'90% મહિલાઓ પોતાના શરીરને નફરત કરે છે'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"હું 13 વર્ષની હતી, જ્યારે મારું શરીર મોટી છોકરીઓ જેવું બની ગયું હતું. લંબાઈ પણ પાંચ ફીટ છ ઇંચ થઈ ગઈ હતી. મારી મા માટે આ એક ચિંતાની વાત હતી."
"તેમને મારા શરીરનો વિકાસ વિચિત્ર લાગતો હતો. તેમનો સંકોચ જોઈને મને મારી જાત પર શરમ આવતી હતી. એવું લાગતું હતું કે મારી સાથે કંઈક ખોટું થયું છે જેના કારણે મારા શરીરનો આકાર ઝડપથી વધી રહ્યો છે."
"જ્યારે તેમને કંઈ સમજ ન પડી તો તેમણે મને તેમની જૂની બ્રા પહેરવા આપી દીધી. ચાર બાળકોની માની બ્રા શું એક 13 વર્ષની બાળકીને ફિટ થતી?"
આ વાતને ત્રીસ વર્ષ વીતી ગયાં છે પરંતુ તે અનુભવની તકલીફ આજે પણ ફરીદાના મનમાં તાજી છે.
42 વર્ષીય ફરીદા આગળ કહે છે, "મારે એ કહેવું ન જોઈએ, પરંતુ આજ દિન સુધી મને એ વાતનો ગુસ્સો છે અને હું મારા શરીરને નફરત કરું છું."
ફરીદાની વાત સામે લાવ્યા છે દીપા નારાયણ જેમના નવા પુસ્તક 'ચુપઃ બ્રેકિંગ ધ સાઇલન્સ અબાઉટ ઇન્ડિયાઝ વૂમન' હાલ જ માર્કેટમાં આવ્યું છે.
તમને આ પણ વાંચવું ગમશે
ફરીદાની નફરત માટે ક્યાંક ને ક્યાંક તેમના માતા જવાબદાર છે. આ પુસ્તકમાં 600 મહિલાઓ, પુરુષો અને બાળકોનાં જીવનના અનુભવ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લોકો સાથે વાતચીત કરીને દીપા એ તારણ પર પહોંચ્યાં છે કે દેશમાં 90 ટકા મહિલાઓને પોતાના શરીરથી પ્રેમ નહીં, પણ નફરત છે.

રાનીની વાત

ઇમેજ સ્રોત, DEEPA NARAYAN
રાની પણ તેવી જ મહિલાઓમાંથી એક છે.
25 વર્ષીય રાનીએ દીપાને જણાવ્યું, "ત્યારે હું 13 વર્ષની હતી. મારા બર્થ ડેના અવર પર મિત્રોને નિમંત્રણ આપીને પરત ફરી રહી હતી. મેં શરારા પહેર્યો હતો.
"હું ઘરની સીડીઓ ચઢી રહી હતી. ત્યાં અચાનક મેં એક વ્યક્તિને નીચે ઉતરતા જોયા.
"મેં બાજુ પર ખસીને તેમને જવાની જગ્યા આપી, પરંતુ તેમણે મને એવો ધક્કો માર્યો કે મારું માથું દિવાલ સાથે ભટકાયું અને હું બેભાન થઈ ગઈ. ત્યારબાદ શું થયું મને કંઈ યાદ નથી."
રાની આગળ જણાવે છે, "જ્યારે મને ભાન આવ્યું તો બધાની આંખોમાં બસ એક જ સવાલ હતો. શું હું હજુ પણ વર્જિન છું? એ વ્યક્તિએ મારી સાથે કંઈ ખોટું કર્યું છે? મારી ચિંતા કોઈને ન હતી."
રાની સાથે ઘટેલી આ ઘટના અંગે દીપા જણાવે છે, "આ પ્રકારના કેસમાં મહિલાઓ પોતાની જાત સાથે નફરત કરવા લાગે, તે સ્વાભાવિક છે."
દીપાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે 98 ટકા મહિલાઓનાં જીવનમાં ગમે ત્યારે, કોઈને કોઈ રીતે શારીરિક શોષણ થયું છે. તેમાંથી 95 ટકાએ પોતાના પરિવારને એ ઘટના અંગે જણાવ્યું પણ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
આવી જ વધુ એક ઘટનાનો ઉલ્લેખ કરતા દીપા કહે છે, "બેંગલુરૂમાં એક વર્કશોપમાં 18થી 35 વર્ષની મહિલાઓ ભાગ લઈ રહી હતી. ત્યાં હાજર લોકોને સવાલ પૂછવામાં આવ્યો કે જે લોકો સાથે શારીરિક શોષણની ઘટના ઘટી છે, તે બધા ઊભા થાય. તેના જવાબમાં આખા હૉલમાં હાજર તમામ લોકો ઊભા થઈ ગયા."
તેઓ કહે છે, "શું મંદિર, શું સ્કૂલ, શું ઘર... દરેક જગ્યાએ છોકરીઓએ પોતાની સાથે ઘટેલી આ પ્રકારની ઘટનાઓ અંગે મને જણાવ્યું છે."
પરંતુ પોતાના જ શરીરથી મહિલાઓને આખરે નફરત કેમ થઈ જાય છે?
દીપાના જણાવ્યા પ્રમાણે તેનું કારણ છે કે છોકરીઓને નાનપણથી જ આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે.

શરીરથી નફરત

ઇમેજ સ્રોત, DEEPA NARAYAN
"છોકરી છો, સરખી રીતે બેસો."
"છાતી ફૂલાવીને ન ચાલો."
"આટલા ટાઇટ કપડાં શા માટે પહેરો છો?"
વિચાર્યા વગર ઘણી વખત ઘરના બુઝુર્ગો, છોકરીઓ સાથે આ જ રીતે વાત કરે છે.
દીપા કહે છે, "આ વાતો ભલે એ સમયે ખટકતી નથી, પણ આ બધી વાતો જીવનભર તેમની સાથે રહે છે."
દીપાનાં પુસ્તકમાં ઘણાં એવાં પાત્રો છે જેમણે આ પ્રકારની વાતો આખા જીવન દરમિયાન સહન કરી છે.

તમન્નાની તમન્ના

ઇમેજ સ્રોત, Getty Images
આવું જ એક પાત્ર છે તમન્નાનું.
તમન્ના આધુનિક જમાનાની કિશોરી છે અને તેને ટૂંકા કપડાં પહેરવા પસંદ છે.
પરંતુ છોકરાઓ દ્વારા થતી છેડતીથી પરેશાન થઈને તેમણે નિર્ણય કર્યો કે હવે વ્યવસ્થિત પુરાં કપડાં પહેરીને જ તેઓ ડાન્સ ક્લાસ જશે.
તેમના આ નિર્ણયનો પહેલો વિરોધ શીલાએ કર્યો. શીલા તમન્નાને ત્યાં સફાઈનું કામકામજ કરતાં હતાં.
પોતાના આ વિરોધનું કારણ દર્શાવતા શીલાએ પોતાના પર વીતેલી એક ઘટનાનું વર્ણન કર્યું.
શીલાએ કહ્યું, "હું મારા પતિ સાથે ઑટોરિક્ષામાં બેસીને ક્યાંક જઈ રહી હતી. રસ્તામાં પોલીસે ઑટોની શોધખોળ કરવા માટે ગાડી રોકી. શોધખોળ દરમિયાન પોલીસે મારા સ્તનને સ્પર્શ કર્યા અને હું ચૂપ રહી. મને ડર હતો કે પોલીસ મારા પતિને ખોટી રીતે જેલમાં બંધ કરી દેશે."
શીલાએ પછી ભાર આપીને કહ્યું, "ખબર છે દીદી, તે સમયે મેં સાડી પહેરી હતી. મને તો લાગે છે મહિલાઓનાં શરીર સાથે જ કોઈ સમસ્યા છે."

એ સાત વાતો

ઇમેજ સ્રોત, Getty Images
દીપાનું માનવું છે કે મહિલાઓનાં જીવનમાં સાત વાતો એવી છે જેમને તેઓ આખા જીવન દરમિયાન સહન કરે છે.
તેમનું શરીર, તેમનું મૌન, બીજાને ખુશ રાખવાની તેમની ચાહ, તેમની સેક્સ્યુઆલિટી, એકલતા, પ્રેમ અને દાયિત્વ વચ્ચેની દુવિધા અને બીજા લોકો પર તેમની નિર્ભરતા.
દીપા આગળ કહે છે કે ભારતમાં મહિલા માત્ર એક સંબંધનું નામ છે- કોઈની માટે મા, કોઈ માટે દીકરી, કોઈ માટે પત્ની, તો કોઈની બહેન કે ભાભી. તે પોતાના માટે ક્યારેય જીવતા નથી.
(દીપા નારાયણ અમેરિકામાં રહે છે અને ગરીબી તેમજ લૈંગિક ભેદભાવ જેવા સંવેદનશીલ વિષય પર 15 કરતાં વધારે પુસ્તકો તેમણે લખ્યાં છે. દીપા સંયુક્ત રાષ્ટ્ર અને વર્લ્ડ બૅન્ક સાથે લાંબા સમયથી જોડાયેલાં રહ્યાં છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













