મીના કુમારીએ જ્યારે ખતરનાક ડાકુના હાથ પર ચાકુથી ઑટોગ્રાફ આપ્યો

ઇમેજ સ્રોત, YOUTUBE GRAB/KAMAL AMROHI
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
નિર્માતા નિર્દેશક કેદાર શર્માની એક ખાસિયત હતી કે જ્યારે પણ તેઓ કોઈ કલાકારના કામથી ખુશ થતા, ત્યારે તેમને ઇનામ તરીકે બે આના આપતા હતા. ત્યાર પછી તેમણે આ ઇનામની રકમ વધારીને ચાર આના કરી નાખી હતી.
ફિલ્મ 'ચિત્રલેખા'ના શૂટિંગ દરમિયાન મીના કુમારીએ કેદાર શર્માને જણાવ્યું કે, "શર્માજી, મારી પાસે તમારા બે આના અને ચાર આનાનો ઢગલો થઈ ગયો છે. હવે તમે તમારો રેટ વધારી દો." ખરેખર એક દિવસ તેઓ એક દૃશ્યમાં મીના કુમારીનાં અભિનયથી એટલા ખુશ થઈ ગયા કે તેમણે મીના કુમારીને ઇનામમાં સો રૂપિયાની નોટ આપી.

ટ્રૅજેડી ક્વીન મીના કુમારી

ઇમેજ સ્રોત, TAJDAR AMROHI
મીના કુમારીનું આખું જીવન સિનેમાના પડદા પર ભારતીય સ્ત્રીની 'ટ્રૅજેડી'ને રજુ કરવામાં વીતી ગયું. તેમાં તેઓ એટલી હદે ઓતપ્રોત થઈ ગયાં હતાં કે પોતાના અંગત જીવનની ટ્રૅજેડી વિશે વિચારવાનો તેમને સમય જ ન મળ્યો. પરંતુ મીના કુમારીનાં અભિનયમાં 'ટ્રૅજેડી' સિવાય બીજો કોઈ 'શેડ' ન હતો તેમ કહેવું તેમની સાથે અન્યાય કર્યો ગણાશે.
ફિલ્મ 'પરિણીતા'ની શાંત બંગાળી અલ્લડ નવયૌવના હોય, કે પછી 'બૈજુ બાવરા'ની ચંચળ પ્રેમિકા હોય, 'સાહબ, બીબી ઔર ગુલામ'ની સામંતી અત્યાચાર સહન કરતી વહુ હોય કે પછી 'પાકિઝા'ની સાહેબજાન હોય, મીના કુમારીએ ભારતીય જનમાનસના દિલ પર પોતાની અમીટ છાપ છોડી છે.
1 ઑગસ્ટ, 1932ના રોજ જન્મેલાં મીના કુમારી એક અભિનેત્રી તરીકે 32 વર્ષ સુધી ભારતીય સિનેજગત પર છવાયેલાં રહ્યાં હતાં. અત્યંત લાગણીશીલ અને બીજાને મદદ કરવા માટે હંમેશાં તૈયાર મીના કુમારી જીવનમાં બીજાને સુખ આપતા રહ્યાં જ્યારે તેમનાં પોતાનાં હિસ્સામાં દુઃખ જ આવ્યું હતું.
કમાલ અમરોહીના પુત્ર તાજદાર અમરોહી જણાવે છે, "મીના કુમારીને લોકોએ ક્યારેય એક સુંદર ચહેરા તરીકે નથી જોયાં. મધુબાલાને "વિનસ ઑફ ધ ઇન્ડિયન સ્ક્રીન" તરીકે ઓળખવામાં આવતાં હતાં અને એક સુંદર ચહેરાં તરીકે જોવામાં આવતાં હતાં. નરગિસને પણ લોકોએ કહ્યું, "ફર્સ્ટ લેડી ઑફ ઇન્ડિયન સ્ક્રીન."
"મીના કુમારીને 'ટ્રૅજેડી ક્વીન'નો ખિતાબ મળ્યો હતો અને તેમણે 'ટ્રૅજેડી'ને જ પોતાનું સર્વસ્વ બનાવી લીધું હતું. લોકોએ માન્યું કે તેઓ ફિલ્મોમાં જે ભૂમિકાઓ ભજવી રહ્યા છે, વાસ્તવિક જીવનમાં પણ તેઓ એવી જ ભૂમિકા ભજવવા માંગે છે. રસપ્રદ વાત એ હતી કે લોકોની સાથે સાથે તેમણે પોતે આવું વિચારવાનું શરૂ કરી દીધું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મોસંબીના જ્યૂસ સાથે શરૂ થયો કમાલ અમરોહી સાથે પ્રેમ સંબંધ

