મિથુન ચક્રવર્તી : અમિતાભની ફિલ્મમાં 49 સેકંડની ભૂમિકા ભજવનાર ઍક્ટર જે કહેવાયા ‘ગરીબ પ્રોડ્યૂસરોના અમિતાભ’

મિથુન ચક્રવર્તી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વંદના
    • પદ, એશિયા ડિજિટલ હબ એડિટર

બોલીવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાણકારી આપી.

તેમણે લખ્યું "મિથુનદાની ફિલ્મી સફર શાનદાર રહી જે અમારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. દાદા સાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ મહાન અભિનેતા મિથુન ચક્રવર્તીજીને ભારતીય સિનેમામાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ આ સન્માન આપવાની જાહેરાત કરી છે."

મિથુન ચક્રવર્તી ગણતરીના એવા ઍક્ટરોમાં સામેલ છે, જેમની પ્રથમ જ ફિલ્મને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યું હતું, પરંતુ કામની શોધ અવિરત ચાલુ હતી.

માનવું મુશ્કેલ છે, પરંતુ રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યા બાદ પણ મિથુન ચક્રવર્તીને અમિતાભ બચ્ચનની ફિલ્મમાં માત્ર 49 સેકંડ લાંબી જ ભૂમિકા મળી હતી.

બાદમાં મિથુન એટલા સફળ થયા કે ‘અગ્નિપથ’માં તેમણે અમિતાભની સામે સમોવડી ભૂમિકા ભજવી.

રસપ્રદ વાત એ છે કે તેમને ગરીબ પ્રોડ્યૂસરોના અમિતાભ બચ્ચન તરીકેની ખ્યાતિ પણ હાંસલ થઈ.

મિથુનનું જીવન વિરોધાભાસોની કહાણી છે, એવું કહેવું અતિશયોક્તિ ન કહેવાય.

અલ્ટ્રા લેફ્ટ વિંગ કાર્યકર્તા, ફૂટપાથ પર ઊંઘનારા સંઘર્ષશીલ ઍક્ટર, આંતરરાષ્ટ્રીય અપીલવાળા ઍક્ટર, સફળ બિઝનેસમૅન, બી ગ્રેડ ફિલ્મોમાં દબદબો, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ‘મૈં કોબરા હું’ કહેનારા વિવાદિત રાજનેતા – મિથુન ચક્રવર્તીને કોઈ એક કૅટગરીમાં મૂકવાનું કામ મુશ્કેલીભર્યું લાગે.

(આ અહેવાલ સૌપ્રથમ 17 જૂન 2023ના દિવસે પ્રકાશિત થયો હતો જેને અપડેટ કરવામાં આવ્યો છે)

ગ્રે લાઇન

નક્સલ આંદોલનથી ફિલ્મો સુધી

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

16 જૂન 1950ના રોજ જન્મેલા મિથુન પોતાની યુવાનીમાં કોલકાતા અલ્ટ્રા લેફ્ટ વિંગ કે નક્સલવાદની પ્રવૃત્તિઓ સાથે જોડાયા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ આ બધું પડતું મૂકીને મુંબઈ (બૉમ્બે) આવી ગયા.

19 વર્ષની ઉંમરે 11 સપ્ટેમ્બર 1969ના રોજ મિથુન મુંબઈ ગયા હતા, પોતાના ભૂતકાળને પાછળ મૂકીને તેમણે મિત્રોની મદદ વડે એફટીઆઈઆઈમાં પ્રવેશ મેળવ્યો. એ જ વર્ષે કૉન્વોકેશનમાં ભાગ લેવા માટે વરિષ્ઠ નિર્દેશક મૃણાલ સેન પણ પહોંચ્યા હતા.

એ જ સમયે તેમની નજર લાંબી કદ કાઠીવાળા એક શ્યામ વર્ણના છોકરા પર પડી.

વાઇલ્ડ ફિલ્મ્સ ઇન્ડિયાના એક આર્કાઇવલ ઇન્ટરવ્યૂમાં તેઓ જણાવે છે કે, “ત્યાં ઋષિકેશ મુખરજી જેવા લોકો હતા. પરંતુ આ છોકરો અમારો લિહાજ કર્યા વગર છોકરીઓ સાથે એવી રીતે હસી-બોલી રહ્યો હતો, જાણે એને કોઈ શરમ જ ન હોય. આ વાત મારા મગજમાં રહી ગઈ. એક સારા અભિનેતાની ઓળખ એ હોય છે કે એ નિર્લજ્જ હોય, તેમાં સંકોચનો અભાવ હોવો જોઈએ.”

“મેં ઋષિકેશ મુખર્જીને પૂછ્યું કે આ કોણ છે, ત્યારે તેમણે કહ્યું કે એ એક બંગાળી છોકરો છે અને સારો ઍક્ટર છે. બે વર્ષ બાદ હું બંગાળી ફિલ્મ ‘મૃગયા’ બનાવી રહ્યો હતો, જેના માટે મને એક યુવાન આદિવાસીની દરકાર હતી. એ સમયે અચાનક મને એ છોકરાનો ચહેરો યાદ આવ્યો. મેં પોતાના કૅમેરાપર્સનને કહ્યું બે વર્ષ પહેલાં એક બંગાળી છોકરો એફટીઆઈઆઈથી નીકળી રહ્યો હતો, લાંબો, શ્યામ, એને શોધો અને ફોટો મોકલો.”

ગ્રે લાઇન

હેલનના ગ્રૂપમાં ડાન્સર બન્યા

મિથુન ચક્રવર્તી

ઇમેજ સ્રોત, Getty Images

એ દરમિયાન મિથુન મુંબઈમાં સંઘર્ષ કરી રહ્યા હતા. ફિલ્મોમાં કામ નહોતું તેથી તેઓ હેલનના ડાન્સ ગ્રૂપમાં સામેલ થઈને અલગ અલગ કાર્યક્રમોમાં ડાન્સ કરતા હતા.

ત્યારે તેમણે પોતાનું નામ રાણા રેઝ રાખી લીધું હતું.

આ દરમિયાન મૃણાલ સેનના કૅમેરામૅને રાણા રેઝ એટલે કે મિથુનને શોધ્યા અને તેમનો ફોટો મૃણાલ સેનને મોકલ્યો.

થોડા દિવસ બાદ મિથુન આમંત્રણ વગર જ મૃણાલ સેન પાસે પહોંચી ગયા.

કદાચ એ મૃણાલ સેનની પારખું નજરની જ કમાલ હશે કે તેમણે મિથુનને એક ગરીબ આદિવાસી યુવક ઘિસુયાના રોલમાં સાઇન કરી લીધા.

આ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિથુનની ઍન્ટ્રી થઈ અને તેમની પ્રથમ જ ફિલ્મ ‘મૃગયા’માં તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યું.

બીબીસી ગુજરાતી

અમિતાભની ફિલ્મમાં 49 સેકંડનો રોલ

મિથુન ચક્રવર્તી

‘મૃગયા’ બાદ મિથુનને પ્રશંસા તો ખૂબ મળી પરંતુ કામ ન મળ્યું. વર્ષ 2010માં બીબીસી માટે પી. એમ. તિવારીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં મિથુને જણાવ્યું હતું કે, “એ ખૂબ જ ખરાબ તબક્કો રહ્યો. મારા અભિનયની સરાહના કરીને કામ આપવાનો વાયદો તો બધા કરતા, પરંતુ કામ કોઈ નહોતું આપી રહ્યું.”

જો તમે વર્ષ 1976માં અમિતાભ બચ્ચન અને રેખાની ફિલ્મ ‘દો અનજાને’ જોઈ હોય તો તમને એક દૃશ્ય કદાચ યાદ હશે, જેમાં અમિતાભ બચ્ચન જ્યારે દારૂ પીને ઘરે પરત ફરી રહ્યા હોય છે, ત્યારે ગલીમાં એક રસ્તે ભટકતો મવાલી અમિતાભ સાથે બબાલ કરે છે.

એ સીન માત્ર 49 સેકંડનો જ છે બસ... જો તમે ધ્યાનથી ન જુઓ તો કદાચ એ વાતની ખબર પણ ન પડે કે એ રસ્તે ભટકતો મવાલી ખરેખર મિથુન ચક્રવર્તી હતા.

વર્ષ 1977 અને 78માં મિથુન નાના-મોટા રોલ કરતા રહ્યા. 1978માં આવેલી રાજેશ ખન્નાની ‘અમરદીપ’માં પણ તેમણે એક નાનકડો રોલ કર્યો હતો.

બીબીસી ગુજરાતી

ડિસ્કો ડાન્સરની ધૂમ

મિથુન ચક્રવર્તી

ઇમેજ સ્રોત, B SUBHASH

લગભગ 12 વર્ષ પહેલાં ઇટીસીને આપેલી એક મુલાકાતમાં મિથુને કહ્યું હતું કે, “એક તબક્કો એવો આવ્યો હતો કે મને લાગતું કે મારે આપઘાત કરી લેવો જોઈએ. હું શ્યામ વર્ણનો હતો. આના કારણે મારા મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે મારે એવું કંઈ કરવું કે જેથી લોકોનું ધ્યાન મારી ત્વચાના રંગ પર ન જાય.”

“આ દરમિયાન વર્ષ 1979માં મારી ફિલ્મ સુરક્ષા હિટ થઈ ગઈ. મારો ડાન્સ અને ફાઇટ લોકોને પસંદ આવ્યાં. પરંતુ શ્યામ વર્ણવાળી ગ્રંથિથી છુટકારો મળવામાં સમય લાગ્યો. લોકો પહેલાં કહેતા કે આ હીરો બનશે? બાદમાં એ જ લોકો મને સેક્સી ડસ્કી બંગાળી હીરો કહીને બોલાવવા લાગ્યા.”

આ દરમિયાન મિથુન પોતાની એક અલગ સ્ટાઇલ વિકસાવી રહ્યા હતા, જેમાં ડાન્સ અને માર્શલ આર્ટ જેવું ઍક્શન સામેલ હતું.

રંજિતા સાથે આવેલી ફિલ્મ ‘સુરક્ષા’ હિટ થઈ, જેમાં મિથુને ગનમાસ્ટર જી-8નો રોલ કર્યો હતો, જે આજે પણ પ્રખ્યાત છે. તે બાદ વર્ષ 1982માં આવેલી ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ના જિમીના રોલે મિથુનને સોવિયેત યુનિયન, ચીન સહિત ઘણા દેશોમાં ઇન્ટરનેશનલ સ્ટાર બનાવી દીધા.

‘ડિસ્કો ડાન્સર’નાં ગીત આજે પણ ઘણા દેશોની ક્લબોમાં વાગે છે. વિશ્વના ગમે એ ખૂણે જિમી નામનાં બાર અને રેસ્ટોરાં મળી શકે છે. તેમજ ચીનમાં ગત વર્ષે ‘જિમી જિમી’ પ્રોટેસ્ટ ઍન્થમ તરીકે સામે આવ્યું.

‘પ્યાર ઝૂકતા નહીં’ જેવી ફિલ્મોએ મિથુનને ઍક્શનથી હઠીને ભાવનાસભર રોલ કરવાની તક આપી. એક સમય એવો આવ્યો જ્યારે મિથુનની ઓછા બજેટ અને નાના બૅનરવાળી ફિલ્મો લગભગ અમિતાભ બચ્ચનની મોટા બૅનરવાળી ફિલ્મો જેટલી જ કમાણી કરવા લાગી. આના કારણે મિથુન 'ગરીબ નિર્માતાઓના અમિતાભ બચ્ચન' તરીકે ઓળખાવા લાગ્યા.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન,

અમિતાભ બચ્ચન સાથે ખાસ સંબંધ

વર્ષ 2010માં ડાન્સ ઇન્ડિયા ડાન્સ ટીવી કાર્યક્રમ દરમિયાન સેટ પર અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2010માં ડાન્સ ઇન્ડિયા ડાન્સ ટીવી કાર્યક્રમ દરમિયાન સેટ પર અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તી

લેખક રામ કમલ મુખરજી પોતાના પુસ્તક મિથુન ચક્રવર્તી ‘ધ દાદા ઑફ બોલીવૂડ – કોઈ શક’માં લખે છે – “મિથુન રાતોરાત સુપરસ્ટાર બન્યા, પરંતુ આ એવા સમયે થયું જ્યારે દર્શકોએ શાલીનતાની પરવા કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ તો માત્ર ઓવર ધ ટૉપ, નાટકીય અને ભાવનાત્મક કૉન્ટેન્ટથી ખુશ હતા અને મિથુન તેના ચૅમ્પિયન હતા.”

પરંતુ સમય બદલાયો. એક સમયે રાજેશ ખન્નાની ફિલ્મ ‘અમરદીપ’માં નાનકડો રોલ કરનાર મિથુનની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’માં રાજેશ ખન્નાએ સ્પેશિયલ રોલ કર્યો.

અમિતાભની ફિલ્મ ‘દો અનજાને’માં 49 સેકંડ કામ કરનારા મિથુને ‘અગ્નિપથ’માં અમિતાભ સાથે દમદાર અભિનય કર્યો અને તેને માટે તેમને ફિલ્મફેર ઍવૉર્ડ પણ મળ્યો.

મિથુન એવા ઍક્ટર હતા જેમણે ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મ કરી તેમજ 1992માં આવેલી ફિલ્મ ‘તાહેદેર કથા’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવ્યું.

1995માં કૉમર્શિયલ ફિલ્મ ‘જલ્લાદ’માં ફિલ્મફેરનો બેસ્ટ ખલનાયકનો ઍવૉર્ડ મેળવ્યો તેમજ વર્ષ 1999માં ‘સ્વામી વિવેકાનંદ’ માટે ત્રીજી વખત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યું.

પરંતુ મિથુનના જીવનનું વધુ એક પાસું પણ ખરું. મિથુન જ્યારે અત્યંત લોકપ્રિય હતા એ સમયે તેઓ બધું મૂકીને ઊટી જતા રહ્યા. ત્યાં તેમણે હોટલ બિઝનેસ શરૂ કર્યો, તેમની ગણના સફળ બિઝનેસમૅન તરીકે પણ થાય છે.

બીબીસી ગુજરાતી

બી ગ્રેડ ફિલ્મોનો તબક્કો

મિથુન ચક્રવર્તી

ઇમેજ સ્રોત, Getty Images

આ એ જ તબક્કો હતો જ્યારે તેઓ બી ગ્રેડ ફિલ્મોના કિંગ તરીકેની ખ્યાતિ પામ્યા – તમારે આ તબક્કાના સાક્ષી બનવા માટે ‘દાદાગીરી’, ‘ચંડાલ’, ‘શેરે હિંદુસ્તાની’, ‘ચીતા’, ‘મિલિટરી રાજ’, ‘રાવણ રાજ’ જેવી ફિલ્મો જોવી પડશે.

મિથુનની આ ફિલ્મોએ દર્શકોનો એક નવો વર્ગ તૈયાર કર્યો. આ વાતને લઈને તેમના પ્રશંસકોનો એક વર્ગ નિરાશ પણ થયો અને ફિલ્મોનો સ્તર નીચે લાવવાનો આરોપ પણ તેમના પર લાગ્યો.

આ અંગે મિથુને બીબીસીને કહ્યું હતું, “મેં ઓછા બજેટવાળી ફિલ્મોમાં કામ જરૂર કર્યું હતું. પરંતુ એ આધારે જ એ ફિલ્મોને એ ગ્રેડ કે બી ગ્રેડનો દરજ્જો ન આપી શકાય. ફિલ્મનિર્માણનું અર્થશાસ્ત્ર ન સમજનારા ઍક્ટરનું ફ્લોપ થવાનું નક્કી છે. મેં મારી હાલત અંગે અંદાજ માંડવા માટે એ ફિલ્મો કરી હતી. પરંતુ એ તમામ નાની, મોટી કે ફ્લૉપ ફિલ્મોના કારણે જ હું આજે આ મુકામે પહોંચી શક્યો છું.”

બીબીસી સાથેની વાતચીમાં મિથુનના પુત્ર નમાશીએ જણાવ્યું હતું કે, “90ના દાયકામાં જ્યારે અમે ઊટીમાં રહેતા ત્યારે હું સ્કૂલમાં હતો. સવારે તેઓ પોલીસવાળાનાં કપડાંમાં હોય, ત્યારે મને લાગતું કે તેઓ પોલીસમાં છે. સાંજ તેઓ નેતાનાં કપડાંમાં જોવા મળે.”

“એક દિવસ તેઓ રામકૃષ્ણ પરમહંસનાં કપડાંમાં હતાં. મને લાગ્યું કે આ માણસ એકેય નોકરી સારી રીતે નથી કરી શકતો. બાદમાં મને ખબર પડી કે તેઓ ઍક્ટર છે અને એક દિવસમાં ચાર-ચાર શિફ્ટ કરે છે. તેઓ જ્યાં પણ જતા, તેમને જોવા માટે ભીડ ભેગી થઈ જતી.”

તમને એક જ વ્યક્તિમાં મિથુનના જબરા પ્રશંસકો અને ટીકાકારો મળી જશે. એક તરફ તેમની ગૌતમ ઘોષ સાથે ગુડિયા અને નસીર-શબાના સાથે ‘હમ પાંચ’ જેવી ફિલ્મો પણ છે.

તેમજ બીજી તરફ ‘દિયા ઔર તૂફાન’ જેવી ફિલ્મ પણ છે, જેમાં મૃત્યુ પામેલા મિથુનનું મગજ કાઢીને બ્રેન ડેડ થઈ ચૂકેલી હીરોઇનની ખોપરીમાં ફિટ કરી દેવાય છે જેથી મિથુનના જીવનની યાદો, બીજી વાતો અને હત્યા કરનારનું રહસ્ય ખબર જાણી શકાય.

બીબીસી ગુજરાતી

લેફ્ટથી ભાજપ સુધીની સફર

મિથુન વર્ષ 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મિથુન વર્ષ 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા

અભિનેતાની સાથોસાથ તેમનો નેતા તરીકેનો ચહેરો પણ છે.

બંગાળમાં રહેતા મિથુનને કવર કરનારા વરિષ્ઠ પત્રકાર પી. એમ. તિવારી જણાવે છે કે, “પહેલાં મિથુનને લેફ્ટ પક્ષની નિકટ માનવામાં આવતા હતા. વર્ષ 1986માં જ્યોતિ બસુ સરકાર દરમિયાન તેમણે કોલકાતામાં પૂરપીડિતો માટે હોપ-86 નામનો કાર્યક્રમ કર્યો જેમાં તેઓ અમિતાભ બચ્ચનને પણ લઈ આવ્યા. બાદમાં તૃણમૂલ કૉંગ્રેસે તેમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા. જોકે, તેઓ ભાગ્યે જ સંસદમાં દેખાતા.”

“શારદા ચિટફંડ ગોટાળામાં નામ આવ્યા બાદ વર્ષ 2016માં મિથુન રાજકારણથી અલગ થઈ ગયા. મિથુન ચક્રવર્તી શારદા કંપનીમાં બ્રાન્ડ ઍમ્બૅસૅડર હતા. અને ઈડીએ તેમની પૂછપરછ પણ કરી હતી, જે બાદ મિથુને બ્રાન્ડ ઍમ્બૅસૅડર તરીકેની કંપનીની 1.20 કરોડ રૂપિયાની રકમ પરત કરી દીધી.”

વર્ષ 2021માં મોટો ફેરફાર ત્યારે થયો જ્યારે બંગાળમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના ચહેરા બન્યા અને તેમનું એક નિવેદન ખૂબ વિવાદિત સાબિત થયું, જેમાં તેમણે કહ્યું હતું, “મૈં સાપ નહીં કોબરા હૂં. ડસૂંગા તો ફોટો બન જાઓગે.”

રાજનેતાના આ સ્વરૂપ વચ્ચે મિથુનની અભિનેતા તરીકેની ઇનિંગ ચાલુ છે.

વર્ષ 2022માં ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મમાં તેમણે મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો. મિથુનની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ થતો રહ્યો છે પરંતુ સામાન્ય જનતાના હીરોનો તાજ તેમના શીરે હંમેશાં રહ્યો છે.

તો પછી મિથુન ચક્રવર્તીને કેવી રીતે પરિભાષિત કરાય?

કદાચ આનો જવાબ આ તર્કમાં મળે છે કે મિથુનની કહાણી એક મિડલ ક્લાસ છોકરાની કહાણી છે, જે ફૂટપાથમાંથી ફિલ્મોમાં આવ્યો, જેને લોકો ઘઉંવર્ણો કહીને નકારી દેતા, તેણે સામાન્ય નવયુવાન ભૂમિકાઓને પડદે ઉતારીને પોતાની જાતને સ્થાપિત કરી બતાવી અને એ પણ કોઈ પણ ગૉડફાધર વિના.

મિથુન જાતે કહે છે કે તેઓ 'ઍક્ટર બાય કમ્પલ્શન હતા, નૉટ ઍક્ટર બાય ચૉઇસ' એટલે કે તેઓ મજબૂરીમાં ઍક્ટર બન્યા, મરજીથી નહીં. પરંતુ તેઓ એવા તો હીરો બનીને સામે આવ્યા કે લોકો તેમને દેશી બ્રૂસ લી અને દેશી જેમ્સ બૉન્ડ તરીકે ઓળખવા લાગ્યા.

રેડ લાઇન