ઉદ્ધવ ઠાકરેનું ’નવહિંદુ’ અને ભાજપ-રાજ ઠાકરેનું ‘હિંદુત્વ’ ક્યાં એક ક્યાં અલગ?

    • લેેખક, મયૂરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી મરાઠી

પ્રબોધનકાર ઠાકરેના લેખસંગ્રહનું પ્રકાશન કરતાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમના માટે હિંદુત્વનો અર્થ શું છે અને તેમના હિંદુત્વનાં મૂળ પ્રબોધનકાર ઠાકરે સાથે કઈ રીતે જોડાયેલાં છે.

કેશવ ઠાકરે યાને કે પ્રબોધનકાર ઠાકરે (બાળ ઠાકરેના પિતા) નાસ્તિક ન હતા, પરંતુ ધર્મના નામે ચલાવવામાં આવતા ધતિંગ તેમને પસંદ ન હતાં, એમ જણાવતાં ઉધ્ધવે તેમના અને અન્ય હિંદુત્વવાદીઓ વચ્ચે શું ફરક છે એ પણ સમજાવ્યું હતું.

ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે હિંદુત્વ મામલે શું સામ્યતા અને ભેદ છે?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

ઇમેજ કૅપ્શન, ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે હિંદુત્વ મામલે શું સામ્યતા અને ભેદ છે?

ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે “હિંદુત્વ એક વિચાર છે, પણ તેના પ્રવાહો અલગ-અલગ છે. આ રીતે અમારી અને અન્ય હિંદુત્વવાદીઓ વચ્ચે ફરક છે. અમારું હિંદુત્વ માત્ર ચોટલી-જનોઈનું હિંદુત્વ નથી. માત્ર ઘંટ વગાડ્યો એટલે હિંદુ બની ગયા એવું નથી.”

ઉદ્ધવ ઠાકરેના ભાષણના બીજા દિવસે મુંબઈ આવેલાં સાધ્વી કાંચનગિરી તથા મહંત સૂર્યાચાર્યએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. જૂના અખાડાના આ મહંતોના હિંદુરાષ્ટ્ર વિશેના વિચારો જગજાહેર છે.

line

‘રાજ હ્રદયથી હિંદુ છે’

રાજ ઠાકરે

ઇમેજ સ્રોત, @RAJTHACKERAY

ઇમેજ કૅપ્શન, બાળ ઠાકરેના ભાષણોમાંની આક્રમકતા રાજના ભાષણોમાં હોય છે એ વાત સાચી છે પણ હિંદુત્વના સંદર્ભમાં, લઘુમતી સમુદાયના સંદર્ભમાં જે બેધડક વકતવ્યો બાળ ઠાકરેએ આપ્યાં છે એવું રાજ ઠાકરે અત્યાર સુધી કદી બોલ્યા નથી.

‘રાજ હ્રદયથી હિંદુ છે’ એવા શબ્દોમાં વખાણ કરતાં સાધ્વી કંચનગિરીએ રાજને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તે સંદર્ભમાં, છેલ્લા કેટલાક સમયથી હિંદુત્વવાદી રાજકારણ તરફ વળેલા રાજ ઠાકરે થોડા દિવસોમાં અયોધ્યાની મુલાકાત લેશે તેવા સમાચાર પણ છે.

આ બન્ને ઠાકરે બંધુને સાંકળતી બે ઘટનાઓ છે, પણ તેમાં ઉદ્ધવે કહ્યું તેમ, હિંદુત્વના બે અલગ-અલગ પ્રવાહ જોવા મળી રહ્યા છે?

પ્રબોધનકાર ઠાકરે અને બાળ ઠાકરેના વારસા ઉપરાંત તેમના વિચાર તથા રાજકારણ સંબંધે પણ આ બન્ને દાવા કરતા રહ્યા છે.

પણ શું દેશમાં હિંદુત્વના રાજકારણના વર્તમાન વાયરામાં આ બન્ને નેતાઓની વિચારધારા બદલાઈ રહી છે?

line

દ્ધવની નવી રાજકીય વિચારધારા પ્રબોધનકારની નજીક?

બંનેએ પોતાની અલગ અલગ રાજકીય સફર નક્કી કરી છે. જોકે આધાર હિંદુત્ત્વ અને બાળા સાહેબ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બંનેએ પોતાની અલગ અલગ રાજકીય સફર નક્કી કરી છે. જોકે આધાર હિંદુત્ત્વ અને બાળ ઠાકરે છે.

બાળ ઠાકરેના કાર્યકાળની સરખામણીમાં અત્યારની શિવસેના ઘણી નબળી પડી ગઈ હોવાની ટીકાનો સામનો ઉદ્ધવ ઠાકરે ઘણા સમયથી કરી રહ્યા છે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કૉંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચ્યા બાદ શિવસેનાએ હિંદુત્વ છોડી દીધું હોવાની ટીકા ભારતીય જનતા પાર્ટી (બીજેપી) તથા અન્ય હિંદુત્વવાદી સંગઠનો સતત કરી રહ્યાં છે.

પ્રબોધનકાર ઠાકરે અને બાળ ઠાકરે બન્નેનો અભિગમ આક્રમક હતો, પરંતુ પ્રબોધનકારની ભૂમિકા સુધારકની હતી. એમનું મૂળ નામ કેશવ હતું પણ પ્રબોધનકારની ઉપાધિ એમને મળી હતી.

પ્રબોધનકાર ઠાકરે એક વિચારક હતા અને તેમણે હિંદુ ધર્મની અનિષ્ટ પરંપરાઓ, રીતરિવાજો તથા જ્ઞાતિવાદની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

ઢોંગ કે વિરોધાભાસ જોવા મળ્યા ત્યારે પ્રબોધનકારે તેની ઝાટકણી પણ કાઢી હતી. આની સામે બાળ ઠાકરેની ભૂમિકા રાજકીય હતી, આક્રમક હિંદુત્વની હતી.

વીડિયો કૅપ્શન, 'જ્યારે દીકરાએ કહ્યું કે તે ટ્રાન્સજેન્ડર છે, તો મને થયું આપઘાત કરી લઉં'

તેમની ભાષા આત્યંતિક હતી. તેમની ભૂમિકા ઘણીવાર વિવાદાસ્પદ અને અન્ય ધર્મો સામે આક્રમક હતી. આવા આક્રમક વલણે તેમને બીજેપીના મિત્ર બનાવ્યા હતા.

શિવસેનાએ હિંદુત્વ છોડી દીધું હોવાની ટીકાનો પ્રતિકાર ઉદ્ધવ સતત કરતા રહ્યા છે. તેમણે વારંવાર કહ્યું છે કે ‘હિંદુત્વ શિવસેનાના લોહીમાં છે.’

જોકે, હવે નવા રાજકીય માળખાની પશ્ચાદભૂમાં તેઓ તેમના હિંદુત્વની નવેસરથી વ્યાખ્યા કરી રહ્યા હોય એવું લાગે છે. તેમનું નવું રાજકીય વિચારમાળખું પ્રબોધનકાર ઠાકરેની ભૂમિકાની વધારે નજીક હોય તેવું લાગે છે.

તે બીજેપીના હિંદુત્વથી અલગ હોવાનો દેખાડવાનો પ્રયાસ પણ છે. શિવસેનાની દશેરા સભા અને પ્રબોધનકારના પુસ્તકના પ્રકાશન કાર્યક્રમમાં ઉદ્ધવે કહ્યું હતું કે “મારો દેશ જ મારો ધર્મ છે.”

‘હિંદુ રાષ્ટ્રવાદ’ના મુદ્દે હાલ દેશભરમાં ચાલી રહેલી ચર્ચાની પશ્ચાદભૂમાં ઉદ્ધવે ઠાકરેનું આ વાક્ય મહત્વનું છે. ‘હિન્દુત્વ એ જ રાષ્ટ્રવાદ’ એ તો શિવસેનાનું લાંબા સમયથી વલણ રહ્યું છે.

મુસ્લિમવિરોધી કે નફરત આધારિત રાજકારણ કરવાને બદલે સોફ્ટ હિંદુત્વનું વલણ ઉદ્ધવે લીધું હોય એવું લાગે છે.

line

ઉદારમતવાદી, સુધારણાવાદી વિચારો

પ્રબોધનકાર ઠાકરે

ઇમેજ સ્રોત, PRABODHANKAR.ORG

ઇમેજ કૅપ્શન, પ્રબોધનકાર ઠાકરે

આજના રાજકારણમાં ઉદ્ધવ તેમના દાદા પ્રબોધનકાર ઠાકરેના ઉદારમતવાદી, સુધારણાવાદી વિચારોનો વિનિયોગ કરી રહ્યા છે.

કૉંગ્રેસ સાથે રાજકીય યુતિ રચવાનો સમય આવ્યો ત્યારે પણ એ વિચારધારા સૈદ્ધાંતિક સ્તરે બન્ને પક્ષોને જોડવામાં કામ આવી હતી.