ઇમેજ સ્રોત, YOUTUBE GRAB/KAMAL AMROHI
1949માં મીના કુમારી જ્યારે પહેલી વખત કમાલ અમરોહીને મળ્યા, ત્યારે તેઓ પરિણીત હતા. તેમની એક ફિલ્મ "મહલ" મોટી હિટ સાબિત થઈ હતી. કમાલ મીના કુમારીને "અનારકલી" ફિલ્મમાં લેવા માંગતા હતા. તેના અનુસંધાને તેઓ તેમનાં ઘરે જવા લાગ્યા અને બંને વચ્ચે મુલાકાતોનો સિલસિલો શરૂ થયો.
આ દરમિયાન એક વખત પૂણેથી પરત આવતી વખતે મીના કુમારીને એક અકસ્માત નડ્યો. વિખ્યાત સામયિક "આઉટલૂક"ના સંપાદક રહી ચૂકેલા વિનોદ મહેતાએ મીના કુમારીનું જીવનચરિત્ર લખ્યું છે. "મીના કુમારી- એ ક્લાસિક બાયોગ્રાફી."
વિનોદ મહેતા લખે છે, "તેમની વચ્ચે પ્રેમસંબંધ મોસંબીના જ્યૂસથી શરૂ થયો હતો. કમાલ અમરોહી મીના કુમારીની ખબર કાઢવા પૂણેની હૉસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમની નાની બહેને ફરિયાદ કરી કે આપા મોસંબીનો જ્યૂસ નથી પી રહ્યાં. કમાલ અમરોહીએ જ્યૂસનો ગ્લાસ પોતાના હાથમાં લીધો, મીનાનું માથું પલંગ પરથી ઉઠાવ્યું અને તેમનાં મોઢા સુધી ગ્લાસ લઈ ગયા."
"મીના કુમારી એક જ ઘુંટડામાં જ્યૂસનો આખો ગ્લાસ પી ગયાં. દર અઠવાડિયે કમાલ અમરોહી સાયનથી પૂણે સુધી કાર ચલાવીને મીનાને મળવા જતા હતા. ત્યાર પછી તેમને લાગ્યું કે સપ્તાહમાં એક દિવસ પૂરતો નથી. જે દિવસે તેઓ મળી શકતા ન હતા, ત્યારે તેઓ એકબીજાને પત્ર લખતા હતા.... રોજનો એક પત્ર. પરંતુ આ પત્રો પર કોઈ ટિકિટ લગાવવામાં આવતી ન હતી. તેઓ એકબીજાના હાથમાં રૂબરૂમાં પત્ર આપતા હતા."

મંજુ અને ચંદન
ત્યાર પછી હૉસ્પિટલમાં જ તેમની વચ્ચે ઘણી મુલાકાતો થઈ. કમાલ અમરોહીએ તેમને "મંજુ" નામ આપ્યું અને મીના કુમારી કમાલ અમરોહીને "ચંદન" નામે બોલાવવાં લાગ્યાં.
વિનોદ મહેતા આગળ લખે છે, "ત્યાર પછી તેમની વચ્ચે ટેલિફોન પર લાંબી વાતચીતો શરૂ થઈ. અમરોહી બરાબર રાતના સાડા અગિયાર વાગ્યે મીના કુમારીને ફોન લગાવતા અને સવારના સાડા પાંચ વાગ્યે તેઓ પોતાનું રિસિવર નીચે મૂકતા હતા. ત્યાં સુધી તેમની વચ્ચે વાતચીત ચાલતી હતી. રાતે આટલા વાગ્યા સુધી વાતો કરવાના કારણે જ કદાચ મીના કુમારી અને કમાલ અમરોહી બંનેને રાતે ઉંઘ ન આવવાની બીમારી થઈ ગઈ હતી."

છોટી અમ્મી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
24 મે, 1952ના રોજ મીના કુમારીએ કમાલ અમરોહી સાથે લગ્ન કર્યાં. તે સમયે કમાલ અમરોહીના પ્રથમ પત્ની અમરોહામાં રહેતાં હતાં. ઉનાળાના વેકેશનમાં તેમણે પોતાનાં પુત્ર તાજદારને પોતાની સાવકી મા એટલે કે મીના કુમારીને મળવા માટે મુંબઈ મોકલ્યા.
તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે કમાલ અમરોહીની તબિયત ખરાબ હતી. તેમને તાવ આવતો હતો. તાજદાર અમરોહી યાદ કરે છે, "સફેદ સાડી પહેરેલાં છોટી અમ્મા મારા પિતાના માથા નજીક બેઠાં હતાં. તેઓ તેમના માથા પર ઇડો કોલોનની ભીની પટ્ટીઓ લગાવતાં હતાં. એક ખાદિમા મારા પિતાના પગ પર માલિશ કરી રહ્યાં હતાં."
''હું એ વિચારીને હેરાન પરેશાન થઈ ગયો કે હું ક્યાં જાઉં. છોટી અમ્મી મારી પરેશાની સમજી ગયાં. બાબાએ પણ સ્મિત કર્યું, પરંતુ તેઓ કંઇ બોલ્યા નહીં. મીના કુમારીએ મને પોતાની નજીક બોલાવ્યો. હું જ્યારે તેમની બિલકુલ નજીક ગયો ત્યારે તેમણે મને છાતી સરસો ચાંપી દીધો. તેમણે મને કહ્યું, "આજથી હું તમારી છોટી અમ્મી છું."

કમાલ અમરોહીની ત્રણ શરતો

ઇમેજ સ્રોત, TAJDAR AMROHI
પરંતુ મીના કુમારી અને કમાલ અમરોહીના લગ્નજીવનમાં થોડાં દિવસોમાં જ તિરાડ દેખાવાની શરૂ થઈ ગઈ. કમાલ અમરોહીએ મીના કુમારીને ફિલ્મોમાં કામ કરવાની છૂટ તો આપી, પરંતુ તેના માટે ત્રણ શરતો લાગુ કરી.
વિનોદ મહેતા લખે છે, "પહેલી શરત એ હતી કે મીના કુમારીએ સાંજે સાડા છ વાગ્યા સુધીમાં ઘરે પાછાં આવી જવાનું રહેશે. બીજી શરત એ હતી કે મીના કુમારીનાં મેકઅપ રૂમમાં તેમનાં મેકઅપ-મૅન સિવાય બીજો કોઈ પુરુષ નહીં બેસી શકે. તેમની છેલ્લી શરત હતી કે મીના કુમારી હંમેશાં પોતાની કારમાં બેસીને સ્ટુડિયો જશે અને ફરી ઘરે એ જ કારમાં આવશે."

