ગુજરાતમાં 'ગુલિયન બારી સિન્ડ્રોમ'ના કેસો વધી રહ્યા છે? શું છે આ રોગ?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. કેટલાક દેશોમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા એકદમ ઘટી ગઈ છે તો કેટલાક દેશોમાં હજી પણ કોરોના કેર વર્તાવી રહ્યો છે.
તો કોરોના વાઇરસની સાથે મ્યુકરમાઇકૉસિસ એટલે 'બ્લૅક ફંગસ'ની સમસ્યા પણ દર્દીઓમાં જોવા મળી હતી.
હવે રોગચાળાના આ સમયગાળામાં 'ગુલિયન બારી સિન્ડ્રોમ' નામની બીમારીના કેસોનું નોંધપાત્ર પ્રમાણ જોવા મળી રહ્યું હોવાનું આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે.

ઇમેજ સ્રોત, Getty Images
અત્રે નોંધવું કે ગુજરાતમાં મ્યુકરમાઇકૉસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. પણ બીજી તરફ જીબીએસ તરીકે ઓળખાતા ગુલિયન બારી સિન્ડ્રોમના કેસો પણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં લગભગ છેલ્લા એક મહિનામાં 50થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેને આરોગ્ય નિષ્ણાતો 'નોંધપાત્ર' સંખ્યા ગણે છે.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા દોઢેક મહિનામાં 40થી વધુ કેસ, સુરત સિવિલ હૉસ્પિટલમાં પણ સરેરાશ 50 કેસ, સુરતની જ સ્મિમેર હૉસ્પિટલમાં પણ કેટલાક કેસો આવ્યા હોવાનું તબીબોનું કહેવું છે.
નોંધપાત્ર કેસો આવી રહ્યા છે, ત્યારે એ સમજવું જરૂરી છે કે આ 'ગુલિયન બારી સિન્ડ્રોમ' શું છે? અને તે કેમ થાય છે? શું કોરોના વાઇરસની બીમારી પછી તેના કેસો વધી રહ્યા છે?

શું છે 'ગુલિયન બારી સિન્ડ્રોમ'?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
ગુલિયન બારી સિન્ડ્રોમની બીમારીનાં લક્ષણો અને કારણો મામલે સુરત સિવિલ હૉસ્પિટલના ન્યૂરોફિઝિશિયન ડૉ. જય પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "મોટા ભાગે કોઈ પણ ઇન્ફૅક્શન પછી જીબીએસ થવાની શક્યતા વધી જાય છે. તેમાં ન્યુમોનિયા અથવા પેટમાં ચેપ સંબંધિત સમસ્યાઓ બાદ જીએસબી થઈ શકે છે."
તેનાં લક્ષણો વિશે વાત કરતા તેઓ કહે છે, "જીબીએસમાં શરૂઆતમાં અશક્તિ થાય છે. દર્દીને ચાલવામાં તકલીફ થાય છે. બાદમાં એક મહિનામાં અશક્તિ વધે છે. અને હાથ કે પગમાં કે બંનેમાં લકવો મારી જાય છે. ખાવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ પણ તેનાં લક્ષણો હોઈ શકે છે."
"ચેપ બાદ જીબીએસ થતા નર્વસ સિસ્ટમને અસર થાય છે. ઇમ્યૂન સિસ્ટમને પણ અસર પહોંચેલી હોય છે."
આ રોગ મામલે વધુમાં તેઓ કહે છે, "સિવિલમાં કેસો તો જોવા મળી રહ્યા છે. સરેરાશ મહિને 50 કેસ હોઈ શકે છે. જોકે તેમાંથી મોટા ભાગના ઘણા સાજા થઈ જાય છે. આમ તો તે પીડિયાટ્રિક વયજૂથમાં વધુ જોવા મળે છે. પરંતુ વયસ્ક દર્દીઓના કેસ પણ આવે છે."
કોરોના પછી ગુયિલન બારી કેસોમાં વધારો થયો છે કે કેમ? એના જવાબમાં ડૉ. જય કહે છે, "કોવિડ પહેલાંના સમયમાં કેસની તીવ્રતા હમણાં જેવી નથી. કોરોના પછી તેમાં નોંધપાત્ર સંખ્યા જોવા મળી છે."
"દર્દીને તેમાં વૅન્ટિલેટરની જરૂર પડી શકે છે, પરંતુ મોટા ભાગનાને જરૂર નથી પડતી. કેટલાક કિસ્સામાં જરૂર પડે છે. તેમાં મોત પણ ભાગ્યે જ થાય છે. તેમાં આઈ.વી.આઈ.જી.થી સારવાર કરવામાં આવે છે, જે અત્યંત મોંઘી હોય છે. સાથે જ ગુલિયન બારી સિન્ડ્રોમમાં 'પ્લાઝમાફેરેસિસ'ની સારવાર પણ આપવામાં આવતી હોય છે."
તેમના કહેવા પ્રમાણે, "તેમાં 90-92 ટકા દર્દીઓ સાજા થઈ જાય છે. આ જૂનો રોગ છે. કોરોના બાદ તેના કેસો થોડા વધુ જોવા મળ્યા છે. જોકે કોરોનાની રસી લીધા બાદ કે કોરોના થયેલા દર્દીઓમાં આ બીમારી વધુ થઈ હોય એવું નથી જોવા મળ્યું, કેમ કે ગુલિયન બારી સિન્ડ્રોમના જે કેસ આવે છે તેમાં કોરોનાની ખાસ કોઈ હિસ્ટ્રી નથી જોવા મળી. છતાં જો વધુ સંશોધન અને આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવે તો વધુ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે."
શું જીબીએસને કોરોના વાઇરસ સાથે કોઈ સંબંધ છે? એ મામલે તબીબોનું કહેવું છે કે ન્યુમોનિયાના ચેપ બાદ જીબીએસ થવાની શક્યતા છે. પણ ઘણા બધા કોરોનાના દર્દીઓને જીબીએસ થયો હોય એવું જાણવા નથી મળ્યું.

શું રસી લીધા પછી જીબીએસ થઈ શકે છે?

ઇમેજ સ્રોત, SOPA Images
આ વિશે ડૉ. જય કહે છે, "અત્યાર સુધી અમને એવો કેસ ધ્યાનમાં નથી આવ્યો કે કોરોનાની રસી લીધી હોય તેને જીબીએસ થયો છે. હા, એક વાત છે કે રસી લીધા પછી શરીરમાં રોગપ્રતિકારક સિસ્ટમમાં બદલાવ થતો હોય છે. એ સમયે નર્વસ સિસ્ટમને જો અસર થાય તો તેની શક્યતા છે."
દરમિયાન યુએસ નેશનલ લાઈબ્રેરી ઑફ મેડિસીન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના એક રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના વાઇરસના ન્યૂરોલૉજિકલ લક્ષણો પણ હોઈ શકે છે. તેમાં વાઇરલ ઇન્ફૅક્શનમાં નર્વસ સિસ્ટમ પણ સામેલ હોય છે.
રિપોર્ટના લેખર ડૉ. કાવેહ રહીમી અનુસાર સાર્સ કોવથી થતી બીમારી કોવિડ-19માં ન્યૂરોલૉજિકલ સિસ્ટમ પણ સામેલ હોય છે. તેમાં માથાનો દુખાવો, ઊલટી સહિતનાં લક્ષણો હોય છે. આ લક્ષણો પુષ્ટિ આપે છે કે નર્વસ સિસ્ટમ પણ સામેલ છે.
રિપોર્ટમાં કહ્યું છે કે વાઇરલ ઇન્ફૅક્શન પછી જીબીએસ આવે છે અને શરૂઆતી તારણમાં કોવિડ સાથે તેનો સંબંધ હોવાનું તેમાં કહેવાયું છે.
જોકે અત્રે નોંધનીય છે કે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય અથવા આઈસીએમઆર દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ કે આવો કોઈ રિપોર્ટ જાહેર નથી કરાયો. જેમાં જીબીએસનો કોરોના સાથે સીધો સંબંધ હોવાની વાત કહેવામાં આવી હોય.
વળી યુરોપિયન મેડિસિન્સ એજન્સીના એક લેખમાં કોરોના વાઇરસની રસી જેનસીનથી જીબીએસ થતો હોવાની વાત કહેવામાં આવી હતી. જોકે તેને એક દુર્લભ આડઅસર ગણાવાઈ હતી.
જોકે એક અન્ય મેડિકલ જર્નલમાં ભારતમાં કેરળ રાજ્યમાં થયેલા સંશોધનની વાત કરવામાં આવી હતી. જેમાં કહેવાયું છે કે કેરળમાં જેમને કોરોનાની રસી અપાઈ હતી તેમાં સાત કેસ એવા મળી આવ્યા હતા જેમને રસીના પ્રથમ ડોઝના બે સપ્તાહ બાદ જીબીએસ 'ગુલિયન બારી સિન્ડ્રોમ' થયો હોય.
જોકે બીબીસી ઉપરોક્ત સાયન્સ જર્નલના સંશોધન કે દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરી શક્યું.

ગુલિયન બારી સિન્ડ્રોમ શું કરે છે?

ઇમેજ સ્રોત, SCIEPRO/SCIENCE PHOTO LIBRARY
આ એક દુર્લભ ઑટૉઇમ્યૂન ડિસઑર્ડર છે. કોરોના વાઇરસને મારવા માટે રોગપ્રતિકારક માળખું આકસ્મિક રીતે આજુબાજુની નર્વસ સિસ્ટમ પર પણ હુમલો કરી દે છે.
આ નર્વસ સિસ્ટમ મગજથી લઈને કરોડરજ્જુ અને શરીરના વિવિધ ભાગો સુધી ફેલાયેલી હોય છે. તેની પરના હુમલાથી શરીરના અવયવના કામકાજ (હલનચલન) પર અસર થાય છે.
કોવિડ-19 પાચનક્ષમતા, હૃદય અને કિડનીની કામગીરીને અસર કરે છે.
ગત વર્ષે જૂનમાં 'ધ ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિન'માં પ્રકાશિત એક લેખમાં ઇટાલીની ત્રણ હૉસ્પિટલના પાંચ દર્દીઓની જાણકારી અપાઈ હતી. તેમને કોરોના પછી જીબીએસ થયો હતો.
તેમાં કહેવાયું હતું કે કોરોના થયાના 5-10 દિવસ બાદ જીબીએસ થઈ શકે છે. જોકે કેટલાક નિષ્ણાતો કહે છે કે કોરોના થયાના કેટલાક સપ્તાહો બાદ પણ તે થઈ શકે છે.
ભારતમાં આ મામલે હજુ વધુ સંશોધનો હાથ ધરાઈ રહ્યાં છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












