એ 'ગુલામ રાજા' જેણે ગાયનાં લોહીથી વૈભવી કિલ્લો બંધાવ્યો
- લેેખક, લિયોમેન લીમા
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
આખરે ગુલામમાંથી પોતાને સમ્રાટ જાહેર કરનાર એ રાજા સાથે દગો કરવામાં આવ્યો. રાજા એકલા જ સોનાથી મઢેલા સિંહાસન પર પોતાના રૂમમાં બેઠા હતા.
સિંહાસન પરથી ઊભા થયા અને જોયું કે જ્યાં તેઓ વસવાટ કરતા હતા, તે બિશપ્સ કૅપના ઢોળાવ પર કાળા ડિબાંગ વાદળો ઊતરી આવ્યાં છે.
હજી પણ કેટલાક લોકો રાજા પ્રત્યે વફાદાર હતા અને તે લોકો તેમને અહીં સલામત લઈ આવ્યા હતા.
સામ્રાજ્યનો સૂરજ તપતો હતો ત્યારે બનેલા લાફેરિએર કિલ્લામાં તેઓ અત્યારે બેઠા હતા.

ઇમેજ સ્રોત, BODE-MUSEUM
એક ઊંચા ટેકરા પર આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો અને પશ્ચિમની દુનિયાનો તે આજ સુધીનો સૌથી મોટો કિલ્લો છે.
હૈતી સામ્રાજ્યના રાજા જ્યાં વસવાટ કરતા હતા, તે બાજુથી ઢોલ વગાડવાનો અવાજ આવી રહ્યો હતો, ત્યાં બળવો પ્રબળ થઈ રહ્યો હતો.
લશ્કરી ટુકડીઓએ, તેમના રાજ્યમાં વસાહતી તરીકે સ્થાયી થયેલા લોકોએ અને તેમના વફાદાર સેનાપતિઓએ પણ હવે તેમની સામે બળવો કરી દીધો હતો.
થોડા મહિના પહેલાં જ તેઓ લકવાના હુમલાનો ભોગ બન્યા હતા અને તેના કારણે જ 'નવી દુનિયાના આ પ્રથમ સમ્રાટ'નું રાજ હવે જોખમમાં આવી ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગલા દિવસે આઠ ઑક્ટોબર, 1820ના રોજ તેમણે મદદનીશોને આદેશ આપેલો કે પોતાને સારી રીતે સ્નાન કરાવે અને સૌથી વૈભવી લશ્કરી યુનિફોર્મમાં માથા પરના તાજ સાથે સજાવવામાં આવે.
તેમના યુનિફોર્મ પર ઘણી ડિગ્રીનાં ચિહ્નો અને રાજવીપણાનાં પવિત્ર પ્રતીકો હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સહાયકો તેમને રાજાના પોષાકમાં સજ્જ કરીને ઓરડામાં સિંહાસન પર બેસાડીને બહાર નીકળી ગયા. રાજા હવે ઊભા થયા અને થાકેલા ડગ માંડીને પોતાના ડેસ્ક પર પહોંચ્યા, તેમાંથી રત્નોથી મઢેલી અને ચાંદીની કારતૂસોથી ભરેલી પિસ્તોલ કાઢીને હાથમાં લીધી.
તે પછી એક ધડાકો થયો અને તેના અવાજથી છાપરે બેઠેલા કબૂતરો ઊડી ગયા. ગોળીબારના અવાજના વિશાળ કિલ્લાની દિવાલો વચ્ચે પડઘા પડતા રહ્યા.
આ કિલ્લામાં 5000 માણસો આખું વર્ષ રહી શકે અને તેમનાં અનાજ-પાણી ન ખૂટે તેવી વ્યવસ્થા હતી. સહાયકો દોડીને આવ્યા ત્યારે પિસ્તોલની બેરલમાંથી ધુમાડાની સેર દેખાતી હતી.
'અત્યાચારનો અંત લાવનારા', 'હૈતી સામ્રાજ્યના પુનઃસ્થાપક અને સંવર્ધક' હૅનરી પ્રથમ જમીન પર ઢળી પડ્યા હતા.
ફ્રાન્સની સામે લડત આપીને જીત મેળવીને પોતાને રાજા જાહેર કરનારા મૂળે ગુલામ એવા સમ્રાટે આખરે જાતે જ પોતાનો જીવ લઈ લીધો હતો.

સામ્રાજ્યનો અંત

ઇમેજ સ્રોત, JOHANN GOTTFRIED EIFFE
201 વર્ષ પહેલાં આ રીતે હૅનરી ક્રિસ્ટોફે આત્મહત્યા કરી અને તે સાથે જ હૈતીની રચનાનો પાયો નંખાયો હતો.
હૅનરીની આત્મહત્યા, બળવો અને રાજકીય ઊથલપાથલ પછી જે રાષ્ટ્રની રચના થઈ તે આજે હૈતી તરીકે જાણીતું છે.
તે વખતે આ પ્રદેશ બે ભાગમાં વહેંચાયેલો હતો - દક્ષિણમાં ઍલેક્ઝાન્ડર પેટિયનનું શાસન હતું, જ્યારે ઉત્તરમાં ક્રિસ્ટોફરનું શાસન હતું.
હૅનરી ક્રિસ્ટોફની આત્મહત્યા પછી ફરી એક વાર આ પ્રદેશમાં રાજાશાહી સ્થાપવા માટેની પણ કોશિશ થઈ હતી, પણ સત્તા પર આવેલા પ્રજાતંત્રે તેને દબાવી દીધી અને અમેરિકાની ધરતી પર વધુ એક વાર સામ્રાજ્યની સ્થાપનાનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ થયો.
હૅનરી ક્રિસ્ટોફનું અમેરિકા ખંડનું અનોખું ગણાય તેવું રજવાડું એક દાયકા પહેલાં 1811માં સ્થપાયું હતું.
તેમણે પોતાને સમ્રાટ જાહેર કરેલા અને પોતાના રાજ્યાભિષેકના માનમાં એક અઠવાડિયા સુધી નૃત્ય અને ગીતસંગીતના કાર્યક્રમો યોજીને ઉજવણી થઈ હતી.
આ રીતે હૈતીના રાજા બનેલા હૅનરી ક્રિસ્ટોફ પોતે જન્મે હૈતીના નહોતા. એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ છ ઑક્ટોબર, 1767માં કોઈ કૅરેબિયન ટાપુ પર થયો હતો.
કેટલાક માને છે કે તેમનો સાન ક્રિસ્ટોબલ ટાપુ પર જન્મ થયો હતો, જ્યારે અન્યો માને છે કે ગ્રેનાડામાં તેમનો જન્મ થયો હતો. ગુલામ એવા હૅનરી ક્રિસ્ટોફ યુવાવયે સેન્ટ ડોમિનિક આવ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
1791માં તેમણે ચૂકવણી કરીને પોતાને ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા અને ફ્રાન્સની સત્તા સામેની લડાઈમાં જોડાયા હતા.
એવું પણ માનવામાં આવે છે કે ક્રિસ્ટોફે યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતા માટેની લડાઈ થઈ, તેમાં પણ સૈનિક તરીકે ભાગ લીધો હતો.
હૈતીમાં બળવો થયો અને સત્તા કબજે કરવામાં આવી ત્યારે તે લડાઈના ઘણા જનરલોમાં એક ક્રિસ્ટોફ પણ હતા.
બાદમાં તેમણે પોતે ગુલામો ખરીદ્યા હતા અને પોતાની સેના જમાવી હતી. આખરે સત્તા કબજે કરી અને અમેરિકા ખંડમાં ભાગ્યે જ જોવા મળે તેવા વૈભવી અને મજબૂત રજવાડાની સ્થાપના કરી હતી.

હૅનરીએ બનાવ્યો ગાયનાં લોહીથી કિલ્લો

ઇમેજ સ્રોત, UNITED STATES ARMY
તેમણે પોતાનું નામ હૅનરી પ્રથમ રાખ્યું હતું. તેમણે છ કિલ્લા અને આઠ રાજમહેલોનું નિર્માણ કરાવ્યું અને તેમાં સૌથી મોટો હતો લાફેરિયર કિલ્લો.
19મી સદીમાં બનેલો તે કિલ્લો આજે પણ અમેરિકા ખંડનો સૌથી મોટો કિલ્લો છે.
આ કિલ્લો બનાવવામાં 15 વર્ષ લાગ્યાં અને તેના માટે 20,000 મજૂરોને કામે લગાવાયા હતા.
નિર્માણ દરમિયાન 2000 લોકો મૃત્યુ પામ્યા હતા. કિલ્લાને મજબૂત કરવા માટે સિમેન્ટની સાથે ચૂનો, મોલાસીસ અને ગાયનું લોહી પણ ઉમેરવામાં આવ્યું હતું, તેમ માનવામાં આવે છે.
પોતાની તસવીર સાથેના સિક્કા પણ પડાવ્યા અને પોતાના પાટનગરનું નામ રાખ્યું કૅપ એનરિક; તેમણે પોતાના પરિવારને રાજવંશ જાહેર કર્યો અને ચાર રાજકુંવરોની નિમણૂક કરી.

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty
સાથે જ આઠ ડ્યુક, 14 નાઇટ્સ, 22 કાઉન્ટ્સ, 37 બેરોન્સની પણ નિમણૂક કરી. પોતાને સાર્વભૌમ સમ્રાટ તરીકે જાહેર કર્યા, રૉયલ અને મિલિટરી ઑર્ડર ઑફ સાન એનરિક એવા સન્માનો પણ જાહેર કર્યાં.
તેમણે અનોખી શિક્ષણપ્રથા પણ દાખલ કરી. 19મી સદીમાં લૅટીન અમેરિકામાં તે સૌથી વ્યાપક રીતે ફેલાયેલી વ્યવસ્થા હતી.
આ સાથે જ કાયદાઓ અને ધારાઓ જાહેર કરવામાં આવ્યાં હતાં અને તેમના નામે ચાલતા આ કાયદાના આધારે જ સમગ્ર રાજ્યમાં કારોબાર ચાલતો હતો. જોકે તેમણે સાથેસાથે વેઠપ્રથા પણ દાખલ કરી હતી.
સાથે જ ખેડૂતો પર ઘણા પ્રતિબંધો અને નિયમો લાદ્યા અને તેના કારણે થોડા વખતમાં તેમની સામે ભારે અસંતોષ ઊભો થયો હતો.
આખરે બળવો થયો અને પોતાના વિશાળ કિલ્લામાં રાજા એકલા જ રહી ગયા હતા. ઑગસ્ટ 1820માં 53 વર્ષની ઉંમરે હૅનરી ક્રિસ્ટોફે આત્મહત્યા કરી.

અમેરિકાનું રજવાડું

ઇમેજ સ્રોત, Getty Images
હૈતીમાં રજવાડું ઊભું કરનારા આ રાજાને અંતિમવિધિમાં કોઈ સન્માન અપાયું નહોતું. તેમના મૃત્યુ પાછળ રડનારું પણ કોઈ નહોતું.
સહાયકોએ ચૂપચાપ તેમના મૃતદેહને નીચે લાવીને આઠ ઑક્ટોબરે દફન કરી દીધો, જ્યારે કૅપ હૈતિયનમાં હજીય બળવાખોરીને કારણે ધમાસાણ મચેલું હતું.
જોકે તેમનાં રાણીએ દફન પહેલાં તેમની એક આંગળી કાપી લીધી હતી અને પોતાની સાથે યાદગીરી તરીકે રાખી હતી, તેમ મનાય છે. બાદમાં રાણી ત્યાંથી ઇટાલી જતાં રહ્યાં હતાં.
કિલ્લાની એક મજબૂત દિવાલની અંદર બાકોરું કરીને લાશને દફનાવાઈ હતી, જેથી કોઈ શબને બહાર કાઢીને તેની બૂરી વલે ના કરે. આ રીતે જે કિલ્લાનો પાયો હૅનરી પ્રથમે નાખ્યો હતો, તેના પાયામાં જ તેનો નશ્વર દેહ દફન થઈ ગયો.
અમેરિકા ખંડમાં સામ્રાજ્ય જમાવવાનું સપનું અધૂરું જ રહી ગયું અને આજેય માત્ર તેની યાદ જેવો કિલ્લો કૅપ હૈતિયનમાં બિશપ્સ કૅપ પર્વત પર ઊભો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













