દાદરા નગર હવેલીની ચૂંટણી: કોરોનામાં સરકારની કામગીરી બનશે મુદ્દો કે મોહન ડેલકરનું અપમૃત્યુ?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

"સરકારે લોકો માટે જે કામ કર્યાં છે એનું ઋણ ચૂકવવાનો સમય છે, આ દેશની અંદર કોરોના જેવા સંકટના સમયે આખા દેશમાં જે મૃત્યુ આંક કાબૂમાં રાખ્યો છે એનું ઋણ ચૂકવવાનો આ સમય છે. આખા દેશમાં લોકોને કોરોના સમયમાં મફતમાં વૅક્સિન લોકોને ઉપલબ્ધ થાય એની વ્યવસ્થા અમે જે કરી એનું ઋણ અદા કરવાનો આ સમય છે. " આ શબ્દો ભાજપના ગુજરાતના અધ્યક્ષ સીઆર પાટીલે દાદરા અને નગર હવેલીની ચૂંટણી માટે સિલવાસામાં યોજાયેલી મહારાષ્ટ્રીયન સમાજની એક સભામાં 19 ઑક્ટોબરે કહ્યા હતા.

દાદરા અને નગર હવેલીની લોકસભાની બેઠક સાંસદ મોહન ડેલકરના અવસાન પછી ખાલી પડી હતી. જેના માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા માટે આક્રમક પ્રચાર કરી રહી છે.

ભાજપે મનોજ તિવારી, સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી ભારતી પવાર, સ્મૃતિ ઈરાની, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પુરુષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ નેતાઓને પ્રચારમાં ઉતાર્યાં છે.

મોહન ડેલકર

ઇમેજ સ્રોત, twitter/@MohanDelkar

ઇમેજ કૅપ્શન, સાંસદ મોહન ડેલકરના અવસાન પછી લોકસભાની એ બેઠક ખાલી પડી હતી. જેના માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન સાંજીભાઈ ડેલકરનો મૃતદેહ ફેબ્રુઆરી 2021માં મુંબઈના મરિન ડ્રાઇવ ખાતેની એક હોટલમાં મળી આવ્યો હતો.

હવે તે બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં તેમનાં પત્ની કલાબહેન ડેલકર શિવસેનામાંથી લડી રહ્યાં છે.

ભાજપે આ બેઠક પરથી મહેશ ગાવિતને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, જેઓ નિવૃત્ત સબઇન્સ્પેક્ટર છે; તો કૉંગ્રેસે મહેશ ધોળીને ઉતાર્યા છે, જેઓ પણ પોલીસસેવામાંથી નિવૃત્ત થયેલા છે.

line

કોરોના કામગીરીની દુહાઈ બનશે મુદ્દો કે મોહન ડેલકરનું અપમૃત્યુ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કોરોનામાં સરકારી કામગીરીની દુહાઈ આપીને પાટીલ દાદરા નગર હવેલીની બેઠક ભાજપને જીતાડી શકશે? આ વિશે વાત કરતાં ગુજરાતી સાપ્તાહિક ચિત્રલેખાના સુરત સંવાદદાતા ફ્યસલ બકીલીએ બીબીસીને કહ્યું કે, "સી.આર.પાટીલનું નિવેદન મતદારો પર ખાસ કોઈ અસર ઊભી નહીં કરી શકે."

"સંઘપ્રદેશની આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો મોહન ડેલકર અને તેનું અપમૃત્યુ રહેશે. મોહન ડેલકર સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી સાંસદ બન્યા ત્યાં સુધી તેઓ જે પણ પાર્ટી સાથે હતા એનું ત્યાં શાસન રહ્યું હતું."

"પછી તેઓ અપક્ષ હોય કે ભાજપ સાથે હોય કે અન્ય કોઈ પણ પાર્ટી સાથે. મોહન ડેલકર લોકો સાથે સતત સંકળાયેલા રહ્યા હતા. તેમના મૃત્યુની ઘટના જે રીતે સામે આવી એ પછી લોકોમાં આક્રોશ છે અને તેમના પ્રત્યેની સહાનુભૂતિ ખૂબ છે. તેથી સી.આર.પાટીલનું નિવેદન ભાજપને ખાસ ફાયદો કરાવશે એમ વર્તાતું નથી."

તો સહાનુભૂતિના મોજાનો ફાયદો મોહન ડેલકરનાં પત્ની કલાબહેન જે શિવસેના તરફથી લડી રહ્યા છે તેમને ફાયદો મળી શકે? આ સવાલના જવાબમાં ફૈસલે કહ્યું હતું કે, "હા, એનો ફાયદો તેમને મળી શકે છે."

કલાબહેન ડેલકર

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, કલાબહેન ડેલકર, મોહન ડેલકરનાં પત્ની

પાટીલના નિવેદન વિશે વાત કરતાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જનક પુરોહિતે બીબીસીને કહ્યું હતું કે, "પાટીલના આ નિવેદનનો કોઈ ફાયદો ભાજપને ન મળી શકે. નુકસાનની પણ શક્યતા નથી."

"જેને કોરોનાની અસર નથી થઈ તેમને આ નિવેદનથી કોઈ ફરક પડતો નથી. જેમણે કોરોનામાં વેઠ્યું છે તેઓ પાટીલની વાતથી નહીં દોરવાય."

"આ પ્રકારનું નિવેદન આપીને પાટીલ ભલે કહેવા માગે કે સરકારે કોરોનામાં સારું કામ કર્યું છે, પણ મતદારો પર એની અસર ન થાય."

ફ્યસલ બકીલી આ જ વાત જુદા ઉઘાડ સાથે મૂકે છે. તેઓ કહે છે કે, "આ પ્રકારનાં નિવેદન પાછળ એ કારણ કદાચ એ હોઈ શકે કે જ્યારે ગુજરાતમાં અને દેશમાં કોરોનાના કેસ વધવા માંડ્યા હતા ત્યારે દમણ સહિત સંયુક્ત સંઘપ્રદેશમાં કોરોના કાબૂમાં હતો."

"તેથી સંઘપ્રદેશનાં પ્રશાસકની કામગીરીની દુહાઈ આપવાનો પાટીલનો ઇરાદો હોઈ શકે. મુદ્દો એ છે કે મોહન ડેલકરના નિધન બાદ લોકોમાં જે આક્રોશ છે એ ત્યાંના પ્રશાસક સામે હતો એટલે કે ભાજપ સામે હતો જે યથાવત છે."

તેથી સરકારની કામગીરી વિશેના નિવેદનો નહીં પણ મોહન ડેલકરનાં મૃત્યુનો આક્રોશ અને સહાનુભૂતિ ચૂંટણીમાં કામ કરશે.

line

સંઘપ્રદેશની ચૂંટણી રાજ્યની ચૂંટણીઓ કરતાં અલગ

મોહન ડેલકર

ઇમેજ સ્રોત, Twitter

દાદરા નગર હવેલી સંઘપ્રદેશની લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને શિવસેના વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી ભાજપ ગુજરાતમાં કોઈ ચૂંટણી હાર્યો નથી. સ્થાનિક સ્વરાજ હોય કે ધારાસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી હોય કે હાલમાં જ યોજાયેલી ગાંધીનગર સુધરાઈની ચૂંટણી હોય, ભાજપે વિજયપતાકા લહેરાવી છે. તો શું આ ચૂંટણી પણ ભાજપ જીતી જશે?

ફયસલ બકીલી કહે છે કે, ગુજરાતની અન્ય ચૂંટણીઓ સાથે સંઘપ્રદેશની ચૂંટણીને ન સરખાવી શકાય. ત્યાંનું તો પ્રદેશ માળખું જ અલગ છે. ત્યાંનો વહીવટ જ અલગ છે.

line

મોહન ડેલકરનું અપમૃત્યુનો કેસ શું છે?

મોહન ડેલકર પુત્ર સાથે

ઇમેજ સ્રોત, Javed Khan

ઇમેજ કૅપ્શન, મોહન ડેલકર પુત્ર સાથે

ફેબ્રુઆરી-2020માં દમણના અપક્ષ સંસદભ્ય મોહન ડેલકર મુંબઈની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેમણે આત્મહત્યા કરી હોવાનું કહ્યું હતું. મૃત્યુ પહેલાં કથિત રીતે 15-પન્નાની સ્યુસાઇડ નોટ તેમણે ગુજરાતી ભાષામાં લખી હતી.

આ નોંધમાં તેમણે અનેક વહીવટી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તથા ભાજપના નેતાઓનાં નામ લખ્યા છે. આની તપાસ માટે મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું છે.

મોહન ડેલકરના પુત્ર અભિનવે મુંબઈ પોલીસ સમક્ષ દાદરાનગર હવેલી, દમણ-દીવના વહીવટકર્તા અને ભાજપ નેતા પ્રફુલ્લભાઈ ખોડાભાઈ પટેલ સિવાય આઠ અન્ય સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી.

તેમણે આરોપ મૂક્યો હતો કે તેમના પિતા પાસેથી પ્રફુલ્લ પટેલ રૂપિયા 25 કરોડ કઢાવવા માગતા હતા અને જો ન આપે તો તેમને પાસામાં ફિટ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.

ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું તે પહેલાં ડેલકરની હત્યાના આરોપી કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી.

દાદરા અને નગરહવેલીની લોકસભાની પેટાચૂંટણી સંદર્ભે મહારાષ્ટ્રીયન સમાજને સંબોધતાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, Facebook/CRPaatil

ઇમેજ કૅપ્શન, દાદરા અને નગરહવેલીની લોકસભાની પેટાચૂંટણી સંદર્ભે મહારાષ્ટ્રીયન સમાજને સંબોધતાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી છે.

મુંબઈના પૂર્વના પૂર્વ કમિશનર પરમવીર સિંહે આરોપ મૂક્યો હતો કે તેમની પર મોહન ડેલકર કેસમાં ભાજપના નેતાને ફિટ કરવા માટે દબાણ હતું. ઉલ્લેખનીય છે કે હાલ પરમવીરસિંહ લાપતા હોવાનું બહાર આવ્યું છે.

મૃત્યુ બાદ ડેલકર પરિવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી, ઉપમુખ્ય મંત્રી તથા ગૃહ મંત્રી સહિત અલગ-અલગ સ્તરે રજૂઆત કરી હતી.

ડેલકર પરિવાર દ્વારા ચૂંટણીપ્રચારમાં પૂર્વ સંસદસભ્યના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો છે.

મોહન ડેલકર દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર સારી એવી અસર ધરાવતા હતા.

તેઓ પ્રથમ વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. ત્યાર બાદ તેઓ સતત પાંચ વખત આ જ બેઠક પરથી સાંસદ રહ્યા હતા.

line
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો