જમ્મુ-કાશ્મીરમાં ભારે સુરક્ષા છતાં આટલી મોટી સંખ્યામાં ચરમપંથીઓ કેવી રીતે આવી ગયા?
- લેેખક, મોહિત કંધારી
- પદ, જમ્મુથી બીબીસી ગુજરાતી માટે
જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા રાજૌરી અને પૂંછ વચ્ચે ગાઢ જંગલમાં 11 ઑક્ટોબરથી ભારતીય સેના અને ચરમપંથીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.
અત્યાર સુધીમાં આ હિંસક ઘર્ષણમાં ભારતની સેનાના બે જુનિયર કમાન્ડિંગ ઑફિસર (JCO) સહિત નવ સૈનિકો મૃત્યુ પામ્યાં છે.
એક JCO અને બે સૈનિકો પંજાબના રહેવાસી હતા. એક અન્ય JCO અને ત્રણ સૈનિકો ઉત્તરાખંડના હતા તથા અન્ય સૈનિકો ઉત્તર પ્રદેશ અને કેરળના રહેવાસી હતા.

ઇમેજ સ્રોત, ADGPI TWITTER
ચરમપંથીઓને કાબૂમાં કરવા માટે ભારતીય સેનાના પૅરાકમાન્ડોના સૌથી કુશળ દળને જવાબદારી સોંપવામાં આવી છે. અભિયાનને સફળ બનાવવા માટે ભારતીય સેના ડ્રોન તકનીક ઉપરાંત આધુનિક હથિયારોનો ઉપયોગ કરી રહી છે.
મંગળવારે સેના તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "સેનાના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે પૂંછ વિસ્તારની મુલાકાત લીધી અને ઑપરેશનની સમીક્ષા કરી હતી."
"સેનાના અધિકારીઓએ સેનાપ્રમુખને ઑપરેશન સંબંધિત વિસ્તૃત વિગતો આપી અને મહત્ત્વની ચોકીઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. સૈન્ય કમાન્ડરોએ એમને વર્તમાન સ્થિતિ અને ઘૂસણખોરીવિરોધી અભિયાન વિશે અવગત કર્યા છે."

ક્યારે શરૂ થયું આ ઑપરેશન

ઇમેજ સ્રોત, ANI
11 ઑક્ટોબરે એક ગુપ્ત સૂચનાના આધારે પૂંછ જિલ્લાના સુરનકોટ તાલુકાની ડેરી કી ગલી વિસ્તારમાં આ ઘર્ષણની શરૂઆત થઈ હતી.
ચરમપંથીઓએ છટકું ગોઠવીને ભારતની સેનાની ટુકડી પર હુમલો કર્યો હતો, જેમાં એક જુનિયર કમાન્ડિંગ ઑફિસર સમેત પાંચ સૈનિકો મૃત્યુ પામ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રણ દિવસ બાદ 14 ઑક્ટોબરે ફરીથી ચરમપંથીઓ અને ભારતીય સેના આમને-સામને આવ્યા હતા. બેઉ પક્ષો તરફથી થયેલા ગોળીબારમાં ભારતીય સેનાના બે રાઇફલમૅન માર્યા ગયા હતા.
આ અથડામણમાં ઘાયલ થનાર સેનાના અન્ય એક JCO અને એક સૈનિકનો મૃતદેહ શનિવારે વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
જમ્મુમાં સંરક્ષણ વિભાગના પ્રવક્તા લૅફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદ અનુસાર, મેંઢરથી થાનામંડી સુધી સમગ્ર વનવિસ્તારમાં ચુસ્ત નાકાબંધી કરવામાં આવી છે અને ચરમપંથીઓને ખોળી કાઢવા માટે મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
એમણે કહ્યું કે, "વિસ્તારની ભૌગોલિક સ્થિતિને કારણે વધારે સમય લાગી રહ્યો છે. આ વિસ્તાર પર્વતીય અને ગાઢ જંગલનો છે જેના કારણે ઑપરેશન મુશ્કેલ અને ખતરનાક બની ગયું છે."

સૌથી લાંબું ઑપરેશન

ઇમેજ સ્રોત, ANI
પૂંછમાં ચાલી રહેલું હાલનું ઑપરેશન સેના દ્વારા ચલાવવામાં આવેલું સૌથી લાંબું ઑપરેશન સાબિત થઈ રહ્યું છે.
આ અગાઉ 1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2009 સુધી પુંછમાં મેંઢરના ભાટીદાર વિસ્તારમાં એક લાંબું અભિયાન છેડાયું હતું. એ પછી શોધખોળ બંધ કરી દેવામાં આવી હતી.
2009ના એ ઑપરેશનમાં ભારતીય સેનાના એક JCO સહિત ત્રણ સૈનિકો મૃત્યુ પામ્યાં હતાં અને 4 ચરમપંથીઓ માર્યા ગયા હોવાની વાત કરવામાં આવી હતી.
જોકે, પછી સેનાને એક પણ ચરમપંથીનો મૃતદેહ મળ્યો ન હતો.

સુરક્ષા નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, ANI
સુરક્ષા મામલામાં નિષ્ણાત નિવૃત્ત બ્રિગેડિયર અનિલ ગુપ્તાએ બીબીસીને કહ્યું કે "અત્યાર સુધી ચાલી રહેલા ઍન્કાઉન્ટરથી એ તો સ્પષ્ટ છે કે ચરમપંથીઓને આ વિસ્તારની પૂરી જાણકારી છે અને તેઓ લાંબા સમયથી ત્યાં હતા."
બ્રિગેડિયર ગુપ્તાનું માનવું છે કે ચરમપંથીઓ મોટી સંખ્યામાં જંગલમાં છે અને તેમને ખાસ તાલીમ બાદ ઑપરેશનમાં સામેલ કરવામાં આવ્યા હશે.
ચરમપંથીઓની સાથે પાકિસ્તાનની સેનાના ઑફિસરો ઑપરેશનમાં સામેલ હોય, એવી સંભાવનાને તેઓ પણ ગંભીર માને છે.
એમણે કહ્યું "ઑપરેશનમાં પાકિસ્તાનની સેનાના અધિકારીઓ પણ સામેલ હોય એ વાતથી ઇનકાર કરી ન શકાય, કારણ કે પહેલાં પણ તેઓ આવી અથડામણોમાં ભાગ લઈ ચૂક્યા છે."
બ્રિગેડિયર ગુપ્તા કહે છે કે, "સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આખરે ચરમપંથીઓ આટલી મોટી સંખ્યામાં સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસી આવ્યા. પૂર્વ સેક્ટરમાં સેનાનું ફોકસ શિફ્ટ થવાને કારણે ઘૂસણખોરીવિરોધી ગ્રિડ નબળી પડી એવી આશંકા સેવાઈ રહી છે."

આખો વિસ્તાર બંધ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જ્યાં ઑપરેશન ચાલી રહ્યું છે, તે વિસ્તાર 11 ઑક્ટોબરથી કોર્ડન કરી દેવાયો છે. મીડિયાને ઘટનાસ્થળથી 11 કિલોમિટર દૂર રાખવામાં આવ્યું છે.
મીડિયાકર્મીઓને ભીમ્બર ગલી પાસે બનેલી ચેકપોસ્ટથી આગળ જવાની પરવાનગી આપવામાં આવી નથી.
સામાન્ય લોકો માટે પણ ભીમ્બર ગલી અને સુરનકોટ વચ્ચેનો રાજૌરી-પૂંછ રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ પગલું જનતાની સુરક્ષાને ધ્યાને લઈ લેવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારી મીડિયાને સમયાંતરે ઑપરેશન અંગે જાણકારી આપે છે.
સેનાએ પણ આ ઑપરેશન મામલે અત્યાર સુધીમાં ફક્ત લેખિત નિવેદનો થકી જ માહિતી આપી છે.
આ સ્થિતિમાં ખરેખર જમીન સ્તરે ઍન્કાઉન્ટરનો શું હાલ છે તેની સટીક જાણકારી મેળવવી સંભવ નથી રહ્યું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