રાજ કપૂરની પાર્ટી

ઇમેજ સ્રોત, RITU NANDA
પરંતુ જે દિવસે મીના કુમારીએ આ શરતો પર સહી કરી, તે દિવસથી જ તેમણે શરતોનો ભંગ પણ શરૂ કરી દીધો. સૌથી પહેલી ઘટના ત્યારે ઘટી જ્યારે "શારદા"ની શુટિંગ વખતે રાજ કપૂરે મીના કુમારીને એક પાર્ટીમાં આમંત્રિત કર્યાં.
વિનોદ મહેતા લખે છે, "બન્યું એવું કે એક રશિયન ફિલ્મ પ્રતિનિધિમંડળ મુંબઈ આવ્યું હતું. રાજ કપૂર તેમના સન્માનમાં એક સ્વાગત સમારોહ યોજી રહ્યા હતા. મીના કુમારીએ તેમનું નિમંત્રણ સ્વીકારી લીધું અને પોતાનાં પતિને ફોન પર જણાવ્યું કે તેઓ રાતે ઘરે મોડેથી આવશે. તેમણે રાજ કપૂરની પાર્ટીનું કારણ આપવાના બદલે એવું કહ્યું કે તેમનું શુટિંગ લાંબા સમય સુધી ચાલશે."
બીજા જ દિવસે સંજોગોવશાત કમાલ અમરોહીની મુલાકાત રાજ કપૂરની પાર્ટીમાં ઉપસ્થિત રહેલાં મહેમાનો સાથે થઈ. તેના પરથી તેમને ખબર પડી કે તેમના પત્ની શૂટિંગમાં વ્યસ્ત રહેવાનાં બદલે પાર્ટીમાં મોજ કરી રહ્યાં હતાં.
તેઓ ઘરે પાછા આવ્યાં ત્યારે તેમણે કમાલને આ વિશે કંઈ ન જણાવ્યું.
ત્યાર પછી કમાલે તેમનાં સમક્ષ આ "હાનિરહિત" દગાનો ઉલ્લેખ કર્યો ત્યારે મીના કુમારીએ કહ્યું કે તેઓ તેમને "ડિસ્ટર્બ" નહોતા કરવા માગતા.

કમાલ અમરોહી મીનાને મનાવી ન શક્યા

ઇમેજ સ્રોત, Tajdar Amrohi
વાત આટલેથી ન અટકી. એક દિવસ કમાલ અમરોહીના સચિવ બાકરે મીના કુમારીને ફિલ્મ અભિનેતા પ્રદીપ કુમારની કારમાંથી ઉતરતાં જોઈ લીધાં. ત્યાર પછી બીજી કેટલીક ઘટનાઓ બની જેના પરથી મીના કુમારીએ નક્કી કર્યું કે તેઓ કમાલ અમરોહીના ઘરે પાછા ક્યારેય નહીં જાય.
તાજદાર અમરોહી જણાવે છે, "મીના કુમારી કમાલ અમરોહીનાં ઘરમાંથી નીકળવાનું બહાનું શોધી રહ્યાં હતાં જેથી તેઓ આઝાદ પંખીની જેમ રહી શકે. છોટી અમ્મી જ્યારે ઘર છોડીને જતાં રહ્યાં ત્યારે બાબાએ એક પતિ હોવાને નાતે પોતાની ફરજ નિભાવી."
''તેઓ મહેમૂદ સાહેબના ઘરે જતા રહ્યાં હતાં. તેઓ ત્યાં ગયા. છોટી અમ્મીએ પોતાની જાતને એક ઓરડામાં લોક કરી દીધી હતી. બાબા (પિતા) દરવાજો ખટખટાવતાં રહ્યા, "મંજુ બહાર આવ, મારી સાથે વાત કરો. તને કઈ ફરિયાદ છે. મને જણાવ." પરંતુ તેઓ બહાર ન આવ્યાં.
''મહેમૂદ સાહેબે જણાવ્યું કે અત્યારે તેઓ નહીં માને. થોડા સમયમાં શાંત પડી જશે. ત્યાર પછી તમે મળવા આવી જજો. બાબાએ ત્રણ-ચાર વખત દરવાજો ખખડાવ્યો. પછી કહ્યું, "મંજુ તું અંદર છો અને મને સાંભળી રહી છો. હું હવે જઈ રહ્યો છું. હવે હું ક્યારેય પાછો નહીં આવું. મેં તને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તું ન માની. પરંતુ તેનો અર્થ એવો નથી કે મારા પર તારો કોઈ અધિકાર નથી. આપણાં ઘરના દરવાજા તારા માટે હંમેશાં ખુલ્લાં છે અને ખુલ્લાં રહેશે. તું જ્યારે ઇચ્છે ત્યારે આવી શકે છે."

કમાલ અમરોહીનો વોક આઉટ

ઇમેજ સ્રોત, Poster
આ દરમિયાન એવી કેટલીક ઘટનાઓ બની જેનાથી કમાલ અમરોહી અને મીના કુમારી વચ્ચેનું અંતર ઘટવાના બદલે વધી ગયું.
વિનોદ મહેતા લખે છે, "સોહરાબ મોદીએ મીના કુમારી અને કમાલ અમરોહી બંનેને "ઇરોઝ" સિનેમામાં એક ફિલ્મ પ્રીમિયર માટે આમંત્રિત કર્યાં."
"સોહરાબ મોદીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મીના કુમારીનો પરિચય કરાવતા જણાવ્યું કે, આ વિખ્યાત અભિનેત્રી મીના કુમારી છે...અને આ તેમના પતિ કમાલ અમરોહી છે. તેઓ એકબીજાને નમસ્તે કહે તે પહેલાં અમરોહી બોલ્યા, નહીં, હું કમાલ અમરોહી છું અને આ મારી પત્ની છે...મશહૂર ફિલ્મ અભિનેત્રી મીના કુમારી. આટલું બોલીને તેઓ સિનેમા હોલમાંથી બહાર જતા રહ્યા અને મીના કુમારીએ એકલા બેસીને તે ફિલ્મ જોવી પડી."

"સાહબ, બીબી અને ગુલામ"માં ગજબનો અનુભવ

ઇમેજ સ્રોત, Asha Rani Singh
પરંતુ અંગત જીવનની આ ઉથલપાથલોની ફિલ્મોમાં તેમનાં અભિનય પર કોઈ અસર ન પડી. તેમણે એક એકથી ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું અને ફિલ્મ સમીક્ષકોએ તેમની કામગીરીને ખૂબ વખાણી.
મીના કુમારીને નજીકથી ઓળખતા અને તેમની અંતિમ ફિલ્મ "ગોમતી કે કિનારે"ના નિર્દેશક સાવન કુમાર ટાક જણાવે છે, "મીના કુમારીની ઘણી ફિલ્મો છે. દરેક ફિલ્મમાં અલગ અલગ રંગ છે. જેમ કે "દિલ એક મંદિર"નું જ ઉદાહરણ લો. તેમની અંતિમ ફિલ્મ "પાકીઝા" જુઓ. "પરિણીતા" જુઓ, દરેક પાત્રને તેમણે અલગ રીતે નિભાવ્યું છે."
''આટલા દિવસો સુધી લોકોનાં દિલ પર રાજ કરવું એ મજાક નથી. 'સાહબ, બીબી ઔર ગુલામ' તેમની કમાલની ફિલ્મ હતી. મને તે ફિલ્મનો એક સીન ખૂબ પસંદ છે જેમાં રહેમાન સાહેબ પોતાની પ્રેમિકા પાસે જઈ રહ્યા હોય છે અને મીના કુમારી તેમને ગીત સંભળાવીને રોકે છે. 'ન જાઓ સૈંયા, છુડા કે બૈંયા'. તેઓ જે રીતે રહેમાનને રોકી રહ્યાં હતાં, તે પ્રકારનો અભિનય બીજી કોઈ અભિનેત્રી કરી ન શકે.'

પાકીઝાના કારણે મીના કુમારી અમર થઈ ગયાં
કમાલ અમરોહી અને મીના કુમારી ભલે પતિ-પત્ની તરીકે એકબીજાથી અલગ રહેતા હોય, પરંતુ અભિનેત્રી તરીકે તેઓ હંમેશા કમાલ અમરોહીની ફિલ્મોમાં કામ કરવા માટે ઉપલબ્ધ હતાં. આ કારણથી જ અમરોહીથી પાંચ વર્ષ સુધી અલગ રહેવા છતાં તેમણે તેમની ફિલ્મ પાકીઝાનું શૂટિંગ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો.
તાજદાર અમરોહી જણાવે છે, "જે રીતે શાહજહાંએ તાજમહલ બનાવીને મુમતાઝ મહલને હંમેશાં માટે અમર કરી દીધાં... તેવી જ રીતે કમાલ અમરોહીએ "પાકીઝા" બનાવીને મીના કુમારી માટે એક તાજમહલ બનાવ્યો અને તેમને અમર કરી દીધાં."
''જ્યારે જ્યારે ભારતીય ફિલ્મોનો ઇતિહાસ લખવામાં આવશે, ત્યારે "પાકીઝા"નો ઉલ્લેખ જરૂર થશે. આ ફિલ્મમાં રાજ કુમાર સાહેબે પણ યોગદાન આપ્યું છે, અશોક કુમારે પણ યોગદાન આપ્યું છે અને નાદિરાએ પણ ભૂમિકા ભજવી છે. પરંતુ ત્રણ નામ હંમેશાં અમર રહેશેઃ મીના કુમારી, કમાલ અમરોહી અને પાકીઝા."

ડાકુ અમૃતલાલ સાથે મુલાકાત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ ફિલ્મના શૂટિંગ વખતે જ કમાલ અમરોહી અને મીના કુમારી સાથે એક રસપ્રદ ઘટના બની.
વિનોદ મહેતા લખે છે, "આઉટડોર શૂટિંગ માટે કમાલ અમરોહી ઘણી વખત બે કાર લઈ જતા હતા. એક વખત દિલ્હી જતી વખતે મધ્યપ્રદેશના શિવપુરીમાં તેમની કારમાં પેટ્રોલ ખતમ થઈ ગયું. અમરોહીએ જણાવ્યું કે આપણે આખી રાત સડક પર જ કારમાં વિતાવીશું."
"તેમને ખબર ન હતી કે તે ડાકુઓનો વિસ્તાર હતો. અડધી રાત પછી લગભગ એક ડઝન ડાકુઓએ તેમની કાર ઘેરી લીધી. તેમણે કારમાં બેસેલા લોકોને નીચે ઉતરવા કહ્યું. કમાલ અમરોહીએ કારમાંથી ઉતરવાનો ઇનકાર કરી દેતા કહ્યું કે જે કોઈ મને મળવા માંગતું હોય, તે મારી કારની પાસે આવી જાય."
"થોડી વારમાં રેશમને પાયજામો અને પહેરણ પહેરીને એક શખ્સ તેમની પાસે આવ્યો. તેમણે પૂછ્યું, "તમે કોણ છો?" અમરોહીએ જવાબ આપ્યો કે હું કમાલ છું અને આ વિસ્તારમાં શૂટિંગ કરી રહ્યો છું. અમારી કારનું પેટ્રોલ ખતમ થઈ ગયું છે."
ડાકુઓને લાગ્યું કે તેઓ રાઈફલ શૂટિંગની વાત કરી રહ્યા છે.
"પરંતુ તેમને જ્યારે જણાવવામાં આવ્યું કે અહીં ફિલ્મની શૂટિંગની વાત ચાલે છે અને બીજી કારમાં મીના કુમારી પણ બેઠાં છે, ત્યારે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેમણે તરત સંગીત, નૃત્ય અને ખાવાપીવાની વ્યવસ્થા કરી. તેમને સુવા માટે જગ્યા આપી અને સવારે તેમની કાર માટે પેટ્રોલ પણ મગાવી દીધું. જતાં જતાં તેમણે મીના કુમારીને વિનંતી કરી કે અણીદાર ચપ્પુ દ્વારા તેઓ તેમના હાથ પર ઓટોગ્રાફ આપે. જેમતેમ કરીને મીના કુમારીએ ઓટોગ્રાફ આપ્યો. બીજા દિવસે શહેરમાં જઈને તમને ખબર પડી કે તેમણે મધ્યપ્રદેશમાં તે સમયના કુખ્યાત ડાકુ અમૃત લાલ સાથે રાત વીતાવી હતી."

બીમારીમાં પણ અભિનય
પરંતુ શરાબ પીવાની અને તમાકુ ખાવાની આદતના કારણે મીના કુમારીનાં આરોગ્ય પર એટલી ખરાબ અસર પડી કે તેઓ તેમાંથી ક્યારેય બહાર આવી ન શક્યાં.
તેમનાં અંતિમ દિવસોના સાથી અને તેમની અંતિમ ફિલ્મ "ગોમતી કે કિનારે"ના નિર્દેશક સાવન કુમાર ટાક જણાવે છે કે, "6 દિવસ સુધી તો મારી ફિલ્મ બહુ સારી બની. ત્યાર પછી તેઓ બીમાર પડી ગયાં. તેઓ હંમેશાં એ વાત પર ભાર મૂકતાં હતાં કે કોઈ પણ સ્થિતિમાં ફિલ્મનું શૂટિંગ અટકવું ન જોઈએ."
''અમારી વચ્ચે એવો ભાવનાત્મક સંબંધ બની ગયો કે અમે એકબીજાને તકલીફ આપવા અંગે વિચારતા પણ ન હતા. તેમનામાં એટલી નબળાઈ આવી ગઈ હતી કે શોટ આપતી વખતે તેઓ પડી જતાં હતાં. લોકોને ખબર ન હતી કે તેઓ જ્યારે અભિનય કરતા હતા ત્યારે હું તેમને પાછળથી પકડી રાખતો હતો અને શોટ પૂરો થતા જ તેમને ખુરશી પર બેસાડી દેતો હતો. હું તેમનો આભારી છું કે તેમણે મને ડિરેક્ટર બનાવ્યો. તેમની શરત હતી કે તમે ફિલ્મ નિર્દેશન કરશો, તો જ હું આ ફિલ્મમાં કામ કરીશ.

"હું મરવા નથી માંગતી"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
અંતિમ દિવસોમાં મીના કુમારીને સેન્ટ એલિઝાબેથ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યાં. નર્સિંગ હોમના રૂમ નંબર 26માં તેમનાં અંતિમ શબ્દો હતાઃ "આપા, આપા, મારે મરવું નથી."
તેમની મોટી બહેન ખુરશીદે જેવો તેમને ટેકો આપ્યો, કે તેઓ કોમામાં સરી ગયાં અને પછી ક્યારેય તેમાંથી બહાર આવી ન શક્યાં.
સાવન કુમાર ટાક જણાવે છે, "જે દિવસે તેમનું મૃત્યુ થયું, તે દિવસે હું ત્યાં હાજર હતો. તેમને બાયકુલા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યાં. બધા લોકો તેમનાં પાર્થિવ શરીર પર માટી નાખીને જતા રહ્યા હતા. હું જ છેલ્લે સુધી રહ્યો હતો."
"મારી આંખમાં આંસુનું એક ટીપું પણ આવ્યું ન હતું. હું જાણે પથ્થર જેવો બની ગયો હતો. પરંતુ મેં તેમનાં પર એક મુઠ્ઠી માટી નાખી અને પહેલો દાણો તેમનાં પર પડ્યો, કે મારી આંખમાં એટલાં જોરથી આંસુ આવ્યાં કે હું મારી જાતને રોકી ન શક્યો. ત્યાંથી પાછા જતી વખતે મારા મનમાં એક શેર આવ્યો."
"ચાંદની મર ગઈ, રોશની મર ગઈ
સારી શમ્મે બુઝા કર ચલે આયે લોગ
ચાદરે ગુલ સે છિલતા થા જિસકા બદન
ઉસકો મિટ્ટી ઉઢા કર ચલે આયે લોગ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















