'હું એટલી કદરૂપી હતી કે તે બદલ માફી માગવાનું મન થતું', પોતાના જ દેખાવથી નફરત કેમ થઈ જાય, શું છે ઇલાજ?

ઇમેજ સ્રોત, Charlotte Joy
- લેેખક, એમિલી હોલ્ટ
- વાંચવાનો સમય: 4 મિનિટ
આપણાંમાંથી ઘણા લોકો અરીસામાં જોઈને સ્વયંના પ્રતિબિંબમાં રહેલી ખામીઓ શોધી શકે છે, પણ શાર્લોટનો પોતાના દેખાવ પ્રત્યેનો અણગમો કિશોરાવસ્થામાં પગરણ માંડતાં જ તેમના જીવન પર હાવી થવા માંડ્યો હતો.
તેઓ કહે છે, "સ્કૂલ બસ છેક સવારે 8.30 આવતી હોવા છતાં હું મળસ્કે 5.30 વાગ્યે ઊઠીને મેકઅપ કરતી હતી."
"હું વારંવાર મેકઅપ લગાવતી, હટાવતી, ફરી પાછો લગાવતી, પાછો મેકઅપ ઉતારતી, આવું કરતી રહેતી - જેથી તે શક્ય તેટલો સપ્રમાણ અને પરફેક્ટ દેખાઈ શકે."
શાર્લોટ કહે છે કે, તેઓ બધાંથી અળગા રહેવા માંડ્યાં હતાં, ત્યાં સુધી કે, તેઓ પરીક્ષા આપવા સિવાય કૉલેજ પણ જઈ શકતાં ન હતાં. પ્રોમ (શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉજવણીની રાત)માં જવાનું પણ તેમણે ટાળ્યું હતું, કારણ કે, ફોટો પડાવવાની તેમનામાં હિંમત નહોતી.
છેવટે તેમને બૉડી ડિસમોર્ફિક ડિસઑર્ડર (બીડીડી) હોવાનું નિદાન થયું.
બૉડી ડિસમોર્ફિયા શબ્દનો ઉપયોગ સોશિયલ મીડિયા પર ઘણી વખત કોઈ વ્યક્તિના તેના શરીર પ્રત્યેના અસંતોષને દર્શાવવા માટે કરવામાં આવે છે. પરંતુ, ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી ખાતે સામાજિક મનોવિજ્ઞાનના પ્રોફેસર વિરેન સ્વામી કહે છે કે, બીડીડી એટલે એવી સ્થિતિ, જેમાં પોતાના દેખાવ પ્રત્યેની લાગણી રોજબરોજના જીવન આડે અવરોધરૂપ બનવા માંડે.
સ્વામીએ બીબીસીના કૉમ્પ્લેક્સ પૉડકાસ્ટમાં જણાવ્યા અનુસાર, તે પોતાના દેખાવના અમુક પાસાં પ્રત્યેનું વળગણ છે, જે અન્ય લોકોને સામાન્ય લાગતું હોય છે, પણ તે વ્યક્તિને તે પાસું સદંતર ખામીભર્યું લાગતું હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીડીડીનાં લક્ષણોમાં ભાવનાત્મક હતાશા, લાંબા સમય સુધી દેખાવ અંગેના વિચારોમાં ગુમ રહેવું અને આ વિચારોને નિયંત્રિત કરવામાં અસામર્થ્યની લાગણી અનુભવવાનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમાં વારંવાર અરીસો જોવો અને શરીરનો જે ભાગ ખામીયુક્ત જણાતો હોય, તેને ફરી-ફરીને સ્પર્શવા જેવી વર્તણૂંક પણ સામેલ હોઈ શકે છે.
તેઓ કહે છે, "તેમનું સમગ્ર વિશ્વ તેમના શરીરનાં આ પાસાં પર કેન્દ્રિત થઈ ગયું હોય છે અને જાણે તેના સિવાય બીજું કશું જ સૂઝતું નથી હોતું."
સ્વામી કહે છે કે, મહિલાઓમાં શારીરિક અસંતોષની ભાવનાનું પ્રચલન વધુ હોય છે, પણ બીડીડીના કિસ્સામાં લિંગ વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત નથી.
શાર્લોટે લંડન સ્થિત ચિંતાની સમસ્યા પર ધ્યાન આપતા એક રહેણાક કેન્દ્રમાં દાખલ થતાં પહેલાં તેમના સ્થાનિક માનસિક આરોગ્ય સેવા કેન્દ્રમાં થેરેપી લેવાનું શરૂ કર્યું.
તેઓ કહે છે, "હૉસ્પિટલમાં જ્યારે મારી સારવાર ચાલી રહી હતી, ત્યારે મેં ઑક્યુપેશનલ થેરેપી કરી, જેમકે, કળા, માટીનાં વાસણ બનાવવાં, ગીત લખવાં અને આ રીતે હું સંગીત તરફ પાછી ફરી."
"તેનાથી મને મારા પૂર્ણતાવાદ (પર્ફેક્શનિઝમ)ને જોડવામાં, તેને અંધારામાંથી કાઢીને ઉજાસમાં લાવવામાં તેમજ શરમને દૂર કરવામાં મદદ મળી."
હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમણે અન્ય લોકોને મદદ કરવાના આશય સાથે પોતાનો અનુભવ ઑનલાઇન રજૂ કરવાનું શરૂ કર્યું.
જે લોકો આવી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય, તેઓ પ્રથમ તેમના ડૉક્ટર પાસેથી મદદ મેળવે, એવો અનુરોધ સ્વામી કરે છે.
અને જો તમને લાગતું હોય કે, તમારા કોઈ પરિચિત વ્યક્તિ બીડીડીથી પીડાય છે, તો ધૈર્ય ધરવું જોઈએ અને સહાનુભૂતિ રાખવી જોઈએ. આવા લોકો માટે તેમના વિચારોની રોજેરોજ ખાતરી કરવી સામાન્ય છે, એમ તેમણે સમજાવ્યું હતું.
તેઓ કહે છે, "આ વાતચીત બંધ કરી દેવાને બદલે અને તે વિશે ગુસ્સે થવાને બદલે એ સમજવું જોઈએ કે, બીડીડી એક માનસિક આરોગ્યલક્ષી સ્થિતિ છે, જે તેની મેળે દૂર નથી થતી. વળી, ઘણી વખત પ્રોફેશનલ સહાય વિના સ્થિતિ વકરી શકે છે."
'હું પોતાને એટલી કદરૂપી માનતી કે તે બદલ માફી માગવાનું મન થતું'

ઇમેજ સ્રોત, Tilly Kaye
ટિલ્લીમાં પણ કિશોરાવસ્થામાં જ બીડીડીનાં લક્ષણો વિકસવા માંડ્યાં હતાં.
તેઓ કહે છે, "મારા કદરૂપાપણ બદલ મને મારી બાજુમાંથી પસાર થતા લોકોની માફી માગવાનું મન થતું. હું કદી જાહેર દર્પણમાં મારી જાતને જોઈ શકતી નહોતી."
તેઓ કદી તંગ વસ્ત્રો ન પહેરતાં અને તહેવારો તથા પાર્ટી માટે તૈયાર થવાનું તેમને "કષ્ટદાયક" લાગતું.
"તેનાથી એક નકરાત્મક ચક્ર શરૂ થઈ જતું, જેના કારણે હું કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમાંથી સમયસર બહાર આવી શકતી નહીં."
શરૂઆતમાં ટિલ્લીને લાગ્યું કે, તે ઓછા આત્મવિશ્વાસ અને હતાશાનાં લક્ષણો હતાં.
આગળ તેઓ જણાવે છે, "વિવિધ પ્રકારના આ અનુભવોને મારા દેખાવ સાથે સીધો સંબંધ છે, તે પારખવાની શક્તિ પણ મારામાં નહોતી."
તે પછી જ્યારે તેઓ ફૅશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરવા માટે યુનિવર્સિટી ગયાં અને ઉદ્યોગમાં કામ કરતાં અન્ય લોકો સાથે પોતાની તુલના કરવા લાગ્યાં, ત્યારે તેમનાં બીડીડીનાં લક્ષણો વકરવા માંડ્યાં.
પરિણામે, દેખાવને લઈને નકારાત્મક અને હતાશાજનક વિચારો તેમને ઘેરી વળ્યા. વળી, તેમાં ખુદને અયોગ્ય ગણવાની લાગણી પણ સામેલ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં ઘણાં વર્ષોમાં ટિલ્લીએ ઘણા થેરપિસ્ટ્સની સલાહ લીધી હતી, પણ તેમાંથી કોઈ થેરપિસ્ટ બૉડી ઇમેજમાં સ્પેશ્યલાઇઝેશન નહોતા ધરાવતા.
તે પછી ટિલ્લીએ એનએચએસના એક મનોચિકિત્સક પાસે જવાનું શરૂ કર્યું, જેમણે ટિલ્લીને બીડીડી હોવાનું નિદાન કર્યું.
ટિલ્લી કહે છે કે, તેઓ બીડીડી ફાઉન્ડેશન સાથે એક સપોર્ટ ગ્રૂપમાં જોડાયાં અને લક્ષણોમાંથી છૂટકારો મેળવવા માટે એક ખાનગી થેરપિસ્ટની મદદ મેળવી.
તેઓ બીડીડીનાં લક્ષણો અનુભવનારી કોઈપણ વ્યક્તિને ડૉક્ટર સાથે પોતાની ચિંતાની ચર્ચા કરતાં પહેલાં આ સ્થિતિ અંગે સંશોધન કરવાની સલાહ આપે છે.
તેઓ ઉમેરે છે, "તેનો અર્થ એ છે કે, લોકો વધુ આત્મવિશ્વાસ સાથે મદદ માગી શકે છે."
હવે ટિલ્લી તેમના વિચારો પર વધુ નિયંત્રણ રાખવા માટે સક્ષમ છે.
તેઓ જણાવે છે, "હવે તૈયાર થતી વખતે જો હું અરીસામાં જોઉં અને મને મારો દેખાવ પસંદ ન આવે, અને જો મને ગભરામણ પણ થઈ રહી હોય, તો હું બસ ત્યાં જ એ લાગણીને અટકાવી શકું છું," એમ તેઓ જણાવે છે.
"જુદા-જુદા દિવસો અને મનોદશાના આધારે હું મારી જાતને જે રીતે જોઉં છું, તે રીતે અન્ય લોકો મને નથી જોતા, તેઓ મને બસ ટિલ્લી તરીકે જોતા હોય છે."
તેઓ કહે છે કે, તેમની માનસિકતામાં સમૂળગું પરિવર્તન આવી ગયું છે.
"આ આનંદ મારા જીવનમાં પાછો આવ્યો છે અને બાળપણ પછી પ્રથમ વખત મને સ્વયં પ્રત્યે પ્રેમની લાગણી ઉદ્ભવી છે.'"
શાર્લોટ ઈચ્છે છે કે, લોકો જાણે કે, "તમે સાજા થઈ શકો છો, આશા જીવંત છે."
"હું અત્યંત સંતુષ્ટિ અનુભવું છું અને ઘણી ખુશી અને આનંદ અનુભવું છું. હું હવે સાચે જ મારા જીવનને પ્રેમ કરું છું અને મેં કદીયે વિચાર્યું નહોતું કે, હું અહીં સુધી પહોંચી શકીશ."
જો તમે કે પછી તમારા કોઈ પરિચિત આ લેખમાં જણાવેલા મુદ્દાઓથી પ્રભાવિત થયા છો, તો કૃપા કરીને મદદ કરનારાં સંગઠનો વિશે માહિતી મેળવવા માટે બીબીસી ઍક્શન લાઇન પર જશો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












