોય જે ધર્મના આધારે પોતાના નાગરિકો સાથે ભેદભાવ ન કરે.
આ આદર્શ આગળ વધ્યા બાદ કેટલાક નેતાઓના કારણે બદનામ સેક્યુલરિઝમ બની ગયો.
બહુમતી હિંદુઓને સમજાવવું આસાન થઈ ગયું કે કેમ મુસલમાનોને બરાબરીના નાગરિક હોવાનો અધિકાર નથી.
કેમ એ જરૂરી છે કે ભારત હિંદુ રાષ્ટ્ર બને અને બહુમતી ધરાવતા હિંદુ નક્કી કરે કરે કે અલ્પસંખ્યક મુસલમાનોએ આ દેશમાં કેવી રીતે રહેવું જોઈએ.
વળી શિક્ષિત લોકો પણ પૂછવા લાગ્યા કે, "તો તેમાં વાંધો શું છે?"
આવા જેટલા પણ વિવાદો થશે તેમાં ભાજપને જ ફાયદો થશે. આથી આવા વધુ વિવાદો માટે તૈયાર રહો.
ચૂંટણી નજીક આવી રહી છે. વિપક્ષ માત્ર મૂક દર્શક બનીને તેને માત્ર નિહાળવા સિવાય કંઈ કરી શકે તેવી સ્થિતિમાં જોવા નથી મળી રહ્યો.
માત્ર સમજદાર લોકો જ સમજી શકે છે કે જનભાવના અને જનહિત બે અલગ અલગ બાબતો છે. લક્ષ્મણની મૂર્તિ જનભાવના છે અને હૅન્ડપમ્પ જનહિત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















