‘મેં લગ્ન નથી કર્યાં એટલે તારા કોઈ પપ્પા નથી’ - #HerChoice
મારી સાત વર્ષની દીકરી અન્ય નાનાં બાળકો જેવી જ છેઃ ખુશખુશાલ, નચિંત અને જિજ્ઞાસુ. મારી દીકરી તેની આસપાસના વિશ્વ અને તેના જીવન બાબતે બધું જાણવા ઉત્સુક હોય છે. એ મને વારંવાર પૂછે છે, "આઈ (મમ્મી), મારા કોઈ પપ્પા કેમ નથી?"
મેં નહીં પરણવાનો નિર્ણય કર્યો હતો અને હું તેને હંમેશા સત્ય જણાવતી હતીઃ "હું અપરણિત છું એટલે તારા કોઈ પપ્પા નથી."
મારા જવાબથી તેને સંપૂર્ણ સંતોષ થયો હોય તેવું લાગતું નથી.

મેં તેને દત્તક લઈને દીકરી બનાવી છે અને જેમાં મમ્મી હોય પણ પપ્પા ન હોય એવા પરિવારમાં આવવાથી તેના નાનકડા દિમાગમાં મૂંઝવણ હોઈ શકે.
એ પાંચ વર્ષની હતી, ત્યારે તેણે મને પૂછ્યું હતું, "આઈ, તમે મને એક વખત કહ્યું હતું કે છોકરાઓ અને છોકરીઓ મોટાં થઈ જાય પછી તેમનાં લગ્ન કરવામાં આવે છે. પછી તેમને ત્યાં સંતાનનો જન્મ થાય છે.
"મને જન્મ આપ્યો એ મમ્મી પણ કોઈને પરણી હશે. હું જેમ મને જન્મ આપનારી મમ્મીને નથી જાણતી તેમ મારા પપ્પા વિશે પણ કશું નથી જાણતી, પણ મારા કોઈ પપ્પા નથી એવું કહેશો નહીં."
હું રડવા લાગી હતી. મારા જવાબથી તેને કેટલી પીડા થઈ હશે એ મને તે દિવસે સમજાયું હતું.
દીકરીનો તર્ક સાદો હતો. પાંચ વર્ષની છોકરીએ તેના સવાલનો જવાબ જાતે જ શોધી કાઢ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેને લીધે મારી સ્પષ્ટતા અપૂરતી સાબિત થઈ હતી. એક માતા અને માનવી તરીકે હું દીકરીના ઉછેર વિશે વિચારવા લાગી હતી.

#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાઓની શ્રેણી છે.
આ કથાઓ 'આધુનિક ભારતીય મહિલા'ના વિચાર, તેની પસંદ, આકાંક્ષાઓ, અગ્રતાક્રમ અને ઇચ્છાઓને પડકારે છે તથા વિસ્તારે છે.

દીકરી વારંવાર કહેતી રહે છે, "આઈ, લગ્ન કરી લો."
હું તેને સમજાવું છું, "મારે લગ્ન કરવાં જ નથી એવું નથી..ક્યારેક હું કદાચ લગ્ન કરીશ, પણ મને અને તને બરાબર સમજે એવા પુરુષ સાથે જ."
એ મોટી થશે અને મને ફરીવાર આ સવાલ પૂછશે ત્યારે પણ મારો જવાબ એ જ હશે.
એકલા, અપરણિત હોવું એ કોઈ પણ રીતે પીડાદાયક નથી. સિંગલ પેરન્ટ તરીકે દીકરી સાથેની મારી જીવનયાત્રા આનંદમય છે.
હું પુરુષોને ધિક્કારતી નથી. હું પુરુષોનો બહુ આદર કરું છું અને મારી દીકરી પણ મારી પાસેથી એ શિખી રહી છે.
હું શા માટે પરણી નથી અને પરણ્યા વિના બાળક દત્તક લેવાનો નિર્ણય મેં શા માટે કર્યો તેનો જવાબ સરળ નથી.
આશરે વીસ વર્ષ પહેલાં હું પરણવાલાયક વયની હતી. મારી જ્ઞાતિમાં મોટાભાગના લોકો બિઝનેસ કરતા હોય છે. તેથી છોકરાઓ બહુ ભણેલા હોતા નથી.
ભણેલા કહેવાતા મોટાભાગના છોકરાઓ શારીરિક દેખાવની જ દરકાર કરતા હોય છે.