હિંદુત્વના તાંતણે બે દાયકાથી વધુ સમય સુધી સાથી રહેલી બીજેપી સામે રાજકીય લડાઈ લડતા ઉદ્ધવ ઠાકરે હવે વિપક્ષને ‘નવહિંદુ’ તરીકે પરિભાષિત કરી રહ્યા છે. એ પ્રક્રિયામાં પોતે અસલ હિંદુ હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે.

પ્રબોધનકારના પુસ્તકના પ્રકાશન સમારંભમાં ઉદ્ધવે કહ્યું હતું કે “ગઈ કાલના દશેરા સમારંભમાં હું એક નવો શબ્દ બોલ્યો હતોઃ નવહિંદુ. તો શું આ જે નવો પ્રકાર આવી રહ્યો છે તે ખરા હિંદુત્વ માટે ખતરનાક છે? કેમ? પ્રત્યેક વખતે હું કહું એ જ સાચું, એ જ યોગ્ય હોય તો ઠીક છે, પણ તમને તે સમજાયું છે? આ તો હાથી અને આંખો વિનાના માણસોની વાર્તા જેવું છે. હાથીના શરીરના જે હિસ્સા પર તમે હાથ ફેરવ્યો હોય એવો હાથી હશે એવું તમને લાગે, પણ એ તમારી કમનસીબી છે, હાથીની નહીં.”

આ પ્રકારના હિંદુત્વ તરફ આગળ વધવાની સાથે ઉદ્ધવ ઠાકરે એ પણ જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આક્રમકતામાં જરાય ઘટાડો થયો નથી.

તેમણે કહ્યું હતું કે “બીજા ધર્મની કોઈ વ્યક્તિ સળી કરવા ખાતર મારા માર્ગમાં આવશે તો તેની સામે દેશાભિમાની હિંદુ બનીને ઊભા રહેવા સિવાયનો બીજો વિકલ્પ મારી પાસે હશે નહીં.”

તેમણે મુંબઈમાં હુલ્લડ વખતે શિવસેનાએ ભજવેલી ભૂમિકાની યાદ આ સંદર્ભમાં અપાવી હતી.

બાલ ઠાકરે, રાજ ઠાકરે

ઇમેજ સ્રોત, @RAJTHACKERAY

ઉદ્ધવ ઠાકરે જાણે છે કે આ પ્રકારનું હિંદુત્વ અને નવી રાજકીય ભૂમિકા તેમને બાળ ઠાકરેને બદલે પ્રબોધનકારની વધારે નજીક લઈ જાય છે. જોકે, આ ભૂમિકા તેમને બાળ ઠાકરેથી નથી લઈ જતી એ દર્શાવવાનું પણ તેઓ ચૂકતા નથી.

ઉદ્ધવ કહે છે “અનેક લોકો કહે છે કે ઉદ્ધવ ઠાકરેએ હવે પ્રબોધનકારનું હિંદુત્વ અપનાવ્યું છે, પણ એવું નથી. અમે બાળાસાહેબના વિચારોને ધ્યાનમાં રાખીને જ આગળ વધી રહ્યા છીએ.”

વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ઉદ્ધવની નવી રાજકીય ભૂમિકા ઉપયોગી હોવાનું રાજકીય પત્રકાર અને લેખક સુધીર સૂર્યવંશી માને છે.

સુધીર સૂર્યવંશીએ કહ્યું હતું કે “મહાવિકાસ આઘાડીની રચના થતી હતી ત્યારે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને ભીંત પરના નેહરુ, ગાંધીના ફોટા દેખાડીને સવાલ કર્યો હતો કે શિવસેના સાથે હાથ મેળવશું ત્યારે આમને શું જવાબ આપીશું?”

“એ વખતે બાળાસાહેબ થોરાટે તેમને પ્રબોધનકાર ઠાકરેની વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમનો વારસો ઉદ્ધવ ઠાકરે આગળ ધપાવી શકે તેમ છે. તમે ઉદ્ધવના તાજેતરના ભાષણો વાંચશો તો તેમાં એ સંદર્ભ જરૂર જોવા મળશે.” એમ સૂર્યવંશીએ કહ્યું હતું.

સૂર્યવંશીના કહેવા મુજબ, “ઉદ્ધવ તેમના પિતાની ભૂમિકાથી અલગ વૈચારિક માંડણી કરી રહ્યા છે. તેઓ પ્રસંગોપાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીકા પણ કરે છે. તેમણે અગાઉ આવું કર્યું ન હતું. મને એવું લાગે છે કે તેઓ પોતાનું કદ વિસ્તારી રહ્યા છે.”

