કોબ્રાના ડંખથી પત્નીની હત્યા કરનાર એ પતિ જેને ડબલ જનમટીપ થઈ

જજે કહ્યું કે આ કેસ એક પિશાચી માનસિકતા અને ભયંકર ક્રૂરતાનો કેસ છે.
ઇમેજ કૅપ્શન, જજે કહ્યું કે આ કેસ એક પિશાચી માનસિકતા અને ભયંકર ક્રૂરતાનો કેસ છે.

કેરળની એક વ્યક્તિને અદાલતે બે વખતની આજીવન કારાવાસની સજા ફટકારી. આવું ભાગ્યે જ બનતું હોય છે. દોષિતે પોતાની પત્નીને કોબ્રા સાપનો ડંખ મરાવી હત્યા કરી હોવાથી અદાલતે આ સજા ફટકારી.

બીબીસીના સંવાદદાતા સૌતિક બિસ્વાસ અને અશરફ પદન્નાએ આ આ મામલાનો ઘટનાક્રમ અને બાબતો તપાસવાની કોશિશ કરી.

અદાલતે દોષિત પતિને બે વખતની જન્મટીપ આપી છે. આખા ભારતમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.

વાત એમ છે કે ગત વર્ષે 28 વર્ષીય સૂરજકુમારે એક કોબ્રા સાપ માટે 7 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.

કોબ્રા વિશ્વમાં સૌથી ઝેરીલા સાપોમાંથી એક છે. ભારતમાં સાપોનો વેપાર ગેરકાયદે છે. આથી આ વ્યવહાર સૂરજે એક સાપ પકડનાર વ્યક્તિ પાસે કર્યો. આ ઘટના દક્ષિણ ભારતના રાજ્ય કેરળની છે.

સૂરજ પછી એક પ્લાસ્ટિકના ડબ્બામાં કાણું કરીને તેમાં કોબ્રાને મૂકીને ઘરે લઈ ગયો.

13 દિવસ પછી તેણે ડબ્બો બૅગમાં મૂક્યો અને તેને સાસું-સસરાના ઘરે લઈ રાખી દીધો. આ ઘર જ્યાં તેમની પત્ની સાપ કરડવા સંબંધિત એક શંકાસ્પદ બનાવ પછી સારવાર લઈ રહી હતી તેનાથી 44 કિલોમિટર દૂર હતું.

line

જ્યૂસનો ગ્લાસ અને મૃત્યુનો અણસારો

સૂરજે ત્રણ વખત પ્રયાસ કર્યાં. આખરે પછી કોબ્રાએ ડંખ મારી દીધો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૂરજે ત્રણ વખત પ્રયાસ કર્યાં. આખરે પછી કોબ્રાએ ડંખ મારી દીધો.

સૂરજ અને ઉત્તરા એકબીજાને બે વર્ષ પહેલાં મળ્યાં હતાં. તેઓ મૅરેજ બ્યૂરોના ઍજન્ટ મારફતે મળ્યાં હતાં.

સૂરજના પિતા રિક્ષાચાલક હતા તથા માતા ગૃહિણી. ઉત્તરાની ઉંમર સૂરજ કરતાં ત્રણ વર્ષ નાની હતી અને તેમને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હતી. પરંતુ ઉત્તરા એક સંપન્ન પરિવારનાં દીકરી હતાં.

તેમના પિતા રબરના વેપારી છે તથા માતા સ્કૂલનાં નિવૃત્ત શિક્ષિકા છે.

જ્યારે યુગલનાં લગ્ન થયાં ત્યારે સૂરજને દહેજમાં ઉત્તરાના પરિવાર તરફથી 768 ગ્રામ સોનું, એક સુઝૂકી સેડાન કાર તથા 4 લાખ રૂપિયા રોકડા મળ્યાં હતાં.

વળી તેમને દીકરીની દેખભાળ કરવા માટે માતાપિતા તરફથી દર મહિને 8000 રૂપિયા પણ મળતા હતા. એવું આ કેસના તપાસકર્તાઓનું કહેવું છે.

સાપ કરડ્યા બાદની સારવાર પછી ઉત્તરા તેમનાં માતાપિતાના ઘરે આવ્યાં હતાં. તેમણે 52 દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું તથા સાપ કરડવાથી પગમાં ત્રણ અસહ્ય સર્જરી કરાવવી પડી હતી.

તેમને રસેલ વાઇપર સાપે ડંખ માર્યો હતો. ભારતમાં આ સાપના કારણે હજારો મોત થાય છે. તે ઘણો ઝેરીલો સાપ હોય છે.

તપાસકર્તાઓ અનુસાર 6મેની રાતે સૂરજે ઉત્તરાને ઊંઘ આવી જાય એવો પદાર્થ ભેળવેલું ફ્રૂટજ્યૂસ પિવડાવી દીધો.

એ સમયે ઉત્તરા સાપના ડંખની સર્જરી બાદ હજુ તો સંપૂર્ણ ઠીક પણ નહોતાં થયાં. જ્યારે પીણું પીધા પછી તેઓ ઊંઘમાં સરી ગયાં, ત્યારે સૂરજ કોબ્રા રાખેલો ડબ્બો લઈ આવ્યો. તેને ખોલ્યા પછી તેણે પાંચ ફૂટ લાંબો કોબ્રા સાપ ઉત્તરા પર છોડી દીધો.

પણ સાપ ઉત્તરાને કરડવાની જગ્યાએ ત્યાંથી સરકી ગયો. સૂરજે તેને ફરી પકડીને ઉત્તરા પર ફેંક્યો પણ તે ફરીથી સરકી ગયો.

સૂરજે ત્રીજો પ્રયાસ કર્યો. તેણે સાપને મોં પાસેથી દબાવીને પકડ્યો અને તેનું માથું ઉત્તરાના ડાબા હાથ પાસે રાખ્યું. પછી ગુસ્સો ભરાયેલા કોબ્રાએ બે વખત ઉત્તરાને ડંખ માર્યા અને ત્યાંથી એક રૂમમાં સરકી ગયો.

line

હૉસ્પિટલે પોલીસને ફોન કર્યો

ઉથરા ડાબી બાજુના પલંગ પર સૂઈ રહ્યાં હતાં.

ઇમેજ સ્રોત, SREEDHAR LAL

ઇમેજ કૅપ્શન, ઉથરા ડાબી બાજુના પલંગ પર સૂઈ રહ્યાં હતાં.

પશુચિકિત્સક મવિશકુમાર કહે છે, "કોબ્રા જો તમે ઉશ્કેરો નહીં તો ન કરડે. સૂરજે તેને માથા પરથી પકડી દબાણ કરી તેની પત્નીને ડંખ મરાવ્યો."

તપાસકર્તાઓ અનુસાર સૂરજે જ્યૂસનો ગ્લાસ ધોયો, સાપને પકડવા જે લાકડી વાપરી હતી તેનો નિકાલ કર્યો અને પછી ફોનમાંથી કૉલરૅકોર્ડ ડિલિટ કરી દીધા.

જ્યારે બીજે દિવસે ઉત્તરાનાં માતા એ રૂમમાં પ્રવેશ્યાં તો પોલીસ અનુસાર તેમણે જોયું કે દીકરી પલંગ પર હતાં અને "મોં ખુલ્લું હતું તથા ડાબો હાથ એક તરફ ઢળેલો હતો."

તેમણે કહ્યું કે સૂરજ પણ રૂમમાં હતો. મનિમેખલા વિજયને સૂરજને પૂછ્યું હતું, "તે જાગે છે કે નહીં તે જોયું કેમ નહીં?"

સૂરજનો જવાબ હતો, "મારે તેની ઊંઘ ખરાબ નહોતી કરવી."

પરિવાર ઉત્તરાને હૉસ્પિટલ લઈ ગયો જ્યાં તબીબોએ તેમનું મોત ઝેરના લીધે થયું હોવાનું કહ્યું અને પોલીસને જાણ કરી.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં બે ઘા મળી આવ્યા હતા, જે એક ઈંચથી પણ નાના હતા અને મૃતકના ડાબા હાથ પર હતા.

લોહી અને વિસેરા નમૂનામાં કોબ્રાના ઝેરની હાજરી હતી તથા ઘેન ચઢે એવા પદાર્થ પણ. કોબ્રાના ઝેરથી માત્ર ગણતરીના કલાકોમાં જ શ્વસન સંબંધિત સ્નાયુઓને લકવો મારી જતાં મોત થઈ જાય છે.