કેવા પુરુષને પરણવું?

હું એવા પુરુષને પરણવા ઇચ્છતી હતી જે સુશિક્ષિત હોય, નૈતિક રીતે મૂલ્યવાન હોય અને મારા વ્યક્તિત્વનો, મારા આંતરિક સૌંદર્ય માટે આદર કરે.
આવા પુરુષની શોધ મારા માટે ખુદને જાણવાની યાત્રા પણ બની રહી હતી.
મારો ઉછેર મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં રૂઢિચુસ્ત પરિવારમાં થયો હતો.
ઘણી ભારતીય છોકરીઓની માફક મારું પણ મારા પરિવારમાં કોઈ મહત્ત્વ ન હતું. મારા અભિપ્રાયને મહત્વનો ગણવામાં આવતો ન હતો.
અમારી જ્ઞાતિમાં એ સમયે છોકરીને ઉચ્ચ શિક્ષણ અપાવવું એ દુર્લભ બાબત ગણાતું હતું, પણ મારા પપ્પાએ ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મને ટેકો આપ્યો હતો.
મને સારા પગારની નોકરી પણ મળી ગઈ હતી. હું આત્મવિશ્વાસસભર બની ગઈ હતી.
જીવન પસાર થતું ગયું તેમ મને સમજાયું કે મારી જિંદગી કોઈને ઇશારે નહીં, મારી ઇચ્છા અનુસાર જ આગળ ધપવી જોઈએ.
લગ્ન દરેકના જીવનમાં મહત્વનો નિર્ણય હોય છે અને લગ્નનો નિર્ણય હું જાતે જ કરીશ એવું મેં નક્કી કર્યું હતું. મારા જીવન વિશેનો નિર્ણય કોઈ અન્યએ શા માટે કરવો જોઈએ?
મને સમજાયું હતું કે મારે જીવનસાથી તરીકે કોઈ પુરુષની કે 'પતિ'ની જરૂર નથી. તેથી હું અપરણિત રહી છું.
મારો નિર્ણય મારાં મમ્મી-પપ્પાએ આખરે સ્વીકારી લીધો હતો.
મારી કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામના ભાગરૂપે મેં અનાથ બાળકો સાથે કામ કરવાનું શરૂ ન કર્યું હોત તો મારા જીવનમાં કશું જ ન બદલાયું હોત.
એ બાળકો સાથે રમવાની અને સમય પસાર કરવાની પ્રવૃત્તિ આનંદદાયક હતી અને મને એ કરવી બહુ જ ગમતી હતી.
જોકે, મારા કામની એક મર્યાદા હતી અને અંતર રાખવાનું પીડાદાયક હતું.

બાળક દત્તક લેવા પૂર્વેના સવાલ

એ વખતે મને અનાથ બાળકને દત્તક લેવાનો વિચાર આવ્યો હતો, પણ તેને કારણે વધુ સવાલો સર્જાયા હતા.
અનાથ બાળક પરિવાર સાથે ભળશે કઈ રીતે? હું સારી સિંગલ પેરન્ટ સાબિત થઈ શકીશ? એકલપંડે બાળકને ઉછેરવાની ક્ષમતા મારામાં ખરેખર છે?
હું બે વર્ષ સુધી મારી જાત સાથે સંવાદ કરીને આ સવાલોના જવાબ મેળવવાના પ્રયાસ કરતી રહી હતી.
એ પછી એક બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો, ત્યારે પણ મને પૂર્ણપણે ખાતરી ન હતી.
મેં મારા દોસ્તો સાથે વાત કરી, ઊંડો શ્વાસ લીધો અને મને પજવતા સવાલો એક કાગળ પર ટપકાવ્યા હતા.
સિંગલ પેરન્ટ બનવા સાથે ઘણી જવાબદારી આવી પડે? આ સંબંધે મારા દોસ્તો અને પરિવારનો ટેકો કેટલો મહત્ત્વ છે, એ મને ત્યારે સમજાયું હતું.
ઘરે લાવ્યા ત્યારે મારી બાળકી છ મહિનાની હતી. ખુશીનો ખજાનો આવ્યો ત્યારે ઉત્સવ જેવી અનુભૂતિ થઈ હતી.
અડોપ્શન સેન્ટર માટે બાળકી દત્તક આપવાનો એ પહેલો પ્રસંગ હતો. બાળકીને આવકારવા માટે મારા ઘરે 50 લોકો એકઠા થયા હતા.
બાળકી ઘરે આવી પછી મારી તમામ શંકાઓ પીગળી ગઈ હતી. એ બધાનું પ્રિયપાત્ર બની ગઈ અને હું આત્મવિશ્વાસસભર સિંગલ પેરન્ટ.
સમય જતાં મેં મારાં મમ્મી-પપ્પાનું ઘર છોડીને સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો હતો. એ પછી અમારી વચ્ચેનો સંબંધ વધારે મજબૂત બન્યો હતો.
હું મારી દીકરીની 'ખરી' માતા નથી, એવું હું વિચારી જ શકતી નથી.
પપ્પા વિશે જાતજાતના સવાલ હોવા છતાં દીકરી મને બહુ પ્રેમ કરે છે. એ વારંવાર મને કહે છે કે હું 'બેસ્ટ મમ્મી' છું.
મને કામ કરતી જુએ છે, ત્યારે દીકરી કહે છે કે તમે હવે મારા પપ્પા પણ છો અને એ વાત મારા માટે અણમોલ છે.
દત્તક લેવાયેલાં બાળકનું જીવન આસાન નથી હોતું. અમે મમ્મી-દીકરી લોકોના અનેક સવાલો, ક્યારેક 'અણછાજતા' સવાલોના જવાબ આપવાનું શિખી રહ્યાં છીએ.
ઘણા લોકો મને મારી દીકરીને ભૂતકાળ વિશે સવાલો કરે છે.
મારી દીકરીનો ભૂતકાળ હવે ખરેખર ભૂતકાળ બની ગયો છે પછી એ વિશે સવાલ શા માટે કરવા જોઈએ? મારી દીકરીને એ સવાલ શા માટે પૂછવા જોઈએ?

આનંદ અને પ્રેમમય જીવન

આ બધી જટિલતા વચ્ચે અમારું જીવન એકદમ આનંદ અને પ્રેમમય છે.
આ હકીકતનો પુરાવો એ છે કે મારી બહેનને મારા કાર્યમાંથી પ્રેરણા મળી છે અને તેણે એક બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે.
અડોપ્શન હવે મારા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયું છે. બાળક દત્તક લેવા ઇચ્છતાં દંપતી અને જેમને દત્તક આપવાનાં હોય એવાં બાળકોને હવે હું માર્ગદર્શન આપું છું.
મારી દીકરીને સ્કૂલે જવું ગમતું નથી, તેથી મેં તેના માટે ઘરમાં જ ભણવાની વ્યવસ્થા કરી છે.
દીકરી સ્કૂલે જવા ઇચ્છે, ત્યારે હું તેને સ્કૂલે લઈ જાઉં છું.
દીકરી તેના નિર્ણય જાતે જ લે તેમાં હું તેને મદદ કરવા ઇચ્છું છું. જીવનની શરૂઆતમાં મને આવી મદદ મળી ન હતી. હવે તેને હું બહુ મૂલ્યવાન ગણું છું.
જાતની ઓળખ જ દીકરીને મારી માફક આત્મવિશ્વાસસભર બનાવશે.
હવે હું એકલી નથી. મને જાત સાથે રહેવું ગમે છે, પણ દીકરી મારી આસપાસ હોય ત્યારે હું બહુ રાજી થાઉં છું.
(આ સત્યકથા સંગીતા બંગીનવારે બીબીસીનાં સંવાદદાતા પ્રાજક્તા ધુલપને પૂણેમાં આપેલા ઇન્ટર્વ્યૂ પર આધારિત છે. આ શ્રેણીનાં નિર્માતા દિવ્યા આર્યા છે.)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