“તે મહારાષ્ટ્રની સાથે ભારત માટે પણ મહત્વપૂર્ણ છે. બીજેપીવિરોધી પક્ષો માને છે કે બીજેપીના હિંદુત્વને જવાબ આપવા માટે ઉદ્ધવ યોગ્ય વ્યક્તિ છે. ઉદ્ધવ પાસે પ્રબોધનકાર તથા બાળાસાહેબ એમ બે વ્યક્તિનો વારસો છે અને રાજકીય પરિસ્થિતિની જરૂરિયાત અનુસાર ઉદ્ધવ તેનો ઉપયોગ કરી રહ્યા છે.” એવું સૂર્યવંશીએ કહ્યું હતું.

line

રાજ ઠાકરેનું હિંદુત્વ બાળ ઠાકરેની નજીક કે બીજેપીની?

પ્રબોધનકાર સાથે બાળાસાહેબ અને મીનાતાઈ ઠાકરે

ઇમેજ સ્રોત, PICTURE COURTSEY- PRABODHANKAR.ORG

ઇમેજ કૅપ્શન, પ્રબોધનકાર સાથે બાળ ઠાકરે અને મીનાતાઈ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ-એનસીપી સાથે હાથ મિલાવ્યા છે ત્યારે આક્રમક હિંદુત્વ માટે શિવસેનાનું જે સ્થાન હતું તેને રાજ ઠાકરે તથા મનસે કબજે કરી શકે એવું કહી શકાય.

રાજ ઠાકરેએ એ દિશામાં પગલાં પણ ભર્યાં છે. પક્ષનો ધ્વજ બદલવાથી માંડીને બીજેપી સાથે વાતચીત કરવા સુધીની હિલચાલ મનસેમાં શરૂ થઈ ગઈ છે. મનસે આક્રમક હિંદુત્વ તરફ ઝૂકી રહી હોય તેવું લાગે છે. તો શું તેનો અર્થ એવો થાય કે રાજ ઠાકરે હિંદુત્વની બીજી ધારાનું અનુસરણ કરી રહ્યા છે?

રાજ ઠાકરેએ એક વર્ષ પહેલાં જ તેમના પક્ષના ધ્વજને ભગવા રંગે રંગી નાખ્યો હતો અને હિંદુત્વનું રાજકારણ શરૂ કર્યું તે પહેલાં જ તેમણે પૂરક તરીકે આક્રમક અભિગમ ધારણ કરી લીધો હતો.

તેઓ મુંબઈમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સતત બોલતા રહ્યા છે. એ માટે આંદોલન કર્યાં છે. મુંબઈમાં રઝા એકૅડમીની ઘટના વખતે પણ રાજ ઠાકરેએ આક્રમક આંદોલન કર્યું હતું. મોરચો કાઢ્યો હતો, પણ એ વખતે તેમનું રાજકારણ હિંદુત્વ તરફ ઝૂકેલું હોવાનું કહેવાતું ન હતું.

જોકે, 2020ની શરૂઆતમાં પક્ષનો ધ્વજ બદલવાની સાથે રાજ ઠાકરેએ હિંદુત્વતરફી વલણ ધારણ કર્યું છે અને એ તેમના ભાષણોમાં પણ જોવા મળે છે.

કોરોનાના સમય બાદ લૉકડાઉન તબક્કાવાર ઉઠાવવાની શરૂઆત થઈ, પણ મંદિરોના દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે મનસેએ સરકારવિરોધી વલણ લીધું હતું અને આંદોલન કર્યું હતું.

line

રાજ ઠાકરે ભાજપની નજીક જઈ રહ્યા છે?

ઉદ્ધવ અને રાજ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિંદુત્વની એક ધારા પાસે કૉંગ્રેસ તથા ઈતર પક્ષોની નજીક હોય તેવા નેતા ઉદ્ધવ છે, જ્યારે બીજી ધારાના નેતા રાજ ઠાકરે બીજેપીની નજીક છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનોના નેતાઓએ રાજ ઠાકરેની મુલાકાત લીધી છે. હમણાં સાધ્વી કાંચનગિરી તથા મહંત સૂર્યાચાર્ય પણ તેમની મુલાકાત લીધી હતી. તેમણે રાજ ઠાકરેને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું હતું.

હિંદુત્વની દિશામાં આગળ વધી રહેલા રાજ ઠાકરે બીજેપીની નજીક સરકતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજેપી અને મનસેની યુતિ બનાવવાની ચર્ચા હાલ ચાલી રહી છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં આ યુતિ થવાની શક્યતા હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં હિંદુત્વની એક ધારા પાસે કૉંગ્રેસ તથા ઈતર પક્ષોની નજીક હોય તેવા નેતા ઉદ્ધવ છે, જ્યારે બીજી ધારાના નેતા રાજ ઠાકરે બીજેપીની નજીક છે.

સવાલ એ છે કે આ હિંદુત્વ રાજ ઠાકરેને બાળ ઠાકરેના હિંદુત્વની વધારે નજીક લઈ જશે?

બાળ ઠાકરેના ભાષણોમાંની આક્રમકતા રાજના ભાષણોમાં હોય છે એ વાત સાચી છે પણ હિંદુત્વના સંદર્ભમાં, લઘુમતી સમુદાયના સંદર્ભમાં જે બેધડક વકતવ્યો બાળ ઠાકરેએ આપ્યાં છે એવું રાજ ઠાકરે અત્યાર સુધી કદી બોલ્યા નથી. રાજ ઠાકરે આક્રમક રાજકીય હિંદુત્વનું સ્થાન લેવા સમર્થ હોવાનું કહેવાય છે, પરંતુ બીજેપી પોતે એ સ્થાન છોડશે ખરી એ પણ એક સવાલ છે.

line

નેતૃત્ત્વ પુરવાર કરવાનો પ્રયોગ

ઉદ્ધવ અને રાજ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉદ્ધવ અને રાજ ઠાકરે

સુધીર સૂર્યવંશીના કહેવા મુજબ, “રાજ ઠાકરે પોતાનું નેતૃત્વ સિદ્ધ કરવાના પ્રયોગ કરી રહ્યા છે. અગાઉ તેઓ કૉંગ્રેસ-એનસીપી નજીક ગયા હતા. હવે બીજેપી પાસે ગયા છે. અત્યારે તેઓ બાળ ઠાકરેના હિંદુત્વના વિચારોને આગળ ધપાવવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ ઠાકરે પરિવારના તથા શિવસેનાના વારસદાર તરીકે લોકોએ ઉદ્ધવ ઠાકરેને સ્વીકારી લીધા છે. તેથી રાજના હિંદુત્વના આ પ્રયાસ કેટલા સફળ થાય છે એ જોવાનું રહેશે.”

રાજકીય વિશ્લેષક અભય દેશપાંડેના કહેવા મુજબ “એક વાત સ્પષ્ટ છે કે મનસેનું એન્જિન હિંદુત્વની બ્રોડગેજ લાઇન પર જશે નહીં ત્યાં સુધી બીજેપી તેમની સાથે યુતિ નહીં કરે. તેથી રાજ ઠાકરે એ માટેના પ્રયત્નો કરતા દેખાય છે, પણ બાળ ઠાકરેનો કરિશ્મા અને ખાસ કરીને એ સમયની રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં બાળ ઠાકરેને જે મળ્યું હતું એ આજે રાજ ઠાકરેને મળવું મુશ્કેલ છે.”

તેઓ કહે છે કે “વધુ મહત્વની વાત એ છે કે હિંદુત્વ ભણી વળ્યા એ પહેલાં બાળ ઠાકરેએ દક્ષિણ ભારતીય લોકો વિરુદ્ધ જોરદાર આંદોલન કર્યું હતું. એ સમયે બીજેપીનું દક્ષિણ ભારતમાં લગભગ અસ્તિત્વ જ ન હતું. તેથી એ સમયે શિવસેના સાથે યુતિ કરવામાં બીજેપીને દક્ષિણ ભારતીય લોકો નારાજ થવાની સમસ્યા નડતી ન હતી પણ આજે સ્થિતિ અલગ છે.”

દેશપાંડે કહે છે કે “રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયો વિરુદ્ધ આંદોલન કર્યું હતું અને આજે બીજેપીને ઉત્તર ભારતીયોની નારાજગી પરવડે તેમ નથી. એટલે રાજ ઠાકરે સાથે હિંદુત્વના મુદ્દે યુતિ કરતી વખતે તેમણે આ મુદ્દે વધારે વિચારવું પડશે.”

આમ ઉદ્ધવ અને રાજ ઠાકરે માટે હિંદુત્વનો મુદ્દો ભલે વારસા તથા વિચારધારા હોય, પરંતુ વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમના માટે વધારે મહત્વની છે. તેમની ભૂમિકા તથા નિર્ણયોનું મૂલ્યાંકન આ પરિસ્થિતિ અનુસાર જ કરવામાં આવશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો