ચિંગ શિહ : દેહવ્યાપાર કરનારી એક મહિલા ચાંચિયાએ જ્યારે મોટાં સામ્રાજ્યોને પડકાર્યાં

ઇમેજ સ્રોત, UNKNOWN
એક સામ્રાજ્ય બીજાનો ખાતમો બોલાવી દે તેવા અનેક દાખલા ઇતિહાસમાં જોવા મળે છે, પરંતુ 200 વર્ષ પહેલાં એક ચીની મહિલા ચાંચિયા થઈ ગયાં, જેમની નીચે 1800 ચીની ચાંચિયા જહાજો કામ કરતાં.
મૂળ એ ચીનના દરિયાકિનારે એક નગરમાં દેહવ્યાપાર કરતાં હતાં, પણ આગળ જતાં ચાંચિયા ટોળકીનાં આગેવાન બન્યાં અને ચીની તથા પોર્ટુગીઝોનાં જહાજો માટે મધદરિયે કાળ બનીને ફરવાં લાગ્યાં હતાં.
તેમનું નામ હતું ઝેંગ યી સાઓ, શિ યેંગ ઉર્ફે ચિંગ શિહ, જેમણે મધદરિયે આણ વર્તાવી હતી. દેહવ્યાપાર, ક્રૂરતા, જોરદાર આક્રમણો અને ધ્રૂજાવી દેનારી સજા આપવા માટે તેમનું નામ જાણીતું થયું હતું. 1844 સુધી તેઓ જીવ્યાં હતાં.
ચિંગ શિહ તરીકે જાણીતાં થયેલાં આ મહિલાનો જન્મ 1775માં શિન્હૂઈના ગુઆંગડોંગમાં થયો હતો.
તેમનાં માતાપિતા કોણ હતાં કે તેમનું કુળ કયું હતું તેની માહિતી ઇતિહાસકારો મેળવી શક્યા નથી. જોકે તેમણે કરેલાં પરાક્રમો અને તેમની જીવનશૈલીને કારણે તેઓ ઇતિહાસમાં યાદગાર પાત્ર બની ગયાં છે.
18મી સદીમાં માત્ર પુરુષો જ દરિયો ખેડતા હતા. બંદરમાં લાંગરેલાં જહાજો અને વહાણોમાં દેહવ્યાપાર ચાલતો હતો. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ચિંગ શિહ માત્ર છ વર્ષનાં હતાં ત્યારથી દેહવ્યાપારમાં આવી ગયાં હતાં.
ક્વિંગ અને ન્યૂયેન સામ્રાજ્યને પડકારનારી ચાંચિયા ટોળકીના એક સરદાર હતા ઝેંગ યી. વિયેતનામના ડે સૂન રજવાડાના વારસદાર અને તેમનાં સગાંઓ ઝેંગ ક્વીના ટેકામાં હતા અને તેઓ ચીન સામે લડી રહ્યા હતા. ઝેંગ ક્વી 1700ના દાયકાના ખૂનખાર ચાંચિયા હતા.

ચાંચિયા સાથે લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images
ઝેંગ યીએ એક વાર ધાડ પાડી અને બંદર જીતી લીધું ત્યારે ચિંગ શિહની મુલાકાત થઈ હતી. તેઓ ચિંગના પ્રેમમાં પડી ગયા અને 1801માં તેમની સાથે લગ્ન કરી લીધાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વચન આપેલું કે મારી અડધી કમાણી તારી રહેશે. ચિંગ શિહ આ વાયદાને કારણે તેમને પરણ્યાં હતાં. લગ્ન થયાં ત્યારે ચિંગ માત્ર 26 વર્ષનાં હતાં.
તેમનાં લગ્ન થયાં તેના એક વર્ષમાં જ તેમના એક સગા ઝેંગ ક્વીને ન્યૂયેનની સેનાએ વિયેતનામ નજીકની સરહદે પકડી લીધા અને તેમની હત્યા કરી દીધી.
આ તક જોઈને ઝેંગ યીએ ઝેંગ ક્વીની નીચે કામ કરતાં બધા ચાંચિયાને એકઠા કર્યા.
એક માછીમાર કુટુંબના દીકરા ઝાંગ બાઓ ત્સાઇને તેમણે દત્તક લીધો. 1798માં તે 15 વર્ષનો હતો ત્યારે તેનું અપહરણ થયું હતું અને ચાંચિયાની ટોળીમાં તેને સામેલ કરી દેવાયો હતો.
ઝાંગ બાઓ હવે મોટો થઈને તેના પિતાને સફળતા મેળવવામાં મદદરૂપ થતો હતો.
ઝેંગ યી બધા જ ચાંચિયાઓને એકઠા કરીને સમુદ્રમાં તાકાત જમાવવા માગતા હતા. ચીની, પોર્ટુગીઝ, અંગ્રેજ અને ફ્રેન્ચ વહાણવટા પર પ્રભુત્વ જમાવવા માગતા હતા.

ચિંગ શિહે ચાંચિયાઓને સંગઠિત કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
ચાંચિયાઓને એક કરીને સંગઠિત કરવામાં ચિંગ શિહની અગત્યની ભૂમિકા હતી. તેઓ ચાંચિયા ટોળકીના નેતા સાથે વાટાઘાટો કરતાં. તેઓ દેહવ્યાપારમાં હતાં ત્યારે ઘણા સાથે સંપર્ક થયો હતો, તે હવે કામ આવી રહ્યા હતા.
આ બધા પ્રયાસોને કારણે 1805માં ચીની સમુદ્રમાં સક્રિય એવા બધા જ ચાંચિયા એક જ નેજા હેઠળ આવી ગયા.
છ જુદાજુદા રંગના ધ્વજ હવે તે વાપરતા હતા - લાલ, કાળો, વાદળી, સફેદ, પીળો અને જાંબલી. આ બધી ટોળકીઓએ દરિયામાં પોતપોતાના વિસ્તારો નક્કી કરી લીધા હતા. તે બધાએ ઝેંગ યીની નેતાગીરી સ્વીકારી હતી.
1800ના દાયકા સુધીમાં ઝેંગ યીની આગેવાની હેઠળ 1200 જહાજોના લગભગ 70,000 ચાંચિયા એકત્રિત થયા હતા.
ચિંગ શિહ પાછળ રહીને સંગઠન સંભાળી રહ્યાં હતાં. લાલ વાવટા હેઠળનું જૂથ ઝેંગ યીની સીધી દેખરેખ નીચેનું હતું. તે પછીનું બીજું સૌથી મોટું જૂથ પણ તેમના જ દત્તક પુત્ર ઝાંગ બાઓની નેતાગીરીમાં કામ કરતું હતું.
દરમિયાન ચિંગ શિહે બે પુત્રને જન્મ આપ્યો - 1803માં ઝેંગ યિંગ્શી અને 1807માં ઝેંગ શિયોંગશિ. જોકે કેટલાક ઇતિહાસકારાનો દાવો છે કે દંપતીને ક્યારેય સંતાનો થયાં નહોતાં.
બીજા પુત્રનો જન્મ થયો તેના થોડા જ મહિના પછી તેમના પતિ ઝેંગ યી 42 વર્ષની ઉંમરે અચાનક મૃત્યુ પામ્યા.
ચિંગ શિહે નક્કી કરી લીધું હતું કે ચાંચિયાઓની નેતાગીરી બીજા કોઈના હાથમાં જવા દેવી નથી. તેમણે દત્તક પુત્ર ઝાંગ બાઓની મદદ લઈને સત્તા પોતાના કબજામાં કરી લીધી.

અનૈતિક સંબંધો

ઇમેજ સ્રોત, Alamy
જોકે ચાંચિયાઓની દુનિયામાં કોઈ મહિલાને વડા તરીકે સ્વીકારાય તેમ નહોતું. એવું પણ મનાતું કે જહાજમાં મહિલાની હાજરી હોય તો આફત આવે એટલે ચિંગ શિહે ચાંચિયા સરદાર તરીકે ઝાંગ બાઓનું નામ આગળ કર્યું હતું.
ધીમેધીમે ચિંગે તેને પોતાની કઠપૂતળી તરીકે તૈયાર કરી લીધો હતો. બિનઆધારભૂત કથાઓમાં એવી પણ વાતો થયેલી છે કે બંને વચ્ચેના સંબંધો બહુ અંગત પ્રકારના હતા.
ઝાંગ બાઓ માત્ર નામનો સરદાર હતો, સાચી સત્તા ઝિંગ શિહના હાથમાં હતી.
ચાંચિયા ટોળકીઓનું કામકાજ લશ્કરી શિસ્ત પ્રમાણે ચાલતું હતું. હુકમનું પાલન અનિવાર્ય મનાતું હતું અને તેનો ભંગ કરનારાને આકરી સજા મળતી હતી.

ક્રૂર સજા

ઇમેજ સ્રોત, Getty Images
બંદરના વિસ્તારોમાં કોઈ મહિલા સાથે ચાંચિયો ગેરવર્તન કરે તો તેના કાન કાપી નાખવામાં આવતા હતા. બીજા ચાંચિયાની સામે તેની પરેડ કરીને તેનો શિરચ્છેદ કરી દેવામાં આવતો હતો.
લૂંટાયેલો માલ તિજોરીમાં જમા કરાવતા પહેલાં નાનામાં નાની વસ્તુની નોંધ કરવી જરૂરી ગણાતી હતી. લૂંટ થઈ હોય તેમાંથી 10માંથી બે વસ્તુઓ કે રૂપિયા લૂંટનારી ટોળીને મળે. જો આમાં ગરબડ થાય તો ચાંચિયાને મારી નાખવામાં આવતો હતો.
ગામડાંમાં ધાડ પાડવામાં આવે ત્યારે મહિલાઓને હાથ નહીં લગાડવાનો, બળાત્કાર નહીં કરવાનો કે ઈજા પણ નહીં કરવાની. મહિલાઓને પકડી લેવામાં આવે તેમનાં નામઠામ લખી લેવાનાં.
કેદમાં રહેલી મહિલાઓ સાથે ગેરવર્તન કરનારને મૃત્યુદંડ અપાતો હતો. આ બધા નિયમો ચાંચિયા પાળતા હતા તેનો ઉલ્લેખ ક્વિંગ સામ્રાજ્યના અમલદાર યુઆન યોંગલુને નોંધેલા છે.
ઇતિહાસકારો કહે છે કે આ બધા નિયમો ઝાંગ બાઓએ ઘડ્યા હતા, પણ અનુવાદની ભૂલને કારણે ચિંગ શિહના નામે નોંધાયા હતા.

દરિયાઈ યુદ્ધ અને જોરદાર આક્રમણો

ઇમેજ સ્રોત, Getty Images
ચિંગ શિહની કઠપૂતળી તરીકે કામ કરી રહેલો ઝાંગ બાઓએ 1808માં હૂમેનના સેનાપતિ લિન ગુઓલિંગના જહાજો પર હુમલો કર્યો. પર્લ નદીના કિનારે આવેલાં ગામડાંઓને લૂંટવાનો પણ તેનો ઇરાદો હતો.
તે વખતે આ ચાંચિયાઓ ચીની નૌકાદળનાં જહાજો પર મોટા ભાગે હુમલા નહોતા કરતા. પણ આ વખતે જોરદાર હુમલો કરવામાં આવ્યો અને તેમાં 35 ચીની યુદ્ધજહાજોને ડૂબાડી દેવામાં આવ્યાં.
આ પછી હૂમેનના પૂર્વમાં આવેલા વેઇયૂઆન ટાપુ પર ચાંચિયાઓએ હુમલો કર્યો. ત્યાંના લેફ્ટનન્ટ કર્નલ લિન ફા યુદ્ધમાં હારી ગયા. આ બે હુમલાને કારણે પર્લ નદીમાં અંદર સુધી જવાનો ચાંચિયાઓનો માર્ગ મોકળો બની ગયો.
તે જમાનામાં ચિંગ શિહ પોતાની ટોળકીને એક સેના તરીકે જોવા લાગી હતી. તેણે હવે સેના સામે પણ લડવાનું આ રીતે શરૂ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય વહાણવટામાં રોષ

ઇમેજ સ્રોત, Getty Images
1809માં ક્વિનના નૌકાદળના સેનાપતિ સૂન ક્વોનમાઉએ 100 યુદ્ધજહાજો લઈને દવાશન ટાપુ પાસે ચાંચિયાઓના કાફલાને ઘેરી લીધો.
ચાંચિયાઓએ મદદ માટે ચિંગ શિહને સંદેશ મોકલી દીધો હતો. લાલ વાવટા અને સફેદ વાવટા હેઠળનાં ચાંચિયાજૂથોએ વળતો જોરદાર હુમલો કર્યો અને તેના કારણે સ્વોનમાઉએ પીછેહઠ કરવી પડી.
આ હુમલામાં સફેદ વાવટા હેઠળના ચાંચિયાનો સરદાર લિયાંગ માર્યા ગયા. તેમની હેઠળનાં જહાજો અને ચાંચિયાઓને મોટું નુકસાન થયું. સામી બાજુ ચીનનાં 25 યુદ્ધજહાજો નાશ પામ્યાં હતાં.
પોતાના સાથી સફેદ વાવટાના ચાંચિયાઓની આવી દશાથી રોષે ભરાયેલા ઝાંગ બાઓએ હવે મોટો હુમલો કર્યો.
લાલ અને કાળા વાવટા હેઠળના તેમના જૂથે આક્રમણ કર્યું અને પર્લ નદીના મુખ પાસે જેટલાં જહાજો હતાં તે બધાંનો નાશ કરી દીધો.
જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચાલેલા આ યુદ્ધમાં 10,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નદીકિનારે વસેલા નાગરિકોમાંથી પણ 2000 જેટલા માર્યા ગયા હતા. ચાંચિયાઓ ગામડાંમાં ઘૂસી ગયા અને લૂંટફાટ ચલાવી.
ચિંગ શિહે 500 જહાજોના કાફલા સાથે નદીમાં અંદર સુધી જઈને મોટા પાયે લૂંટફાટ ચલાવી હતી. એ વખતે મકાઉ પર વલંદાઓનો કબજો હતો એટલે ક્વિંગ સમ્રાટે ચાંચિયાઓને કાબૂમાં રાખવા તેમની મદદ માગી.
જોકે વલંદાના ગવર્નરના કબજામાં રહેલા તીમોર પર પણ ચાંચિયાઓએ કાબૂ કરી લીધો હતો.
વલંદા આ હુમલાનો પણ બદલો લેવા માગતા હતા. વલંદાઓને માહિતી મળી કે ચિંગ શિહ પોતાનાં વહાણોના સમારકામ માટે તુંગ ચુંગ બંદરે આવ્યાં છે. વલંદાઓએ તેમને ત્યાં ઘેરી લીધાં.
વલંદાઓની મદદે સૂન ક્વોનમાઉ પણ 93 યુદ્ધજહાજો લઈને આવ્યા હતા. ચીનના આ ચાંચિયાઓને કારણે ફ્રેન્ચ વહાણવટીઓ પણ ભારે પરેશાન હતા એટલે તેઓ પણ આ આક્રમણમાં મદદે આવ્યા હતા.
બે અઠવાડિયાં સુધી ઘર્ષણ ચાલ્યું તેમાં વલંદાઓનાં બે જહાજો ડૂબી ગયાં. સૂન ક્વોનમાઉએ હવે પોતાનાં જ જહાજોને આગ લગાડી અને તેને ચાંચિયાઓના જહાજો તરફ ધકેલ્યાં.
આ રીતે 43 સળગતાં જહાજોને ચાંચિયાઓના કાફલા તરફ ધકેલી દેવાયાં હતાં. ભારે પવનના કારણે આ સળગતા ગોળા જેવાં જહાજો ચાંચિયાના કાફલામાં પહોંચી ગયાં અને ભારે તબાહી મચાવી હતી.
ચિંગ શિહનું જહાજ બચી ગયું હતું, પણ તેમના 43 ચાંચિયા માર્યા ગયા હતા. આ યુદ્ધને ચીનના ઇતિહાસમાં 'વાઘના મુખનું યુદ્ધ" એવી રીતે ઓળખવામાં આવે છે.

શરણે આવેલાને નૌકાદળમાં કામે રખાયા

ઇમેજ સ્રોત, GSinclair Archive
કાળા વાવટા હેઠળની ટોળકીના સરદાર ગુઓ પોદેઇને લાગ્યું કે આવી રીતે યુદ્ધમાં લડી મરવાનો અર્થ નથી એટલે તેણે ચિંગ શિહ અને ઝાંગ બાઓને સાથ આપવાનો ઇનકાર કર્યો.
તેઓ 1810માં વાઇસરૉય લિયાંગગુઆંગ સામે શરણે આવ્યા. તેમને સબ લેફ્ટનન્ટનો હોદ્દો આપવામાં આવ્યો. નૌકાદળમાં આ રીતે અધિકારી બનાવાયા તે પછી તેમણે ચાંચિયાઓને ખોરાક, પાણી, શસ્ત્રોનો પુરવઠો ક્યાંથી મળે છે તે સહિતની બધી માહિતી સેનાને આપી હતી.
આ રીતે ચાંચિયાઓને મળતો પુરવઠો અટકાવી દેવાયો હતો.
જોકે ક્વિંગ સામ્રાજ્યને પણ લાગતું હતું કે ચાંચિયાઓ સાથે સતત લડતા રહેવામાં સાર નથી.
તેથી ચાંચિયાઓ સાથે વાટાઘાટ કરવામાં આવી. ચિંગ શિહને સમાધાનની શરતો સ્વીકારી લેવા માટે દબાણ કરવામાં આવ્યું.
ચિંગ શિહ પણ હવે થાક્યાં હતાં એટલે સમાધાન માટે તૈયાર થઈ ગયાં. આ વાટાઘાટ બેઇ લિંગે કરી હતી.
20 એપ્રિલ, 1810ના રોજ ચિંગ શિહ અને ઝાંગ બાઓએ 17,000 ચાંચિયા સાથે આત્મસમર્પણ કર્યું. ચાંચિયાઓ પાસે ત્યારે 226 યુદ્ધજહાજો, 1300 તોપ અને 2700 શસ્ત્રો હતાં.
ક્વિંગ સામ્રાજ્યે ઝાંગ બાઓને લેફ્ટનન્ટનો હોદ્દો આપ્યો અને તેની નીચે 20-30 જહાજો મૂક્યાં.

દત્તક પુત્ર સાથે લગ્નની મંજૂરી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ચિંગ શિહે સમ્રાટને વિનંતી કરી કે તેને દત્તક પુત્ર ઝાંગ બાઓ સાથે લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવે. થોડા મહિના પછી વાદળી વાવટા હેઠળના ચાંચિયાના સરદાર વૂ શિયરને પણ હરાવી દેવામાં આવ્યો.
ચિંગ શિહ અને ઝાંગ બાઓએ લગ્ન કર્યાં તે પછી તેમને ત્યાં ઝાંગ યુલીન નામનો પુત્ર અને એક દીકરીનો જન્મ થયો હતો.
1822માં 36 વર્ષની ઉંમરે ઝાંગ બાઓનું મૃત્યુ થયું. ચિંગ શિહ હવે ગુઆંગડોંગ જતાં રહ્યાં અને ત્યાં જઈને જુગારખાનું અને વેશ્યાલય ખોલ્યું હતું.
સામ્રાજ્યો માટે અને સેનાના જનરલો માટે માથાનો દુખાવો બનેલાં ચિંગ આખરે 69ની ઉંમરે ઊંઘમાં જ મૃત્યુ પામ્યાં.
દેહવ્યાપાર કરનારી એક મહિલા આટલી શક્તિશાળી લડાયક બની તે રીતે ચિંગ શિહની કથાને આજે યાદ કરાય છે.
આ મક્કમ મહિલા યુદ્ધના દાવપેચમાં કાબેલ હતાં. કેટલાક ઇતિહાસકારો કહે છે કે ચિંગ શિહની કથા દર્શાવે છે કે મહિલા પણ ઇતિહાસના પ્રવાહને બદલી શકે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