ઉત્તરાના પરિવારની ફરિયાદને પગલે પોલીસે સૂરજની 24મીના રોજ ધરપકડ કરી. તેની પત્નીની હત્યાના કેસમાં ધરપકડ થઈ. 78 દિવસની તપાસ બાદ 100 પાનાંના તહોમતનામાના પગલે સુનાવણી શરૂ થઈ.

line

ઉત્તરાને સાપે બે વખત ડંખ માર્યા

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

પશુચિકિત્સક, તબીબો સહિત 90 લોકોએ નિવેદન આપ્યાં. ફરિયાદપક્ષે સૂરજના કૉલ રૅકોર્ડના આધારે કેસ બાંધ્યો. જેમાં ઇન્ટરનેટ હિસ્ટ્રી, ઘરના બગીચામાંથી મરેલા કોબ્રાના અવશેષો, ઘરની કારમાં ઘેનયુક્ત પદાર્થ તથા તે એક નહીં બે સાપ લાવ્યો હોવાની વાતે પુરાવાઓ તરીકે રજૂ કરી.

તપાસકર્તા કહે છે કે સૂરજે રસેલ વાઇપર સાપ પણ ખરીદ્યો હતો. આ સાંપે જ મહિના પહેલા ઉત્તરાને ડંખ માર્યો હતો.

સાપ પકડનાર સુરેશે સૂરજની વિરુદ્ધમાં જુબાની આપી અને તાજના સાક્ષી બની ગયા. તેમણે કબૂલ્યું કે સૂરજને તેમણે બંને સાપ વેચ્યા હતા. પશુચિકિત્સકે કોર્ટને કહ્યું કે એની શક્યતા નથી કે કોબ્રા બેડરૂમમાં ઊંચી બારીમાંથી અંદર આવ્યો હોય.

પછી ઘટનાક્રમનું પુનવરાર્તન કરાયું. એક સાચો કોબ્રા, સાપ પકડનાર તથા પલંગમાં ડમી પીડિત સાથે આખી ઘટનાનું પુનવરાર્તન કરાયું.

મવિશકુમારે કહ્યું, "કોબ્રા રાત્રે એટલા સક્રિય નથી હોતા. જેટલી પણ વાર કોબ્રાને સૂતેલા ડમી પૂતળા પર નાખીએ, તે સરકીને નીચે જતો રહેતો અને રૂમમાં અંધારા ખૂણામાં જતો રહેતો. તેને ઉશ્કેર્યો તો પણ તે નહોતો કરડતો."

પછી તેણે એક કોબ્રાનું માથું પકડ્યું અને પછી ડમી પૂતળાના હાથ પર બાંધેલા ચિકનના પિસ પર તેને ડંખ મરાવ્યો. ઉત્તરાના હાથ પર જે નિશાન હતાં તેવાં જ નિશાન અહીં પડ્યાં.

ઉત્તરાની હત્યાના સંદર્ભે જજ એમ. મનોજે કહ્યું, "પોતાની જ પત્નીની ક્રૂર અને પિશાચી હત્યાનો આ કેસ છે."

જજ એમ. મનોજે સૂરજને આજીવન કારાવાસની સજા આપી. તેમણે કહ્યું કે સૂરજે ઉત્તરાને મારવા માટે ષડ્યંત્ર કર્યું અને હત્યાને એક કોબ્રા સાપ કરડી જવાથી અકસ્માતે નિપજેલા મૃત્યુની ઘટના દર્શાવવાની કોશિશ કરી.

line

ગત એક વર્ષથી બનાવી રહ્યો હતો પત્નીને મારવાની યોજના

તપાસકર્તાઓનું કહેવું છે કે કોબ્રા સાપથી હત્યા કરવાની કોશિશ સૂરજનો ત્રીજો પ્રયાસ હતો. માત્ર ચાર મહિનામાં સૂરજે આવું કર્યું હતું.

એક સ્થાનિક બૅન્ક માટે કલેક્શન ઍજન્ટનું કામ કરતો સૂરજ ગત વર્ષે ફેબ્રુઆરીમાં સાપ પકડનારા સુરેશને મળ્યો હતો.

તેની પાસેથી 10 હજાર રૂપિયામાં રસેલ વાઇપર સાપ ખરીદ્યો હતો. તેને પ્લાસ્ટિકના ડબ્બામાં ઘરે લઈ જઈને લાકડાંની ભારીમાં સંતાડી દીધો હતો.

તપાસકર્તાઓનું કહેવું છે કે, 27 ફેબ્રાઆરીએ સૂરજે તેના ઘરના પહેલા માળે સાપ છોડી દીધો અને પત્નીને ઉપર મોબાઇલ લેવા જવા માટે કહ્યું હતું.

ઉત્તરાનાં માતાએ પોલીસને જણાવ્યા અનુસાર ત્યારે ઉત્તરાએ જોયું કે સાપ ત્યાં કુંડલી મારીને બેઠો છે આથી તેમણે ઍલાર્મ વગાડ્યું હતું.

પછી સૂરજ આવ્યો અને લાકડીથી સાપ પકડી લીધો અને ઘરેથી જતો રહ્યો. ફરીથી તેણે તેને ડબ્બામાં મૂકી દીધો હતો.

2 માર્ચની રાત્રે સૂરજે ફરી એક વાર કોશિશ કરી. તેણે ઉત્તરાને ઘેનયુક્ત પદાર્થ આપ્યો અને રસેલ વાઇપર રૂમમાં છોડી દીધો. ત્યારે ઉત્તરા ઊંઘમાં હતાં.

ઉત્તરાના પિતા વિજયસેનન્ વિદ્યાધરન કહે છે, "કેરળમાં સાપ કરડવાના કેસ સામાન્ય છે આથી અમને કોઈ ષડ્યંત્રની શંકા ન થઈ." (ભારતમાં દર વર્ષે 60 હજાર લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે.)

એ રાત્રે આઈસીયૂ સારવાર આપતી હૉસ્પિટલ શોધવામાં બેથી વધુ કલાક થયા હતા. ઉત્તરાને સોજો અને હૅમરેજ થઈ રહ્યાં હતાં. ત્વચાની ત્રણ સર્જરી પછી કોલ્લમમાં તે માતાપિતાના ઘરે આરામ માટે આવ્યાં હતાં.

સૂરજ તેના દીકરા અને માતાપિતા સાથે પથનમથિટ્ટાના ઘરમાં જ રહ્યો. પણ તે ફરી એક ષડ્યંત્ર બનાવી રહ્યો હતો.

તપાસ અધિકારી અનૂપ ક્રિષ્ના કહે છે, "જ્યારે ઉત્તરા હૉસ્પિટલમાં હતાં, ત્યારે સૂરજ ઇન્ટરનેટ પર સાપને પકડવા તથા સાપના ઝેર વિશે સર્ચ કરતો હતો."

તપાસકર્તાઓ કહે છે કે, જ્યારથી સૂરજના દીકરા ધ્રુવનો 2019માં જન્મ થયો ત્યારથી તે હત્યાનું ષડ્યંત્ર કરી રહ્યો હતો. તેની ઇન્ટરનેટની હિસ્ટ્રી દર્શાવે છે કે તેણે ઝેરીલા સાપ અને સાપો વિશેના વીડિયો યુટ્યુબ પર જોયા હતા.

તેમાં સ્થાનિક સ્તરે જાણીતા સાપ પકડનારાની ચૅનલ પણ સામેલ હતી. તેમાં એક વીડિયો 'ખતરનાક અને આક્રમક રસેલ વાઇપર'નો હતો.

સૂરજે તેના મિત્રોને કહેતો કે, "તેની પત્નીને સપનામાં સાપે શ્રાપ આપ્યો છે કે તેનું મોત સાપ કરડવાથી થશે."

બીજી તરફ સૂરજ પત્નીની હત્યા કરવા કટિબદ્ધ હતો. તે તેના પૈસા લઈ અને અન્ય મહિલા સાથે લગ્ન કરવા માગતો હતો, એવું તપાસકર્તાઓનું કહેવું છે.

મુખ્ય તપાસકર્તા અપુકુટ્ટન અશોક કહે છે,"તેણે ખૂબ જ બારીકાઈથી ષડ્યંત્ર કર્યું હતું અને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી."

સરકારી વકીલ મોહનરાજ ગોપાલકૃષ્ણન આ કેસના સંદર્ભમાં કહે છે, "ભારતમાં પોલીસ તપાસની દૃષ્ટિએ આ એક મહત્ત્વની સિદ્ધિ છે, જેમાં ફરિયાદપક્ષ એ પુરવાર કરી શક્યો કે હત્યામાં એક સાધન તરીકે એક પશુનો ઉપયોગ થયો હતો."

સૂરજને ગુના બદલ બે વખતની જન્મટીપ મળી. ગોપાલકૃષ્ણન અનુસાર તેને કોઈ અફસોસ નહોતો.

(આ અહેવાલ 22 ઑક્ટોબર, 2021માં પ્રકાશિત થયો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન